Saturday, April 27, 2013

વાહન ચલાવતાં હોર્ન મારવું જરૂરી હોય છે?


હોર્ન મારવાની બાબતે ઘણાં સ્વભાવે અહિંસક અને બીજાને નડતરરૂપ ન થનારાં લોકો અચાનક હિંસક અને ઉગ્ર બની જાય છે. વાહન ચલાવતી વખતે હોર્ન મારવું તે પોતાનો અબાધિત અધિકાર છે તેવું લગભગ બધા વાહનચાલકો માને છે. પછી એવો દાવો કરવામાં આવે છે કે હું હોર્ન મારું છું તે તો તમારી સલામતી માટે છે. ખરેખર બીજા કોઈને બચાવવા કે અકસ્માત થતો બચાવવા મારવામાં આવતા સાચેસાચા હોર્નનું પ્રમાણ દરરોજ સંભળાતા હોર્નના આપણાં શહેરી ઘોંઘાટમાં કેટલું હશે? કદાચ એક ટકા થી પણ ઓછું. એટલે કે તમે અને હું નવ્વાણું ટકા ખોટેખોટા હોર્ન મારીને વ્યર્થ ઘોંઘાટ કરીએ છીએ? શું ખરેખર આવું હોય છે અને શું ભારતીય રસ્તાઓ ઉપર હોર્ન માર્યા વગર વાહન ચલાવી શકાય છે? આ બાબતે નવી રીતે વિચાર કરવાની જરૂર છે અને થોડું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. 

આપણાં  મોટાભાગના નાનાં-મોટાં શહેરોમાં શહેરમાં વાહનસવારી કરવાનો સમય બહુ લાંબો હોતો નથી. બહુ મોટા મેટ્રો શહેરોને બાદ કરો તો ભારતીય શહેરોમાં સરેરાશ એક તરફની શહેરી મુસાફરીમાં વાહનચાલકો દસથી પંદર મિનીટનો સમય પસાર કરતાં હશે. પાલનપુરથી પોરબંદર જેવા અસંખ્ય ગામો-શહેરોમાં તો સરેરાશ સમય દસ મિનીટથી પણ ઓછો હશે. આ દસ-પંદર મિનીટમાં હોર્ન માર્યા વગર વાહન ચલાવી શકાય? છેલ્લા અમુક મહિનાઓથી મેં એવું નક્કી કર્યું કે આ અંગેના 'સત્યના પ્રયોગો' જાતે જ કરવા. મારે ઓફીસ સુધી કરવી પડતી એક તરફની મુસાફરીનો સમય સાડા-સાત મિનીટનો થાય છે. મેં એવું નક્કી કર્યું કે ચાલો, આજે હોર્ન નથી મારવું. શરૂઆતમાં એ બહુ અઘરું લાગે છે. આપણને હોર્ન મારવાની એટલી ખરાબ આદત પડી હોય છે કે હાથ મગજની પરમીશનની રાહ જોયા વગર જ ચાંપ દબાઈ જાય છે. 

હોર્ન ન મારવું હોય તો શું કરવું પડે? તમારા વાહનમાં હોર્ન નથી તેવું માનીને જ આગળ વધવું હોય તો એક સજ્જડ માનસિક તૈયારી કરાવી પડે છે. વાહન ચલાવતી વખતે થોડી ધીરજ રાખવી પડે, કોઈકને આગળ જવા દેવા પડે અને કોઈકની પાછળ જવું પડે. કોઈકને આગળ જવા દેવું સહન થાય છે પણ કોઈની પાછળ લટકી રહેવું અઘરું હોય છે. પણ દસ મિનીટ સુધી હોર્ન ન મારવું અશક્ય નથી. ધીમે ધીમે ટેવ પડતી જાય છે. મજાની વાત એ છે કે મારા નિયમિત મુસાફરીના સમયમાં હોર્ન ન મારવાથી કશો જ ફરક પડ્યો નથી. મારા સાડા-સાત મિનીટ અકબંધ છે. મને ક્યારેય એવું નથી લાગ્યું કે આજે હોર્ન ન મારવાથી હું એક મિનીટ જેવું અધધધ મોડો પડ્યો! ઉલટાનું હોર્ન ન મારવાની માનસિક તૈયારી કરેલી હોય તો મગજ શાંત રહે છે. હોર્ન ન મારવાના લીધે આપણે ટ્રાફિકમાં ફસાઈ ગયા એવું મહિનામાં એક વાર પણ બનતું નથી. ટ્રાફિકમાં ફસાવાનું હોય તો તે હોર્ન મારવા છતાં પણ ફસાઈએ છીએ અને ટ્રાફિકમાંથી છૂટવાનું હોય તો તે હોર્ન મારીએ કે ન મારીએ તે છૂટી જ જવાય છે.

મેં એક વખત એવો પણ પ્રયત્ન કરી જોયો કે આજે ભરપૂર હોર્ન મારીએ. આખા રસ્તે સતત હોર્ન મારી-મારીને ગાડી ભગાવી. પરિણામ એ એવ્યું કે હું આખે રસ્તે સતત વ્યગ્રતામાં રહ્યો અને મને એમ લાગ્યું કે આજે તો નક્કી હું સાડા-સાત મિનીટથી જલ્દી જ પહોંચીશ. પહોંચ્યા બાદ મારી રોજની મુસાફરીમાં અડધી મિનીટનો ય માંડ ફરક પડેલો. આખા ગામને માથે લઈને હોર્ન મારી-મારીને ગાડી ચલાવીને અને ટેન્શન માથે લઈને પણ સમયમાં તો કોઈ ફરક જ ન પડ્યો! બીજું કે, મારા હોર્ન મારવા કે ન મારવાથી કોઈ ટ્રાફિકની ગૂંચ ઉકેલાતી નથી. હોર્ન મારવાથી રાહદારીઓને, પોતાના કરતા નાના વાહનોને ડરાવી જરૂર શકાય છે. પણ તેમને રસ્તામાંથી દૂર કરી શકાતાં નથી. વળી, હોર્ન મારવાથી રાહદારીઓને કે પોતાનાથી નાના વાહનોને સલામતીની કોઈ ગેરંટી મળતી નથી. માત્ર વાહન ચાલકોને પોતે ઝડપથી જઈ શકે તેની જગ્યા મળી તેવા અતિ-આગ્રહ માટે હોર્ન મારવામાં આવે છે.

દરેક વાહનચાલક પોતાની જાતને 'વિકટીમ' સમજતો હોય છે - રસ્તા પર પોતાને થતા સતત 'અન્યાય'નો ભોગ સમજતો હોય છે. તેણે પોતાની બુલેટ, એસયુવી, ચકચકિત કાર, ચમકીલું બાઈક રસ્તા પર રાજ કરવા વસાવ્યું હોય છે અને આ 'ટ્રાફિક' તેને પૂરતી જગ્યા ન આપે, મન ફાવે તેવી ઝડપથી જવા ન દે એ કેટલો મોટો 'અન્યાય' કહેવાય. અને આ અન્યાયને ખાળવા નિયમો તોડવા પડે તો તોડવા પડે. નિયમો તોડીએ તો જ અન્યાયનો પ્રતિકાર કરી શકાય તેવું તો હિન્દી ફિલ્મોએ સમાજને ઠોકી-ઠોકીને શીખવાડી દીધું છે. મજાની વાત એ છે કે એસયુવીમાં બેઠેલો સૌથી પૈસાદાર માણસ અને સાઈકલ પર બેઠેલાં સૌથી ગરીબ માણસને એવું લાગતું હોય કે પોતે અન્યાયનો ભોગ છે, એટલે પોતાને મનફાવે તેમ વર્તી શકે છે. અહીં દંભ ત્યાં આવે છે કે જ્યારે જે તે ચાલકને બીજાએ તોડેલા નિયમો જ દેખાય છે અને પોતે કરેલું ખોટી રીતનું વાહનચાલન 'બીજાના તોડેલા નિયમો' અને 'ટ્રાફિકમાં પોતાને થતા અન્યાય'ની સામે વ્યાજબી લાગે છે.

મારું એવું સજ્જડ માનવું છે કે નવ્વાણું ટકા વખત હોર્ન મારવાનું કોઈ સલામતી જેવું વ્યાજબી કારણ હોતું નથી. વાહન ચાલકો હોર્ન મારીને પોતાની અસલામતી અને અજંપો બતાવે છે કે મારે ઝડપથી જવું છે, મને જલ્દી જવા દો કે પછી મને અથડાઈ ન જતાં, મારી સવારી આવી રહી છે, મને બને તેટલી મોટી જગ્યા આપો. મજાની વાત એ છે કે બધા હોર્ન મારીને આ જ કહેવા માંગે છે કે મને બને એટલી ઝડપથી જવા દો. જયારે બધાનો એક જ સૂર હોય ત્યારે હોર્ન મારો કે ન મારો તેનો શું ફરક પડે છે. આપણાં શહેરી રસ્તાઓ પર સરસ મજાના માઈક્રો કક્ષાના દંગલો રચાતા હોય છે, જેમાં તે તે જગ્યા એ વહેલા અને પહેલા પહોંચવા માટે સ્પર્ધા ચાલતી હોય છે. એટલે જ વાહન-ચાલન એ બહુ જ તાણદાયક પ્રવૃત્તિ છે, જેનો ઘણા લોકોને ખ્યાલ નથી આવતો. આ તાણદાયક પ્રવૃત્તિની અકળામણ આખરે હોર્ન મારીને કાઢવામાં આવે છે. સારું છે કે દરેક વાહન સાથે બંદૂક જોડાયેલી હોતી નથી.

કારણ વગર હોર્ન મારવું તે 'શિસ્ત'નો પ્રશ્ન નથી. અહીં ટ્રાફિકના નિયમ સતત તોડનારા ભારતીયો તેમના આ જ જનમમાં વિદેશમાં જઈને બહુ જ 'શિસ્તબદ્ધ' થઇ જાય છે! હોર્ન મારવું તે ખરાબ ટેવ છે, માનસિક રોગ છે, કેટલાક દેશોમાં તો તેને સામાજિક અશિષ્ટતાનું પ્રતિક પણ ગણવામાં આવે છે. પણ શિષ્ટતાના ઈન્જેકશનો આપી શકતા નથી અને આપીએ તો પણ એ રોગનું ખોટું નિદાન થશે. વળી, ઘણા ઉત્સાહી વડીલો એમ કહે છે એ બાળકોને નાનપણથી શીખવવું જોઈએ અને તેનાથી કંઈક ફરક પડશે તે પણ શક્ય નથી. મૂળ પ્રશ્ન ટ્રાફિકના નિયમોમાં રહેલી ગંભીર ક્ષતિઓનો છે, આપણાં રસ્તાની માળખાકીય સુવિધાનો છે, ટ્રાફિક નિયમનના તંત્રનો છે, લાઇસન્સ આપવાના તંત્રનો છે. સંસ્કૃતિ-શિસ્ત એ બધી વાતો આ સુધારા કર્યા પછી આવે. રસ્તાઓની માળખાકીય સુવિધા કેવી હોવી જોઈએ તે વિશે હું અહીં ગયા મહીને જ લખી ચૂક્યો છું. ટ્રાફિક નિયમન અને ટ્રાફિક પોલીસને ગંભીરતાથી લેવાના ઘણા પાયાના પ્રશ્નો છે. મારું માનવું છે કે ટ્રાફિક નિયમન માટે પોલીસનો અલાયદો સ્ટાફ હોવો જોઈએ કે જે વાહનચાલકોની માનસિકતા સમજીને ક્યારેક હળવાશથી તો ક્યારેક કડકાઈથી કામ લઇ શકે. ટ્રાફિક પોલીસ તરીકે સેવા આપવી તે એક પોલીસ કર્મચારીના કેરિયરમાં એક જ વાર ત્રણ વર્ષ માટે આવે છે અને તેને મોટેભાગે પનીશમેન્ટ તરીકે લેવામાં આવે છે. એક તો પોતાને 'અન્યાય' છે તેવો ડંખ રાખતા વાહનચાલકો અને તેમના નિયમન માટે તેવો પણ જરા જુદા પ્રકારનો ડંખ રાખનાર કાયદાનું અમલીકરણ કરાવનાર - તો પછી કોઈનું પણ વર્તન કેવી રીતે શિસ્તબદ્ધ થાય?

નિયમો તોડવામાં જોખમ ઓછું હોય અને તેમાં લાભ વધુ હોય તો નિયમો તૂટે જ. તેને શિષ્ટતા કે સંસ્કૃતિના નામે બચાવી શકાતા નથી. ટ્રાફિકના નિયમો મૂળભૂત રીતે જ કેવા ખોટા હોય છે તેના પર એક આખો લેખ થઇ શકે એટલે તે વિષે ફરી ક્યારેક. પણ ટૂંકમાં, નિયમો આપણાં ટ્રાફિકને સમજીને બનાવવા જોઈએ. ભારતીય શહેરોના આંતરરાષ્ટ્રીય સરખામણીમાં ધીમા અને પરસ્પર અશાબ્દિક કમ્યુનીકેશનથી ચાલતા ટ્રાફિક માટે યંત્રવત શિસ્તથી ચાલતા વિદેશી ટ્રાફિકના નિયમો ન જ ચાલે ને. મહત્વની વાત એ છે કે આપણાં રસ્તાઓ પર 'કોણ પહેલા જશે, કોણ પછી જશે' તેનું સતત અશાબ્દિક રીતે કમ્યુનીકેશન  ચાલ્યા જ કરતુ હોય છે, આ પ્રકારની સભાનતા ટ્રાફિક સલામતીની દ્રષ્ટિએ મહત્વની હોય છે. સલામતીની દ્રષ્ટિએ ધીમો ટ્રાફિક પણ કંઈ ખોટો નથી. ધીમો એટલે વીસથી ચાલીસ કિમી પ્રતિ કલાક. જો આ જ ઝડપે જવાનું હોય અને દરેક ચાર-રસ્તા પર થોડી રાહ જોવાની હોય તો પછી આટલો બધો અજંપો શા માટે? વીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપી ટ્રાફિકની જરૂર હાઈવે પર હોય છે, શહેરોમાં નહિ. કમનસીબે, આપણી ટ્રાફિક અને તેના નિયમો વિશેની ઘણી સામાન્ય સમાજથી લઈને ટેકનીકલ જ્ઞાન હાઈવે ટ્રાફિક આધારિત હોય છે. શહેરી ટ્રાફિક વિષે તો ભારતમાં બહુ રીસર્ચ જ થયું નથી.

આ વાંચીને કોઈ એવું પૂછી શકે છે કે મારા એકલાના હોર્ન ન મારવાથી શું ફરક પડે છે? આ તો બિલકુલ પેલી અન્યાય વાળી માનસિકતા છે કે મારા એકલાના નિયમો પાળવાથી શું ફરક પડે છે. મારો સાદો જવાબ એ છે કે ફરક તમને પોતાને પડે છે. હોર્ન ન મારવાની સભાનતા કેળવ્યા બાદ તમારી ટ્રાફિક અંગેની દ્રષ્ટિ કે અપેક્ષા અને વાહનચાલનનો અનુભવ જ બદલાઈ જશે. હોર્ન ન મારવાથી તમે પોતે ધીરજ કેળવતા શીખશો, મગજ શાંત રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે હોર્ન ન મારવાથી તમારા મુસાફરીના સમયમાં કંઈ જ ફરક નથી પડતો કે ટ્રાફિકની જે પરિસ્થિતિ હોય છે તેમાં પણ ફરક પડતો નથી. ટૂંકમાં, ટ્રાફિક સંસારમાં તમારું હોર્ન વ્યર્થ છે, માયા છે, તેનો ત્યાગ કરો! બસ આ લેખ વાંચ્યા પછી દુનિયામાં જે કંઈક વીસ-ત્રીસ હોર્ન ઓછા સંભળાય તેનાથી રૂડું શું?

No comments:

Post a Comment