બીજિંગ ઓલિમ્પિક ચીન માટે દુનિયાને તેની આર્થિક-રાજકીય તાકાત બતાવવાનો મજબૂત મોકો હતો. ૨૦૦૮ પહેલાના બે-ત્રણ કંઇક અંશે નબળા અને ઉદાસીન કહી શકાય તેવા ઓલિમ્પિકના ઉત્સવો પછી જાણે કે ચીને નક્કી કર્યું હોય કે અમે દુનિયાને બતાવી દઈશું કે ઓલિમ્પિકનું આયોજન કેમ કરાય છે?બીજીંગમાં ઓલિમ્પિકની તૈયારી માટે ૪૦ બિલિયન ડોલર ઠલવાયેલા હ તા. ૨૦૦૮ સુધીમાં ૧૧૦૦૦ નવા હોટેલ રૂમ શહેરમાં ઉમેરાયેલા, લાખો સ્ક્વેર મીટરની ઓફીસ સ્પેઈસ અને શૉપિંગ એરિયાનો ઉમેરો થયો હતો. શહેરના દરેક વિસ્તારનું નવીનીકરણ થયું હતું. દોઢસો મિલિયન ડોલરના આંકડો તો જૂના-જર્જરિત મકાનોને ધરાશાયી કરવાના ખર્ચ તરીકે બોલાતો હતો. ગમેતેમ તોડફોડ, રીનોવેશન અને નવનિર્માણ માટે કેટલાં લોકોનું સ્થળાંતર થયું, કોને શું અન્યાય થયો વગેરે વિષેની દંતકથાઓ છે અને સરકારી આવૃત્તિની માહિતી છે. સત્ય કોઈને ખબર પડી નથી.
બીજિંગ શહેરમાં ધરમૂળથી ફેરફારો થઇ રહ્યા હતાં. શહેરની મેટ્રો રેલ (સબ વે) સુવિધા માટે એક નવી લાઈન નાખીને આખું નેટવર્ક પૂરું કરવામાં આવ્યું હતું. શહેરના દૂર-સુદૂર વિસ્તારોમાંથી લોકો શહેરના મુખ્ય ભાગો કે મેટ્રો રેલના નેટવર્ક સુધી પહોંચી શકે તે માટે બી.આર.ટી.ના નવા કોરીડોર વિકસાવવામાં આવ્યા હતા (અમદાવાદ-સુરતમાં બની રહ્યા છે તેવા). શહેરની સંસ્કૃતિને, લોકોને, સુવિધાઓને જાણે ઘસીને ઉજળી કરવાની કવાયત ચાલતી હતી.
તો પછી શા માટે બીજિંગમાં ચીનની સરકાર જાહેર પરિવહનમાં આટલું બધું રોકાણ કરી રહી છે? તેનું કારણ છે બીજિંગનું ખતરનાક હવાનું પ્રદુષણ. ઠંડી-ધુમ્મસની આબોહવામાં વાહનોનો ધુમાડો ભાળીને 'સ્મોગ'(સ્મોક + ફોગ)નું સર્જન કરે છે જેના લીધે શ્વાસોશ્વાસને લગતી ગંભીર બીમારીઓ થાય છે અને શહેર આખામાં ધૂંધળા વાદળો છવાયેલા રહે છે. ખાનગી વાહનોના નિરંકુશ વપરાશને લીધે આ પરિસ્થિતિ બહુ વકરી હતી. બે દાયકા પહેલાં બીજિંગની સરકાર એવું માનતી હતી કે ખાનગી વાહનોની વૃદ્ધિને વધુ પહોળા રસ્તા અને ફ્લાય-ઓવર વગેરે બનાવીને નીપટાવી લઈશું પણ બન્યું ઊંધું. ફ્લાય-ઓવર ઉપર પણ હવે વાહનોની ગીચતા વધી, પરિણામે ટ્રાફિક જામ, હવા-અવાજનું પ્રદુષણ, ચીનના પ્રતિકસમા સાઈકલ-ચાલનમાં ઘટાડો અને સર્વત્ર અંધાધૂંધી. છેવટે તો 'રોડ રેશનીંગ' જેવો એક વિચાર અમલમાં મૂક્યો જેમાં અઠવાડીયાના ત્રણ દિવસ શહેરમાં જેમના નંબર પ્લેટનો છેલ્લો આંકડો એકી સંખ્યા હોય એવા વાહનો ચાલે અને બાકીના ત્રણ દિવસ જેમના નંબર પ્લેટનો છેલ્લો આંકડો બેકી સંખ્યા હોય એવા વાહનો. આ વિચિત્ર પ્રયોગ સફળ રહ્યો છે અને શહેરનો લગભગ ૪૦-૫૦ ટકા ટ્રાફિક તેની મેળે જ ઓછો થઇ ગયો હતો. લોકો એક દિવસ જાહેર પરિવહન વાપરે અને એક દિવસ ખાનગી.
બીજિંગ ઓલિમ્પિક વખતે હવાનું પ્રદુષણ કાબૂમાં રહ્યું પણ તે પછી સરકારે જાહેર પરિવહન અને માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. ૨૦૦૮ ઓલિમ્પિકે શહેરને એક પ્લેટફોર્મ આપ્યું પણ વિકાસના કામ તો ચાલુ જ રહ્યા. નવેમ્બર 2007માં બીજિંગ મેટ્રો - અન્ડરગ્રાઉન્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટની પાંચ લાઈન ચાલતી હતી. ઓલિમ્પિકના સમય ઓગસ્ટ ૨૦૦૮ સુધીમાં ત્રણ નવી લાઈન જોડાઈ હતી. ૨૦૧૫ના અંત સુધીમાં મેટ્રોની માયાજાળ સાતસો કી.મી.એ પહોંચશે ત્યારે બીજિંગની મેટ્રો તે દુનિયાની સૌથી મોટી રેલ-આધારિત શહેરી જાહેર પરિવહન સેવા થશે. એનો ય સંતોષ નથી, હજી તો ૨૦૨૦ સુધીમાં એક હજાર કી.મી.નું નેટવર્ક બીજિંગ શહેરના મેટ્રો ઉર્ફ સબ-વે સીસ્ટમનું હશે. વિકાસ એકધારો સતત થતો રહેવો જોઈએ, બીજિંગ તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે.
બીજિંગ ઓલિમ્પિક આધુનિક ટેકનોલોજીના ઉપયોગ, મૂડીવાદી ઉત્સાહ, સામ્યવાદી અંકુશ, રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા અને સામાજિક રીતે અસુરક્ષિત પણ સસ્તા-દરે સતત મળી રહેતા મજૂર વર્ગ વગેરેના મિશ્રણનું પરિણામ હતું. વાત ઘણે અંશે સાચી પણ છે. ચીનની સસ્તી મજૂરી વિશ્વમાં વખણાય છે. શું સસ્તી મજૂરી એ હરખાવા જેવી વાત છે?બીજીંગમાં બે-ત્રણ અઠવાડિયા ગાળ્યા હોવા છતાં બીજિંગ ઓલિમ્પિકની બીજી બાજુ - અંધારી અને અણધારી બાજુ વિષે ખાસ ખબર પડતી નથી. મેન્ડેરીન અજાણી ભાષા હોવાનો પ્રશ્ન તો છે જ પણ સાથે માહિતીમાં પારદર્શકતાનો પ્રશ્ન પણ ખરો. છેલ્લે, ડીસેમ્બર ૨૦૦૭માં ભારત આવતાં પહેલાં બીજિંગ એરપોર્ટ પર ડિપાર્ચર લોન્જમાં ઉદઘોષિકા ચીની ઉચ્ચારણવાળા અંગ્રેજીમાં કહી રહી હતી, 'પ્લીજ કમ બેક ફોર ધી ઓલિમ્પિઇઈઈક...'
નવગુજરાત સમય, પાન નં 11, 28 જૂલાઈ (સોમવાર) 2014
No comments:
Post a Comment