Friday, May 01, 2015

ઇંગ્લેન્ડમાં બધું ઓરરાઈટ છે!

(સાર્થક જલસો-4માં પ્રકાશિત થયેલો મારો લેખ, પેજ નં  121)

'ગ્રેઈટ બ્રિટન' - મને હંમેશા લાગતું કે આ ખરો અહંકારી દેશ છે કે જેણે પોતાનાં નામમાં જ 'ગ્રેઈટ' ઉમેરી લીધું. એ તો ખાંખાખોળા કરીને ખબર પડી કે 'ગ્રેઈટ' અહીં 'ગ્રેટર'ના અર્થમાં છે. 'ગ્રેઈટ' બ્રિટન એટલે 'મહાન બ્રિટન' નહિ પણ બૃહદ બ્રિટન - વિસ્તૃત બ્રિટન કે જેમાં સ્કોટલેન્ડ, વેઈલ્સ અને ઉત્તર આયર્લેન્ડ આવી જાય છે. પણ શાણા અંગ્રેજોને જરૂર એવું લાગ્યું હશે કે કોઈ 'ગ્રેટર'ને 'ગ્રેટ' સમજતું હોય તો તેમાં સામે ચાલીને સાચી સ્પષ્ટતા કરવાની જરૂર નથી. સ્પષ્ટતા ન કરીને મહાન થવાતું હોય તો સસ્તામાં પડે છે. જો કોઈ અંગ્રેજોને અહંકારી સમજતું હોય તો તેને ટીપીકલ ઈંગ્લીશ અદામાં સલૂકાઈથી કહી શકાય કે 'અંગ્રેજી તમારી સ્થાનિક ભાષા ન હોવાથી કદાચ તેના સૂક્ષ્મ અર્થવિસ્તારો અંગેની તમારી અણસમજ સમજી શકાય તેવી છે'. અંગ્રેજો આવું કહે ત્યારે સમજી લેવાનું કે તમારા અંગ્રેજીના અજ્ઞાનની ફિલમ ઉતારી રહ્યા છે. ઈંગ્લેન્ડમાં કોઈ જાહેર જગ્યામાં કોઈ તમને કહે કે 'તમારું બાળક કેટલું ખુશમિજાજી છે!' ત્યારે પોરસાવાને બદલે એવું તપાસી લેવાનું કે તમારું બાળક બહુ ઘોંઘાટ તો નથી કરી રહ્યુંને! અંગ્રેજી રીત-ભાત, શિષ્ટાચાર અને સલૂકાઈમાં રહેલો કરપીણ વ્યંગ અને મોટેભાગે નિર્દોષ તુમાખી સમજતાં મને એકાદ-બે વર્ષ લાગ્યા. 

હું જ્યારે બ્રિસ્ટલમાં મારી પીએચડીના અભ્યાસ માટે એક-દોઢ વર્ષ રહ્યો હતો અને પછી ત્રણેક વર્ષ સુધી આવવા-જવાનો સિલસિલો ચાલુ રહેલો.  આપણે જ્યારે કોઈ એક જગ્યાએ નિયમિત આવન-જાવન કરીએ છીએ ત્યારે જ્યાં પહોંચવાના હોઈએ તે પહેલા પોતાની જાતને નવા રૂપમાં ઢાળી લઈએ છીએ. મુંબઈ આવવાનું હોય તો બમ્બૈયા થઇ જઈએ અને દિલ્હી આવવાનું હોય તો દિલ્હીવાળા. આને જ કદાચ પરકાયા પ્રવેશ કહેતાં હશે. હિથ્રો કે ગેટવિકના એરપોર્ટ પર ઉતરીને મારા અંગ્રેજીમાં બ્રિટીશ એક્સેન્ટની ઝાંય દેખાતી થઇ જાય છે અને અમદાવાદ ઉતરીને ગુજરાતી બોલવા મન તરસતું હોય છે. આ પ્રવાસો દરમ્યાન મને અંગ્રેજી કે બ્રિટીશ પ્રજા, તેમનાં ફીતૂરો અને ફિતરતો નજીકથી જોવાનો અનુભવ સાંપડ્યો છે. ઇંગ્લેન્ડ કે બ્રિટનને મેં બહુ જ રસથી અને જિજ્ઞાસાથી જોયું છે. હું અહીં ઈંગ્લેન્ડના અનુભવો પરથી ક્રમસર ઈતિહાસ, સમાજ અને વિજ્ઞાન અંગેના અનુભવો ત્રણ ઝૂમખાંમાં રજૂ કરું છું, ભારત પર એક ત્રાંસી નજર રાખીને. 


***

ઈતિહાસ: વિવિધ પાસાં જાળવવાનું શાણપણ

એક મ્યુઝીયમમાં ચર્ચા - 'સિપાઈઓનો બળવો' કે 'પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ'? 

ભારતીય અને અંગ્રેજી પ્રજાના આંતર-સંબંધોનો ત્રણસોથી વધુ વર્ષોનો ઈતિહાસ છે. ઘણા ભારતીયો અંગ્રેજો કે યુરોપિયન લોકોનો સ્વીકાર-સંમતિ ઝંખતા હોય છે તો અંગ્રેજો પણ આવી તક જવા દેતાં નથી. મેં એવી વાયકાઓ સાંભળી છે કે બ્રિટીશ રાજના સમયમાં ઘણાં ભારતીય ઉપખંડના રહેવાસીઓ ઇંગ્લેન્ડના રાણીને 'અમારી રાણી' કહેતાં. પોતાનાં ઘરમાં રાણી વિક્ટોરિયાનો ફોટો જડી રાખતાં. ઇંગ્લેન્ડને પોતાનો દેશ ગણતાં - ભલે પછી ઇંગ્લેન્ડમાં કોઈ તેમની દેશભાવનાની કદર કરે કે ન કરે. તો પછી ઇંગ્લેન્ડ અને ભારતની ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડમાં રહેતા ભારતીયો ક્યાં સુધી ભારતનું સમર્થન કરતાં હોય છે અને ક્યારથી ઇંગ્લેન્ડનું સમર્થન કરતાં થાય છે? કેટલાં લાંબા વસવાટ પછી એક દેશની સરહદ ઓળંગીને બીજા દેશની સરહદને અપનાવી લેવામાં આવે છે, કે પછી હંમેશા બે દેશની વચ્ચે લોલકની સ્થિતિમાં રહેવું સદી જાય છે. શું પાસપોર્ટ કે નાગરિકત્વ બદલવાથી દેશભાવના પણ બદલાઈ જાય છે? નજીકથી જોઈએ તો બે દેશો વચ્ચેની સરહદો બહુ પ્રવાહી હોય છે. 

"Mutiny' or 'War of Independence? - 'The Indian Mutiny' remains a commonly used term in Britain; but this description ignores the scale and wider significance of the uprising. 'The first war of Independence' is favoured by many in India. However, this term implies a unified and organised uprising, ignoring the local complexity of the events. Neither interpretation is adequate. How to describe the violence of 1857-58 is still contested today."

એક મ્યુઝીયમમાં ઉપર મુજબનું લખાણ વાંચ્યું. તે સાથે જ ઈતિહાસ અને તેના નિરૂપણ અંગે વિચારોના ચકડોળે ચઢી જવાયું. ભારતમાં ૧૮૫૭ની ઘટનાઓને 'પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ' તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બ્રિટીશ ઈતિહાસકારો તેને લશ્કરમાં થયેલા બળવાની રીતે જુવે છે. ઉપર લખ્યા મુજબ, 'સિપાઈઓના બળવા' તરીકેનું અર્થઘટન બધી ઘટનાઓની વ્યાપકતા, તેમને સુગઠિત કરવાના પ્રયત્નો વગેરેને મહત્વ આપતા નથી. જ્યારે તેને 'પહેલા સ્વતંત્રતા સંગ્રામ'નું અર્થઘટનનો મતલબ એ થાય કે આ બધી ઘટનાઓ કેન્દ્રીય નેતાગીરી દ્વારા દોરવાઈને એક જ રાષ્ટ્રની વિભાવના સાથે થયેલી અને તેમાં સ્થાનિક પ્રશ્નોની જટિલતા કે વિવિધતા ન હતી. તેમાં પણ કેતન મહેતાની ફિલ્મ 'મંગલ પાંડે' તો વળી આખી ઘટનામાં મંગલ પાંડેને કેન્દ્રમાં મૂકીને તેને આખા સંગ્રામના નેતા (તાત્યા ટોપેની જેમ) તરીકે દર્શાવે છે, જે ઐતિહાસિક ઘટનાઓથી ઘણું વેગળું છે. જો બે દેશોમાં ઇતિહાસની અમુક ઘટનાઓના બે અર્થઘટન થવાના હોય તો પછી ઇતિહાસને ભણવો કેવી રીતે? કયું અર્થઘટન વધારે સાચું?

ઇતિહાસના અભ્યાસ અંગે નાગરીકો તરીકે આપણો આગ્રહ શું હોવો જોઈએ? મને ૧૮૫૭ના વિષે પેલા મ્યુઝીયમમાં જે રીતે રજૂઆત થઇ તે ગમ્યું. તે ઐતિહાસિક ઘટનાને કોઈ અર્થઘટન તરીકે નહિ પણ એક વિવાદ કે બે અર્થઘટનો વચ્ચે થતા દ્વંદ્વ તરીકે રજૂ કરે છે. કોઈ પણ ઘટના એક તરફી નહિ પણ બહુ-તરફી હોય છે, બહુ આયામી હોય છે. ઇતિહાસના શિક્ષણની વાત આવે ત્યારે કોઈ પણ ઘટનાનાં વિવિધ અર્થઘટનો બાળકો સામે રજૂ થવા જોઈએ અને તેમને પોતાની સમજ પ્રમાણે, તેમાંના અર્થઘટનો માનવા કે નહિ માનવાની પસંદગીનો અવકાશ હોવો જોઈએ. આ સાચા શિક્ષણની દિશામાં સાચું કદમ હશે. આજે આપનો ઈતિહાસ ડાબેરી, જમણેરી કે કોંગ્રેસી વચ્ચે વહેંચાઇ ગયો છે, જે રાજ્યમાં જે પ્રકારની સરકાર તેમને મનગમતો ઈતિહાસ ભણાવાય છે. જે અત્યંત દુખદ છે. શું શિક્ષણના અભ્યાસક્રમોને રાજકારણથી દૂર ન રાખી શકાય?

બીજું કે, આ વાત એટલા માટે મહત્વનું છે કે તે દર્શાવતું મ્યુઝીયમ કોઈ તટસ્થ દેશ કે ભારતમાં નહિ પણ ગ્રીનીચ (લંડન)માં આવેલું નેશનલ મેરીટાઈમ મ્યુઝીયમ છે (http://www.nmm.ac.uk/). તેઓ કદાચ એવું માને છે કે બાળકોને ૧૮૫૭ જેવી ઘટનાની બંને બાજુ ખબર હોવી જોઈએ, તેમના પૂર્વજોનું અર્થઘટન શું હતું અને સામેની પ્રજાનું અર્થઘટન શું હતું, તેની વ્યાપક સમજ બુદ્ધિશાળી બાળકોને હોવી જોઈએ. આવતીકાલે 'ગ્લોબલ સંસ્કૃતિ'નો ભાગ બનનાર અને વિવિધ સંસ્કૃતિના લોકો સાથે આંતર-રાષ્ટ્રીય સ્તર પર કામ કરનાર તરીકે વ્યક્તિ તરીકે એ વિદ્યાર્થીઓને તૈયાર થવાના છે. વિચારોની મોકળાશ અને વિચારવાની સ્વંત્રતા આપી શકે તે શિક્ષણ. તેથી જ તો કોઈ એક ઘટનાના બે વિરોધાભાસી અર્થઘટનો હોઈ શકે તેનો સ્વીકાર તે ઇતિહાસની સાચી સમજની દિશામાં લીધેલું પહેલું પગલું છે. આવો એક પ્રયત્ન ગ્રીનીચના મ્યુઝીયમમાં જોવાનો આનંદ થયો.

તેનાથી એક ડગલું આગળ વધીને નીચેનું અવતરણ પણ ત્યાં જોવા મળ્યું. જે જવાહરલાલ નહેરુએ અંગ્રેજો અને અંગ્રેજીપણા પર કરેલો કટાક્ષ છે કે "મહત્વની વાત છે કે આજે એક હિન્દુસ્તાની શબ્દ અંગ્રેજી ભાષાનો ભાગ બની ગયો છે અને તે શબ્દ છે લૂંટ". કટાક્ષને હસી કાઢવો એક વાત છે અને તેને પોતાના 'રાષ્ટ્રીય સંગ્રહાલય'માં સ્થાન આપવા માટે 'છપ્પનની છાતી' જોઈએ. એક સ્પષ્ટતા - અહી મૂળ મુદ્દો 'બ્રિટીશ સમાજ કેટલો સ્વસ્થ/શાલીન/મહાન છે' તે નથી. આવા છૂટાછવાયા ઉદાહરણોથી હું તે અંગેની કોઈ માન્યતા બાંધતો નથી. પણ આવા ઉદાહરણો, ભારત જેવા 'વિવિધતામાં એકતા' જેવા દેશમાં ઇતિહાસનું શિક્ષણ અને સંગ્રહાલયોમાં માહિતીની રજૂઆત અંગે નવા વિચારો જરૂર આપી જાય છે. આખરે, "सा विध्या या विमुक्तये" (Education is that which liberates)નું સૂત્ર ત્યારે જ સાર્થક થાય કે જ્યારે નાત-જાતના અને રાજકીય વાડા ભૂલી જઈને અભ્યાસક્રમોમાં વિચારોની મોકળાશ અને વિચારશીલતાને ઉત્તેજન મળે. શિક્ષણમાં વિમુક્ત કરવાની શક્તિ હોવાની વાત બહુ જાણીતી છે. કોપી-પેસ્ટ, ગોખણપટ્ટી, ટ્યુશન-સંસ્કૃતિ જેટલા જ ખતરનાક હોય છે એક-તરફી, સાંકડા-સંકુચિત વિચારો. ઇતિહાસનું શિક્ષણ ભવિષ્યની તૈયારી છે અને સંગ્રહાલયો કે કળાકેન્દ્રો તે ઈતિહાસ વગેરેની રસપ્રદ ઉડાનો હોય છે. આ બે ક્ષેત્રે ઘણા બદલાવો જરૂરી છે. 

***

સમાજ: લઘુમતીમાં હોવું કે 'એ લોકો' હોવું એટલે શું? 

યુકેમાં વસતા વિવિધ લઘુમતી સમૂદાયના પ્રતિનિધિઓ
મારાં એક પ્રોફેસર મિત્ર કે જેમનાં પિતા ભારતીય હતાં, તે હંમેશા મારી સાથે ક્રિકેટની ચર્ચા કરતાં. ઈંગ્લેન્ડમાં ક્રિકેટ હવે 'હેરીટેજ' રમત છે. મોટાભાગના યુવાનોને તેમાં રસ નથી. પણ ક્રિકેટમાં જ્યારે યુવરાજ છ છગ્ગા મારે કે તેંદુલકર બસ્સો રન મારે ત્યારે પેલા પ્રોફેસર મને શોધતાં આવીને 'ડ્રીંક' માટે લઇ જાય છે. ઇંગ્લેન્ડમાં 'ડ્રીંક' એ બહુ શાકાહારી શબ્દ છે. એ લોકો વિવિધ પ્રકારના ચા-કોફી 'ડ્રીંક' સમજીને પીવે છે, આપણાં ગુજરાત જેવું નહિ! જાણે કે આખો દેશ બસ્સો વર્ષ સુધી દુનિયા પર લગભગ એકહથ્થુ સાશન કર્યાનો થાક (જ્યારે તડકો ખીલે ત્યારે) બગીચામાં બેસીને ચા પીને ઉતારતો જોવા મળે છે. આપણે ભલે ચાનું ઉત્પાદન કરતાં હોઈશું પણ સાદી મસાલા ચા સિવાયની ચાઓ પીવાની રીતો તો આપણને 'એ લોકો'એ જ એ શીખવાડી છે.  હા, 'આપણે' અને 'એ લોકો' - આપણી આખી દુનિયા આ બે ભાગોમાં વહેંચાયેલી હોય છે. આવા બે ભાગો પાડીને, તેમને ઊંડે સુધી આંકીને આપણે આખું જીવન વિતાવી દઈએ છીએ. કેટલાક લોકોને આ આંકા ઊંડાને ઊંડા પાડવાની ટેવ હોય છે જ્યારે બીજા કેટલાયને આ આંકાને ઘસી કાઢીને બુઠ્ઠાં કરી દેવાની ટેવ હોય છે. 'આપણે' અને 'એ લોકો' વચ્ચે ઊંડા પડેલા આંકા સમાજમાં લાંબા ગાળાના ભંગાણ અને અસમાનતા દર્શાવે છે. માનવ સમાજોએ નક્કી એ કરવાનું હોય છે કે ક્યાં સુધી આવા કૃત્રિમ ભેદભાવોને વળગી રહેવું?

ઇંગ્લેન્ડના રહેવાસ દરમ્યાન મને પહેલી વાર જ ભાન થયું કે 'લઘુમતી' કે 'એ લોકો' હોવું એટલે શું. ગુજરાતમાં જો તમે પુરુષ, બહુમતી ધર્મમાં જન્મેલાં, કહેવાતાં સવર્ણ, આર્થીક રીતે ઠીક-ઠાક હોવ તો પછી બહુ અઘરું હોય છે એ સમજવું કે બીજા લિંગના, બીજા લઘુમતી ધર્મના, દલિત કે ગરીબ હોવું એટલે શું. રોજબરોજની જીંદગીમાં 'એ લોકો' તરીકેની ઓળખ સાથે જીવવું એટલે શું. લિંગભેદ, રંગભેદ, વર્ણભેદ, ધર્મકે કોમભેદ વગેરેના અનેક છૂપા સ્વરૂપ હોય છે. કોઈક કારણસર હંમેશા ઈંગ્લેન્ડમાં રંગભેદનો મુદ્દો મને ભારતમાં જાતિભેદના મુદ્દા સરીખો લાગ્યો છે. કોઈ મને પૂછે કે 'ઇંગ્લેન્ડમાં રંગભેદ વિષે શું લાગે છે' તો હું કહું કે 'ભારતમાં જાતિભેદ વિષે લાગે છે તેવું'. સખત કાયદાઓને લીધે રંગભેદ કે જાતિભેદના પ્રત્યક્ષ સ્વરૂપો અદ્રશ્ય થઇ ગયા હશે પણ આ ભેદ કોઈકને કોઈક રીતે બહાર આવી જાય છે. ક્યારેક હિંસા, ક્યારેક અપમાન, ક્યારેક અન્યાય - મને પોતાને રંગભેદનો કોઈ સીધો કે નુકસાનકારી અનુભવ ન થયો હોવા છતાં તેના વિષે સંભાળવા-સમજવા ચોક્કસ મળે છે.

જો કે ભારતમાં અને ઈંગ્લેન્ડમાં એક ફરક છે. ઓક્સફોર્ડની એક પબ્લિક સ્કૂલમાં વર્ષો સુધી ટીચર રહેલી મિત્રએ મને આ વાત કરેલી. શહેરના મધ્યભાગમાં આવેલી આ સ્કૂલમાં પંચરંગી બાળકો ભણે છે - પાકિસ્તાની, ચાઇનીઝ, આફ્રિકન-ઈંગ્લીશ કે કેરેબિયન ઈંગ્લીશ અને બીજા ઈંગ્લીશ મધ્યમ વર્ગના સંતાનો. અમારી ટીચર-મિત્રના કહેવા મૂજબ તેમની સ્કૂલમાં કોઈને 'રેસીસ્ટ' કહેવું તે સૌથી મોટી ગાળ છે. સ્કૂલમાં દાદાગીરી કરતાં છોકરાને પણ કોઈ 'રેસીસ્ટ' કહે તો તેની આંખમાં આંસુ આવી જાય અને તે ટીચરને ફરિયાદ કરે. શું ભારતમાં જાતિવાદી, કોમવાદી કહેવું તે હજી સુધી ગાળ બની શકી છે? ઘણા લોકો વર્વથી કહે છે કે તે પેલી જ્ઞાતિના છે અને સાથે સાથે એક જ શ્વાસમાં કહે કે 'ના રે ના, અમે તો નાત-જાતમાં ન માનીએ'. ઈંગ્લેન્ડમાં પણ એવું બોલવા વાળા લોકો મળી જાય કે 'હું રેસીસ્ટ નથી પણ - '. અહીં પણ પછીનું જે બોલવાનું હોય છે તે કંઇક રેસીસ્ટ પ્રકારનું હશે તેની પૂરી ગેરેંટી છે. જો કે ઈંગ્લેન્ડમાં બહુમતી વર્ગ માનતો થયો છે કે 'રેસીસ્ટ' કે 'સેક્સીસ્ટ' હોવું ખરાબ છે, પોલીટીકલી ઇનકરેક્ટ છે. વિવિધ રાજકીય ઉતાર-ચઢાવને બાદ કરતાં, રાજ્ય-સત્તા કે સરકાર રંગભેદ અંગે તટસ્થ રહેવાનો પ્રયત્ન કરે છે અને ઉપરાંત, તે સાબિત કરવાનો પ્રયત્ન કરે છે કે તેમના માટે સૌ સમાન છે. 

લઘુમતીમાં હોવું એટલે જાણ્યે-અજાણ્યે એ અહેસાસ થાય કે તમે બીજા કરતાં અલગ છો, સતત અમુક પ્રકારના ક્યારેક માની લીધેલા અને ક્યારે સાચા ભય હેઠળ જીવાતું હોય, પોતાનાં ટોળાંને વળગી રહેવાના કારણો મળી આવે, પોતાની જાતને અન્યાય તો નથી થતો તેની સતત જાત-તપાસ ચાલે. સરકાર સાથેના સંવાદમાં, નાગરિક તરીકે હક-ફરજોમાં એક પ્રકારની લઘુતાગ્રંથી હોય. લઘુમતિઓની પરિસ્થિતિ શું હોય છે તે માટે સરકારની કે કાયદો-વ્યવસ્થાની તટસ્થતા સાથે સાથે બહુમતિ રહેલા લોકોનો વર્તન-વ્યવહાર મહત્વનાં છે. એક ઉદાહરણ તરીકે, ઈંગ્લીશ ડીફેન્સ લીગ નામનું એક રાજકીય અંતિમવાદી, વ્હાઈટ સુપ્રીમીસ્ટ કે નિયો-નાઝી પ્રકારનું એક ગ્રુપ છે. આ ગ્રુપ ઘણીવાર નોન-વ્હાઈટ વિસ્તારોમાં રાજકીય રેલીઓ કાઢે છે, મોટેભાગે અહિંસક રીતે હિંસક અને રંગભેદી સુત્રોચ્ચાર કરે છે. મજાની વાત એ છે કે જયારે જ્યારે 'ઈંગ્લીશ ડીફેન્સ લીગ' રેલીઓ કાઢે છે ત્યાં જ અને ત્યારે જ 'યુનાઈટેડ અગેન્સ્ટ ફાસીઝમ' નામનું એક બીજું પંચરંગી ગ્રુપ પહોંચી જાય છે. તેઓ કાઉન્ટર રેલી કાઢીને, અહિંસક રીતે કાઉન્ટર સુત્રોચ્ચાર કરે છે અને નોન-વ્હાઈટ લોકોની પડખે ઉભું રહે છે. દક્ષીણ એશીયાઇ મૂળની લઘુમતી પ્રજા માટે આટલું પુરતું હોય છે કે રાજકીય નફરત ધરાવતા સ્થાપિત હિતો સામેનો રાજકીય પ્રતિકાર મોજૂદ છે. તો પછી રાજકીય નફરત તે નફરત નહિ પણ રાજકીય દ્વંદ્વ લાગે છે. તેથી લઘુમતી લોકોની અસલામતીઓનો ભાર વધતો નથી. ભારતમાં પણ લિંગભેદ હોય કે જાતિભેદ કે કોમભેદ, રાજકીય પ્રતિકારની જરૂર છે. 

***

વિજ્ઞાન: તર્ક અને વિવેકબુદ્ધિની લાંબી લીટી 

'પબ્લિક ઇન્ટેલેકચ્યુઅલ' વૈજ્ઞાનિકો: ડેવિડ એટનબરો, બ્રાયન કોકસ, સ્ટીફન હોકિન્સ, રીચાર્ડ ડોકિન્સ
આધુનિકતા અને પ્રગતિશીલતાને વિજ્ઞાન સાથે ઊંડો આંતર-સંબંધ છે. આપણે ત્યાં અમુક-તમુક લેખક-કમ-ચિંતકોએ ધર્મ, સંસ્કાર અને પરંપરાની ભેળસેળ એવી તો કરી છે કે રોજબરોજના જીવનમાંથી વૈજ્ઞાનિક અભિગમો ગાયબ થતાં જાય છે. અધ્યાત્મને નામે અવૈજ્ઞાનિક અભિગમો લોકપ્રિય થતાં જાય છે અને વિજ્ઞાન સામે ધર્મની લીટી લાંબી થતી જાય છે. ઈંગ્લેન્ડમાં ટીવી અને રેડિયો પર વિવિધ ધાર્મિક માન્યતાઓ અને મર્યાદાઓ અંગેની ચર્ચાઓ ખુલ્લેઆમ થાય છે, જેની હું કમી અહીં મહેસૂસ કરું છું. બીબીસી પર આવતા કાર્યક્રમો, તેમની નો-નોનસેન્સ નીતિ અને નિષ્પક્ષ અભિગમનો હું મોટો ફેન છું. સ્વસ્થ લોકશાહી માટે સંવાદ થવો  જરૂરી છે અને સંવાદ એટલે ટીવી પર ટોળું ભેગું કરીને બૂમાબૂમ કરવી એમ નહિ. આપણી ટીવી પરની ચર્ચાઓના બહુ જ માર્યાદિત વિષયો હોય છે, જે ઊંડા સામાજિક પ્રવાહો પર કોઈ પ્રકાશ પાડી શકતા નથી.

વિજ્ઞાન, વન્યજીવન, ઈતિહાસ વગેરે પરના કાર્યક્રમોથી ટીવીનું સ્કેડ્યુલ ભરચક રહે છે. રીચાર્ડ ડોકિન્સનો પરિચય મને બીબીસીના ટીવી પ્રોગ્રામ પરથી થયો હતો. રીચાર્ડ ડોકિન્સ એક વૈજ્ઞાનિક છે, લેખક છે, ઓક્સફર્ડના રીટાયર્ડ પ્રોફેસર છે. તેમના વિરોધીઓ તેમને 'ઉગ્રવાદી નાસ્તિક' કહે છે અને તેમનો ચાહક વર્ગ તેમને એકવીસમી સદીના ફિલસૂફ. રીચાર્ડ ડોકિન્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ અંગે સમકાલીન સમજ આપે છે, ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવે છે, જાહેર ચર્ચામાં ભાગ લે છે અને તેમને મળતાં 'હેઇટ મેઈલ'નું ખુલ્લેઆમ પઠન કરે છે. એવા જ એક બીજા લેખક છે - એ. સી. ગ્રેઈલીંગ કે જેમણે પશ્ચિમી ઉદારમતવાદનો ઈતિહાસ લખ્યો છે, ધર્મ પર આધાર ન રાખતી નૈતિકતાની હિમાયત કરી છે અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા આંતર-રાષ્ટ્રીય માનવવાદની વિભાવના કરી છે. જયારે 'ગાંધી' ફિલ્મ બનાવનારા રીચાર્ડ એટનબરોના નાના ભાઈ ડેવિડ એટનબરો વર્ષોથી બીબીસી પર વન્યજીવન, પ્રાકૃતિક લેન્ડસ્કેપ અને તેમની વૈજ્ઞાનિક સમજ અંગેના અદ્ભૂત પ્રોગ્રામો કરે છે. ડેવિડ એટનબરોની અમુક ડોક્યુમેન્ટરી ફિલ્મો તો કલેકટર્સ આઈટેમ્સ છે.

ઈંગ્લેન્ડમાં વિતાવેલા સમયમાં મને સમજાયું કે દરેક વ્યક્તિને બૌદ્ધિક રીતે પગભર થવાનો મોકો આપવો જરૂરી છે. આપણે ત્યાં ધર્મ અને તેની ફિલસૂફીને ધર્મગુરુઓએ હાઈજેક કરેલાં છે. દરેક ધર્મમાં રૂઢિચુસ્તતા, ધર્માંધતા, વૈજ્ઞાનિક સમજનો વિરોધ અને ભ્રષ્ટાચાર સર્વવ્યાપ્ત છે. ઐતિહાસિક રીતે બધા જ ધર્મોએ અલગ-અલગ સમયે થતી વૈજ્ઞાનિક શોધખોળોનો વિરોધ કરેલો છે અને હજી સુધી કરે છે. ક્યારેક સાત સમંદર પાર જવું પાપ મનાતું તો ક્યાંક પૃથ્વીને ગોળ માનવાનો ઇનકાર થતો તો પછી ક્યારેક દૂરબીન કે બીજાં મશીન વગેરેને અધાર્મિક માનવામાં આવતા. હજી ય પોતાનો ધર્મ કે સંપ્રદાય બીજા કરતાં કેટલો મહાન છે અને બીજા કેટલા પામર-પાપી-દુષ્ટ છે તે અંગે વ્યવસ્થિત, સુનિયોજિત જુઠાણા ચાલે જ છે. મૂળ પ્રશ્ન એ છે કે ધર્મો કે તેમના સ્થાપિત હિતોના લીધે પ્રવર્તમાન સંકુચિતતાઓ હંમેશા માનવ વિકાસ કે વૈજ્ઞાનિક સમજણના વિરોધ પક્ષે જ કેમ રહી છે? શું ધાર્મિક સંસ્થાનોને વ્યક્તિના સાર્વત્રિક વિકાસમાં રસ છે કે પછી પોતાનો કક્કો ખરો ઠરાવવામાં? વ્યક્તિમાં આત્મ-વિશ્વાસ જગાડવો તે ધર્મ છે કે ઈશ્વરના નામે તેને ડરાવી રાખવો, નરકની બીક બતાવવી અને સ્વર્ગની લાલચ બતાવવી - તે ધર્મ છે? નાત-જાત જેવા સામાજિક અન્યાય, કોમવાદ, સ્ત્રીઓ કે બાળકોનું શોષણ આખરે તો ધર્મના નામે જ કરવામાં આવે છે. ચાલો માની લઈએ કે આ ધર્મના નામનો દુરુપયોગ છે, જો એમ હોય તો કોઈ પણ ધર્મગુરુઓ અને તેમના સંસ્થાનો આવા સામાજિક ભેદ-ભાવનો કે શોષણનો ખુલીને વિરોધ કેમ નથી કરતાં?

નૈતિકતા માટે ધાર્મિકતા બિલકુલ જરૂરી નથી અને ધાર્મિકતા તે નૈતિકતા ન પણ હોઈ શકે તે સમજાવા માટે મોટા વિચારક હોવાની જરૂર નથી. ભગવાનમાં માનવું કે ન માનવું તે અંગત બાબત છે, તેનો વિરોધ ન હોઈ શકે. પણ પછી ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે ધાર્મિક દંભ અને આડંબર સહેવો તે આધુનિક સમાજને ન પોસાય. સમાજ કલ્યાણ અને જાહેર હિત માટે ધાર્મિક માન્યતાઓને અંગત પરિઘમાં રાખવી જરૂરી છે. તકલીફ એ છે કે આપણે ત્યાં આ પ્રકારની ચર્ચાઓ થઇ શકે તેવી સ્પેસ હજી સુધી તો જાહેર માધ્યમો આપી શક્યા નથી. જાહેર માધ્યમોની સંખ્યા વધતી જાય છે અને ગુણવત્તા ઘટતી જાય છે. એવું નથી કે ઈંગ્લેન્ડમાં બધે જ આવું બૌદ્ધિક વાતાવરણ જોવા મળે છે. પણ આ પ્રકારની ચર્ચા ખુલ્લા મને સમજવી હોય તો તે માટેની સ્પેસ મળી રહે છે. યુવાનોને વિવિધ મુદ્દે મોકળાશ ધરાવવાની તક મળતી રહે છે, જો કે તેનો કેટલા યુવાનો યોગ્ય ઉપયોગ કરે છે તે બીજી વાત છે. 

ડોકિન્સ કે ગ્રેઇલીંગ કે એટનબરો તે ખરા અર્થમાં 'પબ્લિક ઇન્ટેલેકચ્યુઅલ' છે. આ લોકો એવા ધરખમ પ્રતિભાવાન હોય છે કે જે કોઈના બાપની સાડાબારી ન રાખતા હોય. તેમની પાસે મૌલિક વિચારો હોય. તે દુનિયાને ઉંચી-નીચી, આગળ-પાછળ, લાંબી-ટૂંકી કરીને જોતા હોય. તેમના ચશ્માં ય અલગ હોયને લેન્સ પણ. ક્યારેક તે તમને હસાવી જાય, ગભરાવી જાય, આશ્ચર્યચકિત કરી નાખે અને ક્યારેક તેમનાથી નફરત થઇ જાય. તમને જે ગમતું હોય તેને ગાળો આપે, તમે જેને મહાન માની લીધા હોય તેની બીજી બાજુ બતાવે, તમે જેની ફરતે ફુદરડી ફરતા હોવ તેની હસ્તી જ છે કે કેમ - તેવા સવાલ કરે. એ કોઈનો 'પગાર ન ખાતા હોય' એટલે તમે આવા માણસને શું કરી શકો? ટૂંકમાં, તમને શાંતિથી જીવવા ન દે, નવા નવા પડકારો ફેંક્યા જ કરે. ડોકિન્સ કે ગ્રેઈલીંગ કે એટનબરો જેવા લોકોની ઘણી મજબૂત ઓળખાણો હોય છે એટલે તેને માત્ર 'નાસ્તિક' માનીને (એટલે કે તે રીતે ઉતારી પાડવા) પૂરતું નથી. તેમના લખાણોમાં નાસ્તીકતાનો પ્રચાર નથી પણ આડંબરોનો વિરોધ છે અને વૈજ્ઞાનિક અભિગમ, તર્ક અને વિવેકબુદ્ધિની તરફેણ છે - એક પ્રકારની આંતર-રાષ્ટ્રીય નૈતિકતાની તરફેણ છે, જે જાતે વાંચવાથી કે તેમના કાર્યક્રમો જોવાથી સમજાઈ જશે.


***

રસેલ પીટર્સ નામક ભારતીય મૂળનો કેમેડીયન કહે છે કે તમારે કોઈ અંગ્રેજનું અપમાન કરવું હોય તો તેને અંગ્રેજીમાં એવું પૂછવું કે, 'આ ઇંગ્લેન્ડ ક્યાં આવ્યું અને લોકો ત્યાં કઈ ભાષા બોલે છે?' દુનિયાની બીજી પ્રજાને જે સામાન્ય સવાલ લાગે તેવું કોઈ અંગ્રેજોને પૂછી જાય તેની કલ્પના પણ તેમણે ન કરી હોય. અંગ્રેજી ભાષા અને અંગ્રેજોને તો બધા જાણતા જ હોય ને! દુનિયા પર બસ્સો વર્ષના આધિપત્યનો ઈતિહાસ ધરાવતાં આ નાનકડો ટાપુએ ક્યારેક ઓળખની કટોકટી અનુભવી નથી. છેલ્લાં પચાસ વર્ષમાં કળા-સંગીત-સંસ્કૃતિ, સંશોધનો અને વૈજ્ઞાનિક જ્ઞાનને ક્ષેત્રે ઇંગ્લેન્ડ ઘણું આગળ વધ્યું છે. દુનિયામાંથી એકઠી કરેલી સંપત્તિનો ઉપયોગ અંગ્રેજોએ મહાન સંસ્થાઓ ઉભી કરવામાં કર્યો છે, જે આજે પણ ઇંગ્લેન્ડને માનવ-વિકાસ મૂલ્યાંકન અને વિવિધ સંશોધનોની બાબતમાં દુનિયામાં આગળ પડતું મૂકી દે છે. 

મારા પરિવાર માટે ખૂબ જ પ્રેમથી તેમનું ઘર ખુલ્લું મૂકી દેનાર વયોવૃદ્ધ દંપતિ જેસ્સા અને ક્રીસ સાથે ઇંગ્લેન્ડ અને તેના રાજકીય-સામાજિક પ્રવાહો વિષે ડીનર ટેબલ પર ખૂબ જ ચર્ચાઓ થઇ છે. અમે લોકો પોતપોતાના દેશો અને સમાજોના ક્યારેક વખાણ કરતાં તો ક્યારેક કૂથલી. એક ધનાઢ્ય, ઔદ્યોગિક રીતે વિકસિત સમાજના પોતાના પ્રશ્નો હોય છે. એકવારની અમારી ચર્ચાનું તારણ એ હતું કે પાયાની સુવિધાઓની બાબતમાં ઇંગ્લેન્ડમાં બધું 'ઓરરાઈટ' છે, પણ જે 'ઓરરાઈટ' નથી તે 'ઓરરાઈટ' કરવાનો સંઘર્ષ ચાલુ રહેવો જોઈએ. આ જ કોઈ પણ પ્રગતિશીલ સમાજનું મુખ્ય લક્ષણ છે. 

No comments:

Post a Comment