ક્લાઈમેટ ચેન્જ કે પર્યાવરણનો મુદ્દો ‘કેટલો ધુમાડો કાઢવો’ તેના આંતર-રાષ્ટ્રીય રાજકારણનો મુદ્દો માત્ર નથી. આ તમને અને મને રોજબરોજના જીવનમાં સ્પર્શતો મુદ્દો છે. આપણા બાળકો ‘સેવ ટ્રીઝ’ પ્રકારનાં ચિત્રો દોરતાં હોય તો તે જોઇને રાજી થવાથી પર્યાવરણમાં સુધારો થતો નથી. ક્લાઈમેટ ચેન્જ એટલે કે હવામાનમાં બદલાવની ઘટનામાં આપણે એક વ્યક્તિ તરીકે શું કરી શકીએ તેના સાત નુસખાઓની એક સૂચી –
જાત જરા ઢંઢોળો જદુપતિ - કવિમિત્ર પંચમ શુક્લાની કવિતા પરથી ઉધાર લીધેલ આ શીર્ષક કહે છે કે પર્યાવરણના મુદ્દે સૌ પહેલા તો જાતને ઢંઢોળીને સક્રિય બનો. ક્લાઈમેટ ચેન્જ વિષે ખાંખાખોળા કરીને આખી વાતનો મુદ્દો સમજો, બીજાને જોતરો અને ખુદ શું કરી શકાય તે સમજો અને તે કરવા સક્રિય બનો. તમારા જીવનધોરણ મુજબ ઘરદીઠ કાર્બન ઉત્સર્જન ગણવાનું કેલ્ક્યુલેટરઇન્ટરનેટ પર શોધો. થોડું મગજ કસીને ગણો કે આપના પરિવારનું કાર્બન ઉત્સર્જન કેટલું છે અને તેમાંથી શું ઓછું કરી શકાય તેમ છે? આખી ફેમિલીને આ કસરતમાં જોતરો.
મોસમને અનુરૂપ જીવો - ઋતુ પ્રમાણે કપડા અને ખાનપાન રાખો. ચોમાસામાં કોલ્ડ-સ્ટોરેજ વાળી કેરી નહિ ખાવી પડે, ઉનાળાની સાંજે એ.સી. ચાલુ નહિ રાખવું પડે. સદરો અને સુતરાઉ કુર્તા જેવા કુદરતી એ.સી. પહેરીને ચાલે ત્યાં સુધી કૃત્રિમ એ.સી. નહિ વાપરો. દક્ષિણથી પવન અને ઉત્તરથી ઉજાસ લાવતાં હવાદાર ઘર પર પસંદગી ઉતારશો તો આખી જીંદગી વીજળીનું બીલ બચશે. વીજળી અને પાણી બચાવો.
વાહનથી ચાલન - ચાલી શકો ત્યાં ચાલી નાખો, એકલા હોવ તો સાઈકલ વાપરો, બેકલા હોવ તો બાઈક, ત્રણ જણાં માટે રીક્ષા ઉત્તમ,ચાર જણાંની નાની કાર અને છ વ્યક્તિ માટે મોટી કાર. ઓછી એવરેજ આપતા વાહનો મ્યુઝીયમમાં જ રાખો. વાહનોનો મોહ છોડીને ચાલવાનો શોખ રાખો. વિમાન મુસાફરી પર નિયંત્રણ કરોને ટ્રેનનો વપરાશ વધારો. તમારા બોસને કહો કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરનારાને બોનસ આપે, બોસ હોવ તો બોનસ આપો. કાર બીજાની સાથે શેર કરો, આસપાસ પૂછીને કોઈને લીફ્ટ આપો. ચાલવાલાયક ફૂટપાથ, સારા પરિવહન અને આસપાસમાં બાગ-બગીચા માટે કેમ્પેન કરો. સ્થાનિક ચૂંટણીમાં આ વાયદા પૂરા કરનાર પક્ષને જ મત આપો.
પહેલા લોકલ પછી ગ્લોબલ - સ્થાનિક રીતે મળતું કરિયાણું, શાક-ભાજી અને બીજો સામાન વાપરો. સ્થાનિક ચીઝ મળતી હોય સ્વીસનો આગ્રહ છોડો. વલસાડની કેરી મળે તો રત્નાગીરી સુધી લાંબા ન થાઓ. અંબાજીનો માર્બલ ચાલે તો ઈટાલીથી ન મંગાવો. અમેરિકામાં વાવેલા ઘઉં અને ફ્રાન્સની લેટસથી બનતા બર્ગરની જગ્યાએ સ્થાનિક કંપનીનું બર્ગર ખાવો કે પછી દાબેલી. નાનો બગીચો બનાવીને શાક-ભાજી જાતે વાવો. બાલ્કની જેવી થોડી જગ્યા હોય તો ફૂલો વાવો, ઘરને લીલુંછમ બનાવો.
ગ્રીન ટેકનોલોજીને અપનાવો - બની શકે ત્યાં પવન ઉર્જા, સૌર ઉર્જાનો ઉપયોગ કરો. વરસાદી પાણીનો સંગ્રહ કરો. બગીચામાં કે કાર-બાઈક ધોવામાં ચોખ્ખું પીવાલાયક પાણી ન વાપરો. પોતું મારી શકાય તો ધોવા બેસો નહિ અને ધોવું પડે ત્યાં પાણી ઢોળીને બગાડો નહિ. નળ ટપકતો હોય તો પ્લમ્બર બોલાવો, પાણી બચાવો.
રી-યુઝ અને રી-સાઈકલ – સાડીમાંથી ગોદડી, શર્ટમાંથી થેલી બનાવો અને વટથી વાપરો. સવારની રોટલીનો સાંજે વઘાર,ગોટલામાંથી ફજેતો વગેરે જેવા રી-યુઝથી માંડીને ઇલેક્ટ્રોનીક્સ આઇટેમ રી-સાઈકલ કરો. વધારે પડતા પેકેજીંગવાળો સામાન ન ખરીદો. 'યુઝ એન્ડ થ્રો'ની પોલીસીવાળી કંપનીને ફેંકો. ગ્રાહક તરીકે કંપનીઓ પાસે ગ્રીન પ્રોડકસની ડીમાન્ડ કરો.
સંતોષી જીવન જીવો - બજારમાં મળતી દરેક વસ્તુ ખરીદવાનો આગ્રહ નહિ રાખો. બને તેટલી ઓછી ચીજોથી ચલાવો. ખાધા પછી ખરીદી કરવા જાઓ, જો જો ચોક્કસ ઓછું ખરીદશો. ડિપ્રેસ હોવ તો મિત્રોને મળો, પોતાના માટે સ્ટાઈલીશ પણ કામ વગરની વસ્તુની ખરીદી ન કરો.
આમાંથી કેટલાય કરવા જેવા કામ બધે જ સામાન્ય બુદ્ધિથી ‘વ્યાજબી’ ગણીને કરવામાં આવતા હતા, જે ધીરે ધીરે વિસરાઈ રહ્યા છે. કોઈપણ ચીજ-વસ્તુના ‘વ્યાજબી’ વપરાશનું ડાહપણ સાચવી રાખવું એટલે પર્યાવરણની જાળવણી. આ ડાહપણ વાપરવાથી ક્લાઈમેટ ચેન્જની આપત્તિ ખાળવામાં તમે તમારી બે આની ઉમેરી શકશો અને સાથે તમારા જીવનની ગુણવત્તા સાચી દિશામાં ચેન્જ થશે!
નવગુજરાત સમય, પાન નં 11, 13જૂન, 2014.
No comments:
Post a Comment