આ લેખ જ્યારે છપાશે ત્યારે દેશમાં નવી સરકાર બનવાની જાહેરાત થતી હશે. ચૂંટણી-વિજયનો ઉન્માદ-ઉત્સાહ પતે એટલે ચાલો, નવી સરકારને કામ સોંપવાનું શરુ કરીએ. આપણે ત્યાં સરકાર કોઈ પણ આવે, અમુક મુદ્દાઓ ત્યાં જ અટકેલાં છે. આ મુદ્દાઓ સાદા-સીધા અને એટલાં અન-ગ્લેમરસ હોય છે કે રાજકીય પક્ષો તેમાંથી ચૂંટણીલાયક સ્લોગન બનાવી શકતાં નથી. જેમકે, અમે નવાં સો 'સ્માર્ટ' શહેર વસાવીશું કે અમે નવા બસ્સો પુલને ત્રણસો મકાન બાંધીશું કહેવું સહેલું હોય છે પણ અત્યારે હયાત સાત હજાર શહેરોનું શું? તેમને સ્માર્ટ કોણ બનાવશે? તેમાં સાંકડ-માંકડ જીવતી આ દેશની ત્રીસ ટકા વસ્તીને ગામડાંમાંથી આવવા થનગનતી બીજી વીસ ટકા વસ્તીનું શું?
અત્યારે વિશ્વની લગભગ પચાસ ટકા વસ્તી શહેરોમાં વસે છે, આપણે પચાસ ટકા તરફ ધીરે-ધીરે પ્રગતિ કરી રહ્યા છીએ. આપણે આપણાં શહેરોમાં આ પચાસ ટકા વસ્તી રહેતી થાય તે માટે તૈયાર કરવાનાં છે. જો આપણે શહેરોની માળખાકીય સુવિધાઓમાં વ્યવસ્થિત રોકાણ નહિ કરીએ અને શહેરોના સરકારી તંત્રોને મજબૂત નહિ કરીએ તો શહેરીકરણનો દર ઓછો થશે અને દેશનો વિકાસ દર પણ. આપણે ગામડાંઓને ભૂલી જવાનાં નથી પણ શહેરોને વધુ જીવવાલાયક બનાવવાનાં છે. ગામડાં અને શહેર એકબીજાના પૂરક હોય છે એટલે આપણે ગામડાં વર્સીસ શહેરની રમત નહિ રમીએ. તો પછી શહેરી વિકાસ માટે નવી સરકારે શું કરવાનું છે તેના ત્રણ પ્રાથમિક મુદ્દા છે:
એક, શહેરોને રાજકીય અને નાણાકીય સ્વાયતત્તા આપો, શહેરોમાં જ્યાં સુધી વિકાસ-તરફી, લોકશાહી ઢબે ચાલતી સરકાર નહિ હોય ત્યાં સુધી કંઈ વળવાનું નથી. રાજ્ય સરકારોએ શહેરો પરનો કંટ્રોલ જવા દેવો પડશે. આ પ્રકારના અભિક્રમ માટે નાણાંકીય સહાયની જવાબદારી કેન્દ્ર સરકારે જ લેવી પડે. અત્યારે તો શહેરમાં ગટરની પાઇપલાઇનના ઉદ્ઘાટન માટે આવવા રાજ્યકક્ષાનાં નેતાઓ પડાપડી કરે છે કારણકે હવે શહેરોમાંથી ઘણાં વોટ આવતાં થયા છે. મ્યુનીસીપલ સરકાર ત્યારે જ મજબૂત થાય કે જ્યારે તેમની પાસે નાણાંનો પોતાનો સ્ત્રોત હોય. એક જમાનામાં ઓકટ્રોય એક એવો પોતીકો સ્ત્રોત હતો પણ એ બહુ પ્રેક્ટીકલ નથી. ખરેખર તો ઇન્કમટેક્સ અને સેલ્સટેક્સનો એક ચોક્કસ હિસ્સો શહેરોને મળવો જોઈએ, જે વિકાસના કામો માટે જ વાપરી શકાય તેવો એજન્ડા હોઈ શકે.
બે, શહેરોમાં માળખાકીય સુવિધાઓમાં મોટા પાયે રોકાણ કરો. અહી કેન્દ્ર સકારના બજેટમાંથી માળખાકીય સુવિધા માટે દર વર્ષે ઓછામાં ઓછા 100 અબજ રૂપિયા ફાળવવા જોઈએ. શહેરો આ પૈસા મેળવવા માટે પરસ્પર સારો વહીવટ કરીને સ્પર્ધા કરે, તેવો માહોલ કેન્દ્ર સરકાર ઉભો કરે. લક્ષ્ય એ હોવું જોઈએ કે આવતાં પાંચ વર્ષમાં દરેક ઘરે પાણી-ગટર-સ્ટ્રીટલાઈટની સુવિધા પહોંચે અને દરેક શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મોટા પાયે રોકાણ થાય. પબ્લિક ટ્રાન્સપોર્ટ રોકાણ વધશે તો ટ્રાફિકની સમસ્યાઓ આપોઆપ ઉકેલાશે. આ સિવાય, મોટાપાયે કચરાના નીકાલની વ્યવસ્થામાં રોકાણ થવું જોઈએ. એકવીસમી સદીના શહેરો સાફ હોવા જોઈએ અને દરેક ઘરે ટોઇલેટ હોવું જોઈએ, ભલે પછી તે ઝૂપડપટ્ટી હોય કે મહેલ. સરકારનો અભિગમ એ હોવો જોઈએ કે 'હું પૈસા આપીશ પણ તું તારા ઘરે ટોઇલેટ બાંધ તો શહેર સાફ રહે'. દરેક ઘરે ટોઇલેટ થાય તો ઘણી જાહેર સ્વાસ્થ્યની સમસ્યાઓનો ઉકેલ મળી જાય છે.
ત્રણ, શહેરમાં દરેકને ઘરનું ઘર મળે તે માટેની પ્રેક્ટીકલ પોલીસી બનાવો. આ અઘરો વિષય છે પણ ટૂંકમાં, થોડું સરકારે કરવાનું છે અને બાકીનું બધું રીયલ એસ્ટેટ માર્કેટે કરવાનું છે. સરકારે સસ્તા મકાનો માટે જમીનો પૂરી પડવાની છે, જ્યાં ગ્રાહક સુધી ફાયદો પહોચે તે રીતના પ્રલોભનો હાઉસિંગ માર્કેટને આપવાના છે. જ્યાં ગરીબ વસ્તી હોય તેમને ત્યાં જ વસાવી શકાય તેવી વ્યવસ્થા કરવાની છે અને નવી ઝૂપડપટ્ટી ના વિકસે તેના માટે તૈયારી કરવાની છે.
ટૂંકમાં, માથે છાપરું હોય, ઘરમાં ટોઇલેટ હોય, ઘરની બહાર ગલી-રસ્તા સાફ હોય અને મુખ્ય રસ્તા પર નિયમિત ચાલતી બસ હોય એટલે સ્માર્ટ સીટી. આ સિવાયની સ્માર્ટનેસ નાગરીકો જાતે મેળવી લેશે! સાંભળો છો નવી સરકાર?
નવગુજરાત સમય, પાન નં 11, 16 મે, 2014.
No comments:
Post a Comment