Wednesday, September 22, 2010

પાણીનું શહેર અને તરસનું શહેર


દુનિયાના સૌથી મહાન શહેરોની ખાસિયત શું? જ્યાં મનભરીને ચાલવાની મજા આવે અને છતાંય શહેર ન ખૂટે. અલગારી રખડપટ્ટીની સરળતા કરી આપે તેવા શહેરો. કે જેમાં પેકેજ ટુર પ્રમાણે ફરવું એટલે કોઈ સુંદર આખે-આખા ગીતની જગ્યાએ તેની ટયુન સંભાળીને ચલાવી લેવું કે કોઈ સુંદર સિમ્ફનીમાં માત્ર અમુક જ વાજિંત્ર સંભાળવા. મહાન શહેરો આખે-આખા ફરવાલાયક કે ચાલવાલાયક હોય છે અને આ શહેરોના ભાગ માત્ર હોવું તે જ સૌથી મજાનો અનુભવ છે. મેં જોયેલા શહેરોમાં મારી 'મહાન'ની વ્યાખ્યામાં ફીટ થતા બે શહેરો આજે ખાસ યાદ કરવા છે - બાથ અને જેસલમેર. એક પાણીનું શહેર અને એક તરસનું શહેર. બાથ શહેર નામ પ્રમાણે પાણી અને પાણીના ઉપયોગની પદ્ધતિઓની આસ પાસ રચાયેલું શહેર છે અને જેસલમેર મરૂભૂમિની છાતી પર તરસ્યાની પરબ જેવું શહેર છે.
બાથ શહેરમાં થોડો-ઘણો સમય વિતાવ્યા બાદ ક્યારેય આ શહેર ભૂલી શકાયું નથી અને તેની સાથે કોઈ અગમ્ય કારણસર જેસલમેરનો સતત પડછાયો રહે છે. દુનિયાના બે જુદા જુદા ખૂણે આવેલા, એક બીજાથી સંપૂર્ણપણે જુદી સંસ્કૃતિ, હવામાન, ખાન-પાન, રીત-રસમ, સ્થાપત્ય ધરાવતા શહેરોમાં સામ્યતા શું? પાણી અને પથ્થર - બાથ આખું પાણી-દાર શહેર છે, જયારે જેસલમેરમાં પાણી નહિ હોવાની યાદ વારંવાર આવે છે. જેસલમેરના પ્રખ્યાત પથ્થર જાણે સૂર્યના આકરા કિરણોમાં પાકીને સોનવર્ણ પીળા થયા છે. જયારે બાથની ભેજયુક્ત આબોહવા ઝીલીને અહીના પથ્થર સતત ભીનાશની અસર ધરાવતા આછા પીળા રંગના છે. આજ સામ્યતા  છે આ બંને શહેરોમાં  - પથ્થરોનો સુંદર ઉપયોગ અને પથ્થરમય કવિતા જેવા શહેરી સ્વરૂપો. જેસલમેરનું સ્થાપત્ય અને શણગારેલી જાળીઓ સૂર્યને ચાળણીની જેમ ચાળી નાખીને પરોક્ષ રીતે મકાનોમાં લઇ આવે છે. જયારે બાથમાં રોમન અસર તળે બંધાયેલા સ્થાપત્યમાં સૂર્યની એન્ટ્રી સીધી પડે છે, ખુલ્લા ચોક અને ચોગાનો દ્વારા. ઈંગ્લેન્ડના શહેરોમાં બાથ શહેર જેવી સુંદરતા ક્યાય જોવા મળતી નથી તો પછી રાજસ્થાનના સુંદર શહેરો વચ્ચે જેસલમેર અનન્ય છે. 
બાથનું ઐતિહાસિક મહત્વ એ છે કે બે હજાર વર્ષ પહેલા જયારે રોમનો બ્રિટીશ ટાપુઓ પર સામ્રાજ્ય ભોગવતા ત્યારે આ શહેરને ખાસ આનંદ-પ્રમોદ (અને નાહવા)ના સ્થળ તરીકે વિકસાવેલું. આખા ઇંગ્લેન્ડમાં એક માત્ર બાથમાં કુદરતી પાણીના ઝરા છે, જેનો ઉપયોગ રોમનોએ અદભુત રીતે કર્યો. આજે આપણને નવાઈ લાગે પણ રોમન કાળમાં નાહવું એ સામાજિક ઘટના હતી. અહી નાહવાની વ્યાખ્યામાં - મિત્રો સાથે મળવું, ગપ્પા-ગોષ્ઠી કરવી, ખાણી-પીણી કરવી અને સાથે સાથે વરાળ-સ્નાન, ઠંડા અને ગરમ પાણીમાં, ખાસ ખનીજરૂપી દવાઓ ધરાવતા પાણી વગેરેમાં સ્નાન કરવું - એમ બધું જ આવી જતું. એકંદરે રોમન બાથ તરીકે ઓળખાતા આ કેન્દ્રો તે બધા પ્રકારના મનોરંજન ધરાવતા સામાજિક-સંસ્કૃતિક કેન્દ્રો હતા. બહુ પ્રખ્યાત એસ્ટેરિક્સ ની કોમિક બૂક સીરીઝ રોમન સુવર્ણ કાળના ઇતિહાસનું સારી રીતે દસ્તાવેજીકરણ કરે છે. પુસ્તકમાં એસ્ટેરીક્સ અને તેનો ખાસ જાડિયો ભાઈબંધ ઓબેલિક્સ એક બાથની મુલાકાત રોમ શહેરમાં લે છે. વર્ણન પરથી તેમના વિષે અને તે સમયના ઈતિહાસ વિષે વધુ જાણી શકાશે. પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે રોમન બાથ તે શહેરી સંસ્કૃતિના મોભાદાર પ્રતિક હતા અને આજની કોઈ ક્લબને સમકક્ષ હતા. 
બાથ શહેરમાં ચાલવાલાયક અને માણવાલાયક ઘણા વિસ્તારો છે જ્યાં વાહનોને પ્રવેશ નથી. તે સિવાય આ શહેરમાં કઈને કઈ અવનવું થતું રહે છે. થોડા સમય પહેલા શહેરના એક-બે મોટા પ્લાઝામાં પિયાનો મૂકી રાખવામાં આવેલા. જેને મન થાય તે આવીને વગાડો. ન આવડે તો પણ વગાડો. ઘણી વાર જાણકાર વ્યક્તિઓ આવીને આંગળીને ટેરવે સંગીતની સરવાણીઓ રેલાવી જતા. આ આખો અભીક્રમ 'પ્લે મી, આઈ એમ યોર્સ' ના નામે ઓળખાય છે અને લ્યુક જેરમ નામના કલાકારના ભેજાની પેદાશ છે. બાથમાં રહેલા જાહેર સ્થળોમાં થતા અવનવા અખતરા માટે લાગે છે કે એક આખી નવી પોસ્ટ જ લખવી પડશે. 

પણ છેલ્લે, કાગડા બધે કાળા. કોને જાહેર જગ્યા પર આવા વિચારોને અમલમાં મુકીને પિશાચી મજા આવતી હશે? કોઈ બે ઘડી પોરો લેવા બેસે તો તમારા ....નું શું જવાનું હતું... 

જાહેર સ્થળોનો જેટલો ઉપયોગ થાય તે ઓછો. કોઈ પણ શહેરમાં ચાલવાલાયક કે માણવાલાયક જગ્યાઓ ન હોવી તે જ સૌથી મોટી ગરીબી છે. કોઈ એક શહેરના જાણીતા મેયરે કહેલું તેમ, જો કોઈ શહેરમાં ફરવાલાયક જગ્યાનું સ્થાન શોપિંગ મોલ લઇ લે તો સમજવું કે તે શહેર બીમાર છે.

3 comments:

  1. બાથ શહેર વિષે સરસ જાણકારી આપી રુતુલ...
    ખાસ કરીને રોમનકાળની નહાવાની વ્યાખ્યા "અવનવી",પણ મજાની લાગી...
    આવી સરસ પોસ્ટ માટે આપનો આભાર !
    વધુ લખતા રહેજો...

    ReplyDelete
  2. તમારી આંખે બાથ જોવાની મઝા આવી. પિયાનોવાળો આઇડીયા બહુ ગમ્યો. મનોમન વિચારી પણ જોયું કે રસ્તે ચાલતાં પિયાનો રેઢો પડ્યો હોય તો બે ઘડી (ગીત ગાતા હિંદી ફિલ્મી હીરોની સ્ટાઇલમાં?) આંગળીઓ ફેરવવાની કેવી મઝા આવે?

    ReplyDelete
  3. Thanks Nishit, Thanks Urvishbhai...

    ReplyDelete