Monday, November 04, 2013

શહેરો પરફેક્ટ હોતાં નથી, તેમને પરફેક્ટ બનાવવાં પડે છે!

મિત્રો, લગભગ ચાર મહિનાનાં અંતરાલ પછી આ પોસ્ટ  આવી રહી છે. છેલ્લા ચાર મહિનામાં બ્લોગ લખવાનું બંધ કરવાની કોઈ ઈચ્છા ન છતાં બ્લોગ લખવાનું બંધ થઇ ગયું હતું. આ ચાર મહિનામાં જીવનના વિવિધ મોરચે કેટલું પત્યું અને કેટલું વીત્યું તેની પળોજણમાં હવે પડવાનું મન થતું નથી એટલે આપણે  'જલસા'ની જ વાત કરીએ. નીચે આપેલો મારો લેખ એક ખાસમખાસ દિવાળી અંકમાં છપાઈ ચૂક્યો છે. ત્રણ ધરખમ-ધુરંધર-ધમાકેદાર લેખક મિત્રો Urvish Kothari, Dipak Soliya, Dhaivat Trivediના પ્રકાશન ક્ષેત્રના અભિક્રમ 'સાર્થક પ્રકાશન' દ્વારા વાંચવા અને વસાવવાલાયક દિવાળી અંક 'જલસો' બહાર પડી ચૂક્યો છે. ટોની મોરિસની વિખ્યાત અભિવ્યક્તિ - જો સારું-સચોટ વાંચવું હોય અને એવું બહુ ન મળે તો જાતે લખવું પડે - પ્રમાણે આ મિત્રો લખતાં તો હતાં જ પણ હવે તેને બે ડગલાં આગળ લઇ જઈને તેમણે નવું સૂત્ર આપ્યું છે કે જો સારું-સચોટ વાંચવું હોય તો નવી સામગ્રી પ્રકાશિત કરવી પડે. અને આ સૂત્ર પ્રમાણે તેઓ ખરેખર 'વાંચવાલાયક' દિવાળી અંક બહાર પાડી ચૂક્યા છે. ('જલસો' મેળવાનું સ્થળ: બુકશેલ્ફ, ૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી.રોડ, અમદાવાદ - ફોન 26441826. આ સિવાય ’સાર્થક જલસો’ બીજા શહેરોમાં પણ ઉપલબ્ધ છે અને તે અંગે કોઇ પણ પ્રકારની પૂછપરછ માટેનો નંબર - 98252 90796.) મારો આ લેખ સાર્થક 'જલસો'માં તે અંકની થીમને અનુરૂપ સંપાદિત થયેલો છે પણ અહીં મેં મૂળરૂપમાં જ રાખ્યો છે. બસ તો પછી મારો આ લેખ અહીં નૂતન વર્ષના દિવસે વેબ પર પ્રકાશિત કરીને મારા બ્લોગની નવી ઇનિંગ શરૂ કરી રહ્યો છું. 

આપણાં શહેરો - પોરબંદર થી પાલનપુર સુધી - નિરંતર બદલાતાં રહે છે. આ બદલાવની પ્રક્રિયા એટલી સતત ચાલે છે કે એમ લાગે કે દુનિયામાં જો કંઈ શાશ્વત હોય તો તે છે બદલાવ કે પરિવર્તન. આપણે ભારતમાં આ શહેરીકરણની પ્રક્રિયામાં દુનિયાના બીજા દેશો કરતાં થોડા મોડા ઘુસ્યા છીએ. મોડા આવવાના ફાયદા પણ હોય છે અને જે ઘણા લેઇટ લતીફો આપણને (મોડે મોડેથી ય) સમજાવી શકશે. સૌથી મોટો ફાયદો એ છે કે વહેલા આવનારે કરેલી ભૂલોમાંથી આપણે શીખીને તે જ ભૂલો ન કરીએ. ભલે પછી આ પ્રક્રિયામાં આપણે પછી આપણી પોતાની મૌલિક ભૂલો કરીએ. બસ, આ જ એક મજબૂત તર્કને લીધે હું માનું છું કે પશ્ચિમનાં દેશો એ કરેલી શહેરી વિકાસની ભૂલોનું આપણે પુનરાવર્તન કરવાની જગ્યાએ આપણે તે ભૂલોમાંથી શીખીએ અને જે સારું હોય તેને આપણાં શહેરોમાં લાવીએ. માન્યું કે આપણી સંસ્કૃતિ, આપણો સમાજ અને શહેરો એ બધું તેમનાથી અલગ છે પણ ક્યારેક એવી પણ વાત કરીએ કે સરખું શું છે! શીખી શકાય તેવું શું છે અને અહીં લાવી શકાય તેવું શું.

આપણે હવે શહેરી વિકાસના એવા તબક્કામાં છીએ કે જ્યારે પાછલી પેઢીની જેમ આપણી પાસે એવા બહાનાં નથી કે સરકાર પાસે વિકાસના કામ માટે પૈસા નથી કે નીતિઓ નથી. શહેરીકરણની આગેવાની કરતાં દરેક રાજ્યમાં હવે વિકાસનું રાજકારણ ચાલે છે. મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, શહેરના મેયરોને સતત એ બતાવવું પડે છે કે તેઓ 'વિકાસ'નાં કામો કરી રહ્યા છે. શહેરમાં ગટરની પાઇપલાઇનના ઉદ્ઘાટન માટે આવવા રાજ્યકક્ષાનાં નેતાઓ પડાપડી કરે છે કારણકે હવે શહેરોમાંથી પણ ઘણાં વોટ આવતાં થયા છે. એક વાત તો સ્પષ્ટ છે કે હવે મોટાં મોટાં પ્લાન ઘડવાનો નહિ પણ એક્શનનો અને અમલીકરણનો દૌર હવે ચાલી રહ્યો છે. આવાં વાતાવરણમાં ખરેખર વિકાસ શું છે અને શું કરવું જોઈએ અને શું નહિ - તે પ્રકારની ચર્ચાનો હવે સમય છે. વૃદ્ધિ એ વિકાસ નથી. આમ તો કેન્સર પણ એક પ્રકારની જૈવિક વૃદ્ધિ જ છે, જે શરીરને મારી નાખે છે. પણ સુવ્યવસ્થિત શારીરિક વિકાસ કરવો હોય તો કસરત કરવી પડે, પરસેવો પાડવો પડે ત્યારે ધીરે-ધીરે અને લાંબા ગાળે ફાયદા જોવા મળે છે. તેવું જ કંઈ શહેરી વિકાસનું પણ છે. 

શહેરી વિકાસ એટલે ખરેખર તો જાહેર સુવિધાઓ અને જાહેર જગ્યાઓનો વિકાસ. શહેરને જાહેર અને ખાનગી ચશ્માંથી જોઈએ તો  શહેરમાં જે કંઈ સહિયારું હોય તે બધું જાહેર - રસ્તાં, બાગ-બગીચાં, નદી-તળાવ, ખુલ્લી જગ્યા, મેદાનો અને બધી સંસ્થાઓ પણ. અહીં જાહેર એટલે સરકારી નહિ, જાહેર એટલે આપણાં સૌનું. પણ મુખ્ય વાત એ છે કે જાહેર જગ્યા-સુવિધાઓ માટે આપણે એ પ્રકારનો માલિકી ભાવ ધરાવીએ છીએ કે જે આપણે આપણી ખાનગી મિલકતો માટે રાખીએ છીએ. પોતાનું ઘર સાફ કરી-કરીને ઉકરડો જાહેર રસ્તા નાંખવાથી ઘર ભલે સાફ થાય પણ શહેરો સુંદર બનતાં નથી. આ બધી બદલાવની ધીમી પ્રક્રિયા છે. ઓગણીસમી સદીમાં યુરોપના શહેરોમાં પણ આ પ્રકારની જાગરૂકતા નહોતી, જે ધીરે ધીરે આવી. લોકો શહેરો અને તેની જાહેર જગ્યાઓ વિષે કાળજી લેતાં થયાં, નાના-મોટા આંદોલનો થયા, સરકારો બદલાઈ, તેમની માનસિકતા બદલાઈ, લોકોએ આપેલાં ટેક્સનો સદુપયોગ થવાનો શરુ થયો, લોકશાહી છેવાડા સુધી પહોંચી અને શહેરો સુંદર, વિકસિત બન્યા. ગામની વચ્ચે જે ઉકરડો હતો તેને કોઈએ બાંયો ચઢાવીને સાફ કરવાનો શરુ કર્યો, લોકો તેમાં જોડાયા અને ગામ સાફ થયું. યુરોપમાં આ પ્રક્રિયાઓ સો-બસો વર્ષોથી ચાલે છે એટલે તેમના શહેરો સુંદર છે. વિકાસની આ એક જ રીત છે, તેમાં પશ્ચિમી અને પૂર્વી રીતરસમો જુદીજુદી નથી. આજે એક યુરોપીય દેશમાં થયેલા અનોખા વિકાસની એક અનોખી વાર્તા કરવી છે. 

નેધરલેન્ડનો સાઈકલ-પ્રેમ 
યુરોપીય દેશ નેધરલેન્ડનો સાઈકલ-પ્રેમ જગવિખ્યાત છે. નેધરલેન્ડના શહેરોના અંદરના વિસ્તારની બધી મુસાફરીના લગભગ ત્રીસ ટકા સાઈકલ પર થાય છે. આમ્સ્તરદામ અને હેઈગ જેવા શહેરોમાં તો લગભગ સિત્તેર ટકા મુસાફરીઓ સાઈકલ પર થાય છે. માત્ર એટલું જ નહિ, ડચ શહેરો સાઈકલ-સવારી માટે દુનિયાભરમાં સૌથી સુરક્ષિત શહેરો છે. સરખામણી સારું કહીએ તો અમદાવાદ જેવા શહેરોમાં લગભગ દસથી પંદર ટકા મુસાફરી સાઈકલ પર થાય છે, જે ઓછી જરાય નથી પણ નેધરલેન્ડના શહેરો સાઈકલ સવારીની સ્પર્ધામાં દુનિયાના દરેક દેશથી આગળ નીકળી ગયા છે. ગજબની વાત છે, નહિ! એક્વીસમી સદીમાં આપણે તો ઉડતી કારો અને વાદળો ઉપર મકાનોનાં સપનાં જોતાં હતાં ને આ એક બધી જ રીતે વિકસિત કહી શકાય તેવો યુરોપનો દેશ સાઈકલને આટલું બધું મહત્વ કેમ આપે છે? શું બધાં ડચ લોકોમાં કંઈ આધુનિકતાની કે સામાજિક મોભા વગેરેની સમજ છે કે નહિ? આટલી મોટી સંખ્યામાં સાઈકલનો વપરાશ થતો હોય તો પછી તો અમીર-ગરીબ, યુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, નેતા અને જનતા બધાને સાઈકલો વાપરવી પડે. એવું તો શું છે કે જે આ બધાને સાઈકલની સવારી સાથે સાંકળી રાખે છે?

તો વાત જાણે એમ છે કે બીજા વિશ્વયુદ્ધ પહેલાં અને મોટરકારોનું મોટેપાયે ઔદ્યોગીકરણ શરુ થયું તે પહેલાં, દુનિયાના બધા દેશોની જેમ નેધરલેન્ડમાં પણ સાઈકલોનું જબરજસ્ત ચલણ હતું. પચાસ અને સાઠના દાયકામાં વધતી જતી આવક સાથે અને બીજા વિશ્વયુદ્ધ પછીના દેશના નવનિર્માણની સાથે સાથે મોટરકારોનો વપરાશ વધવા માંડ્યો અને સાથે સાથે શહેરી રસ્તાઓ પરથી સાઈકલો ઓછી થતી ગઈ. ટ્રાફિક વધ્યો, એક્સપ્રેસ વે અને ફ્લાય ઓવરો બનવાં લાગ્યા, સાથે સાથે અવાજ અને હવાનું પ્રદુષણ પણ વધ્યું. શહેરોની ખુલ્લી જગ્યાઓ પર વાહનોનાં પાર્કિંગ પાથરવા લાગ્યા. ધીમે ધીમે શહેરો પર માનવ નહિ પણ વાહનોનું આધિપત્ય વર્તાવા લાગ્યું. શહેરોમાં બે ઘડી શાંતિથી ચાલવા પૂરતી પણ જગ્યા મળતી નહોતી. રસ્તો ક્રોસ કરવો તે કોઈ સાહસ કરવા બરાબર હતું. આ કંઇક જાણીતી વાર્તા લાગે છે, નહિ! પણ આપણા શહેરોથી અલગ અહીં વાર્તામાં વળાંક ઉર્ફ કહાનીમેં ટ્વિસ્ટ આવે છે.
1979માં આમ્સ્તરદામમાં સાઈકલો માટે સારી સુવિધાની માંગણી કરતી સાઈકલ રેલી 
માત્ર 1971ની સાલમાં જ વધતા જતા ટ્રાફિક અને બેફામ ગતિએ ચાલતાં વાહનોને લીધે વિવિધ અકસ્માતોમાં નેધરલેન્ડમાં ત્રણેક હજાર લોકો મૃત્યુ પામ્યા. આમાં લગભગ ચારસો પચાસ બાળકો હતાં. અને રોડ અકસ્માતના કોઈ પણ દેશના આંકડામાં જોવા મળે છે તેમ અકસ્માતોમાં મૃત્યુ પામનાર મોટાભાગના લોકો રાહદારીઓ અને સાઈકલ સવારો હતાં. આ પ્રકારના આંકડા પ્રસિદ્ધ થયા, લેખો છપાયા અને આ સાથે જ એક લોકજુવાળ ફાટી નીકળ્યો. એક અખબારી અહેવાલની હેડલાઈન પરથી પ્રેરણા લઈને 'રસ્તા પર બાળકોની હત્યા રોકો' (સ્ટોપ દ કિન્ડરમુર્દ)ના નામે એક સામાજિક આંદોલન શરુ થયું. જનતાએ સાઈકલ રેલીઓ કાઢી, રસ્તા રોક્યા, આવેદન પત્રો આપ્યા, રાતોરાત રસ્તાઓ પર કલાકારોએ સાઈકલ માટેના રસ્તા ચીતરી કાઢ્યા, રાજકારણીઓએ આખા મામલામાં રસ લેવો પડ્યો અને જનતાનો અવાજ સંભળાવો પડ્યો. વળી, અધૂરામાં પૂરું સિત્તેરના દાયકામાં મધ્ય-પૂર્વી દેશોના રાજકીય-આર્થિક પ્રવાહોને લીધે ઓઈલ સંકટ ઉભું થયું હતું. ત્યારે આ દેશે નક્કી કર્યું કે ઉર્જાશક્તિના ક્ષેત્રમાં બની શકે તેટલું સ્વ-નિર્ભર થવું અને તે માટે આખી અર્થ-વ્યવસ્થાનો આધાર ક્રુડ-ઓઈલ પર ન રાખવો. આવા રાજકીય વાતાવરણમાં સાઈકલ-સંસ્કૃતિને નવો વેગ મળ્યો. લગભગ સાત-આઠ વર્ષનાં આંદોલનો, દેખાવો વગેરેના હિસાબે દેશભરમાં સૌ માટે માર્ગ સુરક્ષા અને સાઈકલ માટેની ખાસ માળખાકીય સુવિધાઓ આપવાનો શિરસ્તો ચાલુ થયો. તે બાદ પણ સારી માળખાકીય સુવિધા માટે કઈ ડીઝાઈન સારી અને તે સુવિધાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો થયા છે અને થઇ રહ્યા છે.
જંકશન પર ગ્રે રંગના વાહનો માટેના રસ્તાની સમાંતર લાલ-ભૂખરાં રંગના સાઈકલ માટેના રસ્તાઓનું તંત્ર 
આજે નેધરલેન્ડના શહેરો અને ગામડાઓમાં જેટલી વાહનો માટે સુવિધા હોય છે, તેવી જ અને તે જ ગુણવત્તાની સુવિધાઓની સમાંતર વ્યવસ્થા સાઈકલો માટે પણ છે. સાઈકલ માટે અલગ, અલાયદા, પહોળા અને સમતલ રસ્તા હોય છે, અલગ સિગ્નલ હોય છે, દરેક ચાર રસ્તે તેમના માટે અલાયદી વ્યવસ્થા હોય છે. રેડ સિગ્નલ પર ટ્રાફિક રોકાય ત્યારે સાઈકલ સવારો બીજા વાહનોની વચ્ચે અટવાયા વગર સૌથી આગળ આવીને ઉભા રહે છે. માત્ર-સાઈકલ માટેના અલગ ફ્લાય ઓવર સુધ્ધાં હોય છે અને લાંબાગાળાની સાઈકલ સવારી માટે હાઈવેની બાજુમાં પણ સાઈકલ માટેના હાઈવે હોય છે. શહેરોની અંદરની વાહનોની ઝડપને રસ્તાની મૌલિક ડીઝાઈન દ્વારા ઓછી કરવામાં આવે છે એટલે શહેરની વચ્ચે વાહનો ધીમી ગતિએ, બીજા વપરાશકારોનું ધ્યાન રાખીને ચલાવવા પડે છે. વળી, કોઈ પણ કાર અને સાઈકલનો અકસ્માત થાય તો 'કોનો વાંક છે' તે ચર્ચા કર્યા વગર કાર-ચાલકના લાઈસન્સ પર પેનલ્ટી લાગે છે. આનું સીધું કારણ એ છે કે અકસ્માત ન થાય તેની જવાબદારી શક્તિશાળી અને મોટા વાહન પર વધારે હોય છે. અકસ્માતમાં સાઈકલ સવારનું તો મૃત્યુ પણ થઇ શકે કે તે ગંભીર રીતે ઘાયલ થઇ શકે, જ્યારે કાર ચાલકને જવલ્લે જ ઈજા પહોંચતી હોય છે. જો તમે બીજાને ઈજા થાય તેવું વાહન (એટલે કે કાર) લઈને હાલી નીકળતા હોવ તો તમારે બીજાને સાચવવાની જવાબદારી લેવી પડે. તમને ઝડપથી વાહન ચલાવવાની સત્તા જરૂર છે પણ બીજાને બચાવવાની એટલી જ જવાબદારી પણ તમારી જ છે.  જોયું ને, સાઈકલ સવારો માટે આ સ્વર્ગ જેવો દેશ છે.
આ દેશમાં તો સાઈકલ-સવારોનાં ટોળાં જ હોય! 
રસ્તા અને જાહેર જગ્યાઓની આવી સાઈકલ અને રાહદારી તરફી ડીઝાઈન અને માળખાકીય સુવિધાના લીધે સાઈકલ-સવારની એક જબરજસ્ત સંસ્કૃતિ ઉભી થઇ છે. લોકો થ્રી-પીસ સુટ કે ટુ-પીસ બીકીની સાથે પણ સહજતાથી સાઈકલ ચલાવતાં જોવા મળે છે. શૂન્યની નીચે તાપમાન હોય, બરફનો વરસાદ પડતો હોય, ભયંકર ઠંડી હોય તો પણ સાઈકલ સવારી ચાલુ રહે છે. એટલે સાઈકલ-સવારીમાં હવામાનનું બહાનું ચાલે તેવું નથી. ઉનાળામાં સાદા ટાયર અને શિયાળામાં બરફમાં ચાલી શકે તેવા સ્પાઈકવાળા ટાયર. બાળક ચાલતાં શીખે તે પહેલા માં-બાપ જોડે સાઈકલમાં બેબી-સીટ જોડીને સાઈકલ સવારી કરતું થઇ જાય છે. સામાનની હેરાફેરી માટે કાર્ગો સાઈકલ હોય, સાઈકલ સવારો માટે ટ્રેનમાં અલાયદા ડબ્બા હોય અને કોઈ રેલ્વે સ્ટેશન પર દસેક હજાર સાઈકલ પાર્ક કરવાની જગ્યા ધરાવતું અત્યાધુનિક સાઈકલ પાર્કિંગનું આખું મકાન હોય. સાઈકલસવારોનું નિયમન કરતાં ટ્રાફિક પોલીસ પોતે પણ સાઈકલ જ ચલાવતાં જોવા મળે છે. એક ડચ મિત્રએ કહેલું કે ધારો કે તમે મિત્રો સાથે શનિવાર રાત્રે પાર્ટી કરવા નીકળી પડો છો અને બધાં મિત્રો કોઈ એક પબમાં જવાનું નક્કી કરે. પણ બીજા બધા પાસે સાઈકલ છે અને માત્ર તમારી પાસે જ કાર છે. સૌ ફટાફટ બીજી જગ્યાએ એ પહોંચી જાય અને તમે જાતભાતનાં સિગ્નલો વટાવતાં, પાર્કિંગની જગ્યા શોધતાં, થોડા ક્ષોભ અને શરમ સાથે ત્યાં પહોંચો. બોલો, પોતાની પાસે કાર હોવા છતાં નાનમ લાગે અને સાઈકલ હોય તો બધું નોર્મલ લાગે તેવો દેશ છે નેધરલેન્ડ! 
સાઈકલના વિવિધ સ્વરૂપો અને ઉપયોગો, ફોટો: બીબીસી/થીંકસ્ટોક
નેધરલેન્ડમાં સાઈકલ ચાલન સહજ છે, તેને આપણી જેમ સામાજિક-આર્થિક મોભા સાથે જોડવામાં આવતું નથી. સાઈકલ દ્વારા આપણે પોતાના બોજાનું જાતે વહન કરીએ છીએ તે સ્વનિર્ભરતા જોડાયેલી છે અને સાથે સાથે પોતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતાં ફાયદા નફામાં. પણ યુરોપના અમુક દેશોની જેમ અહીં સાઈકલ-ચાલન એ કોઈ તમારી સ્વાસ્થ્ય કે પર્યાવરણની કાળજી લેતા હોવ તેવા દેખાડાનું પ્રતિક નથી. સાઈકલ એ કોઈ કાર કે વાહનો સામેના કલ્પી લીધેલા એકતરફા યુદ્ધનું પ્રતિક પણ નથી. અહીં સાઈકલ ચાલન રોજબરોજનાં જીવનનો ભાગ છે, બહુ સ્વાભાવિક છે. મોટાભાગના લોકો કોઈ ફેન્સી સાઈકલ કે મોંઘા કપડા-એસેસરીનો આગ્રહ રાખ્યા વગર ત્યાં 'દાદીમાની સાઈકલ' (ઓમાફીત્સ) તરીકે ઓળખાતી અને આપણે જેને મસમોટી 24ની દેશી સાઈકલ (રોડસ્ટર) કહીએ છીએ તેવી સીધી-સાદી સાઈકલ જ ચલાવે છે.  કોઈ પરદેશી ટુરિસ્ટ આશ્ચર્યથી કોઈ સાઈકલ-સવારને પૂછે કે, 'તમે કેમ રોજ સાઈકલ ચલાવો છો?' તો તે સાઈકલ-સવાર હસીને જવાબ દેશે કે, 'કારણકે, હું એક ડચ વ્યક્તિ છું'. ડચ હોવું અને સાઈકલ ચલાવવી એ બંને હવે એકરૂપ થઇ ગયા છે.
વરસાદ હોય કે ઠંડી સાઈકલ તો ચલાવવી જ પડે, આમ્સ્તરદામ Photo by Bauke Karel
આપણે નેધરલેન્ડ પાસેથી શીખવાનું ઘણું છે કારણકે આ દેશે તેની આંધળા મોટરીકરણ, ટ્રાફિકની આંધળી દોટની ભૂલો સુધારીને આવાગમનની એક અનોખી સમાંતર વ્યવસ્થા ઉભી કરી છે, જે હવે તે દેશની રાષ્ટ્રીય ઓળખ સાથે વણાઈ ગઈ છે. માત્ર નેધરલેંડ જ નહિ પણ હવે તો ડેન્માર્ક, જર્મની, હંગેરીમાં મહદ અંશે સાઈકલ-સંસ્કૃતિ પ્રવેશી ગઈ છે અને ઇંગ્લેન્ડ, ફ્રાંસ, સ્પેઇન જેવા દેશો સાઈકલ-સુવિધાઓમાં મોટા પાયે રોકાણ કરી રહ્યા છે. આપણી સામે સૌથી મોટો પડકાર છે કે આપણે જેટલી પોતાની ખાનગી મિલકતોની કાળજી લઈએ છીએ એટલી જ જાહેર વ્યવસ્થા-જગ્યાઓની કાળજી લેતાં થઈએ. તેમાં સૌની હિસ્સેદારી ઉભી કરીએ. સાઈકલ માટે તો દૂરની વાત છે પણ આપણે રાહદારીઓ માટે સુવ્યવસ્થિત, ચાલવા-લાયક ફૂટપાથોનું તંત્ર ન ગોઠવી શકીએ? ગમે ત્યાં પાર્કિંગ કરીને જાહેર જગ્યાનું 'ખાનગીકરણ' કરતાં વાહનો માટે જાહેર જગ્યાનું ભાડું ન વસૂલી શકીએ? જાહેર પરિવહનની વ્યવસ્થા ગોઠવીને ટ્રાફિકનું ભારણ ઓછું ન કરી શકીએ? રસ્તા અને જાહેર જગ્યાઓ ચોખ્ખાં રાખીને તેમની સારી રીતે માવજત ન કરી શકીએ? હવે આપણી સરકારો પાસે નાણાંની કમી નથી, શું કરવું જોઈએ તે અંગેનું તકનીકી જ્ઞાન પણ છે, તો પછી આપણે ક્યાં અટક્યા છીએ? શું આને માટે પણ આપણે નેતાઓને દોષ દઈશું? રાજકીય ઇચ્છાશક્તિ અને નિયત તો પ્રજાની ઇચ્છાશક્તિ અને નિયતનો પડઘો પાડતી હોય છે. જ્યારે આપણે આપણાં ઘર જેટલી કાળજી આપણાં શહેરોની-ગામોની લેતાં થઈશું ત્યારે આપણે સાચી દિશામાં શહેરી વિકાસ કરી શકીશું. જોઈએ હવે કોણ બાંયો ચઢાવીને સફાઈ અભિયાન શરૂ કરે છે!  

No comments:

Post a Comment