ભૂટાન એ ભારત અને ચીન જેવા મહાકાય દેશો વચ્ચે 'સેન્ડવીચ' થયેલો દેશ છે. ભૂટાનમાં માનવ સભ્યતાની પહેલી નિશાની આજથી લગભગ ચારેક હજાર વર્ષ પહેલાની મળે છે. તે પછીના વર્ષોમાં મોંગોલ અને તિબેટ વગેરે સંસ્કૃતિ સાથે તેના સીધા સંપર્કો હતા. સાંસ્કૃતિક રીતે ભૂટાન તિબેટને (કે લડાખને) વધુ મળતું આવે છે પણ તેણે રાજકીય રીતે એક અલગ અસ્તિત્વ જાળવી રાખ્યું છે. આ દેશ એક પ્રકારનો 'સાંસ્કૃતિક ટાપુ' છે. અહીં તિબેટથી થોડો અલગ 'મહાયાન બુદ્ધ ધર્મ' સત્તાવાર રીતે સ્વીકારેલો રાજ્યનો ધર્મ છે, જે તિબેટીયન બુદ્ધ ધર્મથી ઘણા અંશે અલગ છે, તેવું કહેવાય છે. બે મહાકાય મહાન સંસ્કૃતિઓ વચ્ચેના સહવાસને લીધે પોતાની પહેચાન જાળવી રાખવાના પ્રયત્નો બહુ રૂઢીચુસ્તતાથી અમલમાં લાવવામાં આવતા હશે તેવું માની શકાય. તેથી જ તો તેમની ભાષા, વસ્ત્ર-પરિધાન, સ્થાપત્ય વગેરેને પ્રચલનમાં જાળવી રાખવા માટે કાયદા ઘડવામાં આવ્યા છે અને તેનો કડકાઈથી અમલ થાય છે.
|
(થીમ્ફૂનું તાશીચોઝોંગ એટલે કે ભૂતાન સરકારનું મુખ્યાલય) |
પહાડી વિસ્તારમાં ખેતી અને પશુપાલન પર આધારિત ખીણ પ્રદેશો અને ખીણ પ્રદેશોમાં નાની-મોટી ટેકરીઓ પર પથરાયેલા ગ્રામ્ય સમૂહોનો આ દેશ બનેલો છે. દરેક ખીણ વિસ્તારને રાજકીય-આર્થિક નિયંત્રિત કરવા માટે મુખ્ય વહીવટી
મથક તરીકે કિલ્લા જેવા સ્વરૂપમાં બનાવેલા ઝોંગ (Dzong) હોય છે. તિબેટની જેમ
ભૂટાનમાં પણ ધર્મ અને રાજ્યનું સંયોજન થયેલું છે. ઝોંગ તે ધાર્મિક રીતે પણ
મહત્વ ધરાવે છે. તેમાં વિવિધ સરકારી કચેરીઓ ઉપરાંત, પ્રાર્થના સ્થાન,
મંદિરો, રહેણાંક વિસ્તાર વગેરે હોય છે. પરંપરાગત રીતે ભૂટાનમાં જમીનદારી પ્રથા (Fuedalism) અને તેની ઉપર ધર્મ અને રાજ્યના સંયોજનની બનેલી રાજ્યસત્તા હતી. મારા ૧૯૯૮નાં પ્રવાસ દરમ્યાન ત્યાં 'સંપૂર્ણ રાજાશાહી' હતી. ૨૦૦૭માં કરેલા બીજા પ્રવાસ દરમ્યાન અમે 'બંધારણીય રાજાશાહી' અનુભવી અને ધીરે-ધીરે લોકશાહી તરફ જઈ રહેલા દેશની વાતો સાંભળી. જો કે ભૂટાનનાં સમાજનો લોકશાહી સાથેનાં નવતરુણ પ્રેમની વાતો ફરી ક્યારેક.
છેક ૧૯૬૧માં થીમ્ફૂ ભૂટાનની રાજધાની બની છે. તે પહેલાની પરંપરાગત રાજધાની
પુનાખા હતી, જે ભૌગોલિક ભૂટાનની મધ્યમાં આવેલી છે. ભારત સાથે વધતા જતા
રાજકીય સંબંધો અને ચીનના તિબેટ પર આક્રમણ પછી તૂટી રહેલા સાંસ્કૃતિક જોડાણો
વચ્ચે ભૂટાનની રાજધાની પશ્ચિમે આવેલા થીમ્ફૂમાં લાવવામાં
આવી. કહેવાય છે કે પચાસના દાયકાના અંતમાં ભૂટાનનું વ્યુહાત્મક મહત્વ સમજીને પંડિત નહેરુએ થીમ્ફૂનો પ્રવાસ કોઈ વ્યવસ્થિત માર્ગને અભાવે યાક પર બેસીને કરેલો. આ પછી ભારતની મદદથી થીમ્ફૂ અને ફૂન્શીલીંગને જોડતો હાઈવે બનાવવામાં આવ્યો. આ સાથે જ થીમ્ફૂનું ભૌગોલિક અને રાજકીય મહત્વ વધ્યું અને ભારત સાથે
વેપાર અને રાજકીય સંબંધો પણ વધ્યા.
|
(ચાંગ લમ એટલે કે ચાંગ સ્ટ્રીટ પર આવેલું એક માત્ર ટ્રાફિક જંકશન અને તેના સંનિવેશમાં પર્વતોની હારમાળા) |
થીમ્ફૂની મજા એ છે કે જ્યાં જુઓ ત્યાં ક્ષિતિજો વિસ્તરતી જતી લાગે, પહાડોની હારમાળાની પશ્ચાદભૂમિ અને તેની પર તડકા-છાયાંની રમતો. આમ તો આ વાત આખા ભૂટાન માટે સાચી છે અને કદાચ બધા જ પહાડી વિસ્તારો માટે પણ. થીમ્ફૂની એક ઓર લાક્ષણીકતા છે તેનું એકદમ સાફ, નીલેરી આકાશ તેના જોડીદાર જેવો શીતલહેરમાં નિર્મળ બનેલો ભપકાદાર તડકો. શહેરમાં હાલતા-ચાલતાં જ્યાં નજર નાખો ત્યાં ધરતી અને આકાશની વિશાળતાનો અનુભવ હોય, દરેક મકાનની પાછળ અને રસ્તાને છેડે એક નજરનું ઊંડાણ હોય. આ વિશાળતા ક્યારેક-ક્યારેક અનુભવવી એક વાત છે અને તેને રોજ-બરોજની જીંદગીમાં જીવવી બીજી વાત છે. જો રોજેરોજ નિસર્ગની વિશાળતાનો અને તે સાથે આવતા માણસના વામણાપણાનો અહેસાસ થતો હોય તો પછી ભૂટાનના લોકો જેવા નમ્ર અને ખુલ્લા દિલના બનવાનું સહેલું બની જતું હશે. સૌમ્ય જોશીના નાટક 'આઠમા તારાનું આકાશ'માં એક સરસ વાત છે. જે કોઈ જ્યોતિષી પાસે પોતાના દુઃખનો માર્ગ પૂછવા જાય તેને તે આકાશના તારાં જોવા મોકલી આપે છે - આકાશની વિશાળતા સામે પોતાના દુઃખ નાના લાગે ને માટે. અહીં વિસ્તરતા જતા પહાડો અને તેની ઉપર ગુંબજીય આકાશ જેવા દૈવી સંદર્ભોની સતત હાજરીને લીધે બીજું બધું ક્ષુલ્લક લાગે અને ઝાઝી લપ્પનછપ્પન કર્યા વગર ખાઈ, પીને ખુશ રહેવું સહજ બની જાય છે.
|
(ચાંગ લામ એટલે થીમ્ફૂના મુખ્ય માર્ગની બીજી તરફનું દ્રશ્ય) |
૧૯૯૮નાં થીમ્ફૂમાં અમારી નિયમિત મુલાકાતોના સ્થળો હતાં, સ્વીમીંગ પુલ, ફિલ્મ થીયેટર, ઇન્ડિયન આર્મી કેન્ટોનમેંટનો સ્ટોર, અમુક રેસ્ટોરેન્ટ્સ અને અમુક ઓળખીતાઓના ઘર વગેરે. દરેક જગ્યાની કહાનીઓ છે અને ખાસિયતો છે. આ ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન પહેલાનો જમાનો હતો. આજે એવું લાગે છે કે જાણે આ દાયકાઓ પહેલાની વાત છે. અમે ઘર અને મિત્રો સાથે પત્રોચ્ચાર કરતા હતા. હા, એજ પેલું કાગળ પર પેન કે પેન્સિલથી લખીને કરવામાં આવતું માહિતીનું આદાન-પ્રદાન. ગુજરાતીમાં લખવાની ટેવ કદાચ ત્યારે પડી હશે. અમારી ઓફિસનું એક પોસ્ટબોક્ષ હતું. તેને દર બે દિવસે ચેક કરવામાં આવતું. ભારતથી છાપાં બે-ત્રણ દિવસે અને ક્યારેક ચાર દિવસે આવતાં ત્યારે સમાચાર મળતાં. ત્યાંના સ્થાનિક સાપ્તાહિકમાં સમાચારો ઓછા અને સરકારી જાહેરાતો વધુ રહેતી. સનસનાટીભર્યા બનાવો, ગુનાખોરી કે ભ્રષ્ટાચાર વગેરે જેવું પણ ભાગ્યે જ બનતું. કોઈ મોટા સમાચાર હોય તો મોંઢામોંઢ ખબર પડી જ જાય. કેવું કહેવાય, સમાચાર વિનાનો દેશ!
ભૂટાનમાં ત્યારે સેટેલાઈટ ટીવી પણ નહિ હતું અને કોઈ સ્થાનિક ચેનલો પણ ન હતી. ટીવીનો એક માત્ર ઉપયોગ વીસીઆર પર હિન્દી કે અંગ્રેજી ફિલ્મો જોવા થતો. માર-ધાડવાળી ચક નોરીસ, સ્ટીવન સીગલ વગેરેની બી-ગ્રેડની ફિલ્મો અને દક્ષીણ ભારતની હિન્દીમાં ડબ થયેલી ફિલ્મોનું માર્કેટ જોરમાં હતું. ભારતની નવી રીલીઝ થતી ફિલ્મોને ભૂટાનમાં તરત આવવા મળતું નહિ. ભારતીય ફિલ્મો અહીં નિયમિત રીતે ૫-૧૦ વર્ષ મોડી રીલીઝ થતી હતી. એ અલગ વાત છે કે અહીં રીલીઝ કરવા માટે એક જ થીયેટર હતું અને સરહદ પરના ગામો પણ ગણીએ તો ત્રણ કે ચાર થીયેટર. તેથી નવી રીલીઝ થતી ભારતીય ફિલ્મોની વિડીઓ કેસેટ્સ આવવાની રાહ જોવી પડતી અને લોકો થીયેટરમાં ફિલ્મ જોવા વધુ જાય તેથી કેસેટ્સ પાછળથી બહાર પડતી. મને યાદ છે કે અમુક યુવાન મિત્રો ખાસ ૬ કલાક ગાડી ચલાવીને ફૂન્શીલીંગ સુધી 'બોર્ડર'માં અક્ષય ખન્નાને અને 'ગુલામ'માં આમીર ખાનને જોવા ગયા હતાં. અમને પણ એ કાફલામાં જોડાવાનું આમંત્રણ મળેલું પણ અમે અમારી નવ-ઉપાર્જિત નિસ્પૃહતાપૂર્વક તેનો ઈન્કાર કરેલો. કારણકે અમને ૩ કલાકની ફિલ્મ માટે ૧૨ કલાકની મુસાફરીની વાત 'કુછ હજમ નહી હુઈ'.
ટીવી, મોબાઈલ ફોન, ઈમેલ, છાપાં, ફિલ્મો, ઈન્ટરનેટ કે સોશિયલ નેટવર્કિંગ વગરનું જીવન કલ્પી શકો છો? અધૂરામાં પૂરું, ઓફિસનો સમય દસથી પાંચ અને શનિ-રવિ રજા. ભારતના 'અતિ' પ્રવૃત્તિમય જીવનમાંથી એક લાંબો ઠહેરાવ આવ્યો. કોઈ પ્રકારના મનોરંજનના સાધનો કે સમય પસાર કરવાના દેખીતા ઉપાયો વગરના અમારા રહેઠાણ દરમ્યાન અમે નવા શોખ વિકસાવ્યા અને તે સાથે અમુક પ્રાથમિકતાઓનું પણ ભાન થયું. દિવસમાં કમસે કમ એકવાર જમવાનું બનાવવું, સ્વીમીંગ કરવું, વાંચવું, લખવું અને પહાડો પર ચઢવું. હા, આ લીસ્ટમાં 'કશું ન કરવું' પણ લખી શકાય. 'કશું જ ન કરવાની' મજા અલગ હોય છે. 'કશું ન કરવું' એટલે સભાનતાપૂર્વક કોઈ પ્રવૃત્તિ ન કરવી કે ન તેમાં ભાગ લેવો. કોઈ સુંદર જગ્યાએ કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર ક્ષિતિજની સામે જોયા કરવું, તે સમય પસાર કરવાની અદભૂત રીત છે. આજના પ્રવૃત્તિથી હર્યા-ભર્યા જીવનની સરખામણીમાં 'કશું ન કરવું' તેવું કોઈને કહીએ તો લોકો અકળાઈ ઉઠે. હંમેશા 'કંઇક કરતા રહેવું જોઈએ' તે આધુનિક જીવનનો મંત્ર છે તેથી દરેક દિવસમાં કરવાની વસ્તુઓ નક્કી હોય, કોને મળવાનું હોય તે નક્કી હોય, કઈ ઘટનાઓમાં ભાગ લેવાનું છે અને શેમાં સાક્ષીરૂપ રહેવાનું તે બધું પણ નક્કી હોય. તેનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં, બધી જ સર્જનાત્મકતાઓ 'કશું ન કરવાની' સ્થિતિમાંથી જન્મતી હોય છે.
થીમ્ફૂ શહેરની આસપાસ અનેક ઊંચા પર્વતો હતાં જે નાની-મોટી ટેકરીઓની હારમાળાનાં બનેલા હતાં. આખો પર્વત ચડતા આખો દિવસ કે વધુ સમય લાગી શકે અને પછી ત્યાં રાત વીતાવવા તંબૂ, સ્ટવની પૂરી સાધન-સામગ્રી જોઈએ. અમે આખો પહાડ ચઢવાના આગ્રહ રાખ્યા વિના શનિવારના દિવસે નાના ખભેથેલા ઊંચકીને નીકળી પડતા, જેટલું ચઢાણ થાય તેટલું કરતા અને સાંજ સુધીમાં પાછા ફરતા અને રવિવારે તેનો થાક ઉતારતા. લગભગ દરેક પહાડની કે તેની ટેકરીઓ પર નાના-મોટા મંદિરો કે મઠ (ગોમ્પા) મળી આવતા. અડાબીડ પહાડોમાં માનવવસ્તી મળી આવવાનો આનંદ અનેરો હોય છે. પર્વત ચઢતાં સામે મળતા બિલકુલ અજાણ્યા લોકોનું અભિવાદન પણ સાહજિક રીતે થઇ જતું. આ મઠ-મંદિરોમાં પ્રેમથી લોકો આવકારતા, ચા-નાસ્તો વગેરે આપતા. અમને માત્ર સ્થાનિક ભાષા ઝોન્ખામાં 'કુઝોઝામ્બો' કહેતા આવડતું જેનો 'કુઝોઝામ્બોલા' જેવો જવાબ મળતો. તે સિવાય, કોઈ ભાષાકીય આદાન-પ્રદાન નહિ. માત્ર સ્મિત અને આદરપૂર્વકનું આચરણ. નેપાળી ભાષા ઝોન્ખા સિવાય બીજી પ્રચલિત ભાષા છે, જે અમને બહુ આવડતી નહિ. કોઈકને થોડું ઘણું હિન્દી આવડતું હોય તો વાતચીત થાય. આ જાતઅનુભવ હતો કે માનવતાની કોઈ ભાષા નથી હોતી. અમને કોઈ મઠમાં જવાની કોઈ જરૂર નહોતી, અમારી પાસે ખાવા-પીવાનો પુરતો સ્ટોક રહેતો અને તેમને પણ અમને આવકારવાની કોઈ જરૂર નહોતી. પણ આ બધું સાહજિક રીતે થયું, બંને પક્ષે કોઈ પ્રકારના વળતરની આશા વગર. આ સરળતા અને સાહજિકતા અમને આ આખાય પ્રવાસ વખતે વારંવાર સ્પર્શી.
|
(થીમ્ફૂનું એકમાત્ર ફિલ્મ થીયેટર કોઈ ભૂટાનીઝ ફિલ્મના પોસ્ટર સાથે) |
થીમ્ફૂમાં બીજું 'જોવા જેવું સ્થળ' હતું, ફિલ્મ થીયેટર. અહીંની ટીકીટ લેવાની પધ્ધતિ જોરદાર હતી. ધારો કે 'સ્ટોલ'ની એટલે કે નીચેના ભાગની ટીકીટ લેવી હોય તો થીયેટરના મુખ્ય દરવાજાની બાજુની તરફની દીવાલ પર ટીકીટ બારી હતી. આવી ટીકીટબારી પર સામાન્ય રીતે 'બુકિંગ' કે 'ટીકીટ' જેવું કઈ લખેલું હોય અને પૈસા-ટીકીટની આપલે કરવા, વાતચીત કરવા માટેની બારી હોય. અહીં એવું કશું જ ન હતું. અમે લોકોની ભીડ જોઇને તે તરફ આગળ વધ્યા તો ખબર પડી કે દીવાલમાં હાથ જઈ શકે તેવું એક માત્ર બાકોરું હતું, વાતચીત કરવાની કે આર-પાર જોવાની કોઈ બારી નહિ. વળી, અહીંથી 'ટીકીટ' મળશે તેવું પણ ક્યાંય લખેલું નહિ. થીયેટરની વિશાળ દીવાલ પર એક ભેદી બાકોરું કે જેમાં પૈસા સાથે હાથ નાખો એટલે ટીકીટ અને છૂટ્ટા પૈસા પાછા મળે. કેટલી ટીકીટ જોઈએ તે હાથના ઇશારાથી બતાવવું પડે. કોઈ વાત-ચીત કે સંવાદની જરૂર જ નહિ કારણકે અહીં 'સ્ટોલ'ની એટલે કે એક જ પ્રકારની ટીકીટ મળે. 'બાલ્કની'ની ટીકીટ અંદર ગયા પછી જ મળે. બસ કંડકટરની જેમ 'ટીકીટ, ટીકીટ'ની બૂમ પડતો માણસ ફિલ્મના ટાઈટલ શરુ થાય પછી આવે અને ત્યાર બાદ 'બાલ્કની'માં એન્ટ્રી બંધ. અહીં અમે જગતની થીયેટરમાં મોટા પડદા પર જવલ્લે જ જોવા મળતી ફિલ્મો જોઈ. ના, ના, ફેલીની-તારકોવ્સ્કી-ગોદાર્દ એવું બધું નહિ. 'આઈ લવ યુ, ઇન્ડિયા' નામની હિન્દીમાં ડબ થયેલી તમિલ ફિલ્મ, ચક નોરીસની 'એન આઈ ફોર એન આઈ' કે પછી જેકી ચાનની 'ફિયરલેસ હાયના' ઉર્ફ 'ખૂંખાર ભેડિયા' વગેરે વગેરે.
|
(ચાંગ લમના મકાનો અને ચાંગલીમથાંગ ફૂટબોલ ગ્રાઉન્ડનું દ્રશ્ય નદીની બીજી તરફથી) |
જોવા લાયક જગ્યા નંબર ત્રણ માટે શનિવારની રાહ જોવી પડે. દર અઠવાડીયે શનિવારે બજાર ભરાય જ્યાં લીલાં શાકભાજી, સુકી માછલી, તાજું માંસ, દેશી ઈંડા વગેરે એકબીજાની કોઈ આભડછેટ કે સૂગ રાખ્યા વગર એકબીજાની આજુબાજુમાં વેચાતાં મળે. તે સાથે ઘરગથ્થું સામાન પણ ખરો. સૌથી તાજું શાક લેવાની આ એક જ જગ્યા, અઠવાડિયામાં એક જ વાર. સૌથી વધારે ખપત થાય લીલાં જાડા મરચાંની. અહીંના લોકોને લીલાં મરચાનો બહુ શોખ. ભૂટાનની એક ટીપીકલ વાનગી છે, એમાદાત્સી, જે લાલ જાડા ભાત જોડે ખવાય. એમા એટલે મરચાં અને દાત્સી એટલે સ્થાનિક ચીઝ. પરંપરાગત ભોજનમાં આ ચીઝનો ઉપયોગ પણ બહુ થાય. સહેજ આથો આવેલી, તીવ્ર (સુ)વાસ ધરાવતી આ ચીઝથી લોકો ભાત-ભાતનાં વ્યંજન તૈયાર કરે છે. ભૂટાનની પરમ્પરાગત રસોઈ બહુ સાદી અને પ્રાથમિક પ્રકારની કહી શકાય. તે સામે ભારતીય વ્યંજનો ઘણી ઉત્ક્રાંતિ પામ્યા છે. થીમ્ફૂમાં નાની-મોટી હોટેલોમાં પંજાબી, ચાઇનીઝ, નેપાળી ખાણાં વગેરે મળી જાય છે. પણ બધી ય ભારતીય ચીજો મળવી મુશ્કેલ છે. દર રવિવારે સવારે ઇન્ડિયન આર્મીના કેન્ટોનમેંટના સ્ટોરમાં સમોસા અને જલેબી મળતા, જે અમે શરૂઆતમાં નિયમિત રીતે ખાવા જતા હતાં.
આ સિવાય, અહીના સ્વીમીંગ પુલની મજા કંઇક ઓર હતી. ઠંડા પ્રદેશોમાં હોય છે તેમ ગરમ પાણીવાળો સ્વીમીંગપુલ. ઓફિસથી સ્વીમીંગ કરવા (શીખવા) અને તે પછી ઘરે આવીને તોતિંગ ભૂખને ન્યાય આપવા ભોજનની તૈયારી. વિચારો, દેશનો એક માત્ર જાહેર સ્વીમીંગપુલ! અહીં 'દેશના એક માત્ર' અને દરેકની આગળ 'નેશનલ' લગાડવાની બહુ મજા આવતી. અમેરિકનો જે રીતે છૂટથી 'દુનિયાના સૌથી મોટા', 'દુનિયામાં સૌથી વધારે' વગેરેનો ઉપયોગ એમ ધારીને કરે છે કે અમેરિકામાં જો કોઈ રેકોર્ડ હશે તે દુનિયામાં પણ રેકોર્ડ જ હશે. તે રીતે અમે થીમ્ફૂમાં જે કંઇ હશે તે આ દેશમાં 'એક માત્ર' હોવાનો દાવો કરતા રહેતા.
એકંદરે, થીમ્ફૂમાં વસવાટ શાંતિપૂર્ણ રહ્યો અને સાથે સાથે ઘણું નવું શીખવા પણ મળ્યું. હજી સુધી થીમ્ફૂના અને તેની આસ-પાસના વિસ્તારોના સત્તાવાર રીતે સહેલાણીમાં પ્રિય સ્થળોની કે તેના સ્થાપત્ય વગેરેની વાત અહીં કરી નથી. જે આગળ કરવાનો નિર્ધાર છે. પણ તે પહેલાં થીમ્ફૂના જનજીવનની, સંસ્કૃતિની અને અમારા રોજ-બરોજના જીવનની પૂર્વભૂમિકા આપવી જરૂરી લાગી હતી. આ સાથે સાથે ત્યાં દોરેલા સ્કેચ વગેરે પણ આ લેખોમાં શામેલ કરવાના બાકી છે. લાગે છે આ ભૂટાનની સીરીઝ લાંબી ચાલશે પણ વચ્ચે વચ્ચે કોઈ વિચારોનું અતિક્રમણ થશે તો બીજા વિષયના લેખો પણ આવતા રહેશે. છેલ્લે છેલ્લે, દિવાળીના પર્વની ઉજવણી વચ્ચે જીવનભરની યાદગીરી તરીકે ઉજવી શકાય તેવી બે તસવીરો.
|
(ડીસેમ્બર, 2007ના શિયાળુ તડકાથી હર્યા-ભર્યા દિવસે ડ્રુક એરના ૪૦-સીટર વિમાન(જે પ્રમાણમાં ઓછી હાઈટ પકડીને ઉડે છે)માં કોલકાતા પાછા ફરતી વખતનું દ્રશ્ય. પાઈલોટ જાહેર કરે છે કે ડાબી તરફ નજીક દેખાતી બર્ફીલી પર્વતમાળાનું ઉન્મત્ત શિખર એટલે કાંચનજંઘા અને દૂર દેખાતી બર્ફીલી પર્વતમાળાનું મુખ્ય શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ! માત્ર આ એક નજારો જોવા માટે આ મુસાફરી વિમાનમાં કરવા જેવી છે.) |
|
(પર્વતોની હારમાળ વચ્ચે કાંચનજંઘા) |
આ સીરીઝ ભલે લાંબી ચાલતી. તમારી અને તમારા કેમેરાની આંખે ભૂતાન જોવાની મઝા જ ઓર છે. દરેક હપ્તે અવનવી માહિતી તમારા અર્થઘટનો સાથે વાંચવાની લિજ્જત આવે છે.
ReplyDeleteભૂતાન પ્રવાસની દ્વિતીય કડી પણ એટલી જ મજેદાર છે.તમારી ભાષામાં એક મીઠાશ ને પોતાપણું છે.સફર મિત્ર સાથે વહેંચાતી હોય એમ તમે ગોઠડી જમાવી છે.નાની વાતોનું ઝીણવટભર્યુ નિરીક્ષણ ને એટલા જ રસપ્રદ તારણો-આ દિવાળી પર ક્યાંય જઈ ન શકાયું એનો અફસોસ તમે ઓગાળી દીધો.આપણે ય ભૂતાન જઈ આવ્યા ને બોસ..!
ReplyDeleteoday I thoroughly enjoyed your both parts. Beautiful and lucid narration. Introspective passages are philosophical yet very clear and in line with overall article. Few statements prove your genuine travel experience and en-richness through travel. Both parts are beyond just a travelogue. I think, this series should continue. I expect to see similar articles on other travels as well.
ReplyDeleteપ્રવાસો વલોણાં જેવા હોય છે. તે અંદરથી માખણ અને પાણી અલગ તારી આપે છે.
ગામડાં, તેમના ખેતીનાં પાક, વપરાતાં સાધનો, ત્યાંની ગરીબી વગેરેમાં પૂર્વ અને પશ્ચિમ ભારત વચ્ચે જમીન-આસમાનનો ફરક છે.
પૈડાંવાળી બેગોએ સામાજિક ક્રાંતિ સર્જી છે, તે અમને ત્યારે સમજાયું. પહાડી વિસ્તારોમાં જરૂર પુરતો જ સમાન લઈને જવું, સામાન કેવી રીતે ભરવો, સારા રગસૅક ઉર્ફ બેગપૅક વસાવવા વગેરે ડાહપણ પણ ત્યારે જ આવ્યું.
પહાડી વિસ્તારના લોકોને આ જગ્યાના મોકળાશની જબરદસ્ત આદત હોય છે. ત્યારે થીમ્ફૂમાં મુખ્ય રસ્તા પર એકાદ મીનીટે માંડ એક કાર પસાર થતી જોવા મળે અને લોકો એવું અમને કહેતા કે 'થીમ્ફૂમાં કેટલી ભીડ છે'.
ભૂટાનના લોકો એટલે ખૂબ જ મળતાવડા અને હસમુખા. તેમને જોઇને તેમની સરકારે કરેલો નિશ્ચય સાચો જ લાગે કે "We believe in Gross Domestic Happiness (not in Gross Domestic Products)
થીમ્ફૂની મજા એ છે કે જ્યાં જુઓ ત્યાં ક્ષિતિજો વિસ્તરતી જતી લાગે, પહાડોની હારમાળાની પશ્ચાદભૂમિ અને તેની પર તડકા-છાયાંની રમતો. જો રોજેરોજ નિસર્ગની વિશાળતાનો અને તે સાથે આવતા માણસના વામણાપણાનો અહેસાસ થતો હોય તો પછી ભૂટાનના લોકો જેવા નમ્ર અને ખુલ્લા દિલના બનવાનું સહેલું બની જતું હશે.
અમારી ઓફિસનું એક પોસ્ટબોક્ષ હતું. તેને દર બે દિવસે ચેક કરવામાં આવતું. ભારતથી છાપાં બે-ત્રણ દિવસે અને ક્યારેક ચાર દિવસે આવતાં ત્યારે સમાચાર મળતાં. ત્યાંના સ્થાનિક સાપ્તાહિકમાં સમાચારો ઓછા અને સરકારી જાહેરાતો વધુ રહેતી. સનસનાટીભર્યા બનાવો, ગુનાખોરી કે ભ્રષ્ટાચાર વગેરે જેવું પણ ભાગ્યે જ બનતું. કોઈ મોટા સમાચાર હોય તો મોંઢામોંઢ ખબર પડી જ જાય. કેવું કહેવાય, સમાચાર વિનાનો દેશ!
હા, આ લીસ્ટમાં 'કશું ન કરવું' પણ લખી શકાય. 'કશું જ ન કરવાની' મજા અલગ હોય છે. 'કશું ન કરવું' એટલે સભાનતાપૂર્વક કોઈ પ્રવૃત્તિ ન કરવી કે ન તેમાં ભાગ લેવો. કોઈ સુંદર જગ્યાએ કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર ક્ષિતિજની સામે જોયા કરવું, તે સમય પસાર કરવાની અદભૂત રીત છે. આજના પ્રવૃત્તિથી હર્યા-ભર્યા જીવનની સરખામણીમાં 'કશું ન કરવું' તેવું કોઈને કહીએ તો લોકો અકળાઈ ઉઠે. હંમેશા 'કંઇક કરતા રહેવું જોઈએ' તે આધુનિક જીવનનો મંત્ર છે તેથી દરેક દિવસમાં કરવાની વસ્તુઓ નક્કી હોય, કોને મળવાનું હોય તે નક્કી હોય, કઈ ઘટનાઓમાં ભાગ લેવાનું છે અને શેમાં સાક્ષીરૂપ રહેવાનું તે બધું પણ નક્કી હોય. તેનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં, બધી જ સર્જનાત્મકતાઓ 'કશું ન કરવાની' સ્થિતિમાંથી જન્મતી હોય છે. [What an experience!]
ઝોન્ખા સિવાય બીજી પ્રચલિત ભાષા છે, જે અમને બહુ આવડતી નહિ. કોઈકને થોડું ઘણું હિન્દી આવડતું હોય તો વાતચીત થાય. આ જાતઅનુભવ હતો કે માનવતાની કોઈ ભાષા નથી હોતી.
થીયેટરની વિશાળ દીવાલ પર એક ભેદી બાકોરું કે જેમાં પૈસા સાથે હાથ નાખો એટલે ટીકીટ અને છૂટ્ટા પૈસા પાછા મળે. કેટલી ટીકીટ જોઈએ તે હાથના ઇશારાથી બતાવવું પડે. કોઈ વાત-ચીત કે સંવાદની જરૂર જ નહિ કારણકે અહીં 'સ્ટોલ'ની એટલે કે એક જ પ્રકારની ટીકીટ મળે. '
અમેરિકનો જે રીતે છૂટથી 'દુનિયાના સૌથી મોટા', 'દુનિયામાં સૌથી વધારે' વગેરેનો ઉપયોગ એમ ધારીને કરે છે કે અમેરિકામાં જો કોઈ રેકોર્ડ હશે તે દુનિયામાં પણ રેકોર્ડ જ હશે. તે રીતે અમે થીમ્ફૂમાં જે કંઇ હશે તે આ દેશમાં 'એક માત્ર' હોવાનો દાવો કરતા રહેતા.
પાઈલોટ જાહેર કરે છે કે ડાબી તરફ નજીક દેખાતી બર્ફીલી પર્વતમાળાનું ઉન્મત્ત શિખર એટલે કાંચનજંઘા અને દૂર દેખાતી બર્ફીલી પર્વતમાળાનું મુખ્ય શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ! માત્ર આ એક નજારો જોવા માટે આ મુસાફરી વિમાનમાં કરવા જેવી છે.
Thanks a lot, all the friends...for all the encouragement and support!
ReplyDeleteસ્કેચ અને અન્ય ફોટોગ્રાફ્સની આતુરતાથી રાહ જોવાઈ રહી છે...
ReplyDeleteબહુ મોડું ના કરતા...