Sunday, January 01, 2012

અલવિદા ક્રિસ્ટોફર હિચેન્સ ! અલવિદા ૨૦૧૧ !

(આ પોસ્ટ લખવાની શરૂઆત છેક ૧૭મી ડિસેમ્બરે કરેલી. ઘટનાઓની ન્યુઝ વેલ્યુ વીતી ગઈ હોવા છતાં જે કહેવું છે તે બાકી છે તે ધોરણે અને નિયમિત, આગ્રહી/દુરાગ્રહી કે વ્યવસાયિક લેખક ન હોવાથી મળતી છૂટછાટો લઈને આ લખી રહ્યો છું. ગુજરાતી મીડિયામાં આ વિષે નહીવત છપાયું હોવાથી હું આ લખવું જરૂરી સમજુ છું.)
 
ધરખમ પ્રતિભાવાન લોકો કોઈના બાપની સાડાબારી ન રાખતા હોય. તેમની પાસે મૌલિક વિચારો હોય. તે દુનિયાને ઉંચી-નીચી, આગળ-પાછળ, લાંબી-ટૂંકી કરીને જોતા હોય. તેમના ચશ્માં ય અલગ હોયને લેન્સ પણ. ક્યારેક તે તમને હસાવી જાય, ગભરાવી જાય, આશ્ચર્યચકિત કરી નાખે અને ક્યારેક તેમનાથી નફરત થઇ જાય. તમને જે ગમતું હોય તેને ગાળો આપે, તમે જેને મહાન માની લીધા હોય તેની બીજી બાજુ બતાવે, તમે જેની ફરતે ફુદરડી ફરતા હોવ તેની હસ્તી જ છે કે કેમ - તેવા સવાલ કરે. એ કોઈનો 'પગાર ન ખાતા હોય' એટલે તમે આવા માણસને શું કરી શકો? ટૂંકમાં, તમને શાંતિથી જીવવા ન દે, નવા નવા પડકારો ફેંક્યા જ કરે. ધરખમ પ્રતિભા ધરાવતા આવા લોકો ધરખમ ભૂલો પણ કરે, તેના માટે ટીકાથી લઈને ગાળો સુધીનો વરસાદ વરસે. આવી જ એક ધરખમ પ્રતિભા હતી, ક્રિસ્ટોફર હિચેન્સની.
૧૫મી ડિસેમ્બરે ક્રિસ્ટોફર હિચેન્સનું કેન્સરની બીમારીનો ભોગ બન્યા બાદ ૬૨ વર્ષની ઉંમરે મૃત્યુ થયું. હિચેન્સ એક નંબરનો નાસ્તિક માણસ અને દુનિયામાં નાસ્તિકતાનો પ્રચાર કરવામાં તેનો ચોક્કસ ફાળો. તેના મૃત્યુના શોકમાં જો તમે એમ કહો કે, 'ભગવાન એના આત્માને શાંતિ આપે' તો તે તમને દલીલ કરતો જણાશે કે, " કોણ ભગવાન? આત્મા શાંતિ પામશે તો શું થઇ જશે અને અશાંત હશે તો શું થઇ જશે? શું તમે તમારા બાળકને એવી ખોટી કેળવણી આપશો કે હિચેન્સની આત્માને શાંતિ નહી મળે તો એ ભૂત થશે? જો તમે આવા ઉચ્ચારણ બહુ વિચાર્યા વગર કર્યા હોય તો એવું માની લો કે તમે ધાર્મિક-સામાજિક રૂઢિઓને કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના સ્વીકારી લો છો..."   હિચેન્સ નાની-નાની વાતમાં બુદ્ધિગમ્ય દલીલો કરવાનું છોડતો નથી. આમ તો મૂળે પત્રકાર અને પછી લેખક તરીકેની લાંબી કારકિર્દી. તેનું લેખન તર્ક, વૈજ્ઞાનિક જ્ઞાન અને વાક-ચાતુરીથી હર્યું-ભર્યું. એણે એકેય ધર્મને છોડ્યા નથી, કોઈનાથી ડર્યો નથી, કેન્સરથી પણ નહિ. પોતાના કેન્સરના અનુભવો વિષે હિચેન્સે આવી રીતે લખ્યું છે.

બીજાની ટીકા કરીને સનસની ઉઘરાવતા અને પોતાની કલમને જાતે જ ધારદાર ઉર્ફ તેજાબી ઉર્ફ એસીડીક ઉર્ફ જોરદાર ધારી લેતા લેખક ઉર્ફ ચિંતક ઉર્ફ વિચારક વગેરેની દુનિયામાં ખોટ નથી. ક્રિસ્ટોફર હિચેન્સ જેવા લોકો સૌથી પહેલા શું માને છે, શું વિચારે છે, દુનિયાને શું નવું અર્થઘટન આપે છે - તેના માટે ઓળખાય છે કે વખણાય છે. શેનો વિરોધ કરે છે, કોની ઝાટકણી કાઢે છે - તેના માટે નહિ. ઝાટકણી કાઢીને કલમ તેજાબી બનતી નથી, નહિ તો પછી પાનના ગલ્લે જ લેખકો પેદા થતા હોત. કલમ તેજાબી હોવાથી વાત પૂરી થતી નથી, વાચકને નવો અનુભવ અને વિચાર મળવા વધારે જરૂરી છે. એટલે જ હિચેન્સ જેવા લેખકોએ કેટલાક બિનલોકપ્રિય અને સંવેદનશીલ વિષયો વિષે ખેડાણ કર્યું છે. જેમાં સૌથી પહેલા તો 'ધર્મ' અને તેની સાથે આવતા દંભ આવે. હિચેન્સ માટે નાસ્તિક હોવું પુરતું ન હતું તેણે 'ધર્મ' નામના સંગઠિત, સુનિયોજિત આદાન-પ્રદાનમાં અત્યાચાર, શોષણ અને રૂઢીચુસ્તતાનો વિરોધ કરવો હતો. તેણે ધાર્મિક વિચારો, સંસ્થાઓ અને તેણે પરિણામ સ્વરૂપ આવતી સાંસ્કૃતિક પરંપરાઓ એ કેવી રીતે માનવ સમાજમાં વિષમતા પેદા કરે છે તે વિષે ખૂબ લખ્યું. મરીઝના પ્રખ્યાત શેર 'શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની ક્યા જરૂર છે'ની વાત હિચેન્સ આગળ ધપાવીને કહે છે કે 'જેને પુરાવા વગર સ્વીકારી શકાય (ધર્મ કે ઈશ્વર) તેને પુરાવા વગર નકારી પણ શકાય'. હિચેન્સ જેવા લોકોને પરિણામે સંગઠિત ધર્મ (organised religion) લગભગ સંગઠિત ગુનાખોરીની (organised crime) પાયરી પર મૂકાયો છે.

એક આત્યંકિત ઉદાહરણ તરીકે, મધર ટેરેસા સામે કોઈને વાંધો હોઈ શકે ખરો? પણ મધર ટેરેસા વિષે હિચેન્સ કૈંક આવું કહે છે, "મધર ટેરેસા ગરીબોના મિત્ર નહોતા. તેઓ ગરીબીના મિત્ર હતા. તેઓ એવું કહેતા કે પીડા તે ભગવાનનું વરદાન છે. તેમને આખું જીવન ગરીબીના સૌથી જાણીતા એવા ઉપાયનો વિરોધ કરવામાં વિતાવી કે જે સ્ત્રીઓનું સશક્તિકરણ કરે છે અને તેમને ઘેટાં-બકરાની પ્રતિકૃતિ જેવા બનાવતા ફરજીયાત પ્રજનનની પ્રક્રિયામાંથી મુક્ત કરે છે." હિચેન્સના આવું કહેવા પાછળ રોમન કેથલિક ધર્મની ગર્ભપાત અને સંતતિનિયમનના સાધનોના વિરોધ કરવાનો રીવાજ રહેલો છે. હિચેન્સનો તર્ક એવો છે કે તમે ચોક્કસ ગરીબ સગર્ભા સ્ત્રીઓની સેવા સારી રીતે કરો છો પણ તેને જો ગર્ભપાત કરવો હોય તો રજા કેમ નથી આપતા? એઈડ્સના દર્દીની સારવાર કરવી એક વાત છે અને જે બહુમૂલ્ય છે પણ એઇડ્સ ન થાય તે માટે ગર્ભનિરોધક સાધનો વાપરવા તેવું કેમ શીખવાડી ન શકાય. કારણકે અહીં ધર્મ વચ્ચે આવે છે, કહેવાતી કુદરતી પ્રક્રિયાઓના દાખલ ન દેવી જોઈએ તેવો દંભ વચ્ચે આવે છે. મધર ટેરેસાએ તો પોતાના નોબેલ શાંતિ પુરસ્કારના પ્રવચન વખતે ગર્ભપાતને 'શાંતિના સૌથી મોટા ભંજક' તરીકે અને કુદરતી-સંતતિનિયમનની (એટલે શું?) તરફેણમાં વાત કરી હતી. શું આવી ધર્માંધતાથી અલગ થઈને માનવ-સમાજની પ્રગતિની વાત ન થઇ શકે? જે કરવાની જે-તે દેશના કાયદા અને દાકતરી વિદ્યા માન્યતા આપતા હોય તો પછી ધાર્મિક સંસ્થાનોએ તેનો વિરોધ કરવો જોઈએ કે તરફેણ? મધર ટેરેસા વિષે હિચીન્સનો લેખ અહીં જોવા મળશે. મધર ટેરેસાના યોગદાન અંગે આપણા જે મંતવ્ય હોય તો પણ હિચેન્સની અમુક તર્કબદ્ધ દલીલો સ્વીકારવી પડે છે.

વાત અહીં એક ધર્મની નથી. દરેક ધર્મમાં આવી જ રૂઢિચુસ્તતા, ધર્માંધતા, વૈજ્ઞાનિક સમજનો વિરોધ અને ભ્રષ્ટાચાર સર્વવ્યાપ્ત છે. ઐતિહાસિક રીતે બધા જ ધર્મોએ અલગ-અલગ સમયે થતી વૈજ્ઞાનિક શોધખોળોનો વિરોધ કરેલો છે અને હજી સુધી કરે છે. ક્યારેક સાત સમંદર પાર જવું પાપ મનાતું તો ક્યાંક પૃથ્વીને ગોળ માનવાનો ઇનકાર થતો તો પછી ક્યારેક દૂરબીન કે બીજાં મશીન વગેરેને અધાર્મિક માનવામાં આવતા. હજી ય પોતાનો ધર્મ કે સંપ્રદાય બીજા કરતાં કેટલો મહાન છે અને બીજા કેટલા પામર-પાપી-દુષ્ટ છે તે અંગે વ્યવસ્થિત, સુનિયોજિત જુઠાણા ચાલે જ છે. હિચેન્સ પૂછે છે કે ધર્મો અને તેના લીધે પ્રવર્તમાન સંકુચિતતાઓ હંમેશા માનવ વિકાસ કે વૈજ્ઞાનિક સમજણના વિરોધ પક્ષે જ કેમ રહી છે?  ધાર્મિક સંસ્થાનો સમયની સાથે ચાલવાનો ઇનકાર કરે છે તેની પાછળ ક્યા સ્થાપિત હિતો રહેલા છે? શું ધાર્મિક સંસ્થાનોને વ્યક્તિના સાર્વત્રિક વિકાસમાં રસ છે કે પછી પોતાનો કક્કો ખરો ઠરાવવામાં? વ્યક્તિમાં આત્મ-વિશ્વાસ જગાડવો તે ધર્મ છે કે ઈશ્વરના નામે તેને ડરાવી રાખવો, નરકની બીક બતાવવી અને સ્વર્ગની લાલચ બતાવવી - તે ધર્મ છે? નાત-જાત જેવા સામાજિક અન્યાય, કોમવાદ, સ્ત્રીઓ કે બાળકોનું શોષણ આખરે તો ધર્મના નામે જ કરવામાં આવે છે. ચાલો માની લઈએ કે આ ધર્મના નામનો દુરુપયોગ છે, જો એમ હોય તો કોઈ પણ ધર્મો આવા સામાજિક ભેદ-ભાવનો કે શોષણનો ખુલીને વિરોધ કેમ નથી કરતાં? કે પછી ઐતિહાસિક ભૂલો માટે માફી કેમ નથી માંગી શકતા? ઈશ્વરને જે દયા-કરુણાની મૂર્તિ ધારી લેવામાં આવે છે તો પછી એવું આચરણ ધર્મગુરુઓ કેમ નથી કરી શકતા?

આખી વાતનું હાર્દ એ છે કે શું ધર્મ એ જગતમાં સારી શક્તિઓનું કેન્દ્ર હોય છે કે પછી બધી જ સામાજિક બીમારીઓનું ઉદભવસ્થાન? નીચે આપેલી વીડિઓ લિન્કમાં આ જ ચર્ચા ક્રિસ્ટોફર હિચેન્સ અને બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર કરતાં જણાશે. ટોની બ્લેરે તેમનાં શાસનકાલ બાદ ધર્મને જાહેરમાં ફરી અપનાવ્યો છે અને તેઓ આ વીડીઓમાં શ્રધ્ધાળુઓના પક્ષે છે. તર્કબદ્ધ દલીલો વડે છતી થતી હિચેન્સની પ્રતિભાની ઝાંખી માટે અને ટોની બ્લેરના એટલા જ મજબૂત જવાબો માટે આ વિડીઓ માટે દોઢ કલાકનો સમય ફાળવવો વ્યર્થ જણાશે. અંગત રીતે મને હિચેન્સ વધારે સત્યની નજીક લાગ્યો છે, અલબત્ત જાતે ખાતરી કરીને પોતાના મંતવ્યો બાંધી શકાય.
હિચેન્સ માટે છેલ્લો દાયકો ઉતાર-ચઢાવથી ભરેલો હતો. હિચેન્સના સૌથી નજીકના મિત્રો અને સહકર્મીઓ પણ તેના છેલ્લા દાયકામાં લીધેલા વિવાદાસ્પદ નિર્ણયો કે વિચારોની સાથે સહમત થતાં ન હતાં. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના દિવસે અમેરિકા પર થયેલા હુમલાઓએ હિચેન્સને હલાવી મૂકેલો. તેણે ઈરાક પરના હુમલાને મજબૂત સમર્થન આપ્યું. તેણે આખાય પ્રકરણને ધાર્મિક કટ્ટરપંથીઓ પર ઉદારમત ધરાવતી લોકશાહીઓના હુમલાનું સ્વરૂપ આપ્યુ. તેણે બુશ વહીવટીતંત્રના સદામ અને અલ-કાયદા વચ્ચેના સંબંધને અને ઈરાકમાં ખતરનાક હથીયારો છે તેવા દાવાને માની લીધો અને તેને આખી ઘટનામાં બુશ વહીવટીતંત્રનો  'ઓઈલ-પ્રેમ' ન દેખાયો. અધૂરામાં પૂરું તેણે 'ઇસ્લામો-ફાસીઝમ' નામના શબ્દને પ્રચલિત કર્યો, જે વખત જતાં એક પ્રકારનો 'ઇસ્લામો-ફોબિયા' સાબિત થયો. આખી જીંદગી જે રૂઢીચુસ્ત (અને ધર્મચુસ્ત) રાજકીય તત્વોએ હિચીન્સનો વિરોધ કરેલો અને જેમના માટે 'આતંકવાદ સામેનું યુદ્ધ' એ 'બે ધર્મો વચ્ચેનું યુદ્ધ' હતું - તેઓ તેના વિધાનોનો અને લખાણોનો ઉપયોગ પોતાના રાજકીય લાભ માટે કરવા લાગ્યા. હિચેન્સ પોતાના વિચારોને વળગી રહ્યો.

એક ડગલું આગળ વધીને તેણે કૈંક આ મતલબનું વિધાન પણ આપ્યું કે, "આપણે અફઘાનિસ્તાનને પથ્થરયુગ તરફ લઇ જવા માટે નહિ પણ તેમાંથી બહાર લાવવા માટે તેના પર બોમ્બ ફેંકી રહ્યા છીએ." જેમાં પશ્ચિમી સભ્યતાના વર્ચસ્વના નશામાં થયેલો ભારોભાર અહંકાર જણાઈ આવે છે. બે દેશો વચ્ચેનું યુદ્ધ એ યુદ્ધ જ છે, તેને એક દેશના બીજા દેશ પર કરેલા ઉપકાર તરીકે ન જોઈ શકાય. 'ઉપકાર' તરીકે જોવાનો અધિકાર માત્ર હારેલા દેશની પ્રજા (કે જે સ્વતંત્ર થઇ હોય તો તેની) પાસે છે, જીતી રહેલા દેશના બોલકાવર્ગ પાસે નહિ. આવા કેટલાય વિવાદાસ્પદ વિધાનો હિચેન્સ સાથે સંકળાયેલા હશે. અમેરિકાના 'સલોન' નામના ઓનલાઈન મેગેઝીને હિચેન્સના મૃત્યુ બાદ તેનો મલાજો કેમ ન જાળવવો જોઈએ તે મતલબના કેટલાક લેખો પ્રસિદ્ધ કરીને હિચેન્સને પોતાની રીતે 'અંજલી આપી' છે. આ લેખો અહીં અને અહીં જોવા મળશે.
હિચેન્સ વિચિત્ર છે, બેફામ બોલે છે. ક્રિસમસના ધંધાધારી તમાશા વિશેની વાત અમેરિકાની શ્રધ્ધાળુ અને રૂઢીચુસ્ત પ્રજાને ગમતી નથી, મધર ટેરેસા વિશેની વાત ખ્રિસ્તી કે તે સિવાયના સમુદાયોને પણ પચતી નથી, દિવાળી વિષે કે પુનર્જન્મ વિષે કંઇક કહેશે તો હિન્દુઓને નહિ ગમે, રશદીની ખુલ્લી તરફેણ કદાચ મુસ્લિમ સમુદાયને ન ગમે. જ્યોર્જ બુશ પ્રમુખ હોઈ શકે કે ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કાર મળી શકે તે વાતની કે પછી સારાહ પેલીનની બુદ્ધિશક્તિ વગેરેની હાંસી ઉડાવીને બધા જ રાજકીય વર્તુળોનો તિરસ્કાર પામ્યો છે. છતાં પણ તેના વ્યુહાત્મક રીતે આઘાતજનક તેવા આત્યંકિત વિધાનોને, મજબૂત તર્કને, જોરદાર લેખનને નકારી શકાય નહિ. તેના રાજકીય ડાહપણ કે નિર્ણયશક્તિ પર સવાલો જરૂર થઇ શકે પણ તેના વિચારોના હાર્દની આંતર-રાષ્ટ્રીય સમુદાયને જરૂર હતી અને છે. હિચેન્સ જો તમારા મગજના એક ખૂણામાં પ્રકાશ પાડી શકે તો ઘણું છે, તેને આદર્શ-મૂર્તિ માનવો જરૂરી નથી. હિચેન્સ વિશેના અને તેણે પોતે લખેલા ઘણા બધા લેખો ગાર્ડિયન, વેનિટી ફેર, સ્લેટ વગેરેના ઓનલાઈન ખજાનામાંથી તેના નામ વડે સર્ચ કરવાથી મળી શકશે.

હિચેન્સ જેવા લોકોના ટોળાં હોતા નથી અને તેઓ પોતાની આસપાસ ટોળાં ઉભા થવા દેતા નથી. જેણે ઈશ્વરની પૂજા સામે વાંધો હોય તેને વ્યક્તિ-પૂજા સામે તો વાંધો હોય જ. આવા એકલ-દોકલ લોકો જ જોવા મળે છે અને તેઓ મૃત્યુનો હાર પહેરીને, આખી જીંદગી જેવી રીતે જીવ્યા હોય તેવી જ દાદાગીરી આખરી અવસ્થામાં રાખીને વિદાય લે છે. બીજું કે, 'નાસ્તિકતા' એ પણ ધર્મ છે અને તે લોકોના ય વાડા હોય છે તેવો કુપ્રચાર સાચી કે ખોટી રીતે ચાલે છે. હિચેન્સ જેવા લોકોની ઘણી મજબૂત ઓળખાણો હોય છે એટલે તેને માત્ર 'નાસ્તિક' માનવો (એટલે કે તે રીતે ઉતારી પાડવો) પૂરતું નથી. હિચેન્સના લખાણોમાં નાસ્તીકતાનો પ્રચાર નથી પણ આડંબરોનો વિરોધ છે અને એક પ્રકારની આંતર-રાષ્ટ્રીય નૈતિકતાની તરફેણ છે, જે જાતે વાંચવાથી સમજાઈ જશે. નૈતિકતા માટે ધાર્મિકતા બિલકુલ જરૂરી નથી અને ધાર્મિકતા તે નૈતિકતા ન પણ હોઈ શકે તે સમજાવા માટે મોટા વિચારક હોવાની જરૂર નથી. હિચેન્સ આનાથી એક ડગલું આગળ વધીને કહે છે કે જે ધાર્મિક હોય છે તે મોટેભાગે નૈતિક કે દંભ-રહિત હોતું નથી. ભગવાનમાં માનવું કે ન માનવું તે અંગત બાબત છે, તેનો વિરોધ ન હોઈ શકે. પણ પછી ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે ધાર્મિક દંભ અને આડંબર સહેવો તે આધુનિક સમાજને ન પોસાય.

આજે વર્ષના આખર દિવસે, હિચેન્સને આખરી સલામ અને અવનવા વિચારોથી મને વિચાર કરતાં કરી મૂકવા બદલ ધન્યવાદ. નવા વર્ષે એવી પ્રાર્થના (અરે નહિ...શુભકામના) કે આવનારું વર્ષ અને તે પછીના દાયકાઓમાં માનવ-સમાજ અને વિશ્વ સમુદાયમાં પરસ્પર સહિષ્ણુતા વિકસે, સાંસ્કૃતિક આપ-લે વધે, ધાર્મિક સંસ્થાનોની પકડ ઓછી થાય અને માનવમૂલ્યોની પકડ વધે, આડંબરો ઓછા થાય અને વિચારશીલતા વિકસે. આપ સૌને નવવર્ષની શુભેચ્છાઓ, સાલ મુબારક.

8 comments:

 1. Hitchens was one of a kind. A brilliant mind, though not always in the right. His rejection of organised religion and God Almighty stayed true till the end even after being struck by the big C. Great piece Rutul, showing warts and all.

  ReplyDelete
 2. સરસ લેખ. હિચેન્સને વાંચ્યા નથી, પણ નવાં વર્ષમાં ચોકક્સ! ધર્મ એ ખરાબ નથી હોતો પણ ધર્મનું અર્થઘટન કરનારા પ્રોક્સીઓ ખરાબ હોય છે. એક લેટેસ્ટ ઉદાહરણ તરીકે આશારામ "બાપુ"ના લેટેસ્ટ પોસ્ટર્સ જોઈ લેવા :)

  ReplyDelete
 3. Biren Kothari1/01/2012 10:30 PM

  હિચેન્સ વિષે આટલું વિગતે લખવા બદલ ધન્યવાદ, ઋતુલ!
  સાથેસાથે અમુક મુદ્દા પણ સરસ લઈ લીધા છે. લોકોની વિચારપ્રક્રિયાને ઢંઢોળવાનું અઘરું કામ બહુ ઓછા કરી શકે છે. કોઈની ઝાટકણી કાઢવાની તો સહેલી છે. લોકપ્રિય થવાનો એ સરળ રસ્તો છે. પણ એનાથી પ્રશંસકો પેદા થઈ શકે-સ્વતંત્ર વિચારી શકે એવા વાચકો નહીં.(જો કે,એવા વાચકો શું કામના એ સવાલ ખરો.)
  બીજું કે, સામાન્યપણે આસ્તિકતા 'બાય ડીફોલ્ટ' હોવાનું માની લેવાય છે. એટલે જ ઘણા એવો ખાસ ઉલ્લેખ કરે છે- 'ફલાણા સજ્જન નાસ્તિક છે છતાં...!' આપણે ત્યાં તો નાસ્તિકતામાંય વ્યક્તિપૂજા પ્રવેશી ગઈ છે.
  અહીં લખેલા અનેક મુદ્દાઓને વિસ્તારીને અલગ પોસ્ટ થઈ શકે. એ કરવા જેવું છે. કમેન્ટમાં કેટલું કહી શકાય?

  ReplyDelete
 4. Thanks everyone. I appreciate your comments on such a crucial subject.

  Vistasp, it is moving the way Hitchens speak about Cancer in that interview with Jeremy Paxman. Solid guy, solid thoughts.

  Kartik, To start reading up Hitchens, this is a good book: http://www.flipkart.com/books/0857892568 (if not then there are many articles online and videos on youtube)

  Birenbhai, I will discuss those points with you and see, I can write something about them in the future.

  Thanks all again!

  ReplyDelete
 5. હિચેન્સ વિશે ખાસ માહિતી ન હતી. જાણકારીમાં વધારો તો થયો જ પણ સમથળ રહીને લખાયેલા લેખમાં કેટલાક અઘરા મુદ્દાઓ જે રીતે રજૂ થયા છે એ માટે ખાસ અભિનંદન.

  ReplyDelete
 6. urvish kothari1/04/2012 1:05 PM

  Late in reading but good obits are timeless. You have done full justice to Hitchens'. I was aware of few things and is rewarding to know some more from this piece.

  ReplyDelete
 7. Thanks for pointing book, Rutul. Added in wishlist.

  ReplyDelete
 8. Good article. I have read some article by Christopher Hitchens from his book Arguably. Most articles are available online for free if anyone wants to read them. Here is the link to his articles from 'The Atlantic' - http://www.theatlantic.com/christopher-hitchens
  & from 'Slate' - http://www.slate.com/authors.christopher_hitchens.html - Especially his articles on the book Animal Farm and North Korea are worth reading.

  ReplyDelete