Wednesday, September 05, 2012

હિંસાખોરીને વ્યાજબી ઠરાવવાની કવાયતો

(નોંધ: આ લેખ  વિચારપત્ર 'નિરીક્ષક'ના 01.09.2012ના અંકમાં છપાયેલો છે, જેને અહીં વધુ મિત્રો સુધી પહોંચી શકે તે અર્થે શબ્દશ: મૂકેલો છે.)

નિરીક્ષકના છેલ્લા બે-ત્રણ અંકોમાં(June-July,2012) એન્કાઉન્ટર, અમુક-તમુક લેખનો અને તેની નીસ્બતો અંગે ઠીક-ઠીક ચર્ચા ચાલી છે. આ ચર્ચામાં 'મેં શું કહ્યું અને તમે શું કહ્યું' જેવું ઘણું થઇ શકે છે પણ તે બધી પળોજણમાં પડ્યા કરતાં આખી ચર્ચાના મૂળ હાર્દને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ. ચર્ચાનું મૂળ હાર્દ છે કે હિંસાખોરીની તરફેણ કેટલી હદ સુધી કરી શકાય તેમ છે અને આપણી આસપાસ આ હદ કેટલે સુધી વિસ્તરી ચૂકી છે. મૂળ ચર્ચા અખબારી કટારલેખન પરથી શરૂ થયેલી એટલે તેને મધ્યમાં રાખીને વાત કરીએ.

ગુજરાતમાં અખબારી કટારલેખનમાં છેલ્લા કેટલાય વર્ષોથી હિંસાનું એક યા બીજી રીતે સમર્થન કરવાની હરીફાઈ ચાલે છે, ભલે પછી તે ૨૦૦૨ પછીનો હિંસાકાંડ હોય કે પછી અમુક-તમુક એનકાઉન્ટર કે પછી રાજકીય વિરોધીઓને ડામવા કરાતો અત્યાચાર. હિંસાનું સમર્થન જ્યારે જાહેર માધ્યમોમાંથી સતત થતું રહે છે ત્યારે નાના- મોટા હિંસા કાંડો અંગે પ્રજાનો સ્મૃતિલોપ કે સગવડ મુજબની યાદશક્તિને ટેકો મળી રહે છે. કારણકે ‘જે થયું તે ઠીક થયું’ - તેના કારણો તેમને સતત મળતા રહે છે અને ‘શું થયું હતું’ તે ભૂલાતું જાય છે. ધીરેધીરે હિંસા માત્ર દરેક પ્રશ્નનાં નિરાકરણ સ્વરૂપ સામે આવીને ઉભી રહે છે. શું આપણે એવા સમાજ તરફ ધસી રહ્યા છીએ કે જ્યાં કાયદેસર કે ગેરકાયદેસર હિંસાથી જ દરેક પ્રશ્નનું સમાધાન થતું હોય?

જો કે એનકાઉન્ટર અને બીજા મુદ્દાઓમાં તો એવું બન્યું છે કે હિંસાને વ્યાજબી ઠરાવતો રાજકીય મત પહેલા પ્રગટ થયો હોય અને પછી તેને અખબારી કોલમ ચલાવતા ચિંતકો-લેખકોએ બરાબર ઝીલ્યો હોય. જાણે કે સરકારી કે કોમી હિંસાખોરીને વ્યાજબી ઠરાવવાનો કુટીર ઉદ્યોગ ફેલાઈ ગયો છે અને સત્તાધારી પક્ષને ભાવતું કહેવાવાળા વૈધોનો ફાલ વિકસતો જાય છે. બહુ લાંબા સમયથી એક જ પ્રકારનો રાજકીય સૂર્ય તપતો હોય તો તેની દરેક દિશા ઝૂલવા અને તેનો પડ્યો બોલ ઝીલવા સુરજમુખીઓ મળી રહે છે. અહીં પહેલી તકલીફ એ છે કે એ બધા સુરજમુખીઓ પોતાને સંત-મહાત્મા તરીકે ઓળખાવે છે. કદાચ તેમનામાં પોતાની જાતને સુરજમુખી કહી શકવાની ઈમાનદારી નથી. બીજી તકલીફ એ છે કે સુરજમુખીઓ લોકપહોંચની રીતે અને પુરસ્કારની રીતે અખબારી દુનિયામાં ટોચ પર સ્થાપિત છે. આવા મોટાભાગના લેખકોએ એક ય બીજી રીતે હિંસાનો મહિમા કર્યો છે અથવા તો અહિંસા તરફ પ્રતિબદ્ધતા બતાવવામાં ઉણા ઉતર્યા છે. જો ટોચ પર જ આટલી અલ્પતા જોવા મળતી હોય તો ખીણપ્રદેશના તો શું હાલ હોય? ટોચ પર જ કટાર લેખનનું સ્તર આવું હોય તો નવા-સવા લેખકો પાસેથી શું આશા રાખી શકાય? આપણે તો ખીણપ્રદેશમાંથી કંઇક નવું અંકુર ફૂટે તેની રાહ જોઇને બેસી રહેવાનુંને!

હિંસાખોરીને વ્યાજબી ઠરાવવાની મોડસ ઓપેરેન્ડી કંઇક એવી હોય છે કે બધી  હિંસાખોરીના મુદ્દાને ઈતિહાસ-રાજકારણના સગવડિયા સંદર્ભો અને મોટેભાગે મૃત વ્યક્તિના અષ્ટમ-પષ્ટમ અવતરણોથી ગૂંચવી દઈને અંતે આડી-અવળી એટલી બધી ભૂમિકા બાંધવાની કે હિંસાવાળી વાત જ ગૌણ બની જાય. કોઈના મૃત્યુ અને કોઈએ આચરેલા અત્યાચારો ગૌણ બની જાય અને મૂળ મુદ્દાની આસપાસ રચાયેલા જાળામાં આખી વાત ગૂંચવાઈ જાય. ઈતિહાસ-રાજકારણના સગવડિયા સંદર્ભો એટલે કે આખા ભારતીય ઉપખંડના ઇતિહાસને ધર્મ, જાતિ, પ્રદેશ વગેરેનાં ચશ્માથી જોવો. કોઈક વ્યક્તિ કે તેના વડપણની સરકાર સામે ચીંધેલી આંગળીને 'ગુજરાતને બદનામ કરવાનું કાવતરું' માનીને 'ગુજરાત વી. રેસ્ટ ઓફ ઇન્ડિયા'ની કાલ્પનિક રમતો રમાડવી. આ રીતે ગુજરાતને, તેની પ્રજાને, અમુક વ્યક્તિને અન્યાય થઇ રહ્યો છે તેવું  વિકટીમહૂડ સુવ્યવસ્થિત રીતે ઉભું કરાયું છે. જેનો વારે-તહેવારે ઓચ્છવ કરવાથી હિંસાનો મૂળ મુદ્દો બાજુ પર મૂકાઈને જે થઇ રહ્યું છે તેને વ્યાજબી ઠરાવવા માટેનું માળખું રચી શકાય છે. વળી, તેમાં ‘ગૌરવ’ કે ‘અસ્મિતા’ ભેળવવાથી આખી દલીલ ઘટ્ટ બને છે. તાર્કિક રીતે જોઈએ તો એક અન્યાય બીજા અન્યાયને વ્યાજબી ક્યારેય ઠરાવી ન શકે પણ આવી સ્પષ્ટતાઓ કરવાની સૂઝ કોને છે? ઈતિહાસ-રાજકારણના સગવડિયા સંદર્ભો અને ગાંધી જેવા વ્યક્તિના સીફતતાથી લીધેલા એકતરફા અવતરણો વિષે વ્યવસ્થિત સમજ રાજેશ મિશ્રા ''નિરીક્ષક''ના અંકમાં (16.07.2012) આપી જ ગયા છે. આવા તો કેટલાય લેખકોએ વ્યક્તવ્યો આપ્યા હશે જો એક જ વક્તવ્યના વ્યવસ્થિત અભ્યાસમાંથી આટલા અર્ધસત્યો અને જૂઠાણાં જડી આવે તો છેલ્લા દસ વર્ષના વક્તવ્યો વિષે કેટકેટલું 'ચિંતન-મનન' કરી શકાય?

આ મોડસ ઓપરેન્ડીની બીજી કરામતરૂપે એક રાજકીય પક્ષની હિંસા વ્યાજબી ઠરાવવા માટે સામેના પક્ષની નબળાઈઓ શોધી કાઢવામાં આવે છે. જેમકે, ૨૦૦૨ની હિંસાની વાત નીકળતા જ ૧૯૮૪ની હિંસાની વાત લઇ આવવી કે ગુજરાતમાં થયેલા એનકાઉન્ટર સામે મહારાષ્ટ્રમાં થયેલા એનકાઉન્ટરને યાદ કરવા. આ રાજકીય પક્ષાપક્ષીમાં નાગરિકોનો પક્ષ શું હોવો જોઈએ, સામાજિક મૂલ્યો શું હોવા જોઈએ વગેરે ચર્ચાઓ બહુ જોવા મળતી નથી. આપણે નાગરિક તરીકે રાજકીય પક્ષોને કહી શકીએ છીએ કે આ બધું નહિ ચાલે? આ દેશના નાગરિકોને ૨૦૦૨ અને ૧૯૮૪ બંને સામે વાંધો હોવો જ જોઈએ - પણ શું એ આપણે ભાજપ અને કોંગ્રેસ બંનેને કહી શક્યા છીએ?

રાજકીય પક્ષો માટે એક-બીજા પર દોષારોપણ કરવું સહેલું છે, કારણકે બધી શક્તિ-સમય તેમાં ખર્ચાઈ જાય છે અને સરવાળે બંનેમાંથી એકેયનો કાન ઝાલી શકાતો નથી. એ જ રીતે ગુજરાતમાં ખંડણીખોરીની રાહે થયેલા અને મહારાષ્ટ્રમાં ગેંગવોરને નામે થયેલા એનકાઉન્ટર કોઈ સભ્ય સમાજની નિશાની નથી. પણ ઘેરબેઠાં એનકાઉન્ટર વ્યાજબી ઠરાવવા સહેલા છે. એ પેલા 'આ બધાને તો ફટકારવા જ જોઈએ' સિન્ડ્રોમનું એક સ્વરૂપ જ છે. જો કે કાયદો-વ્યવસ્થા કે ન્યાયપ્રણાલીની ગંદકી સાફ કરવા માટે નક્કર મંતવ્યો આપીને પ્રજામત ઉભો કરવો તે અઘરું છે અને મહત્વની વાત એ છે કે તેના માટે જોઇતા 'ટીઆરપી' મળતા નથી. સૌથી વધારે 'ટીઆરપી' એકતરફી નારેબાજી કરવાથી મળે છે અને બદનસીબે એક જમાનામાં વખણાયેલી કટારોમાં છેલ્લા કેટલાય વર્ષોથી નારેબાજી જ જોવા મળે છે. જયારે કોઈ એનકાઉન્ટરના આરોપી અને પોતાની ફરજ ચૂકેલા પોલીસકર્મીને હીરો બનાવવાનું કામ કરે, તેને મળવા જાય, તેના પુસ્તકોનું વિમોચન કરવા જાય અને આ બધી બાબતો જાણે કે સામાન્ય હોય તેવી નોંધ પણ ન લેવાય ત્યારે સમજાય કે સમાજને આવા મુદ્દે અચેત-ચેતનવિહોણો બનાવવાનું કામ કેટલું સફળ થયું છે.

હિંસાને વ્યાજબી ઠરાવતા લેખકોમાં બે પ્રકારોનો ખાસ ઉલ્લેખ કરી શકાય. એક ગાંધીને શિષ્ટતાથી ગાળ દઈને હિંસાનું સમર્થન કરતાં અને બીજા તે ગાંધીના નામનો દુરુપયોગ કે સ્વાર્થ પૂરતો ઉપયોગ કરીને હિંસાનું સમર્થન કરતા લેખકો. આ લેખકો ગાંધીનું નામ લઈને, બુદ્ધનું નામ લઈને અહિંસાના વિચારમાત્રને ઉલટાવવાનો ઉદ્યોગ ચલાવી રહ્યા છે. જો કે બંને પ્રકારના લેખકોમાં સામ્ય એ છે કે બંને હિંસાને વ્યાજબી ઠરાવવા માટે નવા જમાનાનો વ્યવહારવાદ પીરસતા જણાય છે. જેમાં કોઈ એક લાફો મારે તો તેને બીજો ગાલ ધરી ન દેવાય - એવા પ્રકારના અનેક ઉદાહરણો આવે. 'આ લોકોને તો આમ જ સીધા કરવા જોઈએ' જેવું મતલબનું પણ ઘણું લખાય, અલબત્ત પૂરતી છટકબારીઓ રાખીને, સંદર્ભો ગૂંચવીને. હિંસાનું આવું બેબાક સમર્થન પણ હિંસા જ છે. હિંસાખોરીને વ્યાજબી ઠરાવવા મત ઉભો કરવો પણ હિંસા જ છે.

'આ બધાને તો ફટકારવા જોઈએ' કે 'જે થયું તે બરાબર થયું' પ્રકારના વિધાનો ખાનગી રીતે કે પાનના ગલ્લે બોલાતાં હોય છે. જ્યારે આ વિધાનો જાહેર માધ્યમોમાં કદાચ થોડી શિષ્ટ ભાષામાં પણ નિયમિત રીતે ફરતા થાય તો એ સામાજિક રોગની નિશાની બની જાય છે. હિંસાથી કોઈનું ભલું થતું નથી એ ઇતિહાસમાં વારંવાર સાબિત થયું છે અને ગાંધીજીની કર્મભૂમિ-જન્મભૂમિ એવા ગુજરાત પાસે તો અહિંસાનો મહિમા કરવા માટેના કારણો શોધવા દૂર જવું પડે તેમ નથી. બુદ્ધ પરથી જાપાન દેશ યાદ આવે છે કે જ્યાં અહિંસા અને આંતરરાષ્ટ્રીય શાંતિની પ્રતિબદ્ધતા માટે બંધારણમાં લશ્કર ન રાખવાની અને યુદ્ધમાં ભાગ ન લેવાની જોગવાઈ કરી છે. જો આપણે ગુજરાતને જાપાન બનાવવા નીકળ્યા હોઈએ તો જાપાનમાંથી વિદેશી રોકાણોની સાથેસાથે તેના અહિંસા અને શાંતિ માટેના પ્રેમની પણ આયાત ન કરી શકાય?

મોડસ ઓપેરેન્ડીની એક ઔર કરામત એ છે કે જે કોઈ તમારા વિચારોનો વિરોધ કરે તેના માથે 'સ્યુડો સેક્યુલર'થી માંડીને 'ગુજરાત વિરોધી' તો અંતે 'દેશદ્રોહી'ના લેબલ મારી દેવાથી કોઈ તાર્કિક ચર્ચાને અવકાશ રહેતો નથી. આજે ગુજરાતી અખબારી આલમમાં સૌથી વધારે માનવ અધિકારવાળા અથવા સેક્યુલારીસ્ટોને સૌને ભાંડવામાં આવે છે. એમાંથી થોડા-ઘણા કદાચ તેમના કર્મોના ફળ હશે પણ તે સિવાય તેમનો વાંક-ગુનો ખરેખરમાં શું છે? શું તેમને કોઈના ખૂનના કે બળાત્કારના કે તોડફોડના કેસમાં પકડવામાં આવ્યા છે? શું તે કોઈની દૂકાન પર પથ્થર નાખતા પકડાઈ ગયા છે કે કોઈના પર અત્યાચાર કરવા ગયા છે? લોકશાહીમાં એક ભિન્ન રાજકીય મત આપવા કે ઉભો કરવાનો (મોટેભાગે આંશિક) પ્રયત્ન કરવો એ જ તેમનો ગુનો છે? તો પછી આ કેવો પૂર્વગ્રહ કે ગુનાખોરીના આરોપસર જે વ્યક્તિઓ જેલમાં હોય તેના પર તો વહાલ ઉપજી શકે છે પણ આ 'સ્યુડો-સેક્ય્લારીયા' પર જાહેરમાં માછલાં ધોવાય છે?

ચાલો, આ વાત બીજી રીતે વિચારી જોઈએ. શું સમાજ અને સરકાર માનવ અધિકારની મહિમા કરતા હોવા જોઈએ કે તેનો વિરોધ કરતા? કોમવાદનું મહાત્મ્ય થવું જોઈએ કે સેક્યુલારિઝમનું? પ્રશ્નોના જવાબ સાફ, સીધો છે અને આ દેશના નિર્માણનો પાયો જ સર્વસમાવેશક વિચારો પર રચાયો છે. એટલે ચર્ચાનો વિષય એ જ હોઈ શકે કે વધારે સારા માનવઅધિકાર ધરાવતા અને વધારે સેક્યુલર સમાજનું નિર્માણ કેવી રીતે કરવું? માનવ અધિકારના અને સેક્યુલારીઝ્મના ખેપીયાઓને શાબ્દિક ગોળીઓ મારવાથી કંઈ વળવાનું છે? છતાંય આ ઉદ્યોગ વ્યવસ્થીત ચાલે છે. કદાચ આ ખેપીયાઓને ગોળીઓ મારવી જરૂરી હોય છે. તો જ આખી ચર્ચા ચૂંથાઈ જાય અને કોલમ તેજાબી-એસીડીક લાગે તે વળી નફામાં. તેજાબી-એસીડીક લાગવાનો એક મહત્વનો અભરખો અખબારી કટારલેખનમાં હોય છે અને તેની ઐતિહાસિક રીતે ઉત્ક્રાંતિ થઇ છે. કલમને તેજાબી બનાવવા માટે કોઈનું નામ લીધા વગર અમુક વિલન પકડવા પડે, જેમકે 'સ્યુડો-સેક્યુલારિયાઓ'. કદાચ આ વિલનો કાલ્પનિક હોય તો વાંધો નહી પણ તેમની સામે યુદ્ધ જાહેર કરવું જરૂરી છે. યુદ્ધે ચઢેલા કટાર લેખકો વધુ લોકપ્રિય હોય છે તેવો એક મત છે. આમ તો, સભાન વાચકોને ડોન કિહોટે પવનચક્કીને દૈત્ય સમજીને યુધ્ધે ચડતો તે પ્રકારનું દ્રશ્ય લાગે પણ દરેક ડોન કિહોટેને પોતપોતાના સાંચો પાન્ઝા એકથી વધારે સંખ્યામાં મળી આવતા હોય છે, તે પણ હકીકત છે.

અખબારી કટારલેખન વિષે ઉપર જે કંઈ લખ્યું તેમાં જરૂર કરતાં વધુ પડતું સામાન્યીકરણ હોઈ શકે છે. સામાન્યીકરણ હંમેશા વધુ પડતું જ હોય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી અખબારી કટારલેખનનું સ્તર શું છે, તેની ગુણવત્તા શું છે? તે કેવા સંદેશ વહેતા કરે છે? તે કેવા આદર્શોને પોત્સાહિત કરે છે? તેમાંથી ઘણામાં હિંસાનું સતત સમર્થન કેમ હોય છે? આ બધા પૂછવા જેવા સવાલો છે, જે મોટેભાગે પૂછાતા નથી.

7 comments:

  1. બહુ બહુ બહુ વિચારણીય વાત.

    ReplyDelete
  2. રુતુલ, ખૂબ સુંદર લેખ બદલ ખૂબ ખૂબ અભિનંદન. સાચું કહું, ક્યારેક તો અન્ય વાચકોની જેમ હું પણ કંટાળી જતો હતો 'નિરીક્ષક'માં લગાતાર છપાતા આ કાળા કકળાટથી, અને એમના સૂરમાં સૂર પૂરાવી કહેવાનું મન થતું હતું : ભૈસા'બ, હવે ખરેખર ખમયા કરો. મોદી, ગુણવંત શાહ, વણઝારા વગેરે નામો વાંચી વાંચીને હવે ભયંકર ઉબ આવે છે. આ સામાયિક વિવિધ સમસ્યાઓ પર વિવિધ વિચારો પીરસતું વિચારપત્ર છે કે કોઈ એક સેક્યુલર મંડળ કે માનવ અધિકાર મંડળનું મુખપત્ર? હું ચોક્કસ માનું છું કે 'અનજસ્ટ મસ્ટ બી ચેઈઝ્ડ ટિલ હીઝ ગ્રેવ.' અને અન્યાય સામેની આ લડાઈ તો ચોક્કસ જારી રહેવી જોઈએ, પણ એને માટે 'નિરીક્ષક'ના માથે એક હદથી વધારે બોજો મૂકીને એને મોનોટોનસ ન બનાવી મૂકવું જોઈએ. એને માટે 'તેહેલકા' જેવા ઇન્વેસ્ટીગેટીવ પત્રો પણ ગુજરાતમાં શરુ થવા જોઈએ.

    રુતુલ, તમારો લેખ મને ખૂબ શાલીન શૈલી અને સૌને (આશા રાખું કે આ સૌમાં 'નિરીક્ષક'ના ટીકાકારો ઉપરાંત ગુણવંત શાહ અને મોદી પણ સમાઈ જાય) ગળે ઉતરે તેવી સૌમ્ય તાર્કિકતાથી સભર લાગ્યો. મને લાગે છે કે એનાથી સૌને ટાઢક વળશે. ઈચ્છું કે તમે 'નિરીક્ષક'માં વધારે લખતા રહો.

    ReplyDelete
    Replies
    1. Thanks Neeravbhai for very encouraging words!

      Delete
  3. "જયારે કોઈ એનકાઉન્ટરના આરોપી અને પોતાની ફરજ ચૂકેલા પોલીસકર્મીને હીરો બનાવવાનું કામ કરે, તેને મળવા જાય, તેના પુસ્તકોનું વિમોચન કરવા જાય અને આ બધી બાબતો જાણે કે સામાન્ય હોય તેવી નોંધ પણ ન લેવાય ત્યારે સમજાય કે સમાજને આવા મુદ્દે અચેત-ચેતનવિહોણો બનાવવાનું કામ કેટલું સફળ થયું છે."

    Lovely piece Rutul. Loved it. You are so right about how they completely muddle up the real issue by senselessly deviating and giving useless contexts. One of their favourite ploys is to get into intellectual hairsplitting of the very word 'secularism' and then justifying how it does not work in the Indian context. This gem actually started with Advani (and of course how can forget 'cultural nationalism' here?) and has been perpetrated thoughtlessly by these worthies for over two decades now. It's such a shame.

    ReplyDelete
    Replies
    1. Dear Vistasp,

      Thanks! It is a shame that such illogical, illconceived ideas are making so much mark in today's society.

      Rutul

      Delete
  4. Very thoughtful , sir . Gradually Media is loosing it's honor & behaving as amateur .

    ReplyDelete