ફોટો: મીના કાદરી |
રોજ-બરોજના શહેરી જીવનમાં સાઈકલ ચલાવવી સહેલી છે પણ સાઈકલ સાથે જોડાયેલા સામાજિક પક્ષપાત સામે લડવું અઘરું છે. આપણને સાઈકલ નહિ ચલાવવા માટેનાં જાતજાતના બહાનાં મળી આવે છે - ગરમી, ઉકળાટ, આળસ, સલામતીની ચિંતા, કપડાં, પરસેવો વગેરે. માઈનસ ચાર (નોર્થ યુરોપ) અને પ્લસ ચાલીસ ડીગ્રી (ગુજરાત)ના તાપમાનમાં સાઈકલ ચાલનનાં મારાં જાત-અનુભવ પરથી કહી શકાય કે બંને પરિસ્થિતિમાં સાઈકલ ચલાવવું અઘરું છે પણ અશક્ય નથી. આપણે ત્યાં ગરમી-ઠંડીની ચિંતા કર્યા વગર મોટા શહેરોમાં ૧૦-૧૫ ટકા મુસાફરીઓ સાઈકલ પર થાય છે. એ લોકો આર્થીક મજબૂરીમાં સાઈકલ ચલાવે છે. લંડનમાં માત્ર ૨-૩ ટકા મુસાફરીઓ સાઈકલ પર થાય છે અને તેમાં એકાદ ટકાનો વધારો થાય તો તે લોકો ઉત્સવ ઉજવે છે. માણસ સાઈકલ ચલાવતો હોય તે તેને માથે કોઈ છાંયડેદાર, લીલી છત્રી ધરે તેને સાચો વિકાસ કહેવાય.
તો શું રોજબરોજ શહેરમાં સાઈકલ ચલાવી શકાય? બિલકુલ ચલાવી શકાય. તમને ઉનાળામાં ન ગમે તો શિયાળાને ચોમાસામાં સાઈકલ ચલાવો. વધુમાં વધુ તો ભયંકર ગરમીના એક-બે મહિના સાઈકલબાજી બંધ રાખી શકાય, બાકીના દસ મહિના તો આરામથી સાઈકલ ચલાવી શકાય છે. તમારાથી રોજ સાઈકલ ન ચલાવાતી હોય તો કોઈક દિવસ સાઈકલ ચાલવો. વહેલી સવારને મોડી સાંજે સાઈકલ ચલાવો. સાડીમાં કે ધોતિયામાં સાઈકલ ન ચલાવતી હોય તો ડ્રેસમાં ને પેન્ટમાં ચલાવો. ટૂંકમાં, તમારી ઈમેજ, સલામતી, ગરમી-ઠંડી-વરસાદ કપડાની ચિંતા કર્યા વગર મજેથી સાઈકલ ચલાવો.
તમારાં જીવનમાં સાઈકલ ચલાવવા માટેનાં રસ્તા ઉભા કરો. તે તમારાં સ્વાસ્થ્ય અને શહેરના પર્યાવરણ માટે બહુ સારું છે. આપણી સાઈકલની સંસ્કૃતિ ભૂલાતી જાય છે, આપણે સાઈકલબાજીને ફરી ફેશનેબલ બનાવવાની છે. જો તમે સાઈકલ ચાવવાનું શરુ કરશો તો સરકારે તમને સારી સુવિધા આપવા આગળ આવવું જ પડશે. એક મહાનગરપાલિકાના હજારો-કરોડોના બજેટમાં સાઈકલ માટે સારી સુવિધા અને રસ્તાની આસપાસ વૃક્ષ વાવવાંનાં પૈસા ન હોય તેવું બને? સાઈકલ માટે વ્યવસ્થિત છાંયડેદાર રસ્તા, જંકશન પર સાઈકલ બોક્સ, પબ્લિક બાઈક શેરિંગ સ્કીમ વગેરે બને તો ધીરે ધીરે સાઈકલનો વપરાશ પણ વધશે. પણ તે માટેની રાજકીય નિર્ણયશક્તિ ઉભી કરવા માટે પહેલાં તમારે તમારી પેડલ-શક્તિ બતાવવી પડે.
મને પોતાને આપણા શહેરોમાં સાઈકલ ચલાવવું (ઈંગ્લેન્ડના શહેરોની સરખામણીમાં) વધુ સહેલું લાગે છે કારણકે અહી ઝૂઉઉપ થઈને એકદમ પાસેથી પસાર થતી ગાડીઓ નથી હોતી. વળી,આપણે ત્યાં રસ્તાઓ જીવતા-જાગતા તંત્ર હોય છે, સર્વ-સમાવિષ્ટ હોય છે, એક પ્રકારના રંગમંચ હોય છે. જ્યાં ખરીદી-વેચાણ, વાત-ચીત, મેળ-મેળાપ, તાક-ઝાંક વગેરે બધું એકબીજાની સમાંતર સહ-અસ્તિત્વ ધરાવતું હોય છે. તેમાં વિવિધ પ્રકારના વાહનો બહુ સારી રીતે એકબીજા સાથે પોતાના માટે થોડી જગ્યાનો વહેવાર કરીને આગળ વધી શકે છે. આ પ્રકારના શહેરો હોવા એ સાઈકલ જેવા સાધનને બહુ અનુકુળ આવે છે.
સાઈકલ ચલાવનાર ધીરે-ધીરે પોતાનો રસ્તો અને જગ્યા શોધી નાખે છે. જેમકે મોટા, પહોળા,ઝડપી રસ્તાઓની જગ્યાએ રહેણાંક વિસ્તારવાળા, શાંત, છાંયડાદાયક રસ્તાઓની પસંદગી શરુ થઇ જાય છે. જો કોઈને સાઈકલ ચલાવવું સુરક્ષિત ન લાગતું હોય તો તે ગલીઓ વગેરેમાંથી રસ્તો શોધી લઈને પોતાનો આત્મવિશ્વાસ મેળવી શકે છે. અન્ડરબ્રીજ કે ફ્લાયઓવર કરતા રેલવેના પાટા કુદાવી જવાના, ટૂંકા રસ્તા શોધી લેવાની તરકીબો પણ મળી આવે છે. સાઈકલ પરથી ઉતરતાની સાથે જ રાહદારી બનીને રસ્તો ક્રોસ કરી શકાય છે, ગમે તેવા જટિલ ટ્રાફિક જામમાંથી જગ્યા કરી શકાય છે.
છેલ્લે, પહેલી લડાઈ તો પોતાની સાથે જ હોય છે કે બધા પ્રકારના પરિણામોનો વિચાર કર્યા કરતાં પહેલા તો એક સાઈકલ વસાવવી અને તેનો ઉપયોગ શરુ કરવો. પછી બધું થાળે પડી જાય છે અને પછી મોંઘી, ચકચકાટ ગાડીઓને જોઇને જે ઈર્ષા આવતી હોય તે બીજા કોઈની મોંઘી,ચકચકાટ સાઈકલ જોઇને આવવા માંડે છે.
નવગુજરાત સમય, પાન નં 11, 28 માર્ચ, 2014
No comments:
Post a Comment