સ્ત્રી-પુરુષોના વર્તનમાં અમુક જ ફેરફારોને સહેલાઈથી તેમના શારીરિક ફેરફાર જોડે સાંકળી શકાય છે. પણ તેમના વર્તનમાં રહેલા બીજા ઘણા તફાવતો સામાજિક ભૂમિકા અને મોભામાંથી જન્મે છે. લિંગ(Sex)એ જૈવિક વર્ગીકરણ છે અને જેન્ડર (Gender)એ સામાજિક વર્ગીકરણ છે. જૈવિક રીતે લિંગભેદ હોવો એક બાબત છે અને તેના લીધે સામાજિક ભૂમિકામાં ફરક પડવો તે બીજી બાબત છે. જેમકે, 'છોટા ભીમ'ના એનીમેશનમાં છોટા ભીમ એ બહાદુર છોકરો છે જે લાડુમાંથી શક્તિ મેળવીને ગુનેગારોને ધૂળ ચાટતા કરે છે. જ્યારે છોટા ભીમની મિત્ર ચુટકી એ નાજુક-નમણી છોકરી છે જે લાલી-લીપ્સ્ટીક સાથે જ જોવા મળે છે. આને 'જેન્ડર સ્ટીરીયોટાઈપ' કહેવાય. બાળકોને એ સંદેશો જાય છે કે છોકરીનું કામ શણગાર કરીને ફરવાનું છે. આખી વાત બે ડગલાં આગળ લઇ જઈએ તો છોકરીએ પોતે 'ઉગારવા માટે' એક મજબૂત ભીમ શોધવાનો હોય છે.
સ્ટીરીયોટાઈપની તકલીફ એ હોય છે કે તે બધા પ્રકારની વિવિધતા કે અલગ પડવાની શક્યતાને શૂન્ય કરી નાખે છે. કોઈ પણ પ્રકારના સ્ટીરીયોટાઈપને ખાળવા પહેલા તો એ જાણવું જરૂરી હોય છે કે આ સ્ટીરીયોટાઈપ છે. જેમ કે, સફેદ હંસ એક સ્ટીરીયોટાઈપ છે. જ્યારે કાળા હંસ જોવા મળે છે ત્યારે લોકો ભોંઠા પડે છે. હંસ તો સફેદ જ હોવા જોઈએ એવો આગ્રહ ન કરી શકાય. સફેદ હંસની થીયરી સાચી સાબિત કરવાની લાહ્યમાં કાળા હંસોનું ગળું ન ઘોંટી શકાય. દેશ કે સમાજને કાળા અને સફેદ હંસ એમ બંનેની જરૂર હોય છે. કાળા હંસો ઘણીવાર પોતાના અલગ ચીલા ચાતરતા હોય છે અને અલગ ચાતરેલા ચીલાથી જ સમાજ કે દેશ સમૃદ્ધ બને છે. સમાજે ઉભી કરેલી બીબાંઢાળ ભૂમિકાઓની સરહદો ઓળંગીને જ જે-તે વ્યક્તિ સ્વતંત્ર કે સ્વાવલંબી બની શકે છે અને સમાજને નવી સમજણો પાછી આપી શકે છે. માનવ વિકાસ કે ઉત્ક્રાંતિનો પાયો સરહદો ઓળંગવામાં છે, આ સરહદો ખડકવામાં કે સરહદોને જડ રીતે વળગી રહેવામાં નહિ.
ઘર-સમાજ ઉપરાંત શિક્ષકો અને સ્કૂલો પણ જેન્ડર સ્ટીરીયોટાઈપને મજબૂત કરવામાં આડકતરી કે સીધી મદદ કરતા હોય છે. છોકરાઓએ નાટકમાં ભાગ લેવાનો અને છોકરીઓએ ગરબામાં. શિક્ષકો કોઈ ઓજાર કે યંત્રનું કામકાજ છોકરાઓને સમજાવતા દેખાય અને ઘરગથ્થું કામ માટે છોકરીઓને યાદ કરવામાં આવે. ઘણીવાર પાઠ્યપુસ્તકોમાં રમેશ તેના મિત્રો જોડે રમતો દેખાય અને રમીલા તેની માતાને ઘરકામમાં મદદ કરતી દેખાય. રમીલા નાનાભાઈને રમાડે (એટલેકે ધ્યાન રાખે) અને રમેશ દાદીમાં પાસેથી વાર્તા સાંભળે. શિક્ષકોની અભ્યાસમાં છોકરા-છોકરીઓ પાસેથી અપેક્ષાઓ અલગ અલગ હોય. સૌથી ગંભીર સ્ટીરીયોટાઈપ છે કે કોઈ પ્રશ્નને હલ છોકરાઓ તર્કશક્તિનો ઉપયોગ કરે અને છોકરીઓ આત્મસૂઝનો. ખરેખર? જાણકાર શિક્ષણવિદો આવું માનતા નથી. શું તર્કશક્તિ પર કોઈ એક લિંગ-જાતિની વ્યક્તિનો અધિકાર હોઈ શકે? કદાચ મોટાભાગના શિક્ષકોને ખબર નહિ હોય કે તેઓ છોકરી-છોકરાની જોડે અલગ અલગ વર્તન કરીને તેમના મગજમાં રહેલી ગ્રંથીઓને દ્રઢ કરી રહ્યા છે અને તેમને અમુક બીબાંમાં ઢાળી રહ્યા છે. શિક્ષક અને માં-બાપ તરીકેને પહેલી જવાબદારી એ છે કે છોકરી હોય કે છોકરો તેમના માટે સરખી તકો ઉભી કરાવી. તેમની શક્તિઓને પીછાણવી અને તેમને પોતાની મર્યાદાઓની પેલે પાર જતા શીખવાડવું.
સમાનતાનો એક સાદો અર્થ થાય છે કે કોઈ બે સમૂહો સાથે સમાન વર્તન અને તેમને સામાન તકો મળે. સમાન હક તે જૂની વાત છે, એકવીસમી સદીનું સૂત્ર છે સમાન તક. નર હવે હથિયાર લઈને અસ્તિત્વની લડાઈ લડવા કે જંગલી પ્રાણી મારી લાવવા જતો નથી. માદા હવે પ્રજનન કે બાળ-સંભાળ માટેનું સાધન માત્ર નથી. નર-માદા હવે પુરુષ-સ્ત્રી બનીને સમાજના કોઈ પણ વર્ગમાં બંને સાથે ઘર ચલાવે છે અને સાથે બાળકો ઉછેરે છે. સ્ત્રી-પુરુષ વચ્ચે રોજબરોજના કામકાજની વહેંચણી ચોક્કસ થઇ શકે પણ કોઈ પણ કામ કોઈ એક લિંગની વ્યક્તિ સાથે જોડાયેલું હોતું નથી. સ્ત્રીઓ જો શેરબજારમાં ટ્રેડિંગ કરતા શીખતી હોય તો પુરુષો રસોઈ કરતા શીખી જ શકે. આ માનવ-ઉત્ક્રાંતિની સાદી સમજ છે. પણ સાદી સમજણો સમજવી અઘરી હોય છે, નહિ!
નવગુજરાત સમય, પાન નં 9, 28 ડીસેમ્બર (રવિવાર) 2014.
Today's article - outside the box of gender stereotypes!
Social stereotypes reduce the possibilities of having diversities in a society and perceive everyone in a homogeneous way. To resist stereotypes, it is important to know first that these are really the stereotypes. Unless you get to know some black swans, it is convenient to believe that swans could only be white. You can't kill all the black swans or paint them white to prove the white swan theory. The point is, we need both white and black swans for a vibrant society or nation.
Individuals who defy the stereotypical or conventional roles give back new understanding for social progress to their society. The very foundation of human evolution is in defying the conventional roles or boundaries and going beyond them.
Sex is a biological category whereas Gender is a social category. Behaviour of both genders is guided more by their social expectations and positions rather than the biological differences. Boys take part in a play and girls take part in a dance. Is it true that boys are more logical or rational and girls are more intuitive? It is a popular social stereotype. Many studies have found that cognitive abilities in both genders are more similar than different. It depends upon individuals whether they are more intuitive or more logical. But social expectations of behaving in a particular way starts reflecting in the classrooms.
Teachers and parents play an important role in either deepening stereotypes or in defying them. They should understand strength of an individual student/kid and teach them how to go beyond their limitations. It is their prime responsibility to create equal opportunities instead of showing stereotypical barriers to children. Equal opportunities come first and then equal rights will follow - if we create a situation of equal opportunities, individuals will learn to fight for their own rights.
No comments:
Post a Comment