Tuesday, August 19, 2014

નગર ચરખો - ગુજરાતમાં ટાઉન પ્લાનિંગની સદી કેમ ઉજવીશું?


ગુજરાતમાં આધુનિક ટાઉન પ્લાનિંગનો  ઈતિહાસ લગભગ સો વર્ષ જૂનો છે. શહેરોના આયોજનનું કામ જો કે હડપ્પન સમયથી ચાલ્યું આવે છે અને ધોળાવીરા-લોથલ તેનાં સાક્ષી છે. આધુનિક સમયમાં, બોમ્બે ટાઉન પ્લાનિંગ એક્ટ 1915ની સાલમાં અમલમાં આવેલો અને તે મુજબ 1917ની સાલમાં જમાલપુર(અમદાવાદ)માં પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ બની હતી. આવતા વર્ષે પહેલા આધુનિક ટાઉન પ્લાનિંગ એક્ટ અને તેની પ્રક્રિયા સહારો થવાનાં સો વર્ષ પુરા થશે. અંગ્રેજોએ ભારતમાં રાજ કરવા માટે જમીન સંપાદનના કઠોર કાયદા બનાવેલા ત્યારે જમીન માલિક અને સરકાર બંનેને ફાયદો થાય તેવી ટાઉન પ્લાનિંગ સ્કીમની શરૂઆત ગુજરાતમાં થઇ હતી. સરકારને શહેરનાં વિસ્તરણ માટે અને માળખાકીય સુવિધાઓ માટે જમીન મળે અને જમીનમાલિકને શહેરની નજીક પહોંચવાનો આર્થિક લાભ મળે તેવી પરસ્પર પાર્ટનરશીપ ધરાવતી આ સ્કીમ જરૂર ગુજરાતી કોઠાસૂઝને આભારી હશે. 
ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ બે સ્તર પર થાય છે. એક, લગભગ વીસ વર્ષના ગાળામાં આખા શહેર માટે વિકાસ નકશો (ડેવેલોપમેન્ટ પ્લાન)  બને છે. જેમાં આખા શહેરના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિકાસની બ્લ્યુ પ્રિન્ટ મૂકવામાં આવે છે. બે,  બીજા સ્તરનું પ્લાનિંગ એરિયાના સ્તર થાય છે, જ્યાં લગભગ એક ચોરસ કી.મી.ના એરિયા માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ બને છે. પરંપરાગત રીતે ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ સ્કીમનો ઉપયોગ શહેરના હદ વિસ્તારની ખેતીની જમીનોને શહેરી જમીનમાં પરિવર્તિત કરવા માટે થાય છે. શહેરની હદમાં આવેલી ખેતીની કે  બીજી ફાજલ જમીનને સમતોલ આકારમાં ફેરવીને, તેમાં માળખાકીય સુવિધાઓનું આયોજન કરીને અને જાહેર સુવિધાઓ માટેની જમીનનું ફાળવણી કરીને ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવામાં આવે છે. જમીનમાલિકને ખેતી માટેનાં વાંકાચૂકા પ્લોટની જગ્યાએ રસ્તાને અડીને, વ્યવસ્થિત આકારનો પ્લોટ થોડી કપાત બાદ પાછો મળે છે અને તેનાં પરિણામે આર્થિક ફાયદો પણ મળે છે. 
આજે જમીન સંપાદન કરવા કરતાં ટાઉન પ્લાનિંગ સ્કીમોના લીધે કાયદાકીય બબાલો ઓછી થાય છે, ગ્રામીણ જમીનનો બિનખેતી હેતુમાં બદલાવ ઝડપથી થાય છે અને શહેરના હદ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ પ્રમાણમાં ઝડપથી પહોંચે છે. ગુજરાતમાં ટાઉન પ્લાનિંગને ગંભીરતાથી લેવાની પરંપરાના લીધે આપણા દેશના બીજા શહેરોની પ્રમાણમાં સારી સ્થિતિમાં છે. રસ્તાઓ કાટખૂણે હોય છે, પહોળા હોય છે, વિકાસ માટે પ્લોટ ચોખ્ખા આકારમાં મળી આવે છે,  જાહેર સુવિધાઓ માટે જમીન મળી રહે છે અને મોટાભાગે આગોતરા આયોજનની સગવડ હોય છે. એકબીજા સાથે અસંગત પ્રવૃતિઓનું(જેમકે રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારો) મિશ્રણ પ્રમાણમાં ઓછું હોય છે. કોઈ ખોટા આદર્શવાદ કે સરકારી શીથીલતામાં રાચ્યા કરવાને બદલે વ્યવહારુ બનીને લોકોને સગવડ કરી આપવાની એક સામાન્ય સમજણને લીધે ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ બીજા રાજ્યો કરતાં અગ્રેસર છે. 
 આજે હકીકત એ છે કે આપણાં શહેરોની, તેના વ્યવસ્થાપનની, તેના આયોજનની પરિસ્થિતિ અત્યારે ચિંતાજનક છે. તેથી જ ગુજરાતના ટાઉન પ્લાનિંગમાં ઘણા સુધારાઓને અવકાશ છે. લોકોની સગવડો વધારવાની છે, લોકોને સ્પર્શતા મુદ્દે તેમની ભાગીદારી વધારવાની છે, ભ્રષ્ટાચાર ઓછો કરવાનો છે, નીતિ-નિયમો પાળવાનું મન થાય તેવા કરવાના છે, દરેક વિસ્તાર-ગામ-શહેરમાં યોગ્ય આયોજન કરવાનું છે, નવા વિચારોને લઈને આગળ વધવાનું છે. પ્લાન બનાવવામાં અને મંજૂર કરવામાં વેડફાતો સમય ઓછો થઇ શકે. મંજૂરીમાં જેટલો સમય વધુ તેટલો ભ્રષ્ટાચાર વધારે. ગુજરાતના દરેક શહેરમાં અને શહેરના દરેક વિસ્તાર સુધી ટાઉન પ્લાનીંગનો વ્યાપ્ત પહોંચવો જોઈએ. પ્લાન અંગેની માહિતી લોકો સુધી પહોંચવી જોઈએ અને તેનાં પર લોકોના સૂચનો ગંભીરતાથી લેવાવા જોઈએ. આપણે ઓગણીસમી સદીની મનોવૃત્તિ મૂકી દઈને શહેરોને એકવીસમી સદીના પડકારો માટે તૈયાર કરવાના છે.  
 ગુજરાતમાં આધુનિક ટાઉન પ્લાનિંગની સોમી વર્ષગાંઠે અહીં સુધી પહોંચ્યાનો આનંદ તો હોય જ પણ સાથે સાથે ભવિષ્ય પર દ્રષ્ટિ રાખીને ભૂતકાળની ભૂલો સુધારવાની જરૂર છે. લોકો, અધિકારીઓ, નિષ્ણાતોના પ્રતિભાવ મંગાવીને સો વર્ષનું સરવૈયું થવું જોઈએ. આપણા પ્લાનરો પર એસી કેબીનમાં બેસીને પ્લાન બનાવવાનો આરોપ મૂકવામાં આવે છે, જે બધા માટે સાચો ન પણ હોય. સોમી વર્ષગાંઠે એવી આશા રાખીએ કે પ્લાન બનાવીને આપણું જીવન બદલનારા પ્લાનરો રસ્તે હાલતાં-ચાલતાં મળી જાય, થોડું સંભળાવે, ઝાઝું સાંભળે અને સૌનો વિકાસ સાથે થાય તે રીતે પ્લાન બનાવે.
નવગુજરાત સમય, પાન નં 9, 17 ઓગસ્ટ (રવિવાર) 2014.

(ગુજરાતમાં આધુનિક અર્બન પ્લાનિંગની સદીના આ લેખ સાથે મારા બ્લોગપોસ્ટ્સની સંખ્યાની સદી આજે  પૂરી થાય છે, તેનો આનંદ છે. બ્લોગપોસ્ટ્સની સદી પૂરી કરવા માટે એક એક્સ્લુઝીવપોસ્ટ લખવાની ઈચ્છા હતી, જે બીજી ઘણી 'હઝારોં  ખ્વાહિશે'ની જેમ સમયની મારમારીને લીધેપૂરી નથી થઇ પણ સદી પૂરી કરવાની મજા છે. હવે આગળ બસ્સો કેપાંચસોનો આંકડો દેખાતો થયો છે. નવગુજરાત સમયમાં આવતી નિયમિત કટારને લીધે બ્લોગપોસ્ટ્સની સંખ્યા આ વર્ષમાં ઘણી વધી છે, જેને લીધે આ વર્ષમાં જ સદી પૂરી થઇ છે, નહિ તો કદાચ આવતા વર્ષ સુધી આપણે ખેંચી નાખ્યું હોત. નિયમિત કટારને લીધે અલગ પ્રકારની શિસ્ત રાખવી પડતી હોય છે, તેથી અલગારી સમયે, મન થાય તો લખાતો બ્લોગ હવે નિયમિત બન્યો છે. સો પોસ્ટ્સ સુધીની સફરના સૌ સાથીઓ-મિત્રોનો દિલથી આભાર!)

Monday, August 04, 2014

નગર ચરખો - દુનિયાનું સૌ પ્રથમ ‘કાર ફ્રી’ ઓલિમ્પિક - લંડન ૨૦૧૨


બીજિંગ ઓલિમ્પિકને ચીનના આર્થિક વિકાસની સર્વોચ્ચતાની ઉજવણી સમાન ગણી શકાય તો લંડન ઓલિમ્પિક બ્રિટનની આર્થિક મંદીના કપરા કાળમાં યોજાઈ રહ્યો હતો. ઐતિહાસિક રીતે જોઈએ તો કદાચ બ્રિટન માટે આથી કપરો સમય ક્યારેય ન હતો. આ પહેલા લંડનમાં ૧૯૦૮ અને ૧૯૪૮માં લંડનમાં ઓલિમ્પિક રમતો રમાઈ ચૂકી છે. ૧૯૦૮માં બ્રિટન વિશ્વની લગભગ અજેય, બિન-હરીફ મહાસત્તા હતું, જ્યારે ૧૯૪૮માં બીજા વિશ્વયુધ્ધના વિજય પછી ઘાયલ બ્રિટને પોતાનો દબદબો જાળવી રાખેલો. ૨૦૧૨માં લંડનમાં એવી અપેક્ષા રખાય છે કે ચારે બાજુઓથી ઘેરાયેલી આર્થિક કટોકટીમાંથી આ ઓલિમ્પિક બહાર નીકળવાની શરૂઆત બને. 

ઓલિમ્પિકની સફળતા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ માટે લંડનમાં બીજિંગની માફક મોટેપાયે નિર્માણ કાર્ય કરવાની જરૂર ન હોતી. લંડનની માળખાકીય સુવિધાઓમાં નિરંતર ફેરફારો અને વૃદ્ધિ ઓલિમ્પિક હોય કે ન હોય થતા જ રહે છે. ૧૮૫૩માં બ્રિટીશરોએ મુંબઈથી થાણે વચ્ચેની ભારતની સૌથી પહેલી રેલલાઈન નાખતાં હતા લગભગ ત્યારે જ તેઓ લંડનમાં પહેલી અન્ડરગ્રાઉન્ડ રેલલાઈન શહેરી પરિવહનના ભાગરૂપે નાખવામાં આવી હતી. આજે લંડન અન્ડરગ્રાઉન્ડ કે ટ્યુબનું ચારસો કી.મી.નું નેટવર્ક છે જે લગભગ ૨૭૦ સ્ટેશનો વચ્ચે પથરાયેલું છે. એક જ ટીકીટ -'ઓઈસ્ટર કાર્ડ'થી અન્ડરગ્રાઉન્ડ ટ્રેન, બસ, બોટ વચ્ચે આસાનીથી ફરી શકાય છે. લંડનની મોટાભાગની પ્રજા જાહેર પરિવહન વાપરે છે. ખાનગી વાહનો પર જબરજસ્ત અંકુશ મોંઘી પાર્કિંગ ફી અને કન્જેશન ચાર્જ જેવા નવીન ઉપાયોથી મૂકવામાં આવ્યો છે. ચાલવા માટે સરસ ફૂટપાથો છે અને સાઈકલ-ચાલન વધે તે માટે પાંચસો મિલિયન પાઉન્ડના ખર્ચે ‘સાઈકલ શેરીંગ સ્કીમ’ ઉભી કરવામાં આવેલી છે. જેમાં નિયત સ્થળેથી સાઈકલ ભાડે લઈને શહેરના બીજા કોઈ છેડે આવેલા બાઈક સ્ટેશન પર સાઈકલ પાછી મૂકી શકાય છે.
 
૨૦૧૨નું લંડન ઓલિમ્પિક દુનિયાનું સૌ પ્રથમ 'કાર-ફ્રી' ઓલિમ્પિક હતું. લંડન જ નહિ પણ ઇંગ્લેન્ડના બાકીના શહેરો કે જેમાં રમતો યોજાવાની છે ત્યાં કાર લઈને જવા માટે પાર્કિંગ જેવી કોઈ સુવિધા ન હતી. બધા જ ઓલિમ્પિક પાર્ક ખાનગી વાહન વર્જિત ક્ષેત્ર હતા – નો પાર્કિંગ! દરરોજ લગભગ આઠેક લાખ લોકો ઓલિમ્પિક પાર્ક જાહેર પરિવહનથી પહોચેલા, સાઈકલથી ચાલતા પહોંચેલા! ઓલિમ્પિક પાર્ક પાસે આવેલું મેટ્રોનાં  સ્ટ્રેટફર્ડ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું, ઉત્તર- પૂર્વની અન્ડરગ્રાઉન્ડ અને લાઈટ રેલ લાઈનમાં સુધારા-વધારા કરીને તેની લંબાઈ વધારવામાં આવી. ક્યાં કેવી  પહોંચવું તેની જાહેરાતો દરેક મીડિયામાં, વિવિધ ભાષાઓમાં હતી. ગુજરાતમાં ઘણી સરકારી વેબસાઈટ કદાચ ગુજરાતીમાં ન જોવા મળે પણ લંડનમાં પરિવહનની વેબસાઈટમાં ગુજરાતીનો વિકલ્પ જરૂર છે. 

લંડન ઓલિમ્પિકના લીધે થતો આર્થિક ફાયદો કોને થઇ રહ્યો છે તેના વિષે અનેક પ્રશ્નો હતાં. સરકારી દાવાઓ પ્રમાણે ઓલિમ્પિકના લીધે નોકરીઓનું સર્જન થશે, નવા વ્યાપાર-ધંધા વિકસશે, નવ-યુવાનોને રમતગમતમાં રસ પડશે તેવું કહેવાતું હતું. હકીકતમાં બ્રિટીશ અર્થવ્યવસ્થા વૈશ્વિક રીતે ખાસ્સી ફેલાયેલી હોવાથી, જે તે કંપનીઓને બહારથી મજૂર વર્ગ મંગાવવો સસ્તો પડતો હતો. જેમકે, જો ભારતમાં ઓલિમ્પિકની ટીકીટ છપાવે તો લંડનના સ્થાનિક ખર્ચાથી સસ્તું પડે. બાંધકામ ક્ષેત્રે મોટાભાગનો મજૂર વર્ગ પોલેન્ડ કે રોમાનિયા વગેરેથી આવે છે. લંડન ઓલિમ્પિકનું ઘણું બધું ઔદ્યોગિક પ્રકારનું કામ કોઈ તૃતીયમ જગ્યાએ આઉટ સોર્સ થઇ રહ્યું હતું. તો આ ઓલિમ્પિકના લીધે સ્થાનિક લોકો કે અર્થ વ્યવસ્થાને કેટલો લાભ મળેલો તેનો કોઈ સ્પષ્ટ જવાબ નથી.

યુરોપમાં અને ખાસ તો બ્રિટનમાં વેકેશન અને રજાઓનું બહુ મહત્વ છે. જો તડકો ખીલે તો બગીચામાં બેસીને ચા કે બીયર પીને શાંતિનો અનુભવ કરતી (એમની ભાષામાં - એન્જોઈંગ બીટ ઓફ સન...આંહ!) બ્રિટીશ પ્રજા જાણે કે છેલ્લી બે-ત્રણ સદીમાં કરેલા આંતર-રાષ્ટ્રીય દંગલનો થાક ઉતારી રહી છે. ઓલિમ્પિકનાં સમયે ઓગસ્ટ તો ખાસ વેકેશનનો સમય ગણાય. આ વખતે લંડનની ભીડભાડથી દૂર ભાગી છૂટવું તેવું માનનારો વર્ગ મોટો હતો. એટલે જ તો'હોલીડેઝ એટ હોમ' કરીને ઝુંબેશ શરુ કરવામાં આવેલી. બીજિંગમાં ડગલેને પગલે મળતાં આવકારથી  ઉલટું, લંડન ઓલિમ્પિક વિષે વાત કરતાં અંગ્રેજી મિત્રો કહેતાં કે, 'ઓહ બીલીવ મી, સ્ટે અવે ફ્રોમ લંડન ઇન ઓગસ્ટ!'.

નવગુજરાત સમય, પાન નં 11, 3 ઓગસ્ટ (રવિવાર) 2014

Thursday, July 31, 2014

નગર ચરખો - બીજિંગ ૨૦૦૮: સામ્યવાદી માસ્ક પર મૂડીવાદી મેકઅપ


બીજિંગ ઓલિમ્પિક ચીન માટે દુનિયાને તેની આર્થિક-રાજકીય તાકાત બતાવવાનો મજબૂત મોકો હતો. ૨૦૦૮ પહેલાના બે-ત્રણ કંઇક અંશે નબળા અને ઉદાસીન કહી શકાય તેવા ઓલિમ્પિકના ઉત્સવો પછી જાણે કે ચીને નક્કી કર્યું હોય કે અમે દુનિયાને બતાવી દઈશું કે ઓલિમ્પિકનું આયોજન કેમ કરાય છે?બીજીંગમાં ઓલિમ્પિકની તૈયારી માટે ૪૦ બિલિયન ડોલર ઠલવાયેલા હતા. ૨૦૦૮ સુધીમાં ૧૧૦૦૦ નવા હોટેલ રૂમ શહેરમાં ઉમેરાયેલા, લાખો સ્ક્વેર મીટરની ઓફીસ સ્પેઈસ અને શૉપિંગ એરિયાનો ઉમેરો થયો હતો. શહેરના દરેક વિસ્તારનું નવીનીકરણ થયું હતું. દોઢસો મિલિયન ડોલરના આંકડો તો જૂના-જર્જરિત મકાનોને ધરાશાયી કરવાના ખર્ચ તરીકે બોલાતો હતો. ગમેતેમ તોડફોડ, રીનોવેશન અને નવનિર્માણ માટે કેટલાં લોકોનું સ્થળાંતર થયું, કોને શું અન્યાય થયો વગેરે વિષેની દંતકથાઓ છે અને સરકારી આવૃત્તિની માહિતી છે. સત્ય કોઈને ખબર પડી નથી.   

બીજિંગ શહેરમાં ધરમૂળથી ફેરફારો થઇ રહ્યા હતાં. શહેરની મેટ્રો રેલ (સબ વે) સુવિધા માટે એક નવી લાઈન નાખીને આખું નેટવર્ક પૂરું કરવામાં આવ્યું હતું. શહેરના દૂર-સુદૂર વિસ્તારોમાંથી લોકો શહેરના મુખ્ય ભાગો કે મેટ્રો રેલના નેટવર્ક સુધી પહોંચી શકે તે માટે બી.આર.ટી.ના નવા કોરીડોર વિકસાવવામાં આવ્યા હતા (અમદાવાદ-સુરતમાં બની રહ્યા છે તેવા). શહેરની સંસ્કૃતિને, લોકોને, સુવિધાઓને જાણે ઘસીને ઉજળી કરવાની કવાયત ચાલતી હતી.

તો પછી શા માટે બીજિંગમાં ચીનની સરકાર જાહેર પરિવહનમાં આટલું બધું રોકાણ કરી રહી છે? તેનું કારણ છે બીજિંગનું ખતરનાક હવાનું પ્રદુષણ. ઠંડી-ધુમ્મસની આબોહવામાં વાહનોનો ધુમાડો ભાળીને 'સ્મોગ'(સ્મોક + ફોગ)નું સર્જન કરે છે જેના લીધે શ્વાસોશ્વાસને લગતી ગંભીર બીમારીઓ થાય છે અને શહેર આખામાં ધૂંધળા વાદળો છવાયેલા રહે છે. ખાનગી વાહનોના નિરંકુશ વપરાશને લીધે આ પરિસ્થિતિ બહુ વકરી હતી. બે દાયકા પહેલાં બીજિંગની સરકાર એવું માનતી હતી કે ખાનગી વાહનોની વૃદ્ધિને વધુ પહોળા રસ્તા અને ફ્લાય-ઓવર વગેરે બનાવીને નીપટાવી લઈશું પણ બન્યું ઊંધું. ફ્લાય-ઓવર ઉપર પણ હવે વાહનોની ગીચતા વધી, પરિણામે ટ્રાફિક જામ, હવા-અવાજનું પ્રદુષણ, ચીનના પ્રતિકસમા સાઈકલ-ચાલનમાં ઘટાડો અને સર્વત્ર અંધાધૂંધી. છેવટે તો 'રોડ રેશનીંગ' જેવો એક વિચાર અમલમાં મૂક્યો જેમાં અઠવાડીયાના ત્રણ દિવસ શહેરમાં જેમના નંબર પ્લેટનો છેલ્લો આંકડો એકી સંખ્યા હોય એવા વાહનો ચાલે અને બાકીના ત્રણ દિવસ જેમના નંબર પ્લેટનો છેલ્લો આંકડો બેકી સંખ્યા હોય એવા વાહનો. આ વિચિત્ર પ્રયોગ સફળ રહ્યો છે અને શહેરનો લગભગ ૪૦-૫૦ ટકા ટ્રાફિક તેની મેળે જ ઓછો થઇ ગયો હતો. લોકો એક દિવસ જાહેર પરિવહન વાપરે અને એક દિવસ ખાનગી.

બીજિંગ ઓલિમ્પિક વખતે હવાનું પ્રદુષણ કાબૂમાં રહ્યું પણ તે પછી સરકારે જાહેર પરિવહન અને માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. ૨૦૦૮ ઓલિમ્પિકે શહેરને એક પ્લેટફોર્મ આપ્યું પણ વિકાસના કામ તો ચાલુ જ રહ્યા.  નવેમ્બર 2007માં બીજિંગ મેટ્રો - અન્ડરગ્રાઉન્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટની પાંચ લાઈન ચાલતી હતી. ઓલિમ્પિકના સમય ઓગસ્ટ ૨૦૦૮ સુધીમાં ત્રણ નવી લાઈન જોડાઈ હતી. ૨૦૧૫ના અંત સુધીમાં મેટ્રોની માયાજાળ સાતસો કી.મી.એ પહોંચશે ત્યારે બીજિંગની મેટ્રો તે દુનિયાની સૌથી મોટી રેલ-આધારિત શહેરી જાહેર પરિવહન સેવા થશે. એનો ય સંતોષ નથી, હજી તો ૨૦૨૦ સુધીમાં એક હજાર કી.મી.નું નેટવર્ક બીજિંગ શહેરના મેટ્રો ઉર્ફ સબ-વે સીસ્ટમનું હશે. વિકાસ એકધારો સતત થતો રહેવો જોઈએ, બીજિંગ તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે.

બીજિંગ ઓલિમ્પિક આધુનિક ટેકનોલોજીના ઉપયોગ, મૂડીવાદી ઉત્સાહ, સામ્યવાદી અંકુશ, રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા અને સામાજિક રીતે અસુરક્ષિત પણ સસ્તા-દરે સતત મળી રહેતા મજૂર વર્ગ વગેરેના મિશ્રણનું પરિણામ હતું. વાત ઘણે અંશે સાચી પણ છે. ચીનની સસ્તી મજૂરી વિશ્વમાં વખણાય છે. શું સસ્તી મજૂરી એ હરખાવા જેવી વાત છે?બીજીંગમાં બે-ત્રણ અઠવાડિયા ગાળ્યા હોવા છતાં બીજિંગ ઓલિમ્પિકની બીજી બાજુ - અંધારી અને અણધારી બાજુ વિષે ખાસ ખબર પડતી નથી. મેન્ડેરીન અજાણી ભાષા હોવાનો પ્રશ્ન તો છે જ પણ સાથે માહિતીમાં પારદર્શકતાનો પ્રશ્ન પણ ખરો. છેલ્લે, ડીસેમ્બર ૨૦૦૭માં ભારત આવતાં પહેલાં બીજિંગ એરપોર્ટ પર ડિપાર્ચર લોન્જમાં ઉદઘોષિકા ચીની ઉચ્ચારણવાળા અંગ્રેજીમાં કહી રહી હતી, 'પ્લીજ કમ બેક ફોર ધી ઓલિમ્પિઇઈઈક...'

નવગુજરાત સમય, પાન નં 11, 28 જૂલાઈ (સોમવાર) 2014