Friday, March 01, 2013

સર્વ-સમાવેશી વિકાસ એટલે સર્વ-સમાવેશી, લીલાંછમ રસ્તા!

આજકાલ વિકાસના વાયરા વાય છે. દસ-વીસ વર્ષ પહેલાની જેમ હવે આપણી પાસે એવા બહાના નથી કે વિકાસના કામ થતા નથી કારણકે સરકાર (દેશ, રાજ્ય, શહેર-ગામ) પાસે પૈસા નથી. એવા ય બહાના ચાલે એમ નથી કે સરકાર પાસે શું કરવું તેના પ્લાન કે પોલીસી નથી. વળી, દુનિયાભરના શહેરી વિકાસના મોડેલ, અમલમાં મૂકવાલાયક પદ્ધતિઓ વગેરે અંગે જાણકારી બહુ સહેલાઈથી  મેળવી શકાય છે. અત્યારની અને ભવિષ્યની મહત્વની રાજકીય ચર્ચાઓ બીજલી-સડક-પાણી જેવી સુવિધાઓ આપી દેવા માત્ર સાથે પૂરી નથી થતી. કોઈ પણ દેશ જ્યારે ઔદ્યોગીકરણ અને શહેરીકરણના અમુક સ્તર વટાવે છે ત્યારે તે દેશોમાં રાજકારણની દિશા બદલાય છે. ત્યારે ઔધ્યોગીકરણ અને શહેરીકરણના લીધે થતા આર્થિક વિકાસ, બજારોની વૃદ્ધિના ફાયદાની સામાજિક વહેંચણી કેવી રીતે થાય છે, તેવી ચર્ચા શરુ થાય છે. રાજકીય પક્ષો અલબત્ત એવું જ કહેશે કે આ બધું તેમને લીધે થયું છે અને આવા 'સ્ટ્રકચરલ ચેન્જ'નો ફાયદો લેવાની કોશિશ કરશે. ગુજરાત જ નહિ પણ બીજા મોટાભાગના રાજ્યોમાં પણ સૌથી જોર પકડી રહેલી ચર્ચાઓ એ છે કે જે વિકાસ થાય છે તેનો હેતુ શું છે, તેની દિશા શું છે અને તેની ગતિ શું છે. આડેધડ થયેલી વૃદ્ધિને વિકાસ ન કહેવાય. આવો 'વિકાસ' પ્રજાને વિકાસગ્રસ્ત (વિકાસથી ગ્રસ્ત) અને નેતાઓને વિકાસખોર (વિકાસના નામે હાટડી ચલાવતા) બનાવી શકે છે. 

આવા મસમોટા રાજકીય-આર્થિક પ્રવાહોના દૂરબીનથી આપણે શહેરોના રસ્તા જેવી નાની પણ મહત્વપૂર્ણ બાબત જોઈએ. દુનિયાભરમાં રસ્તા બનાવતી વખતે દરેક વપરાશકારનું ધ્યાન રાખવામાં આવે છે અને કાળજીપૂર્વક તેને માટે જગ્યા આપવામાં આવે છે. જ્યારે ભારતના મોટાભાગના શહેરોમાં રસ્તાની ડીઝાઈન બનાવતી વખતે માત્ર વાહનોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે ભલે 60 મીટર પહોળો રસ્તો હોય કે 6 મીટર, રસ્તાની ડીઝાઈન એક જ રીતે થાય. જેટલી જગ્યા રસ્તા માટે હોય તેમાં એક તરફથી બીજી તરફ સુધી ડામર પાથરી દેવાનો. તેમાંથી વાહનોને જેટલું વાપરવું હોય તેટલું વાપરે. રસ્તે ચાલવાવાળા કે સાઈકલ વગેરે રસ્તાની સાઈડમાં બીજા વાહનોથી બચાય તેટલું બચીને ચાલતા રહે. રસ્તાની સાઈડમાં વળી આડેધડ પાર્કિંગ થાય. ફૂટપાથ પર કરેલું પાર્કિંગ 'લીગલ' કહેવાય કારણકે ટોઈંગવાળા આવે તો ફૂટપાથ પરના વાહન ન ઉઠાવી જાય! તેમની નજરમાં તો મોટા વાહનોને એટલે કે ટ્રાફિકમાં નડતરરૂપ હોય તેને જ દબાણ કહેવાય. રસ્તો કોના માટે - ટ્રાફિક માટે. 'ટ્રાફિક'ની વ્યાખ્યામાં વાહનો જ આવે, રાહદારીઓ અને સાઈકલવાળા તો તે વ્યાખ્યામાં જ ન આવે તો પછી તેમના માટે કોણ વિચારે.


જ્યારે દુનિયાના દરેક સુંદર શહેરો એવા હોય છે કે જ્યાં રાહદારીઓને અલગારી રખડપટ્ટી કરવાની મજા આવે. આવા શહેરોમાં રસ્તાની વ્યાખ્યા જ અલગ રીતે કરવામાં આવે છે. પેરિસમાં જે બુલેવાર્દ છે,  તે ન્યુયોર્કમાં એવન્યુ બની જાય છે, ક્યાંક પ્રોમેનાડ તો ક્યાંક પાર્ક-વે બની જાય છે. ક્યાંક પરેડ તોય ક્યાંક એસ્પલેનાડ, ક્યાંક સ્ટ્રીટ તો ક્યાંક પાથ-વે. ટૂંકમાં, ચાલવા માટે પહોળી જગ્યા. જ્યાં બધાને જવું ગમે કારણકે ત્યાં સૌ સરખા હોય અને વાહનવાળા પણ તેમના વાહનો દૂર મૂકીને ચાલવા આવે. ઉલ્લાસનું વાતાવરણ હોય, ગાડીમાં બેસીને જ ખાવાનો કોઈ આગ્રહ ન રાખવું હોય. લીલાછમ, પહોળા, ચાલવા-લાયક રસ્તા કે જ્યાં માણસોનું પ્રભુત્વ હોય, વાહનોનું નહિ. બાળકો ટ્રાફિકના ભય વગર રમી શકે અને વડીલો શાંતિથી બેસી શકે કે રસ્તો ક્રોસ કરી શકે. જ્યાં ફૂટપાથ પર ફેલાયેલા કેફેને 'દબાણ' ન ગણવામાં આવે. શું આપણે જ્યારે ગૌરવ પથ, વિકાસ માર્ગ વગેરે આપણાં શહેરોમાં બનાવીએ છીએ ત્યારે આવા સુંદર રસ્તાઓનો વિચાર કેમ નથી થતો અને હાઈવે જેવા રસ્તાઓ જ શહેરની વચ્ચોવાચથી પસાર થતાં કેમ કલ્પવામાં આવે છે? હાઈવેનો હેતુ અલગ છે અને શહેરી રસ્તાઓનો હેતુ અલગ છે. શહેરી રસ્તાઓ લોકોને ગંતવ્યસ્થાને પહોંચાડવા સિવાય શહેરનો અનુભવ કરાવવા અને શહેરમાં રહેવાનું-ચાલવાનું મન થાય તેવા હોવા જોઈએ. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના આ વર્ષના જ બજેટમાં અધધધ આઠસો કરોડ રૂપિયા રોડ અને બ્રીજ વગેરે માટે ખર્ચવાના છે. તમને શું લાગે છે, તેમાંથી કેટલા કરોડ રૂપિયાની ફૂટપાથ કે લીલાંછમ રસ્તા વગેરે બનશે?

સારા-સુંદર, લીલાંછમ રસ્તાની કલ્પના ન કરવાની આળસ અને બૌદ્ધિક નાદારી માટે બે બહાનાં ખાસ આપવામાં આવે છે. એક કે જગ્યા જ નથી અને બીજું કે ફૂટપાથ બનાવીએ તો તેની પર દબાણ થાય છે. પહેલાં તો જગ્યાના પ્રશ્ન માટે તો ખરેખર એવું કહી શકાય કે 'જગા દિલમે હોની ચાહિયે'. 60મી પહોળા રસ્તા પર, 30મી પહોળા રસ્તા પર અને 10મી પહોળા રસ્તા પર અલગ-અલગ રીતે, અલગ-અલગ પહોળાઈની ફૂટપાથ બની શકે છે, રસ્તો ક્રોસ કરવાની જગ્યા બની શકે છે, બે-ચાર ફૂલ-છોડ ઉગાડી શકાય છે. વિચાર માત્ર એવો કરવાનો છે કે વાહનો નાગરીકો નથી, માણસો નાગરીકો છે અને આ સુવિધા તેમને માટે છે. વાહન-કેન્દ્રી રસ્તા બોરિંગ હોય છે, અને માણસ-કેન્દ્રી રસ્તા સુંદર હોય છે - બસ આ જ મુખ્ય સિધ્ધાંત છે. વાહનોને પડતી થોડી તકલીફ સામે માણસોને સુવિધા થતી હોય તો તેમ કરવામાં વાંધો શું છે? બીજો સવાલ દબાણનો છે. અમદાવાદમાં બે-ત્રણ હજાર કિલોમીટરના ભાતભાતના રસ્તા છે, તેમાંથી પાથરણાંવાળા, ફેરિયા કેટલા રસ્તા પર હોય છે. તેઓ કરીકરીને કેટલું દબાણ કરે કારણકે લારીવાળાઓનું પણ એક અર્થતંત્ર હોય છે, લારીવાળાની જગ્યાની ડીમાન્ડ અનંત તો નથી જ. વળી, એવી કોઈ ગેરેંટી નથી કે ફૂટપાથ ન બનાવવાથી દબાણ નથી થવાનું.  એટલે એ દલીલ તો વાહિયાત છે. વધુમાં, એંશી ટકા દબાણ તો આડેધડ થયેલા ખાનગી પાર્કિંગનું છે એટલે કે વાહનોનું જ તો. વાહનોને વાંકે ફરી માણસને દંડવાના. એ વાત સાચી કે વાહન પણ માણસો જ ચલાવતા હોય છે પણ સંઘર્ષ અહીં  શહેરી રસ્તાઓ માટેના 'વાહન-કેન્દ્રી વિચાર' અને 'માનવ-કેન્દ્રી વિચાર' વચ્ચે છે. માનવ કે વાહન વચ્ચે નહિ. સૌનો વિચાર કરીને બનાવેલા રસ્તાની ડીઝાઈન કરવા માટે તે દ્રષ્ટિ જોઈએ અને સાચી દિશામાં પબ્લિકના પૈસા વાપરવાની સૂઝ જોઈએ. હા, આવું ન કરવું હોય તે માટેના બહાના અનેક હોય છે.

નીચે આપેલા ગ્રાફીકમાં ન્યુયોર્ક શહેરના 'સ્ટ્રીટ ડીઝાઈન મેન્યુઅલ'માં આપેલ એક મોડેલ રોડનો પ્લાન છે અને સાન ફ્રાન્સિસ્કોના પ્લાનિંગ ડીપાર્ટમેન્ટના એક રીપોર્ટમાંથી ક્રોસ-સેક્શન છે. અહીં કોઈને ન્યુયોર્ક કે સાન ફ્રાન્સિસ્કો સામે સૂગ હોય તો લંડન,પેરીસ,મોસ્કો, જાકાર્તા, બેંગકોક, દારે સલામ કે છેક દિલ્હીથી પણ આવા ઉદાહરણ મળી શકશે. નવું દિલ્હી, દક્ષીણ મુંબઈ, મધ્ય બેંગ્લોર, મધ્ય ચેન્નાઈ, જૂના જયપુર વગેરેમાં એવા વિસ્તાર જરૂર મળી રહે છે કે જ્યાં ચાલવાની સરસ જગ્યા હોય, ઘટાટોપ લીલોતરી હોય જાણે કે ટહેલવા માટે ટહેલ ન નાખતા હોય. વધુમાં આવા વિસ્તારો જ જોતજોતામાં પ્રાઈમ પ્રોપર્ટી બની જાય છે. મુદ્દો એ છે કે પહોળી ફૂટપાથ, લીલાંછમ રસ્તા, સાઈકલ, બસ બધાય માટે જરૂર પૂરતી જગ્યા બનાવવી તે રોકેટ સાયન્સ નથી. સવાલ દ્રષ્ટિ અને દાનતનો છે. કારમાં બેસીને શહેર જોતા સરકારી-બિનસરકારી વહીવટદારોને ફૂટપાથ, લીલોતરી કે સાઈકલ-બસ માટે જગ્યાનું મહત્વ કદાચ ન પણ સમજાય. સાથે સાથે જનતા જનાર્દને પણ જાગૃત થવાની જરૂર છે કે પહોળા રસ્તા સારા પણ શહેરમાં હાઈવે ન શોભે. શહેરી રસ્તાની ડીઝાઈન અલગ હોય, અહીં સ્પીડ નહિ પણ એકધારી ધીમી પણ મક્કમ ગતિએ વહેવું અગત્યનું છે. થોડા પહોળા રસ્તા પર હાઈ સ્પીડ અને પછી ટ્રાફિક જામ એ સારું પ્લાનિંગ ન કહેવાય. શહેરી રસ્તા માટે સ્પીડ મહત્વની નથી, પહોંચવું અગત્યનું છે - ટ્રાફિકના પ્લાનિંગનો આ જ મૂળ મંત્ર છે. આ મંત્ર વાપરીને કરેલી રસ્તાની ડીઝાઈનમાં બધાનો સમાવેશ થાય છે. જો દરેક વપરાશકરને પોતાની વ્યવસ્થિત જગ્યા મળે તો વાહનચાલકોને બીજા વાહન સિવાય બીજો કોઈ   ટ્રાફિક કે ધીમી ગતિની 'અડચણો'  નથી અને એકંદરે સૌનો ફાયદો થાય તેમ છે.

માનવ-પર્યાવરણ-કેન્દ્રી અર્બન ડીઝાઈન માટે વિખ્યાત આર્કિટેક્ટ યાન ગેહલ (Jan Gehl)ની ઓફીસ એક બ્લોગ ચલાવે છે, જેનું નામ છે - 'મેકીંગ સીટીઝ ફોર પીપલ'. આ બ્લોગ પર મારો એક નાનો લેખ ભારતમાં સાઈકલિંગ વિષે સવાલ-જવાબના રૂપમાં પ્રસિદ્ધ થયો હતો. જેની લીંક અહીં છે: http://gehlcitiesforpeople.dk/2012/09/11/cycle-streets-they-should-be-the-next-grand-infrastructure-project-for-india/

આ લેખમાં એવી વાત થઇ છે કે જે લોકો અત્યારે સાઈકલ ચલાવે છે (ગરીબ શ્રમજીવી વર્ગ કે સ્કૂલે જતાં બાળકો) આપણે તેમને  રાખવાના છે અને બીજા ઓફિસે જતા મધ્યમ વર્ગના લોકોનો આમાં ઉમેરો કરવાનો છે. જેથી રસ્તા પર વાહનોની સંખ્યા ઘટશે અને સાઈકલોની સંખ્યા વધશે. આ માટે આપણે સૌથી પહેલા એવા રસ્તા બનાવવા પડે કે જે લીલાંછમ હોય જેથી સાઈકલસવારોને ઓછી તકલીફ પડે અને જ્યાં બની શકે ત્યાં રસ્તાઓમાં સાઈકલ માટે અલાયદી વ્યવસ્થા હોય. ચાલવા માટે સારી વ્યવસ્થા હોય. આપણી મોટાભાગની શહેરી મુસાફરી ત્રણ-ચાર કિમીની અંદર હોય છે અને આ ટૂંકી મુસાફરી માટે ચાલવાનો કે સાઈકલનો ઉપયોગ થઇ શકે. જ્યાં સુધી બધા ભેગા થઈને શહેરી વહીવટ પાસે આવી માંગણી નહિ કર્યા કરીએ ત્યાં સુધી બધાને સાંકળી લેતા, લીલાંછમ, ચાલવાલાયક રસ્તા જોવા માટે બીજા દેશોની મુલાકાતો લેવી પડશે. 

6 comments:

  1. અદ્‍ભુત લેખ. તમામ મુદ્દાઓ એકદમ સચોટ છે. સવાલ મથરાવટીનો છે. તમે જે જણાવી એમાંની મોટા ભાગની બાબતો મૂળભૂત છે. છતાંય એ માટેની દૃષ્ટિ કે દાનત ન હોવાથી એમ થઈ શકતું નથી. હવે તો રસ્તા કશા કારણ વિના પહોળા કરવાની લ્હાયમાં વરસો જૂનાં વૃક્ષોને આડેધડ કાપી નાંખવામાં આવે છે.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. too good ! મને ક્યારેક ક્યારેક થાય છે કે આ સરકારી માણસો રસ્તાના આયોજન માટે તમારા જેવા જાણકાર લોકોની સેવા કેમ નથી લેતા ? આવું લગભગ બધે જ જોવા મળે છે. આપણે પશ્ચિમનું આંધળું અનુકરણ કરીએ છીએ પણ, પશ્ચિમની સુવિધાઓને બીબાઢાળ બનાવ્યા વગર ભારતીય સ્વરૂપ આપી શકતા નિષ્ણાતોની મદદ નથી લેતા.

    btw લીલાછમ રસ્તાની મારી પણ આવી જ કલ્પનાઓ છે. મને પણ ઘણીવાર થાય છે કે વિદેશની પાનખર ઋતુ પણ ત્યાંના રસ્તાઓને સુંદર બનાવી શકતી હોય તો દેશી ગરમાળો અને ગુલમહોર ઉગાડીને આપણાં આકરા ઉનાળાને થોડો હળવો ના બનાવી શકાય ???

    આશા રાખીએ કે હવે પછી અધિકારીઓની ભરતી થાય ત્યારે આપણને મૃદુ હ્રદયના અધિકારીઓ મળે, અને તેઓ બિલ્ડીંગોની FSI વધારવા કે રસ્તા પર આડેધડ ડામર પાથરવા તેમજ કવિતા કરવા સિવાય બીજા ટાઢક આપે એવા મુદ્દાઓ પર પણ ધ્યાન આપે. Amen !

    ReplyDelete
  4. સરસ લેખ.. અરે! આને એની ભાષા અને સુંદરતાને લીધે નિબંધ કહેવાનું મન થઈ જાય છે. ઋતુલભાઈ. વાહન વ્યવહાર, પ્લાનિંગ વિશેના ટેક્નિકલ મુદ્દાઓને તમે સામાન્ય લોકોને સમજાય અને ગળે ઉતરે એવી ભાષામાં દાખલા દલીલો સાથે મૂકી આ બાબતે જે જાગૃતિ લાવવાનું કામ કરો છો તે પ્રસંશનીય છે.

    ReplyDelete
  5. "જ્યારે દુનિયાના દરેક સુંદર શહેરો એવા હોય છે કે જ્યાં રાહદારીઓને અલગારી રખડપટ્ટી કરવાની મજા આવે. આવા શહેરોમાં રસ્તાની વ્યાખ્યા જ અલગ રીતે કરવામાં આવે છે. પેરિસમાં જે બુલેવાર્દ છે, તે ન્યુયોર્કમાં એવન્યુ બની જાય છે, ક્યાંક પ્રોમેનાડ તો ક્યાંક પાર્ક-વે બની જાય છે. ક્યાંક પરેડ તોય ક્યાંક એસ્પલેનાડ, ક્યાંક સ્ટ્રીટ તો ક્યાંક પાથ-વે. ટૂંકમાં, ચાલવા માટે પહોળી જગ્યા."

    I am not joking when I say this but more than Ahmedabad, a city like Mumbai needs planners like you. If only the BMC can see some sense and can resist the 'aura' of corruption and the myopia of 'here and now' we can plan roads and pathways which take into account this megapolis' requirement over the next 100 years. What is happening here is scandalous. In the name of urban planning, we have urban chaos. Everything is planned 40 years too late. One feels stressed just thinking about the toll this is to take on the city a decade from now. Love your accompanying piece on cycling too. Great work Rutul!

    ReplyDelete
  6. હ્રુતુલ ભાઈ,

    ઉપરની પાંચે-પાંચ ટિપ્પણીઓ નીચે મારી સહી વાંચવી.આપણા દેશનું તંત્ર જોતાં તમે ચર્ચેલી વાત પરીકથા જેવી લાગે.કમ સે કમ મુંબઈની સરકારી ઓફિસો તો હજી ઈન્ટરનેટ તો ઠીક - ફોન વ્યવસ્થાથી ટેવાઈ નથી - પેપર્સ તય્યાર છે કે નહીં એ ફોનથી પૂછી શકાય કે એ સવાલના જવાબ આપતાં પણ એમને અહંકાર પર ચોટ લાગે છે...!! મૂળે લોચો 'સલામત-નોકરી'ના બંધારણમાં છે.કોઈ સ્પર્ધા નથી, કોઈ પડકાર નથી,કોઈ મોટીવેશન નથી- રસ્તા આકર્ષક કેમ નથી -એવો સવાલ કોઈ સ્તરે ઉઠવાનો નથી...ઢીંકણા દેશ અને ફલાણા શહેરના રસ્તા આપણા રસ્તાથી બહેતર કેમ ? એવું કોઈ કોલર પકડીને પૂછવાનું નથી. આ મુદ્દે પ્રમોશન કે પેન્શન અટકવાનું નથી...રસ્તે લાગી જવાનો ભય નથી...!!-તો કેમ થશે રસ્તાનું આધુનિકીકરણ/વ્યવહારુકરણ?
    આ કલ્પ્નાશુન્ય માહોલમાં આશાની વીરડી સમાન દ્રશ્ય વેસ્ટર્ન રેલવેના અમુક સ્ટેશનો છે. મુંબઈથી સુરત સુધી અનેક પરાંના સ્ટેશને સ્ટેશન માસ્તર દ્વારા પોતાને મળતાં ફંડ અને અધિકારનો લીલોછમ્મ ઉપયોગ જોઈ શકાય છે.અસ્તુ.

    ReplyDelete