Sunday, January 18, 2015

નગર ચરખો: ચમકીલી સ્કાયલાઈન પાછળનું શહેરી તંત્ર!

આજકાલ વાઈબ્રન્ટ વાયરા વાય છે. અમદાવાદમાં ઉતરાણથી બદલાતો પવન પણ વાયા ગાંધીનગરથી ફૂંકાય છે. જાણે ગામમાં મોટા શેઠને ત્યાં લગન હોય, મોટો ભપકો થયો હોય, આપણને આમંત્રણ ન હોય છતાં ઉમળકો પારાવાર હોય - જોયું, શેઠને ત્યાં ચોર્યાસી પકવાન છે ને કરોડોનો શણગાર છે. ચાલો, આપણે મંડપની બહાર બેઠા-બેઠા એ ગપ્પાં-ગોષ્ઠી કરીએ કે જે જાહોજલાલી મંડપની પેલી બાજુ હશે તે કેવી રીતે આપણાં સુધી પહોંચશે? અત્યારે તો ગામની વચ્ચોવચ થતાં પતંગ મહોત્સવ જોઈ શકવા જેટલા પણ 'વીઆઈપી' આપણે નથી. તો પછી જે વિકાસની વાતો, રોકાણની રેલમછેલ, બીઝનેસની બાજી ગાંધીનગરના મોટા મંડપોમાં ગોઠવાય છે તે આપણાં સુધી કેવી રીતે ને ક્યારે પહોંચશે? 

વિકાસની વાટ જોતાં વટેમાર્ગુ જેવી આપણી આંખો ચકાચૌંધ થવા માટે તૈયાર બેઠી હોય છે અને કોઈ વિદેશી શહેરની ચમકીલી સ્કાયલાઈનથી તરત અંજાઈ જાય છે. આપણાં શહેરો ક્યારે શાંઘાઈ, સિંગાપોર, લંડન, ન્યુયોર્ક જેવા ચમકીલાં બને તેવી તાલાવેલી આપણને હોય છે. હકીકતમાં શહેરના પ્રતિક જેવી આ ચમકીલી સ્કાયલાઈનો જે તે શહેરને સમજવા માટે અધૂરી હોય છે. આપણે માત્ર આ ચમકીલી સ્કાઇલાઇન જેવા પ્રતીકો આયાત કરીએ છીએ પણ આ શહેરોને ચલાવતાં-દોડાવતાં-ચમકાવતાં વહીવટી તંત્રોની વ્યવસ્થા આયાત કરવાનું ભૂલી જઈએ છીએ. વિશ્વનાં મોટાભાગનાં સુંદર અને સુવ્યવસ્થિત શહેરોને ચલાવવા માટેની આયોજનબદ્ધ વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. ગુડ ગવર્નન્સ ઉર્ફ ઉત્તમ વહીવટનો કોઈ શોર્ટ કટ નથી. તે માટે મેળાવડા અને ઉત્સવો પતી ગયા પછી લાંબા ગાળાની વ્યવસ્થા ગોઠવવી પડે છે. વિકાસ માટે એવી વહીવટી વ્યવસ્થા જોઈએ કે જે નિરંતર કામ કાર્ય કરે. 

વિશ્વનાં સુંદર શહેરોમાં રસ્તા સાફ હોય છે કારણકે દિવસમાં બે વાર તે સાફ થાય છે. આ શહેરોમાં ચાલવાની મજા આવે છે કારણકે તેમાં ચાલવાલાયક ફૂટપાથો બનાવેલી હોય છે. પાર્કિંગમાં અરાજકતા હોતી નથી કારણકે પાર્કિંગનું આયોજન થયેલું હોય છે અને તે માટે નીચોવીને પૈસા લેવામાં આવે છે. આ શહેરોની પચાસ ટકા પાણીની ખપત ખાનગી બોરવેલ ધ્વારા થતી નથી. આ શહેરોમાં ખૂણે-ખાંચરે સુંદર ઝાડપાન રોપવામાં આવે છે, બગીચા બનાવવામાં આવે છે અને ખાસ તો જાહેર જનતા માટે તેમને ખુલ્લા મોકવામાં આવે છે. સારા શહેરોમાં પ્રોજેક્ટ આધારિત વિકાસના કામો નથી થતાં પણ લાંબા ગાળાના પ્લાનિંગ આધારિત થાય છે. કોઈ એક મેટ્રો પ્રોજેક્ટ, કોઈ એક રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ, એક બીઆરટીએસથી કામ પૂરું થતું નથી. કોઈ એક સીસ્ટમને વધુ મહત્વ આપ્યા કરતાં વાહન વ્યવહારની એક બીજા સાથે સંકલન ધરાવતી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. એક નદી જ નહિ પણ શહેરના દરેક નાળાં-વિયર-કેનાલ-તળાવમાં પાણીની વ્યવસ્થા અને ચોખ્ખાઈનું તંત્ર ગોઠવવામાં આવે છે. 

અત્યારે વિશ્વની લગભગ પચાસ ટકા વસ્તી શહેરોમાં વસે છે, ભારત પચાસ ટકા શહેરીકરણ તરફ ધીરે-ધીરે પ્રગતિ કરી રહ્યું છે. આપણે આપણાં શહેરોમાં આ પચાસ ટકા વસ્તી રહેતી થાય તે માટે તૈયાર કરવાનાં છે. જો આપણે શહેરોની માળખાકીય સુવિધાઓમાં વ્યવસ્થિત રોકાણ નહિ કરીએ અને શહેરોના વહીવટી તંત્રોને મજબૂત નહિ કરીએ તો શહેરીકરણનો દર ઓછો થશે અને દેશનો વિકાસ દર પણ. આ માટે શહેરોને રાજકીય અને નાણાકીય સ્વાયતત્તા આપવાની જરૂર છે. શા માટે શહેરોને વેટ કે ઇન્કમ ટેક્સનો નક્કી કરેલો એક હિસ્સો ન મળે? શા માટે તેમને રાજ્ય કે કેન્દ્ર સરકારની મહેરબાની પર આધારિત રહેવું પડે? આ માટે રાજ્ય સરકારોએ શહેરો પરનો કંટ્રોલ જવા દેવો પડશે. શહેરોના તંત્ર ચલાવવા યુવાન અને ટેલેન્ટેડ લોકોની ભરતી કરાવી પડશે. આ સાથે સાથે શહેરોમાં માળખાકીય સુવિધાઓમાં મોટાપાયે રોકાણ કરવાની જરૂર છે. 

ચમકીલી સ્કાયલાઈનોના ચમકીલા વાયદાઓમાં ભરમાયા વગર અને ટેકનોલોજીની માયાજાળમાં પડ્યા વગર આપણે સ્માર્ટ અને સુંદર સીટીની એવી વ્યાખ્યા કરીએ કે જેમાં માથે ઘરનું ઘર હોય, ઘરમાં ટોઇલેટ હોય, ઘરની બહાર ગલી-રસ્તા સાફ હોય અને મુખ્ય રસ્તા પર નિયમિત ચાલતી બસ હોય. બસ, આ બધું આપી શકે તેવું વહીવટી તંત્ર જોઈએ છે - લાંબા ગાળાનું, તેજ ગતિથી, નિરંતર કામ કરે તેવું તંત્ર! 

નવગુજરાત સમય, પાન નં 14, 18 જાન્યુઆરી (રવિવાર) 2015.

Today's article - Beyond glittering skyline, there is a system of governance.

'Vibrant' winds are blowing via Gandhinagar and people are ready to be impressed with glitter and glamour that Sarakari events bring these days. In such events, the future 'smart' cities are often represented by glitterings skylines and swanky infrastructure. There are not-so-new aspirations to imagine Indian cities looking like Shanghai, Singapore, London or New York. It is most convenient to import symbols like glittering skylines or landmark buildings from other international cities. But it is often forgotten that there is a governing system in these cities that ensure smooth functioning and fairness in distribution of infrastructure benefits. Easiest part in urban development is to make a few glittering buildings but setting up governing systems that work for everyone and last long is easier said than done. The state is not absent in a market-economy and there is no short cut to good governance.

Good governance is ensured only when cities are financially and politically autonomous. Why do the cities need to rely on the state or central governemnt for funds and why can't they get a portion of taxes for their developmental needs? Younger, talented people needs to be employed in the city governments on a regular basis. On one side, we expect a lot from cities but there is no political will to make their governing system stronger. Glittering skylines will remain empty political promises unless there is a governing system that works for everyone in a long-term and continuous basis in our cities.

No comments:

Post a Comment