Monday, September 05, 2011

રોજબરોજની લોકશાહી

શું આપણે લોકશાહીના નાટકમાં પ્રેક્ષક છીએ?
શું આપણે લોકશાહીના વરઘોડામાં જાનૈયા છીએ?
શું આપણે લોકશાહીના ટ્રાયલમાં આપણે બચાવ પક્ષ છીએ? 
શું આપણે લોકશાહીની રાહત છાવણીમાં આપણે લૂંટ-ઝૂંટ કરતાં લાભાર્થી છીએ?
શું આપણે લોકશાહીના મોલમાં મન ફાવે ત્યારે લટાર મારી આવતા ગ્રાહક છીએ?
આપણો લોકશાહી સાથે સંબંધ શું છે? રોજબરોજના જીવનમાં લોકશાહીની વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકાય?

જન-લોકપાલ આંદોલન ચાલ્યું. કોઈક તેને વળગી પડ્યું તો કોઈ તેના પર વરસી પડ્યું. જે વળગી પડ્યા તેમને વરસી પડેલા ન ગમ્યા અને જે વરસી પડ્યા તેમને વળગી પડેલા ન ગમ્યા. સરકારે આદતવશ ખંધાઈ કરી, મીડીયાએ આદતવશ સમાચારને મેલોડ્રામા રૂપે રજૂ કર્યા. કોઈ છવાઈ ગયું, કોઈ ચવાઈ ગયું અને કોઈ સંતાઈ ગયું. કોઈક દિલથી આંદોલનમાં જોડાયું, કોઈ દેશભક્તિનો દેખાડો કરવા માટે તો કોઈ બીજાને દેશદ્રોહી ચીતરવા માટે. સરકારે ખોરી દાનતને 'બંધારણ-વાદ' વડે ઢાંકવાનો પ્રયત્ન કર્યો તો સામે પક્ષે 'સિવિલ સોસાઈટી'ના સીમાડા કોણ નક્કી કરે અને તેમાં સહેલાઈથી કોણ-કોણ પ્રવેશી શકે તેવા પ્રશ્નો પણ ઉભા થયા. એકંદરે કંઇક નવું બનવા તરફના પ્રયાણ છે પણ તેનાં ફળ કેવા પાકે છે તે સમય જ જણાવશે.

મૂળ મુદ્દો અહીં ભ્રષ્ટાચારનો છે અને તેની સામે ગોઠવવા યોગ્ય વ્યવસ્થાનો છે. આ વ્યવસ્થા સંસદીય લોકશાહીના માળખામાં કેવી સુલભ રીતે ગોઠવાઈ શકે તે અંગેના ભિન્ન મત છે અને તેની જ આ લડાઈ છે. લોકશાહી અને ભ્રષ્ટાચાર એકબીજાના પૂરક નથી. સાચી લોકશાહી દ્વારા 'મતદાર'નું 'નાગરિક' તરીકે થતું સશક્તિકરણ ભ્રષ્ટાચારની સામે લડવા માટે અને સમાજની અસમાનતા ઓછી કરવા માટે અકસીર ઈલાજ નીવડી શકે તેમ છે - જે વિવિધ દેશોના અનુભવથી સાબિત થાય છે. તેથી સંસદીય લોકશાહીના માળખાને મજબૂત કરવાના ઉપાયોની વાત કરવાનો આ બહુ સાચો સમય છે. ખરેખરમાં જો આ અંદોલન 'બીજી સ્વતંત્રતાની ચળવળ' હોય તો પછી તેના ભાગરૂપે ભ્રષ્ટાચાર અને તેને લગતા વિવિધ કાયદા, વહીવટી વ્યવસ્થામાં સુધારણા અને તેમાં નાગરીકો પ્રત્યેની પ્રતિબધ્ધતાનું સંયોજન, ચૂંટણી પ્રક્રિયામાં સુધારણા, ન્યાયિક પ્રક્રિયામાં સુધારણાનું આયોજન થવું જ જોઈએ. જેના સંકેત અન્નાના છેલ્લા વ્યક્તવ્યમાં જોવા મળેલા અને કંઇક અંશે વિવિધ માધ્યમોમાં તે અંગે ચર્ચા પણ ચાલી. આવી ચર્ચાઓ થોડી તૈયારી અને સંશોધન માંગી લેતી હોવાથી (અને કદાચ ઓછો ટીઆરપી મેળવતી હોવાથી) ટીવી માધ્યમોએ તેને બહુ મહત્વ નથી આપ્યું.

ચૂંટણી પ્રક્રિયામાં સુધારણામાં 'વૈકલ્પિક મત' (Alternative Vote or Ranked Choice Voting) અને 'પાછા બોલાવવાનો હક' (Right to Recall) અને ના-મત (No Vote or Reject all candidates) જેવા વિચારો આગળ પડતા છે. ભારતમાં વૈકલ્પિક મત જેવી જટિલ પ્રક્રિયા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અને વિધાન પરિષદની ચૂંટણીઓમાં વપરાય છે પણ લોકસભા-વિધાનસભામાં નહિ. જે કરવાથી ડમી ઉમેદવાર જેવા દૂષણો દૂર થઇ શકે અને સર્વ-સામાન્ય બહુમતી-વાદની જગ્યાએ એવી વ્યવસ્થા ઉભી થાય કે જ્યાં ઉમેદવાર પોતાના વિસ્તારમાંથી વધુ અને વધુ લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતો થાય, માત્ર પોતાની પરંપરાગત વોટબેંકનું જ નહિ. જો કે બ્રિટનમાં લિબરલ ડેમોક્રેટ્સ નામનો પક્ષ કન્ઝર્વેટીવ (ટોરી) પક્ષ સાથે ગઠબંધન સરકારમાં છે, તેણે આવા અનેક ચૂંટણી સુધારાના કરવાના વાયદા કરેલા પણ આવા નવા વિચારોની લોકપ્રિયતા ન હોવાથી આ અંગે રેફેરેન્ડમ કર્યા બાદ તેમને બહુ સફળતા તેમને મળી નથી. ભારતમાં પણ આવા નવા વિચારો વિષે ખુલ્લા મને ચર્ચા થવી જોઈએ અને જો સાનુકુળ આવે તો તેમનો અમલ થવો જોઈએ. તે સિવાય, ભારતમાં ઉમેદવારોની મિલકત અંગે, ચૂંટણીના ખર્ચ અંગે પારદર્શિતા અને સજા પામેલા અપરાધીઓના ચૂંટણીમાં ભાગ લેવા અંગેના મસમોટા યક્ષપ્રશ્નો તો છે જ.

આ બધી રાષ્ટ્રીય સ્તરની નીતિવિષયક ચર્ચાઓમાં એક પાયાની વાત ભૂલાઈ જતી હોય છે - સ્થાનિક સ્વરાજ્યની, સ્થાનિક સ્તર પર લોકશાહીની અને લોક-ભાગીદારીની. છેક ૧૯૯૨માં થયેલા ૭૩મા અને ૭૪મા બંધારણીય સુધારા પ્રમાણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે શહેરી (મહા)નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયત પાસે પોતાના નાણાકીય સ્ત્રોત, આયોજન અને અમલીકરણ કરવાની સત્તા વગરે હોવું જોઈએ. આજે વીસ વર્ષ પછી એ માહોલ છે કે મોટાભાગની નગરપાલિકાઓ રાજ્ય સરકાર પર નાણા, ટેકનીકલ મદદથી માંડીને નાનાં-મોટા વિકાસના કામો કરવા માટે સંપૂર્ણ આધારિત છે. નથી તેમની પાસે તાલીમ પામેલો સ્ટાફ કે નથી વિકાસના કામ કરવા માટેની સાધન-સંપત્તિ અને અધૂરામાં પુરૂં તેઓ રાજ્ય સરકારના 'ઉપકાર' પર આધારિત હોય છે, તો પછી પોતે સ્વ-રાજ્યની તરફ કેવી રીતે જઈ શકે. પાલનપુરથી પોરબંદર સુધીના નાનાં-મધ્યમ નગરોમાં પાણી, ગટર, રસ્તા, ટ્રાફિક, કચરાનો નિકાલ વગેરે જેવી મૂળભૂત સુવિધામાં ધાંધિયા છે તો પછી બાગ-બગીચા, સ્ટ્રીટ લાઈટ કે લાંબા ગાળાના શહેરી આયોજનની વાત તો ક્યાં કરવી! 

આપણા આસ-પડોશના વિસ્તારમાંથી કચરાનો નિયમિત નિકાલ થાય, બાળકોને રમવાની, વૃધ્ધોને ગોષ્ઠી કરવાની વ્યવસ્થા થાય, થોડા ઘણા ઝાડ-પાન-ફૂલ રોપાય, રસ્તા સુધારે, પાણી મળે, ગટર ના ગંધાય તેવી વ્યવસ્થા ઉભી કરવાની મુખ્ય જવાબદારી સ્થાનિક પંચાયત/પાલિકાની હોય છે. સાથે-સાથે જે તે પડોશ, મોહલ્લા, શેરીમાં રહેતા નાગરીકો પણ સજાગ, સતર્ક થાય અને વ્યવસ્થા જાળવી રાખવામાં સહકાર કરે તો આદર્શ વ્યવસ્થા ઉભી થાય. હવે મૂળ પ્રશ્ન એ છે કે આ આદર્શ વ્યવસ્થા ઉભી કેવી રીતે કરવી? જો જે તે વિસ્તારના નાગરીકો મળીને ક્યાંક ફૂટપાથ કે બેઠક વ્યવસ્થા કરવા માંગે કે તે વિસ્તારમાં કોઈ પણ વિકાસલક્ષી કામ કરવા માંગે તો સ્થાનિક પાલિકા-પંચાયત પાસે એવા કોઈ ભંડોળ ખરા? શું આ કામ કોઈનો 'ઉપકાર' લીધા વગર, 'ચેરીટી'ના રસ્તે સ્થાનિક ફંડ-ફાળો ભેગો કર્યા વગર પાલિકા-પંચાયતમાં ઉભી કરેલી વ્યવસ્થા દ્વારા થઇ શકે?  બીજું કે, જે તે વિસ્તારમાં જે કંઈ વિકાસના નામે થાય તેમાં રહીશોની સંમતિની જરૂર ખરી કે નહિ? પાલિકા-પંચાયતમાં વિસ્તાર પ્રમાણે વિકાસનું બજેટ હોઈ શકે તેમાં જે-તે વિસ્તારના નાગરિકોની બહુમતીથી તેનો શો ઉપયોગ થાય તે નક્કી કરી શકાય? શું આવી કોઈ લોક-ભાગીદારીથી સ્થાનિક બજેટ નક્કી ન કરી શકાય? લોકભાગીદારીથી થતું બજેટીંગ (Participatory Budgeting ) અને તે પ્રમાણે અમલીકરણ તે લોકશાહી અને સરકારને ઘર-આંગણે લઇ આવવાની વાત છે. લોકો જો પોતાની આસ-પાસનું વાતાવરણ સુધરતું જોશે તો તેમને લોકશાહીની ધીમી અને કંટાળાજનક પ્રક્રિયાઓના ફાયદા જણાશે અને લોકશાહી શબ્દાર્થમાં લોકો માટે, લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા લાગશે અને તેના ફળસ્વરૂપે સ્થાનિક વહીવટમાં પારદર્શિતા આવશે.

મોહલ્લા સમિતિ કે એરિયા સભાઓ રચવાના નિર્દેશ લગતા-વળગતા કાયદાઓમાં હોવા છતાં તે કાગળ પર જ રહે છે. JNNURM (જવાહરલાલ નેહરુ નેશનલ ઉર્બન રીન્યુઅલ મિશન) જેવા સૌથી મોટા શહેરી મિશન મોટા-મોટા પ્રોજેક્ટ શહેરોમાં કરાવી શકે છે પણ તે મિશન હેઠળના 'લોકભાગીદારી ભંડોળ' (Community Participation Fund)નું અમલીકરણ સ્થાનિક સ્તરે કરાવી શકતા નથી. વળી, મોટા-મોટા પ્રોજેક્ટો વખતે ફરજીયાત કરવી પડતી પબ્લિક મીટીંગ શાનદાર હોટેલોમાં ટેકનીકલ જાણકારો વચ્ચે પૂરી થઇ જાય છે, તેમાં લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન નથી હોતો કે ઈચ્છા પણ નથી હોતી. બીજું કે, લોકો વચ્ચે સુમેળ સાથે કામ પાર પાડી શકે તેવો સ્થાનિક પાલિકા-પંચાયતનો સ્ટાફ જોઈએ કે જે લોકોના ગમા-અણગમાને સર્વસંમતી સુધી સીફતતાથી પહોંચાડી શકે. સરકારી અમલદારો પોતાની જાતને કોઈ મોટા સિંહાસન પર આરૂઢ માનતા હોય તો અને મગજમાં ભરાઈ ગયેલી 'ગવર્નમેન્ટાલીટી'માંથી બહાર ન નીકળી શકતા હોય તો પછી તે લોકો પાસે જઈને એક-બે સારી યોજના વિષે વાત કેવી રીતે કરશે. આવા મૂળભૂત પ્રશ્નોને લીધે એવું થયું છે કે સરકાર અને લોકો વચ્ચે કોઈ સંવાદ જ નથી રહ્યો અને લોકશાહીની યાદ દર પાંચ વર્ષે ચૂંટણી વખતે જ આવે છે. રોજબરોજની સ્થાનિક લોકશાહીના યંત્રો કામ કરતા નથી અને સ્થાનિક સ્તર પર લોકશાહી લઇ જવાની ન કોઈ રાજકીય ઇચ્છાશક્તિ છે કે ન કોઈ વહીવટી ઇચ્છાશક્તિ.

સારું પારદર્શી વહીવટી તંત્ર સ્થાપવા માટે અને નાગરિકોને તેમના હક-ફરજ બંને અદા કરતા કરવા માટેની મજલ બહુ લાંબી છે. જો આમ થાય તો સ્થાનિક સ્તર પર ભ્રષ્ટાચાર આપોઆપ દૂર થશે. આ અશક્ય એટલા માટે નથી કારણકે દુનિયાના ઘણા વિકાસશીલ અને વિકસિત દેશો લોકતંત્રને શેરી-મહોલ્લા સુધી લાવી ચૂક્યા છે અને તેની આંટી-ઘૂંટીના ઇન્ટરનેશનલ કેસ-સ્ટડી ઢગલાબંધ મળી શકે તેમ છે. બીજું કે, મુદ્દો અહી બધું જ જાહેર ક્ષેત્ર કરે કે ખાનગી ક્ષેત્ર કરે તે નથી. જાહેર ક્ષેત્ર લોકશાહીનું માળખું ગોઠવી શકે અને પછી તેમાં સેવાઓ આપવાનું કામ ખાનગી કંપની કરે કે સરકારી એજન્સી કરે તેનાથી બહુ ફરક પડતો નથી - આખરે કામ થવું જોઈએ. પ્રાઈવેટ સ્કૂલમાં ભણતા, પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લેતા, પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરતા, નવા મધ્યમવર્ગ માટે અને સરકારોએ જેની સંભાળ લેવાનું છોડી દીધું તે તેવા ગરીબ વર્ગ માટે સંસદ-લોકશાહી-સરકાર તે પ્રતિક માત્ર જ હોય છે. જો લોકશાહીના મૂળિયાં ઊંડા રોપવા હશે તો પછી સંસદ-લોકશાહી-સરકારે લોકોના રોજબરોજના જીવનમાં લાગુ પડતા મુદ્દાઓમાં લોકો સાથે  શેરી-મહોલ્લાઓમાં સંવાદ સાધતા શીખવું પડશે.
"The cure for the evils of democracy is more democracy!"
H. L. Mencken, 1926.

2 comments:

  1. right. i had mentioned in 3rd part of my anna articles abt hope n opportunity for decentralization in form of panchayati raj. can u suggest a viable model for all required check points for say, town planning? as u urself pointed out, change is required in current scenario. wth public awareness n govt. accountability. fine. but how? by whom? what will be the actual chain of steps for implementation considering all practical bottlenecks?

    ReplyDelete
  2. Since you have already written about it what more can I say? Regarding practical bottlenecks and as it is mentioned in the article, there are number of pending municipal/administrative reforms + JnNURM + participatory budgeting, community participation fund + the pending recommendations of the state finance commissions etc can make a very good beginning. But the key question - is there a political will to give importance to democratic groups like ward-committees, area sabhas etc. There are examples of developing countries where the street vendors give 'rent' to the area committee instead of giving bribes to the Police for their right to be there. Similarly, paid on-street parking money is transferred to the areas to improve them. These are all well-established, much debated ideas around the world.

    ReplyDelete