Sunday, May 13, 2012

મંટોને થોડો ખુલ્લો, થોડો બંધ પત્ર...

ભાઈ મંટો, 
અમને વાર્તા અને હકીકતની ભેળસેળ કરવાની આદત છે. તારી કહેલી વાર્તાને કલ્પના જ માનીએ તો સહેલું લાગે છે, નહિ તો પછી બહુ અઘરું થઇ પડે છે. આવું બધું તો સમાજમાં થતું હોય? કેવું ગંદુ-ગોબરું-છીછરું... અને તેના વિષે વાર્તાઓ લખવાની! પાછું આવું બધું લખીને તારે ગલગલીયાં પણ નથી કરાવવા? જો તું ગલગલીયાં કરાવવાના ધંધામાં હોત તો તને 'આધુનિક' કે 'ફોરવર્ડ' માનીને એમ કહી શકાય કે તને ખરેખર વાચકોની પલ્સ ખબર છે. પણ તું તો સમાજની પલ્સ પકડીને તેનું હેલ્થ બુલેટીન લખવાની જદ્દોજહદ કરી રહ્યો છે. એ તો ખોટનો ધંધો છે. આપણે ત્યાં સાહિત્ય, ફિલ્મો, તમાશા, રીયાલીટી શો વગેરે સમાજનું હેલ્થ બુલેટીન ન વાંચવું પડે તે માટે ભાગી છૂટવાના ઉત્તમ રસ્તાઓ છે. અમે ભાગેડુ પ્રજા છીએ અને અમને વાર્તા અને હકીકતની ભેળસેળ કરવાની આદત છે. તેમાંથી અમે મોટા-મોટા ઉદ્યોગો ઉભા કર્યા છે. આવા ઉદ્યોગો વગર વિકાસ શક્ય નથી તેની તને ખબર હોવી જોઈએ. એટલે તારી વાર્તાઓ થોડી કેફી બનાવ કે જેમાં સ્વપ્નસૃષ્ટિ સરી આવે. આ નગ્ન હકીકતો પચતી નથી. 

કોઈકે પૂછ્યું કે મંટો તો પાકિસ્તાની લેખક હતો, નહિ? તું માત્ર 'પાકિસ્તાની' છે તે આરોપસર અમે તને ન પણ ગમાડીએ. જોયું, કેવી તરત તારી વ્યાપકતા છીનવાઈ ગઈ અને તને એક હિસ્સામાં પૂરી દેવામાં આવ્યો. થોડી રાહ જોશે તો પછી 'ઉર્દૂ લેખક' હોવાનું છોગું પણ આવશે. 'તમે ક્યાંના' અને 'તમે કેવા' એ કેટલા ધારદાર પ્રશ્નો છે! ભલેને પછી તે તારું મોટા ભાગનું જીવન એવા દેશમાં વિતાવ્યું હોય કે જેના બે ભાગ પડશે તેની તે દેશને પણ ખબર નહોતી. તું ભલે એમ માનતો હોય કે તું ટોબા ટેકસિંહની જેમ બે સરહદો વચ્ચેના 'નો મેન્સ લેન્ડ'માં દફન થઇ ગયો હોઈશ, પણ અમે તો તારા ગળે દેશ, પ્રાંત, ભાષા, જાતિ, ધર્મનો ગાળિયો પહેરાવીને જ રહીશું. કેમ અમે નથી પહેરતા આવા ગાળિયા? તું શું જન્નતથી ઉતરીને આવે છે? જેવી રાજકારણની જરૂરત અને ગર્વથી ગાળીયા પહેરવાવાળાની ગરજ, એ મુજબ ધીરે-ધીરે ગાળિયો પહેરાવાય અને પછી ભીંસાય. હવે તું ગાળિયાને ગાળિયો કહે અને ભીંસાવાને ભીંસાવું કહે તે કેમ ચાલે? કેટલાક લોકો તો પોતાના ગાળીયાને શણગારે, સવાર-સાંજ આરતી કરેને એને ફૂલ ચઢાવે. બીજાનો ગાળિયો કેવો કદરૂપો છે, તેની ચર્ચામાં સમય પસાર કરે. આટલી મહેનત કરીને ધીરે-ધીરે ભૂલી જાય કે આ ગાળિયો છે. તે તું પાછો તેમને અરીસા બતાવે તે કેમ ચાલે? 

તું કોઈ વિચારધારાનું કે રાજકીય પક્ષનું પૂંછડું પકડીને ય બેઠો નથી હોતો. ગળામાં ગાળિયો અને હાથમાં પૂંછડું એ સમકાલીન વ્યવહારુપણાની નિશાની છે. પૂંછડાને પંપાળવું પડે, રમાડવું પડે અને જરૂર પડે તો ધાવવું પડે. ક્યારેક પૂંછડું ગળાના ગાળીયાનું રિપ્લેસમેન્ટ હોય છે. આ પૂંછડાઓની દર પાંચ વર્ષે સ્પર્ધા થતી હોય છે અને ત્યારે ખબર પડે છે કે દરેક પૂંછડા જોડે જોડાયેલું એક જાનવર હોય છે. તે કેમ આ જાનવર જેવું રાખ્યું નથી? જો પૂંછડું પકડ્યું હોત તો તારા પર અશ્લીલતાના કેસ થયા ત્યારે પેલું જાનવર કેટલું કામમાં આવ્યું હોત. આમ કોઈને કેસ કરવા પડે તેવું લખાય? અને લખાઈ ગયું તો કંઈ નહિ પણ એવા કોન્ટેક્ટ હોવા જોઈએ કે કેસ થાય તોય કંઈ તકલીફ ન પડે. કેમ... તું નાનો હતો ત્યારથી કોઈએ શીખવાડ્યું નહોતું કે બધે ઓળખાણ રાખવાની, બધું સાચેસાચું નહિ કહી દેવાનું અને 'હા-જી-હા' કરતાં શીખવાનું વગેરે. મૂળ પાયો જ કાચો લાગે છે તારો. 

 તું શહેરનો કચરો ઉચેલતો હોય તેમ ખરાબ ચરિત્રના પાત્રો ક્યાંથી ગોતી લાવે છે? તને આધ્યાત્મિક વાતો કરતા નથી આવડતું કે 'પાવર ઓફ પોઝીટીવ થીંકીંગ' વિષે તને બહુ ખબર નથી લાગતી. લાગણીના સંબંધો, સબંધોનું આકાશ, આકાશમાં આનંદયાત્રા, યાત્રામાં પાંગરતો પ્રેમ, પ્રેમકૂંપળ પર ઝાકળ, ઝાકળની ભીની સુગંધ, સુગંધોનો દરિયો, દરિયાની છાલકમાં હિલોળે ચડતું જોબન, માનવમનની ભરતી-ઓટ, તેમાં સરી જતા રેતીના કિલ્લા, દિલના દરવાજે દસ્તક - કેટકેટલું લખવા માટે છે આ દુનિયામાં. તો કેમ તને લખવા માટે સકીના, સુગંધી, ઈશરસિંઘ, બિમલા જેવા જ મળે છે? ક્યારેક તો સારા માણસો વિષે લખ. આટલું બરછટ લખવાની જરૂર શું છે? થોડું પોઝીટીવ વિચારવામાં શું તકલીફ પડે? બહુ સહેલું છે. થોડો ટ્રાય કર... સંબંધોના કાર્ડિયોગ્રામ કાઢ, વિચારોના નિંદામણ કર, પ્રેરણાના ઝરણાંમાં છબછબીયાં કર. આજકાલ આવું જ ખપે છે. તું પાછો કહેશે કે 'હું જે ખપે તે માલ રાખનાર કરિયાણાનો વેપારી નથી, લેખક છું.' સો વર્ષ થયા હવે તો થોડો પ્રેક્ટીકલ બન... જો તને લખતાં તો આવડે જ છે. બસ, એને થોડું સુવાળું કરવાની જરૂર છે. બીભત્સ રસ પર થોડો મેકઅપ છાંટે તો શૃંગાર રસ બની જાય. 'વાસના'ની જગ્યા 'લાસ્ય' લઇ લે. પછી જો લોકો તારી જન્મશતાબ્દી કેવી ધૂમધામથી ઉજવશે!

છેલ્લે એક વાત તો કહે... તારી વાર્તામાં વાંચ્યું કે કબીર નામનો કોઈ શખ્સ રડતો હોય છે - દેખ કબીર રોયા. એટલે કોઈ કબીર પાકિસ્તાનમાં ય છે? આવો એક કબીર અમારે ત્યાં પણ છે? પાકિસ્તાનમાં હશે તો મુસલમાન હશે... નહિ? પણ અમારે ત્યાં તો મોટેભાગે હિંદુ જ છે... કદાચ. તો પછી આ બંને એક વ્યક્તિ કેવી રીતે કહેવાય? જરા ટાઈમ મળે તો ખુલાસો કરજે ને...

થોડું કહ્યું છે, ઘણું સમજી લેજે.

લિ.
તને બહુ વાંચી નહિ શકતો એક વાચક. 



(પાકિસ્તાનસ્થિત સર્જક મહંમદ હનીફે 'Our case againgst Manto' નામનો લેખ હેરાલ્ડમાં પ્રકાશિત કર્યો છે. આ લેખ વાંચ્યા બાદ તાત્કાલિક આ લખવાનું મન થયું. હનીફે તેના સમકાલીન દેશ-સમાજની પરિસ્થિતિમાં મંટોને યાદ કર્યો છે. મેં મારી આસપાસના પ્રવાહો જોઇને મંટોને યાદ કર્યો છે...પણ આપણી હનીફ જેવી કક્ષા નહિ!)

9 comments:

  1. urvish kothari5/13/2012 7:39 PM

    મંટોનું નહીં, હનીફનું લખાણ પણ લખવા ઉશ્કેરે એવું હતું. તીર ઠીક નિશાન પર લાગ્યું છે.

    ReplyDelete
  2. ભરતકુમાર ઝાલા5/14/2012 11:32 PM

    રુતુલભાઇ, વાંચવાની મજા આવી. આસપાસના પ્રવાહો સુંદર અને સચોટ રીતે ઝીલ્યા છે. અભિનંદન.

    ReplyDelete
  3. કેટલાક લોકો તો પોતાના ગાળીયાને શણગારે, સવાર-સાંજ આરતી કરેને એને ફૂલ ચઢાવે. બીજાનો ગાળિયો કેવો કદરૂપો છે, તેની ચર્ચામાં સમય પસાર કરે. આટલી મહેનત કરીને ધીરે-ધીરે ભૂલી જાય કે આ ગાળિયો છે. તે તું પાછો તેમને અરીસા બતાવે તે કેમ ચાલે?

    વાહ.

    ReplyDelete
  4. great! wonderful! very subtle and scathing, most imaginative and creative. salam manto, salam hanif, salam rutul.

    i was very pessimistic a couple of years ago reading mainstream literary and other journals, but following new crop of bloggers like urvish, rutul, vipulbhai, binit, raju and some others as well as some of their their commentators, i have got a new hope to cheer. thank you my dear sensitive and sensible writers.

    ReplyDelete
  5. stinging piece Rutul. loved it.

    ReplyDelete
  6. You have rightly said... Manto didn't know how and what to write! He didn't write positive things like people write now a days... The mirror he put against the world people didn't like the way it shows their real image in it. They are not able to accept the truth that Manto told and retold in his stories... Sakina, Sugandhi, Isharsingh can be depicted only by Manto... I too feel the same. Can't read Manto constantly. Have to take long breaks to come to the normal state of mind. Agree with you. Liked the way you have written it! Sharp words!

    ReplyDelete
  7. સરસ.મેં હનીફ ભાઈ નો લેખ પણ વાંચ્યો છે.એ લેખ અને આ લેખ બન્ને સ્વતંત્ર રીતે ઉમદા છે.છેલ્લે થી બીજો પેરા ----તું શહેરનો કચરો ઉચેલતો હોય--- એ મને સવિશેષ ગમ્યો.....સામ્પ્રંત લાસરિયા કોલમિસ્ટો પર પ્રહાર છે એવી માન્યતા સાથે.બહુ સરસ લખો છો----થેન્ક્સ.

    ReplyDelete
    Replies
    1. Rajubhai,

      Thanks! ઘણી વખત તમે શું કહેવા માંગો છો તે લખી લીધા પછી જ સમજાય છે. મને એ સમજાયું કે આખો લેખ છેલ્લેથી બીજા ફકરાની શૈલીમાં થઇ શકત. આખા લખાણમાં થીમેટીક ક્લેરિટી ઓછી છે અને આખી વાત બે-ત્રણ પ્રકારની થીમ વચ્ચે લહેરાય છે. Let's see how I can improve it next time.

      THanks again,
      Rutul

      Delete
  8. વાહ....
    પણ મંટો જવાબ આપતો જ ગયો છે... એડવાંસમાં... એના પત્રો - લોખોમાંથી મળી જાય...

    ReplyDelete