Sunday, October 16, 2011

ભોમિયા વિના ભૂટાનમાં ભમતાં - ૧

 (પારો ખીણ વિસ્તાર, ૨૦૦૭)
ભોમિયા વિના ભૂટાનના ડુંગરા ભમતાં'તાં એ વાતને આજે બાર-તેર વર્ષ થયા. ૧૯૯૮માં પહેલી વાર અમે ભૂટાનમાં પગ મૂક્યો ત્યારે વીસ-એકવીસ વર્ષના છોકરડાઓ હતાં. જ્યાં પહોંચતા જમીન માર્ગે ગુજરાતથી ત્રણ-ચાર દિવસ લાગે એવા બિલકુલ નવા દેશમાં જવાનો રોમાંચ અદભૂત હતો. અહીં અમે એટલે હું અને મિત્ર નિલય. અમે સાંભળેલું કે અમારી કોલેજના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી ત્યાં આર્કીટેકટ તરીકે પ્રેક્ટીસ કરે છે. તે વખતે ઈ-મેલ તો ચલણમાં ન હતા, તેથી તેમની સાથે એક-બે પત્રનો વ્યવહાર ચાલ્યો. અમે પૂછ્યું 'આવીએ?' અને તેમણે કહ્યું કે 'આવી જાવો'. આજે વિચારું છું તો નવાઈ લાગે છે કે માત્ર એક લેટર હાથમાં લઈને અમે 'સાત સમંદર પાર' પહોંચી ગયેલા, પેલી ઓફિસમાં ટ્રેઈનીંગ કરવા માટે. ટ્રેઈનીંગ સિવાયનો અજેંડા (અને આમ તો મૂળ અજેંડા) એ જ હતો કે એક નવી સંસ્કૃતિને સમજવી, નવા દેશને ખૂંદી વળવો, ખૂબ વાંચન કરવું, સ્કેચીંગ કરવું, ખૂબ રખડવું વગેરે. મજાની વાત તો એ છે કે આ બધું કરવા માટે ભણવામાંથી ઓફિશિયલી રજા મળે, થોડા પૈસા કમાવા મળે અને અધૂરામાં પૂરું, મા-બાપ તરફથી છૂટ અને પ્રોત્સાહન પણ મળે. હવેના બધા અહેવાલો તે આ ભૂટાન પ્રવાસના સંસ્મરણો, પ્રવાસ-વર્ણન વગેરેનું મિશ્રણ છે. 

આ પ્રવાસે મારા જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો તેવું આજે લાગે છે. પ્રવાસો વલોણાં જેવા હોય છે. તે અંદરથી માખણ અને પાણી અલગ તારી આપે છે. એક જ સમાજમાં, એક ઘરેડમાં, એક જ રીતે ઉછરેલાં, એક જ પ્રકારની ભૂગોળ સાથે સંકળાયેલા લોકોમાં સંકુચિત વિચારો હોવાની સંભાવના વધુ છે. જ્યારે ખૂબ પ્રવાસ ખેડેલા લોકો ખુલ્લા મનનાં હોવાની શક્યતા વધુ છે. પોતાનાથી અલગ દેખાતા, વર્તન કરતા, વિચારતા લોકો 'તેવું કેમ કરતા હોય' તેની ખબર પડવાનું શરુ થાય ત્યારે પોતાના અમુક જડ આગ્રહો કેવા ક્ષુલ્લક હોય છે, તે સમજાય છે. ખાસ તો આવું જ્યારે સમજણ વિકસી રહી હોય ત્યારે થાય તે બહુ જરૂરી છે. તેથી ભૂટાનના લોકો, ત્યાંની સંસ્કૃતિ વગેરેએ અમારા પર ઊંડી છાપ પાડી. કે પછી અમે આવી ઊંડી છાપ પડી શકે તેવી જગ્યા શોધતા હતા અને ભૂટાન સામે મળ્યું તેવું પણ બની શકે.

વિદ્યાર્થી અવસ્થામાં કોઈ પણ પ્રકારની સગવડોને ધરાર અવગણીને કરેલાં પ્રવાસની મજા અલગ હોય છે. અમારા બે વચ્ચે એક SLR કેમેરો હતો. ડીજીટલ કેમેરાનો જમાનો ન આવ્યો હોવાથી અમે ફોટા પણ બહુ સાચવીને વ્યવસ્થિત આયોજન કરીને લેતા હતા. અધૂરામાં પૂરું, કોઈક કારણસર અમે સ્લાઈડ્સ લેવાનું નક્કી કર્યું, જેના માટે સ્લાઈડ્સ રોલ અલગ આવતા હતા. અમારા છ મહિનાના ભૂટાન, સિક્કિમ, નેપાળ પ્રવાસના બધા ફોટોગ્રાફ્સને બદલે સ્લાઈડ્સ છે. હવે તો આખી ટેકનોલોજી બદલાઈ ગઈ છે. હવે આ પ્રવાસના સંભારણારૂપે નિલય પાસે બોક્સ ભરીને સ્લાઈડ્સ છે. સ્લાઈડ્સને ડીજીટાઈઝ કરાવી મોંઘી છે અને તે પછી પણ સારું પરિણામ મળતું નથી. એટલે આ આખો પ્રવાસ 'જે છે તે કેવળ અમારી આંખોમાં'. હા, થોડા ઘણા રેખાચિત્રો, ઘરે લખેલા લાંબા પત્રો અને એક ડાયરીમાં કરેલું અમુક-તમુક વર્ણન મળી આવ્યા છે. જેના આધારે આ લખાઈ રહ્યું છે. બહુ ઓછા દૃષ્ટિ-વિષયક પુરાવા ન હોવાથી આ 'વાર્તા' કહેવાની તત્પરતા અને રોમાંચ બંને છે. જો કે અહીં (અને ભવિષ્યના લખાણોમાં) જોડેલા ફોટોગ્રાફ્સ ૨૦૦૭માં બીજી વાર કરેલા પ્રવાસ વખતે લીધેલા છે.

હાવરા એક્પ્રેસમાં અડતાલીસ કલાકે કલકત્તા પહોંચ્યા. ત્યાંથી આગળ સિલીગુડીની ટ્રેઈનની ટીકીટ ન મળવાને લીધે, બસમાં પ્રવાસ કરવાનું ગોઠવ્યું. રાત્રે શરુ થયેલી બસે લગભગ ૬ પંચર વેઠીને અને અમે એક ભંગાર ડ્રાઈવર અને ખરાબ રસ્તાને ખમીને બાર કલાકનો રસ્તો વીસ કલાકમાં પતાવ્યો. કલકત્તાથી સિલીગુડી જવું એટલે પશ્ચિમ બંગાળના છેક દક્ષીણ છેડેથી ઉત્તર છેડે પહોંચવું. રસ્તામાં બંગાળના અત્યંત અંતરિયાળ ગામડાઓ જોયા. ત્યારે પશ્ચિમ અને પૂર્વ ભારત વચ્ચેનો ફરક સમજાયો. ગામડાં, તેમના ખેતીનાં પાક, વપરાતાં સાધનો, ત્યાંની ગરીબી વગેરેમાં પૂર્વ અને પશ્ચિમ ભારત વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાનની હાઈવે હોટલો પર નભેલા અમે પહેલાં અમુક કલાકો સુધી તો બસની નીચે પણ ન ઉતર્યા. પારલેના બિસ્કીટ તે એક માત્ર 'બહારની' ચીજ દેખવામાં આવેલી અને તે સિવાય ખાવા-પીવાનો કોઈ જ વિકલ્પ ન હતો. છેવટે લાલ બંગાળમાં દાતરડાં-હથોડીના નિશાન ચીતરેલી ચાનાં ગલ્લા જેટલી નાની, પ્રોલેટેરિયન ઉર્ફે વર્કિંગ ક્લાસ ઉર્ફે દહાડિયા મજૂરોથી ભરેલી કોઈ હોટેલમાં માછલીની ગંધ વચ્ચે, જાડા ભાત અને 'કશુંક' ખાઈને સવાર-સાંજ પેટ ભર્યું. સિલીગુડી પહોચ્યાં ત્યાં સુધીમાં ઠૂસ થઇ ગયેલા. 

સિલીગુડી એ બહુ જ વ્યૂહાત્મક જગ્યા છે. આ પ્રદેશ એટલે એક તરફ નેપાળ, બીજી તરફ ભૂટાન, ત્રીજી તરફ આસામ, ઉપરની તરફ દાર્જીલિંગ/સિક્કિમ અને તેની નીચે બાંગ્લાદેશ અને બંગાળ. સિલીગુડીથી નક્સલબારી નામનું ગામ (જ્યાંથી નક્સલ-વિગ્રહની શરૂઆત થઇ હતી) માત્ર પચીસેક કિલોમીટર દૂર છે. ઉત્તર-પૂર્વ રાજ્યો કે નેપાળ-બાંગ્લાદેશ સંબંધિત દરેક રાજકીય કે ભાંગફોડીયા કે હિંસક પ્રવૃત્તિ માટે ભૌગોલિક રીતે સિલીગુડી કેન્દ્ર ગણાય. તે જ રીતે બધા જ પ્રકારની સરકારી પ્રવૃતિઓ માટે પણ. અમારું ગંતવ્યસ્થાન થીમ્ફૂ (ભૂટાનની રાજધાની) હતું. ત્યાં જવા માટે જમીન માર્ગે ફૂન્શીલીંગ થઈને જવું પડે.

ફૂન્શીલીંગ ભારત-ભૂટાનની પશ્ચિમ સરહદે આવેલું ગામ છે. જેનો ભારતીય ભાગ જલગાંવ તરીકે ઓળખાય છે. બીજે દિવસે સવારે સિલીગુડીથી ફૂન્શીલીંગ ભારે હરિયાળીવાળા પ્રદેશો અને વિશાળ નદીઓ વટાવતાં પહોંચ્યા. ફૂન્શીલીંગમાં પહોંચતા જ 'ફોરેન'માં આવી ગયા હોય તેવું લાગ્યું - સાફ રસ્તા, સુવ્યવસ્થિત ટ્રાફિક, નવા પ્રકારની નંબર પ્લેટ, નવા પ્રકારના લોકો અને તેમનો પહેરવેશ. મને એ યાદ છે કે સૌથી પહેલો ગાંડા-ઘેલા જેવો આનંદ એ હતો કે આ 'ફોરેન' તો ખરું, ભલેને આપણી પડોશમાં હોય. ફૂન્શીલીંગ પહોંચીને સૌથી પહેલું કામ હતું થીમ્ફૂ માટે ટુરિસ્ટ પરમીટ લેવાનું. જે જેમ તેમ નોકરશાહીના મૂડ પ્રમાણે અને ઘણી ધીરજ રાખીને પતાવ્યું. ફૂન્શીલીંગથી આગળ પહાડી વિસ્તાર શરુ થતો હતો. થીમ્ફૂ સમુદ્રની સપાટીથી લગભગ ૨૫૦૦ મી. (૭૫૦૦ ફૂટ)ની ઊંચાઈએ આવેલું છે. પહાડી વિસ્તાર શું કહેવાય તેની ખરી પરખ અમને હવે થવાની હતી. ફૂન્શીલીન્ગથી થીમ્ફૂ લગભગ ૧૭૬ કી.મી. છે. રાત્રે વાહન ચલાવવું બહુ જ ખતરનાક જણાય છે એટલે આખા ભૂટાનમાં રાત્રે કોઈ પણ બસ વગેરે ચાલતી નથી. હવે બે શહેરો વચ્ચે અંતરના પરિમાણો પણ બદલાઈ ગયા હતા. ૧૭૬ કી.મી. એટલે સપાટ વિસ્તારમાં ૩-૪ કલાકની મુસાફરી પણ પહાડી વિસ્તારમાં ૭-૮ કલાકની મુસાફરી ગણાય. તેમાં પણ ભૂ-સ્ખલનના લીધે રસ્તો બંધ હોય તો દિવસો સુધી એક જગ્યાએ પડ્યા-પાથર્યા રહેવું પડે. પહાડી વિસ્તારમાં રહેવું હોય તો બસની મુસાફરીમાં સતત ચઢાણ અને બદલાતા હવાફેરની આદત પાડવી જરૂરી હોય છે. પહેલી વખત સતત આટલા બધા 'ઉંચકાવા'ને લીધે અમે અધમૂવા તો થઇ જ ગયા હતા.

અમે પહેલી જૂન, ૧૯૯૮ના રોજ સાંજના સુમારે નીચેની તસ્વીરમાં જે દ્રશ્ય દેખાય તેવું દ્રશ્ય જોતાં-જોતાં થીમ્ફૂમાં પ્રવેશ કર્યો ત્યારે અમારી મુસાફરીનો સતત ચોથો દિવસ હતો. જેમાંથી અમે ૪૮ કલાક ટ્રેનમાં અને ૨૪ કલાક ગતિશીલ બસમાં અને બાકીના ૮ કલાક બંધ પડેલી બસમાં ગાળ્યા હતા. અમદાવાદના તેતાલીસ ડીગ્રી તાપમાનમાંથી અમે પંદર-સોળ ડીગ્રીમાં સ્થળાંતરિત થયા હતાં. થીમ્ફૂના બસસ્ટેન્ડે અને સમગ્ર શહેરમાં (અને સમગ્ર દેશમાં) કોઈ રીક્ષા ન હોવાથી અમે અમારી પૈડાં વગરની સૂટકેસ અને બગલથેલા ઉપાડી અને 'ચાંગ લમ' પર આવેલી ઓફીસ તરફ પ્રયાણ કર્યું. પૈડાંવાળી બેગોએ સામાજિક ક્રાંતિ સર્જી છે, તે અમને ત્યારે સમજાયું. પહાડી વિસ્તારોમાં જરૂર પુરતો જ સમાન લઈને જવું, સામાન કેવી રીતે ભરવો, સારા રગસૅક ઉર્ફ બેગપૅક વસાવવા વગેરે ડાહપણ પણ ત્યારે જ આવ્યું. 
(થીમ્ફૂ શહેર)
થીમ્ફૂ ભૂટાનની રાજધાની અને મોટામાં મોટું શહેર છે. મોટામાં મોટું એટલે ૧૯૯૮માં થીમ્ફૂની વસ્તી હતી લગભગ સાઠ હજાર અને આજે શહેરી પ્લાનિંગના નવા પ્રયાસો પછી વસ્તી છે લગભગ એંશી હજાર. ભૂટાનમાં આપણે જેને 'નાનું' કે 'મોટું', 'ઊંચું' કે 'નીચું', 'સપાટ' અને 'ઢોળાવવાળું' કહીએ છીએ તે બધાની અલગ વ્યાખ્યા કરવી પડે. ભૂટાનમાં બધી શહેરી વસાહતો ખીણ પ્રદેશોમાં વિકસી છે. તેથી થીમ્ફૂ, પારો, હા, પુનાખા, ભૂમથાંગ, તોન્ગસા, મોન્ગર, ચુખા વગેરે શહેરી વસાહતો તે એકબીજાની સમાંતર ખીણ પ્રદેશો છે. જયારે ફૂન્શીલીંગ, ગેઇલેગફૂગ, સમદ્રુપ જોન્ખાર વગેરે ભારતની સરહદને અડીને આવેલા શહેરી વિસ્તારો છે. મોટાભાગના લોકો શહેરના મુખ્ય ભાગ એટલે કે બજાર વગેરે વિસ્તારની નજીક રહેતા, જયારે લગભગ ત્રીજા ભાગના લોકો આખા ખીણ વિસ્તારમાં પથરાયેલા હતા. એટલે કે અમદાવાદના એક-બે વોર્ડ જેટલી વસ્તી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પથરાયેલી હોય. અહીંના લોકો પરંપરાગત રીતે જ એકબીજાની પડખે રહેવાની જગ્યા એ એક-બીજાથી દૂર દૂર નાના-મોટા ઝૂમખાંમાં રહે છે, પશુ-પાલન કરે છે કે ખેતી કરે છે. 
(થીમ્ફૂમાં આવેલું ચન્ગન્ખા લાખાંગ (મંદિર), તેની પાછળ રેડિયો સ્ટેશન અને પહાડોની હારમાળા) 
(ચન્ગન્ખા લાખાંગથી દેખાતું થીમ્ફૂ શહેરનું દ્રશ્ય) 
પહાડી વિસ્તારના લોકોને આ જગ્યાના મોકળાશની જબરદસ્ત આદત હોય છે. ત્યારે થીમ્ફૂમાં મુખ્ય રસ્તા પર એકાદ મીનીટે માંડ એક કાર પસાર થતી જોવા મળે અને લોકો એવું અમને કહેતા કે 'થીમ્ફૂમાં કેટલી ભીડ છે'. તેવું જ તાપમાનની બાબતમાં પણ થતું. પચીસ ડીગ્રી પર તાપમાન પહોંચે કે લોકો ગરમી-ગરમીનો કકળાટ ચાલુ કરી દેતા. ખીણ વિસ્તાર હોય એટલે બહુ સપાટ જમીનનો વિસ્તાર હોવો જરૂરી નથી. શહેરનો દરેક રસ્તો ઉપર-નીચે જતો હોય. અમે એવી મજાક કરતા કે આ લોકોને જ્યાં થોડો પણ સપાટ વિસ્તાર મળે છે ત્યાં હવાઈ પટ્ટી કે ફૂટબોલનું મેદાન બનાવી દે છે. તેથી રસ્તે ચાલતા તમે કાં તો ઉપર જતા જાઓ કે નીચે આવો. રોજબરોજની વાતચીતમાં પણ 'તમે અહીં આવો'ની જગ્યા એ 'તમે ઉપર આવો' કે 'હું નીચે આવી રહ્યો છું' તેવો વપરાશ હિન્દી કે અંગ્રેજી બોલાતી વખતે સંભાળવા મળે. 

(શિયાળાની સાંજે થીમ્ફૂ શહેર)  

 
(ભૂટાનના પરંપરાગત સ્થાપત્યની શૈલીમાં બનાવેલું સ્થાનિક ચિત્રકલા સ્કૂલનું આધુનિક મકાન)
થીમ્ફૂ મજાનું નાનકડું શહેર છે. નાનકડા દેશની રાજધાની હોવાને લીધે તેની નાની-મોટી સવલતોને સંસ્થાઓ આપોઆપ 'રાષ્ટ્રીય' બની જતી હોય છે. શહેરમાં એક માત્ર થીયેટર છે, એક માત્ર સ્વીમીંગ પુલ છે, એક માત્ર ફૂટબોલનું મેદાન છે, બધા એક-બીજાને ઓળખે છે. ક્યાંય ટ્રાફિક નથી, ટ્રાફિક પોલીસ એક ખૂણામાં કંટાળીને ઉભા રહે છે. સ્થાનિક સમાચાર આપતું સાપ્તાહિક છે, ભારતીય છાપાં બે-ત્રણ દિવસ મોડા પહોંચે છે. થીયેટરમાં ભારતીય ફિલ્મો વર્ષો જૂની આવે છે, મોટેભાગે માર-ધાડ વાળી જ. જો કે આ પરિસ્થિતિ હમણાં ઘણી બદલાઈ છે, ખાસ તો ટ્રાફિકની બાબતમાં. થીમ્ફૂ ઘણી રીતે એવું શહેર છે કે જ્યાં સુખી શહેરી જીવન માટે જોઈતું બધું છે, ભીડ ઓછી છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ બહુ જ સસ્તા દરે છે. ભૂટાનના લોકો એટલે ખૂબ જ મળતાવડા અને હસમુખા. તેમને જોઇને તેમની સરકારે કરેલો નિશ્ચય સાચો જ લાગે કે "We believe in Gross Domestic Happiness (not in Gross Domestic Products)".
થીમ્ફૂમાં રહેવાનાના રોજ-બરોજના અનુભવો વિષે વધુ આવતા અંકે.

(ભૂટાન-પ્રવાસ વિષે આગળ શું અને કેવી રીતે લખવું તેની અવઢવ છે, સામગ્રી ઘણી જ છે પણ દિશા સ્પષ્ટ નથી. તેથી સૂચનો અને પ્રતિભાવો આવકાર્ય.)

8 comments:

  1. વાહ વાહ! જેમ જઈ રહ્યું છે એમ જ જવા દો. મજા પડે છે.

    ReplyDelete
  2. સામગ્રી બહુ છે-નો ભાર રાખ્યા વિના મસ્તીથી લખો. બાકી બધું થઇ રહેશે. વાંચવું ગમે છે.

    ReplyDelete
  3. ભરતકુમાર10/30/2011 10:58 PM

    આપના ભૂતાન પ્રવાસના સંસ્મરણો માણવાનું ગમ્યું.આ પ્રકારના પ્રવાસ માટે અલગારી રખડપટ્ટી શબ્દ જ ઉપર્યુક્ત લાગે છે.આપણા રાષ્ટ્રિય શાયર મેઘાણી ની પેલી અમર પંક્તિ '' ઘટમાં ઘોડા થનગને યૌવન વીંઝે પાંખ અણદિઠેલ ભોમ માથે યૌવન માંડે આંખ '' અમે ભણ્યા ને તમે જીવ્યા.તમારી ખુલ્લી આંખોએ ઘણું જોયું છે,તમારી નજરમાં ઝિલાતુ રમણીય ભૂતાન વધુ સુંદર લાગે છે.મહેફિલ જમાવી છે,તો આ દૌર આમ જ ચાલ્યા કરે એ જ ઈચ્છીશ.

    ReplyDelete
  4. હિમાલય ક્યારનો સપનામાં આવીને બોલાવી રહ્યો છે અને દિલ સાલું કુદકા માર્યે રાખે છે... શરૂઆત ભૂતાન અથવા લદાખ થી થશે એવું લાગે છે...
    ઈશ્વર મારી ઈચ્છા સત્વરે પૂરી કરે ..બીજું તો શું !!
    થોડો લેટ છું પણ મજા આવી છે....આગળ પણ ચાલુ રાખજો..
    લેખોમાં પણ ભૂતાનના રસ્તાઓની જેમ ઉંચા નીચા વળાંકોની આશા રાખીએ છીએ ! ;)

    ReplyDelete
  5. ભાઈ નિલયે એમની બધી જ સ્લાઈડો ડીજીટલ રૂપ માં ફેરવી છે. એમનો સંપર્ક કરો..

    ReplyDelete
  6. ભાઈ અજ્ઞાત, નિલય જોડે વાત થઇ, જાણીને આનંદ થયો કે બધી સ્લાઈડ ડીજીટલ સ્વરૂપમાં છે. તમારી પાસે તેની કોપી છે કે પછી છેક તેની પાસેથી મંગાવવી પડશે? :)

    ReplyDelete
  7. એમની પાસેથી જ મંગાવવી પડશે..આ અજ્ઞાતવાસમાં મજા આવી...

    ReplyDelete