Monday, December 15, 2014

નગર ચરખો: મર્દાનગીની વ્યાખ્યા બદલાવી જોઈએ!


નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડા પ્રમાણે આપણા દેશમાં એક દિવસમાં ૯૨ સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે. દેશની રાજધાની દિલ્હીમાં એક દિવસમાં ૪ સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે. ૯૪ ટકા કિસ્સાઓમાં બળાત્કારી શોષિત સ્ત્રીને કોઈક રીતે ઓળખતો હોય છે. પોલીસને રીપોર્ટ થતાં બળાત્કારોમાંથી માત્ર ચોથાભાગના કેસોમાં ગુનેગારને સજા ભોગવવાનો ચુકાદો મળે છે. દિલ્હીમાં થયેલા ચકચારી નિર્ભયા બળાત્કારને બે વર્ષ પૂરાં થશે અને આજે પણ આ જ યથાવત પરિસ્થિતિ છે. આપણે ભલે દેશમાં સૌનો વિકાસ થાય તેવી ગમે તેટલી ઈચ્છા રાખીએ પણ પ્રતિદિન ૯૨ બળાત્કારની આપણી દારુણ વાસ્તવિકતા છે.

બળાત્કાર એટલે સ્ત્રી ઉપર હિંસક હૂમલો અને હિંસાનું વિકૃત સ્વરૂપ. બળાત્કારની ઘટના એ વાસનાએ દોરેલી ઘટના કરતાં પુરુષાતનના વિકૃત શક્તિ-પ્રદર્શનની ઘટના વધુ હોય છે. મોટાભાગના બળાત્કારીઓ એવું માનતા હોય છે કે તેઓ કાયદાના ચંગુલથી છટકી જશે અને આ સ્ત્રી શરમની મારી કંઈ કહી શકશે જ નહિ. અને ખરેખર આવું જ થાય છે.બળાત્કારીઓના મનોવલણો દર્શાવે છે કે 'સબક શીખવાડવા' કે 'ઠેકાણે લાવવા' કે 'સ્થાન બતાવવા' વગેરે જેવા કારણ બળાત્કારની જેવી ઘટનાને સુધી પહોંચાડતા હોય છે. વાસના કે લૌલુપતા અને બળાત્કાર સુધી પહોંચવું તેની વચ્ચે બહુ લાંબુ અંતર હોય છે. આ અંતર કપાય છે સ્ત્રીઓ પ્રત્યેના દ્વેષની ભાવના (misogyny) અને પહેલેથી જ સ્ત્રીને ઉપભોગ માત્રનું સાધન કે નીચલી પાયરીનું 'પ્રાણી' માનવાના પિતૃસત્તાક મૂલ્યોના લીધે. તેમાં વળી કાયદા-વ્યવસ્થાના ઠેકાણા ન હોય ત્યારે તો આવા તત્વોને છૂટો દોર મળે છે. 

સ્ત્રીઓ સામે હિંસાએ સ્ત્રીઓનું રોજબરોજના જીવનમાં થતા અપમાનની બીમારીનું લક્ષણ માત્ર છે. સ્ત્રીને દેવી ગણીને પૂજાતા આ દેશમાં સ્ત્રીઓ સામેની હિંસા સર્વત્ર વ્યાપ્ત છે. દહેજના સ્વરૂપ બદલાયા છે પણ વિવિધ પ્રકારની ભેટ-સોગાદોની પ્રથા ચાલુ છે. દહેજ અને તેના વિવિધ સ્વરૂપોનો સીધો સંબંધ છે સ્ત્રી-ભ્રુણ હત્યા જોડે. સ્ત્રી-ભ્રુણ હત્યા અવિકસિત,અભણ, પછાત વિસ્તારો કે જ્ઞાતિઓમાં નથી થતી. એ થાય છે 'સુવિકસિત, સુસંસ્કૃત,વિકસેલા'  શહેરી વિસ્તારોમાં, તે સમાજવિજ્ઞાનની રીતે પૂરવાર થયેલું સત્ય છે. કહેવાતા પછાત, આદિવાસી વિસ્તારોમાં તો સ્ત્રીઓની સંખ્યા પુરુષો જેટલી (અને ક્યારેક વધુ) જોવા મળે છે. તો પછી આપણે કેવા ‘સુધારેલા’ સમાજમાં રહીએ છીએ કે જેમાં જન્મતાં પહેલા,જન્મ્યા પછી, લગ્ન વખતે, નોકરી કરવા જતી વખતે સ્ત્રીઓ પર વિવિધ પ્રકારના હુમલા થતા જ રહે છે?

૯૯ ટકા બળાત્કાર પૂરા કપડાં પહેરેલી સ્ત્રીઓ પર થયા છે. કોઈ મીની-સ્કર્ટ કે સ્પેઘેટી પહેરીને ફરતી સ્ત્રીઓ પર નહિ. એટલે સ્ત્રીએ પહેરેલા કપડાં અને બળાત્કારને સીધો સંબંધ બાંધી શકાતો નથી. જેને જે પહેરવા હોય તે કપડાં પહેરે તેના લીધે કોઈને કોઈના પર હિંસક હુમલો કરવાનું સર્ટીફીકેટ મળી જતું નથી. આ દેશના પુરુષોએ આગળ આવીને કહેવું જોઈએ કે અમે જંગલી જનાવરો નથી કે નબળો શિકાર જોઇને તેની પર તૂટી પડીએ, કે થોડું ખુલ્લું શરીર જોઇને તેની પર તૂટી પડીએ. આ બળાત્કાર વિશેની આખી ચર્ચાને પુરુષકેન્દ્રી બનાવવાની જરૂર છે, તેવું પુરુષોએ જ કહેવું જોઈએ. પુરુષોની માનસિકતા વિષે ચર્ચા થવી જોઈએ. એ જમાનો ગયો કે જ્યારે ઘરમાં માત્ર દીકરીને જ સંસ્કારી વર્તન કરતા શીખવાડતા હતા. દીકરીઓએ જે શીખવા જેવું છે તે શીખી લીધું છે, હવે દીકરાઓને  સ્ત્રીઓને માન આપવાના સંસ્કાર બહુ સચોટ રીતે આપવાનો સમય આવ્યો છે.

એકવીસમી સદીમાં મર્દાનગીની વ્યાખ્યા બદલાવી જોઈએ. આધુનિક સમયની પુરુષો પાસેથી તેમની સામાજિક ભૂમિકાની માંગ હવે અલગ છે.  મર્દાનગી સ્ત્રી-દેહનો સંમતિ વિના ઉપભોગ કરવામાં કે સ્ત્રી-શરીર વિષે ભદ્દી મજાક કર્યા કરવામાં નથી. સાચી મર્દાનગી સૌને સાથે સારી રીતે વર્તવામાં, સ્ત્રી-બાળક-વૃદ્ધોની સંભાળ લેવામાં અને તેમને - તેમની પસંદગીઓને માન આપવામાં છે. જે બીજાની પસંદ-નાપસંદને માન આપે તે જ સાચો પુરુષ કહેવાય. આવી સંવેદના વગરની મર્દાનગી એ વિકૃતિ છે. પુરુષોએ જ આગળ આવીને સ્ત્રીઓને લિંગને આધારિત હિંસા સામે સુરક્ષા આપવાની લાંબી લડતમાં ભાગ લેવો જોઈએ.

નવગુજરાત સમય, પાન નં 9, 14 ડીસેમ્બર (રવિવાર) 2014.


Yesterday's article - Let's change the definition of 'manliness/ mardanagi'! 

Two years after the massive protest in Delhi, rapes/violence against women continue and nothing much has changed on the ground conditions. It is worth saying a few things again and again -

- National Crime Bureau data says 92 women are raped in a day in India. 4 women are raped in Delhi everyday. In 94% rape cases, the rapist is known to the rape victim. 
Only in about 25% cases the accused are convicted. Many cases of molestations and violence may not be even reported. 

- Rape is a violent, sexual crime. It is not about who is wearing what, who is going out at what time - it is about inflicting violence in a perverted way. Rape is only a symptom of prevalent misogyny and patriarchy in our society. It is a symptom of how men looks at their own manhood and how they see women's position in the social hierarchy. The systems of law and order and perceptions of saftety are built around these assumptions. 

- Lets re-define what is manliness. Being a man could also mean being caring and understanding choices of others. Being a man means not laughing on sexist jokes and not participating in activities which pull other people down - including women. 

- We have taught enough to our daughters and they have learnt perfectly well - not to do this and that. It is time we teach our boys to behave and to respect women - to see them as people. 

No comments:

Post a Comment