Sunday, April 01, 2012

બે ઓલિમ્પિક શહેરોમાં લટાર - ૨૦૦૭ અને ૨૦૧૨

નવેમ્બર-ડીસેમ્બર, ૨૦૦૭માં બીજીંગ ઓલિમ્પિકને વધાવવા નવાં વાઘાં પહેરી રહ્યું હતું અને અત્યારે માર્ચ, ૨૦૧૨માં  લંડનમાં કંઇક એવો જ માહોલ છે. કોઈક કારણસર બંને શહેરમાં ઓલિમ્પિક આરંભાય તે પહેલા આ શહેરોની મુલાકાત લેવાનો રોમાંચ સાંપડ્યો છે. 'પાનસિંઘ તોમર'ના તોરમાં આવીને આ વખતે વિશેષ રસથી અૉલીમ્પીક રમતો તો (ટીવી પર) જોઈશું જ પણ તે પહેલાં આટલી મોટી ઇવેન્ટ આ શહેરો કેવી રીતે સર્જે છે અને સાથે-સાથે કેવી રીતે સજે-ધજે તે બહુ રસપ્રદ છે. તેથી બીજીંગને યાદ કરતા કરતા લંડનની લટાર... અને વચ્ચે થોડા નિસાસા નાખતા દિલ્હીમાં ડોકિયું.

બહુ જાણીતી વાત છે કે જે શહેરમાં ઓલિમ્પિક યોજાય તેને ભરપૂર પબ્લીસીટી મળે છે, વ્યાપાર-ધંધામાં અકલ્પ્ય ઉછાળો આવે છે, લાખોની સંખ્યામાં મુલાકાતીઓ-સહેલાણીઓ આવે છે, દુનિયાના પ્રવાસીઓના નકશા પર અને લોકોની સ્મૃતિમાં આ શહેર સદૈવને માટે અંકિત થઇ જાય છે. ઓછી જાણીતી વાત એ છે કે આવા મહા-પ્રસંગ પાછળ ૬-૭ વર્ષનું આયોજન અને તે પ્રમાણે અમલીકરણ હોય છે, માળખાકીય સુવિધાઓમાં જબરજસ્ત રોકાણ હોય છે અને ક્યારેક પૂરેપૂરા શહેરો તો ક્યારેક અમુક શહેરી ભાગોની સંપૂર્ણ કાયાપલટ જોવા મળે છે. કેટલાય શહેરો આ પ્રકારના અવસરને લીધે આવતી તકોનો કસ કાઢીને ઉપયોગ કરી લે છે. ટોકિયો (૧૯૬૪), બાર્સેલોના (૧૯૮૮) અને સીઉલ (૧૯૯૨) જેવા શહેરો દુનિયાના પ્રવાસીઓમાં પ્રિય બન્યા છે તેમાં ઓલિમ્પિક જેવા અવસરનો અને તેના લીધે બનેલી માળખાકીય સુવિધાઓનો બહુ મોટો હાથ છે. મોટાભાગની શહેરી સરકારો-તંત્રો રાજ્ય કે રાષ્ટ્રીય સ્તર જેટલા સદ્ધર હોતા નથી એટલે મોંઘી માળખાકીય સુવિધાઓ, જેવી કે શહેરમાં જાહેર પરિવહનની સુવિધાઓ (અન્ડરગ્રાઉન્ડ મેટ્રો કે લાઈટ રેઈલ કે બીઆરટી) આવા પ્રસંગોને પરિણામે ઉભી થતી હોય છે. જો કે ક્યાંક કરુણ કથાઓ પણ સાંભળવા મળે છે. મોન્ટ્રીયલ (૧૯૭૬) અને સિડની (૨૦૦૦)માં ઓલિમ્પિક પછી ભારે આર્થીક મંદી આવી હતી કારણકે જે સુવિધાઓનું નિર્માણ થયું હતું તે તેની માંગ કરતા ઘણી વધુ હતી. ઓલિમ્પિકનો ઉપયોગ કરીને આર્થિક તેમજ પ્રવાસન વિકાસ કરવાની દરેક દેશને નેમ હોય છે. બીજિંગ અને લંડનમાં આવું કેટલી હદ સુધી થયું છે કે થઇ રહ્યું છે?
Olympic 2008 billboard at the great wall of China (Badaling)
Olympic 2012 clock at the National Gallery, Trafalgar Square (London).
બીજિંગ અને લંડન લગભગ એકસરખા રેખાંશ (અને તાપમાન) ધરાવતાં હોવા છતાં એક-બીજાથી બહુ અલગ શહેરો છે. બંનેના સરકારી તંત્ર, મીડિયા, શહેરની રચના-બાંધણી અને વસવાટ કરતા લોકોમાં દિવસ-રાતનો ફરક છે. જો કે અહીં પૂર્વ-પશ્ચિમ જેવો ચવાયેલો ભેદ નથી પાડી શકાતો. લંડન ઘણા અંશે 'ગ્લોબલ' શહેર છે. પંચરંગી પ્રજા, ખાણી-પીણી પોશાક વગેરેમાં વિવિધતા, વિશ્વના આર્થિક પ્રવાહોનું નિયમન કરતી સંસ્થાઓ, સારી યુનિવર્સિટીઓ, આર્ટ ગૅલેરી, કાફે અને ખુલ્લાપણું અને 'ભલે પધાર્યા'ની લાક્ષણિકતા ધરાવતી અનેક જગ્યાઓ - આ બધા એક ગ્લોબલ શહેરના લક્ષણો છે. બીજિંગ તેનાથી અલગ શહેર છે. તે જૂના પરંપરાગત વિસ્તારો અને નવી આર્થિક મહાસત્તાની શહેરી ભૂગોળ વચ્ચે વહેંચાયેલું શહેર છે. બીજિંગ મને ખાસું ઔદ્યોગિક લાગે છે જાણે કે કોઈ વિશાળ મશીનનો, કોઈ યાંત્રિકી રચનાનો હિસ્સો હોય તેમ. લંડનમાં વ્યવસ્થા અને ઔપચારિકતા વચ્ચે ફાટી નીકળતી મજાની અંધાધૂંધી છે તો બીજિંગમાં એશિયન બ્રાંડની અંધાધૂંધી વચ્ચે યાંત્રિક શિસ્તબદ્ધતા છે. લંડનમાં જે છે તે બધું 'સાંસ્કૃતિક વારસો' છે અને તેમાં આધુનિકતા સાંકડ-માંકડ ગોઠવાઈ જાય છે. જ્યારે બીજીંગમાં જે જૂનું છે તે જૂનું છે અને જે નવું છે તે નવું છે, જાણે હમણાં બન્યું હોય તેવું ધમધમાટ અને યાંત્રિકી ચોકસાઈ વાળું ચકચકાટ.

૨૦૦૭માં બીજિંગ

આ બંને શહેરની લાક્ષણિકતાઓ તેના ઓલિમ્પિક રમતોની તૈયારીઓમાં પણ દેખાઈ આવે છે. ચીનને માટે દુનિયાને તેની આર્થિક-રાજકીય તાકાત બતાવવાનો આ મજબૂત મોકો હતો. ૨૦૦૮ પહેલાના છેલ્લા બે-ત્રણ કંઇક અંશે નબળા અને ઉદાસીન કહી શકાય તેવા ઓલિમ્પિકના ઉત્સવો પછી જાણે કે ચીને નક્કી કર્યું હોય કે 'અમે તમને બતાવીશું કે ઓલિમ્પિકનું આયોજન કેમ કરાય છે?' બીજીંગમાંલીમ્પીકની તૈયારી માટે ૪૦ બિલિયન ડોલર ઠલવાયેલા હતા. ૨૦૦૮ સુધીમાં ૧૧૦૦૦ નવા હોટેલ રૂમ શહેરમાં ઉમેરાયેલા, લાખો સ્ક્વેર મીટરની ઓફીસ સ્પેઈસ અને શૉપિંગ એરિયાનો ઉમેરો થયો હતો. શહેરના દરેક વિસ્તારનું નવીનીકરણ થયું હતું. દોઢસો મિલિયન ડોલરના આંકડો તો જૂના-જર્જરિત મકાનોને ધરાશાયી કરવાના ખર્ચ તરીકે બોલાતો હતો. બીજિંગ શહેરના ઉત્તરભાગમાં એક વિસ્તારની આસ-પાસ એક હદ નક્કી કરવામાં આવી અને તેમાં આવેલા રહેણાક વિસ્તારો, દુકાનો, ઓફીસ વગેરેને ખાલી કરાવીને તેમને બીજે લઇ જવામાં આવ્યા. તે વિસ્તારમાં ઈમારતોને જમીનદોસ્ત કરીને ઓલિમ્પિક પાર્કનું નિર્માણ શરુ કરવામાં આવ્યું. બસ, આ ઘટના વિષે આવી દંતકથાઓ અને તેની સરકારી આવૃત્તિ સિવાય બીજું કંઈ ખબર નથી.
The famous 'Birds' nest' - 2008 Olympic Stadium under-construction in November 2007, North Beijing.

'One World One Dream' - The logo of Beijing Olympic. Photo of the hording outside the Birds' Nest.
બીજિંગ શહેરમાં ધરમૂળથી ફેરફારો થઇ રહ્યા હતાં. શહેરની મેટ્રો રેલ (સબ વે) સુવિધા માટે એક નવી લાઈન નાખીને આખું નેટવર્ક પૂરું કરવામાં આવ્યું હતું. શહેરના દૂર-સુદૂર વિસ્તારોમાંથી લોકો શહેરના મુખ્ય ભાગો કે મેટ્રો રેલના નેટવર્ક સુધી પહોંચીકે તે માટે બી.આર.ટી.ના નવા કોરીડોર વિકસાવવામાં આવ્યા હતા (અમદાવાદ-સુરતમાં બની રહ્યા છે તેવા). શહેરની સંસ્કૃતિને, લોકોને, સુવિધાઓને જાણે ઘસીને ઉજળી કરવાની કવાયત ચાલતી હતી. શહેરમાં હરતાં-ફરતાં ઓલિમ્પિકનો સંદર્ભ સતત આવ્યા કરતો હતો. પેલું કેમ બંધ છે? અહીં કેમ નવું કામ ચાલી રહ્યું છે? ત્યાં કેમ આવું છે? - આ બધા પ્રકારના સવાલોનો એક જવાબ હતો. શહેર ઓલિમ્પિક માટે તૈયાર થઇ રહ્યું છે. શહેરમાં દરેક નિશાની, પાટિયાં, બીલબોર્ડ, નકશા વગેરે પરવે મેન્ડેરીન અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં માહિતી દર્શાવાતી હતી. મેટ્રો રેલ (સબ વે) વગેરેમાં જાહેરાતો-ઘોષણા વગેરે બે ભાષામાં સંભળાતી થઇ હતી.

એક ઉદાહરણ તરીકે, નીચે બતાવેલ બીજિંગના મેટ્રો ઉર્ફે સબ વે નેટવર્કનો ફોટોગ્રાફ મેં નવેમ્બર ૨૦૦૭ માં લીધેલો હતો. તેમાં દર્શાવ્યા પ્રમાણે ચાર લાઈન પૂરેપૂરી રીતે કામ કરતી હતી અને પાંચ નંબરની (પાંચમી નહિ) જાંબલી રંગની લાઈન નવી-નવી શરુ થઇ હતી. હજી સુધી સ્ટેશન પર અંગ્રેજીમાં સ્ટેશનના નામવાળા નકશા મૂકાયા નહોતા.
Beijing Subway Map, November 2007
હવે નીચેનો જે નકશો છે, તે બીજિંગ સબ વેના વિકિપેડિયા પેજ પરથી લીધેલો છે. ઓલિમ્પિકના સમય સુધીમાં (ઓગસ્ટ ૨૦૦૮), ત્રણ નવી લાઈન આ નકશામાં જોડાઈ હતી. નીચેના નકશામાં બતાવ્યા પ્રમાણે લાઈન નંબર ૧૦,  ઓલિમ્પિક પાર્કને જોડતી લાઈન નંબર ૮ અને એરપોર્ટને જોડતી આછા જાંબલી રંગની ઉત્તર-પૂર્વ દિશાની લાઈન. હવે મજાની વાત એ છે કે ૨૦૧૫ના અંત સુધીમાં અત્યારનું (૨૦૧૨) ચારસો કી.મીની મેટ્રોની માયાજાળ સાતસો કી.મી.એ પહોંચશે અને ૨૦૨૦ સુધીમાં એક હજાર કી.મી.નું નેટવર્ક બીજિંગ શહેરના મેટ્રો ઉર્ફ સબ-વે સીસ્ટમનું હશે. ૨૦૧૫માં બીજિંગની મેટ્રો તે દુનિયાની સૌથી મોટી રેલ-આધારિત શહેરી જાહેર પરિવહન સેવા થશે.
Beijing Subway Map 2012
 હવે પ્રશ્ન એ છે કે શા માટે બીજિંગમાં ચીનની સરકાર જાહેર પરિવહનમાં આટલું બધું રોકાણ કરી રહી છે? તેનું કારણ છે બીજિંગનું ખતરનાક હવાનું પ્રદુષણ. ઠંડી-ધુમ્મસની આબોહવામાં વાહનોનો ધુમાડો ભાળીને 'સ્મોગ'(સ્મોક + ફોગ)નું સર્જન કરે છે જેના લીધે શ્વાસોશ્વાસને લગતી ગંભીર બીમારીઓ થાય છે અને શહેર આખામાં ધૂંધળા વાદળો છવાયેલા રહે છે. ખાનગી વાહનોના નિરંકુશ વપરાશને લીધે આ પરિસ્થિતિ બહુ વકરી હતી. એક સમયે બીજિંગની સરકાર એવું માનતી હતી કે ખાનગી વાહનોની વૃદ્ધિને વધુ પહોળા રસ્તા અને ફ્લાય-ઓવર વગેરે બનાવીને નીપટાવી લઈશું પણ બન્યું ઊંધું. ફ્લાય-ઓવર ઉપર પણ હવે વાહનોની ગીચતા વધી, પરિણામે ટ્રાફિક જામ, હવા-અવાજનું પ્રદુષણ, ચીનના પ્રતિકસમા સાઈકલ-ચાલનમાં ઘટાડો અને સર્વત્ર અંધાધૂંધી. ૨૦૦૭માં અમને એક સેમિનારમાં જણાવવામાં આવેલું કે જો પરિસ્થિતિ વકરશે તો 'રોડ રેશનીંગ' જેવો એક વિચાર અમલમાં મૂકાશે જેમાં અઠવાડીયાના ત્રણ દિવસ શહેરમાં એવા વાહનો ચાલે કે જેમના નંબર પ્લેટનો છેલ્લો આંકડો એકી સંખ્યા હોય અને બાકીના ત્રણ દિવસ એવા વાહનો કે જેમના નંબર પ્લેટનો છેલ્લો આંકડો બેકી સંખ્યા હોય. અમે પાછળથી તે સમયના સમાચારોમાં સાંભળેલું કે આવો વિચિત્ર પ્રયોગ સફળ રહ્યો છે અને શહેરનો લગભગ ૪૦-૫૦ ટકા ટ્રાફિક તેની મેળે જ ઓછો થઇ ગયો હતો. બીજિંગ ઓલિમ્પિક વખતે હવાનું પ્રદુષણ કાબૂમાં રહ્યું પણ તે પછી સરકારે જાહેર પરિવહન અને માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે.
Signs in English on the Beijing BRT stops, November 2007.
New fleet of articulated (doubly long) buses for the Beijing BRT, November 2007.
બીજિંગમાં મોટો પ્રશ્ન હતો કે અંગ્રેજી અને બીજી ભાષાઓ ન જાણનાર મોટાભાગની ચીની પ્રજા વિદેશી મહેમાનો સાથે કેવી રીતે કોઈ વ્યવહાર કરી શકશે? કેટલીક વાર તો ટેકસી-ડ્રાઈવરને 'ક્યાં જવું છે' તે સમજાવવામાં પણ પ્રશ્નો થતા હતા. ત્યારે સરકારે વિશ્વની કોઈ પણ ભાષામાં આદાન-પ્રદાન થઇ શકે તે માટે કોલ-સેન્ટર શરુ કરેલા. તમે જેવા ટેક્સીમાં બેસો એટલે ટેક્સી-ડ્રાઈવર ફોન જોડે અને તમને પકડાવે, તમે ફોન પર 'ક્યાં જવું છે' વગેરે અંગ્રેજીમાં સમજાવો એટલે કોલ-સેન્ટર પરથી ડ્રાઈવરને મેન્ડેરીનમાં સમજાવવામાં આવે. આ તો એક નાનું ઉદાહરણ થયું. હોટેલના સ્ટાફને ટ્રેઈન કરવામાં આવેલા. હોટેલ અને તેની નાની-મોટી સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો તેના મેન્યુઅલનો ઢગલો બે-ત્રણ ભાષામાં મળે. દરેક જાહેર સ્થળો પર બે-ત્રણ ભાષામાં નિદર્શનો જોવા મળે.

લેખકનું કહેવું છે કે બીજિંગ ઓલિમ્પિક 'આધુનિક ટેકનોલોજીના ઉપયોગ, મૂડીવાદી ઉત્સાહ, સામ્યવાદી અંકુશ, રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા અને સામાજિક રીતે અસુરક્ષિત પણ સસ્તા-દરે સતત મળી રહેતા મજૂર વર્ગ' વગેરેના મિશ્રણનું પરિણામ હતું. વાત ઘણે અંશે સાચી પણ છે. ચીનની સસ્તી મજૂરી વિશ્વમાં વખણાય છે. શું સસ્તી મજૂરી એ હરખાવા જેવી વાત છે? બીજીંગમાં બે-ત્રણ અઠવાડિયા ગાળ્યા હોવા છતાં બીજિંગ ઓલિમ્પિકની બીજી બાજુ - અંધારી અને અણધારી બાજુ વિષે ખાસ ખબર પડતી નથી. મેન્ડેરીન અજાણી ભાષા હોવાનો પ્રશ્ન તો છે જ પણ સાથે માહિતીમાં પારદર્શકતાનો પ્રશ્ન પણ ખરો. છેલ્લે, ડીસેમ્બર ૨૦૦૭માં ભારત આવતાં પહેલાં બીજિંગ એરપોર્ટ પર ડિપાર્ચર લોન્જમાં ઉદઘોષિકા ચીની ઉચ્ચારણવાળા અંગ્રેજીમાં કહી રહી હતી, 'પ્લીજ કમ બેક ફોર ધી ઓલિમ્પીઇઈઈક...'

૨૦૧૨માં લંડન

બીજિંગ ઓલિમ્પિકને ચીનના આર્થિક વિકાસની સર્વોચ્ચતાની ઉજવણી સમાન ગણી શકાય તો લંડન ઓલિમ્પિક બ્રિટનની આર્થિક મંદીના કપરા કાળમાં યોજાઈ રહ્યો છે. ઐતિહાસિક રીતે જોઈએ તો કદાચ બ્રિટન માટે આથી કપરો સમય ક્યારેય નહિ હતો. આ પહેલા લંડનમાં ૧૯૦૮ અને ૧૯૪૮માં લંડનમાં ઓલિમ્પિક રમતો રમાઈ ચૂકી છે. ૧૯૦૮માં બ્રિટન વિશ્વની લગભગ અજેય, બિન-હરીફ મહાસત્તા હતું, જ્યારે ૧૯૪૮માં બીજા વિશ્વયુધ્ધના વિજય પછી ઘાયલ બ્રિટને પોતાનો દબદબો જાળવી રાખેલો. ૨૦૧૨માં લંડનમાં એવી અપેક્ષા રખાય છે કે ચારે બાજુઓથી ઘેરાયેલી આર્થિક કટોકટીમાંથી આ ઓલિમ્પિક બહાર નીકળવાની શરૂઆત બને. લંડન અને બીજિંગ બંને બહુ અલગ શહેરો છે એટલે તેમની સીધી સરખામણી થઇ શકતી નથી. પણ બંને ઓલિમ્પિક વિશેના મારા અનુભવ પરથી કહું તો બીજિંગ અને લંડન વચ્ચે લગ્નની પહેલી તિથી અને પચ્ચીસમી તિથી વચ્ચે હોય તેવો ફરક છે. બંનેનું મહત્વ છે, બંને શુભ પ્રસંગો છે પણ બંનેમાં ઉત્સાહ અને ખુશી અલગ-અલગ પ્રકારની હોય છે. એકમાં નવી શરૂઆતનો આનંદ હોય છે તો બીજામાં ક્યાંક પહોંચી શક્યાની મજા હોય છે. 
Docklands Light Rail near the Tower Bridge station, London. March 2012.
The 'Boris' bikes at the Tower Bridge from the London's 500 million pounds bike sharing scheme named after London's Mayor Boris Johnson, March 2012.
લંડનમાં મોટા ભાગની માળખાકીય સુવિધાઓ બની ચૂકેલી છે અને તેમાં નિરંતર ફેરફારો અને વૃદ્ધિ ઓલિમ્પિક હોય કે ન હોય થતા જ રહે છે. ૧૮૫૩માં બ્રિટીશરોએ મુંબઈથી થાણે વચ્ચેની ભારતની સૌથી પહેલી રેલલાઈન એક મોટા આયોજનના ભાગરૂપે નાખી તેના દસ જ વર્ષ પછી લંડનમાં પહેલી અન્ડરગ્રાઉન્ડ રેલલાઈન શહેરી પરિવહનના એક મોટા આયોજનના ભાગરૂપે નાખવામાં આવી હતી. આજે લંડન અન્ડરગ્રાઉન્ડ કે ટ્યુબના હુલામણા નામે ઓળખાતી આ સુવિધા પાસે દોઢસો વર્ષનો ઈતિહાસ છે, ચારસો કી.મી.નું નેટવર્ક છે જે લગભગ ૨૭૦ સ્ટેશનો વચ્ચે પથરાયેલું છે. એટલું જ નહિ, આ આખું નેટવર્ક DLR (Docklands Light Rail), નેશનલ રેલ અને વિવિધ બસ સેવાઓ સાથે સંકળાયેલું છે. આ સમગ્ર પરિવહન તંત્ર અહીં જોઈ શકાશે. લંડનની મોટાભાગની પ્રજા જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે. ખાનગી વાહનો પર જબરજસ્ત અંકુશ મોંઘી પાર્કિંગ ફી અને કન્જેશન ચાર્જ જેવા નવીન ઉપાયો વડે મૂકવામાં આવ્યો છે. ચાલવા માટે સરસ ફૂટપાથો તો છે પણ સાઈકલ-ચાલન વધે તે માટે લંડનમાં સાઈકલના 'સુપર-હાઈવે' બનાવવામાં આવ્યા છે. પાંચસો મિલિયન પાઉન્ડના ખર્ચે એક મહત્વાકાંક્ષી બાઈક (સાઈકલ) શેરીંગ સ્કીમ ઉભી કરવામાં આવે છે, જેમાં નિયત સ્થળેથી સાઈકલ ભાડે લઈને શહેરના બીજા કોઈ છેડે આવેલા બાઈક સ્ટેશન પર સાઈકલ પાછી મૂકી શકાય છે.

લંડન ઓલિમ્પિકના આયોજનકર્તાઓ એક ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહ્યા છે. ૨૦૧૨નું લંડન ઓલિમ્પિક દુનિયાનું સૌ પ્રથમ 'કાર-ફ્રી' ઓલિમ્પિક હશે. લંડન જ નહિ પણ ઇંગ્લેન્ડના બાકીના શહેરો કે જેમાં કોઈને કોઈ રમતો યોજાવાની છે ત્યાં કાર લઈને જવા માટે પાર્કિંગ જેવી કોઈ સુવિધા નહિ હોય અને ખાનગી વાહનોને જે-તે સ્થળોથી બહુ દૂર જ રોકી દેવામાં આવશે. બધા જ ઓલિમ્પિકના રમત સ્થળોએ ઓટો વર્જિત ક્ષેત્ર કહેવાશે. ઓલિમ્પિક પાર્ક જવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરો કે સાઈકલથી પહોંચો કે પછી ચાલતા પહોંચો! આ જુવો ઓલિમ્પિક ૨૦૧૨ની  સત્તાવાર વેબસાઈટ પર જ્યાં-ત્યાં પહોંચવાની સત્તાવાર માહિતી. ખાનગી વાહનોનો એકડો જ કાઢી નાખવામાં આવ્યો છે. ઓલિમ્પિક પાર્ક પાસે આવેલું સ્ટ્રેટફર્ડ સ્ટેશન નવું બનાવવામાં આવ્યું છે, ઉત્તર અને પૂર્વની અન્ડરગ્રાઉન્ડ અને ડી.એલ.આર લાઈનમાં સુધારા-વધારા કરીને તેની લંબાઈ વધારવામાં આવી છે અને લોકોને ઓલિમ્પિકના દિવસો માટે માનસિક રીતે તૈયાર કરી શકાય માટે આ પ્રકારની જાહેરાતોમાં પણ કરવામાં આવી રહી છે. ગુજરાતના બધા શહેરોની સુધરાઈની વેબસાઈટ કદાચ ગુજરાતીમાં ન પણ જોવા મળે પણ લંડનમાં પરિવહનની વેબસાઈટમાં ગુજરાતીનો વિકલ્પ જરૂર છે. 
The famous 'tube map' show the intrinsic network of public transport in London
The famous red double-decker London bus - Buses are well-integrated with the rail system
 લંડન ઓલિમ્પિકના લીધે શહેરમાં મકાનોના ભાડાં વધી રહ્યા છે. મકાનમાલિકો આ બે-ત્રણ મહિના માટે મકાન ખાલી કરાવીને રોકડી કરવાના ચક્કરમાં છે. કોઈ કહે છે કે ટીકીટોની વહેંચણીમાં પારદર્શકતા જળવાઈ નથી. કોઈ પૂછે કે આ સ્ટેડીયમના નામે જે ધોળા હાથીઓ સર્જ્યા છે તેનું શું કરશો? સરકારી જવાબ - કોઈ ફૂટબોલ ક્લબને વેચી મારીશું. ફૂટબોલ ક્લબનો પ્રશ્ન: શું તેમાં કોઈ સબસીડી મળશે? કે પછી અમે આ સ્ટેડીયમ તોડી-ફોડીને નવું બાંધીએ તો? ભોપાલ ગેસકાંડમાં ખરડાયેલી અને યુનિયન કાર્બાઈડની માલિકી ધરાવતી ડાઉ કેમિકલ્સની સ્પોન્સરશીપનો બ્રિટીશ સરકાર સરાસર બચાવ કરે છે ત્યારે ભારતની સરકાર, અહીંના ભારતીય મૂળના સમુદાયો જેટલી જ ચૂપ રહે છે. અહીંના ભારતીય મૂળના સમુદાયો નાતી-જ્ઞાતિ અને દેશાવરના સંબંધોથી ફાયદો લેવામાં જે 'ભારતીયતા' બતાવે છે તેટલી ભારતીયતા ડાઉ કેમિકલ્સના વિરોધમાં બતાવી શકાતી નથી, તેવું લાગે છે.

લંડન ઓલિમ્પિકના લીધે થતો આર્થિક ફાયદો કોને અને કેવી રીતે થઇ રહ્યો છે તેના વિષે પણ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે. સરકારી દાવાઓ પ્રમાણે આ ઓલિમ્પિકના લીધે નોકરીઓનું સર્જન થશે, નવા વ્યાપાર-ધંધા વિકસશે, નવ-યુવાનોને રમતગમતમાં રસ પડશે તેવું કહેવાતું હતું. હકીકત એ છે કે અહીંની અર્થવ્યવસ્થા ખાસ્સી વૈશ્વિક રીતે ફેલાયેલી હોવાથી, જે તે કંપનીઓને બહારથી મજૂર વર્ગ મંગાવવો સસ્તો પડે છે કે પછી જો ભારતમાં આવીને ઓલિમ્પિકની ટીકીટ છપાવે તો અહીંના સ્થાનિક ખર્ચાથી સસ્તું પડે તેમ છે. એવું કહેવાય છે કે બાંધકામ ક્ષેત્રે મોટાભાગનો મજૂર વર્ગ યુરોપિયન યુનિયનના પોલેન્ડ કે રોમાનિયા વગેરેથી આવે છે. તો કોઈ તૃતીયમ જગ્યાએ ઘણું બધું ઔદ્યોગિક પ્રકારનું કામ આઉટ સોર્સ થઇ રહ્યું છે તેવી ફરિયાદો વારંવાર ઉઠે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે સ્થાનિક લોકોને કોઈ સીધો કે આડકતરો આર્થિક ફાયદો થશે કે તેમના ભાગે ભોગવવાનું જ આવશે? આમ પણ ઓગસ્ટ મહિનામાં બાકીના યુરોપિયન લોકોની જેમ બ્રિટીશ લોકો વેકેશન માણવા ઉપાડી જાય છે. આ વખતે પણ ઘણા લોકો આવું આયોજન કરી ચૂક્યા છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં લંડનથી દૂર ભાગી છૂટવું તેવું માનનારો વર્ગ મોટો હશે. એટલે જ તો 'હોલીડેઝ એટ હોમ' કરીને એક ઝુંબેશ શરુ કરવામાં આવી છે જેની જાહેરાતમાં જાણીતા ચહેરાઓ અહીં જોઈ શકાશે. જો તડકો ખીલે તો બગીચામાં બેસીને ચા કે બીયર પીને શાંતિનો અનુભવ કરતી (એમની ભાષામાં - એન્જોઈંગ બીટ ઓફ સન...આંહ!) બ્રિટીશ પ્રજા જાણે કે છેલ્લી બે-ત્રણ સદીનો થાક ઉતારી રહી છે. હવે બીજી ભાષાના લોકોથી, અજાણ્યા ચહેરાથી અને અજાણી વાતોથી અહીની પ્રજા જરા ઉંચી-નીચી થઇ જાય છે. બીજિંગની ઉલટું, લંડન ઓલિમ્પિક વિષે વાત કરતાં અંગ્રેજી મિત્રો કહે છે કે, 'ઓહ બીલીવ મી, સ્ટે અવે ફ્રોમ લંડન ઇન ઓગસ્ટ!'.

બીજિંગ શહેર લંડનના સમય કરતા સાત કલાક આગળ છે (+૭ કલાક GMT), તો શું છેવટે બીજિંગ ઓલિમ્પિક લંડન કરતા સાત ચાસણી ચઢેલું જ રહેશે કે લંડન ઓલિમ્પિક બીજિંગ ઓલિમ્પિકના ઠાઠ-માઠની નજીક પહોચી શકશે? એક વાત તો નક્કી છે કે આ મહાકુંભની આર્થિક રમત-ગમતોમાં કેટલાક લોકો જીતશે અને કેટલાય હારશે પણ આ આર્થિક સ્પર્ધા કેટલી યથાયોગ્ય હતી અને તેમાં કેટલી ખેલદિલી હશે તે કોને ખબર?

અભી દિલ્હી દૂર હૈ?

બીજિંગ અને લંડનમાં લટાર મારતા કે તેમની તૈયારીઓ વિષે વિચારતા અજાણતા દિલ્હીની કોમનવેલ્થ રમતો જોડે તેની સરખામણી થઇ જતી હતી. એવો સતત વિચાર આવ્યા કરતો હતો કે ભારતનું કોઈ શહેર ક્યારે ઓલિમ્પિક માટે યજમાન બનવાનું વિચારી શકશે. જો કે દિલ્હીની કોમનવેલ્થનો એવો બેવડ માર વાગ્યો છે કે એક-બે દાયકા સુધી તો કોઈ ભારતમાં ઓલિમ્પિક યોજવાનું નામ નહિ લે. વિચાર કરો, દુનિયાની બે સૌથી મોટી અને લોકપ્રિય ઇવેન્ટ હોય છે ઓલિમ્પિક અને વર્લ્ડકપ ફૂટબોલ. પણ દુનિયાના છઠ્ઠા ભાગની વસ્તી ધરાવતો દેશ આ બંને ખેલ આયોજનોથી યોજનો દૂર! ઓલિમ્પિકના યજમાન બનવું તે કોઈ મહાનતાનું પરિમાણ નથી પણ આવાં વિશ્વકક્ષાના પ્રસંગ માટે વિશ્વકક્ષાનું માળખાકીય તંત્ર જોઈએ, શું તે ઉભું કરવા માટેની શક્તિ ભારતના કોઈ શહેર પાસે છે?

દિલ્હીની કોમનવેલ્થ રમતોમાં થયેલો ભ્રષ્ટાચાર બાજુમાં મૂકો તો પણ શું જે પ્રમાણે પૈસા ખર્ચાયેલા તે પ્રમાણે રમતોની કક્ષા કેવી હતી? કેવી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી? જે કંઈ ઉભું થયું તેની ખરેખર જરૂરત હતી? કોમનવેલ્થના નામે પૈસા પડાવીને કશાય આયોજન વગર દિલ્હીએ કેટલાય ગંજાવર ફ્લાય-ઓવર ખડક્યા છે. આજકાલ ફ્લાયઓવર પર થતા ટ્રાફિક-જામના ડરથી ટેક્સીચાલકો તેની ઉપર ચઢવાને બદલે નીચેથી જ વાહન ચલાવાનું પસંદ કરતા હોય છે. કોન્ક્રીટ ખડકવામાં પૈસાની ભારે લેન-દેન થતી હોય છે તેથી કોન્ક્રીટને ઘણા લોકો બહુ પ્રેમ કરતા હોય છે. મેટ્રો નેટવર્ક જેટલું વિસ્તારી શકાતું હતું તેવું કંઈ ખાસ થયું ન હતું. બસ સર્વિસમાં નાના-મોટા ફેરફારો થયા હતા, પણ કોઈ ખાસ સુધારા નહિ. મેટ્રોનું સંચાલન એક કોર્પોરેશન કરે છે અને બસ સેવાનું સંચાલન બીજું કોર્પોરેશન. બંને વચ્ચે કોઈ સંકલન કે સુમેળ નહિ, સાથે કરેલું કોઈ આયોજન નહિ. દિલ્હીમાં મેટ્રો તો જાણે માનીતી રાણી છે અને બસ સર્વિસ એ અણમાનીતી રાણી. બંને એકબીજા જોડે વાત કરે તો ને? રાજા ઉર્ફ સરકારને બંને વચ્ચે મધ્યસ્થી કરાવીને 'એક શહેરની એક જ પરિવહન સેવા' જેવું કંઈ કરાવવામાં રસ નથી. પરિણામે દિલ્હીની શહેરી સરકારમાં કોઈ એકસૂત્રતા નથી, દરેક સરકારી તંત્ર તે કોઈનું રજવાડું હોય છે અને તેમાં કોઈની આણ વરતાતી હોય છે. ભારત આવાં હજારો રજવાડાંઓ વચ્ચે વહેંચાયેલો દેશ છે.

(ખાસમખાસ નોંધ: આજે આ બ્લોગને બે વર્ષ પૂરા થયા. બે વર્ષની બેવડી ખુશી વધુ બેવડાઈ જાય તેવી વાત છે કે આજે આ પચાસમી પોસ્ટ છે. આજે બે વર્ષ પછી, એક મહિનામાં બે તેવી એકધારી અને મંથર ગતિથી પચાસ પોસ્ટ પૂરી થઇ છે, જેનો મને આનંદ છે. અપની હી ગત ન્યારી! નોકરી અને પીએચડી જેવા બે ફૂલટાઈમ કામ વચ્ચે ક્યારેક ક્યારેક લખાઈ જાય છે તો ક્યારેક પ્રયત્ન કરીને લખવું પડે છે. પણ મને લખવામાં આનંદ આવે છે અને જે વાંચે છે તે મિત્રો બને છે. બસ, આ બે મૂળભૂત ચાલક બળ છે. ગયા વર્ષની જેમ આજે કોઈ આંકડા પ્રદર્શન, સરખામણીઓ નહિ. કવિ-મિત્ર પંચમ શુક્લ અહીં લખે છે કે ઇન્ટરનેટ જગતમાં 'યુનિકૉડ ઉદ્યોગ' ફાટી નીકળ્યો છે અને કવિ તો પછી અવળે હાથે ફટકારે પણ છે કે અહીં તો 'સેલ્ફ-પઝેસ્ડ સંચાર' સાથે 'રજ્જુહીન સંયોગ'થી રચાયેલો 'ફૉન્ટલૅસ આ શબ્દોનો સોફ્ટ-સોફ્ટ સંભોગ' સર્વત્ર છવાયેલો જોવા મળે છે. પરિણામે ઉપજે 'ખાદ્ય-અખાદ્ય બ્લોગ'  કારણ કે 'અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ'! જો પ્રબુદ્ધ કવિ આવું કહેતા હોય તો આપણી ફરજમાં આવે છે કે આ બે વર્ષ બાદ જરા જાતને અરીસામાં જોઇને ખાતરી કરી લઈએ કે આપણે આ ઉદ્યોગમાં આપણે કેટલા ઊંડા છીએ અને જે લખીએ છીએ તેની ગુણવત્તા શું છે? કેવી રહી છે? કેટલું ઝીણું કાંત્યું અને કેટલું જાડું? બસ, આજે બીજા જન્મદિવસ પર આવો આત્મ-નિરીક્ષણનો માહોલ છે. જે મિત્રો આ સફરમાં જોડાયા છે અને જોડાતા રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર.)
Some narcissism with the 'Olympic 2008 cap' in front of the Birds' nest stadium, Beijing. November 2007

16 comments:

  1. બીરેન કોઠારી4/02/2012 9:48 AM

    ઋતુલ, પોસ્ટ તો પછી વાંચીશું. પહેલાં તો દિલથી અભિનંદન. તમારા બ્લોગે, તેની પોસ્ટના વિષયોએ અમને એક નવી જ સૃષ્ટિનો પરિચય કરાવ્યો છે.
    જરાય અતિશયોક્તિ વિના કેવળ તથ્યાત્મક રીતે કહું તો અનેક વિષયો એવા છે કે ગુજરાતીમાં તે પહેલી વાર અહીં લખાયા છે. અને એ પણ ખૂબ રસપ્રદ રીતે.
    આંકડા અને સરખામણીઓ તો ઠીક છે, તમને લખવાની જે મઝા આવે છે એ છેક અમારા સુધી પહોંચે છે.
    લખતા રહો.

    ReplyDelete
    Replies
    1. Thank you, Birenbhai! :)

      Friends like you are the real encouragement!

      Delete
  2. રુતુલ,. એવું લાગે છે કે કેટલીક વાતો કેટલાક લોકો જ કરી શકે, સૌ બ્લોગરોનું એ ગજું નહિ. કારણકે એમની એ નિસ્બત નહિ. બે ઓલિમ્પિકની રસપ્રદ વાતો કરતા કરતા તમે જે સામાજિક નિરીક્ષણો મુક્યા એ મને બહુ વિચારણીય લાગ્યા. અને એટલે અહી એ બે અવતરણો ઉતારું છું, મહત્વની અને નવી પણ ખરી એવી માહિતીઓ વાંચવામાં કોઈ વાચક કદાચ એની નોધ લેવાનું ચુકી ગયા હોય :
    ૧.
    'બીજિંગ ઓલિમ્પિક 'આધુનિક ટેકનોલોજીના ઉપયોગ, મૂડીવાદી ઉત્સાહ, સામ્યવાદી અંકુશ, રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા અને સામાજિક રીતે અસુરક્ષિત પણ સસ્તા-દરે સતત મળી રહેતા મજૂર વર્ગ' વગેરેના મિશ્રણનું પરિણામ હતું. વાત ઘણે અંશે સાચી પણ છે. ચીનની સસ્તી મજૂરી વિશ્વમાં વખણાય છે. શું સસ્તી મજૂરી એ હરખાવા જેવી વાત છે?'
    ૨.
    'ભોપાલ ગેસકાંડમાં ખરડાયેલી અને યુનિયન કાર્બાઈડની માલિકી ધરાવતી ડાઉ કેમિકલ્સની સ્પોન્સરશીપનો બ્રિટીશ સરકાર સરાસર બચાવ કરે છે ત્યારે ભારતની સરકાર, અહીંના ભારતીય મૂળના સમુદાયો જેટલી જ ચૂપ રહે છે. અહીંના ભારતીય મૂળના સમુદાયો નાતી-જ્ઞાતિ અને દેશાવરના સંબંધોથી ફાયદો લેવામાં જે 'ભારતીયતા' બતાવે છે તેટલી ભારતીયતા ડાઉ કેમિકલ્સના વિરોધમાં બતાવી શકાતી નથી, તેવું લાગે છે.'

    ReplyDelete
    Replies
    1. Dear Neeravbhai,

      Thanks! Its great that you have pointed out such obvervations amidst lot of other stuff. Since you have highlighted them, it surely encourages me to write about such issues more.

      Rutul.

      Delete
  3. બે વર્ષથી બ્લૉગ લખવા બદલ કે ૫૦ પૉસ્ટનો એક સન્માનજનક આંક સિધ્ધ કરવામાટે, શ્રી પંચમ શુક્લની અણિયાળી ટીપ્પણીને માન આપવા માટે નહીં, પણ ગુજરાતી બ્લૉગ જગતમા એક અનોખી કેડી બનાવતા રહેવા બદલ અભિનંદન આપવા અને લેવામાં કંઇ વિનયચૂક તો નથી જ થવાની.
    આપણે જ્યારે સાવ નવી કેડી પર સફર કરી રહ્યા હોઇએ ત્યારે આપણું ધ્યાન આસપાસની વિગતો જોવામાં ન હોય તે સ્વાભાવિક છે. તે સમયે જરૂર માત્ર એ છે કે તે સફરની તાજગીને આપણે માણીએ અને આપણા હમસફર સાથીઓને મણાવીએ.
    તો આપણા જૂના અને જાણીતા માર્ગ પર હોઇએ ત્યારે ઝીણી નજરે આસપાસની વિગતને જૂની શરાબને નવી બૉટલમાં રજૂ કરવાની ગુસ્તાખી ન જ કરીએ. [ ગુજરાતમાં રહીને આવો શબ્દપ્રયોગ વાંચીને ગેરસમજ ન કરવી!]
    બસ મંઝિલ પર આગે કદમ કરતા રહીશું તો કારવાં તો જરૂરથી બનશે જ, અને ન બને તો એકલો
    ચાલતા રહેતાં કોણ રોકે..........

    ReplyDelete
    Replies
    1. અભિનંદન ચોક્કસ સ્વીકાર્યા સાહેબ પણ તમે બીજું શું કહેવા માંગો છો તે બહુ સમજાતું નથી.

      Delete
    2. સહુ પ્રથમ તો સ્વિકારી લઉં છું કે તમારા - 'ઝીણું કાત્યું' કે જાડું કાંત્યું';'ઉદ્યોગમાં કેટલા ઊંડા જઇએ અને લખીએ છીએ'; ;તેની ગુણવતા શું છે? કેવી રહી છે?' - શબ્દપ્રયોગના સંદર્ભમાં તમારી બે વર્ષ અને ૫૦ પૉસ્ટની સફર વિષે મારા વિચારોના દ્રષ્ટિકોણની રજૂઆત કરવાં મેં ચૂક કરી છે.
      મારી માન્યતા મુજબ, લેખન કે કોઇપણ કળાનો ઉદ્દેશ્ય જો નિજાનંદ હોય, તો તેની ગુણવત્તાનો માપદંડ આપણા ઉદ્દેશ્ય કે મૂલ્યોનો અરીસો જ હોવો જોઇએ. નિજાનંદની તે એકલી સફરમાં જો અન્ય હમસફર જોડાતા રહે તો તે વધારાનો ફાયદો.
      આમ 'નવી કેડી' પર હિંમતભેર કદમ માંડનારને 'જાડું'કંતાઇ જાય તો તેની સાથે સહમત થયા સિવાય તે કાંતનાર અને કાંતણને આવકારીએ. તો 'જૂની અને જાણીતી' રાહ પર ચાલનાર પાસેથી જૂની શરાબને ગમે તેટલી 'ઝીણી' બૉતલમાં પણમાં ન સ્વિકારવાનો આગ્રહ રાખીએ તો કોઇ ગુસ્તાખી ન ગણાય.
      એ દ્રષ્ટિએ અમને તમારૂં 'જાડું' અને 'ઝીણું' એમ બન્ને માણવું ગમે છે,દરેક વખતે સહમત હોઇએ કે ન હોઇએ તે ન તો તમારાંમાટે બહું મહત્વનું એ ન તો અમારા માટે પણ.

      Delete
    3. Thank you very much Ashokbhai, both for the clarification and nice words! જો આપ કોઈ બાબતે સહમત ન હોવ અને પ્રતિભાવ આપશો તો હું તેને સહર્ષ સ્વીકારીશ તેની ખાતરી આપું છું.

      Delete
  4. વાહ કાંતણવીર, અભિનંદન તો ખરાં જ, પણ એથી વધારે અપેક્ષાઓ. તમારી દરેક પોસ્ટ તબિતયતથી લખાયેલી હોય છે અને એવી જ તબિયતથી વાંચવાની મઝા આવે છે. ખાસ કરીને જે પ્રકારના વિષયો પર ગુજરાતીમાં લખાતું નથી એવા વિષયોને સરસ રીતે છેડવાની તમારી ફાવટ મસ્ત છે. પ્રિય Ashish Kakkadકહે છે તેમ, તમને તો યાર, ફાવે છે:-) અને ગુજરાતીના માનદ્ વકીલની પેઠે કહું તો, તમે અંગ્રેજીમાં ભલે લખો પણ ગુજરાતીના ભોગે તો નહીં જ. ગુજરાતીમાં આવાં લખાણની ઘણી વધારે જરૂર છે.

    ReplyDelete
    Replies
    1. Thank you Urvishbhai. Very encouraging indeed.

      Delete
  5. Superb Rutul. First of all congratulations on a fabulous, completely non- run of the mill blog and its amazing journey. And secondly on this super post. And to think you have done this 49 times before with a job in hand... WOW! With Olympian symbolism, I can only quip that you are a great marathoner. Wish you many more years of this passionate writing.

    ReplyDelete
    Replies
    1. Very encouraging and frankly, I missed the Olympian symbolism till you mentioned it. :) thanks for all your kind words! :)

      Delete
  6. ખુબ ખુબ અભિનંદન ઋતુલ! બે વરસ મા પચાસ પોસ્ટ - અને એ પણ કેટલા વિવિધ વિષયો પર!!! દરેક પોસ્ટ વાંચવાની અલગ જ મજા ને છતાં એને એક તાંતણે બાંધતો ચરખો વાંચ્યા પછી વિચારોના ચક્ર ચાલતા કરી મુકે. માહિતી, વિશ્લેષણ, જાગરૂકતા અને આહલેકના સમન્વય સમા તમારા લેખોનું વિષયવસ્તુ એટલું તો પ્રસ્તુત હોય છે કે વાત ન પૂછો. પરંપરાગત લેખો આવા મુદ્દાઓને સ્પર્શતા અચકાય છે કે કલમોની અડફેટે ચડતા નથી પણ ચરખાનું ક્ષેત્રફળ વ્યાપક છે. તમારું પ્રદાન ખુબ પ્રશંશનીય છે - તમે ખુબ લખો અને અમે ખુબ વાંચીએ. આમીન.

    ReplyDelete
    Replies
    1. ક્યા બાત હૈ, ઓમિતમોશાય! આભાર, આભાર... આ બ્લોગના લીધે જે બોનસ મળે છે તે અદભુત હોય છે. જેમકે, લોકો લંડન આવે અને બેન્કસી મળી જાય તો મને યાદ કરે તે કંઈ ટ્રોફીથી કમ છે! :)

      Delete
  7. ભરતકુમાર4/10/2012 8:13 PM

    ઋતુલભાઇ, બ્લોગવર્લ્ડમાં બે વર્ષ પૂરા થયા, એ કમાલની વાત નથી, પણ અવનવા વિષયોને લઇને એક નવી જ દુનિયામાં અમને સફર કરાવી છે, એ ચોક્કસ કમાલની ને સાથે જ એટલા આનંદની વાત છે. તિબેટવાલી પોસ્ટની વાંચવી જ, એવી અંગત ભલામણ સાથે બિરેનભાઇએ તમારા ચરખાનું સરનામું આપ્યું હતું. ને પછી તો એ પોસ્ટથી અહીં ડોકિયું કરવાની જે ટેવ પડી- તે આજની ક્ષણે પણ એમ જ બરકરાર છે. ગુજરાતીમાં ખુબ લખાય છે, એક ગુજરાતીના ચાહક તરીકે એથી રાજી થવાય છે, પણ વિષયોની બાબતને જો ધ્યાને લઇએ તો થોડા નિરાશ જ થવું પડે. અલબત્ત થોડા બ્લોગ છે, જ્યાં એ બાબતે ઘણો સંતોષ મળે, આ બ્લોગ એ જ શ્રેણીમાં આવે છે. તમે ઘણું સરસ કાંતો છો. એ ક્રમ આમ જ જળવાઇ રહે, એ જ લાગણી સાથે આ સફર માટે શુભેચ્છાઓ.

    ReplyDelete