Friday, February 28, 2014

નગર ચરખો - જોઈએ છે, શહેરમાં લોકોને ચાલવા મોકાની જગ્યા!

'નગર ચરખોએટલે નગરનીતિનગર-વિકાસ અને નાગરિક કલ્યાણના મુદ્દાઓ પર કાંતણ કામ. લખવું એટલે કાંતવુંક્યારેક ઝીણું ક્યારેક જાડું. ગયા ભાગમાં આપણે જોયું કે રાહદારીઓને સળંગસપાટછાંયડેદાર અને ચાલવા-લાયક ફૂટપાથનું નેટવર્ક જોઈએ. આપણાં શહેરોમાં સારી ફૂટપાથો ન બનાવવા માટે ત્રણેક લોકપ્રિય બહાનાં મોજૂદ છે. ચાલો બહાનાંના ફૂગ્ગાની હવા કાઢીએ.

ફૂટપાથ બનાવવાની વિરુદ્ધમાં એક એવું બહાનું આપવામાં આવે છે કે આપણે ત્યાં 'સિવિલ સેન્સજેવું કઈ છે જ નહિ. ફૂટપાથ હોય તો પણ લોકો તેની પર ચાલતા નથી. ભારતના લોકો વિદેશમાં જાય છે ત્યારે તેમને 'સિવિલ સેન્સ'ની ગોળીઓ આપવામાં આવે છે?  શું ફૂટપાથ પર ન ચાલવું તે ભારતીયોમાં રહેલી કોઈ જૈનિક ખામી છેજ્યાં સારીસળંગ ફૂટપાથ હોય ત્યાં લોકો તેનો ઉપયોગ કરે જ છે. દક્ષીણ મુંબઈ કે  કનોટ પ્લેસ દિલ્હીના ઉદાહરણ સામે જ છે. સારીચાલવા-લાયક ફૂટપાથ નહિ હોય તો લોકો પાસેથી એવી અપેક્ષા રાખવી કે તે ફૂટપાથ પર ચાલે તે મૂર્ખામી છે. 'સિવિલ સેન્સઅને જાહેર શિસ્ત સારી માળખાકીય સુવિધા હોય તે પછી આવે. પચાસ મીટર સારી ફૂટપાથ બનાવવાથી તેને જાળવવાની સિવિલ સેન્સ આવતી નથી પણ પાંચસો કિલોમીટરનું સારું નેટવર્ક બનાવવા તેના સતત ઉપયોગની શક્યતા વધી જાય છે. એકવાર સારી સુવિધાઓ આપ્યા પછી લોકો તેની જાળવણી ખુદ કરે છે. હાથોડેક અંશે નિયમન અને જાળવણી ચોક્કસ કરવી પડે છે. 

ફૂટપાથ ન બનાવવા માટે બીજું બહાનું આપવામાં આવે છે કે રસ્તા પર ફૂટપાથ બનાવવા માટે જગ્યા ક્યાં હોય છે. આપણે ત્યાં રસ્તા જ સાંકડા છે. તેનો જવા એમ છે કે ગમે તેવા સાંકડા રસ્તા પર જો ચાલવા-લાયક ફૂટપાથ બનાવવામાં આવે તો અત્યારે જે લોકો રસ્તા પર ચાલે છે તે ફૂટપાથ પર ચાલતા થાય અને એકંદરે રસ્તાનો ઉપયોગ વધે. વાહન ચલાવવામાં પણ સુવિધા રહે. અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરા જેવા શહેરોમાં ઘણા રસ્તા પહોળા છે છતાં ફૂટપાથ બનાવવામાં કંજુસાઈ કરવામાં આવે છે. યુરોપના પરંપરાગત શહેરોમાં તો દસ-બાર મીટરની પહોળાઈ ધરાવતાં રસ્તાઓ પર પણ સારીચલાવાલાયક ફૂટપાથ હોય છે.

ફૂટપાથ ન બનાવવા માટે ત્રીજું અને સૌથી ભેદી બહાનું આપવામાં આવે છે કે  ફૂટપાથ બનાવીએ તો રસ્તા પર દબાણ થાય છે. તેથી ફૂટપાથ જ ન બનાવવી એજ વધારે સારું. આ બહાનું ખરેખર કોઈ સરકારી અધિકારી કે કોઈ કોર્પોરેટર પાસેથી રાબેતા મુજબ સંભાળવા મળશે. આ તો પાડાને વાંકે પખાલીને ડામ દેવા જેવું થયું. આ તો એવું થયું કે ચાલીશું તો પડશું તેના કરતા ચાલવું જ નહિ. ફૂટપાથ ન બનાવવાથી રસ્તા પર દબાણ નથી થવાનુંદબાણ કંઈ ફૂટપાથ જોઇને થતું નથી. સરકારની પ્રાથમિકતા રસ્તા પરના 'દબાણ'નું નિયમન કરવાની છે કે તેનું બહાનું કાઢીને સારી ફૂટપાથો નહિ બનાવવાની?  ઘણી વાર દબાણની સરકારી વ્યાખ્યામાં માત્ર લારી-ગલ્લા જ આવે છેખાનગી વાહનો નહિ. ફૂટપાથ પર સિત્તેર ટકા દબાણ વાહનોનું હોય છે. પાર્કિંગની વ્યવસ્થા કરવી અને જરૂર પડે ત્યાં તેની ફી ઉઘરાવવી પણ અશક્ય નથી. પાર્કિંગનું સારું મેનેજમેન્ટ તો રોજગારી વધારવાનું કામ છે. બીજું કેભારતમાં સદીઓથી લારી-ગલ્લાઓ અને બજારો રસ્તા પર રાજ કરે છે. જો તેમના માટે સારી જગ્યા રસ્તાની ડીઝાઇનમાં નહિ મુકીએ તો તે દબાણ થવાનું જ છે. શું સારી ફૂટપાથ બનાવવી અને લારી-ગલ્લા માટે સુવ્યવસ્થીત જગ્યા આપવી અને મેઈનટેઈન કરવી શું અશક્ય કામ છેઆવું કરવાથી ઉલટાનું વાહન ચલાવવામાં પણ સુવિધા થશે.

એવો કયો માનવ-સમાજ હશે કે જ્યાં ચાલવા-દોડવાહરવા-ફરવામેળ-મિલાપનું કલ્ચર નહિ હોયઆ મોટા ભાગની પ્રવૃતિઓ માટે ચાલવાની સારી સુવિધાઓ 'સુંદર અકસ્માતો'ની તકો પૂરી પાડે છે. ચાલવા લાયક સ્થળો હમેશા શહેરના સૌથી જોવાલાયક સ્થળો પણ હોય છે. જો કે દુનિયામાં બધાને ચાલવું તો પડે જ છે. વાહન ધરાવતા સામાન્ય કુટુંબમાં પણ વાહન વાપરનાર સિવાય ઘરના બાકીના સભ્યોને નાના-મોટા કામ માટે ચાલવું પડે છે. જેની પાસે વાહન હોય છે તેણે પણ વાહન પાર્ક કરીને થોડું-ઘણું ચાલવું પડે છે. ફૂટપાથની વાતમાં સારા સમાચાર એ છે કે તે સાર્વજનિક હોય છે સૌના માટેએ લોકો માટે પણ કે જે 'આજકાલ કોણ ચાલે છેતેવું ઉચ્ચારીને રસ્તામાં રાહદારીઓને જોવાનું ભૂલી જાય છે.

 ફરી યાદ કરીએ કે માણસ બીજા પ્રાણીઓથી અલગ છે કારણકે તે બે પગથી ચાલે છે. હવે આપણાં શહેરોમાં માણસ બનવા માટે એટલેકે મજેથી ચાલવા માટે જગ્યા કરવાની છે, ચાલવાલાયક અને છાંયડેદાર ફૂટપાથો બનાવીને.

નવગુજરાત સમય, પાન નં 11, 3 ફેબ્રુઆરી, 2014. 

No comments:

Post a Comment