Thursday, May 31, 2012

પેટ્રોલનો લીટરદીઠ ભાવ દસ વર્ષમાં સો રૂપિયા જેટલો વધે તો?

આજે 'ભારત બંધ'ના દિવસે શહેરમાં બધું બંધ હોય તેવું બની શકે પણ મારું મગજ શૈતાનના કારખાનાની જેમ ચાલુ છે. આ પોસ્ટનું ટાઈટલ વાંચીને કદાચ કોઈને કડવું લાગે પણ છેલ્લા દસ વર્ષમાં પેટ્રોલનો ભાવ પચાસ રૂપિયા વધ્યો છે. તો પછી આવતા દસ વર્ષમાં પેટ્રોલનો ભાવ વધુ સો રૂપિયા નહિ વધી શકવાનું કારણ કંઈ ખરું? લાંબી ચોડી આંકડાબાજીની માથાકૂટમાં ન પડીએ તો ભારત એ ક્રુડ ઓઈલની આયાત કરતો દેશ છે કારણકે ભારતમાં ક્રુડ ઓઈલનું ખનનનું પ્રમાણ તેની માંગને પહોંચી વળવા સક્ષમ નથી. બીજું કે, ભારતમાં પેટ્રોલીયમ પેદાશોની માંગ કૂદકેને ભૂસકે વધી રહી છે અને જે વધુને વધુ વધવાની જ છે. રસ્તા પર વાહનો વધવાના જ છે ઘટવાના નથી. ભારતની વસ્તી વધવાની જ છે, ઘટવાની નથી. ટૂંકમાં, જે પેદાશની આયાત કરવામાં આવે, જેની માંગ વધારે હોય અને પુરવઠો પ્રમાણમાં ઓછો હોય તેના ભાવ સતત વધતા જ રહે તે સમજવા માટે અર્થશાસ્ત્રી હોવાની જરૂર નથી.
Oil fields in Belridge, California, USA, 2003. Photo: Edward Burtynsky
આ બધામાં પાછુ આંતરરાષ્ટ્રીય રાજકારણ પણ ભળે. જગત-જમાદાર હિલેરીબેન આવીને આપણને કહી જાય કે તમે પેલા અસામાજિક તત્વ જેવા ઈરાનની દુકાનમાંથી તેલ ખરીદવાનું બંધ કરો. એટલે આપણે પૂછીએ કે તો પછી બીજો કોઈ રસ્તો બતાવો. એટલે હિલેરીબેન તરત જ કહે કે, આપણું યુ.એ.ઈ. છેને! અસમાજીક્તાનો અંશ નહિને એકદમ કહ્યાગરું. ભાવ-તાલમાં જોવાનું નહિને તમને ડીસ્કાઉન્ટ પણ અપાવીશ. આ તો ક્રુડ ઓઇલના આંતર રાષ્ટ્રીય રાજકારણનું એક નાનું તાજેતરનું ઉદાહરણ થયું. ક્રુડ-ઓઇલે દુનિયાની સૌથી 'કીમતી' પેદાશનું સ્થાન લઇ લીધું છે, માત્ર આર્થીક રીતે જ નહિ પણ રાજકીય રીતે પણ. દેશોના વિકાસદર હવે પેટ્રોલીયમની ખપત પર આધારિત થઇ ગયા છે. ક્રુડ-ઓઈલના રાજકારણના લીધે યુધ્ધો થયા છે. સરકારો ઉથલાવવામાં આવી છે. રાજકીય હરીફોનો સફાયો કરવામાં આવ્યો છે. પેટ્રોલીયમ ખાતું સૌથી સમૃદ્ધ ખાતું હોય છે. ઓઈલ કંપનીઓ માલામાલ હોય છે અને તેના અધિકારીઓને બીજા સરકારી ખાતાઓ પણ ઈર્ષા કરે તેવી સવલતો-પગારો મળે છે. આજની દુનિયામાં જે ક્રુડ-ઓઈલ અને તેની બજારો પર સત્તા ધરાવે છે તે સૌથી શક્તિશાળી વ્યક્તિ, સંસ્થા કે સરકાર હોય છે. આ બધું છેલ્લા સો વર્ષમાં જ થયું છે. આપણે સમગ્ર દુનિયાની નિર્માણ ક્રુડ-ઓઈલની આસપાસ કરી દીધું છે. ક્રુડ-ઓઈલ ઉદ્યોગીકરણનો પાયો છે, શહેરીકરણની કરોડરજ્જૂ છે અને ખેતીને બજારો સાથે સાંકળતી છેલ્લી કડી છે. 
Exhausted old fields in Baku, Aizerbaijan, 2006. Photo: Edward Burtynsky.
હવે કોઈ એમ કહે કે સોરી બોસ, ઓઈલ ખલાસ, હોં! તમારી બે-પાંચ પેઢીઓએ વાપરીને પૂરું કરી લીધું. હવે બહુ ઓઈલ બચ્યું નથી. તમારા પૌત્રી-પૌત્રો કદાચ વિમાનમાં મુસાફરી નહિ કરી શકે. તો પછી સમગ્ર દુનિયા જેનું સર્જન ઓઈલની આસપાસ થયું છે તેનું શું થશે? હજી તો ભારત-ચીન જેવા વિશાલકાય દેશોમાં બહુમતી લોકોને પોતાની કાર ખરીદવાની બાકી છે અને વિમાનમાં બેસવાનું બાકી છે. આવું તો વળી થતું હોય? આ ટાઢા પહોરનું ગપ્પું છે કે તેની પાછળ કોઈ તર્ક પણ ખરો. ચાલો, તપાસ કરીએ. 
Old production in the US. Source: Wikipedia
 હ્યુસ્ટન-ટેક્સાસ સ્થિત અમેરિકી ભૂ-વૈજ્ઞાનિક ડો. મેરિયન કિંગ હબર્ટએ ૧૯૫૬માં એવું જાહેર કર્યું કે અમેરિકી પેટ્રોલીયમ ઉત્પાદનનો સૌથી ઉચ્ચ તબક્કો (peak period) ૧૯૬૦ના દાયકાના છેલ્લા વર્ષોમાં કે ૧૯૭૦ની શરૂઆતમાં આવશે. લોકોએ તેની હસી કાઢ્યો, તેની મશ્કરી કરી. ૧૯૭૦માં હબર્ટની વાત સાચી ઠરી. ૧૯૭૦માં અમેરિકી પેટ્રોલીયમ ઉત્પાદનનો સૌથી ઉચ્ચ તબક્કો (peak period) આવ્યો અને તે બાદ પેટ્રોલીયમ ઉત્પાદન અમેરિકામાં ઘટતું ચાલ્યું છે. એ નોંધવું રહ્યું કે ૧૯૭૦ના પછીના સમયમાં વિશ્વનું રાજકારણ ઘણે અંશે બદલાયું અને તેમાં અમેરિકાની ઓઈલની ઘરેલું માંગ ઘણે અંશે જવાબદાર હતી. હબર્ટની મહત્વની થીયરી એ હતી કે કોઈપણ ભૌગોલિક પ્રદેશમાં કે સમગ્ર વિશ્વમાં, એક ઓઈલ ફિલ્ડમાં કે અનેક ઓઈલ ફિલ્ડમાં, ઓઇલના ભંડારોના ઉત્પાદનના દરનો ગ્રાફ એ 'બેલ કર્વ'નું નિરૂપણ કરશે (નીચે દર્શાવ્યા મુજબ). એટલે કે શરૂઆતમાં સતત વૃદ્ધિ થાય, એક ઉચ્ચ તબક્કો (પીક) આવે અને જે દર પર વૃદ્ધિ થઇ હોય લગભગ તે જ દર પર ઉત્પાદનમાં કપાત થાય. આ વાત તેણે અનેક ઓઈલ ફિલ્ડ અને દેશોના અનુભવને આંકીને વૈજ્ઞાનિક રીતે સમજાવી. હબર્ટએ સમગ્ર વિશ્વના ઓઈલ ફિલ્ડ ભંડારો માટે પણ આ જ થીયરી આંકી છે. જે નીચે પ્રમાણેના ગ્રાફમાં દર્શાવી છે.
World Oil peak as predicted by Dr. Hubbart in 1956. Source: Wikipedia
હબર્ટની ગણિત-વિજ્ઞાન પર આધારિત ભવિષ્યવાણી બાદ નવા ઓઇલના ભંડારો મળ્યા કે ઓઈલ ઉત્પાદનની નવી ટેકનોલોજી વિકસી તે પ્રમાણે એ 'પીક પીરીયડ' ક્યારે આવે છે તે અંગે ઘણા મત-મતાંતર ચાલે છે. હબર્ટના કહેવા મુજબ માનવ-ઇતિહાસમાં ક્રુડ-ઓઇલના ઉત્પાદનનો સૌથી ઉચ્ચ તબક્કો વર્ષ ૧૯૯૫થી ૨૦૦૦માં પસાર થઇ ચૂક્યો છે. હબર્ટનું માનીએ તો વર્ષ ૨૦૫૦ સુધીમાં વિશ્વમાં ઓઈલનું ઉત્પાદન અત્યારના ઉત્પાદન કરતાં ત્રીજા ભાગ જેટલું ઘટી જશે. હબર્ટની પદ્ધતિનો ઉપયોગ કરીને અને નવા ડેટા પ્રમાણે ઘણા વૈજ્ઞાનિકો અને અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે આ સમયગાળો વર્ષ ૨૦૦૫-૦૬નો છે. ઓઈલ કંપનીઓ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો અને જાણકારો સ્વાભાવિક રીતે જ આ વાતને સ્વીકારવા તૈયાર નથી અને તે લોકો એવું માને છે કે આવતા સો વર્ષ સુધી ઓઈલ ઉત્પાદનમાં 'વાંધો નહિ આવે'. જો કે કોઈ પણ વૈજ્ઞાનિક આજે છાતી ઠોકીને હબર્ટના 'બેલ કર્વ'ને ખોટો કહેવા તૈયાર નથી. સૌથી વધારે મત-મતાંતર પીક પીરીયડનું વર્ષ કયું મૂકીએ છીએ તે અંગે છે. એક વાત તો નક્કી છે કે મોટાભાગના વૈજ્ઞાનિકો, સરકારી વૈજ્ઞાનિક સંસ્થાઓ એ માનવા લાગી છે કે ક્રુડ ઓઇલના ઉત્પાદનનો ઉચ્ચ તબક્કો એટલે કે પીક પીરીયડ આપણી પાછળના વર્ષોમાં આવી ચૂક્યો છે, હવે આગળના વર્ષોમાં આવવાનો બાકી નથી. કેટલાક 'આશાવાદી' સૂરો માને છે એ આ સમયગાળો વર્ષ ૨૦૨૦ની આસપાસ રહેશે. ટૂંકમાં, આશા અને નિરાશા વચ્ચે પણ ૨૦-૩૦ વર્ષની બારી છે, સો-બસ્સો વર્ષની નહિ. ઓઈલ ઉત્પાદનનો પીક તબક્કો આજે આવે કે આવતીકાલે, એક વાત નક્કી છે કે આ જણસ વધુને વધુ મોંઘી થશે. ઓઇલના વેપારમાં વધુને વધુ લાલચ-લોભ ભળશે. છમકલાં કે યુધ્ધો થશે. વધુમાં, આપણી આગામી પેઢીઓને બીન-ઓઈલ યુગ માટે તૈયાર થવું પડશે.
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (વિવિધ સરકારોની બનેલી આંતર-રાષ્ટ્રીય ઉર્જા સંસ્થા) પ્રમાણે તેમણે આખી વાત થોડી અલગ રીતે મૂકી છે. તેમણે ઉપરના ગ્રાફમાં બતાવ્યું છે કે જે પરંપરાગત ઓઇલના સ્ત્રોત ગાયબ થવાના છે તે 'ભવિષ્યમાં વિકસીત થનારા' અને 'ભવિષ્યમાં શોધવાના' નવા સ્ત્રોતોની જગ્યા લેશે. અહીં એક વાત સમજવી જરૂરી છે. ઓઇલના મામલામાં (અને એ રીતે દરેક મામલામાં) વિશ્વની નથ ઝાલી રાખનાર ઓપેક (ઓઈલ-આયાત કરતાં ૧૨ દેશોનું સંગઠન) દેશોમાં ઓઈલનો કેટલો ભંડાર છે તે નક્કી કરવું બહુ મુશ્કેલ કામ છે. અહીં કૈંક એવી પરિસ્થિતિ છે કે ધારો કે તમારા આખા ગામને તમાકુનું વ્યસન છે. શું તમે ગામના મુખી તરીકે તમાકુના વેપારીને જઈને પૂછી શકો કે ભઈ, તારી પાસે કેટલું તમાકુ છે? તારી પાસે જે જથ્થો હોય તે પરથી અમને ખબર પડે કે તમાકુનું વ્યસન કરવું કે નહિ. તો તમને શું લાગે છે કે પેલો વેપારી શું જવાબ આપશે? એ તો એમ જ કહેશેને કે તમતમારે ઘસે રાખો, તમાકુની બાબતમાં 'વાંધો નહિ આવે'. આવું જ કૈંક ઓઇલના ભંડાર ધરાવતા દેશો કર્યે રાખે છે. મોટાભાગના વૈજ્ઞાનિકો માને છે કે ઓપેક દેશોએ પોતાના ઓઈલ ભંડારોનો અંદાજ વધારે પડતો લગાવ્યો છે. ૧૯૮૦-૯૦ના ગાળામાં તો લગભગ દરેક દેશોએ પોતાના ઓઈલ ભંડારોના અંદાજમાં કોઈ નવા ઓઈલ ફિલ્ડ શોધાયા ન હોવા છતાં પણ રાતોરાત વૃદ્ધિ કરી હતી. 
US cities are addicted to the Oil products. Pennsylvania, USA, 2008. Photo: Edward Burtynsky
બીજું કે, પૃથ્વીના પેટાળમાં ઓઈલ ભંડાર હોવો તે એક વાત છે અને તે ઉત્પાદનલાયક હોય તે તદ્દન બીજી બાબત છે. એવા ઘણા પેટાળ ભંડારો હોય છે કે જેમાં ઓઈલનો ઉત્પાદન ખર્ચ એટલો બધો વધારે હોય છે કે તેનું ઉત્પાંદન કરવાનો કોઈ અર્થ સરતો નથી. કૈંક અંશે દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાના પ્રોજેક્ટ જેવી વાત છે. ઘણીવાર તો આ ભંડારોને ઉત્પાદનના સ્તરે લઇ જવાય તે પહેલા જ તેમાં મસમોટું રોકાણ માળખાકીય સુવિધા અને ટેકનોલોજી વગેરેમાં કરવું પડે છે. આ પ્રકારના પેટાળ ભંડારોમાં દરિયાની વચ્ચે આવેલા ઓઈલ પેટાળ-ભંડારો સૌથી વધુ આવે છે, જેને ઓફ-શોર ડ્રીલીંગ કહે છે. યાદ છે ને કે બ્રિટીશ પેટ્રોલીયમએ મેક્સિકોની ખાડીમાં ઓફ-શોર ડ્રીલીંગ વખતે કરેલા બખેડામાં જે ઓઈલ સ્પીલ થયેલું તેણે સાફ કરતાં-કરતાં ઓબામા સરકારની આંખે પાણી આવેલા અને પર્યાવરણ-પ્રાણીસૃષ્ટિને નુકસાન થયું હતું તે અલગ. ઓપેક દેશોએ ઓઈલ ભંડારની વ્યાખ્યા 'ઉત્પાદન માટે તૈયાર ઓઈલ ભંડાર' એવી રીતે નથી કરી. તેથી જ વર્ષ ૨૦૦૫માં વિશ્વની વિરાટકાય ઓઈલ કંપની એક્સોન-મોબીલના પ્રવક્તાએ સત્તાવાર રીતે જાણાવ્યું હતું કે, "વિશ્વમાં સરળ રીતે મળતાં બધા જ ઓઈલ અને ગેસને શોધી નાખવામાં આવ્યા છે. હવે જે બાકી છે તે સખ્ખત મહેનતનું કામ છે કે જ્યાં અત્યંત પડકારજનક કામ-કાજની પરિસ્થિતિ અને પર્યાવરણમાંથી ઓઈલ-ગેસ શોધવાના છે અને ઉત્પાદિત કરવાના છે". બીજા શબ્દોમાં કહીએ તો હવે સસ્તું અને સરળતાથી મળતા ઓઈલ-ગેસનો જમાનો ગયો. જે છે તે હવે મોંઘા ઓઈલ-ગેસ છે.
Oil refinery in Oakville, Ontario, Canada, 1999. Photo: Edward Burtynsky

આ સાથે-સાથે બીજો એક પડકાર ક્લાઈમેટ ચેન્જ ઉર્ફ હવામાનમાં ફેરફારનો તો ખરો જ. ૨૦૫૦ના વર્ષ સુધીમાં એક બીજું અગત્યનું ટાર્ગેટ વિશ્વ પાસે છે. અત્યારે વિશ્વની મોટાભાગની સરકારો, વૈજ્ઞાનિકો વગેરે વર્ષ ૨૦૫૦ સુધીમાં હવામાનના ફેરફારને બે ડીગ્રી સુધી નિયંત્રિત કે સ્થિર કરવાનું બીડું ઝડપ્યું છે. આ અંગેની જાડી સમજણ મુજબ વિશ્વનું સમગ્ર કાર્બન ઉત્સર્જન અત્યારના લેવલ કરતાં અડધું કરવું પડે. તે માટે ઔદ્યોગિક નીતિઓ, ખેતીની ટેકનોલોજી, માલ-સામાન અને મુસાફરોના પરિવહનમાં ભારે ફેરફારો કરવા પડે. વિવિધ ચીજ-વસ્તુઓ પર ટેક્સનું એવું માળખું ગોઠવવું પડે કે 'જે પ્રદુષિત કરે તે વધુ ટેક્સ ભરે'. બીજા વિકસિત દેશોએ તેમના દેશની મોટાભાગની સિસ્ટમ્સ બદલાવી પડે જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોને પોતાના વિકાસદરના ભોગે આ બધું કરવું પડે. પણ બીજી રીતે જોઈએ તો પર્યાવરણની રીતે યોગ્ય ટેકનોલોજી અને સિસ્ટમનો ઉપયોગ અત્યારથી જ ભારતમાં શરુ કરવામાં આવે તો ભવિષ્યમાં ઓછા પડકારો સહન કરવા પડશે. આ પ્રકારના તંત્રમાં પેટ્રોલીયમ પેદાશોનો ઉપયોગ કરનાર વધુ ટેક્સ ભરે તેવું કૈંક તંત્ર ગોઠવાવું જોઈએ. આ સાથે જ ઓટોમોબાઈલ સેકટરને મળતા લાભ ઓછા થવા જોઈએ, સસ્તી વાહન લોનો મોંઘી થવી જોઈએ. આખું આર્થિક તંત્ર ડી-કાર્બનાઈઝ્ડ એટલે કાર્બન (ઉત્સર્જન) પર પરાવલંબી ન હોય તેવું કરવું પડશે.

તો કહો ચતુર-સુજાણ આવી વૈશ્વિક પરિસ્થતિમાં આવતા દસ વર્ષમાં લીટરદીઠ પેટ્રોલમાં સો રૂપિયાનો વધારો ઓછો લાગે છે કે વધારે? મારે-તમારે અને ભારત દેશે પેટ્રોલીયમ પેદાશોના વધતા ભાવ માટે તૈયાર રહેવું પડશે. અત્યંત આશાવાદી પરિસ્થિતિમાં એવું ધારી લઈએ કે પેટ્રોલીયમ પેદાશો ખતમ થાય કે અત્યંત મોંઘી થાય તેના દસ-વીસ વર્ષ પહેલાં વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો શોધાઈ જાય. અત્યારની પરિસ્થિતિ બહુ આશાસ્પદ નથી. સોલાર, હાઈડ્રોજન, બાયો ફ્યુઅલ જેવા વિકલ્પોમાં પ્રયોગો થઇ રહ્યા છે પણ પરિણામો જોઈએ તેવા આવી રહ્યા નથી. અત્યારે વૈકલ્પિક ઉર્જા વધુ મોંઘી છે અને આપણે આખું જગત ઓઈલની આસપાસ રચી રહ્યા છીએ. શહેરોમાં ફ્લાય-ઓવર્સ, ઘર-ઓફિસમાં પાર્કિંગ અને સસ્તા પેટ્રોલની રાજકીય માંગણીઓનો કોઈ અંત નથી.
Parking lot in the VW car factory in Shanghai, China, 2005. Photo: Edward Burtynsky.
આજે ભારત બંધની જરૂર નથી પણ આપણે કેવી રાજકીય માંગણીઓ કરીએ તે ધરમૂળથી બદલાવાની જરૂર છે. આજે ભારતે એ વિચારવાની જરૂર છે કે સારી જાહેર પરિવહન વ્યવસ્થા કેવી રીતે વિકસાવી શકાય. ચાલવાલાયક ફૂટપાથો અને સાઈકલ માટે રસ્તા કેવી રીતે બનાવી શકાય. આ બધું કરીને પેટ્રોલીયમ પર પરાવલંબન કેવી રીતે ઘટાડી શકાય. સારી બાબત એ છે કે ભારતનું ક્રુડ-ઓઈલનું વ્યસન હજી અમેરિકા જેવા ટર્મિનલ સ્ટેજમાં નથી. આપણાં શહેરોમાં હજુ સુધી ત્રીજા ભાગનો 'ટ્રાફિક' ચાલતા જતાં કે સાઈકલ ચલાવતાં (બિન યાંત્રિક) પરિવહનનો હોય છે, તેણે થોડી જગ્યા આપીને વધુ લોકોને તેમાં જોડવા પ્રોત્સાહિત કરી શકાય. કાર કે અંગત વાહનનો ઉપયોગ સમજદારીથી કરી શકાય. એકલા હોવ તો ચાલતાં કે સાઈકલ, બેકલાં હોવ તો ટુ-વ્હીલર, ત્રણ જણ માટે રીક્ષા અને ચાર-પાંચ-છ માટે કારનો ઉપયોગ વ્યાજબી કહેવાય. એકલા કાર ચલાવનારા પર ભવિષ્યમાં કોઈ ટેક્સ લાગે તો નવાઈ ન પામતા! ફ્રી પાર્કિંગ અને સસ્તા પેટ્રોલ-ડીઝલની વાતો ભવિષ્યની પેઢીને વાર્તાઓ કહેવા માટે રાખવી પડે તે ભવિષ્યની પેઢીઓ માટે જ મહત્વનું છે. ભવિષ્યની પેઢી માટે આપણે અંગત સંપત્તિની સાથે-સાથે કુદરતી વારસો જાળવવાની દરકાર લેતાં થઈશું ત્યારે જ કદાચ તેઓ આપણને 'માણસમાં' ગણશે.
Chittagong shipbreaking yard, Bangladesh, 2001. Photo: Edward Burtynsky
નોંધ: આ બ્લોગપોસ્ટ માં ઉપયોગમાં લેવાલેલા મોટાભાગના સુંદર ફોટોગ્રાફ્સ એડ વર્ડ બર્ટીન્સ્કી નામના ફોટોગ્રાફરના છે. તેની વેબ્સાઈટ પર વધુ સુંદર ફોટોગ્રાફ્સ છે: http://www.edwardburtynsky.com/

20 comments:

  1. ઋતુલભાઈ, સચોટ નિદાન આપ્યું છે. શું માંગવું એ વારંવાર ચરખા પર આવતું રહે છે અને લોકશાહીશિક્ષણનું કામ કરતુ રહે છે. અંગત રીતે સફારી અને સ્કોપના લેખોની શૈલીની યાદ અપાવી દીધી - સરળ ભાષા, દલીલને પયાદાર બનાવે એવીવીણીચૂંટીને રજુ કરેલી માહિતી, થોડા વર્તારા, ધારદાર પ્રશ્ન સાથે લોકશિક્ષણ અને સરસ ફોટોગ્રાફ્સ.

    ReplyDelete
  2. Dear Amit,

    Thanks a lot for your encouraging words. આ સચોટ નિદાન બહુ જાણીતું છે પણ તેના ઈલાજની દવા બહુ કડવી છે. ૨૦૦૫ માં જે જેએનયુઆરએમનો ઉત્સાહ હતો તેવો હવે રહ્યો નથી. સારા જાહેર પરિવહન માટે શહેરો પૈસા ક્યાંથી લાવશે? અને કોઈ જાહેર પરિવહનને રસ્તો આપવા તૈયાર નથી. બહુ લાંબો સંઘર્ષ થશે, એવું લાગે છે.
    Rutul

    ReplyDelete
  3. ભરતકુમાર ઝાલા6/01/2012 11:25 AM

    સુંદર લેખ. સમયસરની વાતની એટલા જ સરસ શબ્દોમાં કરેલી રજૂઆત ગમી. ચરખાનું બંધાણ થતું જાય છે, ઋતુલભાઇ.

    ReplyDelete
  4. બીરેન કોઠારી6/01/2012 12:27 PM

    વાત બરાબર છે, ઋતુલ! નિદાન જાણીતું, પણ દવા કડવી છે. માત્ર રાજકીય પક્ષોને ભાંડ્યે રાખવાથી પણ નહીં ચાલે. સ્વજાગૃતિ અને લાંબે ગાળે સમૂહજાગૃતિ જ અસરકારક માર્ગ છે. સવાલ એ છે કે એ કેટલો સમય લેશે?

    ReplyDelete
  5. એક સંશોધનાત્મક ઉમદા લેખ.

    પેટ્રોલની અવેજીમાં વાપરી શકાય એવા 'આલ્કોહોલ'નો ઉલ્લેખ કરવો જરૂરી છે. અમેરિકામાં ૮%થી ૧૦% આલ્કોહોલ મિશ્રીત પેટ્રોલ ( અહીં એને ગેસ કહે છે) મળે છે. આલ્કોહોલ ઉત્પન્ન કરવો સહેલો છે. અને ભારતમાં તો ખાંડના કારખાનાની બાય પ્રોડક્ટ 'મોલેસિસ' એનો ઉત્તમ કાચો માલ છે. દેશમાં ખાંડના અને ખાંડસરીના અસંખ્ય કારખાનાઓમાં મોલેસિસ વેડફાય છે. એના નિકાલનો પણ પ્રશ્ન છે એવા સંજોગોમાં એમાંથી આલ્કોહોલ બનાવી પેટ્રોલની અવેજીમાં વાપરી શકાય.

    એ ઉપરાંત હાયબ્રીડ કાર કે જેમાં પેટ્રોલ અને બેટરીમાં સંગ્રહિત વિદ્યુત મારફત વ્હિકલ ચલાવવાની સુવિધા હોય છે ને પ્રતિ લિટર વધારે માઈલેજ મળે. કાર જ્યારે પેટ્રોલ પર ચાલતી હોય ત્યારે ઉત્પ્ન થતી ઉર્જા બેટરી આપોઆપ સંગ્રહ કરતી રહે. અને જ્યારે કાર ધીમી પડે(ત્યારે પેટ્રોલથી ચાલતી કારમાં પેટ્રોલનો વપરાશ વધારે હોય) ત્યારે એ બેટરી ના પાવર પર દોડતી રહે.

    નજદીકના ભવિષ્યમાં મોટે ભાગે આવી હાઈબ્રિડ કારો દોડતી થઈ જશે.

    એ ઉપરાંત સૌર ઊર્જા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી સસ્તા સોલર સેલ બનાવવા જરૂરી છે. અને પેટ્રોલ પંપની જગ્યાએ સોલર રિચાર્જીંગ સ્ટેશન પર બેટરી રિચાર્જ કરી આપવાની વ્યવસ્થા હોય એવું પણ બની શકે.

    ReplyDelete
    Replies
    1. મી. મહેતા, આપની વાત બિલકુલ સાચી છે. પેટ્રોલીયમ સિવાય ઘણા બધા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો અંગે સંશોધન અને પ્રયોગો વગેરે થઇ રહ્યું છે. સૌથી મોટો પડકાર એ છે કે આજે ઉર્જા ક્ષેત્રમાં પેટ્રોલીયમ પેદાશો ૮૬% જેટલો મોટો હિસ્સો ધરાવે છે. એટલા મોટાપાયે ફેરફારો કેવી રીતે થશે તે સમજાતું નથી. બીજું કે, બ્રાઝીલ જેવા દેશોમાં બાયોફ્યુઅલનું ચલણ વધારે છે પણ ભારતમાં મોલેસીસનો ઉપયોગ મુખ્યત્વે ખાંડના ઉત્પાદનમાં થાય છે એટલે માત્ર બાયોફ્યુઅલ માટે ખેતી કરવી એ આર્થિક રીતે ખેડૂતો માટે શક્ય બનતી નથી. ત્રીજું, atyaar એ જે હાઈબ્રીડ કાર દોડે છે તે એટલી બધી મોંઘી છે કે તેની પસંદગી કોઈ જવલ્લે જ કરી શકે છે. જોઈએ હવે આગળ શું થાય છે? હું આ બાબતે બિલકુલ નિરાશાવાદી નથી (થોડો તો છું) પણ આપણે લાંબી મજલ કાપવાની છે. આવી ચર્ચાઓ રાજકીય ફલકમાં થતી નથી. ક્યાં સુધી આપણે સરકાર પાસેથી સસ્તું પેટ્રોલ માંગ્ય કરીશું?

      Delete
  6. Once again an interesting technical article in easy to follow language.

    ReplyDelete
  7. પેટ્રોલ ના વપરાશ ઉપર કાબુ મેળવવા માટે સાયકલ નો વપરાશ વધારવો જોઈએ ,, મોટા ભાગે ઓફીસ અને ઘર નું અંતર ૫/૭ કિમી સુધી હોય તો સાયકલ વાપરી શકાય ,,,,,, આનો વપરાશ વધારવા માટે, બાળપણ થી જ ટીનેજર સાયકલ વાપરતો થાય જેમકે સાયકલ ગીફ્ટ માં આપવી ,,,,,,, શાળા માં ભણતા બાળક ને સાયકલ મફત ,,,, ફિલ્મ સ્ટારો, ક્રિકેટરો ,, નેતાઓ સાયકલ વાપરતા થાય તો પબ્લિક એનું સહેલાયી થી અનુકરણ કરશે ,,,

    ReplyDelete
    Replies
    1. બહુ જ સાચી વાત છે તમારી. સાઈકલ ચાલન અને તેના અનુભવો વિષે આ બ્લોગ પર અમુક-તમુક વખત લખાઈ ચૂક્યું છે. આ મારો મનપસંદ વિષય છે. સાઈકલ વિષે તમારા વિચારો જાણીને મજા આવી.
      છેલ્લા બે લેખની લીંક મૂકું છું. ૧:http://charkho.blogspot.in/2011/07/blog-post_08.html
      ૨: http://charkho.blogspot.in/2011/07/2.html

      Delete
  8. બહુ પ્રવાહી રીત લખાયું છે અને ચીંધાયું પણ છે. આયોજકો બેસે ત્યારે તેમને સાયકલ ચલાવનારા કે ચાલનારા ભાગ્યે જ દેખાય છે. બિન-ક્રુડ વિકલ્પો અંગે વિનોદ ખોસલા પ્રકારના વેન્ચર કેપિટાલિસ્ટથી માંડીને અનેક કંપનીઓ ઘણા વખતથી પ્રયાસો કરે છે,પણ તમે લખ્યું છે તેમ, ધાર્યાં પરિણામ મળતાં નથી.
    અમારા એક સ્નેહી સ્વ.રવજીભાઇ સાવલિયા હંમેશાં કહેતા હતા કે મોટા ભાગની સમસ્યાઓ ટેકનિકલ કે ટેકનોલોજીને લગતી હોય છે, પણ કમનસીબે તેમનો ઉકેલ રાજકારણીઓ કે રાજકારણ પર છોડવામાં આવે છે.

    તા.ક. દર વખતે તમારું કમેન્ટ બોક્સ હું રોબોટ નથી એની બહુ અઘરી પરીક્ષાઓ લે છે. એનું કંઇ થાય એવું છે?

    ReplyDelete
  9. ખનીજ તેલ અને તેની પેદાશોના સંદર્ભમાં વૈકલ્પિક ઉર્જાના મોટા ભાગના વિકલ્પો હજૂ પણ સ્પર્ધામાં પાછળ છે, ત્યાં સુધી સામાન્ય વપરાશકારે ખનીજ તેલ પેદાશોના ઉત્પાદકો, તેને વપરાશનાં સાધનોના ઉત્પાદકો, તેમની ખાંધ પર ઝૂકી ગયેલી સરકાર એ બધાં વચ્ચે ટપલાં જ ખાવાં રહ્યાં.
    જ્યાં સુધી તેના વિના ચાલશે નહીં ત્યાં સુધી આપણી આંખ પણ ક્યાં ઉઘડવાની છે?
    બાયૉ-ઇંધણના પ્રયોગોમાં એક તરફ તે ખેત પેદાશો અતિશય મોંઘી થઇ ગઇ તો બીજી બાજૂ ઔદ્યોગિક વપરાશમાટે તે પેદાશોનું ઉત્પાદન વધારવાના ધખારામાં "Genetically Modified" ખેતીનો યમ ઘર ભાળી ગયો તે લટકામાં.

    ReplyDelete
  10. Rutulbhai,

    I kept a 'tukko' for a long related to this. Country like India should use this. Petrol price for Cars should be 100 or more and use that extra money to make infrastructure where we can reduce petrol usage. There should be separate pumps for cars and two wheelers and charge differently. I know looking at controls in India it is a disaster but something that sort of radical only can help our cyclist friends with a separate lane on the roads and better public transit and walkways etc. from the money earned from luxury taxes.

    Make no mistake, I'm not communist or socialist but a bit harsh practical.

    ReplyDelete
    Replies
    1. Hi Ronak,

      Great to hear from you. A new voice on my blog, welcome! Your idea is not 'tukko', it is in practice in many European countries although there is never a big jump in fuel prices (from 75 to 100). But using the tax money sensibly is the another challenge we have.

      Rutul

      Delete
  11. હ્રુતુલ ભાઈ,
    અત્યંત માહિતીપ્રદ લખાણ.અભિનંદન.તસવીરકાર ને ક્રેડીટ આપવા બદલ અલગથી અભિનંદન.

    ReplyDelete
  12. ખુબજ સરસ માહિતી છે સાહેબ.. આટલી સરસ માહિતી આપવા બદલ તમારો ખુબ આભાર.... અને આમ જો આપણે જોવા જઈએ તો આપણે શું કરી રહ્યા છીએ?? એક નાનકડું ઉદાહરણ લઈએ તો એક મેર્સીડીઝ કાર જેમાં એક વ્યક્તિ જઈ રહ્યો છે અને જે ડીઝલ થી ચાલે છે જેની પાસે થી ડીઝલ ના ૪૦ રૂપિયા વસુલવા માં આવે છે અને જે માનસ સ્કુટર પર જઈ રહ્યો છે જે પેટ્રોલ થી ચાલે છે એની પાસે થી પેટ્રોલ ના ૭૫ રૂપિયા વસુલવા માં આવે છે અને જો આપણે પર્યાવરણ ની વાત કરીએ તો એક કાર ની carbon footprint એ એક સ્કુટર ની carbon footprint કરતા વધારે છે તો આમ જોવા જઈ એ તો આપણે એક માધ્યમ વર્ગ અથવા તો ગરીબ માણસ પાસે થી એના ઓછા પ્રદુષણ કરવા માટે વધારે પૈસા લઇ રહ્યા છીએ જેની મોટી ગાડી ધરાવતા લોકો પર કંઈ અસર જોવા નથી મળતી અને એ લોકો તો ઓછા ખર્ચે વધારે પ્રદુષણ કરી રહ્યા છે. અને આપણે બધા જાણીએ છીએ કે જથ્થો લીમીટેડ છે પણ છત્તા વાત લોકો ના status ની છે. "હું અને સાઇકલ ચાલવું?? તો મેં આટલું કમાયું અને હું આટલું સારું જીવન જીવું છું એવું દુનિયાને કેવી રીતે બતાવીશ? અને જો લોકો ને ખબર નઈ પડે કે હું એટલું કમાવી ને સારું જીવન જીવું છું એનો ફાયદો શું?" બધા ને ખબર પડવી જોઈએ કે હું એટલું સારું જીવન જીવું છું ભલે ને પછી ગાડી માં ફરવા થી ફૂલી ને શરીર ફુગ્ગા જેવું થઇ જાય ભલે રોગો થાય પણ હું સાઇકલ નઈ ચાલવું... આપના દેશ માં આજ કાલ લોકો ના માટે પોતાની હેલ્થ ના સ્થાને પોતાનું status ઊંચું લાગી રહ્યું છે તો એટલો મોટો change આવતા તો વર્ષો નીકળી જશે... જ્યાં સુંધી પબ્લિક ની વિચારણા change નઈ થાય કોઈ પણ કંઈ પણ નઈ કરી શકે.. અને બીજી બાજુ જોઈએ તો વધતું જતું industrilisation જેમાં ચાલતા મશીનો ડીઝલ થીજ ચાલે છે અને એના લીધે થતા air pollution અને બીજા side effects અને શારીરિક પ્રોબ્લેમ્સ તો જોવાજ રહ્યા... એક બાજુ પેટ્રોલ ના ભાવ vadhara થી પબ્લિક બુમો પાડી રહી છે અને બીજી બાજુ જલસા વાળું જીવન પણ જીવવું છે... પણ કોઈ સમજવા તૈયાર નથી કે આનો એક સારો ઉપાય સાઇકલ છે જેમાં ખાલી હવા ભરવા નો એક રૂપિયો થાય છે... "મારા માનવા મુજબ ભારત માં આ વિષય માં change લાવવા માટે પૈસા ની જરૂર જ નથી... નિયત ની જરૂર છે..." તમારું આ વિષય પર શું કેહવું છે??? લોકો ને ૨૦લાખ ની કાર sari લાગે છે પણ ૨હજાર ની સાઇકલ ખરીદવા માં ઈગો વચ્ચે લોલક ની જેમ ડોલે છે... લોકો ને પેટ્રોલ ના ૭૫ રૂપિયા ના ૭૦ કરાવવા છે પણ ૧ રૂપિયો સાઇકલ ની હવા પાછળ ખર્ચતા શરમ આવે છે... અત્યારે વર્તમાન જ આવું છે તો ભવિષ્ય તો વિચાર્વુજ રહ્યું... કહેવત છેને કે "પણ હા આશા તો અમર જ હોય છે..." ભલે ને એ દુનિયા બદલાવાની હોય કે પછી એક મોંધી ગાડી ખરીદવાની... આશા તો છે કે કૈક સારું થશે કેમ કે અંધારું કોઈ ને ગમતું નથી તો ક્યાંક થી ને ક્યાંક થી એક આશા નું કિરણ તો લાવવું જ પડશે.... પણ એ જવાબદારી કોની?? એ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે...

    ReplyDelete