ફોટો કર્ટસી: જુઈચી લીડા (Juichi Lida) |
ફોટો કર્ટસી: જુઈચી લીડા (Juichi Lida) |
My article in NavGujarat Samay today - Saving Sanskar Kendra
(and it seems, it got saved for the time being)
The best way to teach history is to take children to see the city and to explore its heritage. The heritage buildings tell stories of their time like how grandparents tell stories to kids. But have we left our cities in position to tell us stories from the past - haphazard construction, abuse of heritage monuments, lack of maintenance have made 'heritage' a bureaucratic term. Heritage can be best expressed through lived, spatial experiences.
Sankar Kendra in Ahmedabad is an important historical document telling us a story about the experiments with modernity in the post-Independent India. It is one of the two public building that Le Corbusier designed in Ahmedabad. Unfortunately, the Municipal Corporation is about to build an administrative block very close to Sanskar Kendra and blocking its visual access from the main street. We hope that they take this mindless decision back and find some other place for their new building.
Update - When this article was in print, the municipal corporation has promised to stop the construction on this site and agreed to shift their building somewhere else.
કોઈ બાળકને ઈતિહાસ સૌથી સારી રીતે ભણાવવો હોય તો તેને શહેરમાં ફરવા લઇ જાવ. શહેરમાં ફરતાં ફરતાં, વિવિધ પ્રકારની ઈમારતો જોતાં, અવનવી જગ્યાઓ જોતાં નવી પેઢીનાં મનમાં ઈતિહાસની સમજ અંકાય છે. જેમ દાદી કે દાદા બાળકોને તેમના સમયની વાર્તાઓ કહે છે તેમ જૂની ઇમારતો આપણને તેમના સમયની વાર્તાઓ કહે છે. જૂની ઈમારતો શહેરનાં દાદા-દાદી જ છે. શું આપણે શહેરોને એવા રહેવા દીધા છે કે જેમાં હરતાં-ફરતાં આપણાં ઈતિહાસ વિષે જાણકારી મળે? જો આપણે શહેરને નહિ સાચવ્યું હોય, તેમાં ગમે તેમ તોડફોડ કરી હશે, ગમેતેમ બાંધકામ કર્યા હશે તો આવનારી પેઢી આપણને પૂછશે, અમારો ઈતિહાસ ક્યાં? અમારો વારસો ક્યાં? અમને શહેરની વાર્તા કહેતાં દાદા-દાદી ક્યાં?
પાલડીના સરદારબ્રિજ પાસે આવેલું સંસ્કાર કેન્દ્ર મહત્વનો ઐતિહાસિક દસ્તાવેજ છે. વીસમી સદીના એક અગ્રગણ્ય આર્કિટેકટ લ કર્બુઝીયેરે આ ઈમારતની ડીઝાઈન બનાવેલી છે. સ્થાપત્યના ઇતિહાસમાં જેને મોડર્નીઝ્મનો સમય અને શૈલી કહે છે તેના ઉદાહરણરૂપ આ ઈમારત છે. 1950ના દાયકામાં કર્બુઝીયેરે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન સાથે મળીને અમદાવાદીઓને આ 'મ્યુઝીયમ ઓફ નોલેજ' ભેટ આપેલું. સંસ્કાર કેન્દ્ર સીવાય લ કર્બુઝીયેરની ડીઝાઈન કરેલી બીજી ત્રણ ઇમારતો અમદાવાદમાં છે - આશ્રમ રોડ પરનું આત્મા બિલ્ડીંગ અને ખાનગી રહેઠાણોમાં સારાભાઇ હાઉસ અને શોધન હાઉસ. એક જ શહેરમાં કર્બુઝીયેરની ચાર-ચાર ઇમારતો હોવી તે અમદાવાદને વિશ્વનાં નકશા પર લાવીને મૂકે છે. લોકો દૂર-દૂરથી કર્બુઝીયેરની ઇમારતો જોવા અમદાવાદ આવતાં રહ્યા છે. કર્બુઝીયેરની ઇમારતો ભારતીય સ્થપતિઓ અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપતી રહી છે.
પ્રખ્યાત સ્કોલર સુનીલ ખીલનાની કહે છે કે છેક 19મી સદીથી ભારતમાં અમદાવાદ જ એક એવું શહેર હતું કે જે પોતાની શરતે અને આગવી રીતે આધુનિકતાના રસ્તે આગળ વધ્યું. આઝાદી પછી ભારતનાં ઘણાં શહેરો નવા સમયમાં પોતાની ઓળખ અને આધુનિક વિચારો અંગે અટવાયેલાં હતાં ત્યારે અમદાવાદના શ્રેષ્ઠીઓએ વિશ્વનાં જાણીતાં આર્કિટેકટસ, ડીઝાઈનર્સ, શિક્ષણશાસ્ત્રી અને વિચારકોને અમદાવાદનાં આંગણે લાવીને મૂકેલાં. એક સાવ નવાં દેશ અને સંસ્કૃતિ માટે (બ્રિટીશ સંસ્થાનવાદીઓને વચ્ચે રાખ્યા વગર) પશ્ચિમી સભ્યતાનો સાથેનો આ સીધો સંપર્ક હતો. 1950ના દાયકામાં નવા આધુનિક વિચારો, સ્થાનિક વહેવારો અને કૈંક નવું કરવાની ધગશ સાથે અમદાવાદમાં મહત્વની સંસ્થાઓ ઉભી થઇ, નવી ઈમારતો ઉભી થઇ. સંસ્કાર કેન્દ્ર અમદાવાદનાં આ મહત્વનાં ઇતિહાસનું એક પ્રકરણ છે. હેરીટેજ ઈમારત તરીકે તેનું સરકારી લીસ્ટમાં નામ હોય કે ન હોય, સંસ્કાર કેન્દ્ર અમદાવાદીઓ માટે તેમનાં 50 વર્ષ જૂના ગ્લોબલ કનેક્શનની યાદગીરી છે, ઈતિહાસની એક વાર્તા છે.
કમનસીબે, મ્યુનીસીપલ કોર્પોરેશન સંસ્કાર કેન્દ્રની બાજુમાં એક વહીવટી ઓફીસનું મકાન બનાવીને સંસ્કાર કેન્દ્રને જાણ્યે-અજાણ્યે ઢાંકી દેવા જઈ રહી છે. સામાન્ય રીતે આ પ્રકારના ઐતિહાસિક મકાનોની આસપાસના વિસ્તારને બહુ ધ્યાનપૂર્વક સાચવવામાં આવે છે. જો સંસ્કાર કેન્દ્રની સામે બે માળનું મકાન બનશે તો તેનો જાહેર રસ્તા સાથેનો સીધો સંપર્ક તૂટી જશે. સંસ્કાર કેન્દ્ર નામનો ઈતિહાસનો દસ્તાવેજ કદરૂપા મકાનોથી ચારેબાજુથી ઘેરાઈને પોતાની ઓળખ ગુમાવી બેસશે. શહેરના ઇતિહાસની જાળવણી કરવી તે મ્યુનીસીપલ સત્તાવાળાઓની મહત્વની જવાબદારી છે. મ્યુનીસીપલ સત્તાવાળા તેમનાં વહીવટી મકાન બનાવવા માટે બીજી જગ્યા આસાનીથી શોધી શકે તેમ છે.
એવી આશા રાખીએ કે મ્યુનીસીપલ કોર્પોરેશન સંસ્કાર કેન્દ્રને ઢાંકી દેવાનો તેમનો નિર્ણય પાછો લેશે અને સંસ્કાર કેન્દ્રની આસપાસ તેમનાં જ આદેશથી થતું બાંધકામ અટકાવશે. સંસ્કાર કેન્દ્રને આસાનીથી બચાવી શકાય તેમ છે, આવી દરેક સમસ્યાનો વ્યવહારુ ઉકેલ હોય જ છે. જરૂર છે માત્ર થોડા ખુલ્લા મનથી બીજા રસ્તાઓ શોધવાની. સંસ્કાર કેન્દ્રની આસપાસના વિસ્તારને નવો રૂપરંગ આપીને આ ઐતિહાસિક ઈમારતનો સમકાલીન જરૂરીયાત પ્રમાણે યોગ્ય ઉપયોગ થઇ શકે તેમ છે. નહિ તો પછી આ શહેરે તેના ઈતિહાસની મજાની વાર્તા કહેતી એક વડીલ ઈમારતની જાહોજલાલી ગુમાવવી પડશે.
charakho@gmail.com
નવગુજરાત સમય, પાન નં 11, 9 મે, 2014.
No comments:
Post a Comment