Monday, August 04, 2014

નગર ચરખો - દુનિયાનું સૌ પ્રથમ ‘કાર ફ્રી’ ઓલિમ્પિક - લંડન ૨૦૧૨


બીજિંગ ઓલિમ્પિકને ચીનના આર્થિક વિકાસની સર્વોચ્ચતાની ઉજવણી સમાન ગણી શકાય તો લંડન ઓલિમ્પિક બ્રિટનની આર્થિક મંદીના કપરા કાળમાં યોજાઈ રહ્યો હતો. ઐતિહાસિક રીતે જોઈએ તો કદાચ બ્રિટન માટે આથી કપરો સમય ક્યારેય ન હતો. આ પહેલા લંડનમાં ૧૯૦૮ અને ૧૯૪૮માં લંડનમાં ઓલિમ્પિક રમતો રમાઈ ચૂકી છે. ૧૯૦૮માં બ્રિટન વિશ્વની લગભગ અજેયબિન-હરીફ મહાસત્તા હતુંજ્યારે ૧૯૪૮માં બીજા વિશ્વયુધ્ધના વિજય પછી ઘાયલ બ્રિટને પોતાનો દબદબો જાળવી રાખેલો. ૨૦૧૨માં લંડનમાં એવી અપેક્ષા રખાય છે કે ચારે બાજુઓથી ઘેરાયેલી આર્થિક કટોકટીમાંથી આ ઓલિમ્પિક બહાર નીકળવાની શરૂઆત બને. 

ઓલિમ્પિકની સફળતા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ માટે લંડનમાં બીજિંગની માફક મોટેપાયે નિર્માણ કાર્ય કરવાની જરૂર ન હોતી. લંડનની માળખાકીય સુવિધાઓમાં નિરંતર ફેરફારો અને વૃદ્ધિ ઓલિમ્પિક હોય કે ન હોય થતા જ રહે છે. ૧૮૫૩માં બ્રિટીશરોએ મુંબઈથી થાણે વચ્ચેની ભારતની સૌથી પહેલી રેલલાઈન નાખતાં હતા લગભગ ત્યારે જ તેઓ લંડનમાં પહેલી અન્ડરગ્રાઉન્ડ રેલલાઈન શહેરી પરિવહનના ભાગરૂપે નાખવામાં આવી હતી. આજે લંડન અન્ડરગ્રાઉન્ડ કે ટ્યુબનું ચારસો કી.મી.નું નેટવર્ક છે જે લગભગ ૨૭૦ સ્ટેશનો વચ્ચે પથરાયેલું છે. એક જ ટીકીટ -'ઓઈસ્ટર કાર્ડ'થી અન્ડરગ્રાઉન્ડ ટ્રેન, બસ, બોટ વચ્ચે આસાનીથી ફરી શકાય છે. લંડનની મોટાભાગની પ્રજા જાહેર પરિવહન વાપરે છે. ખાનગી વાહનો પર જબરજસ્ત અંકુશ મોંઘી પાર્કિંગ ફી અને કન્જેશન ચાર્જ જેવા નવીન ઉપાયોથી મૂકવામાં આવ્યો છે. ચાલવા માટે સરસ ફૂટપાથો છે અને સાઈકલ-ચાલન વધે તે માટે પાંચસો મિલિયન પાઉન્ડના ખર્ચે ‘સાઈકલ શેરીંગ સ્કીમ’ ઉભી કરવામાં આવેલી છે. જેમાં નિયત સ્થળેથી સાઈકલ ભાડે લઈને શહેરના બીજા કોઈ છેડે આવેલા બાઈક સ્ટેશન પર સાઈકલ પાછી મૂકી શકાય છે.
 
૨૦૧૨નું લંડન ઓલિમ્પિક દુનિયાનું સૌ પ્રથમ 'કાર-ફ્રીઓલિમ્પિક હતું. લંડન જ નહિ પણ ઇંગ્લેન્ડના બાકીના શહેરો કે જેમાં રમતો યોજાવાની છે ત્યાં કાર લઈને જવા માટે પાર્કિંગ જેવી કોઈ સુવિધા ન હતી. બધા જ ઓલિમ્પિક પાર્ક ખાનગી વાહન વર્જિત ક્ષેત્ર હતા – નો પાર્કિંગ! દરરોજ લગભગ આઠેક લાખ લોકો ઓલિમ્પિક પાર્ક જાહેર પરિવહનથી પહોચેલા, સાઈકલથી ચાલતા પહોંચેલા! ઓલિમ્પિક પાર્ક પાસે આવેલું મેટ્રોનાં  સ્ટ્રેટફર્ડ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યુંઉત્તર- પૂર્વની અન્ડરગ્રાઉન્ડ અને લાઈટ રેલ લાઈનમાં સુધારા-વધારા કરીને તેની લંબાઈ વધારવામાં આવી. ક્યાં કેવી  પહોંચવું તેની જાહેરાતો દરેક મીડિયામાંવિવિધ ભાષાઓમાં હતી. ગુજરાતમાં ઘણી સરકારી વેબસાઈટ કદાચ ગુજરાતીમાં ન જોવા મળે પણ લંડનમાં પરિવહનની વેબસાઈટમાં ગુજરાતીનો વિકલ્પ જરૂર છે. 

લંડન ઓલિમ્પિકના લીધે થતો આર્થિક ફાયદો કોને થઇ રહ્યો છે તેના વિષે અનેક પ્રશ્નો હતાં. સરકારી દાવાઓ પ્રમાણે ઓલિમ્પિકના લીધે નોકરીઓનું સર્જન થશેનવા વ્યાપાર-ધંધા વિકસશેનવ-યુવાનોને રમતગમતમાં રસ પડશે તેવું કહેવાતું હતું. હકીકતમાં બ્રિટીશ અર્થવ્યવસ્થા વૈશ્વિક રીતે ખાસ્સી ફેલાયેલી હોવાથીજે તે કંપનીઓને બહારથી મજૂર વર્ગ મંગાવવો સસ્તો પડતો હતો. જેમકેજો ભારતમાં ઓલિમ્પિકની ટીકીટ છપાવે તો લંડનના સ્થાનિક ખર્ચાથી સસ્તું પડે. બાંધકામ ક્ષેત્રે મોટાભાગનો મજૂર વર્ગ પોલેન્ડ કે રોમાનિયા વગેરેથી આવે છે. લંડન ઓલિમ્પિકનું ઘણું બધું ઔદ્યોગિક પ્રકારનું કામ કોઈ તૃતીયમ જગ્યાએ આઉટ સોર્સ થઇ રહ્યું હતું. તો આ ઓલિમ્પિકના લીધે સ્થાનિક લોકો કે અર્થ વ્યવસ્થાને કેટલો લાભ મળેલો તેનો કોઈ સ્પષ્ટ જવાબ નથી.

યુરોપમાં અને ખાસ તો બ્રિટનમાં વેકેશન અને રજાઓનું બહુ મહત્વ છે. જો તડકો ખીલે તો બગીચામાં બેસીને ચા કે બીયર પીને શાંતિનો અનુભવ કરતી (એમની ભાષામાં - એન્જોઈંગ બીટ ઓફ સન...આંહ!) બ્રિટીશ પ્રજા જાણે કે છેલ્લી બે-ત્રણ સદીમાં કરેલા આંતર-રાષ્ટ્રીય દંગલનો થાક ઉતારી રહી છે. ઓલિમ્પિકનાં સમયે ઓગસ્ટ તો ખાસ વેકેશનનો સમય ગણાય. આ વખતે લંડનની ભીડભાડથી દૂર ભાગી છૂટવું તેવું માનનારો વર્ગ મોટો હતો. એટલે જ તો'હોલીડેઝ એટ હોમ' કરીને ઝુંબેશ શરુ કરવામાં આવેલી. બીજિંગમાં ડગલેને પગલે મળતાં આવકારથી  ઉલટું, લંડન ઓલિમ્પિક વિષે વાત કરતાં અંગ્રેજી મિત્રો કહેતાં કે, 'ઓહ બીલીવ મી, સ્ટે અવે ફ્રોમ લંડન ઇન ઓગસ્ટ!'.

નવગુજરાત સમય, પાન નં 11, 3 ઓગસ્ટ (રવિવાર) 2014

No comments:

Post a Comment