Cycling in a park in Amsterdam |
વાત જાણે એમ છે કે મોટરકારોનું મોટેપાયે ઔદ્યોગીકરણ શરુ થયું તે પહેલાં, દુનિયાના બધા દેશોની જેમ નેધરલેન્ડમાં પણ સાઈકલોનું જબરજસ્ત ચલણ હતું. પચાસ અને સાઠના દાયકામાં વધતી જતી આવક સાથે અને બીજા વિશ્વયુદ્ધ પછીના દેશના નવનિર્માણની સાથે મોટરકારોનો વપરાશ વધવા માંડ્યો અને શહેરી રસ્તાઓ પરથી સાઈકલો ઓછી થતી ગઈ. ટ્રાફિક વધ્યો, એક્સપ્રેસ વે અને ફ્લાય ઓવરો બનવાં લાગ્યા, અવાજ અને હવાનું પ્રદુષણ પણ વધ્યું. શહેરોની ખુલ્લી જગ્યાઓ પર વાહનોનાં પાર્કિંગ પાથરવા લાગ્યા. શહેરોમાં બે ઘડી શાંતિથી ચાલવા પૂરતી પણ જગ્યા મળતી નહોતી. રસ્તો ક્રોસ કરવો તે કોઈ સાહસ કરવા બરાબર હતું. આ કંઇક જાણીતી વાર્તા લાગે છે, નહિ! પણ આપણા શહેરોથી અલગ અહીં વાર્તામાં વળાંક ઉર્ફ કહાનીમેં ટ્વિસ્ટ આવે છે.
નેધરલેન્ડમાં 1971ની સાલમાં વધતા જતા ટ્રાફિક અને બેફામ ગતિએ ચાલતાં વાહનોને લીધે વિવિધ અકસ્માતોમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા અને તેમાં ચારસો પચાસ બાળકો હતાં. આ પ્રકારના આંકડા પ્રસિદ્ધ થયા, લેખો છપાયા અને આ સાથે જ એક લોકજુવાળ ફાટી નીકળ્યો. એક અખબારી અહેવાલની હેડલાઈન પરથી પ્રેરણા લઈને 'રસ્તા પર બાળકોની હત્યા રોકો' (સ્ટોપ દ કિન્ડરમુર્દ)ના નામે એક સામાજિક આંદોલન શરુ થયું. લોકોએ સાઈકલ રેલીઓ કાઢી, રસ્તા રોક્યા, આવેદન પત્રો આપ્યા, રાતોરાત રસ્તાઓ પર કલાકારોએ સાઈકલ માટેના રસ્તા ચીતરી કાઢ્યા, રાજકારણીઓએ આખા મામલામાં રસ લેવો પડ્યો અને જનતાનો અવાજ સંભળાવો પડ્યો. વળી,અધૂરામાં પૂરું સિત્તેરના દાયકામાં ઓઈલ સંકટ ઉભું થયું હતું. ત્યારે આ દેશે નક્કી કર્યું કે ઉર્જાશક્તિના ક્ષેત્રમાં બની શકે તેટલું સ્વ-નિર્ભર થવું અને આખી અર્થ-વ્યવસ્થાનો આધાર ક્રુડ-ઓઈલ પર ન રાખવો. લગભગ સાત-આઠ વર્ષનાં આંદોલનોના હિસાબે સૌ માટે માર્ગ સુરક્ષા અને સાઈકલ માટેની ખાસ માળખાકીય સુવિધાઓ આપવાનો શિરસ્તો ચાલુ થયો. આજે પણ સાઈકલો માટેની સારી ગુણવત્તાની માળખાકીય સુવિધા જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે.
રસ્તા અને જાહેર જગ્યાઓની આવી સાઈકલ કે રાહદારીઓનાં હિત ધ્યાનમાં લેતી ડીઝાઈન અને માળખાકીય સુવિધાના લીધે સાઈકલ-સવારીની એક જબરજસ્ત સંસ્કૃતિ ઉભી થઇ છે. લોકો થ્રી-પીસ સુટ કે ટુ-પીસ બીકીની સાથે પણ સહજતાથી સાઈકલ ચલાવતાં જોવા મળે છે. મોટાભાગના લોકો કોઈ ફેન્સી સાઈકલ કે મોંઘી એસેસરીનો આગ્રહ રાખ્યા વગર 'દાદીમાની સાઈકલ' (ઓમાફીત્સ) તરીકે ઓળખાતી, મસમોટી દેશી સાઈકલ (રોડસ્ટર) જેવી સીધી-સાદી સાઈકલ જ ચલાવે છે. શૂન્યની નીચે તાપમાન હોય, બરફનો વરસાદ પડતો હોય, ભયંકર ઠંડી હોય તો પણ સાઈકલ સવારી ચાલુ રહે છે. બાળક ચાલતાં શીખે તે પહેલા માં-બાપ જોડે સાઈકલમાં બેબી-સીટ જોડીને સાઈકલ સવારી કરતું થઇ જાય છે. સામાનની હેરાફેરી માટે કાર્ગો સાઈકલ હોય, સાઈકલ સવારો માટે ટ્રેનમાં અલાયદા ડબ્બા હોય અને રેલ્વે સ્ટેશન પર દસેક હજાર સાઈકલ પાર્ક કરવાની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક સાઈકલ પાર્કિંગનું આખું મકાન હોય. સાઈકલસવારોનું નિયમન કરતાં ટ્રાફિક પોલીસ પોતે પણ સાઈકલ જ ચલાવતાં જોવા મળે છે.
નેધરલેન્ડમાં સાઈકલ ચાલન સહજ છે, રોજબરોજનાં જીવનનો ભાગ છે. તેને આપણી જેમ સામાજિક-આર્થિક મોભા સાથે જોડવામાં આવતું નથી. હમણાં જ એક પ્રોગ્રામમાં કંઇક એવું સંભાળવા મળ્યું કે, ભારતીયોના ડીએનએમાં સાઈકલ-પ્રેમ જ નથી. કદાચ આ બોલનાર એવું ભૂલી ગયા હતા કે આપણા શહેરોનાં ટ્રાફિકમાં દસ-પંદર ટકા સાઈકલોનો હિસ્સો છે. સાઈકલ ચલાવનારા મોટેભાગે ગરીબ હોય છે એટલે કદાચ આ હકીકત ભૂલવી આસાન હશે. નેધરલેન્ડ પાસેથી એ શીખવા મળે છે કે કોઈ અનોખા વિચારને દેશની સંસ્કૃતિનો ભાગ બનવા માટે સામાજિક જાગૃતિ, તે પાછળ નાગરિકોએ છેડેલી ઝુંબેશ, આ ઝુંબેશોનો સકારાત્મક રાજકીય પ્રતિસાદ, તેના લીધે ઉભી થતી માળખાકીય સુવિધાઓ અને પછી આ સુવિધાઓનો નાગરિકો દ્વારા હોંશથી ઉપયોગ જરૂરી છે. કોઈ શહેર પરફેક્ટ હોતાં નથી, તેમને પરફેક્ટ બનાવવાં પડે છે.
નવગુજરાત સમય, પાન નં 11, 11 એપ્રિલ, 2014.
No comments:
Post a Comment