Monday, July 04, 2011

જમશેદપુર - ભારતનું પહેલું 'પ્રાઈવેટ' શહેર

ભારતના શહેરોનું વર્ગીકરણ કરીએ તો તેમાં જમશેદપુરનું વિશિષ્ટ સ્થાન છે. વીસમી સદીની શરૂઆતમાં મુંબઈ, કોલકતા, ચેન્નાઈ જેવા શહેરો બ્રિટીશરાજમાં ધમધમતા બંદરો હતાં અને તેને લીધે તેમનો વિકાસ આરંભાયો. પુણે, કાનપુર, આગ્રા, બરેલી, મેરઠ, મથુરા, વારાણસી, દહેરાદૂન વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવા ઉપરાંત અંગ્રેજો માટે મહત્વના લશ્કરી થાણા (cantonment) હતાં. તે સિવાય, અંગ્રેજોએ શિમલા, મનાલી, ઉટી, દાર્જીલિંગ, ડેલહાઉસી જેવા પર્યટક સ્થળોનો વિકાસ ખાસ તો વેકેશન  માણવા માટે કર્યો. બ્રિટીશરાજને ભારતમાં ઔદ્યોગીકરણ કરવામાં બહુ રસ નહિ હતો પણ તેમને ભારતમાંથી કાચા માલ-સામાનમાં જરૂર રસ હતો. ભારતને યુરોપમાં થઇ રહેલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી દૂર-સુદૂર રાખવામાં આવેલું. ત્યારે ભારતના મૂડીપતિઓ પોતપોતાની રીતે બ્રિટીશ સરકારની બિન-ઔદ્યોગીકરણની નીતિઓ સામે સામ અને દામથી લડીને પોતપોતાની રીતે નાના-મોટા ઔદ્યોગિક એકમો સ્થાપી રહેલા. તેમાં અગ્રક્રમે આવતા જમશેદજી તાતાએ વર્ષ ૧૯૦૮માં તાતાની સ્ટીલ ફેક્ટરીની સાથે સાથે 'તાતાનગર' નામના શહેરનો પાયો નાખ્યો, જેને જમશેદજીના નામ પરથી પાછળથી જમશેદપુરના નામે ઓળખવામાં આવે છે. તાતાનગર માટે સુબર્ણરેખા અને ખારકાઈ નામની બે નદીના પટની વચ્ચેનો, સંથાલ આદિવાસીઓનું પ્રભુત્વ ધરાવતા ગાઢ જંગલમાં, લગભગ સો ચોરસ કી.મી.નો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હતો.

જમશેદપુર ખરા અર્થમાં ભારતનું પહેલું ઔદ્યોગિક શહેર હતું. તે પહેલા ભારતના શહેરોના મધ્યભાગે ક્યારેક ભવ્ય મંદિર જોવા મળતું તો ક્યારેક આલીશાન મસ્જીદ તો પછી ક્યારેક ઉન્મત્ત દેવળ. આ પહેલા ભારતના શહેરો ક્યારેક કોઈ સાંસ્કૃતિક-ધાર્મિક સિદ્ધાંતોમાં દર્શાવ્યા પ્રમાણે બન્યા તો પછી ક્યારેક રાજ્યશાસકોની સત્તાના પ્રતિક રૂપે કે પછી કોઈના ધન-વૈભવના દેખાડાના અખાડા તરીકે આકાર પામ્યા હતા. જમશેદપુર જ એક એવું શહેર છે કે જેની મધ્યમાં ધાર્મિક ઈમારતો કે કોઈનો મહેલ નથી પણ એક ફેક્ટરી છે. શહેરના રસ્તાઓ પર ફરતા આ શહેરની ઔદ્યોગીકતા મોટા-મોટા ભૂંગળા, લાઈટો, લોખંડી માળખાઓ સ્વરૂપે ડોકાઈ જાય છે. તેથી શાસ્ત્રીય અર્થમાં જમશેદપુર 'આધુનિક' શહેર છે કે જે આર્થિક તંત્ર પર ચાલે છે, અહી લોકો નાત-જાત પ્રમાણે નહિ પણ કંપનીએ ફાળવેલા મકાનોમાં રહે છે, સામાજિક મેળાવડાઓ નાત-વાડી કે મંદિર-મસ્જીદમાં નહિ પણ 'ક્લબ' વગેરેમાં મળે છે. અહી પરંપરાગત ભારતીય શહેરોની જેમ 'ઉપર મકાન-નીચે દુકાન' નથી પણ રહેણાક વિસ્તાર, ઔદ્યોગિક વિસ્તાર, ધંધા-વેપારનો વિસ્તાર, સંથાકીય વિસ્તાર એમ અલગ પાડેલા છે.
જમશેદજીએ માત્ર એક ફેક્ટરીની પાસે ટાઉનશીપ નહોતી બનાવવી. તેમને શહેર વસાવવું હતું. 'વિવિધતામાં એકતા' જેવા સૂત્રો ભારતના બંધારણ દ્વારા અમલમાં આવે તેના ચાલીસેક વર્ષ પહેલા તેમણે એક પૂર્ણ રીતે આધુનિક અને બધી જ સુવિધા ધરાવતા શહેરનો પાયો નાખ્યો. વારંવાર શહેરી વિકાસના જાણકારોને આ શહેરને સતત વિકસાવવા માટે બોલાવવામાં આવતા. જમશેદપુરમાં આજે ઘણા બાગ-બગીચા, ઝૂ, મ્યુઝીયમ, ખ્યાતનામ હોસ્પિટલ અને બીજા દવાખાના, શાળાઓ, રમત-ગમતના વિશાલ સંકુલો - ક્રિકેટ, ફૂટબોલ, સ્વીમીંગ, એથલેટીક્સ અને હોકી માટે તો અંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડીયમ, એરપોર્ટ વગેરે છે. આજે લગભગ ત્રીસેક ચોરસ કી.મી.ના વિસ્તારમાં મૂળ સ્ટીલ ફેક્ટરી અને બીજા ઔદ્યોગિક એકમો આવેલા છે. તેટલા જ વિસ્તારમાં ઉપર જણાવેલી જાહેર સુવિધાઓ પણ છે, જે ખાનગી કંપની તરીકે બહુ ઉદાર વર્તન છે. એક કંપની તરીકે તાતા ગ્રુપને આમાંથી અમુક મૂળભૂત સુવિધાઓ સિવાય કશું જ કરવાની જરૂર નહતી. છતાં પણ તેમને એક આદર્શ શહેર વસાવવાની દ્રષ્ટિથી આ સુવિધાઓ ઉભી કરી હતી. તેના પરિણામે તેમને મોટા શહેરોમાંથી સારી પ્રતિભા કે જાણકારોને આ કહેવાતા પછાત વિસ્તારમાં લઇ આવવામાં ઓછી મહેનત પડી હશે. હમણા જ આવેલી ફિલ્મ 'ઉડાન'માં જમશેદપુર બહુ સુંદર રીતે ઝીલાયું છે.
એક શહેર તરીકે જમશેદપુર 'વિવિધતામાં એકતા' કે 'સર્વધર્મ સમભાવ' કે 'બિનસાંપ્રદાયિકતા' જેવા વિચારો ખરા અર્થમાં જીવે છે. મારા જાત-અનુભવથી કહી શકાય કે જમશેદપુર મુખ્ય શહેરમાં મોટા થતા બાળકો બહુ જ પચરંગી (કે કોસ્મોપોલીટન) સંસ્કૃતિમાં ઉછેરાય છે. સ્કૂલમાં એક ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓમાં પંજાબી, ગુજરાતી, બંગાળી, તમિલ, મરાઠી વગેરેનું પ્રતિનિધિત્વ હોવું તે સામાન્ય બાબત છે. તેથી નાનપણથી જ તેમને ખબર હોય છે કે આ દુનિયા માત્ર 'ડુંગળી-લસણ નહિ ખાતા' કે 'માછલી ખાતા' લોકોની નથી બની. આજુબાજુમાં બધા જ જાતના ઉત્સવો ઉજવાતા હોય, જાત-ભાતના ગીત-સંગીત ગવાતા હોય કે વિવિધ પ્રકારની ફિલ્મો જોવાતી હોય અને અનેક પ્રકારના પુસ્તકો વંચાતા હોય. તેથી દુનિયાની વિશાળતા બહુ આસાનીથી સમજાય અને દેશના કોઈ પણ ભાગમાં તેઓ બહુ આસાનીથી ગોઠવાઈ જાય.
કહેવાય છે કે તાતા ગ્રુપે આ શહેરની લગભગ સો ચોરસ કી.મી જેટલી જમીન સરકાર અને ખાનગી માલિકો પાસેથી ખરીદી હતી. તાતા ગ્રુપે જમીન સંપાદનનું કામ સરકારને આઉટ સોર્સ નહિ કરેલું. સિંગુરથી સાણંદ સુધીની બહુ વગોવાયેલી કે ગવાયેલી તેમની સફર તેમની નીતિઓમાં આવેલો ફેરફાર દેખાઈ આવે છે. સૌપ્રથમ જમશેદજી તાતા અને પછી જે.આર.ડી. તાતાના સમયે આ ઔદ્યોગિક ગૃહ બહુ જ અલગ મિજાજમાં હતું તેવું જમશેદપુરમાં કાન સરવા રાખો તો સંભળાઈ જાય છે. ખાસ તો સમાજ કલ્યાણની વિભાવના જે આ ઔદ્યોગિક સમૂહના મૂળમાં હતી તે આજે નવ-ઉદારીકરણના જમાનામાં લૂપ્ત થતી જાય છે.
આજનું જમશેદપુર લગભગ પંદર લાખની વસ્તી ધરાવે છે અને શહેરી વ્યવસ્થાપન અને સુધરાઈની દ્રષ્ટિએ એક રસપ્રદ માળખું ધરાવે છે. જમશેદપુરના મૂળભૂત વિસ્તારનું વ્યવસ્થાપન 'JUSCO (Jamshedpur Utilities and Services company)' નામની તાતા ગ્રુપ દ્વારા સંચાલિત ખાનગી કંપની કરે છે. 'જુસકો' સંચાલિત વિસ્તારમાં પાણી, ગટર, રસ્તા, લાઈટો વગરેની તકલીફ લગભગ નહિવત છે અને આ સુવિધાઓ ખોટકાય તો તેની ફરિયાદ ગંભીરતાથી લેવામાં આવે છે. 'જુસકો'ના વિસ્તારની બહાર પણ વખત જતા શહેરી ઉમેરણ થયું છે. અહી મુખ્યત્વે નાની-મોટી મજુરી કરી લેતા આદિવાસીઓ અને શહેરના ઔપચારિક આર્થિક ક્ષેત્ર સાથે નહિ સંકળાયેલા લોકો રહે છે. તેનું વ્યવસ્થાપન આદિત્યપુર, જુગસલાઈ, માંગો જેવી વિવિધ નગર પંચાયતો કે નગરપાલિકા કરે છે. અહી બધું અસ્ત-વ્યસ્ત છે, પ્રાથમિક સુવિધાઓ નથી, કોઈ આયોજન નથી, નગર પંચાયતો પાસે પૈસા નથી. ટૂંકમાં, પાણી ભરવા માટે આ લોકોએ 'જુસકો'ના વિસ્તારમાં જવું પડે તેવી પરિસ્થિતિ છે. જમશેદપુર મુખ્ય વિસ્તારનું વ્યવસ્થાપન સરકારી રીતે કરવાના ઝારખંડ સરકારના પ્રયત્નોનો જબરજસ્ત વિરોધ નાગરીકો કરે છે કારણકે 'જુસકો'નું સુદ્રઢ વ્યવસ્થાપન અને આજુ-બાજુની નગરપાલિકાઓનો ગેરવહીવટ તેમના નજર સામે છે.

બીજી બાજુ, ખાનગી રીતે ચલાવતું શહેર હોવાથી અને કોઈ પ્રજાકીય પ્રતિનિધિઓ ન હોવાથી જમશેદપુરને JNNURM (Jawaharlaal Nehru Urban Renewal Mission) જેવી ભારત સરકારની કે રાજ્ય સરકારની બીજી કોઈ ગ્રાન્ટ મળી શકાતી નથી. અત્યારે તો ટ્રાફિક વગેરેના પ્રશ્નો બહુ અઘરા નથી પણ બસ સર્વિસ જેવી  સેવાઓ 'જુસકો'ને આપવાની કોઈ ઈચ્છા નથી તેથી વિવિધ પ્રકારની રીક્ષાઓ અહીં રાજ કરે છે. ભારતના બંધારણની શહેરી સ્વરાજની વિભાવનાથી આ શહેરનું વ્યવસ્થાપન દૂર-દૂર છે અને અહીના લોકોને એજ ફાવે છે. આ ઘટના આપણી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની બાબતની વિસંગતીઓ વિષે  ઘણું કહી જાય છે. એક તો સ્થાનિક સરકારો પોતે રાજ્ય સરકારથી સ્વતંત્ર થઇ શકતી નથી અને સારો વહીવટ આપી શકતી નથી. તેથી જ લોકોને વિકલ્પ આપવામાં આવે તો તે બિન-લોકશાહી ઢબની કંપનીને વધુ પસંદ કરે છે. જો કે આ કંપનીનો ઈતિહાસ સમાજ કલ્યાણના સિદ્ધાંતોથી ઘડાયેલો હોવાથી લોકો તેના પર વધુ વિશ્વાસ મૂકી શકે છે.
છેલ્લે, જમશેદપુરના પ્રાણી-સંગ્રહાલયના એક સુંદર (એટલેકે મૂળ સુંદરવનના) વાઘની તસવીર મને આ પોસ્ટની યાદ અપાવે છે. આ પ્રાણી-સંગ્રહાલય પ્રમાણમાં નાનું છે પણ કદાચ વહીવટ અને પ્રાણીઓની વિવિધતાની રીતે ભારતના પહેલા દસ પ્રાણીસંગ્રહાલયમાં જરૂર આવતું હશે.
(નોંધ: આ લેખની બધી તસવીરો માટે લેખકે પોતે હાથ અજમાવ્યો છે.)

7 comments:

 1. જમશેદપુર વિષે, ખરેખર ખુબજ સરસ માહિતી આપી છે. અત્યાર સુધી માત્ર એટલુંજ સાંભળેલું કે તે તતો દ્વારા વસાવેલું શહેર છે પણ શહેરનું મેનેજમેન્ટ આટલી સરસ રીતે ચાલે છે એ સાંભળીને નવી લાગી સાથે સાથે દુખ પણ થયું આપણી રેલ્વેની અવદશા યાદ કરીને. જો સરકાર રેલ્વેનું પણ ખાનગીકરણ કરીને બે કે ત્રણ કંપનીઓને તેનો વહીવટ સોંપી દે તો આ લાળુઓ અને મમતાઓના તઘલકી રાજમાં મુંબઈની લોકલ ટ્રેનોમાં ભીંસાવું ન પડે.

  ReplyDelete
 2. મિત્ર ભાવિન,
  આભાર!
  ખાનગીકરણમાં ઘણી વાર નફાનું જ ખાનગીકરણ થાય છે અને સમસ્યાઓનું જાહેર-કરણ થાય છે. તેથી તે રામબાણ ઈલાજ તો નથી જ. સુરત જેવી બીજી ઘણી મહાનગરપાલિકાઓ પણ સારો વહીવટ કરી જાણે છે. ઝારખંડમાં જે ઝડપે રાજ્ય સરકારો બદલાઈ છે તે જોતાં જમશેદ્પુરનો વહીવટ ખાનગી કંપની પાસે રહે તે જ સારું છે પણ આ લાંબા ગાળાનો ઉકેલ નથી. પણ ખાનગી ક્ષેત્ર કેવું સારું કામ પણ કરી જાણે છે તેનું ઉદાહરણ છે. ખાનગી ક્ષેત્રના ખરાબ કામ-કાજના ઉદાહરણ તરીકે કોઈ પણ કંપનીના કસ્ટમર-કેર પર ફોન કરશો તો તેમની બાબુ-શાહી સમજાઈ જશે.

  ReplyDelete
 3. જમશેદપુર વિષે આવી માહિતી પહેલી વાર જાણી. આભાર, ઋતુલ!
  ખાનગી ક્ષેત્રની ખરાબ સેવા અંગે તમારી વાત સાચી છે.મોટા ભાગની કંપનીઓ સરકારી રાહે જ કામ કરતી જણાય છે. સેવાઓ સુધરશે એમ 'વો સુબહા કભી તો આયેગી'ની જેમ લાગતું હતું, પણ હવે લાગે છે- વો સુબહા કભી આયેગી?

  ReplyDelete
 4. it was indeed very insightful & interesting. I liked the beginning v.much as it provided perspective in classical way. Also, you've made good point reg. many things including changing policy of Tatas.
  and yes, pics..'lekhak' can do as a photographer...if not 'celebrity' photographer:-)

  ReplyDelete
 5. Dear Kothari and Kothari... Thank you! :)

  ReplyDelete
 6. very interesting article! Your writing style is really amazing and we knew that but this post helped us know about your wonderful photography skills! Especially, I loved the image with people sitting in a park :) :)

  ReplyDelete