Friday, April 27, 2012

બે જર્મન ફિલ્મો - ગૂડબાય લેનિન / ધ લાઈવ્સ ઓફ અધર્સ

કેટલીક ફિલ્મો એવી હોય છે કે જે થિયેટરની બહાર નીકળતાની સાથે કે કમ્પ્યુટર/ટીવી ઑફ કર્યા પછી ભુલાઈ જાય છે. જ્યારે કેટલીક ફિલ્મો ફિલ્મ જોયાના દિવસો પછી મગજના એક ચોક્કસ ખૂણામાં કંઈક ગડમથલ કરતી રહે છે - ફિલ્મના દ્ગશ્યોની હારમાળા આંખના પડદા પાછળ ચાલતી રહે છે, પેલા પાત્રો અને ચહેરા યાદ આવ્યા કરે છે અને તે ફિલ્મો તરફ ખેંચતી રહે છે. આ બંને ફિલ્મો વિષે લખવાનો વિચાર કરીને, તે અંગેની પોસ્ટ બનાવીને એક-બે ફકરા લખીને માંડી વાળેલું. પણ પછી ફરીને ફરી તેમના વિષે લખવાનું મન થતું રહે છે. એટલે આજે છેલ્લા દાયકાની બે નોંધપાત્ર જર્મન ફિલ્મો વિષે વિશેષ પોસ્ટ.

બંને ફિલ્મો બીજા વિશ્વયુદ્ધ પછી રશિયાના તાબા હેઠળમાં રચાયેલા પૂર્વ જર્મનીના છેલ્લા દિવસો, બર્લિનની દીવાલના વિધ્વંસ અને 'સંયુક્ત' જર્મનીની રચનાની પાશ્વભૂમિમાં ગોઠવાયેલી છે. બંને ફિલ્મો આત્યંકિત પરિસ્થિતિમાં રાજ્યસત્તાના અમાનવીય અંકુશ વચ્ચે જીવતી માનવીય સંવેદનાની વાત છે. ઘણી રીતે પશ્ચિમ અને પૂર્વ જર્મની અમેરિકા-રશિયા વચ્ચેના શીતયુદ્ધના મેદાનો હતા. વિશ્વની બે મહાસત્તાઓ એક જ ભાષા અને સંસ્કૃતિ ધરાવતી પ્રજા વચ્ચે મૂડીવાદ-સામ્યવાદ જેવી વિચારધારાઓના માધ્યમથી કેવું વૈમનસ્ય પેદા કરેલું તે વીસમી સદીના બહુ ઓછા જાણીતા વિષયોમાંનો એક છે. વીસમી સદીની ફિલ્મો અને સાહિત્યમાં બીજું વિશ્વયુદ્ધ અનેક પરિમાણોથી ઝીલાયું છે, પણ સાલ ૧૯૪૫ પછીના પિસ્તાલીસ વર્ષ સુધી (લગભગ ૧૯૮૯ સુધી) બંને જર્મનીમાં શું ચાલ્યું તે અંગેની કથાઓ, સામગ્રી અને ફિલ્મો વગેરેની આંતરરાષ્ટ્રીય સ્તર પર આવવાની શરૂઆત છેલ્લા માત્ર દસેક વર્ષથી થઇ છે. આમ તો, ભારતીય ફિલ્મોમાં વીસમી સદીની ભારતીય ઉપખંડની કરુણાંતિકા જેવા ભારત-પાકિસ્તાનના ભાગલા વિષે પણ એક-બે આંગળીને વેઢે ગણી શકાય તેટલી જ ફિલ્મો છે.
Map of Berlin - the yellow line marks the location of the wall dividing the city
તો વાત જાણે એમ છે કે બીજા વિશ્વયુદ્ધમાં હિટલરના નાઝી લશ્કરના પતન વખતે જે હિસ્સો અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ જોડે હતો તે પશ્ચિમ જર્મની ઉર્ફે 'ફેડરલ રિપબ્લિક ઑફ જર્મની'ના નામે ઓળખાયો અને રશિયાના તાબા હેઠળનો પ્રદેશ પૂર્વ જર્મની કે 'જર્મન ડેમોક્રેટિક રિપબ્લિક' તરીકે. સંયુક્ત જર્મનીના બે ભાગ પડ્યા અને બર્લિન શહેર પણ (ઉપર નકશામાં બતાવ્યા પ્રમાણે) બે ભાગમાં વહેંચાયું. પૂર્વ જર્મનીએ 'બચી ગયેલા નાઝી અને ફાસીવાદી તત્વોથી રક્ષણ'ના બહાના હેઠળ જે 'બર્લિનની દીવાલ'ના નામે ઓળખાય છે તે દીવાલ ચણી લીધી. એક જ શહેરને બે અલગ-અગલ દેશની જેમ વહેંચવામાં આવે તે કેવી વિચિત્ર પરિસ્થિતિ હશે? દિવસે દિવસે પૂર્વ જર્મની વધુ અને વધુ સંકુચિત અને તેના નાગરીકો પર અંકુશ રાખતું બનતું ગયું, જ્યારે પશ્ચિમ જર્મનીએ બ્રિટન, ફ્રાંસ વગેરેની જેમ વિકસતું રહ્યું અને અમેરિકાના 'માર્શલ પ્લાન' હેઠળ તેને નવ-નિર્માણ માટે અઢળક નાણા મળ્યા. આજે જે ફિલ્મોની વાત કરાવી છે તે બંને ફિલ્મની ગોઠવાયેલી છે એંસીના દાયકાના અંત સમયના પૂર્વ જર્મનીમાં અને ખાસ તો ૧૯૮૯માં બર્લિનની દીવાલ તૂટવા પછીની પરિસ્થિતિની અસરો માનવ સમાજ પર કેવી પડી?

ગૂડબાય લેનિન (૨૦૦૩)

દિગ્દર્શક: વોઈલ્ફગાંગ બેકર
Movie poster - Good Bye Lenin

પશ્ચિમ-પૂર્વ જર્મની વચ્ચેની વિચિત્ર અને આત્યંકિત પરિસ્થિતિને બહુ રસપ્રદ રીતે રજૂ કરે છે ફિલ્મ - ગૂડબાય લેનિન (૨૦૦૩). ફિલ્મનો નાયક પૂર્વ બર્લીનમાં માતા- બહેન સાથે રહેતો સામાન્ય યુવાન છે. તેના પિતા તેમને મૂકીને પશ્ચિમ ભાગમાં ભાગી છૂટ્યા છે, જ્યારે માતા સામ્યવાદી પક્ષની સંનિષ્ઠ કાર્યકર છે અને તે તેના મિત્રો-પાડોશીઓને સરકાર જોડેના પત્રવ્યવહાર અને અરજીઓ વગેરેમાં મદદ કરતી ભલી વ્યક્તિ છે. એક દિવસ તેના દીકરાને પોલીસ દ્વારા પકડાતો જોઇને માતા આઘાતથી કોમામાં સરી પડે છે. તેના જીવન પર ખતરો છે. બંને ભાઈ-બહેનનું જીવન માતાના સ્વાસ્થ્ય અને નવા આવતા પડકારો સાથે સંઘર્ષ કરતા-કરતા વહી રહ્યું છે. પણ તેમની આસપાસની પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. અચાનક શીતયુધ્ધનો અંત આવે છે અને બર્લિનની દિવાલનું પતન થઈને 'સંયુક્ત જર્મની' બને છે. નવા એકાકાર જર્મનીનો નવો ઉત્સાહ છે, નવું જોમ છે. પૂર્વ જર્મનીના ભાગો હવે કોઈ સરકારી અંકુશ વગર પશ્ચિમી જર્મની તેની સંસ્કૃતિ, બજારો, ટીવી-મીડિયા વગેરે સાથે જોડાય છે - ખરેખર તો પશ્ચિમના 'મુક્ત વાતાવરણ'માં મુગ્ધતા અને ઉત્તેજનાથી ભળી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો હવે સામ્યવાદનું પતન થયું છે અને મૂડીવાદનો ભવ્ય વિજય થયો છે.

આગળ એવું બને છે કે થોડા મહિના પછી માંને હોશ આવે છે. દીકરા અને દીકરીને ચિંતા થાય છે કે તેની આસપાસની સંપૂર્ણ રીતે બદલાઈ ચૂકેલી પરિસ્થિતિની અસર માં પર કેવી પડશે? કે 'સામ્યવાદની હાર' જેવો આઘાત તેની સામ્યવાદમાં સંનિષ્ઠાથી માનતી માતા કેવી રીતે સહન કરી શકશે? એટલે દીકરો તેના મિત્ર જોડે મળીને એવો કારસો રચે છે કે જાણે મૂડીવાદી પશ્ચિમ જર્મની પૂર્વ જર્મનીના શરણે આવ્યું છે અને તેમણે સ્વયંભૂ રીતે સામ્યવાદ અને તેના આદર્શોનો સ્વીકાર કર્યો છે. તેની બહેન આ નાટકમાં ભાગ લેવા અનિચ્છાથી તૈયાર થઇ હોય છે એટલે દરેક પરિસ્થિતિમાંથી 'મૌલિકતાથી' રસ્તો ગોતવા માટેની ભાંજગડ કરવાનું દીકરાને માથે છે. પણ 'દિવસને રાત અને રાતને દિવસ' કહેવો કેવી રીતે? તેની માં બારીની બહાર જુવે તો પણ તે અવઢવમાં પડી જાય કારણકે હવે મૂડીવાદના પ્રતીકસમા કોકાકોલા જેવા ઉત્પાદનોના બીલબોર્ડસથી હવે બર્લિન છવાયેલું છે. કરિયાણામાં મળતી ચીજ-વસ્તુઓ બદલાઈ છે, છાપાં બદલાયા છે, ટીવી પર સમાચાર અને તે દર્શાવવાની પધ્ધતિ બદલાઈ છે, પાડોશીઓ સુધ્ધાં બદલાઈ ગયા છે. જાણે બે વિખૂટાં પડેલા હિસ્સાઓમાં એકબીજામાં જલ્દીથી ભળી જવાની ઉતાવળ છે.

બસ આ ફિલ્મ કોમામાંથી પાછી આવેલી માંને બચાવવા મૂડીવાદને સામ્યવાદમાં ખપાવતા દીકરાના નાટકીય પ્રયત્નોની વાર્તા છે. મોટી મહાસત્તાઓ વચ્ચેના વાદ-વિવાદમાં વિખેરાઈ ગયેલા દેશમાં વિખેરાઈ ગયેલા કુટુંબને એક સાથે રાખવાના પ્રયત્નોની વાત છે. આનાથી વધુ વાર્તા કે વિષયનું વર્ણન ફિલ્મને ન્યાય નહિ કરી શકે તેથી દીકરાના સંઘર્ષ અને માંનું મનોવિશ્વ સમજવા માટે આ ફિલ્મ જોવી જ પડે.
A statue of Lenin flying across the cityscapes of Berlin
ફિલ્મનું સૌથી એક યાદગાર દ્ગશ્ય છે. માં પથારીવશ છે અને કોમામાંથી હમણા જ બહાર આવી છે. એક વાર તે વિક્ષુબ્ધ્ધ હાલતમાં કોઈને કહ્યા વગર તેમના એપાર્ટમેન્ટની બહાર નીકળી જાય છે. ત્યારે તેની નજરની સામે બર્લિનની બદલાયેલી ભૂગોળ, નવા ઉત્પાદનોની છેતરામણી જાહેરખબરો વગેરે આવે છે અને ત્યાં દૂરથી લેનિનની વિશાળકાય પ્રતિમા હેલીકોપ્ટર સાથે દોરડે બંધાઈને ઉડતી તે જુવે છે. આ દ્ગશ્ય વિચારતા કરી મુકે તેવું છે. લેનિનની પ્રતિમા દોરડે બંધાઈ છે કે શૂળીએ ચઢી છે? શું લેનિનની પ્રતિમાનો વિધ્વંસ સામ્યવાદી વિચારધારાના વિધ્વંસના પ્રતિકરૂપે છે? બર્લિનના આકાશમાં આ લેનિનની આખરી અવકાશી સફર છે? શું લેનિન આખરી અલવિદા કહીને બર્લિન છોડીને જઈ રહ્યો છે કે તેને ધકેલવામાં આવી રહ્યો છે? આવા અનેક અર્થો તમારા મગજમાંથી ઝડપથી પસાર થાય છે. આ એક સરરિયલ (Surreal) અનુભવ છે. આ વાસ્તવિકતા છે કારણકે નજરની સામે છે પણ આ સ્વપ્નમય વાસ્તવિકતા છે, અજાગ્રત મનની છળ-કપટ અને રમતો અનેક અર્થોનો વિસ્તાર કરે છે. તેથી જે દેખાય છે તેના કરતા તેના અર્થો વધુ વિશાળ અને દૂરગામી છે. આવા દ્રશ્યો કોઈ પણ ફિલ્મ વિશેની અમીટ છાપ મૂકી જાય છે. આ દ્રશ્યનું ફિલ્મ ઇતિહાસમાં અનેરું મહત્વ એટલા માટે છે કે ઇટાલિયન દિગ્દર્શક ફ્રેદરીકો ફેલીનીની ફિલ્મ 'લા દોલ્ચે વીટા'માં અહીંથી બીજા જ પરિપેક્ષમાં એક હેલીકોપ્ટરથી બંધાયેલી જીસસની ઉડતી પ્રતિમાનો ઉપયોગ કરાયો છે.

મજબૂત કથાબીજ અને પટકથા ઉપરાંત આ ફિલ્મનું એક ઔર મજબૂત પાસું તેનું સંગીત છે. યાન ત્ચીયરસન (Yann Tiersen) આ ફિલ્મ પહેલા યાન ત્ચીયરસન ફોરેન ફિલ્મ કેટેગરીની ઓસ્કાર વિજેતા એમિલી (૨૦૦૧)માં સંગીત આપીને પ્રસિદ્ધ થઇ ચૂક્યા છે. આ ફિલ્મના સંગીત વગર તેની યાદ અધૂરી લાગે કારણકે ફિલ્મના સાઉન્ડટ્રેક સાથે ફિલ્મના દ્રશ્યો મજબૂત રીતે સંકળાયેલા છે. યાનનું સંગીત હમેશા બહુ જ સરળ હોય છે અને પિયાનોના સુરોના આવર્તન-પુનરાવર્તનથી રચાયેલું હોય છે પણ દિલ સોંસરવું ઉતારી જાય છે. આ ફિલ્મનું ટ્રેઇલર અહીં અને અહીં જોવા મળશે. યાનના આ ફિલ્મના સંગીતની ત્રણ અલગ અલગ મૂડની રચનાઓ અહીં, અહીં અને અહીં છે.

ધ લાઈવ્સ ઓફ અધર્સ (૨૦૦૬)

દિગ્દર્શક: ફ્લોરીયન હેન્કેલ ફોન દોનાસ્માર્ક

Movie poster - the lives of others
'ગૂડબાય લેનિન'માં હાસ્ય-કરુણ રસનું મિશ્રણ છે પણ એકંદરે તે હળવી ફિલ્મ છે. તેની સરખામણીમાં 'ધ લાઈવ્સ ઓફ અધર્સ' ગંભીર ફિલ્મ છે અને તેમાં નાટ્યાત્મકતા, માનવીય સંવેદનોનું નિરૂપણ એટલું અદભૂત છે કે આ ફિલ્મ તમને છેવટ સુધી જકડી રાખશે. આ ફિલ્મ જર્મનીમાં 'લાસ લેઈબન દે અન્દવન' નામથી  ૨૦૦૬માં રીલીઝ થઇ છે. આ ફિલ્મ ધ લાઈવ્સ ઑફ અધર્સ એટલે કે બીજા કોઈની જીંદગીમાં તાકઝાંક કરતી પૂર્વ જર્મનીની છૂપી પોલીસ/જાસૂસી સંસ્થા સ્ટાઝી(Stasi)ના એક જાસૂસ અને નાટ્યકાર-અભિનેત્રી યુગલ વચ્ચેની કશ્મકશની વાર્તા છે. આ કથા સામ્યવાદી વિચારધારાના વિવિધ આયામનું પ્રતિનિધિત્વ કરતા પાત્રો અને તેમના ગ્રે શેડ્સ ધરાવતા વ્યક્તિત્વોને રૂપ આપવાની સાથે-સાથે પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકારની અસલામતી અને ભયાનકતાનું નિરૂપણ કરે છે.

બીજા વિશ્વયુદ્ધના રશિયન તાબા હેઠળનું પૂર્વ જર્મની 'મૂડીવાદને ખાળવા'ના બહાના હેઠળ પહેલા સરહદો પછી, બજારમાં વેચાતી ચીજ-વસ્તુઓ, મીડિયા અને છેલ્લે સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે પર સરકારી અંકુશ લાદી દે છે. બહારના પ્રવાહોને ખાળવાની હોંશમાં પૂર્વ જર્મની પોતે જ દુનિયાથી વિખૂટું પડતું જાય છે. આટલા બધા સરકારી અંકુશોથી લોકો ત્રાસી જાય છે એટલે જ રાજ્યસત્તાએ વધુ ચુસ્ત અંકુશો માટે સ્ટાઝી નામની જાસૂસી સંસ્થા ઉભી થાય છે, જે લોકોના અંગત જીવનમાં ડોકિયું કરીને સરકાર વિરુદ્ધના સંભવિત કાવતરાં શોધવાની ગડમથલ કરે છે. સ્ટાઝીને પૂર્વ જર્મનીની સામ્યવાદી પાર્ટીના 'ઢાલ-તલવાર' તરીકેના માન-સન્માન મળતા હતાં. સ્ટાઝીની હડફેટે પૂર્વ જર્મનીની સરકાર અને વિચારધારામાં સંનીષ્ઠતાથી માનનાર એક પ્રગતિશીલ નાટ્યકાર ચઢે છે. તેનું ઘર યાંત્રિકી જાપ્તા હેઠળ મૂકાય છે, તેના ફોન ટેઈપ થાય છે, તેની હિલચાલ, તેના એકેક ઉચ્ચારનું ઝીણવટથી દસ્તાવેજીકરણ થાય છે. તેની પ્રેમિકાનો ઉપયોગ-દુરુપયોગ કરવામાં આવે છે. પણ આ નાટ્યકાર છેલ્લે સુધી માની નથી શકતો કે તે સરકારી જાપ્તા હેઠળ હતો. તેને નવાઈ લગતી રહે છે કે પૂર્વ જર્મનીના મોટાભાગના કલાકારો, બુદ્ધિજીવીઓ, સ્વતંત્ર બુદ્ધિના લોકો પર જાસૂસી થતી હતી તો તે કેમ બાકી રહી ગયો? 
Stasi agent Gerd Wiesler at work

આ ફિલ્મનું મજબૂત પાત્ર છે સ્ટાઝીના જાસૂસ કેપ્ટન ગર્ત વિઝ્લરનું પાત્ર ભજવતા અભિનેતા ઉલરીફ મ્યુહાનું. કવેન્ટીન ટેરેન્ટીનોની ફિલ્મ ઇન્ગ્લોરીયસ બાસ્ટર્ડ્સ (૨૦૦૯)ના કર્નલ હેન્સ લેન્દાની (અભિનેતા ક્રિસ્ટોફ વૌલ્ટ્ઝ) ઠંડી ક્રૂરતાની યાદ આપવી દે તેવું પાત્ર ગર્ત વિઝ્લરનું છે. ખૂબ જ ચુસ્તતા, નિષ્ઠા અને યાંત્રિકી ચોકસાઈથી તે પોતાની જાસૂસીની નોકરી કરે છે. ફિલ્મ આગળ વધતાં આપણને ખ્યાલ આવે છે કે કઠોરતાથી પોતાના નાગરીકો પર દમન કરતી રાજ્ય્સત્તાઓ આખરે માણસોથી બનેલી હોય છે. ગર્ત વિઝાલર ખરેખર માણસ છે, યંત્ર નહિ અને તેની પાસે એક હૃદય છે અને અધૂરામાં પૂરું, તે ધડકે પણ છે. પોતાની કારકિર્દીના ભોગે ગર્ત વિઝ્લર નાટ્યકાર માટે કૈંક એવું કામ કરી જાય છે કે તે પોતાની પર જાસૂસી કરી રહેલા શખ્સનો ઉપકાર ભૂલી શકતો નથી. બર્લિનની દિવાલના પતન પછી અને સંયુક્ત જર્મનીના નિર્માણ પછી હવે પ્રસિદ્ધિ પામેલ નાટ્યકાર સ્ટાઝીના એક અજાણ્યા એજન્ટ HGW XX/7 ને પોતાનું પુસ્તક અર્પણ કરે છે. આ વખતે ટપાલીનું સામાન્ય કામ કરી રહેલ ગર્ત વિઝ્લર એક પુસ્તકની દુકાન આગળ રોકાય છે, અંદર જાય છે, પેલું પુસ્તક હાથમાં લઈને અંદર જુવે છે અને ખરીદવા કાઉન્ટર પર જાય છે. કાઉન્ટર પરની વ્યક્તિ પૂછે છે, 'શું આ પુસ્તકને ગિફ્ટ પેક કરવાનું છે?' તો એ જવાબ આપે છે, 'ના, આ મારા માટે જ છે'. ફિલ્મ અહીં પૂરી થાય છે.

મેં અહીં ફિલ્મની રૂપરેખા આપી છે એટલે તમે આખી ફિલ્મ જોશો તો રસભંગ નહિ થાય તેની ખાતરી છે. જો કે છેલ્લા દ્ગશ્યની ચર્ચા કરવાની લાલચ રોકી શક્યો નથી. પણ આ ફિલ્મમાં અહીં નથી ચર્ચાયું તેવું ઘણું બધું છે, ઘણા પડળો છે અને ઘણું માણવા જેવું છે. આ બંને ફિલ્મોની ચર્ચા કરતી વખતે એવું માની લીધું છે કે મોટાભાગના લોકોએ આ ફિલ્મો નહિ જોઈ હોય. પણ જો કોઈએ જોઈ હોય અને પોતાના અનુભવો જણાવશે તો બહુ મજા પડશે. ધ લાઈવ્સ ઓફ અધર્સનું ટ્રેઇલર અહીં જોઈ શકાશે.

છેલ્લી સદીમાં જર્મન પ્રજાએ બહુ જોરદાર ઉથલપાથલો જોઈ છે. બે વિશ્વયુદ્ધો, યહૂદીઓનો સૌથી વરવો માનવસંહાર અને નાઝીઓનું દમન, સામ્યવાદી સરકાર અને સ્ટાઝીનું દમન વગેરે વગેરે. કંઈક કેટલાયે નાગરીકો, કુટુંબો, કલાકારો અને પ્રતિભાશાળી લોકો તેનો ભોગ બન્યા હશે. વિચારધારાઓના નામે હિંસા થઇ હતી, નાગરિક-સ્વાત્રંત્ય પર કાપ મૂકવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપ્રેમ વગેરેનું નામ લઈને હાંસલ કરેલી રાજ્યસત્તાનો દુરુપયોગ નાગરીકોને અંકુશમાં રાખવા માટે થયો હતો. મહત્વની વાત એ છે કે મસમોટા હિંસાકાંડો કે સરકારી દમન પછી ન્યાયની પ્રક્રિયાઓ ઠેબે ચઢી નથી. નાઝીઓ અને બીજા વિશ્વયુદ્ધના અપરાધીઓ સામે ન્યુરમ્બર્ગ ટ્રાયલ્સના નામે ન્યાયબદ્ધ રીતે અને સમયસર ખટલા ચલાવવામાં આવ્યા છે અને અપરાધીઓને સજા થઇ છે. સ્ટાઝીએ કરેલી જાસૂસી અંગેના દસ્તાવેજો જનતા સમક્ષ મૂકવામાં આવ્યા છે અને આ અંગે ખાસ્સી પારદર્શકતા બતાવવામાં આવી છે. આ સાથે-સાથે જર્મનીએ છેલ્લી સદીમાં જગત-પ્રસિદ્ધ સંગીતકારો, નાટ્યકારો, ફિલ્મો, કવિઓ, ફિલસૂફો, સ્થપતિઓ, રમતવીરો અને વૈજ્ઞાનિકો આપ્યા છે. સમયનું વલોણું જેટલું જોરથી જર્મન પ્રજા પર પીસાયું છે તેની સાથે સાથે કળા-સંસ્કૃતિ, રમત-ગમત અને વિજ્ઞાન ક્ષેત્રેની અભિવ્યક્તિ અર્ક બનીને નીકળી છે. કળા-સંસ્કૃતિ, રમત-ગમત અને વિજ્ઞાન જીવતા રહે અને વિકાસ પામે તો સમાજ વિકસતો રહે છે, તે જર્મન ઉદાહરણ પરથી સમજાય છે.

6 comments:

  1. બીરેન કોઠારી4/28/2012 1:08 AM

    બન્ને ફિલ્મો વિષે સરસ માહિતી- એ જોવા માટે પ્રેરે એવી. સંયત રહીને છેડાયેલી વિષયવસ્તુ.
    હવે તો કહો કે તમારા અંગત સંગ્રહમાં કેટલી ફિલ્મો છે? કહેવામાં સંકોચ થતો હોય તો પ્રોફાઈલમાં લખી દો, બસ?

    ReplyDelete
  2. જે કોઇએ આ ફિલ્મો જોઇ નહીં હોય તે તો આ લેખ વાંચ્યા પછી આ ફિલ્મો જોવામાટેની ગાંથ વાળી લેશે જ, પરંતુ જેમણે જોઇ છે તેવા મારા જેવાને પણ ફરીથી જોવાની ટીસ થઇ આવે તેવો સ-રસ પરિચય લખાયો છે.
    ફિલ્મ જોવી, તેને માણવી અને બીજા ફિલ્મ જોયા સિવાય પણ માણી શકે તેવી તેની વાત કહેવી એ ત્રણે માં શું અને કેટલું અંતર છે તે પણ આજે સમજાઇ ગયું.

    ReplyDelete
  3. ઉર્વીશ કોઠારી4/29/2012 5:53 PM

    સરસ. રાબેતા મુજબ. જર્મનીમાં હિટલર એન્ડ કંપનીનાં કારનામાં શરમનો વિષય બન્યાં છે. મુઠ્ઠીભર નીઓ-નાઝી સિવાય બીજા લોકો તેમને યાદ કરવા ઇચ્છતા નથી- ગૌરવ અનુભવવાનું તો બહુ દૂર. ઇનગ્લોરીયસ બાસ્ટર્ડસ આવી ત્યારે એના વિશે વાંચ્યું હતું. પછી ઘણા વખતે એ જોવાનો જોગ થયો. તેમાં ઠંડી ક્રૂરતાનો ભાગ તો મજબૂત હતો જ. સાથે મને એવો પણ વિચાર આવ્યો કે આટલા નજીકના ઇતિહાસનાં પાત્રોના આખરી અંજામ વિશે આટલી હદે કલ્પનાથી કામ લઇ શકાય? એવું થયું હોત તો ખરેખર ગમ્યું હોત, તો પણ...

    ReplyDelete
  4. સુંદર અભીવ્યકતી...રજાઓમા ચોક્ક્સ જોવી જોઈશે ! ઈન્ગ્લોરીયસ બાસ્ટર્ડસવાળી ઉર્વીશ કોઠારીની વાત સાથે સંમત !!

    ReplyDelete
  5. બન્ને સરસ ફિલ્મ. કલ્પનાના રંગો દરેક જગ્યાએ ઉમેરાય છે, પણ સત્યની નજીકની કલ્પના હોય ત્યારે ફિલ્મ જોવાની મજા આવી. ઈનગ્લોરીયસ બાસ્ટર્ડસમાં આવતી મજા છેલ્લી થોડી મિનિટો બગાડી નાખે છે.

    વેલ, " બીજા વિશ્વયુદ્ધના અપરાધીઓ સામે ન્યુરમ્બર્ગ ટ્રાયલ્સના નામે ન્યાયબદ્ધ રીતે અને સમયસર ખટલા ચલાવવામાં આવ્યા છે અને અપરાધીઓને સજા થઇ છે." - Are you sure? ન્યાયબદ્ધ? બચાવનો મોકો આપ્યા વગર આગલા દિવસે યુધ્ધને લગતો કાયદો બનાવીને બીજા દિવસે સજા કરવાની પ્રક્રિયા ન્યાયબદ્ધ કહેવાય?

    ReplyDelete
  6. Just read this piece and thoroughly enjoyed it. I liked the way you've discussed the basic plot without giving away too much. The last scene of The Lives of Others is literally the most poignant one of the entire film. The effectiveness of that scene is inversely proportionate to its simplicity :-)
    Now I'm determined to watch Good Bye Lenin.

    ReplyDelete