Sunday, January 18, 2015

નગર ચરખો: ચમકીલી સ્કાયલાઈન પાછળનું શહેરી તંત્ર!

આજકાલ વાઈબ્રન્ટ વાયરા વાય છે. અમદાવાદમાં ઉતરાણથી બદલાતો પવન પણ વાયા ગાંધીનગરથી ફૂંકાય છે. જાણે ગામમાં મોટા શેઠને ત્યાં લગન હોય, મોટો ભપકો થયો હોય, આપણને આમંત્રણ ન હોય છતાં ઉમળકો પારાવાર હોય - જોયું, શેઠને ત્યાં ચોર્યાસી પકવાન છે ને કરોડોનો શણગાર છે. ચાલો, આપણે મંડપની બહાર બેઠા-બેઠા એ ગપ્પાં-ગોષ્ઠી કરીએ કે જે જાહોજલાલી મંડપની પેલી બાજુ હશે તે કેવી રીતે આપણાં સુધી પહોંચશે? અત્યારે તો ગામની વચ્ચોવચ થતાં પતંગ મહોત્સવ જોઈ શકવા જેટલા પણ 'વીઆઈપી' આપણે નથી. તો પછી જે વિકાસની વાતો, રોકાણની રેલમછેલ, બીઝનેસની બાજી ગાંધીનગરના મોટા મંડપોમાં ગોઠવાય છે તે આપણાં સુધી કેવી રીતે ને ક્યારે પહોંચશે? 

વિકાસની વાટ જોતાં વટેમાર્ગુ જેવી આપણી આંખો ચકાચૌંધ થવા માટે તૈયાર બેઠી હોય છે અને કોઈ વિદેશી શહેરની ચમકીલી સ્કાયલાઈનથી તરત અંજાઈ જાય છે. આપણાં શહેરો ક્યારે શાંઘાઈ, સિંગાપોર, લંડન, ન્યુયોર્ક જેવા ચમકીલાં બને તેવી તાલાવેલી આપણને હોય છે. હકીકતમાં શહેરના પ્રતિક જેવી આ ચમકીલી સ્કાયલાઈનો જે તે શહેરને સમજવા માટે અધૂરી હોય છે. આપણે માત્ર આ ચમકીલી સ્કાઇલાઇન જેવા પ્રતીકો આયાત કરીએ છીએ પણ આ શહેરોને ચલાવતાં-દોડાવતાં-ચમકાવતાં વહીવટી તંત્રોની વ્યવસ્થા આયાત કરવાનું ભૂલી જઈએ છીએ. વિશ્વનાં મોટાભાગનાં સુંદર અને સુવ્યવસ્થિત શહેરોને ચલાવવા માટેની આયોજનબદ્ધ વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. ગુડ ગવર્નન્સ ઉર્ફ ઉત્તમ વહીવટનો કોઈ શોર્ટ કટ નથી. તે માટે મેળાવડા અને ઉત્સવો પતી ગયા પછી લાંબા ગાળાની વ્યવસ્થા ગોઠવવી પડે છે. વિકાસ માટે એવી વહીવટી વ્યવસ્થા જોઈએ કે જે નિરંતર કામ કાર્ય કરે. 

વિશ્વનાં સુંદર શહેરોમાં રસ્તા સાફ હોય છે કારણકે દિવસમાં બે વાર તે સાફ થાય છે. આ શહેરોમાં ચાલવાની મજા આવે છે કારણકે તેમાં ચાલવાલાયક ફૂટપાથો બનાવેલી હોય છે. પાર્કિંગમાં અરાજકતા હોતી નથી કારણકે પાર્કિંગનું આયોજન થયેલું હોય છે અને તે માટે નીચોવીને પૈસા લેવામાં આવે છે. આ શહેરોની પચાસ ટકા પાણીની ખપત ખાનગી બોરવેલ ધ્વારા થતી નથી. આ શહેરોમાં ખૂણે-ખાંચરે સુંદર ઝાડપાન રોપવામાં આવે છે, બગીચા બનાવવામાં આવે છે અને ખાસ તો જાહેર જનતા માટે તેમને ખુલ્લા મોકવામાં આવે છે. સારા શહેરોમાં પ્રોજેક્ટ આધારિત વિકાસના કામો નથી થતાં પણ લાંબા ગાળાના પ્લાનિંગ આધારિત થાય છે. કોઈ એક મેટ્રો પ્રોજેક્ટ, કોઈ એક રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ, એક બીઆરટીએસથી કામ પૂરું થતું નથી. કોઈ એક સીસ્ટમને વધુ મહત્વ આપ્યા કરતાં વાહન વ્યવહારની એક બીજા સાથે સંકલન ધરાવતી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. એક નદી જ નહિ પણ શહેરના દરેક નાળાં-વિયર-કેનાલ-તળાવમાં પાણીની વ્યવસ્થા અને ચોખ્ખાઈનું તંત્ર ગોઠવવામાં આવે છે. 

અત્યારે વિશ્વની લગભગ પચાસ ટકા વસ્તી શહેરોમાં વસે છે, ભારત પચાસ ટકા શહેરીકરણ તરફ ધીરે-ધીરે પ્રગતિ કરી રહ્યું છે. આપણે આપણાં શહેરોમાં આ પચાસ ટકા વસ્તી રહેતી થાય તે માટે તૈયાર કરવાનાં છે. જો આપણે શહેરોની માળખાકીય સુવિધાઓમાં વ્યવસ્થિત રોકાણ નહિ કરીએ અને શહેરોના વહીવટી તંત્રોને મજબૂત નહિ કરીએ તો શહેરીકરણનો દર ઓછો થશે અને દેશનો વિકાસ દર પણ. આ માટે શહેરોને રાજકીય અને નાણાકીય સ્વાયતત્તા આપવાની જરૂર છે. શા માટે શહેરોને વેટ કે ઇન્કમ ટેક્સનો નક્કી કરેલો એક હિસ્સો ન મળે? શા માટે તેમને રાજ્ય કે કેન્દ્ર સરકારની મહેરબાની પર આધારિત રહેવું પડે? આ માટે રાજ્ય સરકારોએ શહેરો પરનો કંટ્રોલ જવા દેવો પડશે. શહેરોના તંત્ર ચલાવવા યુવાન અને ટેલેન્ટેડ લોકોની ભરતી કરાવી પડશે. આ સાથે સાથે શહેરોમાં માળખાકીય સુવિધાઓમાં મોટાપાયે રોકાણ કરવાની જરૂર છે. 

ચમકીલી સ્કાયલાઈનોના ચમકીલા વાયદાઓમાં ભરમાયા વગર અને ટેકનોલોજીની માયાજાળમાં પડ્યા વગર આપણે સ્માર્ટ અને સુંદર સીટીની એવી વ્યાખ્યા કરીએ કે જેમાં માથે ઘરનું ઘર હોય, ઘરમાં ટોઇલેટ હોય, ઘરની બહાર ગલી-રસ્તા સાફ હોય અને મુખ્ય રસ્તા પર નિયમિત ચાલતી બસ હોય. બસ, આ બધું આપી શકે તેવું વહીવટી તંત્ર જોઈએ છે - લાંબા ગાળાનું, તેજ ગતિથી, નિરંતર કામ કરે તેવું તંત્ર! 

નવગુજરાત સમય, પાન નં 14, 18 જાન્યુઆરી (રવિવાર) 2015.

Today's article - Beyond glittering skyline, there is a system of governance.

'Vibrant' winds are blowing via Gandhinagar and people are ready to be impressed with glitter and glamour that Sarakari events bring these days. In such events, the future 'smart' cities are often represented by glitterings skylines and swanky infrastructure. There are not-so-new aspirations to imagine Indian cities looking like Shanghai, Singapore, London or New York. It is most convenient to import symbols like glittering skylines or landmark buildings from other international cities. But it is often forgotten that there is a governing system in these cities that ensure smooth functioning and fairness in distribution of infrastructure benefits. Easiest part in urban development is to make a few glittering buildings but setting up governing systems that work for everyone and last long is easier said than done. The state is not absent in a market-economy and there is no short cut to good governance.

Good governance is ensured only when cities are financially and politically autonomous. Why do the cities need to rely on the state or central governemnt for funds and why can't they get a portion of taxes for their developmental needs? Younger, talented people needs to be employed in the city governments on a regular basis. On one side, we expect a lot from cities but there is no political will to make their governing system stronger. Glittering skylines will remain empty political promises unless there is a governing system that works for everyone in a long-term and continuous basis in our cities.

Sunday, January 04, 2015

નગર ચરખો: સ્ટ્રીટ વેન્ડિંગને 'વાઈબ્રન્ટ' બીઝનેસ કહેવાય?


11થી 13 જાન્યુઆરીએ ભારત સરકાર અને ગુજરાત સરકાર વાઈબ્રન્ટ સમિટ ઉજવવા જઈ રહી છે. એક સામાન્ય સમજણ મુજબ આ પ્રકારની સમિટ દ્વારા સરકાર વ્યાપાર અને ઉદ્યોગ જગતને સંદેશ આપે છે કે તુમ હમેં ગ્રોથ દો, હમ તુમ્હે 'બનતી મદદ' કરેંગે. તમે રોકાણ કરો, નવા ધંધા-ધાપા વિકસાવો અને અમે તમને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીશું. વાઈબ્રન્ટ ગુજરાત 2015ની વેબસાઈટ મુજબ આ છઠ્ઠી વાઈબ્રન્ટ ગુજરાત સમીટ હવે રોકાણકારોની મીટીંગથી આગળ વધીને જ્ઞાન વહેંચણી અને સામાજિક-આર્થિક બદલાવનું માધ્યમ બની ચુકી છે. હવે સરકાર કહે છે તો આપણે માની લેવું જોઈએ કે આ વાઈબ્રન્ટ જ્ઞાન વહેંચણી દ્વારા સામાજિક-આર્થીક બદલાવ ચોક્કસ આવતો હશે, મુકામે પહોંચ્યો નહિ હોય તો રસ્તામાં હશે તેવું ધારી લઈએ. 

આ વેબસાઈટ પરથી જાણકારી મળે છે કે ગુજરાત સરકારનો મુખ્ય ધ્યેય છે ઇનક્લુઝીવ ડેવલોપમેન્ટ એટલે કે સર્વ-સમાવેશી વિકાસ. ટૂંકમાં, બધાને સાથે લઈને ચાલીએ તો ટકાઉ, લાંબા ગાળાનો વિકાસ થાય છે, તેવી વિભાવના છે. સરકાર દરેક ધંધાધારી, રોકાણકારને સાથે લઈને આર્થીક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા માંગે છે, તેવું ફલિત થાય છે. પણ સાથે સાથે એક વાત નહિ સમજાઈ કે જો આવું જ હોય તો પછી જ્યારે જ્યારે વિદેશી મહેમાનો આવવાના હોય અને આપણે કશુંક વાઈબ્રન્ટ કરવાનાં હોઈએ તો શહેરનાં મુખ્ય રસ્તાઓ પરથી ફેરીયા, પાથરણાંવાળા, લારી-ગલ્લાંવાળાને હટાવી દેવામાં કેમ આવે છે? શું આ પ્રકારના કુદરતી સ્થાનિક બજારો આપણી સંસ્કૃતિનો ભાગ નથી? શું તે લોકો જે કરે છે તે બીઝનેસ નથી કે પછી તેમનો બીઝનેસ જોઈએ તેટલો વાઈબ્રન્ટ નથી? શું આ બીઝનેસ પરથી લોકોના ઘર નથી નભતાં અને વધુમાં, શું આ બીઝનેસને લીધે શહેરમાં લાખો ગ્રાહકોને સસ્તી સામગ્રી નથી મળતી? તો પછી નાનાં ધંધાધારી કે રોકાણકારો કે જે વિકાસદરમાં મસમોટું યોગદાન આપે છે તેમના બીઝનેસ ડેવેલોપમેન્ટની કાળજી કોણ લેશે?

ઘણાં સરકારી અને ઉચ્ચ અને મધ્યમ વર્ગનાં લોકો ફેરિયા, પાથરણાં કે લારી-ગલ્લાંવાળાને ભાંડતા પહેલાં એ ભૂલી જાય છે કે તે પોતે આ બધા ધંધા ઉર્ફ બીઝનેસના રોજના ગ્રાહક છે. ગ્રાહક વગર ધંધો ન થાય. જો તે લારીઓ ઉપરથી ખરીદવાનું બંધ કરે તો લારીવાળાં વેચવાનું બંધ કરે. હકીકત એ છે કે આપણાં શહેરો આવા નાના-નાના ધંધાઓને લીધે સારી રીતે ચાલે છે. આપણને ઘર પાસે રોજનું શાક-પાંદડું મળી રહે છે એટલે આપણે અમેરિકન્સની જેમ વીકએન્ડમાં ગાડું ભરીને સામાન લેવા ક્યાંક દૂર સુધી જવું પડતું નથી. હવે તો પશ્ચિમના દેશોમાં પણ સ્થાનિક બજારોમાંથી સ્થાનિક ઉત્પાદનો સામાન ખરીદવાની ફેશન ઉપડી છે. તેમને સમજાયું છે કે અમુક પ્રકારની સ્વ-નિર્ભરતા જરૂરી છે, બધું વોલમાર્ટ કે ટેસ્કોમાંથી ન લવાય. જ્યારે આપણે ત્યાં સ્થાનિક બજારો, ઘર પાસેના જાણીતાં ફેરિયા કે લારીવાળાને આપણે શહેરનો ભાગ જ ગણતાં નથી. તેમને એક વાઈબ્રન્ટ બીઝનેસ નહિ પણ એક ન્યુસન્સ તરીકે જોવામાં આવે છે. 

જેઇન જેકબસ નામનાં અમેરિકી નિષ્ણાત તો કહે છે કે સ્ટ્રીટ વેન્ડિંગના લીધે રસ્તાને આંખો મળે છે (આઈઝ ઓન ધ સ્ટ્રીટ) પરિણામે શહેરી રસ્તાઓ સલામત બને છે. કોઈને કોઈની સતત નજર રસ્તા પરની પ્રવૃતિઓ પર રહેવાથી  છેડતી કે દોરા ખેંચવા જેવા ગુનાઓ ઓછા બને છે. તો પછી શા માટે આપણે સર્વ-સમાવેશી વિકાસમાં લારી કે પાથરણાવાળાને શામેલ નથી કરી શકતા? ઘણીવાર તે લોકો જાહેર જગ્યાનું યોગ્ય ભાડું ભરવા, પોતાની જગ્યા સાફ રાખવા, અમુકથી વધારે ફેલાવો નહિ કરવા માટે તૈયાર હોય છે. તેમને માનભેર ધંધો કરવો હોય છે અને તે માટે પોલીસ કે મ્યુનીસીપાલીટી તરફથી ઓફીશીયલ અભયવચન જોઈએ. ભદ્ર પ્લાઝા જેવા પ્રોજેક્ટમાં પણ શા માટે લારી-ગલ્લાંવાળા સાથે મળીને આગોતરું આયોજન ન થઇ શકે? શહેરના કહેવાતાં 'મોડેલ રોડ'ની વ્યાખ્યામાં લારી-ગલ્લાં કે પાથરણાંવાળાનો સમાવેશ કેમ થતો નથી? તેમનો સમાવેશ થતો નથી એટલે તો કહેવાતાં મોડેલ રોડ ભેંકાર થઇ ગયા છે. શું ચાલીસ મીટર પહોળાં મોડેલ રોડ પર બે-ત્રણ મીટરની સીમિત જગ્યા સ્થાનિક ધંધોના હંગામી ઉપયોગ માટે ન ફાળવી શકાય? શહેરના રસ્તાઓ પર આ પ્રકારની પ્રવૃતિઓને ઉત્તેજન આપવાથી શહેર ખરા અર્થમાં વાઈબ્રન્ટ બને છે! પોતાની વાઈબ્રન્ટ ઓળખને સ્વીકારનારા શહેરોમાં જ સર્વ-સમાવેશી વિકાસ થાય છે.

નવગુજરાત સમય, પાન નં 9, 04 જાન્યુઆરી (રવિવાર) 2015.

Today's article - Why isn't street vending 'vibrant' business?

The Gujarat government is going to organize the 6th 'Vibrant Gujarat' Summit to promote businesses and investments in the state. The 'Vibrant Gujarat' website tells us that the 'prime focus' of the government is 'inclusive development'. If it is so then why do they end up displacing street vendors from the city during the Vibrant summit? Aren't they businesses too? Why do we have to 'hide' the street vendors every time someone important visits the city? Why do the economic growth-lovers and free-marketeers do NOT consider the informal markets as 'markets'? Aren't they 'market' enough?People from higher-middle-governing class who hate the vendors forget that they are the regular customers of the street vending activities. Businesses don't operate without demand or without the clientele. Then shouldn't we include the vendors in our claims of inclusive development? While planning the Bhadra plaza or while planning the so-called 'model roads' in Ahmedabad, street vending should be part of the plans as an important function of the public space. Many vendors are ready to pay legitimate rent or to keep the place clean, but is the government - the police and the corporation - ready to make them legitimate part of the streets?  

Sunday, December 28, 2014

નગર ચરખો: જેન્ડર સ્ટીરીયોટાઈપનાં બીબાંની બહાર!


સ્ત્રી-પુરુષોના વર્તનમાં અમુક જ ફેરફારોને સહેલાઈથી તેમના શારીરિક ફેરફાર જોડે સાંકળી શકાય છે. પણ તેમના વર્તનમાં રહેલા બીજા ઘણા તફાવતો સામાજિક ભૂમિકા અને મોભામાંથી જન્મે છે. લિંગ(Sex)એ જૈવિક વર્ગીકરણ છે અને જેન્ડર (Gender)એ સામાજિક વર્ગીકરણ છે. જૈવિક રીતે લિંગભેદ હોવો એક બાબત છે અને તેના લીધે સામાજિક ભૂમિકામાં ફરક પડવો તે બીજી બાબત છે. જેમકે, 'છોટા ભીમ'ના એનીમેશનમાં છોટા ભીમ એ બહાદુર છોકરો છે જે લાડુમાંથી શક્તિ મેળવીને ગુનેગારોને ધૂળ ચાટતા કરે છે. જ્યારે છોટા ભીમની મિત્ર ચુટકી એ નાજુક-નમણી છોકરી છે જે લાલી-લીપ્સ્ટીક સાથે જ જોવા મળે છે. આને 'જેન્ડર સ્ટીરીયોટાઈપ' કહેવાય. બાળકોને એ સંદેશો જાય છે કે છોકરીનું કામ શણગાર કરીને ફરવાનું છે. આખી વાત બે ડગલાં આગળ લઇ જઈએ તો છોકરીએ પોતે 'ઉગારવા માટે' એક મજબૂત ભીમ શોધવાનો હોય છે. 

સ્ટીરીયોટાઈપની તકલીફ એ હોય છે કે તે બધા પ્રકારની વિવિધતા કે અલગ પડવાની શક્યતાને શૂન્ય કરી નાખે છે. કોઈ પણ પ્રકારના સ્ટીરીયોટાઈપને ખાળવા પહેલા તો એ જાણવું જરૂરી હોય છે કે આ સ્ટીરીયોટાઈપ છે. જેમ કે, સફેદ હંસ એક સ્ટીરીયોટાઈપ છે. જ્યારે કાળા હંસ જોવા મળે છે ત્યારે લોકો ભોંઠા પડે છે. હંસ તો સફેદ જ હોવા જોઈએ એવો આગ્રહ ન કરી શકાય. સફેદ હંસની થીયરી સાચી સાબિત કરવાની લાહ્યમાં કાળા હંસોનું ગળું ન ઘોંટી શકાય. દેશ કે સમાજને કાળા અને સફેદ હંસ એમ બંનેની જરૂર હોય છે. કાળા હંસો ઘણીવાર પોતાના અલગ ચીલા ચાતરતા હોય છે અને અલગ ચાતરેલા ચીલાથી જ સમાજ કે દેશ સમૃદ્ધ બને છે. સમાજે ઉભી કરેલી બીબાંઢાળ ભૂમિકાઓની સરહદો ઓળંગીને જ જે-તે વ્યક્તિ સ્વતંત્ર કે સ્વાવલંબી બની શકે છે અને સમાજને નવી સમજણો પાછી આપી શકે છે. માનવ વિકાસ કે ઉત્ક્રાંતિનો પાયો સરહદો ઓળંગવામાં છે, આ સરહદો ખડકવામાં કે સરહદોને જડ  રીતે વળગી રહેવામાં નહિ. 

ઘર-સમાજ ઉપરાંત શિક્ષકો અને સ્કૂલો પણ જેન્ડર સ્ટીરીયોટાઈપને મજબૂત કરવામાં આડકતરી કે સીધી મદદ કરતા હોય છે. છોકરાઓએ નાટકમાં ભાગ લેવાનો અને છોકરીઓએ ગરબામાં. શિક્ષકો કોઈ ઓજાર કે યંત્રનું કામકાજ છોકરાઓને સમજાવતા દેખાય અને ઘરગથ્થું કામ માટે છોકરીઓને યાદ કરવામાં આવે. ઘણીવાર પાઠ્યપુસ્તકોમાં રમેશ તેના મિત્રો જોડે રમતો દેખાય અને રમીલા તેની માતાને ઘરકામમાં મદદ કરતી દેખાય. રમીલા નાનાભાઈને રમાડે (એટલેકે ધ્યાન રાખે) અને રમેશ દાદીમાં પાસેથી વાર્તા સાંભળે. શિક્ષકોની અભ્યાસમાં છોકરા-છોકરીઓ પાસેથી અપેક્ષાઓ અલગ અલગ હોય. સૌથી ગંભીર સ્ટીરીયોટાઈપ છે કે કોઈ પ્રશ્નને હલ છોકરાઓ તર્કશક્તિનો ઉપયોગ કરે અને છોકરીઓ આત્મસૂઝનો. ખરેખર? જાણકાર શિક્ષણવિદો આવું માનતા નથી. શું તર્કશક્તિ પર કોઈ એક લિંગ-જાતિની વ્યક્તિનો અધિકાર હોઈ શકે? કદાચ મોટાભાગના શિક્ષકોને ખબર નહિ હોય કે તેઓ છોકરી-છોકરાની જોડે અલગ અલગ વર્તન કરીને તેમના મગજમાં રહેલી ગ્રંથીઓને દ્રઢ કરી રહ્યા છે અને તેમને અમુક બીબાંમાં ઢાળી રહ્યા છે. શિક્ષક અને માં-બાપ તરીકેને પહેલી જવાબદારી એ છે કે છોકરી હોય કે છોકરો તેમના માટે સરખી તકો ઉભી કરાવી. તેમની શક્તિઓને પીછાણવી અને તેમને પોતાની મર્યાદાઓની પેલે પાર જતા શીખવાડવું. 


સમાનતાનો એક સાદો અર્થ થાય છે કે કોઈ બે સમૂહો સાથે સમાન વર્તન અને તેમને સામાન તકો મળે. સમાન હક તે જૂની વાત છે, એકવીસમી સદીનું સૂત્ર છે સમાન તક. નર હવે હથિયાર લઈને અસ્તિત્વની લડાઈ લડવા કે જંગલી પ્રાણી મારી લાવવા જતો નથી. માદા હવે પ્રજનન કે બાળ-સંભાળ માટેનું સાધન માત્ર નથી. નર-માદા હવે પુરુષ-સ્ત્રી બનીને સમાજના કોઈ પણ વર્ગમાં બંને સાથે ઘર ચલાવે છે અને સાથે બાળકો ઉછેરે છે. સ્ત્રી-પુરુષ વચ્ચે રોજબરોજના કામકાજની વહેંચણી ચોક્કસ થઇ શકે પણ કોઈ પણ કામ કોઈ એક લિંગની વ્યક્તિ સાથે જોડાયેલું હોતું નથી. સ્ત્રીઓ જો શેરબજારમાં ટ્રેડિંગ કરતા શીખતી હોય તો પુરુષો રસોઈ કરતા શીખી જ શકે. આ માનવ-ઉત્ક્રાંતિની સાદી સમજ છે. પણ સાદી સમજણો સમજવી અઘરી હોય છે, નહિ! 

નવગુજરાત સમય, પાન નં 9, 28 ડીસેમ્બર (રવિવાર) 2014.

Today's article - outside the box of gender stereotypes!
Social stereotypes reduce the possibilities of having diversities in a society and perceive everyone in a homogeneous way. To resist stereotypes, it is important to know first that these are really the stereotypes. Unless you get to know some black swans, it is convenient to believe that swans could only be white. You can't kill all the black swans or paint them white to prove the white swan theory. The point is, we need both white and black swans for a vibrant society or nation.
Individuals who defy the stereotypical or conventional roles give back new understanding for social progress to their society. The very foundation of human evolution is in defying the conventional roles or boundaries and going beyond them.
Sex is a biological category whereas Gender is a social category. Behaviour of both genders is guided more by their social expectations and positions rather than the biological differences. Boys take part in a play and girls take part in a dance. Is it true that boys are more logical or rational and girls are more intuitive? It is a popular social stereotype. Many studies have found that cognitive abilities in both genders are more similar than different. It depends upon individuals whether they are more intuitive or more logical. But social expectations of behaving in a particular way starts reflecting in the classrooms. 
Teachers and parents play an important role in either deepening stereotypes or in defying them. They should understand strength of an individual student/kid and teach them how to go beyond their limitations. It is their prime responsibility to create equal opportunities instead of showing stereotypical barriers to children. Equal opportunities come first and then equal rights will follow - if we create a situation of equal opportunities, individuals will learn to fight for their own rights.