ગુજરાતમાં આધુનિક ટાઉન પ્લાનિંગનો ઈતિહાસ લગભગ સો વર્ષ જૂનો છે. શહેરોના આયોજનનું કામ જો કે હડપ્પન સમયથી ચાલ્યું આવે છે અને ધોળાવીરા-લોથલ તેનાં સાક્ષી છે. આધુનિક સમયમાં, બોમ્બે ટાઉન પ્લાનિંગ એક્ટ 1915ની સાલમાં અમલમાં આવેલો અને તે મુજબ 1917ની સાલમાં જમાલપુર(અમદાવાદ)માં પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ બની હતી. આવતા વર્ષે પહેલા આધુનિક ટાઉન પ્લાનિંગ એક્ટ અને તેની પ્રક્રિયા સહારો થવાનાં સો વર્ષ પુરા થશે. અંગ્રેજોએ ભારતમાં રાજ કરવા માટે જમીન સંપાદનના કઠોર કાયદા બનાવેલા ત્યારે જમીન માલિક અને સરકાર બંનેને ફાયદો થાય તેવી ટાઉન પ્લાનિંગ સ્કીમની શરૂઆત ગુજરાતમાં થઇ હતી. સરકારને શહેરનાં વિસ્તરણ માટે અને માળખાકીય સુવિધાઓ માટે જમીન મળે અને જમીનમાલિકને શહેરની નજીક પહોંચવાનો આર્થિક લાભ મળે તેવી પરસ્પર પાર્ટનરશીપ ધરાવતી આ સ્કીમ જરૂર ગુજરાતી કોઠાસૂઝને આભારી હશે.
ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ બે સ્તર પર થાય છે. એક, લગભગ વીસ વર્ષના ગાળામાં આખા શહેર માટે વિકાસ નકશો (ડેવેલોપમેન્ટ પ્લાન) બને છે. જેમાં આખા શહેરના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિકાસની બ્લ્યુ પ્રિન્ટ મૂકવામાં આવે છે. બે, બીજા સ્તરનું પ્લાનિંગ એરિયાના સ્તર થાય છે, જ્યાં લગભગ એક ચોરસ કી.મી.ના એરિયા માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ બને છે. પરંપરાગત રીતે ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ સ્કીમનો ઉપયોગ શહેરના હદ વિસ્તારની ખેતીની જમીનોને શહેરી જમીનમાં પરિવર્તિત કરવા માટે થાય છે. શહેરની હદમાં આવેલી ખેતીની કે બીજી ફાજલ જમીનને સમતોલ આકારમાં ફેરવીને, તેમાં માળખાકીય સુવિધાઓનું આયોજન કરીને અને જાહેર સુવિધાઓ માટેની જમીનનું ફાળવણી કરીને ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવામાં આવે છે. જમીનમાલિકને ખેતી માટેનાં વાંકાચૂકા પ્લોટની જગ્યાએ રસ્તાને અડીને, વ્યવસ્થિત આકારનો પ્લોટ થોડી કપાત બાદ પાછો મળે છે અને તેનાં પરિણામે આર્થિક ફાયદો પણ મળે છે.
આજે જમીન સંપાદન કરવા કરતાં ટાઉન પ્લાનિંગ સ્કીમોના લીધે કાયદાકીય બબાલો ઓછી થાય છે, ગ્રામીણ જમીનનો બિનખેતી હેતુમાં બદલાવ ઝડપથી થાય છે અને શહેરના હદ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ પ્રમાણમાં ઝડપથી પહોંચે છે. ગુજરાતમાં ટાઉન પ્લાનિંગને ગંભીરતાથી લેવાની પરંપરાના લીધે આપણા દેશના બીજા શહેરોની પ્રમાણમાં સારી સ્થિતિમાં છે. રસ્તાઓ કાટખૂણે હોય છે, પહોળા હોય છે, વિકાસ માટે પ્લોટ ચોખ્ખા આકારમાં મળી આવે છે, જાહેર સુવિધાઓ માટે જમીન મળી રહે છે અને મોટાભાગે આગોતરા આયોજનની સગવડ હોય છે. એકબીજા સાથે અસંગત પ્રવૃતિઓનું(જેમકે રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારો) મિશ્રણ પ્રમાણમાં ઓછું હોય છે. કોઈ ખોટા આદર્શવાદ કે સરકારી શીથીલતામાં રાચ્યા કરવાને બદલે વ્યવહારુ બનીને લોકોને સગવડ કરી આપવાની એક સામાન્ય સમજણને લીધે ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ બીજા રાજ્યો કરતાં અગ્રેસર છે.
આજે હકીકત એ છે કે આપણાં શહેરોની, તેના વ્યવસ્થાપનની, તેના આયોજનની પરિસ્થિતિ અત્યારે ચિંતાજનક છે. તેથી જ ગુજરાતના ટાઉન પ્લાનિંગમાં ઘણા સુધારાઓને અવકાશ છે. લોકોની સગવડો વધારવાની છે, લોકોને સ્પર્શતા મુદ્દે તેમની ભાગીદારી વધારવાની છે, ભ્રષ્ટાચાર ઓછો કરવાનો છે, નીતિ-નિયમો પાળવાનું મન થાય તેવા કરવાના છે, દરેક વિસ્તાર-ગામ-શહેરમાં યોગ્ય આયોજન કરવાનું છે, નવા વિચારોને લઈને આગળ વધવાનું છે. પ્લાન બનાવવામાં અને મંજૂર કરવામાં વેડફાતો સમય ઓછો થઇ શકે. મંજૂરીમાં જેટલો સમય વધુ તેટલો ભ્રષ્ટાચાર વધારે. ગુજરાતના દરેક શહેરમાં અને શહેરના દરેક વિસ્તાર સુધી ટાઉન પ્લાનીંગનો વ્યાપ્ત પહોંચવો જોઈએ. પ્લાન અંગેની માહિતી લોકો સુધી પહોંચવી જોઈએ અને તેનાં પર લોકોના સૂચનો ગંભીરતાથી લેવાવા જોઈએ. આપણે ઓગણીસમી સદીની મનોવૃત્તિ મૂકી દઈને શહેરોને એકવીસમી સદીના પડકારો માટે તૈયાર કરવાના છે.
ગુજરાતમાં આધુનિક ટાઉન પ્લાનિંગની સોમી વર્ષગાંઠે અહીં સુધી પહોંચ્યાનો આનંદ તો હોય જ પણ સાથે સાથે ભવિષ્ય પર દ્રષ્ટિ રાખીને ભૂતકાળની ભૂલો સુધારવાની જરૂર છે. લોકો, અધિકારીઓ, નિષ્ણાતોના પ્રતિભાવ મંગાવીને સો વર્ષનું સરવૈયું થવું જોઈએ. આપણા પ્લાનરો પર એસી કેબીનમાં બેસીને પ્લાન બનાવવાનો આરોપ મૂકવામાં આવે છે, જે બધા માટે સાચો ન પણ હોય. સોમી વર્ષગાંઠે એવી આશા રાખીએ કે પ્લાન બનાવીને આપણું જીવન બદલનારા પ્લાનરો રસ્તે હાલતાં-ચાલતાં મળી જાય, થોડું સંભળાવે, ઝાઝું સાંભળે અને સૌનો વિકાસ સાથે થાય તે રીતે પ્લાન બનાવે.
નવગુજરાત સમય, પાન નં 9, 17 ઓગસ્ટ (રવિવાર) 2014.
(ગુજરાતમાં આધુનિક અર્બન પ્લાનિંગની સદીના આ લેખ સાથે મારા બ્લોગપોસ્ટ્સની સંખ્યાની સદી આજે પૂરી થાય છે, તેનો આનંદ છે. બ્લોગપોસ્ટ્સની સદી પૂરી કરવા માટે એક એક્સ્લુઝીવપોસ્ટ લખવાની ઈચ્છા હતી, જે બીજી ઘણી 'હઝારોં ખ્વાહિશે'ની જેમ સમયની મારમારીને લીધેપૂરી નથી થઇ પણ સદી પૂરી કરવાની મજા છે. હવે આગળ બસ્સો કેપાંચસોનો આંકડો દેખાતો થયો છે. નવગુજરાત સમયમાં આવતી નિયમિત કટારને લીધે બ્લોગપોસ્ટ્સની સંખ્યા આ વર્ષમાં ઘણી વધી છે, જેને લીધે આ વર્ષમાં જ સદી પૂરી થઇ છે, નહિ તો કદાચ આવતા વર્ષ સુધી આપણે ખેંચી નાખ્યું હોત. નિયમિત કટારને લીધે અલગ પ્રકારની શિસ્ત રાખવી પડતી હોય છે, તેથી અલગારી સમયે, મન થાય તો લખાતો બ્લોગ હવે નિયમિત બન્યો છે. સો પોસ્ટ્સ સુધીની સફરના સૌ સાથીઓ-મિત્રોનો દિલથી આભાર!)
(ગુજરાતમાં આધુનિક અર્બન પ્લાનિંગની સદીના આ લેખ સાથે મારા બ્લોગપોસ્ટ્સની સંખ્યાની સદી આજે પૂરી થાય છે, તેનો આનંદ છે. બ્લોગપોસ્ટ્સની સદી પૂરી કરવા માટે એક એક્સ્લુઝીવપોસ્ટ લખવાની ઈચ્છા હતી, જે બીજી ઘણી 'હઝારોં ખ્વાહિશે'ની જેમ સમયની મારમારીને લીધેપૂરી નથી થઇ પણ સદી પૂરી કરવાની મજા છે. હવે આગળ બસ્સો કેપાંચસોનો આંકડો દેખાતો થયો છે. નવગુજરાત સમયમાં આવતી નિયમિત કટારને લીધે બ્લોગપોસ્ટ્સની સંખ્યા આ વર્ષમાં ઘણી વધી છે, જેને લીધે આ વર્ષમાં જ સદી પૂરી થઇ છે, નહિ તો કદાચ આવતા વર્ષ સુધી આપણે ખેંચી નાખ્યું હોત. નિયમિત કટારને લીધે અલગ પ્રકારની શિસ્ત રાખવી પડતી હોય છે, તેથી અલગારી સમયે, મન થાય તો લખાતો બ્લોગ હવે નિયમિત બન્યો છે. સો પોસ્ટ્સ સુધીની સફરના સૌ સાથીઓ-મિત્રોનો દિલથી આભાર!)
"પ્લાન બનાવીને આપણું જીવન બદલનારા પ્લાનરો રસ્તે હાલતાં-ચાલતાં મળી જાય, થોડું સંભળાવે, ઝાઝું સાંભળે અને સૌનો વિકાસ સાથે થાય તે રીતે પ્લાન બનાવે." આ આશાવાદ અશક્ય નથી. ઈચ્છાશક્તિ હોય તો એ થઈ જ શકે.
ReplyDeleteસોમા મુકામે પહોંચવા બદલ હાર્દિક અભિનંદન અને આગામી સફર માટે શુભેચ્છાઓ!
સદી ફટકારવા બદલ ચરખાને અને એના કાંતણહારા ઋતુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન! LOL@કાયદાકીય બબાલો
ReplyDelete