Monday, April 25, 2011

વેઈવેઈની ધરપકડ - બેડીઓનો દેશ છે ને કરવતો ખોવાઈ ગઈ

(Photo: REUTERS)
ભારતમાં લોક્પાલ કાયદા માટે મીડિયા-કમ-લોક આંદોલન ચાલતું હતું ત્યારે ૩જી એપ્રિલે ચીની સરકારે એ વેઈવેઈ નામના ચીની કલાકાર/આર્કીટેક્ટ/બ્લોગર/કર્મશીલની કોઈ જ દેખીતા કારણો વગર ધરપકડ કરી છે. આ બ્લોગ પર વેઈવેઈ વિષે ઘણું લખાઈ ગયું છે. (આ પોસ્ટમાં તેમના લંડનના ટેટ મોડર્ન નામના કળાકેન્દ્રમાં મુકાયેલા અનોખા પ્રદર્શનની વાત હતી, તો આ પાછળની જ પોસ્ટમાં વેઇવેઇએ બનાવેલા એક ડાયાગ્રામની વાત હતી) વેઇવેઇએ ખુલ્લેઆમ ચીની સરકારને પોતાની કળા દ્વારા, લેખન દ્વારા અને મીડિયામાં આપેલી મુલાકાતો દ્વારા પડકારી છે. જેનો બદલો આખરે વાણી કે વ્યક્તિ સ્વાતંત્ર્યથી એલર્જી ધરાવતી ચીની સરકારે લઇ જ લીધો. વેઈવેઈની, તેના સ્ટુડીયોમાં કામ કરતા કલાકારોની, કર્મચારીઓની અને તેના કુટુંબીઓ સુદ્ધાંની ધરપકડ કરવામાં આવેલી. એક-બે દિવસમાં વેઈવેઈ સિવાયના લોકોને છોડી મુકવામાં આવ્યા. હવે વેઈવેઈ ક્યાં છે તે કોઈને ખબર નથી. થોડા સમય પહેલા આંતરરાષ્ટ્રીય દબાણવશ પોલીસ અધીકારીઓએ એવી માહિતી આપી કે વેઈવેઈની ધરપકડ ટેક્સ ચોરી જેવા આર્થીક ગુનાસર કરવામાં આવી છે. ઘણીવાર તપાસ કર્યા બાદ વેઈવેઈની પત્ની લુ કિંગને સત્તાવાર રીતે ધરપકડ વિષે જણાવવામાં આવ્યું અને તેને વેઈવેઈના નાણાકીય દસ્તાવેજો સાથે હાજર રહેવાનું સમન્સ બજાવવામાં આવ્યું. જો કે બધા જ દસ્તાવેજો સત્તાવાળાઓએ જપ્ત કરી લીધેલા હોવાથી રજુ કરવા માટે કંઇ હતું જ નહિ. વેઈવેઈ હવે કોઈ અજાણી જગ્યાએ છે અને તેની સલામતી કે સ્વાસ્થ્ય વિષે કોઈને માહિતી  નથી. 

સરકારી દમન અને તેને વ્યાજબી ઠેરવવાની પદ્ધતિઓ બધે લગભગ 'સ્થાનીક મૌલિકતા'ને બાદ કરતા સરખી જ હોય છે. નીચેના મુદ્દાઓ કાયદાકીય રીતે અને રાજકીય રીતે કોઈ પણ પ્રકારની જવાબદેહીથી બચવા માટેના ચીની સરકારના પ્રપંચો દર્શાવે છે:
  • ચીની સરકારે રાબેતા મુજબ 'આ ધરપકડની ઘટનાને વેઈવેઈની વ્યક્તિ સ્વાતંત્ર્ય કે લોકશાહીની માંગણી સાથે કોઈ સંબંધ નથી' એમ કહ્યું છે અને આ ઘટના માત્ર આર્થિક ગુનાઓને સંબંધિત છે તેવું ઠરાવ્યું છે. 
  • સરકારી છાપાઓએ વેઇવેઇને 'ચીન-વિરોધી' કે 'રાષ્ટ્ર-વિરોધી' કહ્યો છે. વળી, વિદેશી એજન્ટ કે વિદેશી પૈસાથી દેશ વિરુદ્ધ ષડયંત્ર કરવાનો ઇલકાબ પણ આ મહાન કલાકારને મળ્યો છે. આથી ફરી એક વાર સેમ્યુઅલ જોહ્ન્સનનું જુનું અને જાણીતું વાક્ય સાબિત થાય છે કે 'partiotism is the last resort of a scoundrel'. હમેશા બેઈમાન વ્યક્તિઓ પોતાની સત્તા ટકાવી રાખવા માટે રાષ્ટ્રવાદનો ખોટો ઉપયોગ કરતી હોય છે. અહી તો ચીની સરકાર રાષ્ટ્રવાદનો ખોટો ઉપયોગ સરકારી અત્યાચારોને વ્યાજબી ઠરાવવા કર્યો છે. 
  • વેઈવેઈની તરફેણ કરતા તેના વિદેશી મિત્રો અને સરકારોને તેમ કહી દેવામાં આવ્યું કે તમે ચીનને બદનામ કરવાનો પ્રયત્ન નહિ કરો, તમે અમારા આંતરિક મામલામાં દખલ કરો છો અને તમે ચીની કાયદા તેમજ સાર્વભૌમત્વનું સન્માન કરતા નથી. સરકારી છાપાઓએ પણ ચલાવ્યું કે અંગ્રેજીમાં હ્યુમન રાઈટ્સની વાતો કરતા લોકોને ચીનના આંતરિક મુદ્દાઓમાં કંઈ સમજ પડતી નથી. 
  • ચીની ટીવી ચેનલ અને બીજી વિદેશી ચેનલો પર આવતા સરકારી પ્રવક્તાઓનો દાવો હોય છે કે ચીનમાં થતા આર્થિક વિકાસથી ગભરાઈને ચીનને બદનામ કરવાનું વ્યવસ્થિત કાવતરું ચાલી રહ્યું છે જેમાં વિદેશી સરકારો અને મીડિયા, માનવ અધિકાર સંગઠનો વગેરે બધા શામેલ છે. હદ તો એ થાય છે કે એક ચીની નાગરિક (લ્યુ ઝીઆબોઓ)ને મળેલું નોબેલ સન્માન પણ આ કાવતરાનો ભાગ હોય તેવું સરકારને લાગે છે. 
  • Change.org નામની ઓનલાઈન પીટીશન ઉઘરાવતી વેબસાઇટે વેઈવેઈની ધરપકડના વિરોધમાં લગભગ એક લાખથી વધુ સહીઓ એક-બે અઠવાડિયામાં ભેગી કરી. આ વેબસાઈટને હેક કરવાના મોટેપાયે પ્રયાસો થયા છે અને આઈપી સરનામાં મુજબ આ પ્રયાસો ચીનથી નિર્દેશિત હતા તેવું સાબિત થયું છે. આ વેબસાઈટ પરની પીટીશન પર અહી સહી કરી શકાશે. 
આ ઉપર મુજબનો કુ-પ્રચાર અને વ્યૂહરચનાઓ રાજકારણના ભાગરૂપે અને સરકારી દમનને વ્યાજબી ગણાવવાનું ભારતમાં પણ થાય છે અને તેના પર ચીનનો 'કોપીરાઈટ' નથી. છતાં એક ચોખ્ખો ફરક છે. ભલે આપણે ભારતની લોકશાહીને, ભ્રષ્ટ સિસ્ટમને અને ન્યાય-પ્રણાલીને ગમે તેટલી ગાળો આપીએ પણ મોટા ભાગના કિસ્સાઓમાં મોડો-મોડો પણ ન્યાય મળે છે. અમારી પેઢીએ 'ઈમરજન્સી વખતે ટ્રેઇનો કેવી સમયસર ચાલતી' તેવી દંતકથાઓ જ સાંભળી છે એટલે લોકશાહીની ધીમી, કંટાળાજનક પ્રક્રિયાઓ કરતા સરમુખત્યારશાહી કે બિન-લોકશાહી સરળ અને વહાલી લાગે તેવી ચાલતી ગાડીમાં ચઢી બેસવું બહુ સહેલું હોય છે. વાણીસ્વાતંત્ર્ય ન હોવાનો કે માનવ અધિકારનું સન્માન ન થતું હોય તેવી પરિસ્થિતિનો જાતઅનુભવ ન હોવાને લીધે આપણે ઘણીવાર આપણી લોકશાહીને પુરતું મહત્વ નથી આપી શકતા. પણ વેઈવેઈ જેવી ઘટનાઓ વારંવાર યાદ અપાવે છે કે વ્યક્તિગત સ્વાતંત્ર્યથી મોટું કંઇ જ નથી. "I may not agree with your views but I will fight till my last breath to defend your right to have you views" - આ વાક્ય લોકશાહીમાં સહિષ્ણુતાનું હાર્દ છે અને આ હાર્દનું ટકી રહેવું તે ગમે તેટલું ચકાચૌંધ કરતી આર્થીક વૃદ્ધિથી પણ વધારે મહત્વનું છે.

આ લીંક પરથી છેલ્લા થોડા સમયમાં ચીનમાંથી 'ગાયબ થયેલા' લોકશાહી સમર્થકો, માનવ અધિકાર માટે લડતા વકીલો, લેખકો અને કર્મશીલોની માહિતી છે. આરબ જગતમાં થઇ રહેલી લોકશાહી માટેની ક્રાંતિથી ડરેલી ચીન સરકારે મોટાભાગના ચળવળખોરોને ક્યાંક ગાયબ કરી દીધા છે અથવા ખોટા કારણસર જેલમાં પૂરેલા છે. પોતાની જાતને 'પીપલ્સ રિપબ્લિક' કહેતા ચીનમાં પીપલ ઉર્ફ લોકોનો અને લોકસ્વાતંત્ર્યનો એકડો જ નીકળી ચુક્યો છે. સમાજવાદને નામે ચાલતો એકપક્ષવાદ અને માત્ર આર્થિક વૃદ્ધિથી (વિકાસ નહિ) ઉભી થતી વિષમતાઓ એ આજના ચીનની તાસીર બની ચુક્યા છે.
(Photos: Rutul Joshi)
ઉપરોક્ત ફોટોગ્રાફ્સ ૪થી ડીસેમ્બર, ૨૦૧૦ના દિવસે લંડનના ટેટ મોડર્નના ટર્બાઈન હોલની મુલાકાત દરમ્યાન લીધેલા. આગળની પોસ્ટમાં દર્શાવ્યા પ્રમાણે હવે સુરજમુખીના બીજ પર લોકોને સીરેમીકની રજકણોથી સંભવિત બીમારીઓના કારણે જવા દેવામાં આવતા નથી. એવું સાંભળવામાં આવ્યું છે કે વેઈવેઈની ધરપકડને કારણે આ પ્રદર્શન હજુ થોડા વધુ સમય સુધી જારી રાખવામાં આવશે. એક અજાણ્યા ગ્રુપે સુરજમુખીના બીજના પ્રદર્શન સ્થળે વેઈવેઈના ફોટા બિછાવીને વેઇવેઇને મુક્ત કરવાની પોતાની વાત રજુ કરી હતી, તેના વિષે વધુ અહી જાણી શકાશે. વેઈવેઈ, તેના કામ અને વિચારો વિશે ઈન્ટરનેટ પર ઘણી જ માહિતી છે. જો ચીન તેના દેશના જ કલાકારો, વિચારકો અને નાગરિકોના માનવ અધિકારોનું રક્ષણ નહિ કરી શકે તો તે શક્તિશાળી અને સમૃદ્ધ દેશ હોવા છતાં ઇતિહાસમાં એક 'અન્યાયને વરેલા' દેશ તરીકે જ જાણવામાં આવશે.

છેલ્લે એક જાતઅનુભવ: 
કોઈ ટેકનીકલ વિષયનો મધ્યમ વયના પ્રોફેશનલ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય ક્લાસ ચાલી રહ્યો છે. ૧૦ વિદ્યાર્થીઓ ભારતીય છે અને દસ વિદ્યાર્થીઓ ચીની છે. શિક્ષક વળી કોઈ ત્રીજા જ દેશનો છે. ભારતીયો પ્રશ્નો પૂછી પૂછીને શિક્ષકના છોડાં કાઢી નાખે છે. ચીની વિદ્યાર્થીઓ એક પણ સવાલ પૂછતા નથી. અડધા ભારતીય વિદ્યાર્થીઓ ખરેખર જિજ્ઞાસાથી પ્રશ્નો પૂછે છે અને બીજા અડધા પોતાનું 'પ્રેક્ટીકલ' જ્ઞાન પ્રદર્શિત કરવા માટે. ચીની વિદ્યાર્થીઓમાંથી ઘણાને પૂરતું અંગ્રેજી આવડતું નથી. પણ પ્રશ્ન નહિ પૂછવાનું મૂળ કારણ  ભાષા ન જાણતાં હોવાનું નથી. આગળ વાત કરતા માલૂમ પડ્યું કે કદાચ છેલ્લા સાઈઠ વર્ષમાં તેમને કહેવામાં આવ્યું છે કે 'પ્રશ્નો પૂછવા નહિ'. શાળાઓમાં પણ પ્રશ્ન પૂછવાનો રીવાજ હોતો નથી. કોઈ શિક્ષક પ્રશ્નો પૂછવા પણ દે પણ પ્રશ્નો પૂછવાએ અધિકાર નથી, શિક્ષકે કરેલું અહેસાન છે. આનાથી તદ્દન વિપરીત નીચેનો સંવાદ ચીનની મહાન ફીલસુફીની પરંપરામાંથી મળી આવેલ છે.

Zi gong (a disciple of Confucius) asked: "Is there any one word that could guide a person throughout life?" The Master (Confucius) replied: "How about 'shu' [reciprocity]: never impose on others what you would not choose for yourself?" 
from Analects XV.24, tr. David Hinton (as quoted by Wikipedia)


શીર્ષક પંક્તિ: સૌમ્ય જોશીની ગઝલ પરથી
પૂરક માહિતી: ગાર્ડિયન, ઇન્ડિયન એક્સપ્રેસ-ઈકોનોમિસ્ટ, વિકિપીડિયા અને બીજી વેબસાઈટ્સ 

Friday, April 01, 2011

છેલ્લા એક વર્ષનું કાંતણકામ

 આજે આ બ્લોગનો પહેલો જન્મદિવસ!

આજે 'ચરખા'ને કાંતતા એક વર્ષ પૂરું થયું. એક વર્ષ પહેલા કંઇક ઉત્સાહમાં અને કંઇક દ્વિધામાં આ કાંતણકામ આ પોસ્ટથી શરુ કરેલું. આજે એક વર્ષ પછી હિસાબ જોઈએ તો આ ૨૭મી પોસ્ટ વત્તા અડધી-પડધી  લખાયેલી  ૧૧ પોસ્ટ,  પોસ્ટ-દીઠ પચાસેક નિયમિત વાચકો (Returning visitors), ૩-૪  નિયમિત કમેન્ટ્સકારો વગેરે સાથે આપણે બિલકુલ 'જીવતા-જાગતા-લાત-મારતા' (અલાઈવ એન્ડ કીકીંગ, યુ નો!) છીએ. બહુ 'અધધધ...' પ્રકારનું પરફોર્મન્સ નથી પણ અંગત રીતે સંતોષ કારક કહી શકાય કે આપણે આ એક વર્ષ તો ટકી ગયા. 
વધારે અને વધારે લોકો પોતાનો બ્લોગ વાંચતા થાય તે કોને ન ગમે? તેથી જયારે જયારે વાચક વર્ગ ઓછો મળે ત્યારે અસ્તિત્વવાદી સવાલો જરૂર થાય કે 'હું શું કામ લખું છું' કે 'હું કોને માટે લખું છું'. બ્લોગ જગતના ખેરખાં મિત્રોએ સમજાવ્યું છે કે આ તો ફિકસ ડીપોઝીટ જેવું કામ કાજ છે. વ્યાજ મળે ત્યારે જ મજા આવે. અને વ્યાજ મળે જ છે તેના અમુક વર્ણનો...

- આ વેબલેખન થકી નવા મિત્રોને મળવા મળ્યું છે. જે મિત્રો સાથે દૂરથી ઓળખાણ હતી તેમની સાથેની મૈત્રી ગાઢ બની છે. બહુ જૂના સ્કૂલ કે કોલેજ સમયના મિત્રો સાથે નવી તરહની ઓળખાણ થઇ. મિત્રો હવે પ્રેમથી પૃચ્છા કરે છે કે 'નવું કંઇક લખો હવે'! એક વખત તો એવો મેઈલ આવ્યો કે 'ભાઈ, બધું બરાબર છે ને, લખતા કેમ નથી?'
- વિપુલ કલ્યાણીએ તેમના લંડનથી પ્રકાશિત થતાં 'ઓપીનિયન'માં અમુક લેખો પ્રેમથી છાપ્યા છે. 'નિરીક્ષક'માં પણ એક લેખ આવી ચૂક્યો છે. 
- બહુ જાણીતા લેખકો કે વ્યક્તિઓએ પ્રોત્સાહન આપ્યું છે, કોઈકે નિયમિત કમેન્ટ્સ કરી છે તો કોઈએ ફેસબુક વગરે પર અમુક પોસ્ટ્સ બીજા સાથે વહેંચી છે.
- સુરતમાં અર્ફન ડીઝાઈનની પોસ્ટ વાંચીને સ્કોટ બર્ન્હામ નામના લંડન-સ્થિત ડીઝાઈનર સાથે ઓળખાણ થઇ. તેને આ બ્લોગ પરના ફોટા જોઈને તે સુરતના મિત્રોનો સંપર્ક અને આ અભિક્રમ વિષે વધુ માહિતી માંગી. જો કે અર્ફન ડીઝાઈનના અભિક્રમ બીજી વેબસાઈટ્સ વગેરેમાં પણ હવે તો દર્જ થયા છે, પણ સૌથી પ્રથમ વાર આ વિષે લખવામાં માટે અને આ મિત્રોને નજીકથી ઓળખાતા હોવાને લીધે આપણી પાસે ફૂલાઈને ફાળકો થવાનું કારણ તો ખરું જ!

આ એક વર્ષમાં ફિલ્મ, ડોક્યુમેન્ટરી, વન્યજીવન, સાહિત્ય, કલા, પર્યાવરણ, વાહન-વ્યવહાર વગેરે વિષયોમાં કાંતણકામ થયું, ક્યારેક ઝીણું તો ક્યારેક જાડું. છેલ્લે તો આપણને ખબર જ હોય કે શું લખવામાં મજા આવી અને શું જમણા હાથે લખાયું (હું ડાબોડી છું!). વિચિત્ર વાત એ છે કે હજાર કામ હોય, કોઈ ડેડલાઇન આવી હોય ત્યારે જ બ્લોગ લખવાનું ખાસ મન થાય. અને આ ઈચ્છા હમેશા માન આપ્યું છે, તેની જ મજા છે!

હજી પર્યાવરણ, શહેરો અને બીજા ઘણા વિષયો પર લખવાનું મન છે. બીજી જ પોસ્ટમાં લખ્યા મુજબ 'નોન-સેન્સ' વિષે બહુ લખી શકાયું નથી, તે ઓર્ડર અંગે ખાસ ધ્યાન આપવામાં આવશે. એક  અત્યાર સુધી છૂપી હકીકત એ છે કે જે ગુજરાતી ભાષામાં હજી સુધી ન આવ્યું હોય તેને ગુજરાતીમાં લઇ આવવું, પછી એ ફિલ્મ હોય, પુસ્તક હોય, પ્રવાસ-વર્ણન હોય, પર્યાવરણ વિશેની વાત હોય કે પછી સાઈકલ-ચાલન વિશેની વાર્તા હોય. આ અવસરે આ પોસ્ટમાં વર્ણવેલા એ વેઈવેઈ નામનાં ચીની કલાકારનો એક ડાયાગ્રામ નીચે મૂકું છું. આપણને અલગ-અલગ વિષયો સ્કૂલમાં ભણાવ્યા મુજબ તે કેટલા જુદા છે તેનો બરાબર ખ્યાલ  હોય છે  અને વિષય-બહારનું અને કોર્સ બહારનું  કંઇ કામમાં નહિ આવે તેવું પણ બરાબર ઠસાવેલું હોય છે. પણ  બધા જ વિષયો જીવન સાથે કેવી રીતે જોડાયેલા છે, વણાયેલા છે તેની વાત આ કલાકાર બહુ જ સાદા ડાયાગ્રામથી કરી જાય છે. આ ડાયાગ્રામ જ તેની ફિલસુફી છે તેવું લાગે છે કારણકે આ વ્યક્તિ કલા, કલાસંગ્રહ, બ્લોગીંગ, ફોટોગ્રાફી, શિલ્પ-સ્થાપત્ય, લેખન, પર્યાવરણ, રાજકારણ વગેરે વિષયોને પોતાના કામમાં બહુ સહેલાઈથી લઇ આવે છે અને જરૂર પ્રમાણેના વેશ બદલે છે. આ વેબલેખન પણ 'વેશ કાઢ્યા' બરાબર જ છે.
(ઈમેજ પર ક્લિક કરવાથી મોટી સાઈઝ ખુલી શકશે)
તો પછી આજે હું અને મારો બ્લોગ, અમે કેક કાપીશું, '૧' લખેલી મીણબત્તી ફૂંકીશું અને જલસા કરીશું. આવતા વર્ષ માટે કી-બોર્ડ સાફ કરી રાખ્યું છે, જોઈતા સોફ્ટવેર ડાઉનલોડ કરી રાખ્યા છે, ભેજામાં કપાસની ખેતી થઇ રહી છે, બસ હવે રૂનો જથ્થો ભેગો થાય અને પીંજાય એટલે ચરખો ચાલુ... 

Tuesday, March 29, 2011

રેલવેના ડબ્બા અને આપણો સમાજ

(Cartoon by Dr. Hemant Morparia)
ભારતીય સમાજને ભારતીય રેલવે સાથે બહુ સારી રીતે સરખાવી શકાય છે. ભારતીય રેલવેએ છેલ્લા ૧૫૦ વર્ષમાં ભલે લોકોને (શબ્દાર્થમાં) નજીક લાવવાનું કામ કર્યું હોય પણ બાકી તો સૌને પોતપોતાના નિર્ધારિત ક્લાસમાં રહેવું જ બહુ ગમે છે. લોકો પોતાની આવક પ્રમાણે પોતાના 'ક્લાસ'માં જ મુસાફરી કરે છે અને આ દરેક ક્લાસ અને તેમની વર્તણુંકના રેખા-ચિત્રો વડે આપણા સમાજને વધુ સારી રીતે સમજી શકાય છે. આ ટ્રેનને આપણો સમાજ (કે દેશ), રેલવે ડીપાર્ટમેન્ટને સરકાર, ટી.સી.ને પોલીસ, આવતા-જતા સ્ટેશનોને સામાજિક-આર્થીક વિકાસના વિવિધ પડાવ માનવામાં આવે તો ટ્રેન અને સમાજની સરખામણી ઘણી સૂચક થઇ જાય છે.

ફર્સ્ટ એ.સી.વાળા એવા લોકો હોય છે કે જે ધારે તે વ્યવસ્થા કરીને પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે છે. હવાઈ મુસાફરી કરી શકવાની પૂરી તાકાત ધરાવતા હોવા છતાં તેઓ કોઈક કારણસર આ ટ્રેનમાં સવાર છે. એટલે કે વિદેશમાં રહેવાની પૂરી સગવડ કરી શકતા હોવા છતાં આ દેશમાં કોઈક કારણસર કે કોઈ લાભ ખાતર રહે છે. ફર્સ્ટ એ.સી.નો એક જ ડબ્બો હોય અને તેમાં પણ બહુ ઓછી સીટ હોય છે. એટલે આ એક લઘુમતી વર્ગ છે. તે ડબ્બામાં જલ્દી કોઈને જવા મળતું નથી પણ અહીં સુધી પહોંચી શકનાર પછી આ  ક્લાસ છોડીને ક્યાય જતા નથી. વળી, આ ક્લાસમાં ગર્ભશ્રીમંતો સિવાય કોઈ પ્રજાના પ્રતિનિધિ કે આ 'રેલવેના' મોટા બાબુ હોવાની શક્યતા બહુ મોટી છે. આ ક્લાસમાં ટી.સી.ને ખરેખર પોતે (જનતાનો) સેવક છે  અને 'માત્ર કાયદાનું પાલન કરાવનાર નહિ' એ વાત યાદ આવે છે. આ ક્લાસને સીક્યોરીટી જોરદાર મળે છે, ભોજન હાઇક્લાસ અને સસ્તું મળે છે, એ.સી. ફૂલ હોય છે, ટોઇલેટ વગેરે સાફ હોય છે.

સેકંડ અને થર્ડ એ.સી.વાળા લોકો એ.સી. ડબ્બાઓની ખાસિયત પ્રમાણે આસપાસની ગંધ-સુગંધ, હવા-હવામાન, વાસ્તવિકતાઓ વગેરથી થોડા નોખા-વીખૂટા પડેલા હોય છે કે પછી નોખા પડવાનો પ્રયત્ન કરતા હોય છે. ડબ્બાની અંદર લેપટોપ, મોબાઈલ ફોન કે ટીવી સ્ક્રીન વગેરે આ નોખા પડવાની ઘટનામાં સહાય કરે છે. તેમને સમાજની અને દેશની ચિંતા હોય છે પણ તે ઘણી વખત 'માળખાકીય સુવિધાઓ કે મેનેજમેન્ટ સુધારવું જોઈએ' તેવા વિચારો પર આવીને અટકે છે. આમ વ્યવહારિક રીતે જોવા જાવ તો એ.સી. ડબ્બામાં લેપટોપ-ફોનને રીચાર્જ કરવા માટે વધારે પ્લગ હોવા જોઈએ અને તેમને 'સર્વ' કરવા આવનાર લોકોનું હાઈજીન સારું હોવું જોઈએ એ પ્રકારની ચિંતા. સાથે સાથે વિદેશમાં આ જ પ્રકારની સુવિધાઓ કેટલી સારી છે તેની સરખામણી પણ ભળે અને આપણે ક્યારે 'ડેવેલપ' થઈશું તેની ચિંતા પણ. એ.સી. વાળા લોકોને ડેવેલપ થવાની થોડી ઉતાવળ હોય છે. તેથી ડબ્બાની અંદર લગાડેલા 'ઇન્ડિયા શાઈનીંગ' કે 'વિકાસ વિકાસ'નાં સુત્રો કે પોસ્ટરો તેમને સહેલાઈથી પચે છે. ભારત અને ભારતીય રેલવેમાં માત્ર ખોડ-ખાંપણ દેખનારા 'નેગેટીવ' લોકો તેમને જચતા નથી એ તેમના દેશાભીમાનની પરાકાષ્ઠા છે. આ ડબ્બાઓમાં પણ ભોજન સારું મળે છે, ઓઢવા બ્લેકેટ મળે છે, અંદરનું હવામાન કૃત્રિમ રીતે જાળવી રખાયું હોય છે અને બાથરૂમ વગેરે સાફ હોય છે.

સ્લીપર ક્લાસ કે નોન-એ.સી. રિઝર્વ્ડ ડબ્બાઓનો પોતાનો એક અલગ જ માહોલ હોય છે.  આ ડબ્બાઓની સંખ્યા સૌથી વધારે છે એટલે આ સૌથી મોટો બહુમતી ધરાવતો વર્ગ છે. અહીં જે વ્યક્તિ ટકી શકે તે ખરેખર ટકાઉ હોય છે. અહીં આવનારા લોકોને એ.સી.માં જવાનું પોસાતું નથી પણ સાવ અનરિઝર્વ્ડ કે બિનસલામતરૂપે મુસાફરી કરવાના 'જોખમ'થી બચી શકે તેવી પરિસ્થિતિના હોય છે. જાહેર સુવિધાઓનો ભરપૂર ઉપયોગ કરતા તેમને આવડે છે. તેમનો માલિકી ભાવ તેમને ફાળવાયેલી સીટોથી આગળ વધીને સમગ્ર ડબ્બા સુધી પહોંચે છે. આ વર્ગના લોકોને સૌથી મોટો વાંધો 'મફતિયા' કે અનરિઝર્વ્ડ જેવા છેવાડાના લોકો સામે હોય છે. મળતી થોડી-ઘણી સુવિધાઓ બહુ લોકો સાથે વહેંચી શકવાની તૈયારી આ વર્ગ ની હોતી નથી. તેથી 'રિઝર્વ્ડ' ટીકીટ ન ધરાવનારા લોકોને 'હરામ હાડકાના', 'મફતિયા', 'કાયદાઓ તોડનારા' વગેરે નામ-વિશેષણથી નવાજવામાં આવે છે. માનવ  જીવનની દ્રષ્ટિએ આ સૌથી જીવંત ડબ્બાઓ હોય છે. અહીં ગમે તે કરવા છતાં પણ આવતા-જતા લોકો, બનતી ઘટનાઓ વગરે પર કોઈનું નિયંત્રણ હોતું નથી - સરકારનું પણ નહિ એટલે કે ક્યારેક 'તોડ' કરવા આવતા ટી.સી.નું પણ નહિ.  ટી.સી. એટલે કે સરકારનીવૃત્તિ માત્ર પોતાના કામ માટે આવીને મોટેભાગે ગાયબ રહેવાની હોય છે. વાસ્તવિકતાઓથી સૌથી નજીક આ વર્ગ હોય છે પણ તેનો મતલબ એ નથી કે આ વર્ગને બધી બનતી વાસ્તવિક ઘટનાઓના ભાગરૂપ પોતાની ઇચ્છાએ બનવું હોય છે. અહીં વ્યક્તિગત મહેચ્છાઓ, આકાંક્ષાઓ વગેરેને સ્થાન આપવાની મોકળાશ નથી હોતી. અહી માથાદીઠ ટોઈલેટની સંખ્યા ઘણી ઓછી હોય છે. અહીં ભોજન કથળેલું હોય છે તેથી તેની લોકો જાતે વ્યવસ્થા કરી લે છે. અહીં સફાઈ સારી નથી હોતી તેથી તેની વ્યવસ્થા કરવા આવનારને લોકો એક-બે રૂપિયા આપી દે છે. આ ડબ્બાઓના વ્યવસ્થાપન કાં તો સ્વયંભૂ થાય છે નહિ તો પછી ભગવાન ભરોસે થાય છે.

મોટાભાગની ટ્રેનોમાં છેવાડાના ભાગ પર હોતા અનરિઝર્વ્ડ કે બીનઅનામત  ડબ્બાઓમાં સમાજનો છેલ્લો વર્ગ મુસાફરી કરે છે. અહી સૌથી મોટી વાત 'આ ટ્રેન પર સવાર તો છીએ' તે સંતોષ હોય છે અને  સૌથી  મોટી ઈચ્છા આ મુસાફરી હેમખેમ કરીને ઝડપથી પતે તે હોય છે. દરેક વાત અહી 'ટકી રહેવાનો પ્રશ્ન' થઇ જાય છે. ભયંકર ગીરદી વચ્ચે ઈંચે-ઈંચ જગ્યાનો ઉપયોગ અહી વ્યવસ્થિત રીતે થયેલો હોય છે. અહી ટી.સી ઉર્ફે સરકાર બહુ ફરકતી નથી, તેથી કાયદો-વ્યવસ્થાથી માંડીને જગ્યાની દેખરેખ વગેરે સ્વયંભૂ રીતે સ્વયંસેવકોથી થાય છે. જગ્યા માટે કે થોડી સુવિધા માટે ઝઘડાઈને લોકો થાળે પડે છે અને લાંબી મુસાફરીમાં જ્યાં કંઈ જ બીજું  મળવા જેવુ ન હોય ત્યાં આખરે એક-બીજાને સહારે લોકો સમય ગાળી દે છે. આ બીજા વર્ગોના માનવા જેટલો 'મફતિયા' કે બીનઅનામત વર્ગ હોતો નથી. દરેક સુવિધા પર ભારાડી પ્રકારના તત્વો જેવા કે થોડા પૈસા લઈને જગ્યા કરી આપતા કૂલીઓનું તંત્ર વગેરે ફૂલ્યા-ફાલ્યા હોય છે. આં ડબ્બાની અંદર 'વિકાસ'નાં પોસ્ટર લાગ્યા હોયને ટક્યા હોય તો લોકો તેને કોઈ પરીકથાની જેમ બહુ જ રોચકતાથી જુએ છે. અહી સૌથી મોટી ચિંતા લેપટોપ-ફોનના પ્લગની નહિ પણ આટલી ભીડમાંથી રસ્તો કરીને ટોઇલેટ સુધી સમય રહેતે પહોંચાશે કે નહિ તેની હોય છે. આગળના સ્ટેશનોથી ચડી બેઠેલા લોકો નવા સ્ટેશનોથી ચઢનારા લોકોને કેમ ખાળી શકાય તેની યોજના બનાવતા રહે છે. અહી ભોજન મળતું નથી, સફાઈ થતી નથી, સિક્યોરીટી આપવાનો પ્રશ્ન જ નથી. બધું જ લોકોએ જાતે કરવાનું હોય છે. આ અંગે રેલવેનો હાજર જવાબએ હોય છે કે 'આ વર્ગમાં તો બધું કેટલું સસ્તું છે પછી એટલામાં કોઈ સુવિધા કેવી રીતે અપાય '. મોટી મોટી શાનદાર ટ્રેનોમાં આ વર્ગના ડબ્બા જોઈને પ્લેટફોર્મ પર ઉભેલા લોકો રેલવે અંગે ખોટી શંકા ન કરે એટલે આવા ડબ્બાઓને પ્લેટફોર્મના છેવાડે કે પ્લેટફોર્મની બહાર જ રાખવામાં આવે છે.

આમ આપણો સમાજ અલગ અલગ ડબ્બાઓમાં વહેંચાયેલો છે છતાં એક જ ટ્રેન પર બધા સવાર છે અને આ ટ્રેનનું ગંતવ્ય એક દિશામાં છે તે સભાનતા દરેકમાં એકસરખી હોતી નથી. લોકોનું એક-બીજા પ્રત્યેનું વર્તન પોતે ક્યા ડબ્બામાં ક્યા પ્રકારની ટીકીટ પર બેઠા છે તેના પરથી નક્કી થતું હોય છે. એ.સી. ડબ્બામાં બેઠા હોવ તો છેવાડાના બીનઅનામત  ડબ્બા આ ટ્રેનમાં છે કે નહિ તેની ખબર ન પણ હોય તેથી 'આખી ટ્રેન હવે તો એ.સી. કરી નાખવી જોઈએ' તેવા ઉદગારો પણ નીકળતા હોય છે. સ્લીપર ક્લાસમાંથી એ.સી. ડબ્બામાં જવું પ્રમાણમાં સહેલું છે પણ અનરિઝર્વ્ડમાંથી સ્લીપરક્લાસમાં પહોંચવું અઘરું હોય છે કારણ કે દરવાજા જ બંધ હોય છે.

વિવિધ વર્ગો અને તેમની વર્તણૂક વગેરેની નાની-મોટી વાતોથી ટ્રેન અને સમાજની સરખામણીની અનેક નવી વાતો જોડી શકાય તેમ છે. અહી સૌથી મહત્વની વાત સમાજ કેટલો વહેંચાયેલો છે તે નથી પણ 'બધા એક જ ટ્રેનમાં સવાર છે' અને ''બધાનું ગંતવ્ય ભલે અલગ-અલગ હોય પણ ટ્રેન એક જ દિશામાં જઈ રહી છે' તે સભાનતા મહત્વની છે. કમનસીબે, આજ-કાલ ધ્યાન ખેંચતી અને ભાન ભૂલાવતી હજારો વસ્તુઓ વચ્ચે આ સભાનતા કેળવવી પડે તેમ હોય છે.