અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશને શહેરને ઘણાં સ્વીમીંગ પુલ આપ્યા છે, પશ્ચિમી વિસ્તારોમાં તો ખાસ! સારી વાત છે કે શહેરી સરકાર નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર રાખે છે. એક મિનીટ, બધા જ નાગરિકોની નહિ પણ માત્ર પચાસ ટકા નાગરિકોની જ. કારણકે અત્યાર સુધી આ સ્વીમીંગ પુલો પુરુષોને જ સવાર-સાંજના અનુકુળ સમયની સવલતો આપતાં હતા. જો દીકરીઓ-બહેનોએ સ્વીમીંગ પુલનો ઉપયોગ કરવો હોય તો બપોરે એક થી ચાર જેવા વિચિત્ર સમયમાં જ સ્વીમીંગ કરવા આવવું પડે. બોલો, કોને બપોરે તડકામાં સ્વીમીંગ કરવાનો શોખ થાય? પણ સરકારી માન્યતા પ્રમાણે બહેનો તો બધી ગૃહિણી જ હોય ને એટલે તેમને આ સમય ચાલે, તડકો હોય તોય શું વાંધો?
ખેર, દીકરીઓ-બહેનોને સુવ્યવસ્થિત રીતે સ્વીમીંગપુલથી દૂર રાખતી આ નીતિમાં મ્યુનીસીપલ કોર્પોરેશને થોડો ફેરફાર કર્યો છે. પ્રયોગાત્મક ધોરણે, છ મહિના માટે ત્રણ સ્વીમીંગપુલોમાં દીકરીઓ-બહેનો માટે સવારે સાડા આઠથી સવા નવ સુધીનો સમય અપાયો છે. ઘરકામ ઉપરાંત નોકરી કરતી કે માત્ર ઘરકામ કરતી કઈ બહેનોને સવારે સાડા આઠનો સમય અનુકુળ પડે? એવું બને કે પુરતી સંખ્યામાં બહેનો ન આવે તો આ સવારનો સમય કેન્સલ થઇ જાય અને સ્વીમીંગ પુલમાં અનુકુળ સમયે સ્વીમીંગ કરવાની તક સ્ત્રીઓને ન મળે. સ્ત્રીઓને ક્યાંય પણ મળતાં અનામત વિષે જે પુરુષોને ફરિયાદ હોય તે જાણી લે કે સ્વીમીંગપુલ જેવી સ્વાસ્થ્ય સંબંધી સેવાઓમાં સવાર-સાંજના અનુકુળ સમયોમાં પુરુષોની એટલે કે પચાસ ટકા નાગરિકોની અનામત સો ટકા છે.
આ મામલે તો પુરુષોએ આગળ આવીને કહેવું જોઇએ કે અઠવાડિયાનાં ત્રણ દિવસ તમે સ્વીમીંગ કરો અને બીજા ત્રણ દિવસ અમે કરીશું. કાં તો પછી સ્ત્રીઓ માટે અલાયદા સ્વીમીંગ પુલ વિકસાવો. અરે, સ્ત્રી-પુરુષો બંને માટે સ્વીમીંગ પુલોની સંખ્યા વધારો. એક બહેન કહે છે, મારી આખી પેઢીની મહિલાઓ સ્વીમીંગ શીખી નથી કારણકે હું નોકરી કરતી સ્ત્રી તરીકે મ્યુનીસીપલ સ્વીમીંગપુલમાં બપોરે જઈ નથી શકતી. હું એવી આશા રાખું કે મારી દીકરીની પેઢીને હવે મ્યુનીસીપલ સેવાઓ મેળવવાની સમાન તક મળે! સમાન હક છોડો, સમાન તક તો આપો. સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓની સ્ત્રીઓ-પુરુષો-બાળકો-વૃધ્ધો વચ્ચે સમાન રીતે વહેંચણી થાય તેવી વ્યવસ્થા સરકારે ઉભી કરવી જ જોઈએ.
કોઈ સામાન્ય નાગરિક હોય કે પેપ્સીની સીઈઓ ઈન્દ્રા નૂયી - ગમે તેટલી મોટી પોઝીશનમાં પણ પહોંચીને સ્ત્રીઓના હિસ્સામાં ફરજો વધુ આવે છે અને હક્કો ઓછા. આમ છતાં, સ્ત્રીઓ કે વૃધ્ધોને ક્યાંક સ્વીમીંગપુલ જેવા સામાન્ય મુદ્ધે સમાન તક આપવાની વાત આવે તો કેટલાક સામાજિક ઠેકેદારોને ‘અન્યાય’ લાગે છે. કોઈને થાંભલે બાંધીને પથ્થરો ફેંકીને મારી નાખતા કે સ્ત્રીઓને ડ્રાઈવિંગ ન કરવા દેતા સમાજોને આપણે પંદરમી સદીના ગણીએ છીએ, ખરું ને? તો પછી દીકરીઓને ગર્ભમાં જ મારી નાખતાં લોકો કઈ સદીના કહેવાય? ગુજરાતની એક કરુણ વાસ્તવિકતા એ છે કે કહેવાતાં શહેરી, આધુનિક,ભણેલાં-ગણેલાં વિસ્તારોમાં સ્ત્રી ભ્રુણ-હત્યા વધુ થાય છે અને કહેવાતાં ગરીબ, બેકવર્ડ, આદિવાસી, જંગલના વિસ્તારોમાં સ્ત્રીઓની સ્ત્રી ભ્રુણ-હત્યાનું પ્રમાણ ઘણું ઓછુ છે. તો વિચારો કોણ બેકવર્ડ અને કોણ ફોરવર્ડ?
જો કે ગુજરાતમાં છેલ્લા દસ વર્ષોમાં ભ્રુણ-હત્યાનું પ્રમાણ થોડું ઓછું થયું છે, સમાજ થોડો સુધર્યો છે. પણ આપણે લાંબી મજલ કાપવાની છે. હવે ‘બેટી બચાવો’થી બે ડગલાં આગળ જવાનું છે. શરૂઆત સ્ત્રીઓને પિતૃ સંપત્તિમાં હક આપીને કરીએ? એને સાચા અર્થમાં 'યુનિફોર્મ સિવિલ કોડ' કહેવાય. દહેજ-મામેરા પ્રથા બંધ કરવી જોઈએ, વર-વધૂ પક્ષે લગ્નનો ખર્ચો વહેંચી લેવો જોઈએ, સેક્સીસ્ટ જોક પર હસવાનું બંધ થવું જોઈએ. સમાજ તરીકે આપણે ઘણું કરવાની જરૂર છે. વાત અહીં સ્વીમીંગ માત્રની નથી. સ્વીમીંગ પુલની સમય અનુકુળતા એક ઉદાહરણ છે કે પશ્ચિમી અમદાવાદના ધનાઢ્ય વિસ્તારોમાં, સ્વીમીંગ જેવી 'એલીટ' સરકારી સુવિધાઓમાં કેવી સુવ્યવસ્થિત રીતે એક વર્ગને ફાયદો થાય છે અને એક વર્ગને સતત નુકસાન. છતાં, આ અંગે ઘોર નિષ્ક્રિયતા અને અસંવેદનશીલતા છે. જો આપણે એકવીસમી સદીમાં જવું હોય, આપણી દીકરી-બહેનોને વિશ્વની બીજી મહિલાઓની સમકક્ષ ઉભી થાય તેવું ઈચ્છતા હોઈએ તો ઊંડી રીતે ઘર કરી ગયેલા સ્ત્રી-વિરોધી માનસને બદલવું પડશે.
નવગુજરાત સમય, પાન નં 12, 13 જૂલાઈ (રવિવાર) 2014
No comments:
Post a Comment