Thursday, December 01, 2011

કોનો ઇતિહાસ સાચો?

"I believe that we permit things to be done in India, which we would not permit to be done in Europe" - William Henry Russell, Journalist and correspondence for The Times, 1857.

'Mutiny' or 'War of Independence? - 'The Indian Mutiny' remains a commonly used term in Britain; but this description ignores the scale and wider significance of the uprising. 'The first war of Independence' is favoured by many in India. However, this term implies a unified and organised uprising, ignoring the local complexity of the events. Neither interpretation is adequate. How to describe the violence of 1857-58 is still contested today.

હમણાં જ એક મ્યુઝીયમમાં ઉપર મુજબનું લખાણ વાંચ્યું જે તસવીર પર પણ દેખાઈ આવે છે. તે સાથે જ ઈતિહાસ અને તેના નિરૂપણ અંગે વિચારોના ચકડોળે ચઢી જવાયું. ભારતમાં ૧૮૫૭ની ઘટનાઓને 'પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ' તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બ્રિટીશ ઈતિહાસકારો તેને લશ્કરમાં થયેલા બળવાની રીતે જુવે છે. ઉપર લખ્યા મુજબ, 'સિપાઈઓના બળવા' તરીકેનું અર્થઘટન બધી ઘટનાઓની વ્યાપકતા, તેમને સુગઠિત કરવાના પ્રયત્નો વગેરેને મહત્વ આપતા નથી. જ્યારે તેને 'પહેલા સ્વતંત્રતા સંગ્રામ'નું અર્થઘટનનો મતલબ એ થાય કે આ બધી ઘટનાઓ કેન્દ્રીય નેતાગીરી દ્વારા દોરવાઈને એક જ રાષ્ટ્રની વિભાવના સાથે થયેલી અને તેમાં સ્થાનિક પ્રશ્નોની જટિલતા કે વિવિધતા ન હતી. તેમાં પણ કેતન મહેતાની ફિલ્મ 'મંગલ પાંડે' તો વળી આખી ઘટનામાં મંગલ પાંડેને કેન્દ્રમાં મૂકીને તેને આખા સંગ્રામના નેતા (તાત્યા ટોપેની જેમ) તરીકે દર્શાવે છે, જે ઐતિહાસિક ઘટનાઓથી ઘણું વેગળું છે. જો બે દેશોમાં ઇતિહાસની અમુક ઘટનાઓના બે અર્થઘટન થવાના હોય તો પછી ઇતિહાસને ભણવો કેવી રીતે? કયું અર્થઘટન વધારે સાચું?

અમેરિકી અને યુરોપીય સમાજો ગુલામીપ્રથાના ઇતિહાસને કેવી રીતે જોતા હશે કે જેમાં એક કરોડથી વધારે લોકોનું સ્થળાંતરણ (વાંચો, ખરીદ-વેચાણ!) થયું અને જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા. અને તે વિષે આફ્રિકાની સ્કૂલોમાં ઇતિહાસનો અભ્યાસક્રમમાં શું હશે? જર્મનીમાં બાળકો હિટલર વિષે કેવી રીતે ભણતા હશે? પાકિસ્તાનમાં બાળકો ગાંધીજી વિષે શું માનતા હશે, શું આપણે જે ઝીણા માટે માનીએ છીએ એવું જ કંઈક? જાપાનમાં પર્લ હાર્બર પરના હુમલા વિષે શું ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં શું લખાયું હશે? બાંગ્લાદેશના બાળકો ૧૯૪૭ થી ૧૯૭૧ વચ્ચેના પૂર્વ પાકિસ્તાન તરીકેના વર્ષો વિષે શું ભણતા હશે? આપણે આપણા બાળકોને આઝાદ ભારતમાં ધર્મ, જાતિ વગેરેના નામે થયેલા હિંસાકાંડો વિષે શું શીખવીશું? આ બધા અઘરા સવાલો છે, એટલા માટે નહિ કે જવાબ શોધવા અઘરા છે પણ એટલા માટે કે જવાબો ઘણા છે અને તેમાંના સાચા જવાબો મનગમતા જવાબો નથી હોતા. ઇતિહાસની વાત આવે ત્યારે મનગમતી વાત જ આવે તેવી સગવડ મળતી નથી.

ઇતિહાસમાં ન ગમાડવા જેવું ઘણું હોય છે અને ગર્વ લેવા જેવું પણ ઘણું હોય છે. મોટો પ્રશ્ન થઈને ઉભો રહે છે કે ઈતિહાસએ સામાજિક વિજ્ઞાન છે કે પછી ધાર્મિક પુરાણ? મનગમતી વાર્તા છે કે પછી જેટલા પુરાવા મળે તેટલું જ અધૂરું સત્ય? ઈતિહાસ કોની માલિકીનો હોવો જોઈએ? સરકાર, જે તે વખતે સત્તાધારી રાજકીય પક્ષો, શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષણવિદો કે ઈતિહાસકારો, બહુમતિ કે લઘુમતિ પ્રજા? શું દર સરકારે ઇતિહાસના પાઠ્ય-પુસ્તકો બદલાવા જોઈએ? 

ઇતિહાસને બદલી શકાતો નથી, હા, ઇતિહાસને તોડવા-મરોડવાના પ્રયત્નો વારંવાર થાય છે. કારણકે તેમાંથી રાજકીય ફાયદો લેવાનો હોય છે. હિટલરે જર્મન પ્રજાને વારંવાર સમજાવી દીધેલું કે તેઓ દુનિયાની સૌથી શ્રેષ્ઠ કોમ છે. કમનસીબે વાત ત્યાં અટકતી નથી - જો તમે શ્રેષ્ઠ હોવ તો બીજા જૈવિક રીતે નબળા છે, તેઓ તમારી ઈર્ષા કરે છે, તેઓ તમારું શોષણ કરે છે, તમારી સહનશીલતાનો ખોટો ફાયદો ઉઠાવે છે, જો, જો હોં, એ લોકો ગમે ત્યારે કંઈક કરી બેસશે, એમને કહી દો કે તમારી સહિષ્ણુતાને તમારી નબળાઈ ન સમજે, આપણે તેમને પાઠ ભણાવીશું. આવી રીતે થાય યુદ્ધની શરૂઆત, જેનું પહેલું પગથીયું હોય, ઇતિહાસનો તોડ-મરોડ, પછી ગર્વનું લાલચોળ લોઢું આવે જેને અભિમાનના બીબામાં ઢાળવામાં આવે અને ધારી લીધેલી જૈવિક કે સાંસ્કૃતિક શ્રેષ્ઠતાના શસ્ત્રો સજાવીને યુદ્ધની રાહ જોવાની. જરાક ચિનગારી થાય કે પ્રજા ઉન્માદમાં 'યુદ્ધ', 'યુદ્ધ'ના પોકારો કરે અને પછી યુદ્ધ થાય. બધીયે આધુનિક લડાઈઓના મૂળમાં આવી જ પધ્ધતિ રહેલી છે. બંને તરફ આવી પદ્ધતિનો ઉપયોગ થાય તો યુદ્ધ લાંબુ ચાલે, બહુ જ હિંસક બને. 

ઇતિહાસને તોડવા-મરોડવાનો ફાયદો એ છે કે તેવા જૂઠાણાની મદદથી 'આપણે અને તે લોકો' તેવા બે જૂથો ઉભા કરાય છે. જો ઉભા થયેલા હોય તો આવા જૂથોને પોષવા માટે ઐતિહાસિક ઘટનાઓના અર્થઘટનો બદલાય છે. (ભારતીય) ઉપખંડ હોય કે આખી દુનિયા, આખો ઈતિહાસ 'આપણે અને તે લોકો'ની દ્રષ્ટિએ લખી જ શકાય. જેમાં 'આપણે' તો હંમેશા શ્રેષ્ઠ જ હોઈએને અને બધો વાંક 'તે લોકો'નો જ હોય ને, તેવું બંને બાજુએ લાગી શકે. 'તે લોકો'ની બીક કે તેમના દ્વારા થતી હિંસાનો ભય બતાવીને, 'આપણા'માંનો કોઈ 'આપણા' સૌના ઉધ્ધારક બનવાના વચન સાથે રાજા કે નેતા બની બેસે. રાજા/નેતા બનવા માટેની મહત્વની લાયકાત શું - ઈતિહાસ અને સાંપ્રત ઘટનાઓને તરત જ 'આપણા અને તે લોકો'ના સંઘર્ષ તરીકે ગળે ઉતરાવી શકે તે રાજા. સફળતાથી ક્યાંકથી 'તે લોકો' શોધી લઇ આવીને 'આપણને' મહાન અને 'તે લોકો'ને દૃષ્ટ દર્શાવી શકે તે રાજા. ના, ના, બધા રાજાઓ નહી આ તો યુદ્ધખોર રાજાઓની વાત છે. યુદ્ધખોર રાજા કે નેતા બદલાય છે, તેમની નીતિઓ ઉર્ફ મોડસ ઓપરેન્ડી આ જ રહે છે.

આ તો થઇ ઇતિહાસને તોડવા-મરોડવાની વાત. તો પછી ઇતિહાસના અભ્યાસ અંગે એક પ્રજા તરીકે આપણો આગ્રહ શું હોવો જોઈએ? મને ૧૮૫૭ના વિષે પેલા મ્યુઝીયમમાં જે રીતે રજૂઆત થઇ તે ગમ્યું. તે ઐતિહાસિક ઘટનાને કોઈ અર્થઘટન તરીકે નહિ પણ એક વિવાદ કે બે અર્થઘટનો વચ્ચે થતા દ્વંદ્વ તરીકે રજૂ કરે છે. કોઈ પણ ઘટના એક તરફી નહિ પણ બહુ-તરફી હોય છે, બહુ આયામી હોય છે. ઇતિહાસના શિક્ષણની વાત આવે ત્યારે કોઈ પણ ઘટનાનાં વિવિધ અર્થઘટનો બાળકો સામે રજૂ થવા જોઈએ અને તેમને પોતાની સમજ પ્રમાણે, તેમાંના અર્થઘટનો માનવા કે નહિ માનવાની પસંદગીનો અવકાશ હોવો જોઈએ. આ સાચા શિક્ષણની દિશામાં સાચું કદમ હશે. આજે આપનો ઈતિહાસ ડાબેરી, જમણેરી કે કોંગ્રેસી વચ્ચે વહેંચાઇ ગયો છે, જે રાજ્યમાં જે પ્રકારની સરકાર તેમને મનગમતો ઈતિહાસ ભણાવાય છે. જે અત્યંત દુખદ છે. શું શિક્ષણના અભ્યાસક્રમોને રાજકારણથી દૂર ન રાખી શકાય?

બીજી વાત, ઉપરનું ચિત્ર એટલા માટે મહત્વનું છે કે તે દર્શાવતું મ્યુઝીયમ કોઈ તટસ્થ દેશ કે ભારતમાં નહિ પણ ગ્રીનીચ (લંડન)માં આવેલું નેશનલ મેરીટાઈમ મ્યુઝીયમ છે (http://www.nmm.ac.uk/). તેઓ કદાચ એવું માને છે કે બાળકોને ૧૮૫૭ જેવી ઘટનાની બંને બાજુ ખબર હોવી જોઈએ, તેમના પૂર્વજોનું અર્થઘટન શું હતું અને સામેની પ્રજાનું અર્થઘટન શું હતું, તેની વ્યાપક સમજ બુદ્ધિશાળી બાળકોને હોવી જોઈએ. આવતીકાલે 'ગ્લોબલ સંસ્કૃતિ'નો ભાગ બનનાર અને વિવિધ સંસ્કૃતિના લોકો સાથે આંતર-રાષ્ટ્રીય સ્તર પર કામ કરનાર તરીકે વ્યક્તિ તરીકે એ વિદ્યાર્થીઓને તૈયાર થવાના છે. વિચારોની મોકળાશ અને વિચારવાની સ્વંત્રતા આપી શકે તે શિક્ષણ. તેથી જ તો કોઈ એક ઘટનાના બે વિરોધાભાસી અર્થઘટનો હોઈ શકે તેનો સ્વીકાર તે ઇતિહાસની સાચી સમજની દિશામાં લીધેલું પહેલું પગલું છે. આવો એક પ્રયત્ન આ ગ્રીનીચના મ્યુઝીયમમાં જોવાનો આનંદ થયો.

તેનાથી એક ડગલું આગળ વધીને નીચેનું અવતરણ પણ ત્યાં જોવા મળ્યું. જે જવાહરલાલ નહેરુએ અંગ્રેજો અને અંગ્રેજીપણા પર કરેલો કટાક્ષ છે કે "મહત્વની વાત છે કે આજે એક હિન્દુસ્તાની શબ્દ અંગ્રેજી ભાષાનો ભાગ બની ગયો છે અને તે શબ્દ છે લૂંટ". કટાક્ષને હસી કાઢવો એક વાત છે અને તેને પોતાના 'રાષ્ટ્રીય સંગ્રહાલય'માં સ્થાન આપવા માટે 'છપ્પનની છાતી' જોઈએ. આ એક સ્વસ્થ, સમજદાર સમાજનું લક્ષણ છે. એક સ્પષ્ટતા - અહી મૂળ મુદ્દો 'બ્રિટીશ સમાજ કેટલો સ્વસ્થ/શાલીન/મહાન છે' તે નથી. આવા છૂટાછવાયા ઉદાહરણોથી હું તે અંગેની કોઈ માન્યતા બાંધતો નથી, તેથી તમારે પણ ન બાંધવી. પણ આવા ઉદાહરણો, ભારત જેવા 'વિવિધતામાં એકતા' જેવા દેશમાં ઇતિહાસનું શિક્ષણ અને સંગ્રહાલયોમાં માહિતીની રજૂઆત અંગે નવા વિચારો જરૂર આપી જાય છે. આપણા ભારતના સંગ્રહાલયો અને કળાકેન્દ્રો એવા કેવી રીતે બનાવી શકાય કે એક, જે લોકભોગ્ય હોય, ઇન્ટરએક્ટીવ હોય, લોકપ્રિય બનાવાની શક્યતા ધરાવતા હોય અને બીજું કે, લોકોને તે વિચારશીલ બનાવામાં, નવી રીતે વિચારવામાં મદદ કરે?
"It is significant that one of the Hindustani words which has become part of the English language today is loot." - Jawaharlal Nehru, Politician, 1946. (National Maritime Museum, Greenwich)

 આખરે, "सा विध्या या विमुक्तये" (Education is that which liberates)નું સૂત્ર ત્યારે જ સાર્થક થાય કે જ્યારે નાત-જાતના અને રાજકીય વાડા ભૂલી જઈને અભ્યાસક્રમોમાં વિચારોની મોકળાશ અને વિચારશીલતાને ઉત્તેજન મળે. શિક્ષણમાં વિમુક્ત કરવાની શક્તિ હોવાની વાત બહુ જાણીતી છે. પ્રખ્યાત રોકબેન્ડ પિંક ફ્લોઈડનું અતિ-જાણીતું ગીત, તેમના 'વોલ' નામના આલ્બમમાં છે: 
We don't need no education, 
We don't need no thought control. 
Hey teachers, leave the kids alone.
All in all its just another brick in the wall.

કોપી-પેસ્ટ, ગોખણપટ્ટી, ટ્યુશન-સંસ્કૃતિ જેટલા જ ખતરનાક હોય છે એક-તરફી, સાંકડા-સંકુચિત વિચારો- so no thought control. ઇતિહાસનું શિક્ષણ ભવિષ્યની તૈયારી છે અને સંગ્રહાલયો કે કળાકેન્દ્રો તે ઈતિહાસ વગેરેની રસપ્રદ ઉડાનો હોય છે. આ બે ક્ષેત્રે ઘણા બદલાવો જરૂરી છે. નહિ તો પછી એક સરખી, એક જેવી દેખાતી ઇંટોનો ઢગલો મળશે (All in all its just another brick in the wall), રંગબેરંગી લોકસમુદાય નહિ. અહીં જો કે મને ક્ષુલ્લક આશાવાદમાં રાચવાનું એટલા માટે મન થાય છે કારણ કે નવી પેઢીને જૂની પેઢી હંમેશા સંકુચિત જ લાગી છે. તેથી જે નવી ઇન્ટરનેટી પેઢી આવશે તે વિચારોની ક્ષિતિજો વિસ્તારશે, જો આપણે સાનમાં સમજીશું તો એવું માનશે કે 'આપણા પૂર્વજો કેવા સમયથી આગળ હતા', નહિ તો પછી આપણને હસી કાઢશે.

7 comments:

  1. બહુ આનંદ થયો. ઇતિહાસની એકાંગી રજૂઆત પહેલાં ડાબેરીઓએ કરી. પછી જમણેરીઓનો વારો આવ્યો. ઇતિહાસ પ્રજાને ચમચીથી પીવડાવવાનું સીરપ નથી, પણ ભણતરમાં વિચારવાનો મહિમા ન હોય ત્યારે બીજો રસ્તો શો રહે? ઇતિહાસના પ્રેમી તરીકે મારી એક દલીલ એ પણ હોય છે કે ઇતિહાસમાં બનેલી ઘટનાઓનાં કારણ તારવી શકાય-જાણી શકાય, પણ એથી તે વાજબી ઠરી જાય એવું નથી હોતું. 1857 વિશે અંગ્રેજોના દેશમાં આટલું ખુલ્લાપણું જોઇને આનંદ જ થાય. પાંચ-સાત વર્ષ પહેલાં 'આરપાર'ના વિશેષાંકમાં 1857 વિશે લખવાનું થયું ત્યારે આવી મૂંઝવણ અનુભવ્યા પછી તેના માટે '1857નો સંગ્રામ' એવો શબ્દ વાપરીને, બીજી વિગતો આપીને કામ ચલાવ્યું હતું. તેમાં અંગ્રેજોના વર્ઝન જેવું ભાગ્યે જ કંઇ હોય. પણ અંગ્રેજોની ક્રૂરતાની સાથે મોટા ભાગના દેશી રાજાઓની ટૂંકી દૃષ્ટિ અને રાષ્ટ્રિયતાના અભાવ વિશે ખાસ લખવું પડે. સાથોસાથ, જોતિબા ફુલે જેવાને પણ યાદ કરવા પડે, જેમને સંગ્રામ સફળ થાય તો રૂઢિચુસ્ત-બ્રાહ્મણવાદી પેશવારાજ પાછું આવવાની બીક લાગતી હતી.
    આપણા ઘણા ભાઇલોગને ઇતિહાસ તો ઠીક, વર્તમાનના જ વાંધા છે. દલિત પ્રશ્ન સાથે અમુક રીતનો સંપર્ક હોવાને કારણે તેનો બહોળો અનુભવ છે અને થતો રહે છે. મોટા ભાગનાં બાબા-બેબીઓ દલિત પ્રશ્નને કેવળ અનામત પૂરતો સીમિત કરીને મૂકી દે અને 'દલિતોએ શું કરવું' તેના ઉપદેશો આપવા બેસી જાય, ત્યારે શું કહેવું? ભારતમાં દલિતો પર થયેલા અને હજુ ઘણી જગ્યાએ થઇ રહેલા ભેદભાવ વિશે બિનદલિતોએ બનાવેલું કોઇ મ્યુઝિયમ હોય અને ત્યાં જઇને આપણી પ્રજા શરમ અનુભવે એવું કલ્પી શકાય છે?

    ReplyDelete
  2. Wonderful stuff Rutul. Loved it. Urvish is 100% correct when he talks about the dalit conundrum. It's an amazing smugness which some dubious followers of history have which only accounts for their version being right.

    I recently finished reading Patrick French's 1997 book on India's partition and independence Liberty or Death and even with my most liberal mindset I must confess to squirming a lot when his version of our leaders (most importantly Gandhi's) did not corroborate mine.

    Ultimately though, it's important that history is not just a mono-version of one culture or one community but a sensible amalgamation of interpretations from all sides. Because more than anything else that combined understanding of history is what contributes most to our idea of what the 'truth' could have been. It's what accounts for life's greys. It can be argued however that by that logic why not look at even people like Hitler sympathetically but that, in all humility, would be missing the point.

    ReplyDelete
  3. ભરત કુમાર12/05/2011 9:53 PM

    ઋતુલભાઇ,ઇતિહાસ વિશે બહુ જ નિખાલસપણે તમે તમારા વિચારો દર્શાવ્યા,એ ગમ્યું.તમારી વિદેશયાત્રા ફળવાની છે,એ અંદેશો આનંદભેર સાચો ઠર્યો.ઇતિહાસ ને અનેક પાસા હોય છે,પણ કમનસીબે બધાને પોતપોતાનુ તારણ જ જોઇતુ હોય છે.આવા એકાંગી અર્થઘટનો માનવ સમાજ માટે ભયંકર પરિણામ સર્જતા હોય છે.ઇતિહાસને ભણવાનો એક જ ઉદ્દેશ હોય છે કે-એમાંથી શીખ મેળવવામાં આવે.એને માટે ખુલ્લું દિમાગ જોઇએ.શિક્ષણ એ કરી શકે,જો એને બિનજરુરી નિયંત્રણોમાંથી મુક્ત રાખવામા આવે.તમારી ટકોરમા દમ છે.

    ReplyDelete
  4. Maulikbhai, Bharatbhai, Urvishbhai & Vispi - Thanks a for your comments and kind words.

    Urvish Kothari - ૧૮૫૭ને 'અંજલી' આપતી ગ્રેટ ફિલ્મ 'શતરંજ કે ખિલાડી' તો છે જ. જ્યોતિબા ફૂલેને જરૂર લખનૌના નવાબો પર માન હશે. જો કે 'નવાબી' હોવા માટે લખનૌ જવું જરૂરી નથી, બાપુઓ અને બાપુશાહી એમ જ ડાયરાઓનો ખાસ વિષય થોડો છે.

    દલિત-બિનદલિત મુદ્ધે તો શું કહું? બગલમાં જ્ઞાતિ સંમેલનોના ચોપાનીયા દબાવીને લોકો કહેતા હોય છે કે, 'હવે ક્યાં પહેલા જેવું જાત-પાતનું રહ્યું છે'. થોડું ખોતરો એટલે એકવીસમી સદીના વેશમાં બારમી સદીની માનસિકતા મળી આવે. 'તમે કેવા' તે જગતનો સૌથી વાહિયાત સવાલ છે.

    ‎Vistasp - I must get that Patrick French's book. On prima facie, Partick French doesn't sound like one of those anti-India writer. You are one of the most liberal persons I have known and if you are squirming about it then it makes me very inquisitive.

    History remains contested subject. However, I believe that there should be a consensus on not sparing people like Hitler under any smart, academic excuse.

    ReplyDelete
  5. ખરેખર વિચારતા કરી દે એવો લેખ છે ઋતુલ...તમારા સૌથી સારા લેખમાંનો ટોચ નો...જો આજ સંદર્ભ ને વર્તમાન સ્થિતિમાં મુકીને જોઈએ તો પણ એટલો જ સાચો લાગે છે...મોટાભાગના ઇસ્લામિક દેશ નો વિકસિત દેશો પ્રત્યે નો અભિગમ પણ આપણા કરતા અલગ જ હોવાનો ને, અને અમેરિકા, બ્રિટન જેવો દેશો નો એમના પ્રત્યે...કદાચ ભારત-ચીન ની બાબતમાં પણ આવું જ કૈંક કહી શકાય...પાકિસ્તાન જોડે તો ખેર આપણે ઈતિહાસ share કરીએ છીએ અને ૨ પેઢી જૂની દુશ્મનાવટ ખતમ થાય એવા કોઈ એંધાણ દેખાતા પણ નથી...!
    આપણી mythology ને જ લઈએ તો રામાયણ ના પણ કેટલા versions છે..! જ્યાં ઈતિહાસની વાત આવે છે ત્યાં તોડ-મરોડ, મરી-મસાલા તો રહેવાના જ, કારણકે ગવાહી આપતી દરેક વ્યક્તિનો અંગત સ્વાર્થ, સ્પર્શ અને ગમો-અણગમો એમાં સામેલ હોય છે...
    બ્રિટન અને બીજા દેશો માં આવા છુટા-છવાયા કે સંયુક્ત ઉદાહરણ જોવા મળે એવી શક્યતા તો છે, આપણા દેશમાં આવું કૈંક હોય એની અપેક્ષા રાખવી કદાચ નકામી પડે...freedom of expression is still in its infancy in India...!

    ReplyDelete
  6. આપનો લેખ અને બ્લોગ બંને ગમ્યાં. ઈતિહાસ જ્યારે રચાય છે ત્યારે તે objective હોય છે પરંતું તેનું મૂલ્યાંકન હંમેશા subjective બની રહે છે. આપની જેમ જ મેં પણ અહીં 'વિચારોની મોકળાશ' ઘણીવાર અનુભવી છે.
    સસ્નેહ,
    ચિરાગ ઠક્કર 'જય'

    ReplyDelete