Friday, December 23, 2011

વેઇટિંગ ફોર ત્રિલોક્પાલ

(Image Courtesy: India Together, URL: here)



(ક્યાંય નહિ હોય તેવી જગ્યા છે. ત્યાં વર્ણન ન કરી શકાય તેવું ઝાડ છે. તેની નીચે બે પાત્રો દેખાય છે.)

ગગન: જાગીને જોયું તો જગન આખો દીસે નહિ.
જગન: (ઝાડ પાછળથી સામે આવીને) અહીં જ મૂવો છું, ગગનીયા.
ગગન: અરે વાહ, મારા વહાલા મિત્ર, આજે તો કઈ તૈયાર-બૈયાર થઈને ક્યાંક બહાર-વહાર જવા નીકળ્યો છે ને કંઈ...
જગન: વોટ આપવા જાવું છું.
ગગન: વાહ-વાહ, લોકશાહીના સાચા સિપાહી, લોકશાહીના વરઘોડામાં નાચવા નીકળ્યો છે ને કાંઈ...પછી પાંચ વર્ષ ચાદર ઓઢીને ગાઢ નિંદ્રામાં ઊંઘી જજો.
જગન: કેમ વાઈડાઈ કરે છે લ્યા! તું પણ ચાલ.
ગગન: હાહા... હું? હું કોઈકની રાહ જોવું છું, એ આવી જશે પછી જ મારો વોટ લેખે લાગશે.
જગન: એટલે...કોની રાહ જુવે છે?
ગગન: મેરા નેતા ચોર હૈ.
જગન: એમ?
ગગન: સબ અફસર ચોર હૈ.
જગન: હેહે... તો સાલા, તું શું છે?
ગગન: જીન દેશોમે ત્રિલોકપાલ હૈ વહાં ભ્રષ્ટાચાર કમ હૈ. (ગાવા લાગે છે) ત્રણેય લોકના પાલનહારા, હરે મુરારી ત્રિપુરારી...
જગન: ત્રિલોક્પાલ? એ વળી કઈ બલા છે?
ગગન: મને ખબર જ હતી. લોકશાહીના બણગાં ફૂંકવાવાળાને એટલું ય ભાન નથી હોતું કે તેમની સીસ્ટમ એટલી બધી ખવાઈ ચૂકી છે કે તેને વ્યવસ્થિત કરવા કૈંક નવું જોઈએ. ત્રિલોક્પાલ એક સ્વપ્ન છે, સંસ્થા છે, લોકશાહીને સાફસૂફી કરવાનું મશીન છે, જહેનસીબ છે. 
જગન: લોકશાહીને સાફ કરવાનું મશીન? હાહાહા...ખીખીખી...કેમ લ્યા, આવું અઘરું-અઘરું બોલે છે આજે.
ગગન: આમ દાંત નહિ કાઢ, મુર્ખ જેવો લાગે છે! ત્રિલોક્પાલ ભ્રષ્ટાચાર દૂર કરશે, બધા નેતાઓ સીધા-દોર થઇ જશે, બધા ઓફિસરો વેતરાઈ જશે. ત્રણેય લોકમાં ભ્રષ્ટાચારનાં દાનવો કેટલો ત્રાસ વર્તાવી રહ્યા છે, હવે તેને દૂર કરવા કોઈ ત્રિપુરારીએ અવતાર લેવાની જરૂર છે.
જગન: એમ? એક માણસથી...એટલો બધો ફરક પડશે એમ...
ગગન: એક નહિ, ઘણા બધા...એક આખી સંસ્થા, યુ સી. કોઈ પણ રાજકારણથી પર, રાજકીય દબાણ વગરની સ્વતંત્ર સંસ્થા, અંગ્રેજીમાં ઓટોનોમસ અને ગુજરાતીમાં ઓટોમેટીક. ત્રીલોક્પાલના ત્રિશૂલ જેવા અણીદાર ત્રણ ખૂણા - જજ ખાતું, તપાસ ખાતું, વકીલ ખાતું. બધું ય એક સાથે. બધા એક છત્રી નીચે. બસ, પછી બધા ભેગા થઈને ભ્રષ્ટાચારીઓનો ખો કાઢી નાખશે...
જગન: ઓહો, એટલે ફ્લાયઓવર જેવું...
ગગન: આમાં ફ્લાય-ઓવર ક્યાંથી લાવ્યો, લ્યા?
જગન: એક ઉદાહરણ તરીકે. જો નીચે ટ્રાફિક જામ થઇ જાય, ભીડ-ભાડ થઇ જાય, ટ્રાફિક પોલીસ બચારા કશું ન કરી શકે તો પછી એક ફ્લાય-ઓવર બનાઈ નાખવાનો...પછી જુવો ગાડી કેવું સડસડાટ જાય.
ગગન: વાહ દોસ્ત, હવે સમજ્યો તું. હા, એ ફ્લાય ઓવર જેવું જ... આ જોને દરેક જગ્યા એ લાંચ-રુશ્વત, પોલીસવાળા ય એમાં શામેલ, કોઈને કંઈ સારું કામ કરવું હોય તો ય ન કરી શકે. એટલે પછી ગાડી સડસડાટ ચાલે એવું કૈંક જોઈએને.
જગન: (દાઢી ખંજવાળીને) ખરી વાત...પણ એક પ્રોબ્લેમ છે.
ગગન: શું? શું?
જગન: જો ફ્લાય-ઓવર પર ટ્રાફિક જામ થઇ જાય તો?
ગગન: એટલે...
જગન: એ જ કે ફ્લાય ઓવર પર ટ્રાફિક નામના અજગરની લાંબી પૂંછડી આવીને અટકે તો? અજગર એ થોડી જુવે કે આ રસ્તો છે કે ફ્લાય-ઓવર, અહીં તો બધું એના બાપનું. એ તો ફ્લાય ઓવરને પણ વીંટળાઈ વળે. ફ્લાય ઓવરની એક જ તકલીફ હોય છે કે એક વાર તેના પર ટ્રાફિક જામ થઇ જાય તો જવાને કોઈ રસ્તો ન રહે. ભ્રષ્ટાચાર પણ એક અજગર જ છે ને, એ તો પંચાયત હોય કે સંસદ, ત્રીલોક્પાલ હોય કે શિશુપાલ, કોઈને ય ભરડો લ્યે... પછી શું કરશું?
ગગન: મને ખબર જ હતી કે તું છે જ નિરાશાવાદી. તને બધી જગ્યાએ પ્રોબ્લેમ દેખાય છે. તું અને તારા જેવા લોકોએ જ આ દેશમાં કંઇક સારું થવા નથી દીધું. દેશની હાલત તો જો... કંઇક સારું થાય છે તો પછી થવા દેને. નહિ તો પછી દર પાંચ વર્ષે વોટ નાખીને કકળાટ કર્યા કરજે.
જગન: ભઈલા, આમાં 'હું શું છું કે નહિ' તે વચ્ચે ક્યાંથી આવ્યા? પ્રોબ્લેમ ટ્રાફિક ઉર્ફ ભ્રષ્ટાચારનો છે ને, ભ્રષ્ટાચાર જાત-પાત, ઊંચ-નીચ, આગળ-પાછળ, ઓટોનોમસ, ઓટોમેટીક-સેમી-ઓટોમેટીક જોઇને ફેલાય છે? ધારો કે તમારી સંસ્થા પર કોઈ રાજકીય દબાણ નથી પણ તેમાં કામ કરનારા લોકો શું મંગળ ગ્રહ પરથી લાવશો, મગનલાલ! લોકો તો આ જ સમાજના હશેને અને તેમાંના કેટલાક કોઈકને ફેવર કરવા તત્પર હશે ને...
ગગન: જગલાઆઆ...બહુ દોઢ-ડાહ્યો ન થા. તારી પાસે બીજો કોઈ રસ્તો હોય તો બતાવ. સારા કામમાં વિઘ્નો ઉભા નહિ કર.
જગન: મારી પાસે એક જ રસ્તો છે જે મતદાર મથક સુધી જાય છે અને ત્યાં જઈને હું કોઈના લમણે સિક્કો મારીને આવી જઈશ. પછી પાંચ વર્ષ સુધી નીચી મૂંડીએ રાહ જોઇશ. આ સિવાય, હાલમાં કોઈ રસ્તો નથી મારી પાસે...
ગગન: બસ તો પછી, મૂંગો મર. તમારા જેવા નેગેટીવ, નિરાશાવાદી, શંકાશીલ, સીનીકલ લોકોથી દેશ ભરેલો છે, એટલે જ કંઈ થતું નથી.
જગન: હું નેગેટીવ-નિરાશાવાદી-શંકાશીલ-સીનીકલ ને તું ઓપ્ટીમીસ્ટ-આશાવાદી-પ્રેક્ટીકલ-પોપટ એમ ને. ભાઈ ગગનલાલ, સમાજ સુધારણા તો કંઈ સંસ્થાઓ બનાવવાથી થતી હશે. એના માટે તો જાતે મહેનત કરાવી પડે, આપણા પોતાનાથી શરૂઆત કરાવી પડે, ગાંધીજીને જેમ.
ગગન: એમ જગન ગાંધી? ચાલો, કરીએ શરૂઆત તમારાથી...બોલો, શું કરશો?
જગન: યાર, એમ તો મનેય ખબર નથી. સાલું, કરવાનું શું? ચાલો આપણે પ્રતિજ્ઞા કરીએ કે આજથી હું કોઈ ભ્રષ્ટાચાર નહિ કરું અને તને કરવા પણ નહિ દઉં. હું કોઈને લાંચ-રિશ્વત નહિ આપું.
ગગન: સરસ, લગે રહો...
જગન: પણ યાર, આપણે એમેય ક્યાં ભ્રષ્ટાચાર કરતાં હતાં. અને સૌથી મહત્વની વાત, લાંચ આપવા પૈસા જોઈએ ને. અહીં પૈસા જ કોની પાસે છે...હાહાહા...
ગગન:તને મજાક સુઝે છે, હું સીરીયસ છું. આ એક જ રસ્તો છે અને આ એક જ મોકો છે. સરકારની દાનત ખરાબ છે એટલે જ એ લોકો ત્રિલોક્પાલને મોકલતા નથી...મજબૂત ત્રીલોક્પાલ, સૌથી મજબૂત ત્રીલોક્પાલ, મજબૂતમાં મજબૂત ત્રિલોક્પાલની જરૂર છે આપણને.
જગન: એટલે કે કોઈ જોરદાર પહેલવાનની વાત ચાલે છે આ? 
ગગન: એવું જ સમજી લે. જો પહેલા તો જજ-જ્યુરી-વકીલ-પોલીસ બધા જ એક હોવા જોઈએ. જેવો કોર્ટમાં કેસ ગયો કે સાથે ફેંસલો. ત્રિલોકપાલ ઇન, ભ્રષ્ટાચાર આઉટ.
જગન: તો પછી સાક્ષીને શું કામ બાકી રાખે છે, ત્રિલોકપાલ સાક્ષી પણ બનાવી લે એટલે પત્યું! એ જેને નક્કી કરે તેને સજા. અને એક કામ કર, જલ્લાદની પણ શું જરૂર છે? એ કામ પણ ત્રિલોકપાલને કરવા દે. ભ્રષ્ટાચારની સજા ફાંસી, આ કોર્ટ-કચેરીની માથાકૂટ જ નહિ.
ગગન: મારી મજાક ઉડાવે છે? જો આજે ત્રિલોક્પાલ હોત તો આ બધા સરકારી મંત્રીઓ આજે જેલમાં ગયા હોત. ચુન ચુન કે...સમજ્યો?
જગન: વાહ ગગનવાલા વાહ! અબ ખુદ હી જજ બન ગયે?
ગગન: તું આ તારા બંધારણ-ફન્દારણ, કાયદો-વ્યવસ્થાનું પૂંછડૂ પકડીને બેસી રહે અને આ દેશને લૂંટાતા જોતો રહે. તમે બધા એ જ લાગના છો.
જગન: એમ? તો પછી તું શું લાગનો છે?
ગગન: હું ત્રિલોક્પાલની સાથે છું. બસ હવે ત્રિલોક્પાલનું રાજ હવે આવતું જ હશે. એ આવશે અને બધું બદલાઈ જશે. જગનીયા, છેલ્લી વાર કહી દે કે તું મારી સાથે છે કે મારી વિરુદ્ધમાં?
જગન: એવું ક્યારથી થઇ ગયું? અલ્યા તું કંઇ પેલા બુશડાની જેમ ઈરાક પર યુદ્ધ કરવા જાય છે અને એવું માને છે કે જે તારી સાથે લડવા ના આવે તે બધા તારી વિરુદ્ધમાં? કેમ એ બુશડા જેટલી બુદ્ધિ રહી ગઈ છે તારામાં હવે?
ગગન: બસ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. 
જગન: શ્રી ગગનભાઈ ગીતાવાળા. આપ ત્રિલોક્પાલની રાહ જુવો, ત્યાં સુધી હું જરા વોક લઈને વોટ કરી આવું. 
ગગન: મને પહેલેથી ખબર હતી કે કંઇક નક્કર કરવાનું આવશે તો તું તેમાં હજાર વાંધા-વચકા કાઢશે. તને છેને પેલા ટીવી પર આવતા, ગોળ-ગોળ બોલતા અને કોઈ પણ પ્રકારના સોલ્યુશનની જગ્યાએ પ્રોબ્લેમ-પ્રોબ્લેમ બોલતા બુદ્ધિ વગરના બુદ્ધિજીવીઓ જ ગમે છે. ડૂબી મરો બધા ભેગા થઈને. અહીં પહેલીવાર કંઇક નક્કર કરવાનો મોકો મળ્યો છે એટલે હું તો એ કરવાનો છું. તું છે જ ડરપોક બિલ્લી. 
જગન: અને તું ભસ-ભસ કરતો પાગલ કૂતરો. 
ગગન: (આગળ ધસી આવતાં) કૂતરો કોને કહે છે?
જગન: તને...
ગગન: એમ? સાલા ડરપોક...
(બંને એક-બીજાની ફેંટ પકડી લે છે અને હાથ ઉગામે છે. થોડી વાર પછી ધીરે-ધીરે છૂટા પડે છે અને બે જુદી દિશામાં ઉભા રહે છે. કોઈ કંઇ બોલી શકતું નથી. આખરે...)
જગન: હું વોટ આપવા જવું છું. 
ગગન: ઓકે. 
(ફરી શાંતિ છવાય છે. નેપથ્ય પર રંગ બદલાય છે અને જગન પાછો ફરે છે.)
જગન: આ નાલાયકોને કંઈ ભાન જ પડતું નથી. મતદારો સાથે આવો વ્યવહાર કરાય... 
ગગન: શું થયું?
જગન: આ પેલા મતદાર મથકે લાંબી લાઈન હતી. થોડી ધક્કામુક્કી થઇ એટલે હું બધાને સમજાવતો હતો કે આજના ચૂંટણીના અવસરનું લોકશાહીમાં મહત્વ શું છે અને તેના માટે જાહેર શિસ્ત કેટલી જરૂરી છે? તેમાં એક પોલીસવાળાએ મને ડંડો માર્યો...
ગગન: ફૂઊઊઉ...હહાહાહા...હહાહા.
જગન: (થોડી વાર રહીને) હહાહાહા... 
ગગન: હાહાહા...
જગન: હાહા...બહુ મજા પડી નહિ આજે!
ગગન: હે લોકશાહીના સાચા સેવક, તમારી સેવા માટે સરકારે આપેલો પદક તો બતાવો. 
જગન: (હસતાં-હસતાં) ચલ તને પણ અપાવું. મફતમાં મળે છે. અને હું કહીશ કે ચાર મારીને એક ગણજો.
ગગન: હવે તારા હૈયે ટાઢક વળી? આપી દીધો વોટ અને લઇ લીધો શિરપાવ. 
જગન: (ગંભીરતાથી) ક્યાંથી વોટ આપું? ઢાઢા રંગાયેલા હોય, લોકશાહી ઠોકશાહી લાગતી હોય પછી વોટ આપવાનું મન કોને થાય? તોય મન મજબૂત કરીને હું અંદર ગયો પણ ખરો, પેલું ફોર્મ હાથમાં લીધું, બધાય ના નામ વાંચ્યા અને અજબ વાત બની. બધા ય ઉમેદવારોની નિશાન એક જ હતું - ડંડો! હવે શું કરવું? એટલે કોરું ફોર્મ મૂકીને ચાલી આવ્યો. 
ગગન: હા, યાર. વાત સાચી છે. વોટ કોને આપવાનો... સાલા બધા એક જેવા જ હોય છે. એટલે જ કહું છું કે ત્રિલોક્પાલની રાહ જો, એ બધા ય ને સરખા કરી દેશે અને ન થાય તેના હાડકાં ખોખરાં...
જગન: ભાઈ, તારા ત્રિલોક્પાલના હાથમાં ય પોલીસ જેવો ડંડો જ હશે ને. પોલીસવાળા મતદાર મથકની વ્યવસ્થા જાળવવા માટે હોય, મતદાર મથક ચલાવવા માટે નહિ. પોલીસ બધી સરખી. ડંડો કોઈનો સગો નહિ. લોકશાહી લોકોથી ચાલે, ડંડાવાળાથી નહિ. આ ડંડા વગરની લોકશાહી માટે તો પેલા પોતડીવાળા દાદાએ અને પેલા બારડોલીવાળા પટેલે મહેનત કરી હતી.
ગગન: અલ્યા, હજી તારું લોકશાહીનું ભૂત ઉતર્યું નથી. 
જગન: કેમ, તારું ત્રિલોક્પાલનું ભૂત ઉતર્યું? 
ગગન: ના. હું તો ત્રિલોક્પાલની રાહ જોવાનો છું. (ગાવા લાગે છે) ત્રણેય લોકના પાલનહારા, હરે મુરારી ત્રિપુરારી...
જગન: હું પણ રાહ જોઇશ ત્યારે...
ગગન: શેની?
જગન: લોકશાહી મારા સુધી પહોંચે તેની.

(બંને ક્ષિતિજો સામે મીટ માંડીને બેસી રહે છે. નેપથ્યના રંગ બદલાય છે પણ બંને પાત્રો અચળ છે.)

નોંધ: શ્રીમાન સેમ્યુએલ બેકેટની ક્ષમાપ્રાર્થના સાથે.

Thursday, December 01, 2011

કોનો ઇતિહાસ સાચો?

"I believe that we permit things to be done in India, which we would not permit to be done in Europe" - William Henry Russell, Journalist and correspondence for The Times, 1857.

'Mutiny' or 'War of Independence? - 'The Indian Mutiny' remains a commonly used term in Britain; but this description ignores the scale and wider significance of the uprising. 'The first war of Independence' is favoured by many in India. However, this term implies a unified and organised uprising, ignoring the local complexity of the events. Neither interpretation is adequate. How to describe the violence of 1857-58 is still contested today.

હમણાં જ એક મ્યુઝીયમમાં ઉપર મુજબનું લખાણ વાંચ્યું જે તસવીર પર પણ દેખાઈ આવે છે. તે સાથે જ ઈતિહાસ અને તેના નિરૂપણ અંગે વિચારોના ચકડોળે ચઢી જવાયું. ભારતમાં ૧૮૫૭ની ઘટનાઓને 'પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ' તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બ્રિટીશ ઈતિહાસકારો તેને લશ્કરમાં થયેલા બળવાની રીતે જુવે છે. ઉપર લખ્યા મુજબ, 'સિપાઈઓના બળવા' તરીકેનું અર્થઘટન બધી ઘટનાઓની વ્યાપકતા, તેમને સુગઠિત કરવાના પ્રયત્નો વગેરેને મહત્વ આપતા નથી. જ્યારે તેને 'પહેલા સ્વતંત્રતા સંગ્રામ'નું અર્થઘટનનો મતલબ એ થાય કે આ બધી ઘટનાઓ કેન્દ્રીય નેતાગીરી દ્વારા દોરવાઈને એક જ રાષ્ટ્રની વિભાવના સાથે થયેલી અને તેમાં સ્થાનિક પ્રશ્નોની જટિલતા કે વિવિધતા ન હતી. તેમાં પણ કેતન મહેતાની ફિલ્મ 'મંગલ પાંડે' તો વળી આખી ઘટનામાં મંગલ પાંડેને કેન્દ્રમાં મૂકીને તેને આખા સંગ્રામના નેતા (તાત્યા ટોપેની જેમ) તરીકે દર્શાવે છે, જે ઐતિહાસિક ઘટનાઓથી ઘણું વેગળું છે. જો બે દેશોમાં ઇતિહાસની અમુક ઘટનાઓના બે અર્થઘટન થવાના હોય તો પછી ઇતિહાસને ભણવો કેવી રીતે? કયું અર્થઘટન વધારે સાચું?

અમેરિકી અને યુરોપીય સમાજો ગુલામીપ્રથાના ઇતિહાસને કેવી રીતે જોતા હશે કે જેમાં એક કરોડથી વધારે લોકોનું સ્થળાંતરણ (વાંચો, ખરીદ-વેચાણ!) થયું અને જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા. અને તે વિષે આફ્રિકાની સ્કૂલોમાં ઇતિહાસનો અભ્યાસક્રમમાં શું હશે? જર્મનીમાં બાળકો હિટલર વિષે કેવી રીતે ભણતા હશે? પાકિસ્તાનમાં બાળકો ગાંધીજી વિષે શું માનતા હશે, શું આપણે જે ઝીણા માટે માનીએ છીએ એવું જ કંઈક? જાપાનમાં પર્લ હાર્બર પરના હુમલા વિષે શું ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં શું લખાયું હશે? બાંગ્લાદેશના બાળકો ૧૯૪૭ થી ૧૯૭૧ વચ્ચેના પૂર્વ પાકિસ્તાન તરીકેના વર્ષો વિષે શું ભણતા હશે? આપણે આપણા બાળકોને આઝાદ ભારતમાં ધર્મ, જાતિ વગેરેના નામે થયેલા હિંસાકાંડો વિષે શું શીખવીશું? આ બધા અઘરા સવાલો છે, એટલા માટે નહિ કે જવાબ શોધવા અઘરા છે પણ એટલા માટે કે જવાબો ઘણા છે અને તેમાંના સાચા જવાબો મનગમતા જવાબો નથી હોતા. ઇતિહાસની વાત આવે ત્યારે મનગમતી વાત જ આવે તેવી સગવડ મળતી નથી.

ઇતિહાસમાં ન ગમાડવા જેવું ઘણું હોય છે અને ગર્વ લેવા જેવું પણ ઘણું હોય છે. મોટો પ્રશ્ન થઈને ઉભો રહે છે કે ઈતિહાસએ સામાજિક વિજ્ઞાન છે કે પછી ધાર્મિક પુરાણ? મનગમતી વાર્તા છે કે પછી જેટલા પુરાવા મળે તેટલું જ અધૂરું સત્ય? ઈતિહાસ કોની માલિકીનો હોવો જોઈએ? સરકાર, જે તે વખતે સત્તાધારી રાજકીય પક્ષો, શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષણવિદો કે ઈતિહાસકારો, બહુમતિ કે લઘુમતિ પ્રજા? શું દર સરકારે ઇતિહાસના પાઠ્ય-પુસ્તકો બદલાવા જોઈએ? 

ઇતિહાસને બદલી શકાતો નથી, હા, ઇતિહાસને તોડવા-મરોડવાના પ્રયત્નો વારંવાર થાય છે. કારણકે તેમાંથી રાજકીય ફાયદો લેવાનો હોય છે. હિટલરે જર્મન પ્રજાને વારંવાર સમજાવી દીધેલું કે તેઓ દુનિયાની સૌથી શ્રેષ્ઠ કોમ છે. કમનસીબે વાત ત્યાં અટકતી નથી - જો તમે શ્રેષ્ઠ હોવ તો બીજા જૈવિક રીતે નબળા છે, તેઓ તમારી ઈર્ષા કરે છે, તેઓ તમારું શોષણ કરે છે, તમારી સહનશીલતાનો ખોટો ફાયદો ઉઠાવે છે, જો, જો હોં, એ લોકો ગમે ત્યારે કંઈક કરી બેસશે, એમને કહી દો કે તમારી સહિષ્ણુતાને તમારી નબળાઈ ન સમજે, આપણે તેમને પાઠ ભણાવીશું. આવી રીતે થાય યુદ્ધની શરૂઆત, જેનું પહેલું પગથીયું હોય, ઇતિહાસનો તોડ-મરોડ, પછી ગર્વનું લાલચોળ લોઢું આવે જેને અભિમાનના બીબામાં ઢાળવામાં આવે અને ધારી લીધેલી જૈવિક કે સાંસ્કૃતિક શ્રેષ્ઠતાના શસ્ત્રો સજાવીને યુદ્ધની રાહ જોવાની. જરાક ચિનગારી થાય કે પ્રજા ઉન્માદમાં 'યુદ્ધ', 'યુદ્ધ'ના પોકારો કરે અને પછી યુદ્ધ થાય. બધીયે આધુનિક લડાઈઓના મૂળમાં આવી જ પધ્ધતિ રહેલી છે. બંને તરફ આવી પદ્ધતિનો ઉપયોગ થાય તો યુદ્ધ લાંબુ ચાલે, બહુ જ હિંસક બને. 

ઇતિહાસને તોડવા-મરોડવાનો ફાયદો એ છે કે તેવા જૂઠાણાની મદદથી 'આપણે અને તે લોકો' તેવા બે જૂથો ઉભા કરાય છે. જો ઉભા થયેલા હોય તો આવા જૂથોને પોષવા માટે ઐતિહાસિક ઘટનાઓના અર્થઘટનો બદલાય છે. (ભારતીય) ઉપખંડ હોય કે આખી દુનિયા, આખો ઈતિહાસ 'આપણે અને તે લોકો'ની દ્રષ્ટિએ લખી જ શકાય. જેમાં 'આપણે' તો હંમેશા શ્રેષ્ઠ જ હોઈએને અને બધો વાંક 'તે લોકો'નો જ હોય ને, તેવું બંને બાજુએ લાગી શકે. 'તે લોકો'ની બીક કે તેમના દ્વારા થતી હિંસાનો ભય બતાવીને, 'આપણા'માંનો કોઈ 'આપણા' સૌના ઉધ્ધારક બનવાના વચન સાથે રાજા કે નેતા બની બેસે. રાજા/નેતા બનવા માટેની મહત્વની લાયકાત શું - ઈતિહાસ અને સાંપ્રત ઘટનાઓને તરત જ 'આપણા અને તે લોકો'ના સંઘર્ષ તરીકે ગળે ઉતરાવી શકે તે રાજા. સફળતાથી ક્યાંકથી 'તે લોકો' શોધી લઇ આવીને 'આપણને' મહાન અને 'તે લોકો'ને દૃષ્ટ દર્શાવી શકે તે રાજા. ના, ના, બધા રાજાઓ નહી આ તો યુદ્ધખોર રાજાઓની વાત છે. યુદ્ધખોર રાજા કે નેતા બદલાય છે, તેમની નીતિઓ ઉર્ફ મોડસ ઓપરેન્ડી આ જ રહે છે.

આ તો થઇ ઇતિહાસને તોડવા-મરોડવાની વાત. તો પછી ઇતિહાસના અભ્યાસ અંગે એક પ્રજા તરીકે આપણો આગ્રહ શું હોવો જોઈએ? મને ૧૮૫૭ના વિષે પેલા મ્યુઝીયમમાં જે રીતે રજૂઆત થઇ તે ગમ્યું. તે ઐતિહાસિક ઘટનાને કોઈ અર્થઘટન તરીકે નહિ પણ એક વિવાદ કે બે અર્થઘટનો વચ્ચે થતા દ્વંદ્વ તરીકે રજૂ કરે છે. કોઈ પણ ઘટના એક તરફી નહિ પણ બહુ-તરફી હોય છે, બહુ આયામી હોય છે. ઇતિહાસના શિક્ષણની વાત આવે ત્યારે કોઈ પણ ઘટનાનાં વિવિધ અર્થઘટનો બાળકો સામે રજૂ થવા જોઈએ અને તેમને પોતાની સમજ પ્રમાણે, તેમાંના અર્થઘટનો માનવા કે નહિ માનવાની પસંદગીનો અવકાશ હોવો જોઈએ. આ સાચા શિક્ષણની દિશામાં સાચું કદમ હશે. આજે આપનો ઈતિહાસ ડાબેરી, જમણેરી કે કોંગ્રેસી વચ્ચે વહેંચાઇ ગયો છે, જે રાજ્યમાં જે પ્રકારની સરકાર તેમને મનગમતો ઈતિહાસ ભણાવાય છે. જે અત્યંત દુખદ છે. શું શિક્ષણના અભ્યાસક્રમોને રાજકારણથી દૂર ન રાખી શકાય?

બીજી વાત, ઉપરનું ચિત્ર એટલા માટે મહત્વનું છે કે તે દર્શાવતું મ્યુઝીયમ કોઈ તટસ્થ દેશ કે ભારતમાં નહિ પણ ગ્રીનીચ (લંડન)માં આવેલું નેશનલ મેરીટાઈમ મ્યુઝીયમ છે (http://www.nmm.ac.uk/). તેઓ કદાચ એવું માને છે કે બાળકોને ૧૮૫૭ જેવી ઘટનાની બંને બાજુ ખબર હોવી જોઈએ, તેમના પૂર્વજોનું અર્થઘટન શું હતું અને સામેની પ્રજાનું અર્થઘટન શું હતું, તેની વ્યાપક સમજ બુદ્ધિશાળી બાળકોને હોવી જોઈએ. આવતીકાલે 'ગ્લોબલ સંસ્કૃતિ'નો ભાગ બનનાર અને વિવિધ સંસ્કૃતિના લોકો સાથે આંતર-રાષ્ટ્રીય સ્તર પર કામ કરનાર તરીકે વ્યક્તિ તરીકે એ વિદ્યાર્થીઓને તૈયાર થવાના છે. વિચારોની મોકળાશ અને વિચારવાની સ્વંત્રતા આપી શકે તે શિક્ષણ. તેથી જ તો કોઈ એક ઘટનાના બે વિરોધાભાસી અર્થઘટનો હોઈ શકે તેનો સ્વીકાર તે ઇતિહાસની સાચી સમજની દિશામાં લીધેલું પહેલું પગલું છે. આવો એક પ્રયત્ન આ ગ્રીનીચના મ્યુઝીયમમાં જોવાનો આનંદ થયો.

તેનાથી એક ડગલું આગળ વધીને નીચેનું અવતરણ પણ ત્યાં જોવા મળ્યું. જે જવાહરલાલ નહેરુએ અંગ્રેજો અને અંગ્રેજીપણા પર કરેલો કટાક્ષ છે કે "મહત્વની વાત છે કે આજે એક હિન્દુસ્તાની શબ્દ અંગ્રેજી ભાષાનો ભાગ બની ગયો છે અને તે શબ્દ છે લૂંટ". કટાક્ષને હસી કાઢવો એક વાત છે અને તેને પોતાના 'રાષ્ટ્રીય સંગ્રહાલય'માં સ્થાન આપવા માટે 'છપ્પનની છાતી' જોઈએ. આ એક સ્વસ્થ, સમજદાર સમાજનું લક્ષણ છે. એક સ્પષ્ટતા - અહી મૂળ મુદ્દો 'બ્રિટીશ સમાજ કેટલો સ્વસ્થ/શાલીન/મહાન છે' તે નથી. આવા છૂટાછવાયા ઉદાહરણોથી હું તે અંગેની કોઈ માન્યતા બાંધતો નથી, તેથી તમારે પણ ન બાંધવી. પણ આવા ઉદાહરણો, ભારત જેવા 'વિવિધતામાં એકતા' જેવા દેશમાં ઇતિહાસનું શિક્ષણ અને સંગ્રહાલયોમાં માહિતીની રજૂઆત અંગે નવા વિચારો જરૂર આપી જાય છે. આપણા ભારતના સંગ્રહાલયો અને કળાકેન્દ્રો એવા કેવી રીતે બનાવી શકાય કે એક, જે લોકભોગ્ય હોય, ઇન્ટરએક્ટીવ હોય, લોકપ્રિય બનાવાની શક્યતા ધરાવતા હોય અને બીજું કે, લોકોને તે વિચારશીલ બનાવામાં, નવી રીતે વિચારવામાં મદદ કરે?
"It is significant that one of the Hindustani words which has become part of the English language today is loot." - Jawaharlal Nehru, Politician, 1946. (National Maritime Museum, Greenwich)

 આખરે, "सा विध्या या विमुक्तये" (Education is that which liberates)નું સૂત્ર ત્યારે જ સાર્થક થાય કે જ્યારે નાત-જાતના અને રાજકીય વાડા ભૂલી જઈને અભ્યાસક્રમોમાં વિચારોની મોકળાશ અને વિચારશીલતાને ઉત્તેજન મળે. શિક્ષણમાં વિમુક્ત કરવાની શક્તિ હોવાની વાત બહુ જાણીતી છે. પ્રખ્યાત રોકબેન્ડ પિંક ફ્લોઈડનું અતિ-જાણીતું ગીત, તેમના 'વોલ' નામના આલ્બમમાં છે: 
We don't need no education, 
We don't need no thought control. 
Hey teachers, leave the kids alone.
All in all its just another brick in the wall.

કોપી-પેસ્ટ, ગોખણપટ્ટી, ટ્યુશન-સંસ્કૃતિ જેટલા જ ખતરનાક હોય છે એક-તરફી, સાંકડા-સંકુચિત વિચારો- so no thought control. ઇતિહાસનું શિક્ષણ ભવિષ્યની તૈયારી છે અને સંગ્રહાલયો કે કળાકેન્દ્રો તે ઈતિહાસ વગેરેની રસપ્રદ ઉડાનો હોય છે. આ બે ક્ષેત્રે ઘણા બદલાવો જરૂરી છે. નહિ તો પછી એક સરખી, એક જેવી દેખાતી ઇંટોનો ઢગલો મળશે (All in all its just another brick in the wall), રંગબેરંગી લોકસમુદાય નહિ. અહીં જો કે મને ક્ષુલ્લક આશાવાદમાં રાચવાનું એટલા માટે મન થાય છે કારણ કે નવી પેઢીને જૂની પેઢી હંમેશા સંકુચિત જ લાગી છે. તેથી જે નવી ઇન્ટરનેટી પેઢી આવશે તે વિચારોની ક્ષિતિજો વિસ્તારશે, જો આપણે સાનમાં સમજીશું તો એવું માનશે કે 'આપણા પૂર્વજો કેવા સમયથી આગળ હતા', નહિ તો પછી આપણને હસી કાઢશે.

Thursday, November 10, 2011

એવોન તારાં વહેતાં પાણી

(મિત્રો, ભૂટાનની સફર ચાલતી રહેશે પણ વચ્ચે નવી-સવી બનતી ઘટનાઓ આ બ્લોગમાં ઉમેરાતી રહેશે. બ્રિસ્ટલમાં હરતાં-ફરતાં અનાયાસે જ આ પોસ્ટ લખાઈ ગઈ. ) 

બહુ વખત પહેલાની વાત છે, બ્રિસ્ટલ નામનું એક બંદર હતું. જે એવોન નદીના પટ પર રહેતું હતું, જેમ સત્તરમી સદીનું પ્રખ્યાત સુરત બંદર તાપી નદીના પટ પર રહે છે તેમ. સત્તરમી સદીના સુરત અને પંદરમી સદીના બ્રિસ્ટલમાં ઘણી સામ્યતાઓ હતી અને સમુદ્રમુખે હોવાની એક સરખી ભૌગોલિક સ્થિતિ પણ. ઔદ્યોગિક ક્રાંતિના પહેલાના સમયમાં બ્રિસ્ટલએ ઇંગ્લેન્ડનું લંડન પછીના મોટા શહેરોમાં ગણાતું હતું. તેના ભૌગોલિક સ્થાનને લીધે ઇંગ્લેન્ડ-અમેરિકી સંસ્થાનો અને આફ્રિકી સંસ્થાનો વચ્ચે થતાં ત્રિકોણીય વ્યાપાર, ગુલામોની ખેપો વગેરે બ્રિસ્ટલથી થતી. ઔદ્યોગિક ક્રાંતિ પછી લીવરપુલ, બર્મિંગહામ અને માન્ચેસ્ટરનો વિકાસ ઝડપી થયો, પણ ગુલામીની પ્રથા બંધ થવાથી અને બ્રિસ્ટલ બંદરનો વ્યાપાર ઓછો થવાથી બ્રિસ્ટલનો આર્થીક વિકાસ તે શહેરોની સરખામણીમાં ઓછો થયો. જો કે બ્રિસ્ટલનું મહત્વ ઈંગ્લેન્ડના દક્ષીણ-પશ્ચિમ વિસ્તારના વેપાર, કળા-સંસ્કૃતિ, રોજગાર, શિક્ષણના કેન્દ્ર તરીકે યથાવત રહ્યું છે.

બ્રિસ્ટલ નામએ શહેર કરતાં વધુ જાણીતું છે. યુ.એસ-કેનેડામાં મળીને બ્રિસ્ટલ નામ સાથે સંકળાયેલી ત્રીસ-પાંત્રીસ જગ્યાઓ છે. બ્રિસ્ટલ શહેર સિવાય 'બ્રિસ્ટલ' નામ હોટેલ, કાર, સિગારેટ કે તમાકુ વગેરે સાથે જોડાતું રહ્યું છે. જેનું કારણ આ શહેરનો બંદર તરીકેનો ઈતિહાસ અને અહીંના જાણીતા ઉદ્યોગ કેન્દ્રો છે. ભારતમાં જાણીતી 'બ્રિસ્ટોલ' નામની સિગારેટ બ્રાન્ડનું નામ પડવાનું કારણ અહીનો તમાકુનો વેપાર હોઈ શકે. 'વિલ્સ' કંપનીની સ્થાપના બ્રિસ્ટલમાં થઇ હતી. તેના મુખ્ય મથક સમું મકાન આજે 'ટોબેકો ફેક્ટરી'ના નામે ઓળખાય છે અને તેના નવીનીકરણ બાદ ત્યાં એક સંસ્કૃતિક કેન્દ્ર છે. આ મકાનમાં અત્યારે થીયેટર, રેસ્ટોરેન્ટ, માર્કેટ વગેરે આવેલા છે. તે સિવાય, બ્રિસ્ટલમાં લક્ઝરી કાર બનતી અને વિમાન બનાવવાની ફેક્ટરી તો અત્યારે પણ છે.  વળી, એવોન નામ પણ પ્રખ્યાત છે. ઈંગ્લેન્ડમાં જ આ નામની મૂંઝવણ પેદા કરે તેટલી નદીઓ છે, જેમકે શેકસપિયરના જન્મસ્થળનું નામ 'સ્ટ્રેટફર્ડ-અપોન-એવોન' (એટલે કે એવોન પર આવેલું સ્ટ્રેટફર્ડ) છે, પણ તે એવોન નદી બ્રિસ્ટલની એવોન કરતા જુદી છે.

કોઈપણ શહેરને તેમાં મળતા પિક્ચર પોસ્ટકાર્ડ પ્રમાણે તો નિરૂપી જ શકાય કે જેમાં શહેરના જાણીતા લેન્ડમાર્ક હોય, ગ્લાસ કે મેટલના ચમકારાવાળા મકાનો કે પરંપરાગત સ્થાપત્ય હોય. આવા ચિત્તાકર્ષક, મોહક અને સુપાચ્ય શહેરની પોસ્ટકાર્ડ આવૃત્તિ સિવાયનું એક શહેર હોય છે, જીવતું-જાગતું-ધબકતું, શહેરના પેટાળમાં આવેલું શહેર, છુપાયેલું છતાં છતું અને થોડું શોધવાથી જડી જતું શહેર. બ્રિસ્ટલની ભૂગર્ભ કે સમાંતર સંસ્કૃતિ, સ્ટ્રીટ આર્ટ, સ્વયંફૂર્ત ઘટનાઓમાં મને ખૂબ રસ પડે છે. પશ્ચિમી સભ્યતાની ઔપચારિકતા, આયોજનબધ્ધતા, વ્યવસ્થાપન સામે તે તુલનાભેદ તો પૂરો પડે જ છે પણ સાથે સાથે પેલી ઔપચારિકતાઓ અને સમાજની રૂઢિચુસ્તતા સામે બંડ પોકારીને પડકાર ઉભો કરે છે. આગળ આ બ્લોગમાં 'સ્ટ્રીટ આર્ટ - હાંસિયામાં જીવતું મૂક આંદોલન' વિષે લખી ચૂક્યો છું. તેનાથી આગળ આજે બ્રિસ્ટલમાં લટાર મારતા તેની સમાંતર સંસ્કૃતિ અને સ્ટ્રીટ આર્ટ કેવી રીત મળી આવે છે તેની વાત કરીએ.

પાનખરમાં લટાર મારવાની મજા અલગ છે. ફૂટપાથો પર પીળા-ભૂખરાં પાંદડાઓની જાજમ બિછાવી હોય, મંદ-મંદ પવન અને છૂટાં-છવાયા વાદળો વાળું આકાશ. ક્યારેક એવું લાગે કે કવિતાઓ, લલિત-નિબંધો અને જાહેર સ્મૃતિમાં વસંતને વધારે પડતું મહત્વ મળે છે અને પાનખરને વધુ પડતો ફટકાર. ઉત્તર ગોળાર્ધના પશ્ચિમી દેશોમાં પાનખર ઋતુ બહુ સુંદર હોય છે, પ્રેમમાં પડી શકાય તેવી. બાકી શિયાળામાં તો ઉદાસ થવાની અને જીંદગી શાબ્દિક અર્થમાં બેરંગ થવાની શક્યતા વધુ હોય. એક મિત્રના કહેવા પ્રમાણે શિયાળામાં લોકો કાળા-ભૂખરાં, પગથી માથાં સુધીના કપડાં પહેરીને એક-બીજા સાથે વાત કર્યા વિના નીચું ઘાલીને ફરતાં હોય છે, જયારે વસંત-ગ્રીષ્મ-પાનખરમાં લોકોનો ઉત્સાહ અલગ હોય છે. બહુ માની ન શકાય તેવી વાત છે કે કોઈક દિવસ તમે અકારણ ખુશ થઇ જાઓ અને પછી ખબર પડે કે 'ઓહો, તડકો ખીલ્યો છે'. પશ્ચિમી દેશોમાં આ ચારેય ઋતુ બહુ જ સાતત્યતા અનુભવી શકાય છે. બાકી કર્ક્વૃત્તના પડોશમાં રહેતા આપણને બે-અઢી ઋતુઓનો અનુભવ ક્યાં નથી, કે જેમાં બે ભાગમાં ઉનાળો હોય.

લટાર મારવા કે ચાલવા જવા માટે ચાલવાલાયક વાતાવરણ હોવું જરૂરી છે, યાંત્રિક વાહનોના વધતા જતા આધિપત્ય વખતે તો ખાસ. ચાલવું કે લટાર મારવી એ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ 'latent demand' (સુપ્ત કે અપ્રગટ માંગ) હોય છે. એવી માંગ કે જે હંમેશા હોય જ છે અને જો તેને પૂરવઠો (અહીં ચલાવાલાયક વાતાવરણ) મળે તો જ તે માંગ પ્રગટ થાય છે. મરીઝના શેરોની સાથે અળવીતરાઈ કરવાની પરંપરા જાળવી રાખીએ તો - 'પૂરતો નથી ચાલવાનો આનંદ ઓ ખુદા, મરજી મુજબની થોડી ફૂટપાથ હોવી જોઇએ.' રસ્તાની સાથે ચાલવાલાયક ફૂટપાથ હોય તો રાહદારીઓ અને રાહદારીઓની 'ચલાયમાન' સંસ્કૃતિનો ઉદય થાય છે, રસ્તાઓ મજાના લાગે છે અને તેની અરસપરસ કૈંકને કૈંક બનતું રહે છે. ભારતીય શહેરોને જયારે 'વર્લ્ડ-ક્લાસ' બનાવવાની વાત કરીએ છીએ ત્યારે હોંગકોંગ-ન્યુયોર્ક જેવા ઊંચા કાચઘર કે લંડન જેવા મેટ્રો (અન્ડરગ્રાઉન્ડ)ની વાત થાય છે, પણ આ શહેરો જેવી ફૂટપાથોની કે ચાલવાલાયક વાતાવરણની જમીની વાત નથી થતી. અઘરી વાતો કરવામાં સહેલી અને પાયાની વાત ભૂલાઈ જાય છે. ટૂંકમાં, ફૂટપાથ હોય તો ચાલવાનું મન થાય, ચાલવાનું મન થાય તો ચાલવા જવાય, ચાલવા જવાય તો નીચે પ્રમાણેના ફોટા પાડવાનું મન થાય.

બ્રિસ્ટલમાં સ્ટ્રીટ આર્ટ 
બ્રિસ્ટલ શહેરની મધ્યમાં (સીટી સેન્ટર નજીક) સ્ટોક્સ ક્રોફટ નામનો વિસ્તાર આવેલો છે. જે બ્રિસ્ટલના સ્ટ્રીટ આર્ટ (અર્બન આર્ટ) સહિતની કલાઓનું ધામ ગણાય છે. સ્વતંત્ર-મિજાજીથી તુંડમિજાજી સુધીની રેન્જ ધરાવતા કલાકારોનો આ વિસ્તાર છે. આ વિસ્તારમાં લગભગ દરેક દીવાલ રંગ-બેરંગી જોવા મળે છે. જાત-જાતની દુકાનો, કેફે વગેરે છે, કોઈક સ્થાનિક વસ્તુઓને કે પરંપરાગત ખાન-પાનને કે પછી 'ફેર ટ્રેડ'ને ઉત્તેજન આપે છે. (Fair Trade એટલે જ્યાંથી વસ્તુઓ આયાત થઇ હોય ત્યાંના સ્થાનિકોનું કોઈ રીતે શોષણ ન થાય તેવી ખાતરી રાખતો વ્યાપાર). અહીંની સ્થાનિક જનતા સંગઠિત છે અને આ વિસ્તારને 'વિકસિત' કરવા માટે સભાન છે. આ મારા મત મુજબનું વર્ણન છે. પહેલી નજરે આવા વિસ્તારને 'હિપ્પીઓની જમાત' અને બીજા વિસ્તારોની સરખામણીમાં 'પછાત કે વંચિત' કહી શકે છે. તમે નીચે દોરેલા ભીંતચિત્રો પરથી કહી શકો કે આ વિસ્તાર અંગે તમે શું ધારવા માંગો છો. બધા જ ફોટોગ્રાફ્સ ૫મી નવેમ્બર, ૨૦૧૧ના રોજ લીધેલ છે. 
બ્રિસ્ટલમાં સ્ટ્રીટ આર્ટ સૌથી વધારે આ વિસ્તારમાં જોવા મળે છે, પણ સાથે સાથે તેનો ફેલાવો શહેરભરમાં છે. આ વેબસાઈટ એક સારું કેટેલોગ પૂરું પાડે છે. તેની ઉપરના આ નકશા પરથી ખબર પડશે કે બ્રિસ્ટલી મોરલાઓ ક્યાં ક્યાં કળા કરી આવ્યા છે અને તેનો ફેલાવો શું છે. સ્ટ્રીટ આર્ટ એ સતત ગતિશીલ, સતત બદલાતી કળા છે. તેને સંઘરવી અઘરી છે અને તેનું સચોટ દસ્તાવેજીકરણ પણ અઘરું છે. બસ, તમારી 'આંખ ઠારે એ કળા' અને 'જ્યાં ભાવક ત્યાં કળા'ની ફિલસુફી પર આધારિત બધું સ્ટ્રીટ આર્ટનું કામ-કાજ હોય છે. 
(Cultural Quarter)
(Stocks Croft)
(PRSC/Croft, Here PRSC means 'Peoples Republic of Stokes Croft')
(Frozen music Gallery - building with stone instead of sound)
(Truth and Beauty)
(Street music along with street art: the painting on the wall read as 'work...buy...consume...die')
ઈંગ્લેન્ડના શહેરોમાં એક બીજો અનેરો અનુભવ છે, સ્ટ્રીટ મ્યુઝીક. રસ્તે ચાલતા આવા સ્થાનિક સંગીતકારો મળી આવે જે વાતાવરણને સુરાવલીઓથી ભરી દે છે. મેં ક્યારેય કોઈના સંગીતમાં 'માંગવાનો' સૂર નથી જોયો પણ 'ખુશ કરવાનો' સૂર હમેશા જોયો છે. સંગીતએ અર્બન આર્ટનું બીજું મહત્વપૂર્ણ પાસું છે, પણ તે વિષે આખી પોસ્ટ ક્યારેક લખવામાં આવશે.

લટાર મારતાં નીચે ફોટામાં દર્શાવેલ યુવાન કલાકારનો ભેટો થઇ ગયો. આ કલાકારોને પોલીસથી સ્વાભાવિક રીતે જ આડવેર હોય. મેં પૂછ્યું કે, 'તમારો ફોટો લઉં?' તો કહ્યું કે, ' એક મિનીટ, મને મારું હૂડ પહેરી લેવા દો'. પછી આ ફોટો પડ્યો. યુ.કે. માં સીસીટીવી સંસ્કૃતિ બહુ વિકસેલી છે. સીસીટીવી સંસ્કૃતિ એટલે એવી પરિસ્થિતિ કે ક્લોઝ સર્કીટ કેમેરા લગાવવાથી હૈયે ધરપત લાગે અને પોલીસ મોટાભાગના ગુના સીસીટીવીથી ઉકેલતી હોય. એક મિત્રના કહેવા પ્રમાણે 'આખો દેશ બીગ બ્રધરના (બીગ બોસનું મૂળ સંસ્કરણ) સેટ જેવો લાગે છે'. નીચે પ્રમાણે આ મિત્રને તેના કળા-પ્રદર્શનના કામમાં મૂકીને આગળ વધ્યો. બે-ત્રણ કલાકે પરત આવતા તે કામ નીચે બતાવ્યા પ્રમાણે પૂરું થયેલું લાગતું હતું. જો કે વળી અઠવાડિયા પછી આ જ દીવાલ પર કૈંક નવું જ ચિતરામણ હતું.
(Artist at work)
(Revisiting the same spot after 2-3 hours, it was done!)
બેન્ક્સીનું બ્રિસ્ટલ
બેન્કસીના ઉલ્લેખ વગર બ્રિસ્ટલના સ્ટ્રીટ આર્ટની વાત પૂરી કરવી શક્ય નથી. ઉપરનું મ્યુરલ બી.બી.સી.એ કરેલા સર્વે મુજબ બ્રિસ્ટલના 'વૈકલ્પિક લેન્ડમાર્ક' તરીકે પહેલો નંબર આવ્યું છે. તે વિષેનો અહેવાલ અહીં. આ ચિત્રને બેન્કસીની શહેરને આપેલી ભેટ ગણવી કે પછી મહેણું કે પછી ખુલ્લી ઉશ્કેરણી? એક ટેડી બેઅર હાથમાં પેટ્રોલ બોમ્બ લઈને પોલીસની સામે થાય છે અને ઉપર શીર્ષક છે 'માઈલ્ડ માઈલ્ડ વેસ્ટ'. ક્યાં પરીપેક્ષમાં આ ચિત્ર છે તેની ખબર નથી એટલે તેની પર વધુ પિષ્ટ-પીંજણનો મતલબ નથી.
બેન્ક્સીના આ પ્રખ્યાત ભીંતચિત્ર વિષે આગળની પોસ્ટમાં વાત કરી ચૂક્યા છીએ. પણ તેનો પ્રત્યક્ષ ફોટો લેવાનો મોકો હમણાં જ મળ્યો. આ ચિત્રથી આગળ ચાલતા જઈએ તો બ્રિસ્ટલનું સીટી મ્યુઝીયમ અને આર્ટ ગેલેરી આવે. જેના અંદરના ભાગનું દ્રશ્ય નીચે પ્રમાણે છે. દુનિયાના સૌથી વિશાળ મ્યુઝીયમમાંના એક એવા લંડનસ્થિત બ્રિટીશ મ્યુઝીયમ વિષે જોક છે કે 'તેમાં કંઈ પણ બ્રિટીશ નથી, બધું જ દુનિયાભરમાંથી આણેલું છે'. પણ તેમાં એક વાત સંપૂર્ણરીતે બ્રિટીશ છે - પધ્ધતિસર માહિતી એકઠી કરવી, આર્કાઈવ બનાવવા, મ્યુઝીયમ બનાવવા અને સાચવવા. આ એક કળા છે અને તેમાં બ્રિટીશ પ્રજાની માસ્ટરી છે. જો કે બીજા યુરોપીય સમજો બ્રિટનથી બહુ પાછળ નથી. બ્રિસ્ટલ મ્યુઝીયમ એ કંઈ મહાન મ્યુઝીયમ નથી, પણ અહીં ઉછરતાં બાળકને સ્થાનિક ઇતિહાસની અને કળા-સંસ્કૃતિની સમજ આપવી હોય તો તેની શરૂઆત અહીંથી ચોક્કસ કરી શકાય. આવા ભારતના દરેક શહેરમાં તેના સ્થાનિક ઇતિહાસની સમજ આપતા અભીક્રમોની અઢળક ખોટ વર્તાય છે.
Bristol city museum and art gallery
૨૦૦૯ના વર્ષની મધ્યે બેન્ક્સીને બ્રિસ્ટલ મ્યુઝીયમ-આર્ટ ગેલેરી દ્વારા એક પ્રદર્શન ભરવાનું આમંત્રણ મળ્યું. લોકોથી ઉભરાતી આ જગ્યાને રીપેરીંગના બહાના હેઠળ બંધ કરવામાં આવી. મ્યુઝીયમના સી.સી.ટીવીમાં હૂડ કે માસ્ક પહેરેલો કલાકાર રાત-દિવસ કામ કરતો દેખાય છે અને આખરે જ્યારે આ ગેલેરી ખોલવામાં આવી ત્યારે જબરો લોક્ધસારો જોવા મળ્યો. આ પ્રદર્શનનું નામ સચોટ રીતે 'બેન્કસી વર્સીસ બ્રિસ્ટલ મ્યુઝીયમ' રાખાવામાં આવ્યું. આજે આ પ્રદર્શન તો નથી પણ તેના અંગેના વીડિઓ અહીં અને અહીં જોઈ શકાશે. તેના ફોટોગ્રાફ્સ અહીં અને અહીં જોઈ શકાશે. બેન્ક્સીને કોઈ રોબીન હૂડ માને છે તો કોઈ પબ્લીસીટી-ભૂખ્યો ભાંગફોડીયો. જે માનવું હોય તે માની શકાય, પણ તેની અમુક-તમુક કલાકૃતિઓ સ્પર્શી જાય છે તેમાં કોઈ બે મત નથી. બ્રિસ્ટલની સ્થાનિક સરકાર અને વ્યવસ્થાપનને આખરે આ શહેરના આ બંડખોર કલાકારને યોગ્ય સન્માન અને પ્રદર્શન માટેની જગ્યા આપી છે. ટૂંકી દ્રષ્ટિએ જોઈએ તો આ સરકાર અને સ્થાપિત હિતોની ઠેકડી ઉડાડવાનું આમંત્રણ જ હતું, જે પ્રદર્શનમાં પ્રદર્શિત કૃતિઓથી સ્પષ્ટ છે. આજે આ પ્રદર્શન તો નથી પણ તેનો એક નમૂનો જરૂર હાજર છે. નીચેની બે તસ્વીરો જુઓં.
(Bristol Museum and Art Gallery's Poster: Banksy is no angel but he left us a present, discover his gift to Bristol inside)
દેવદૂતની પ્રતિમા પર ગુલાબી રંગનું ડબલું ઢોળેલું છે અને તેનો ચહેરો છૂપાયેલો છે. આ બહુ સજ્જડ વિધાન છે અને જેના અનેક અર્થઘટનો શક્ય છે. સમાજના પરંપરાગત કળાના પ્રેમનો વિરોધ કે પરંપરાગત સૌન્દર્યશાસ્ત્રનો ઉપહાસ કે પછી દેવદૂતના 'પ્રતિક'ને વિઘટિત કરવાનો પ્રયત્ન કે પછી સ્વર્ગીય પત્રોની ક્ષુલ્લકતાનો પરચો વગેરે વગેરે. ટૂંકમાં, નવા અર્થો જન્માવે અને મનના ઊંડાણની મથામણ બહાર લાવે તે કળા.

ઓક્યુપાય બ્રિસ્ટલ
(Occupy Bristol protests in front of the Bristol cathedral and the council house)
ઓક્યુપાય વોલસ્ટ્રીટનો વાયરો અહીં પણ પહોંચ્યો છે. બ્રિસ્ટલના મુખ્ય દેવળ, કાઉન્સિલ ઘર સામે લોકો તંબૂ તાણીને બેઠા છે. આવું ઈંગ્લેન્ડના ઘણા નાના-મોટા શહેરોમાં જોવા મળ્યું છે. ૧% લોકોની રમત સામે ૯૯% લોકોનો આ ગુસ્સો છે. આવી ઝૂંબેશોમાં બધું જ વ્યાજબી કે વખાણવાલાયક નથી હોતું. પણ ભારતના લોકપાલ આંદોલન, આરબ ક્રાંતિ, ઈંગ્લેન્ડના રમખાણ અને અમેરિકાની ઓક્યુપાય ઝૂંબેશ - આમ તો આંદોલન, ક્રાંતિ, રમખાણ અને ઝૂંબેશ વચ્ચે કોઈ સામ્યતા નથી - પણ હકીકત એ છે કે અલગ અલગ દેશોમાં પોતપોતાની વ્યાજબી કે ગેરવ્યાજબી માંગણીઓ લઈને કે ક્યારેક કોઈ સ્પષ્ટ માંગણી વગર લોકો રસ્તા પર છે. ઘણું ખોટું છે અને ઘણું બદલાવું જોઈએ તે વાત વ્યાપક છે. કઈ રીતે અને કેવી રીતે તે ઈતિહાસ જ કહેશે.

નિર્દયી આશાવાદ - માણસ છો કે ગ્રાહક?
A Hoarding in Bristol - Run for the Olympics tickets in London.
પોઝીટીવ બનો, પોઝીટીવ વિચારો, કશું મન પર નહિ લો, બધું થવા દો, જુઓ, દુનિયા કેટલી સુંદર છે. you can win, તમે બધું સરસ કરી રહ્યા છો.પોઝીટીવ વિચારોમાં શક્તિ છે, જીવનમાં કોઈ લક્ષ્ય રાખીને કામ કરો. બધું પ્લાનિંગ પ્રમાણે કરતા જાઓ. બધું સારું થઇ જશે. એમને એમ બેસી નહિ રહો, ઉભા થાઓ, દોડો, ખરીદો નહિ તો રહી જશો, છેલ્લી તક, જલ્દી કરો, દોડો દોડો. આવો મોકો ચૂકતા નહિ. જીવન એક સ્પર્ધા છે, જેમાં તમારે પહેલો નંબર લાવવાનો છે, ઇતિહાસમાં કોઈ બીજા નંબર વાળાની વાત નથી કરતુ, પહેલો નંબર, દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિએ, દરેક વાતમાં આટલું બધું વિચારવાનું નહિ, હવે થોડું ખોટું કરવું પડે તો કરવું પડે, તમે ખાવ-પીવો ને જલસા કરો. દોડો, ખરીદો નહિ તો રહી જશો... છેલ્લી તક.
એક એવો આશાવાદ હોય છે જે નિર્દયી હોય છે, ક્રૂર હોય છે, બેફીકર કે ભોળો હોય છે. કે પછી જો કાં તો નિર્દયી કે બેફીકર કે ભોળા બનીએ તો જ આશાવાદમાં રાચી શકાય. આવો આશાવાદ ઉપરના ફકરાના ઉદગારોમાં વ્યક્ત થયો છે જે વારંવાર સમાજમાં સંભાળવા મળે છે. આવા કદાચ ઉદગારો સમય સાથે બદલાતા રહે છે, જેમ સમાજના મૂલ્યો બદલાય છે તેમ. ઉપરના ઉદગારો બજારવાદ કે ઉપભોક્તાવાદ પ્રચલિત થવા સાથે આવતાં ઉદગારો છે. હવે બધું જ વેચાણલાયક બની જાય છે અને લોકો ગ્રાહક. ભલે પછી તે શિક્ષણ હોય, કલાકૃતિ હોય, સ્વાસ્થ હોય કે બીજું કંઈ. ખરીદોને ખુશ રહો એટલે કે ખરીદી શકો તો ખુશ રહો. પશ્ચિમી સમાજમાં અને કદાચ ભારતમાં પણ જો તમે નિરાશ હોવ તો ખરીદી કરવા જાઓ - તેવું સૂત્ર વ્યાપક છે. અંદરથી ભાંગી પડતા સમાજ અને તેની સાથે આવતાં માનવ-સંબંધોના પ્રશ્નો વચ્ચે ખુશી-ખુશી જીવવું હોય તો પછી નકરો આશાવાદ જ જોઈએ. પછી આ આશાવાદનું શ્રધ્ધાના બજારમાં આધ્યાત્મિકતાની ભેળસેળ કરીને વેચાણ કરતા ધર્મગુરુઓ આવે, 'સફળ થવાની ચાવી' આપતા મેનેજમેન્ટ ગુરુઓ આવે, તેમના ચેલા પણ આવેને ખપે. 'આશાવાદ એ જ સત્ય અને જગત મિથ્યા' માનીને ચાદર લંબાવીને સુઈ જાઓ. આવા આશાવાદને ઉપરના મ્યુરલમાં નામ મળે છે 'નિર્દયી આશાવાદ'. ઉપભોક્તાવાદ અને તેની સાથે આવતાં આશાવાદમાં પશ્ચિમી સમાજોનો પહેલો નંબર આવે, જો કે હવે ભારત પણ બહુ લાંબો સમય પાછળ રહે તેવું લાગતું નથી.
 
આ વર્ષે એપ્રિલ મહિનામાં સ્ટોક્સ ક્રોફટમાં રમખાણ ફાટી નીકળ્યા. અહીં રમખાણોનો અર્થ 'ટોળાં અને પોલીસ વચ્ચે થતી મારામારી અને તોફાન' એવો થાય છે 'બે ટોળાં વચ્ચે' નહિ, એ જાણ ખાતર. સ્ટોક્સ ક્રોફટના તોફાનો પાછળનું કારણ હતું, આ વિસ્તારમાં ટેસ્કો નામના સુપર-માર્કેટની રીટેઈલ ચેઈન ધરાવતા સ્ટોરનું આગમન. અહીના લોકોનું માનવું હતું કે આ વિસ્તારમાં ટેસ્કોના પ્રવેશવાથી સ્થાનિક વ્યાપાર-ધંધાને નુકસાન જશે. સ્વતંત્ર-મિજાજી કલાકારો અને સ્વપ્નશીલ ચળવળખોરોના રહેણાંક વિસ્તારમાં ગ્લોબલાઈઝેશન અને તેની સાથે આવતી ઠંડી ક્રુરતાના પ્રતિકસમા ટેસ્કોની હાજરી કેવી રીતે હોઈ શકે? આ અંગે તો વિસ્તૃત અહેવાલ અને એક વીડિઓ અહીં જોઈ શકાશે. બે રાતના તોફાનો અને હિંસક-અહિંસક દેખાવોનો કરુણ અંત આવે છે. ટેસ્કો બે મહિના પછી પોતાનો સ્ટોર ખોલે છે અને કહે છે કે સ્થાનીક વિસ્તારના 'નવીનીકરણ' માટે અને તેમાં મૂડી આકર્ષવા માટે તેઓ કટિબદ્ધ છે. ટેસ્કો સ્ટોરની લગભગ સામેના મકાનની બાજુની દીવાલ પર ઉપરનું ભીંતચિત્ર આવેલું છે, જે 'ટેસ્કો સામેના યુદ્ધ'ની યાદ અપાવે છે. સીટી કાઉન્સીલના સભ્યો અને શહેરી વિકાસ સાથે સંકાયેલા લોકો ખાનગીમાં માને છે કે કાયદાકીય ગૂંચનો ફાયદો લઈને આ સ્ટોરને મંજૂરી મળી છે અને સૈદ્ધાંતિક રીતે સ્થાનિક લોકોનો વિરોધ હોય તેવી પ્રવૃત્તિઓ તે વિસ્તારમાં નહિ થવી જોઈએ. 

બ્રિસ્ટલમાં હરતાં-ફરતાં, લટાર મારતાં ઘણી તસવીરો ખેંચી છે, સ્થાનિક કળા, રાજકારણ અને સામાજિક સમસ્યાઓની ઝાંકી થઇ છે, પાનખરનો વૈભવ અને શરદની શરૂઆત જોઈ છે. એક સુંદર શહેરની ભૂતળ જોઈ છે, તેનો રોજેરોજનો ઈતિહાસ અને રોજેરોજની ક્રાંતિ જોઈ છે. એવોનના વહેતા પાણીની જેમ આ પ્રવાહો સમયાંતરે બદલાશે, ઋતુઓ બદલાશે, દીવાલો બદલાશે, ભીંતચિત્રો બદલાશે, કલાકારો બદલાશે પણ કળા અને લટારો જીવતી રહેશે તેવી આશા સહ...

Tuesday, October 25, 2011

ભોમિયા વિના ભૂટાનમાં ભમતાં - ૨ (થીમ્ફૂ)

ભૂટાન એ ભારત અને ચીન જેવા મહાકાય દેશો વચ્ચે 'સેન્ડવીચ' થયેલો દેશ છે. ભૂટાનમાં માનવ સભ્યતાની પહેલી નિશાની આજથી લગભગ ચારેક હજાર વર્ષ પહેલાની મળે છે. તે પછીના વર્ષોમાં મોંગોલ અને તિબેટ વગેરે સંસ્કૃતિ સાથે તેના સીધા સંપર્કો હતા. સાંસ્કૃતિક રીતે ભૂટાન તિબેટને (કે લડાખને) વધુ મળતું આવે છે પણ તેણે રાજકીય રીતે એક અલગ અસ્તિત્વ જાળવી રાખ્યું છે. આ દેશ એક પ્રકારનો 'સાંસ્કૃતિક ટાપુ' છે. અહીં તિબેટથી થોડો અલગ 'મહાયાન બુદ્ધ ધર્મ' સત્તાવાર રીતે સ્વીકારેલો રાજ્યનો ધર્મ છે, જે તિબેટીયન બુદ્ધ ધર્મથી ઘણા અંશે અલગ છે, તેવું કહેવાય છે. બે મહાકાય મહાન સંસ્કૃતિઓ  વચ્ચેના સહવાસને લીધે પોતાની પહેચાન જાળવી રાખવાના પ્રયત્નો બહુ રૂઢીચુસ્તતાથી અમલમાં લાવવામાં આવતા હશે તેવું માની શકાય. તેથી જ તો તેમની ભાષા, વસ્ત્ર-પરિધાન, સ્થાપત્ય વગેરેને પ્રચલનમાં જાળવી રાખવા માટે કાયદા ઘડવામાં આવ્યા છે અને તેનો કડકાઈથી અમલ થાય છે. 
(થીમ્ફૂનું તાશીચોઝોંગ એટલે કે ભૂતાન સરકારનું મુખ્યાલય)
પહાડી વિસ્તારમાં ખેતી અને પશુપાલન પર આધારિત ખીણ પ્રદેશો અને ખીણ પ્રદેશોમાં નાની-મોટી ટેકરીઓ પર પથરાયેલા ગ્રામ્ય સમૂહોનો આ દેશ બનેલો છે. દરેક ખીણ વિસ્તારને રાજકીય-આર્થિક નિયંત્રિત કરવા માટે મુખ્ય વહીવટી મથક તરીકે કિલ્લા જેવા સ્વરૂપમાં બનાવેલા ઝોંગ (Dzong) હોય છે. તિબેટની જેમ ભૂટાનમાં પણ ધર્મ અને રાજ્યનું સંયોજન થયેલું છે. ઝોંગ તે ધાર્મિક રીતે પણ મહત્વ ધરાવે છે. તેમાં વિવિધ સરકારી કચેરીઓ ઉપરાંત, પ્રાર્થના સ્થાન, મંદિરો, રહેણાંક વિસ્તાર વગેરે હોય છે. પરંપરાગત રીતે ભૂટાનમાં જમીનદારી પ્રથા (Fuedalism) અને તેની ઉપર ધર્મ અને રાજ્યના સંયોજનની બનેલી રાજ્યસત્તા હતી. મારા ૧૯૯૮નાં પ્રવાસ દરમ્યાન ત્યાં 'સંપૂર્ણ રાજાશાહી' હતી. ૨૦૦૭માં કરેલા બીજા પ્રવાસ દરમ્યાન અમે 'બંધારણીય રાજાશાહી' અનુભવી અને ધીરે-ધીરે લોકશાહી તરફ જઈ રહેલા દેશની વાતો સાંભળી. જો કે ભૂટાનનાં સમાજનો લોકશાહી સાથેનાં નવતરુણ પ્રેમની વાતો ફરી ક્યારેક.

છેક ૧૯૬૧માં થીમ્ફૂ ભૂટાનની રાજધાની બની છે. તે પહેલાની પરંપરાગત રાજધાની પુનાખા હતી, જે ભૌગોલિક ભૂટાનની મધ્યમાં આવેલી છે. ભારત સાથે વધતા જતા રાજકીય સંબંધો અને ચીનના તિબેટ પર આક્રમણ પછી તૂટી રહેલા સાંસ્કૃતિક જોડાણો વચ્ચે ભૂટાનની રાજધાની પશ્ચિમે આવેલા થીમ્ફૂમાં લાવવામાં આવી. કહેવાય છે કે પચાસના દાયકાના અંતમાં ભૂટાનનું વ્યુહાત્મક મહત્વ સમજીને પંડિત નહેરુએ થીમ્ફૂનો પ્રવાસ કોઈ વ્યવસ્થિત માર્ગને અભાવે યાક પર બેસીને કરેલો. આ પછી ભારતની મદદથી થીમ્ફૂ અને ફૂન્શીલીંગને જોડતો હાઈવે બનાવવામાં આવ્યો. આ સાથે જ થીમ્ફૂનું ભૌગોલિક અને રાજકીય મહત્વ વધ્યું અને ભારત સાથે વેપાર અને રાજકીય સંબંધો પણ વધ્યા.
(ચાંગ લમ એટલે કે ચાંગ સ્ટ્રીટ પર આવેલું એક માત્ર ટ્રાફિક જંકશન અને તેના સંનિવેશમાં પર્વતોની હારમાળા)
થીમ્ફૂની મજા એ છે કે જ્યાં જુઓ ત્યાં ક્ષિતિજો વિસ્તરતી જતી લાગે, પહાડોની હારમાળાની પશ્ચાદભૂમિ અને તેની પર તડકા-છાયાંની રમતો. આમ તો આ વાત આખા ભૂટાન માટે સાચી છે અને કદાચ બધા જ પહાડી વિસ્તારો માટે પણ. થીમ્ફૂની એક ઓર લાક્ષણીકતા છે તેનું એકદમ સાફ, નીલેરી આકાશ તેના જોડીદાર જેવો શીતલહેરમાં નિર્મળ બનેલો ભપકાદાર તડકો. શહેરમાં હાલતા-ચાલતાં જ્યાં નજર નાખો ત્યાં ધરતી અને આકાશની વિશાળતાનો અનુભવ હોય, દરેક મકાનની પાછળ અને રસ્તાને છેડે એક નજરનું ઊંડાણ હોય. આ વિશાળતા ક્યારેક-ક્યારેક અનુભવવી એક વાત છે અને તેને રોજ-બરોજની જીંદગીમાં જીવવી બીજી વાત છે. જો રોજેરોજ નિસર્ગની વિશાળતાનો અને તે સાથે આવતા માણસના વામણાપણાનો અહેસાસ થતો હોય તો પછી ભૂટાનના લોકો જેવા નમ્ર અને ખુલ્લા દિલના બનવાનું સહેલું બની જતું હશે. સૌમ્ય જોશીના નાટક 'આઠમા તારાનું આકાશ'માં એક સરસ વાત છે. જે કોઈ જ્યોતિષી પાસે પોતાના દુઃખનો માર્ગ પૂછવા જાય તેને તે આકાશના તારાં જોવા મોકલી આપે છે - આકાશની વિશાળતા સામે પોતાના દુઃખ નાના લાગે ને માટે. અહીં વિસ્તરતા જતા પહાડો અને તેની ઉપર ગુંબજીય આકાશ જેવા દૈવી સંદર્ભોની સતત હાજરીને લીધે બીજું બધું ક્ષુલ્લક લાગે અને ઝાઝી લપ્પનછપ્પન કર્યા વગર ખાઈ, પીને ખુશ રહેવું સહજ બની જાય છે.
(ચાંગ લામ એટલે થીમ્ફૂના મુખ્ય માર્ગની બીજી તરફનું દ્રશ્ય)
૧૯૯૮નાં થીમ્ફૂમાં અમારી નિયમિત મુલાકાતોના સ્થળો હતાં, સ્વીમીંગ પુલ, ફિલ્મ થીયેટર, ઇન્ડિયન આર્મી કેન્ટોનમેંટનો સ્ટોર, અમુક રેસ્ટોરેન્ટ્સ અને અમુક ઓળખીતાઓના ઘર વગેરે. દરેક જગ્યાની કહાનીઓ છે અને ખાસિયતો છે. આ ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન પહેલાનો જમાનો હતો. આજે એવું લાગે છે કે જાણે આ દાયકાઓ પહેલાની વાત છે. અમે ઘર અને મિત્રો સાથે પત્રોચ્ચાર કરતા હતા. હા, એજ પેલું કાગળ પર પેન કે પેન્સિલથી લખીને કરવામાં આવતું માહિતીનું આદાન-પ્રદાન. ગુજરાતીમાં લખવાની ટેવ કદાચ ત્યારે પડી હશે. અમારી ઓફિસનું એક પોસ્ટબોક્ષ હતું. તેને દર બે દિવસે ચેક કરવામાં આવતું. ભારતથી છાપાં બે-ત્રણ દિવસે અને ક્યારેક ચાર દિવસે આવતાં ત્યારે સમાચાર મળતાં. ત્યાંના સ્થાનિક સાપ્તાહિકમાં સમાચારો ઓછા અને સરકારી જાહેરાતો વધુ રહેતી. સનસનાટીભર્યા બનાવો, ગુનાખોરી કે ભ્રષ્ટાચાર વગેરે જેવું પણ ભાગ્યે જ બનતું. કોઈ મોટા સમાચાર હોય તો મોંઢામોંઢ ખબર પડી જ જાય. કેવું કહેવાય, સમાચાર વિનાનો દેશ!

ભૂટાનમાં ત્યારે સેટેલાઈટ ટીવી પણ નહિ હતું અને કોઈ સ્થાનિક ચેનલો પણ ન હતી. ટીવીનો એક માત્ર ઉપયોગ વીસીઆર પર હિન્દી કે અંગ્રેજી ફિલ્મો જોવા થતો. માર-ધાડવાળી ચક નોરીસ, સ્ટીવન સીગલ વગેરેની બી-ગ્રેડની ફિલ્મો અને દક્ષીણ ભારતની હિન્દીમાં ડબ થયેલી ફિલ્મોનું માર્કેટ જોરમાં હતું. ભારતની નવી રીલીઝ થતી ફિલ્મોને ભૂટાનમાં તરત આવવા મળતું નહિ. ભારતીય ફિલ્મો અહીં નિયમિત રીતે ૫-૧૦ વર્ષ મોડી રીલીઝ થતી હતી. એ અલગ વાત છે કે અહીં રીલીઝ કરવા માટે એક જ થીયેટર હતું અને સરહદ પરના ગામો પણ ગણીએ તો ત્રણ કે ચાર થીયેટર. તેથી નવી રીલીઝ થતી ભારતીય ફિલ્મોની વિડીઓ કેસેટ્સ આવવાની રાહ જોવી પડતી અને લોકો થીયેટરમાં ફિલ્મ જોવા વધુ જાય તેથી કેસેટ્સ પાછળથી બહાર પડતી. મને યાદ છે કે અમુક યુવાન મિત્રો ખાસ ૬ કલાક ગાડી ચલાવીને ફૂન્શીલીંગ સુધી 'બોર્ડર'માં અક્ષય ખન્નાને અને 'ગુલામ'માં આમીર ખાનને જોવા ગયા હતાં. અમને પણ એ કાફલામાં જોડાવાનું આમંત્રણ મળેલું પણ અમે અમારી નવ-ઉપાર્જિત નિસ્પૃહતાપૂર્વક તેનો ઈન્કાર કરેલો. કારણકે અમને ૩ કલાકની ફિલ્મ માટે ૧૨ કલાકની મુસાફરીની વાત 'કુછ હજમ નહી હુઈ'. 

ટીવી, મોબાઈલ ફોન, ઈમેલ, છાપાં, ફિલ્મો, ઈન્ટરનેટ કે સોશિયલ નેટવર્કિંગ વગરનું જીવન કલ્પી શકો છો? અધૂરામાં પૂરું, ઓફિસનો સમય દસથી પાંચ અને શનિ-રવિ રજા. ભારતના 'અતિ' પ્રવૃત્તિમય જીવનમાંથી એક લાંબો ઠહેરાવ આવ્યો. કોઈ પ્રકારના મનોરંજનના સાધનો કે સમય પસાર કરવાના દેખીતા ઉપાયો વગરના અમારા રહેઠાણ દરમ્યાન અમે નવા શોખ વિકસાવ્યા અને તે સાથે અમુક પ્રાથમિકતાઓનું પણ ભાન થયું.  દિવસમાં કમસે કમ એકવાર જમવાનું બનાવવું, સ્વીમીંગ કરવું, વાંચવું, લખવું અને પહાડો પર ચઢવું. હા, આ લીસ્ટમાં 'કશું ન કરવું' પણ લખી શકાય. 'કશું જ ન કરવાની' મજા અલગ હોય છે. 'કશું ન કરવું' એટલે સભાનતાપૂર્વક કોઈ પ્રવૃત્તિ ન કરવી કે ન તેમાં ભાગ લેવો. કોઈ સુંદર જગ્યાએ કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર ક્ષિતિજની સામે જોયા કરવું, તે સમય પસાર કરવાની અદભૂત રીત છે. આજના પ્રવૃત્તિથી હર્યા-ભર્યા જીવનની સરખામણીમાં 'કશું ન કરવું' તેવું કોઈને કહીએ તો લોકો અકળાઈ ઉઠે. હંમેશા 'કંઇક કરતા રહેવું જોઈએ' તે આધુનિક જીવનનો મંત્ર છે તેથી દરેક દિવસમાં કરવાની વસ્તુઓ નક્કી હોય, કોને મળવાનું હોય તે નક્કી હોય, કઈ ઘટનાઓમાં ભાગ લેવાનું છે અને શેમાં સાક્ષીરૂપ રહેવાનું તે બધું પણ નક્કી હોય. તેનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં, બધી જ સર્જનાત્મકતાઓ 'કશું ન કરવાની' સ્થિતિમાંથી જન્મતી હોય છે.

થીમ્ફૂ શહેરની આસપાસ અનેક ઊંચા પર્વતો હતાં જે નાની-મોટી ટેકરીઓની હારમાળાનાં બનેલા હતાં. આખો પર્વત ચડતા આખો દિવસ કે વધુ સમય લાગી શકે અને પછી ત્યાં રાત વીતાવવા તંબૂ, સ્ટવની પૂરી સાધન-સામગ્રી જોઈએ. અમે આખો પહાડ ચઢવાના આગ્રહ રાખ્યા વિના શનિવારના દિવસે નાના ખભેથેલા ઊંચકીને નીકળી પડતા, જેટલું ચઢાણ થાય તેટલું કરતા અને સાંજ સુધીમાં પાછા ફરતા અને રવિવારે તેનો થાક ઉતારતા. લગભગ દરેક પહાડની કે તેની ટેકરીઓ પર નાના-મોટા મંદિરો કે મઠ (ગોમ્પા) મળી આવતા. અડાબીડ પહાડોમાં માનવવસ્તી મળી આવવાનો આનંદ અનેરો હોય છે. પર્વત ચઢતાં સામે મળતા બિલકુલ અજાણ્યા લોકોનું અભિવાદન પણ સાહજિક રીતે થઇ જતું. આ મઠ-મંદિરોમાં પ્રેમથી લોકો આવકારતા, ચા-નાસ્તો વગેરે આપતા. અમને માત્ર સ્થાનિક ભાષા ઝોન્ખામાં 'કુઝોઝામ્બો' કહેતા આવડતું જેનો 'કુઝોઝામ્બોલા' જેવો જવાબ મળતો. તે સિવાય, કોઈ ભાષાકીય આદાન-પ્રદાન નહિ. માત્ર સ્મિત અને આદરપૂર્વકનું આચરણ. નેપાળી ભાષા ઝોન્ખા સિવાય બીજી પ્રચલિત ભાષા છે, જે અમને બહુ આવડતી નહિ. કોઈકને થોડું ઘણું હિન્દી આવડતું હોય તો વાતચીત થાય. આ જાતઅનુભવ હતો કે માનવતાની કોઈ ભાષા નથી હોતી. અમને કોઈ મઠમાં જવાની કોઈ જરૂર નહોતી, અમારી પાસે ખાવા-પીવાનો પુરતો સ્ટોક રહેતો અને તેમને પણ અમને આવકારવાની કોઈ જરૂર નહોતી. પણ આ બધું સાહજિક રીતે થયું, બંને પક્ષે કોઈ પ્રકારના વળતરની આશા વગર. આ સરળતા અને સાહજિકતા અમને આ આખાય પ્રવાસ વખતે વારંવાર સ્પર્શી.


(થીમ્ફૂનું એકમાત્ર ફિલ્મ થીયેટર કોઈ ભૂટાનીઝ ફિલ્મના પોસ્ટર સાથે)
થીમ્ફૂમાં બીજું 'જોવા જેવું સ્થળ' હતું, ફિલ્મ થીયેટર. અહીંની ટીકીટ લેવાની પધ્ધતિ જોરદાર હતી. ધારો કે 'સ્ટોલ'ની એટલે કે નીચેના ભાગની ટીકીટ લેવી હોય તો થીયેટરના મુખ્ય દરવાજાની બાજુની તરફની દીવાલ પર ટીકીટ બારી હતી. આવી ટીકીટબારી પર સામાન્ય રીતે 'બુકિંગ' કે 'ટીકીટ' જેવું કઈ લખેલું હોય અને પૈસા-ટીકીટની આપલે કરવા, વાતચીત કરવા માટેની બારી હોય. અહીં એવું કશું જ ન હતું. અમે લોકોની ભીડ જોઇને તે તરફ આગળ વધ્યા તો ખબર પડી કે દીવાલમાં હાથ જઈ શકે તેવું એક માત્ર બાકોરું હતું, વાતચીત કરવાની કે આર-પાર જોવાની કોઈ બારી નહિ. વળી, અહીંથી 'ટીકીટ' મળશે તેવું પણ ક્યાંય લખેલું નહિ. થીયેટરની વિશાળ દીવાલ પર એક ભેદી બાકોરું કે જેમાં પૈસા સાથે હાથ નાખો એટલે ટીકીટ અને છૂટ્ટા પૈસા પાછા મળે. કેટલી ટીકીટ જોઈએ તે હાથના ઇશારાથી બતાવવું પડે. કોઈ વાત-ચીત કે સંવાદની જરૂર જ નહિ કારણકે અહીં 'સ્ટોલ'ની એટલે કે એક જ પ્રકારની ટીકીટ મળે. 'બાલ્કની'ની ટીકીટ અંદર ગયા પછી જ મળે. બસ કંડકટરની જેમ 'ટીકીટ, ટીકીટ'ની બૂમ પડતો માણસ ફિલ્મના ટાઈટલ શરુ થાય પછી આવે અને ત્યાર બાદ 'બાલ્કની'માં એન્ટ્રી બંધ. અહીં અમે જગતની થીયેટરમાં મોટા પડદા પર જવલ્લે જ જોવા મળતી ફિલ્મો જોઈ. ના, ના, ફેલીની-તારકોવ્સ્કી-ગોદાર્દ એવું બધું નહિ. 'આઈ લવ યુ, ઇન્ડિયા' નામની હિન્દીમાં ડબ થયેલી તમિલ ફિલ્મ, ચક નોરીસની 'એન આઈ ફોર એન આઈ' કે પછી જેકી ચાનની 'ફિયરલેસ હાયના' ઉર્ફ 'ખૂંખાર ભેડિયા' વગેરે વગેરે.
(ચાંગ લમના મકાનો અને ચાંગલીમથાંગ ફૂટબોલ ગ્રાઉન્ડનું દ્રશ્ય નદીની બીજી તરફથી)
જોવા લાયક જગ્યા નંબર ત્રણ માટે શનિવારની રાહ જોવી પડે. દર અઠવાડીયે શનિવારે બજાર ભરાય જ્યાં લીલાં શાકભાજી, સુકી માછલી, તાજું માંસ, દેશી ઈંડા વગેરે એકબીજાની કોઈ આભડછેટ કે સૂગ રાખ્યા વગર એકબીજાની આજુબાજુમાં વેચાતાં મળે. તે સાથે ઘરગથ્થું સામાન પણ ખરો. સૌથી તાજું શાક લેવાની આ એક જ જગ્યા, અઠવાડિયામાં એક જ વાર. સૌથી વધારે ખપત થાય લીલાં જાડા મરચાંની. અહીંના લોકોને લીલાં મરચાનો બહુ શોખ. ભૂટાનની એક ટીપીકલ વાનગી છે, એમાદાત્સી, જે લાલ જાડા ભાત જોડે ખવાય. એમા એટલે મરચાં અને દાત્સી એટલે સ્થાનિક ચીઝ. પરંપરાગત ભોજનમાં આ ચીઝનો ઉપયોગ પણ બહુ થાય. સહેજ આથો આવેલી, તીવ્ર (સુ)વાસ ધરાવતી આ ચીઝથી લોકો ભાત-ભાતનાં વ્યંજન તૈયાર કરે છે. ભૂટાનની પરમ્પરાગત રસોઈ બહુ સાદી અને પ્રાથમિક પ્રકારની કહી શકાય. તે સામે ભારતીય વ્યંજનો ઘણી ઉત્ક્રાંતિ પામ્યા છે. થીમ્ફૂમાં નાની-મોટી હોટેલોમાં પંજાબી, ચાઇનીઝ, નેપાળી ખાણાં વગેરે મળી જાય છે. પણ બધી ય ભારતીય ચીજો મળવી મુશ્કેલ છે. દર રવિવારે સવારે ઇન્ડિયન આર્મીના કેન્ટોનમેંટના સ્ટોરમાં સમોસા અને જલેબી મળતા, જે અમે શરૂઆતમાં નિયમિત રીતે ખાવા જતા હતાં.

આ સિવાય, અહીના સ્વીમીંગ પુલની મજા કંઇક ઓર હતી. ઠંડા પ્રદેશોમાં હોય છે તેમ ગરમ પાણીવાળો સ્વીમીંગપુલ. ઓફિસથી સ્વીમીંગ કરવા (શીખવા) અને તે પછી ઘરે આવીને તોતિંગ ભૂખને ન્યાય આપવા ભોજનની તૈયારી. વિચારો, દેશનો એક માત્ર જાહેર સ્વીમીંગપુલ! અહીં 'દેશના એક માત્ર' અને દરેકની આગળ 'નેશનલ' લગાડવાની બહુ મજા આવતી. અમેરિકનો જે રીતે છૂટથી 'દુનિયાના સૌથી મોટા', 'દુનિયામાં સૌથી વધારે' વગેરેનો ઉપયોગ એમ ધારીને કરે છે કે અમેરિકામાં જો કોઈ રેકોર્ડ હશે તે દુનિયામાં પણ રેકોર્ડ જ હશે. તે રીતે અમે થીમ્ફૂમાં જે કંઇ હશે તે આ દેશમાં 'એક માત્ર' હોવાનો દાવો કરતા રહેતા.

એકંદરે, થીમ્ફૂમાં વસવાટ શાંતિપૂર્ણ રહ્યો અને સાથે સાથે ઘણું નવું શીખવા પણ મળ્યું. હજી સુધી થીમ્ફૂના અને તેની આસ-પાસના વિસ્તારોના સત્તાવાર રીતે સહેલાણીમાં પ્રિય સ્થળોની કે તેના સ્થાપત્ય વગેરેની વાત અહીં કરી નથી. જે આગળ કરવાનો નિર્ધાર છે. પણ તે પહેલાં થીમ્ફૂના જનજીવનની, સંસ્કૃતિની અને અમારા રોજ-બરોજના જીવનની પૂર્વભૂમિકા આપવી જરૂરી લાગી હતી. આ સાથે સાથે ત્યાં દોરેલા સ્કેચ વગેરે પણ આ લેખોમાં શામેલ કરવાના બાકી છે. લાગે છે આ ભૂટાનની સીરીઝ લાંબી ચાલશે પણ વચ્ચે વચ્ચે કોઈ વિચારોનું અતિક્રમણ થશે તો બીજા વિષયના લેખો પણ આવતા રહેશે. છેલ્લે છેલ્લે, દિવાળીના પર્વની ઉજવણી વચ્ચે જીવનભરની યાદગીરી તરીકે ઉજવી શકાય તેવી બે તસવીરો.

(ડીસેમ્બર, 2007ના શિયાળુ તડકાથી હર્યા-ભર્યા દિવસે ડ્રુક એરના ૪૦-સીટર વિમાન(જે પ્રમાણમાં ઓછી હાઈટ પકડીને ઉડે છે)માં કોલકાતા પાછા ફરતી વખતનું દ્રશ્ય. પાઈલોટ જાહેર કરે છે કે ડાબી તરફ નજીક દેખાતી બર્ફીલી પર્વતમાળાનું ઉન્મત્ત શિખર એટલે કાંચનજંઘા અને દૂર દેખાતી બર્ફીલી પર્વતમાળાનું મુખ્ય શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ! માત્ર આ એક નજારો જોવા માટે આ મુસાફરી વિમાનમાં કરવા જેવી છે.)
(પર્વતોની હારમાળ વચ્ચે કાંચનજંઘા)

Sunday, October 16, 2011

ભોમિયા વિના ભૂટાનમાં ભમતાં - ૧

 (પારો ખીણ વિસ્તાર, ૨૦૦૭)
ભોમિયા વિના ભૂટાનના ડુંગરા ભમતાં'તાં એ વાતને આજે બાર-તેર વર્ષ થયા. ૧૯૯૮માં પહેલી વાર અમે ભૂટાનમાં પગ મૂક્યો ત્યારે વીસ-એકવીસ વર્ષના છોકરડાઓ હતાં. જ્યાં પહોંચતા જમીન માર્ગે ગુજરાતથી ત્રણ-ચાર દિવસ લાગે એવા બિલકુલ નવા દેશમાં જવાનો રોમાંચ અદભૂત હતો. અહીં અમે એટલે હું અને મિત્ર નિલય. અમે સાંભળેલું કે અમારી કોલેજના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી ત્યાં આર્કીટેકટ તરીકે પ્રેક્ટીસ કરે છે. તે વખતે ઈ-મેલ તો ચલણમાં ન હતા, તેથી તેમની સાથે એક-બે પત્રનો વ્યવહાર ચાલ્યો. અમે પૂછ્યું 'આવીએ?' અને તેમણે કહ્યું કે 'આવી જાવો'. આજે વિચારું છું તો નવાઈ લાગે છે કે માત્ર એક લેટર હાથમાં લઈને અમે 'સાત સમંદર પાર' પહોંચી ગયેલા, પેલી ઓફિસમાં ટ્રેઈનીંગ કરવા માટે. ટ્રેઈનીંગ સિવાયનો અજેંડા (અને આમ તો મૂળ અજેંડા) એ જ હતો કે એક નવી સંસ્કૃતિને સમજવી, નવા દેશને ખૂંદી વળવો, ખૂબ વાંચન કરવું, સ્કેચીંગ કરવું, ખૂબ રખડવું વગેરે. મજાની વાત તો એ છે કે આ બધું કરવા માટે ભણવામાંથી ઓફિશિયલી રજા મળે, થોડા પૈસા કમાવા મળે અને અધૂરામાં પૂરું, મા-બાપ તરફથી છૂટ અને પ્રોત્સાહન પણ મળે. હવેના બધા અહેવાલો તે આ ભૂટાન પ્રવાસના સંસ્મરણો, પ્રવાસ-વર્ણન વગેરેનું મિશ્રણ છે. 

આ પ્રવાસે મારા જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો તેવું આજે લાગે છે. પ્રવાસો વલોણાં જેવા હોય છે. તે અંદરથી માખણ અને પાણી અલગ તારી આપે છે. એક જ સમાજમાં, એક ઘરેડમાં, એક જ રીતે ઉછરેલાં, એક જ પ્રકારની ભૂગોળ સાથે સંકળાયેલા લોકોમાં સંકુચિત વિચારો હોવાની સંભાવના વધુ છે. જ્યારે ખૂબ પ્રવાસ ખેડેલા લોકો ખુલ્લા મનનાં હોવાની શક્યતા વધુ છે. પોતાનાથી અલગ દેખાતા, વર્તન કરતા, વિચારતા લોકો 'તેવું કેમ કરતા હોય' તેની ખબર પડવાનું શરુ થાય ત્યારે પોતાના અમુક જડ આગ્રહો કેવા ક્ષુલ્લક હોય છે, તે સમજાય છે. ખાસ તો આવું જ્યારે સમજણ વિકસી રહી હોય ત્યારે થાય તે બહુ જરૂરી છે. તેથી ભૂટાનના લોકો, ત્યાંની સંસ્કૃતિ વગેરેએ અમારા પર ઊંડી છાપ પાડી. કે પછી અમે આવી ઊંડી છાપ પડી શકે તેવી જગ્યા શોધતા હતા અને ભૂટાન સામે મળ્યું તેવું પણ બની શકે.

વિદ્યાર્થી અવસ્થામાં કોઈ પણ પ્રકારની સગવડોને ધરાર અવગણીને કરેલાં પ્રવાસની મજા અલગ હોય છે. અમારા બે વચ્ચે એક SLR કેમેરો હતો. ડીજીટલ કેમેરાનો જમાનો ન આવ્યો હોવાથી અમે ફોટા પણ બહુ સાચવીને વ્યવસ્થિત આયોજન કરીને લેતા હતા. અધૂરામાં પૂરું, કોઈક કારણસર અમે સ્લાઈડ્સ લેવાનું નક્કી કર્યું, જેના માટે સ્લાઈડ્સ રોલ અલગ આવતા હતા. અમારા છ મહિનાના ભૂટાન, સિક્કિમ, નેપાળ પ્રવાસના બધા ફોટોગ્રાફ્સને બદલે સ્લાઈડ્સ છે. હવે તો આખી ટેકનોલોજી બદલાઈ ગઈ છે. હવે આ પ્રવાસના સંભારણારૂપે નિલય પાસે બોક્સ ભરીને સ્લાઈડ્સ છે. સ્લાઈડ્સને ડીજીટાઈઝ કરાવી મોંઘી છે અને તે પછી પણ સારું પરિણામ મળતું નથી. એટલે આ આખો પ્રવાસ 'જે છે તે કેવળ અમારી આંખોમાં'. હા, થોડા ઘણા રેખાચિત્રો, ઘરે લખેલા લાંબા પત્રો અને એક ડાયરીમાં કરેલું અમુક-તમુક વર્ણન મળી આવ્યા છે. જેના આધારે આ લખાઈ રહ્યું છે. બહુ ઓછા દૃષ્ટિ-વિષયક પુરાવા ન હોવાથી આ 'વાર્તા' કહેવાની તત્પરતા અને રોમાંચ બંને છે. જો કે અહીં (અને ભવિષ્યના લખાણોમાં) જોડેલા ફોટોગ્રાફ્સ ૨૦૦૭માં બીજી વાર કરેલા પ્રવાસ વખતે લીધેલા છે.

હાવરા એક્પ્રેસમાં અડતાલીસ કલાકે કલકત્તા પહોંચ્યા. ત્યાંથી આગળ સિલીગુડીની ટ્રેઈનની ટીકીટ ન મળવાને લીધે, બસમાં પ્રવાસ કરવાનું ગોઠવ્યું. રાત્રે શરુ થયેલી બસે લગભગ ૬ પંચર વેઠીને અને અમે એક ભંગાર ડ્રાઈવર અને ખરાબ રસ્તાને ખમીને બાર કલાકનો રસ્તો વીસ કલાકમાં પતાવ્યો. કલકત્તાથી સિલીગુડી જવું એટલે પશ્ચિમ બંગાળના છેક દક્ષીણ છેડેથી ઉત્તર છેડે પહોંચવું. રસ્તામાં બંગાળના અત્યંત અંતરિયાળ ગામડાઓ જોયા. ત્યારે પશ્ચિમ અને પૂર્વ ભારત વચ્ચેનો ફરક સમજાયો. ગામડાં, તેમના ખેતીનાં પાક, વપરાતાં સાધનો, ત્યાંની ગરીબી વગેરેમાં પૂર્વ અને પશ્ચિમ ભારત વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાનની હાઈવે હોટલો પર નભેલા અમે પહેલાં અમુક કલાકો સુધી તો બસની નીચે પણ ન ઉતર્યા. પારલેના બિસ્કીટ તે એક માત્ર 'બહારની' ચીજ દેખવામાં આવેલી અને તે સિવાય ખાવા-પીવાનો કોઈ જ વિકલ્પ ન હતો. છેવટે લાલ બંગાળમાં દાતરડાં-હથોડીના નિશાન ચીતરેલી ચાનાં ગલ્લા જેટલી નાની, પ્રોલેટેરિયન ઉર્ફે વર્કિંગ ક્લાસ ઉર્ફે દહાડિયા મજૂરોથી ભરેલી કોઈ હોટેલમાં માછલીની ગંધ વચ્ચે, જાડા ભાત અને 'કશુંક' ખાઈને સવાર-સાંજ પેટ ભર્યું. સિલીગુડી પહોચ્યાં ત્યાં સુધીમાં ઠૂસ થઇ ગયેલા. 

સિલીગુડી એ બહુ જ વ્યૂહાત્મક જગ્યા છે. આ પ્રદેશ એટલે એક તરફ નેપાળ, બીજી તરફ ભૂટાન, ત્રીજી તરફ આસામ, ઉપરની તરફ દાર્જીલિંગ/સિક્કિમ અને તેની નીચે બાંગ્લાદેશ અને બંગાળ. સિલીગુડીથી નક્સલબારી નામનું ગામ (જ્યાંથી નક્સલ-વિગ્રહની શરૂઆત થઇ હતી) માત્ર પચીસેક કિલોમીટર દૂર છે. ઉત્તર-પૂર્વ રાજ્યો કે નેપાળ-બાંગ્લાદેશ સંબંધિત દરેક રાજકીય કે ભાંગફોડીયા કે હિંસક પ્રવૃત્તિ માટે ભૌગોલિક રીતે સિલીગુડી કેન્દ્ર ગણાય. તે જ રીતે બધા જ પ્રકારની સરકારી પ્રવૃતિઓ માટે પણ. અમારું ગંતવ્યસ્થાન થીમ્ફૂ (ભૂટાનની રાજધાની) હતું. ત્યાં જવા માટે જમીન માર્ગે ફૂન્શીલીંગ થઈને જવું પડે.

ફૂન્શીલીંગ ભારત-ભૂટાનની પશ્ચિમ સરહદે આવેલું ગામ છે. જેનો ભારતીય ભાગ જલગાંવ તરીકે ઓળખાય છે. બીજે દિવસે સવારે સિલીગુડીથી ફૂન્શીલીંગ ભારે હરિયાળીવાળા પ્રદેશો અને વિશાળ નદીઓ વટાવતાં પહોંચ્યા. ફૂન્શીલીંગમાં પહોંચતા જ 'ફોરેન'માં આવી ગયા હોય તેવું લાગ્યું - સાફ રસ્તા, સુવ્યવસ્થિત ટ્રાફિક, નવા પ્રકારની નંબર પ્લેટ, નવા પ્રકારના લોકો અને તેમનો પહેરવેશ. મને એ યાદ છે કે સૌથી પહેલો ગાંડા-ઘેલા જેવો આનંદ એ હતો કે આ 'ફોરેન' તો ખરું, ભલેને આપણી પડોશમાં હોય. ફૂન્શીલીંગ પહોંચીને સૌથી પહેલું કામ હતું થીમ્ફૂ માટે ટુરિસ્ટ પરમીટ લેવાનું. જે જેમ તેમ નોકરશાહીના મૂડ પ્રમાણે અને ઘણી ધીરજ રાખીને પતાવ્યું. ફૂન્શીલીંગથી આગળ પહાડી વિસ્તાર શરુ થતો હતો. થીમ્ફૂ સમુદ્રની સપાટીથી લગભગ ૨૫૦૦ મી. (૭૫૦૦ ફૂટ)ની ઊંચાઈએ આવેલું છે. પહાડી વિસ્તાર શું કહેવાય તેની ખરી પરખ અમને હવે થવાની હતી. ફૂન્શીલીન્ગથી થીમ્ફૂ લગભગ ૧૭૬ કી.મી. છે. રાત્રે વાહન ચલાવવું બહુ જ ખતરનાક જણાય છે એટલે આખા ભૂટાનમાં રાત્રે કોઈ પણ બસ વગેરે ચાલતી નથી. હવે બે શહેરો વચ્ચે અંતરના પરિમાણો પણ બદલાઈ ગયા હતા. ૧૭૬ કી.મી. એટલે સપાટ વિસ્તારમાં ૩-૪ કલાકની મુસાફરી પણ પહાડી વિસ્તારમાં ૭-૮ કલાકની મુસાફરી ગણાય. તેમાં પણ ભૂ-સ્ખલનના લીધે રસ્તો બંધ હોય તો દિવસો સુધી એક જગ્યાએ પડ્યા-પાથર્યા રહેવું પડે. પહાડી વિસ્તારમાં રહેવું હોય તો બસની મુસાફરીમાં સતત ચઢાણ અને બદલાતા હવાફેરની આદત પાડવી જરૂરી હોય છે. પહેલી વખત સતત આટલા બધા 'ઉંચકાવા'ને લીધે અમે અધમૂવા તો થઇ જ ગયા હતા.

અમે પહેલી જૂન, ૧૯૯૮ના રોજ સાંજના સુમારે નીચેની તસ્વીરમાં જે દ્રશ્ય દેખાય તેવું દ્રશ્ય જોતાં-જોતાં થીમ્ફૂમાં પ્રવેશ કર્યો ત્યારે અમારી મુસાફરીનો સતત ચોથો દિવસ હતો. જેમાંથી અમે ૪૮ કલાક ટ્રેનમાં અને ૨૪ કલાક ગતિશીલ બસમાં અને બાકીના ૮ કલાક બંધ પડેલી બસમાં ગાળ્યા હતા. અમદાવાદના તેતાલીસ ડીગ્રી તાપમાનમાંથી અમે પંદર-સોળ ડીગ્રીમાં સ્થળાંતરિત થયા હતાં. થીમ્ફૂના બસસ્ટેન્ડે અને સમગ્ર શહેરમાં (અને સમગ્ર દેશમાં) કોઈ રીક્ષા ન હોવાથી અમે અમારી પૈડાં વગરની સૂટકેસ અને બગલથેલા ઉપાડી અને 'ચાંગ લમ' પર આવેલી ઓફીસ તરફ પ્રયાણ કર્યું. પૈડાંવાળી બેગોએ સામાજિક ક્રાંતિ સર્જી છે, તે અમને ત્યારે સમજાયું. પહાડી વિસ્તારોમાં જરૂર પુરતો જ સમાન લઈને જવું, સામાન કેવી રીતે ભરવો, સારા રગસૅક ઉર્ફ બેગપૅક વસાવવા વગેરે ડાહપણ પણ ત્યારે જ આવ્યું. 
(થીમ્ફૂ શહેર)
થીમ્ફૂ ભૂટાનની રાજધાની અને મોટામાં મોટું શહેર છે. મોટામાં મોટું એટલે ૧૯૯૮માં થીમ્ફૂની વસ્તી હતી લગભગ સાઠ હજાર અને આજે શહેરી પ્લાનિંગના નવા પ્રયાસો પછી વસ્તી છે લગભગ એંશી હજાર. ભૂટાનમાં આપણે જેને 'નાનું' કે 'મોટું', 'ઊંચું' કે 'નીચું', 'સપાટ' અને 'ઢોળાવવાળું' કહીએ છીએ તે બધાની અલગ વ્યાખ્યા કરવી પડે. ભૂટાનમાં બધી શહેરી વસાહતો ખીણ પ્રદેશોમાં વિકસી છે. તેથી થીમ્ફૂ, પારો, હા, પુનાખા, ભૂમથાંગ, તોન્ગસા, મોન્ગર, ચુખા વગેરે શહેરી વસાહતો તે એકબીજાની સમાંતર ખીણ પ્રદેશો છે. જયારે ફૂન્શીલીંગ, ગેઇલેગફૂગ, સમદ્રુપ જોન્ખાર વગેરે ભારતની સરહદને અડીને આવેલા શહેરી વિસ્તારો છે. મોટાભાગના લોકો શહેરના મુખ્ય ભાગ એટલે કે બજાર વગેરે વિસ્તારની નજીક રહેતા, જયારે લગભગ ત્રીજા ભાગના લોકો આખા ખીણ વિસ્તારમાં પથરાયેલા હતા. એટલે કે અમદાવાદના એક-બે વોર્ડ જેટલી વસ્તી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પથરાયેલી હોય. અહીંના લોકો પરંપરાગત રીતે જ એકબીજાની પડખે રહેવાની જગ્યા એ એક-બીજાથી દૂર દૂર નાના-મોટા ઝૂમખાંમાં રહે છે, પશુ-પાલન કરે છે કે ખેતી કરે છે. 
(થીમ્ફૂમાં આવેલું ચન્ગન્ખા લાખાંગ (મંદિર), તેની પાછળ રેડિયો સ્ટેશન અને પહાડોની હારમાળા) 
(ચન્ગન્ખા લાખાંગથી દેખાતું થીમ્ફૂ શહેરનું દ્રશ્ય) 
પહાડી વિસ્તારના લોકોને આ જગ્યાના મોકળાશની જબરદસ્ત આદત હોય છે. ત્યારે થીમ્ફૂમાં મુખ્ય રસ્તા પર એકાદ મીનીટે માંડ એક કાર પસાર થતી જોવા મળે અને લોકો એવું અમને કહેતા કે 'થીમ્ફૂમાં કેટલી ભીડ છે'. તેવું જ તાપમાનની બાબતમાં પણ થતું. પચીસ ડીગ્રી પર તાપમાન પહોંચે કે લોકો ગરમી-ગરમીનો કકળાટ ચાલુ કરી દેતા. ખીણ વિસ્તાર હોય એટલે બહુ સપાટ જમીનનો વિસ્તાર હોવો જરૂરી નથી. શહેરનો દરેક રસ્તો ઉપર-નીચે જતો હોય. અમે એવી મજાક કરતા કે આ લોકોને જ્યાં થોડો પણ સપાટ વિસ્તાર મળે છે ત્યાં હવાઈ પટ્ટી કે ફૂટબોલનું મેદાન બનાવી દે છે. તેથી રસ્તે ચાલતા તમે કાં તો ઉપર જતા જાઓ કે નીચે આવો. રોજબરોજની વાતચીતમાં પણ 'તમે અહીં આવો'ની જગ્યા એ 'તમે ઉપર આવો' કે 'હું નીચે આવી રહ્યો છું' તેવો વપરાશ હિન્દી કે અંગ્રેજી બોલાતી વખતે સંભાળવા મળે. 

(શિયાળાની સાંજે થીમ્ફૂ શહેર)  

 
(ભૂટાનના પરંપરાગત સ્થાપત્યની શૈલીમાં બનાવેલું સ્થાનિક ચિત્રકલા સ્કૂલનું આધુનિક મકાન)
થીમ્ફૂ મજાનું નાનકડું શહેર છે. નાનકડા દેશની રાજધાની હોવાને લીધે તેની નાની-મોટી સવલતોને સંસ્થાઓ આપોઆપ 'રાષ્ટ્રીય' બની જતી હોય છે. શહેરમાં એક માત્ર થીયેટર છે, એક માત્ર સ્વીમીંગ પુલ છે, એક માત્ર ફૂટબોલનું મેદાન છે, બધા એક-બીજાને ઓળખે છે. ક્યાંય ટ્રાફિક નથી, ટ્રાફિક પોલીસ એક ખૂણામાં કંટાળીને ઉભા રહે છે. સ્થાનિક સમાચાર આપતું સાપ્તાહિક છે, ભારતીય છાપાં બે-ત્રણ દિવસ મોડા પહોંચે છે. થીયેટરમાં ભારતીય ફિલ્મો વર્ષો જૂની આવે છે, મોટેભાગે માર-ધાડ વાળી જ. જો કે આ પરિસ્થિતિ હમણાં ઘણી બદલાઈ છે, ખાસ તો ટ્રાફિકની બાબતમાં. થીમ્ફૂ ઘણી રીતે એવું શહેર છે કે જ્યાં સુખી શહેરી જીવન માટે જોઈતું બધું છે, ભીડ ઓછી છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ બહુ જ સસ્તા દરે છે. ભૂટાનના લોકો એટલે ખૂબ જ મળતાવડા અને હસમુખા. તેમને જોઇને તેમની સરકારે કરેલો નિશ્ચય સાચો જ લાગે કે "We believe in Gross Domestic Happiness (not in Gross Domestic Products)".
થીમ્ફૂમાં રહેવાનાના રોજ-બરોજના અનુભવો વિષે વધુ આવતા અંકે.

(ભૂટાન-પ્રવાસ વિષે આગળ શું અને કેવી રીતે લખવું તેની અવઢવ છે, સામગ્રી ઘણી જ છે પણ દિશા સ્પષ્ટ નથી. તેથી સૂચનો અને પ્રતિભાવો આવકાર્ય.)

Sunday, October 02, 2011

બીજી ઓક્ટોબરે ગાંધી આશ્રમમાં




બીજી ઓક્ટોબરે ગાંધી આશ્રમમાં
બહુ ભીડ નથી.
'જૂના અને જાણીતા',
'નકલખોરોથી સાવધાન',
'અમારી બીજી કોઈ શાખા નથી'
એવું લખાણ કોક ભૂલી ગ્યું હશે.
ગઈકાલનો ઉધાર ગાંધી રોકડમાં દેખાઈ જાય છે,
પણ આશ્રમની ઓછી ભીડમાં અનાયાસે સંતાઈ જાય છે.


આશ્રમમાં લાલ અને પીળી લાઈટવાળી ગાડીઓ
ગાડીઓનું પાર્કિંગ
પાર્કિંગમાં પોલીસ
પોલીસ એટલે બંદૂક
બંદૂક એટલે ગોળી
ગોળી એટલે હે રામ!


'દાતણ કરવા માટે ઝાડ તોડશો નહિ'
'ફૂલ-પાનને અડકશો નહિ'
'શાંતિ જાળવવી'
'કોઈ ચીજ-વસ્તુને અડકવું નહિ'
કશું સાથે લઈને જવું નહિ,
કોરાંને કોરાં પાછા જવું.


ગાંધીનો શૉ - sound and light.
ગાંધીની દુકાન
ગાંધીશાહીનું વેચાણ
ગાંધીની સંસ્થા
સંસ્થા એટલે હોદ્દા
ગાંધી એટલે ઉદ્યોગ.


હવે આશ્રમ અને નદીને છેટી પાડતી એક ઉંચી દીવાલ છે.
દીવાલો બનાવવાની ઝુંબેશોમાં કોન્ક્રીટનો સાથ છે.
હવે આશ્રમ 'સાઈલન્સ ઝોન'માં અને શહેર આખું ઘોંઘાટ છે.
ગાંધીના નામનું એક નગર વસ્યું છે જ્યાં મંદિર ઝગમગાટ છે.
ગાંધી નામના સિક્કા પડેને ઉપવાસોનો ઉપાડ છે. 
પણ ચરખા ચાલવા બંધ છે.
ચરખા છે,
ચકડોળ નથી માટે.


ક્યાંક એક અચળ કાળી પ્રતિમા પર કોઈ કેસરી ફૂલો સજાવી જાય છે 
ને કોઈ તેને સફેદ-સફેદ સૂતરની આંટીએ આંટી જાય છે.
બધાય પોતપોતાને ગમતો ગાંધી
'સૂંઠને ગાંગડે' બંધાવી જાય છે.

- ઋતુલ જોષી
૨ ઓક્ટોબર, ૨૦૧૧ 

Saturday, September 24, 2011

પાર્ક (પાર્કિંગ) ડે - વાહનો પાસેથી શહેર પાછુ માંગવાનો દિવસ

૧૬મી સપ્ટેમ્બર દુનિયાભરમાં પાર્ક (પાર્કિંગ) ડે તરીકે ઉજવાય છે. આ દિવસે દુનિયાભરમાં લોકો અને સંસ્થાઓ જાહેર પાર્કિંગની જગ્યા 'ભાડે' લઈને તે જગ્યાનો બીજો શું વૈકલ્પિક અને વધુ સારો ઉપયોગ થઇ શકે તેનું નિદર્શન કરે છે. દુનિયાના લગભગ દરેક મોટા શહેરોમાં પાર્કિંગ ડે ઉજવાઈ ગયો - ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, લોસ એંજેલેસ, ફિલાડેલ્ફીયા, ટોરન્ટો, બ્રિસ્બેન, એડીલેડ, લંડન, બર્લિન, કોપનહેગન, ગ્વાંગઝાઉ, સિંગાપોર, અમદાવાદ (જી હા, અમદાવાદ! જુવો અહીં અને અહીં) જેવા અનેક શહેરોએ ભાગ લીધો. પાર્કિંગએ જન્મસિદ્ધ અધિકાર કે માળખાકીય સુવિધા કેમ નથી તે વિષે આ પોસ્ટમાં લખાઈ ચૂક્યું છે એટલે તેથી હવે આગળ.
  (અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે પાર્કિંગ દિવસ, તસ્વીરો: પૂજા સાંઘાણી અને ક્રીસ કોસ્ટ)

આ 'પાર્કિંગ ડે' છે શું અને તેને કેમ ઉજવવો જોઈએ? વિચાર બહુ સાદો-સીધો છે. શહેરો અને શહેરી રસ્તાઓ પર વાહનોનું આધિપત્ય છે, માનવીય જગ્યાઓ, સામાજિક-સંકૃતિક પ્રવૃત્તિઓ માટેની જગ્યાઓ, શહેરને શહેર બનાવતી જગ્યાઓ ઓછી થતી જાય છે. વાહનો જ્યારે આપણા માટે રાહ જોતા ઉભા હોય છે ત્યારે તેઓ મસમોટી જગ્યા રોકે છે, ખાસ તો જયારે રસ્તા પર પાર્ક હોય ત્યારે. પાર્કિંગએ જાહેર જગ્યાનું ખાનગીકરણ કરે છે અને જાહેર જગ્યા પરના આવા 'દબાણ'ને લોકો પોતાનો હક સમજતા થઇ જાય છે. આ દબાણ તેમને દબાણ તરીકે દેખાતું નથી. રાહદારીઓ (વાહન ચાલકો પણ આખરે તો રાહદારી જ બને છે ને!) વાહનો વચ્ચે અટવાતા રહી જાય છે અને તેમને સળંગ ચાલવાલાયક ફૂટપાથના ફાંફા પડે છે. જો એક કતાર પછી બીજી કતાર તેમ 'ડબલ પાર્કિંગ' કરીને રસ્તાઓનો ૩૦%થી ૫૦% ભાગ વાહનોના પાર્કિંગ માટે જ વપરાવાનો હોય તો ગમે તેટલા પહોળા રસ્તા બનાવવાનો શું અર્થ છે? મોટા શહેરોમાં લગભગ પચાસેક વર્ગફૂટની જગ્યાનું ભાડું કમર્શીયલ ભાડું અમુક કલાક માટે ગણી જુવો અને પછી ગણતરી માંડો કે તેટલી જ જગ્યા આપણે એક કારના પાર્કિંગ માટે કેટલી સહેલાઈથી આપી દઈએ છીએ અને તે પણ મફત...મફત...મફત!
  (સૌજન્ય: http://www.uttipec.nic.in/ તરફથી દિલ્હીનો ચાંદનીચોક વિસ્તાર)
પાર્કિંગ દિવસ ઉજવવાની શરૂઆત ૨૦૦૫ માં થઇ હતી. સાન ફ્રાન્સિસ્કો સ્થિત રેબર નામના આર્ટ અને ડીઝાઈન સાથે સંકળાયેલા ગ્રુપે સાન ફ્રાન્સિસ્કોના ડાઉન ટાઉન ઉર્ફે શહેરની મધ્યે એક પાર્કિંગ સ્લોટ ભાડે લઈને તેને નીચે જણાવ્યા પ્રમાણે 'જાહેર બગીચા'માં ફેરવી કાઢ્યો. તેમના કહેવા પ્રમાણે 'શહેરી વાતાવરણમાં માણસજાત માટે રીલેક્સ થવાની, બે ઘડી પોરો ખાવાની, આરામ ફરવાની કે પછી 'કશું જ ન કરવાની' જગ્યાઓની ભયંકર કમી છે. સાન ફ્રાન્સિસ્કોના ડાઉન ટાઉનની ૭૦%  જાહેર જગ્યાઓ માત્ર વાહનો માટે બની છે, માણસો માટે નહિ'. તેથી આ ગ્રુપના સભ્યોએ લોકોને માનવ-વાહન વચ્ચેનો તુલના-ભેદ બતાવવા માટે પાર્કિંગને પાર્કમાં ફેરવવાનું શરુ કર્યું.
  (તસવીર: http://rebargroup.org/parking/)
બસ ત્યાર પછીથી 'પાર્કિંગ ડે' તે વાહનો પાસેથી શહેરની થોડી જગ્યા પાછી માંગવાનો દિવસ છે, તે પણ થોડી સામાન્ય બુદ્ધિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને. તો પછી મૂળભૂત સવાલ આવે કે જો પાર્કિંગ ન થવા દેવું તો પછી શું કરવું? તેનો સીધો જવાબ છે, આપણે જે પ્રકારનું શહેર બનાવવા માંગતા હોઈએ તેવી પ્રવૃત્તિઓનું નિદર્શન કરવું. જો તમને લાગતું હોય કે બાળકોને રમવા જગ્યા નથી કે વૃધ્ધોને નવી પ્રવૃત્તિ મળે તેવું કંઈ નથી કે પછી યુવાન-હૈયાઓ માટેનું કોઈ સ્થળ કે પછી હળવી કસરત માટેને વ્યવસ્થા કે પછી કોઈ કલાકારની પ્રતીકૃતીનું જાહેર પ્રદર્શન કે પછી... યાદી બહુ લાંબી છે, લોકો પોતાની સમજ પ્રમાણે બીજા લોકોને શામેલ કરી શકાય તેવી કોઈ પણ જાહેર પ્રવૃત્તિ કરી શકે છે. નીચે આપેલી તસવીરો દુનિયાના  વિવિધ શહેરોમાં ૨૦૧૧માં  ઉજવાઈ ગયેલા પાર્કિંગ દિવસનો અહેવાલ છે.


પાર્કિંગની જેવી જ બીજી રસ્તાનું ખાનગીકરણ કરતી પ્રવૃત્તિ છે લારી-ગલ્લાં અને પાથરણાવાળા. જો કે બંને પ્રવૃત્તિમાં બે ફરક છે. પહેલું તો પાર્કિંગએ 'ડેડ સ્પેસ' છે એટલે કે તેનો ઉપયોગ બીજું કોઈ કરી શકાતું નથી. જ્યારે લારી-ગલ્લાં જેવી આર્થિક પ્રવૃત્તિથી વેચાણ કરનાર અને ગ્રાહક બંનેને ફાયદો થાય છે. ઘર આંગણે જ વસ્તુઓ મળી જવાથી બહુ લાંબે જવું પડતું નથી, તેથી બળતણ બાળવાની જરૂર નથી રહેતી. બીજું કે, મફત પાર્કિંગની સામે લારી-ગલ્લાંની પ્રવૃત્તિ સાવ મફત હોતી નથી. મોટાભાગના લારી-ગલ્લાંવાળા બહુ જ નિયમિતતાથી અને વર્ષોથી ગોઠવેલી પ્રણાલી મુજબ જે-તે જગ્યાનો હપ્તો ચૂકવતાં હોય છે, જાણે કે 'સમાંતર' અર્થ વ્યવસ્થા જ ન હોય. હવે સવાલ એ છે કે લારી-ગલ્લાંવાળાએ જો 'ભાડું' ચૂકવવાનું જ હોય તો તે સરકારને સીધું જ કેમ ન ચૂકવે!

આખરે, પાર્કિંગ દિવસ જેવા પ્રતીકાત્મક અભીક્રમો ઉપરાંત પાર્કિંગની પ્રવૃત્તિને અંકુશમાં લાવી શકાય તેવા લાંબા ગાળાના ઉપાયો શું છે?  આ વિષય એક પૂરેપૂરી નવી પોસ્ટનો છે એટલે લંબાણથી ફરી ક્યારેક. પણ જો પાર્કિંગ નિયમનના મૂળભૂત સિદ્ધાંતોની વાત કરીએ તો પાર્કિંગની જગ્યાને એક 'કમોડીટી' બનાવાની તાતી જરૂરીયાત છે એટલે કે તેના પર એક પ્રાઈસ ટેગ મુકવાની જરૂર છે. પાર્કિંગની જગ્યા પર કિંમત મૂકવાથી એક તો જગ્યાનો વ્યવસ્થિત ઉપયોગ થવાનો શરુ થાય છે અને ખરેખર જરૂરીયાતવાળા વાહનો જ પાર્ક થાય છે, બાકીનાં વાહનો પોતાની રીતે બિલ્ડીંગની અંદર કે તેમને ફાળવેલી જગ્યાએ પાર્ક કરતા થઇ જાય છે. બીજું કે, ઘણીવાર મોટા બિલ્ડીંગોમાં પાર્કિંગની જગ્યા હોવા છતાં તે 'બહાર'ના વાહનોને પાર્ક કરવા દેતા નથી. ખરેખરમાં જો પાર્કિંગનું માર્કેટ ઉભું કરવામાં આવે તો આવા વધુ પાર્કિંગ ધરાવતા બિલ્ડીંગ આજુ-બાજુના ઓછું પાર્કિંગ ધરાવતા બિલ્ડીંગના વાહનોને પાર્ક કરવા દઈને રોકડી કરી શકે છે. આ ત્યારે જ શક્ય છે કે જ્યારે રસ્તા પર બધી જગ્યાએ પાર્કિંગ થોડું મોંઘુ કરીને, તેનો પૂરવઠો સંતુલિત કરીને બિલ્ડીંગની અંદરના પાર્કિંગની માંગને પ્રોત્સાહિત કરવામાં આવે. જો કે આ વિષે ઊંડાણથી ફરી ક્યારેક. તમે શું વિચારો છો? ભારતમાં આવું ક્યારે થશે તેમ? બહુ જ જલ્દી, થોડી વાહનોની સંખ્યા નીચેના કાર્ટૂનમાં બતાવ્યા પ્રમાણે હજુ વધવા દો, માંગ-પૂરવઠાનું અર્થશાસ્ત્ર પાછળ-પાછળ આવ્યું જ સમજો!