Sunday, April 13, 2014

નગર ચરખો - નેધરલેન્ડના PM સાઈકલ પર ઓફીસ જાય છે!

નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુઉટ (ડાબે) સાઈકલ પર
તાજેતરમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુઉટ જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામાને મળવા સાઈકલ પર પહોંચ્યા ત્યારે દુનિયાભરમાં તેમની તસ્વીરો ફરતી થઇ હતી. ના, આ કોઈ પબ્લીસીટી સ્ટંટ નહોતો. નેધરલેન્ડના પ્રધાનમંત્રી માટે સાઈકલ ચલાવવું સાહજિક છે. તેઓ ઘણીવાર થ્રી-પીસ સૂટ પહેરીને સાઈકલ ચલાવતાં જોવા મળે છે. ભારતના રાજકારણીઓ પાસેથી કોઈ પણ પ્રકારની સાદાઈની અપેક્ષા રાખવી અશક્ય છે. પણ વિકસિત દેશોના રાજકારણીઓ માટે તેમની પ્રજાની જેમ વર્તવું એ બહુ સામાન્ય છે. 

નેધરલેન્ડના પ્રધાનમંત્રી જ નહિ, આખો દેશ સાઈકલ-ક્રેઝી છે અને અહીંનો સાઈકલ-પ્રેમ જગવિખ્યાત છે. નેધરલેન્ડના શહેરી વિસ્તારની બધી મુસાફરીના લગભગ ત્રીસ ટકા સાઈકલ પર થાય છે. આમ્સ્તરદામ અને હેઈગ જેવા શહેરોમાં તો લગભગ સિત્તેર ટકા મુસાફરીઓ સાઈકલ પર થાય છે. આટલી મોટી સંખ્યામાં સાઈકલનો વપરાશ થતો હોય તો પછી તો અમીર-ગરીબ, યુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, નેતા અને જનતા બધા સાઈકલો વાપરતા હશે. સરખામણી સારું કહીએ તો અમદાવાદ-સુરત-રાજકોટ જેવા શહેરોમાં લગભગ દસથી પંદર ટકા મુસાફરી સાઈકલ પર થાય છે, જે ઓછી જરાય નથી પણ નેધરલેન્ડના શહેરો સાઈકલ સવારીની સ્પર્ધામાં દુનિયાના દરેક દેશથી આગળ નીકળી ગયા છે. 

આજે નેધરલેન્ડના શહેરો અને ગામડાઓમાં જેટલી વાહનો માટે સુવિધા હોય છે, તે જ ગુણવત્તાની સુવિધાઓની સમાંતર વ્યવસ્થા સાઈકલો માટે પણ છે. સાઈકલ માટે અલાયદા, પહોળા અને સમતલ રસ્તા હોય છે, અલગ સિગ્નલ હોય છે, દરેક ચાર રસ્તે તેમને ઉભા રહેવા માટે અલાયદી વ્યવસ્થા હોય છે. રેડ સિગ્નલ પર ટ્રાફિક રોકાય ત્યારે સાઈકલ સવારો બીજા વાહનોની વચ્ચે અટવાયા વગર સૌથી આગળ આવીને ઉભા રહે છે. માત્ર સાઈકલ માટેના અલગ ફ્લાય ઓવર સુધ્ધાં હોય છે અને લાંબાગાળાની સાઈકલ સવારી માટે હાઈવેની બાજુમાં પણ સાઈકલ માટેના હાઈવે હોય છે. શહેરોની અંદરની વાહનોની ઝડપને રસ્તાની મૌલિક ડીઝાઈન દ્વારા ઓછી કરવામાં આવે છે એટલે શહેરની વચ્ચે વાહનો ધીમી ગતિએ, બીજા વપરાશકારોનું ધ્યાન રાખીને ચલાવવા પડે છે. 

વળી, કોઈ પણ કાર અને સાઈકલનો અકસ્માત થાય તો 'કોનો વાંક છે' તે ચર્ચા કર્યા વગર કાર-ચાલકના લાઈસન્સ પર પેનલ્ટી લાગે છે. આનું સીધું કારણ એ છે કે અકસ્માત ન થાય તેની જવાબદારી શક્તિશાળી અને મોટા વાહન પર વધારે હોય છે. રોડ અકસ્માતમાં સાઈકલ સવારનું તો મૃત્યુ પણ થઇ શકે કે તે ગંભીર રીતે ઘાયલ થઇ શકે, જ્યારે કાર ચાલકને જવલ્લે જ ઈજા પહોંચતી હોય છે. જો તમે બીજાને ઈજા થાય તેવું વાહન (એટલે કે કાર) લઈને હાલી નીકળતા હોવ તો તમારે બીજાને સાચવવાની જવાબદારી લેવી પડે. તમને ઝડપથી વાહન ચલાવવાની સત્તા જરૂર છે પણ બીજાને બચાવવાની એટલી જ જવાબદારી પણ તમારી જ છે.  જોયું ને, સાઈકલ સવારો માટે આ સ્વર્ગ જેવો દેશ છે.

ભારતમાં શહેરીકરણની પ્રક્રિયામાં દુનિયાના બીજા દેશો કરતાં થોડા મોડા ઘુસ્યા છીએ. મોડા આવવાના ફાયદા પણ હોય છે. સૌથી મોટો ફાયદો એ છે કે વહેલા આવનારે કરેલી ભૂલોમાંથી આપણે શીખીને તે જ ભૂલો ન કરીએ. પશ્ચિમનાં દેશો એ કરેલી શહેરી વિકાસની ભૂલોનું આપણે પુનરાવર્તન કરવાની જગ્યાએ આપણે તે ભૂલોમાંથી શીખીએ અને જે સારું હોય તેને આપણાં શહેરોમાં લાવીએ. આપણે નેધરલેન્ડ પાસેથી શીખવાનું ઘણું છે. આ દેશે તેની આંધળા મોટરીકરણ, ટ્રાફિકની આંધળી દોટની ભૂલો સુધારીને આવાગમનની એક અનોખી સમાંતર વ્યવસ્થા ઉભી કરી છે. માત્ર નેધરલેંડ જ નહિ પણ હવે તો ડેન્માર્ક, જર્મની, હંગેરીમાં મહદ અંશે સાઈકલ-સંસ્કૃતિ પ્રવેશી ગઈ છે અને ઇંગ્લેન્ડ, ફ્રાંસ, સ્પેઇન જેવા દેશો સાઈકલ-સુવિધાઓમાં મોટા પાયે રોકાણ કરી રહ્યા છે. નેધરલેન્ડના સાઈકલ-પ્રેમના ઈતિહાસ વિષે વધુ આવતા હપ્તે! 

નવગુજરાત સમય, પાન નં 13, 4 એપ્રિલ, 2014.

No comments:

Post a Comment