Sunday, April 13, 2014

નગર ચરખો - નેધરલેન્ડના DNAમાં સાઈકલ-પ્રેમ આવ્યો ક્યાંથી?

Cycling in a park in Amsterdam
વાત જાણે એમ છે કે મોટરકારોનું મોટેપાયે ઔદ્યોગીકરણ શરુ થયું તે પહેલાંદુનિયાના બધા દેશોની જેમ નેધરલેન્ડમાં પણ સાઈકલોનું જબરજસ્ત ચલણ હતું. પચાસ અને સાઠના દાયકામાં વધતી જતી આવક સાથે અને બીજા વિશ્વયુદ્ધ પછીના દેશના નવનિર્માણની સાથે મોટરકારોનો વપરાશ વધવા માંડ્યો અને શહેરી રસ્તાઓ પરથી સાઈકલો ઓછી થતી ગઈ. ટ્રાફિક વધ્યોએક્સપ્રેસ વે અને ફ્લાય ઓવરો બનવાં લાગ્યાઅવાજ અને હવાનું પ્રદુષણ પણ વધ્યું. શહેરોની ખુલ્લી જગ્યાઓ પર વાહનોનાં પાર્કિંગ પાથરવા લાગ્યા. શહેરોમાં બે ઘડી શાંતિથી ચાલવા પૂરતી પણ જગ્યા મળતી નહોતી. રસ્તો ક્રોસ કરવો તે કોઈ સાહસ કરવા બરાબર હતું. આ કંઇક જાણીતી વાર્તા લાગે છેનહિ! પણ આપણા શહેરોથી અલગ અહીં વાર્તામાં વળાંક ઉર્ફ કહાનીમેં ટ્વિસ્ટ આવે છે.  

નેધરલેન્ડમાં 1971ની સાલમાં વધતા જતા ટ્રાફિક અને બેફામ ગતિએ ચાલતાં વાહનોને લીધે વિવિધ અકસ્માતોમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા અને તેમાં ચારસો પચાસ બાળકો હતાં. આ પ્રકારના આંકડા પ્રસિદ્ધ થયાલેખો છપાયા અને આ સાથે જ એક લોકજુવાળ ફાટી નીકળ્યો. એક અખબારી અહેવાલની હેડલાઈન પરથી પ્રેરણા લઈને 'રસ્તા પર બાળકોની હત્યા રોકો' (સ્ટોપ દ કિન્ડરમુર્દ)ના નામે એક સામાજિક આંદોલન શરુ થયું. લોકોએ સાઈકલ રેલીઓ કાઢીરસ્તા રોક્યાઆવેદન પત્રો આપ્યારાતોરાત રસ્તાઓ પર કલાકારોએ સાઈકલ માટેના રસ્તા ચીતરી કાઢ્યારાજકારણીઓએ આખા મામલામાં રસ લેવો પડ્યો અને જનતાનો અવાજ સંભળાવો પડ્યો. વળી,અધૂરામાં પૂરું સિત્તેરના દાયકામાં ઓઈલ સંકટ ઉભું થયું હતું. ત્યારે આ દેશે નક્કી કર્યું કે ઉર્જાશક્તિના ક્ષેત્રમાં બની શકે તેટલું સ્વ-નિર્ભર થવું અને આખી અર્થ-વ્યવસ્થાનો આધાર ક્રુડ-ઓઈલ પર ન રાખવો. લગભગ સાત-આઠ વર્ષનાં આંદોલનોના હિસાબે સૌ માટે માર્ગ સુરક્ષા અને સાઈકલ માટેની ખાસ માળખાકીય સુવિધાઓ આપવાનો શિરસ્તો ચાલુ થયો. આજે પણ સાઈકલો માટેની સારી ગુણવત્તાની માળખાકીય સુવિધા જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે.


રસ્તા અને જાહેર જગ્યાઓની આવી સાઈકલ કે રાહદારીઓનાં હિત ધ્યાનમાં લેતી ડીઝાઈન અને માળખાકીય સુવિધાના લીધે સાઈકલ-સવારીની એક જબરજસ્ત સંસ્કૃતિ ઉભી થઇ છે. લોકો થ્રી-પીસ સુટ કે ટુ-પીસ બીકીની સાથે પણ સહજતાથી સાઈકલ ચલાવતાં જોવા મળે છે. મોટાભાગના લોકો કોઈ ફેન્સી સાઈકલ કે મોંઘી એસેસરીનો આગ્રહ રાખ્યા વગર 'દાદીમાની સાઈકલ' (ઓમાફીત્સ) તરીકે ઓળખાતી, મસમોટી દેશી સાઈકલ (રોડસ્ટર) જેવી સીધી-સાદી સાઈકલ જ ચલાવે છે. શૂન્યની નીચે તાપમાન હોયબરફનો વરસાદ પડતો હોયભયંકર ઠંડી હોય તો પણ સાઈકલ સવારી ચાલુ રહે છે. બાળક ચાલતાં શીખે તે પહેલા માં-બાપ જોડે સાઈકલમાં બેબી-સીટ જોડીને સાઈકલ સવારી કરતું થઇ જાય છે. સામાનની હેરાફેરી માટે કાર્ગો સાઈકલ હોયસાઈકલ સવારો માટે ટ્રેનમાં અલાયદા ડબ્બા હોય અને રેલ્વે સ્ટેશન પર દસેક હજાર સાઈકલ પાર્ક કરવાની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક સાઈકલ પાર્કિંગનું આખું મકાન હોય. સાઈકલસવારોનું નિયમન કરતાં ટ્રાફિક પોલીસ પોતે પણ સાઈકલ જ ચલાવતાં જોવા મળે છે.


નેધરલેન્ડમાં સાઈકલ ચાલન સહજ છેરોજબરોજનાં જીવનનો ભાગ છે. તેને આપણી જેમ સામાજિક-આર્થિક મોભા સાથે જોડવામાં આવતું નથી. હમણાં જ એક પ્રોગ્રામમાં કંઇક એવું સંભાળવા મળ્યું કે, ભારતીયોના ડીએનએમાં સાઈકલ-પ્રેમ જ નથી. કદાચ આ બોલનાર એવું ભૂલી ગયા હતા કે આપણા શહેરોનાં ટ્રાફિકમાં દસ-પંદર ટકા સાઈકલોનો હિસ્સો છે. સાઈકલ ચલાવનારા મોટેભાગે ગરીબ હોય છે એટલે કદાચ આ હકીકત ભૂલવી આસાન હશે. નેધરલેન્ડ પાસેથી એ શીખવા મળે છે કે કોઈ અનોખા વિચારને દેશની સંસ્કૃતિનો ભાગ બનવા માટે સામાજિક જાગૃતિ, તે પાછળ નાગરિકોએ છેડેલી ઝુંબેશ, આ ઝુંબેશોનો સકારાત્મક રાજકીય પ્રતિસાદ, તેના લીધે ઉભી થતી માળખાકીય સુવિધાઓ અને પછી આ સુવિધાઓનો નાગરિકો દ્વારા હોંશથી ઉપયોગ જરૂરી છે. કોઈ શહેર પરફેક્ટ હોતાં નથી, તેમને પરફેક્ટ બનાવવાં પડે છે. 

નવગુજરાત સમય, પાન નં 11, 11 એપ્રિલ, 2014.

નગર ચરખો - નેધરલેન્ડના PM સાઈકલ પર ઓફીસ જાય છે!

નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુઉટ (ડાબે) સાઈકલ પર
તાજેતરમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુઉટ જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામાને મળવા સાઈકલ પર પહોંચ્યા ત્યારે દુનિયાભરમાં તેમની તસ્વીરો ફરતી થઇ હતી. ના, આ કોઈ પબ્લીસીટી સ્ટંટ નહોતો. નેધરલેન્ડના પ્રધાનમંત્રી માટે સાઈકલ ચલાવવું સાહજિક છે. તેઓ ઘણીવાર થ્રી-પીસ સૂટ પહેરીને સાઈકલ ચલાવતાં જોવા મળે છે. ભારતના રાજકારણીઓ પાસેથી કોઈ પણ પ્રકારની સાદાઈની અપેક્ષા રાખવી અશક્ય છે. પણ વિકસિત દેશોના રાજકારણીઓ માટે તેમની પ્રજાની જેમ વર્તવું એ બહુ સામાન્ય છે. 

નેધરલેન્ડના પ્રધાનમંત્રી જ નહિ, આખો દેશ સાઈકલ-ક્રેઝી છે અને અહીંનો સાઈકલ-પ્રેમ જગવિખ્યાત છે. નેધરલેન્ડના શહેરી વિસ્તારની બધી મુસાફરીના લગભગ ત્રીસ ટકા સાઈકલ પર થાય છે. આમ્સ્તરદામ અને હેઈગ જેવા શહેરોમાં તો લગભગ સિત્તેર ટકા મુસાફરીઓ સાઈકલ પર થાય છે. આટલી મોટી સંખ્યામાં સાઈકલનો વપરાશ થતો હોય તો પછી તો અમીર-ગરીબ, યુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, નેતા અને જનતા બધા સાઈકલો વાપરતા હશે. સરખામણી સારું કહીએ તો અમદાવાદ-સુરત-રાજકોટ જેવા શહેરોમાં લગભગ દસથી પંદર ટકા મુસાફરી સાઈકલ પર થાય છે, જે ઓછી જરાય નથી પણ નેધરલેન્ડના શહેરો સાઈકલ સવારીની સ્પર્ધામાં દુનિયાના દરેક દેશથી આગળ નીકળી ગયા છે. 

આજે નેધરલેન્ડના શહેરો અને ગામડાઓમાં જેટલી વાહનો માટે સુવિધા હોય છે, તે જ ગુણવત્તાની સુવિધાઓની સમાંતર વ્યવસ્થા સાઈકલો માટે પણ છે. સાઈકલ માટે અલાયદા, પહોળા અને સમતલ રસ્તા હોય છે, અલગ સિગ્નલ હોય છે, દરેક ચાર રસ્તે તેમને ઉભા રહેવા માટે અલાયદી વ્યવસ્થા હોય છે. રેડ સિગ્નલ પર ટ્રાફિક રોકાય ત્યારે સાઈકલ સવારો બીજા વાહનોની વચ્ચે અટવાયા વગર સૌથી આગળ આવીને ઉભા રહે છે. માત્ર સાઈકલ માટેના અલગ ફ્લાય ઓવર સુધ્ધાં હોય છે અને લાંબાગાળાની સાઈકલ સવારી માટે હાઈવેની બાજુમાં પણ સાઈકલ માટેના હાઈવે હોય છે. શહેરોની અંદરની વાહનોની ઝડપને રસ્તાની મૌલિક ડીઝાઈન દ્વારા ઓછી કરવામાં આવે છે એટલે શહેરની વચ્ચે વાહનો ધીમી ગતિએ, બીજા વપરાશકારોનું ધ્યાન રાખીને ચલાવવા પડે છે. 

વળી, કોઈ પણ કાર અને સાઈકલનો અકસ્માત થાય તો 'કોનો વાંક છે' તે ચર્ચા કર્યા વગર કાર-ચાલકના લાઈસન્સ પર પેનલ્ટી લાગે છે. આનું સીધું કારણ એ છે કે અકસ્માત ન થાય તેની જવાબદારી શક્તિશાળી અને મોટા વાહન પર વધારે હોય છે. રોડ અકસ્માતમાં સાઈકલ સવારનું તો મૃત્યુ પણ થઇ શકે કે તે ગંભીર રીતે ઘાયલ થઇ શકે, જ્યારે કાર ચાલકને જવલ્લે જ ઈજા પહોંચતી હોય છે. જો તમે બીજાને ઈજા થાય તેવું વાહન (એટલે કે કાર) લઈને હાલી નીકળતા હોવ તો તમારે બીજાને સાચવવાની જવાબદારી લેવી પડે. તમને ઝડપથી વાહન ચલાવવાની સત્તા જરૂર છે પણ બીજાને બચાવવાની એટલી જ જવાબદારી પણ તમારી જ છે.  જોયું ને, સાઈકલ સવારો માટે આ સ્વર્ગ જેવો દેશ છે.

ભારતમાં શહેરીકરણની પ્રક્રિયામાં દુનિયાના બીજા દેશો કરતાં થોડા મોડા ઘુસ્યા છીએ. મોડા આવવાના ફાયદા પણ હોય છે. સૌથી મોટો ફાયદો એ છે કે વહેલા આવનારે કરેલી ભૂલોમાંથી આપણે શીખીને તે જ ભૂલો ન કરીએ. પશ્ચિમનાં દેશો એ કરેલી શહેરી વિકાસની ભૂલોનું આપણે પુનરાવર્તન કરવાની જગ્યાએ આપણે તે ભૂલોમાંથી શીખીએ અને જે સારું હોય તેને આપણાં શહેરોમાં લાવીએ. આપણે નેધરલેન્ડ પાસેથી શીખવાનું ઘણું છે. આ દેશે તેની આંધળા મોટરીકરણ, ટ્રાફિકની આંધળી દોટની ભૂલો સુધારીને આવાગમનની એક અનોખી સમાંતર વ્યવસ્થા ઉભી કરી છે. માત્ર નેધરલેંડ જ નહિ પણ હવે તો ડેન્માર્ક, જર્મની, હંગેરીમાં મહદ અંશે સાઈકલ-સંસ્કૃતિ પ્રવેશી ગઈ છે અને ઇંગ્લેન્ડ, ફ્રાંસ, સ્પેઇન જેવા દેશો સાઈકલ-સુવિધાઓમાં મોટા પાયે રોકાણ કરી રહ્યા છે. નેધરલેન્ડના સાઈકલ-પ્રેમના ઈતિહાસ વિષે વધુ આવતા હપ્તે! 

નવગુજરાત સમય, પાન નં 13, 4 એપ્રિલ, 2014.

નગર ચરખો - હા, શહેરમાં તમે પણ સાઈકલ ચલાવી શકો છો!

ફોટો: મીના કાદરી
રોજ-બરોજના શહેરી જીવનમાં સાઈકલ ચલાવવી સહેલી છે પણ સાઈકલ સાથે જોડાયેલા સામાજિક પક્ષપાત સામે લડવું અઘરું છે. આપણને સાઈકલ નહિ ચલાવવા માટેનાં જાતજાતના બહાનાં મળી આવે છે - ગરમી, ઉકળાટ, આળસ, સલામતીની ચિંતા, કપડાં, પરસેવો વગેરે. માઈનસ ચાર (નોર્થ યુરોપ) અને પ્લસ ચાલીસ ડીગ્રી (ગુજરાત)ના તાપમાનમાં સાઈકલ ચાલનનાં મારાં જાત-અનુભવ પરથી કહી શકાય કે બંને પરિસ્થિતિમાં સાઈકલ ચલાવવું અઘરું છે પણ અશક્ય નથી. આપણે ત્યાં ગરમી-ઠંડીની ચિંતા કર્યા વગર મોટા શહેરોમાં ૧૦-૧૫ ટકા મુસાફરીઓ સાઈકલ પર થાય છે. એ લોકો આર્થીક મજબૂરીમાં સાઈકલ ચલાવે છે. લંડનમાં માત્ર ૨-૩ ટકા મુસાફરીઓ સાઈકલ પર થાય છે અને તેમાં એકાદ ટકાનો વધારો થાય તો તે લોકો ઉત્સવ ઉજવે છે. માણસ સાઈકલ ચલાવતો હોય તે તેને માથે કોઈ છાંયડેદાર, લીલી છત્રી ધરે તેને સાચો વિકાસ કહેવાય.

તો શું રોજબરોજ શહેરમાં સાઈકલ ચલાવી શકાય? બિલકુલ ચલાવી શકાય. તમને ઉનાળામાં ન ગમે તો શિયાળાને ચોમાસામાં સાઈકલ ચલાવો. વધુમાં વધુ તો ભયંકર ગરમીના એક-બે મહિના સાઈકલબાજી બંધ રાખી શકાયબાકીના દસ મહિના તો આરામથી સાઈકલ ચલાવી શકાય છે. તમારાથી રોજ સાઈકલ ન ચલાવાતી હોય તો કોઈક દિવસ સાઈકલ ચાલવો. વહેલી સવારને મોડી સાંજે સાઈકલ ચલાવો. સાડીમાં કે ધોતિયામાં સાઈકલ ન ચલાવતી હોય તો ડ્રેસમાં ને પેન્ટમાં ચલાવો. ટૂંકમાં, તમારી ઈમેજ, સલામતી, ગરમી-ઠંડી-વરસાદ કપડાની ચિંતા કર્યા વગર મજેથી સાઈકલ ચલાવો. 

તમારાં જીવનમાં સાઈકલ ચલાવવા માટેનાં રસ્તા ઉભા કરો. તે તમારાં સ્વાસ્થ્ય અને શહેરના પર્યાવરણ માટે બહુ સારું છે. આપણી સાઈકલની સંસ્કૃતિ ભૂલાતી જાય છે, આપણે સાઈકલબાજીને ફરી ફેશનેબલ બનાવવાની છે. જો તમે સાઈકલ ચાવવાનું શરુ કરશો તો સરકારે તમને સારી સુવિધા આપવા આગળ આવવું જ પડશે. એક મહાનગરપાલિકાના હજારો-કરોડોના બજેટમાં સાઈકલ માટે સારી સુવિધા અને રસ્તાની આસપાસ વૃક્ષ વાવવાંનાં પૈસા ન હોય તેવું બને? સાઈકલ માટે વ્યવસ્થિત છાંયડેદાર રસ્તા, જંકશન પર સાઈકલ બોક્સ, પબ્લિક બાઈક શેરિંગ સ્કીમ વગેરે બને તો ધીરે ધીરે સાઈકલનો વપરાશ પણ વધશે. પણ તે માટેની રાજકીય નિર્ણયશક્તિ ઉભી કરવા માટે પહેલાં તમારે તમારી પેડલ-શક્તિ બતાવવી પડે.

મને પોતાને આપણા શહેરોમાં સાઈકલ ચલાવવું (ઈંગ્લેન્ડના શહેરોની સરખામણીમાં) વધુ સહેલું લાગે છે કારણકે અહી ઝૂઉઉપ થઈને એકદમ પાસેથી પસાર થતી ગાડીઓ નથી હોતી. વળી,આપણે ત્યાં રસ્તાઓ જીવતા-જાગતા તંત્ર હોય છેસર્વ-સમાવિષ્ટ હોય છેએક પ્રકારના રંગમંચ હોય છે. જ્યાં ખરીદી-વેચાણવાત-ચીતમેળ-મેળાપતાક-ઝાંક વગેરે બધું એકબીજાની સમાંતર સહ-અસ્તિત્વ ધરાવતું હોય છે. તેમાં વિવિધ પ્રકારના વાહનો બહુ સારી રીતે એકબીજા સાથે પોતાના માટે થોડી જગ્યાનો વહેવાર કરીને આગળ વધી શકે છે. આ પ્રકારના શહેરો હોવા એ સાઈકલ જેવા સાધનને બહુ અનુકુળ આવે છે.

સાઈકલ ચલાવનાર ધીરે-ધીરે પોતાનો રસ્તો અને જગ્યા શોધી નાખે છે. જેમકે મોટાપહોળા,ઝડપી રસ્તાઓની જગ્યાએ રહેણાંક વિસ્તારવાળાશાંતછાંયડાદાયક રસ્તાઓની પસંદગી શરુ થઇ જાય છે. જો કોઈને સાઈકલ ચલાવવું સુરક્ષિત ન લાગતું હોય તો તે ગલીઓ વગેરેમાંથી રસ્તો શોધી લઈને પોતાનો આત્મવિશ્વાસ મેળવી શકે છે. અન્ડરબ્રીજ કે ફ્લાયઓવર કરતા રેલવેના પાટા કુદાવી જવાનાટૂંકા રસ્તા શોધી લેવાની તરકીબો પણ મળી આવે છે. સાઈકલ પરથી ઉતરતાની સાથે જ રાહદારી બનીને રસ્તો ક્રોસ કરી શકાય છેગમે તેવા જટિલ ટ્રાફિક જામમાંથી જગ્યા કરી શકાય છે.

છેલ્લેપહેલી લડાઈ તો પોતાની સાથે જ હોય છે કે બધા પ્રકારના પરિણામોનો વિચાર કર્યા કરતાં પહેલા તો એક સાઈકલ વસાવવી અને તેનો ઉપયોગ શરુ કરવો. પછી બધું થાળે પડી જાય છે અને પછી મોંઘીચકચકાટ ગાડીઓને જોઇને જે ઈર્ષા આવતી હોય તે બીજા કોઈની મોંઘી,ચકચકાટ સાઈકલ જોઇને આવવા માંડે છે.

નવગુજરાત સમય, પાન નં 11, 28 માર્ચ, 2014

Tuesday, April 01, 2014

બ્લોગના ચાર વર્ષ - એક નાનકડી ફોટો-વાર્તા

આજની તારીખે મારા બ્લોગના ચાર વર્ષ પૂરા થાય છે. પહેલી વર્ષગાંઠની પોસ્ટમાં મેં નિરંતર બકવાસ કરેલો, બીજી વર્ષગાંઠે લાંબોલચક નિબંધ ઢસડી મારેલો, ત્રીજી વર્ષગાંઠે તો કવિતા સુધ્ધાં લખી નાખેલી. એટલે આ ચોથી વર્ષગાંઠે વિચાર છે કે કંઇક  નવું જ કરીએ. આ વખતે કંઇક નવા મીડીયમથી કરીએ. તો રજૂ થાય છે એક નાનકડી ફોટો વાર્તા - ફોટાથી ય કંઇક કાંતી શકાય ને વાર્તા ગૂંથી શકાય. હેપ્પી ફોર્થ બર્થડે ટુ ચરખો! 

થાઈલેન્ડની રાજધાની બેંગકોકની નજીક અયુથ્યા નામની એક હેરીટેજ સાઈટ આવેલી છે. આ અયુથ્યા પંદરમીથી અઢારમી સદીની વચ્ચે સિયામ રાજ્યની રાજધાની  હતી. કદાચ હિંદુ અને બૌદ્ધ ધર્મની અસરના લીધે અયુથ્યા અને રામાયણની 'અયોધ્યા' વચ્ચે સંબંધ તો ખરો જ. અયુથ્યાના પરંપરાગત મહેલો અને મંદિરો  જોવા અને માણવાલાયક છે. તે ઉપરાંત અયુથ્યા પાસે એક 'રોયલ એલીફન્ટ ક્રાલ' આવેલી છે જે એલીફન્ટ સ્ટેના નામે પણ જાણીતી છે. આ એલીફન્ટ ક્રાલ હાથીઓ માટેનો વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, નાની અસ્પતાલ અને દેખરેખ રાખવા માટેનું સ્થળ છે - વિવિધ પ્રકારના હાથીઓ માટેનું ઘર. આ હાથી ઘરમાં તમે (માણસ હોવા છતાં) એક સ્વયંસેવક તરીકે કે પર્યટક તરીકે રહી શકો છો. સ્વયંસેવક કે પર્યટક તરીકે રહેવા માટે ભાડું ભરવું પડે છે અને આ જ પ્રકારના ફંડ-ફાળાથી આ સંસ્થા ચાલે છે. થાઈલેન્ડના ગ્રામીણ અને જંગલ વિસ્તારોમાં તો હાથીનો ઉપયોગ લગભગ પાલતુ પ્રાણી તરીકે થાય છે. આ હાથીઘરમાં ઘણીવાર જંગલી હાથી પણ આવે છે,  જેમને વખત જતાં પાલતુ બનાવવામાં આવે છે. જંગલી  હાથીઓ માટેની બધી વ્યવસ્થા અલગ છે, બાકીના હાથીઓને હળીમળી શકાય છે. લોકો પૈસા આપીને હાથીઓ  સાથે સમય વિતાવવા આવે છે. 

પહેલી ફેબ્રુઆરી, 2008ના રોજ અમે (હું અને મારા એ) આ એલીફન્ટ ક્રાલ ફરવા માટે ગયા હતા. આ કેમ્પસના પાછળના ભાગમાં નદી વહે છે. આ નદીની આસપાસવાળો ભાગ બહુ જ સુંદર હતો. અમે ત્યાંના સ્થાનિક લોકો જોડે કંઈ વાતચીતની ભાંજગડમાં હતાં, તેટલામાં જ એક હાથી તેના મહાવત સાથે આવી ચઢે છે. પછી આગળની વાર્તા ફોટોગ્રાફ્સની મદદથી સાંભળો.


















બાળવીર ધૂબાકાવાળા!