Wednesday, January 25, 2012

ગુજરાતમાં આધુનિક સ્થાપત્ય

(નોંધ: આ ગુજરાતી ભાષામાં લખેલો મારો પ્રથમ લેખ. આર્કિટેક્ચરની ટેકનીકલ ભાષાને સરળ ગુજરાતીમાં ઉતારવાની અને ગુજરાતીમાં અભિવ્યક્તિ મેળવવાની મથામણને લીધે આ લેખ લખવામાં બહુ સમય લાગ્યો હતો અને મજા પણ આવી હતી. આ લેખ ગયા વર્ષે સિતાંશુ યશચંદ્ર સંપાદિત 'ફાર્બસ ગુજરાતી સભા' નામના ત્રિમાસિકમાં પ્રકાશિત થયો છે - પુસ્તક ૭૬, સંયુક્તાંક ૨, એપ્રિલ-જૂન અને જુલાઈ-સપ્ટેમ્બર 2011. અહીં દસ્તાવેજીકરણ અને બ્લોગ નિયમિત વાંચતા મિત્રો સાથે વહેંચવાના આશયથી મૂક્યો છે. મૂળ લેખ નોન-યુનીકોડમાં હોવાથી દરેક પાનાંને 'ઈમેજ' સ્વરૂપે મૂક્યા છે. જે-તે ઈમેજ પર ક્લિક કરવાથી વધુ મોટા સ્વરૂપે જોઈ શકાશે.)








Thursday, January 19, 2012

મૂર્ખામીનો યુગ (the age of stupid)

 ઇતિહાસમાં એક એવો સમય હતો કે જ્યારે સૂર્યમંડળના એક ગ્રહ પરની એક પ્રજાતિ પર મોટો ખતરો તોળાઈ રહ્યો હતો અને આ વિનાશક ખતરાની ચેતવણીઓ વારંવાર વિવિધ સ્વરૂપોમાં મળતી રહેતી હતી. આ ખતરાને ખાળવા માટેના યંત્રો પણ હતા અને ખતરાને સમજવાનું જ્ઞાન-વિજ્ઞાન પણ. છતાંય મોટાભાગનાં સભ્યોને આવી ચેતવણીઓથી વિમુખ થવાનું વ્યાજબી લાગ્યું. વિનાશની ચેતવણી આપતી લઘુમતીને ભેજાગેપ ગણી લેવામાં આવી. કેટલાકે પોતાના ટૂંકા ગાળાના ફાયદા માટે કે સત્તા ટકાવી રાખવા જૂઠાણાં ચલાવ્યા કે 'બધું બરાબર છે અને કોઈ વિનાશ થવાનો નથી'. કેટલાય સભ્યો 'શતરંજ કે ખિલાડી'માં આગળ ધપતા અંગ્રેજી શાસનની સામે દ્રોહ કરવાને બદલે રાગ-રંગમાં ડૂબેલા ઉમરાવોની જેમ પોતાના રોજબરોજનાં જીવનના રાગ-રંગમાં ડૂબેલા રહ્યા. કેટલાક અંદર-અંદર લડતા રહી ગયા. કેટલાક ભગવાનને ભરોસે બેસી રહ્યા તો કોઈને એવું લાગ્યું કે કૈંક નવું શોધાશે અને બધું બચાવી લેવામાં આવશે. આખરે, ધીમી અને પીડાજનક રીતે વિનાશ થતો ચાલ્યો અને બધું ડૂબી ગયું. વિનાશ બાદ આ પ્રજાતિના બાકી બચેલા થોડા-ઘણા સભ્યોએ આ સતત ભૂલોથી ભરેલા સમયને નામ આપ્યું, મૂર્ખામીનો યુગ (the Age of Stupid). આ ગ્રહ હતો પૃથ્વી અને પ્રજાતિ હતી માનવજાત અને વિનાશક ખતરાનું નામ હતું, ક્લાઈમેટ ચેન્જ ઉર્ફ ગ્લોબલ વાર્મિંગ ઉર્ફ પર્યાવરણનું નિકંદન. 

આ વાત છે 'The Age of Stupid (2009)' નામની દસ્તાવેજી ફિલ્મની, જે બિલકુલ જોવા જેવી ફિલ્મ છે. અહીં જેને 'મૂર્ખામીનો યુગ' કહેવાય છે, તે ૧૯૮૦ થી અત્યાર સુધીનો સાંપ્રત સમય (અને કદાચ તેથી વધુ). એક રીતે જુવો તો ઈસપની બોધકથાઓ કે પંચતંત્રની વાર્તાઓ પ્રકારનો સીધો-સાદો 'પ્લોટ' છે. પણ પંચતંત્રની સાદી વાતો અમલમાં મૂકવી બહુ અઘરી હોય છે અને તે પણ સાર્વત્રિક રીતે તો ખાસ. ૧૯૯૨ના રિયો શહેરના ડીકલેરેશનથી શરૂ થયેલી વાત ૧૯૯૬ના ક્યોટો શહેરના પ્રોટોકલ સુધી પહોંચે છે, જો કે તે પ્રમાણે પ્રદુષણ ઘટાડવાની જગત-જમાદર અમેરિકા ના પાડે છે. તે પછીથી છેલ્લા બે-ત્રણ વર્ષની વાત કરીએ તો કોપનહેગન, કોકૂન, ડર્બન શહેરોમાં વાતચીતોનો દૌર ક્યારેક વિકસિત દેશો તો ક્યારેક વિકાસશીલ દેશોને વાંધા-વચકા પડવાથી અટકે છે. હજી સુધી ઓછા-કાર્બન વપરાશવાળી ગ્રીન અર્થવ્યવસ્થા ઉભી કરવાની વાત પર સર્વસંમતિ સાધી શકાઈ નથી. જંગલો કપાઈ રહ્યા છે, પેટાળો ખોદાઈ રહ્યા છે, હિમશીલાઓ પીગળી રહી છે, જરૂર કરતા વધારેનો ઉપયોગ કરવાની ગેરવ્યાજબી પધ્ધત્તિઓ સર્વસામાન્ય બનતી જાય છે, ક્રૂડ ઓઇલના ઉપયોગ આધારિત અર્થવ્યવસ્થાઓ અને શહેરો વિકસી રહ્યા છે. એવું બની શકે કે આવનારી પેઢી આપણા આજના સમયને 'મૂર્ખામીનો યુગ' કહે. મુખ્ય કારણ એ જ કે સાધન-વ્યવસ્થા, વૈજ્ઞાનિક જ્ઞાન હોવા છતાં અને નવી ટેકનોલોજી વિકસાવવાનો સમય હોવા છતાં એ લોકો (એટલે કે આપણે) કંઈ અસરકારક કરી શક્યા નહિ.

આ ફિલ્મમાં ઈ.સ. ૨૦૫૫માં એક વ્યક્તિ થોડી-ઘણી બચી ગયેલી દુનિયાના માનવઈતિહાસના મ્યુઝીયમમાં બેઠા-બેઠા ડીજીટલ આર્કાઈવમાંથી ૧૯૯૦થી ૨૦૦૯ સુધીની ઘટનાઓ નિહાળી રહ્યો છે અને 'મુર્ખામીના યુગ'ની વિવિધ વાર્તાઓને એક તાંતણે જોડી રહ્યો છે. દક્ષીણ ઈંગ્લેન્ડમાં વિન્ડ ટર્બાઈનનો કન્સલ્ટન્ટ, નાઈજીરિયામાં ડોક્ટર બનવા માંગતી યુવતી, જોર્ડનમાં રહેતા ઈરાકી શરણાર્થી પરિવારના પિતા ગુમાવી ચુકેલા બાળકો, ભારતમાં લો-કોસ્ટ એરલાઈન શરુ કરનાર (અને તે દ્વારા ગરીબી હટાવોની વાતો કરનાર) એક બીઝનેસમેન, પીગળતી જતી હિમશીલાઓનો વચ્ચે ફ્રાંસના પર્વતીય વિસ્તારમાં રહેતા પરિવાર, અમેરિકામાં ઓઈલ કૂવામાં કામ કરીને નિવૃત્ત થનાર કર્મચારી વગેરે જેવા વાસ્તવિક જીવનના પાત્રો આ ફિલ્મના હિરોઈન-હીરો છે. ઈંગ્લેન્ડના ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક લોકો પવનચક્કીનો (wind turbine) વિરોધ એટલા માટે કરે છે કે તેને કારણે ગ્રામ્યજગતનો કુદરતી દેખાવ બગડી જશે. નાઈજીરિયામાંથી શેલ કંપની ઢગલાબંધ ક્રુડ ઓઈલ અંકે કરીને દર સેકન્ડે ચારસો પાઉન્ડનો નફો અંકે કરે છે, પણ નાઈજીરીયાના ગામડાઓમાં ચોખ્ખા પાણી, વીજળીની કોઈ સુવિધા નથી અને દારુણ ગરીબી છે. ઈરાકી બાળકો જોર્ડનમાં અમેરિકન બ્રાંડના સેકંડ હેન્ડ જૂતા વેચીને એક દિવસ ઈરાક પાછા જવાનું અને અલ-જઝીરાના ન્યુઝ એન્કર બનવાના સ્વપ્નાં સેવે છે. ભારતમાં જેહ વાડિયા નામનો મૂડીપતિ 'ગો એર' નામની એરલાઈન શરુ કરીને રેલ્વે સાથે સ્પર્ધા કરવાની મોટી વાતો કરે છે. ફ્રાન્સના પર્વતીય વિસ્તારમાં હિમશીલાઓ પીગળવાને લીધે એક કુટુંબની જીવનચર્યા બદલાઈ જાય છે. અમેરિકામાં ઓઈલ કુવાનો ભૂતપૂર્વ કર્મચારી હવામાનના બદલાવના લીધે વારંવાર આવતાં વાવાઝોડામાંના એકમાં (કેટરીના) ફસાયેલા લગભગ સોએક લોકોના જાન એકલા હાથે બચાવે છે.  ટૂંકમાં, કુદરતી સંપત્તિ અને કાર્બન ધુમાડા માટે સૌથી વધુ જવાબદાર ક્રુડ ઓઈલની આસપાસના આ બધા ખેલ છે, જેમાં કોઈ ખેલાડી છે, કોઈ મૂક પ્રેક્ષક અને કોઈ આપત્તિનો ભોગ બનનાર. બધા એક તાંતણે બંધાયેલા છે, જો એ તાંતણો જોઈ શકો તો. 

વાત અહીં કુદરતી સંપત્તિના બેજવાદાર ઉપભોગ અને તેના લીધે આવતી આફતો તેમજ તેના પરિણામે હાંસિયામાં ધકેલાઈ જતા માનવ સમાજના અમુક પાત્રોની છે. અહીં ડૂમ્સ-ડે એટલેકે સર્વ-વિનાશ કે કયામતની ભવિષ્યવાણી કરીને ગભરાટ ફેલાવાનો કોઈ આશય નથી. આ ફિલ્મમાં ઉપયોગમાં લેવામાં આવેલી ઘટનાઓ, વ્યક્તિઓ, સમાચારો વગેરે બિલકુલ વાસ્તવિક છે કે જેમને ભવિષ્યના પરિપેક્ષમાં મૂકવામાં આવ્યા છે. એટલે આખી વાતને 'પૃથ્વી ખતરેમેં હૈ' પ્રકારના આત્યંકિત ભાવથી જોવાની જરૂર નથી. ફિલ્મનો પહેલો સંદેશ આપણા અત્યારના સમયને 'મૂર્ખામીનો યુગ' કહેવો તે છે. આ એક મહેણું છે જે આપણે ભાંગી શકીએ કે નહિ તે સમય જ કહેશે. અહીં મૂકવામાં આવેલી બધી જ ઘટનાઓ જ્ઞાત છે, જાહેર છે અને તેમના પર ચર્ચાઓ ચાલી રહી છે. વૈજ્ઞાનિકો, ટેકનીકલ નિષ્ણાતો, સંશોધકો અને શિક્ષણ જગતમાં 'હવામાનમાં બદલાવ (ક્લાઈમેટ ચેન્જ)નું કારણ માનવ દખલ છે' તે અંગે વ્યાપક સર્વ-સંમતિ છે. રાજકીય વર્તુળો અને સરકારોમાં આ બાબતે વ્યાપક સર્વ-સંમતિ તો છે પણ તે અંગે શું કરવું તે બાબતમાં વિરોધાભાસી મંતવ્યો છે. ટૂંકમાં, પૃથ્વીને પ્રદૂષિત કરવાનો હક કોને વધારે-ઓછો છે તે અંગેની ભાંજગડ.

જો દુનિયાના બધા લોકો યુરોપિયન કે જાપાનીઝ પ્રજા જેટલી કુદરતી સાધન-સંપત્તિ વાપરે તો પૃથ્વી જેવા બીજા બે ગ્રહો તાત્કાલિક જોઈએ. જો દુનિયાના બધા લોકો અમેરિકન, કેનેડીયન કે ઓસ્ટ્રેલીયન પ્રજા જેટલી કુદરતી સાધન-સંપત્તિ વાપરે તો પૃથ્વી જેવા પાંચ ગ્રહ તાત્કાલિક જોઈએ. આપણી પાસે તત્કાલીકમાં કમનસીબે એક જ ગ્રહ છે. ભારત અને આફ્રિકાની સરેરાશ પ્રમાણે કામ કરીએ તો પૃથ્વી ટકી શકે. ભારતમાં વ્યક્તિદીઠ વાર્ષિક કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન લગભગ ૧.૨ થી ૧.૫ મેટ્રિક ટન જેટલું થાય છે. અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં આ આંકડો ૧૭ થી ૨૦ મેટ્રિક ટન અને યુરોપના દેશોમાં આ આંકડો ૮ થી ૧૦ મેટ્રિક ટન છે. વિકાસશીલ દેશોમાં ઔધ્યોગીકરણની પ્રક્રિયા ચાલુ હોવાને લીધે આ આંકડો વધતો રહે છે, જ્યારે વિકસિત દેશો આ આંકડો ઘટાડવાના અનેક ઉપાયો ચાલી રહ્યા છે. અમેરીકામાં આ ઉપાયો બહુ લોકપ્રિય નથી પણ યુરોપમાં ક્લાઈમેટ ચેન્જ વિષે જાગૃતતા વધુ છે.

વ્યક્તિ દીઠ ગણતરી થાય છે ત્યારે ભારતની ગરીબ પ્રજા કે જેમની પાસે કોઈપણ પ્રકારનું ઇંધણ કે વીજળી વાપરવા માટે સાધનો નથી તે ભારતના મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગની સરેરાશ બહુ જ ઓછી કરે છે. બાકી ગણતરી માંડવા બેસો તો ભારતના ઉચ્ચ-મધ્યમ વર્ગ અને યુરોપના મધ્યમ વર્ગમાં ઘરદીઠ કાર્બન ઉત્સર્જનની ગણતરી સરખી જ હશે. એવું બની શકે કે ભવિષ્યમાં કાર્બન ટ્રેડીંગની નવી પધ્ધતિ આવી શકે છે જેમાં ઘરદીઠ કાર્બન ઉત્સર્જનથી વધારે ઉત્સર્જન થાય તેવી પ્રવુત્તિ માટે (જેમાં કે વર્ષ દરમ્યાન બેથી વધારે વિમાન પ્રવાસ) ટેક્સ ભરવો પડે કે તેના ભાડામાં જબરદસ્ત વધારો જોવા મળે. જો કે આવું તો ઘણું બધું થવાનું જ છે કારણકે સમગ્ર માનવજાતને સ્ટુપીડ સાબિત નહિ કરવા માટેનું વિચારનારા સ્માર્ટ લોકો દુનિયામાં હશે જ, છે જ.

એક વ્યક્તિ તરીકે આપણે સરકારો જેવા બેજવાબદાર બનવાની જરૂર નથી. ક્લાઈમેટ ચેન્જ એટલે કે હવામાનમાં બદલાવના મોસમમાં આપણે એક વ્યક્તિ તરીકે શું કરી શકીએ તેના નુસખાઓની એક સૂચી મૂકવાનું મન થાય છે. આ નુસખાઓ આમ-તેમથી વાંચીને ભેગા કરેલા છે, એટલે તેનો કોઈ એક મૂળ સ્ત્રોત નથી. પણ વિવિધ વેબસાઈટ પરથી ઘણા ઉત્તમ સૂચનો મળેલા છે. વાત કરવાની શૈલી ઉપદેશાત્મક છે (આમ કરોને, તેમ કરો) પણ તેને સૂચન જ ગણવા. નીચે પ્રમાણેના ઉપાયો અજમાવી શકાય -
  1. જાત જરા ઢંઢોળો જદુપતિ - કવિમિત્ર પંચમ શુક્લાની કવિતા પરથી ઉધાર લીધેલ આ શીર્ષક એમ કહે છે કે પર્યાવરણના મુદ્દે પહેલા તો જાતને ઢંઢોળીને સક્રિય બનો. શરૂઆતમાં વૈચારિક રીતે પણ સક્રિય બની શકાય. ખાંખાખોળા કરીને આખી વાતનો મુદ્દો સમજો, ચર્ચા કરો, બીજાને જોતરો અને ખુદ શું કરી શકાય તે કરવા સક્રિય બનો. 
  2. જે ખાડો ખોદ્યો છે તે માપો - ખાડો ખોદે તે પડે પણ અહીં તો આપણે ખોદેલા ખાડામાં આવતી પેઢીઓ પડવાની છે. એટલે પહેલી શરૂઆત તો આપનો ખાડો કેટલો ઊંડો છે તે સમજવાથી કરી શકાય. ભારતીય જીવનધોરણ મુજબ ઘરદીઠ કાર્બન ઉત્સર્જન ગણવાનું કેલ્ક્યુલેટર આ રહ્યું.  થોડું મગજ કસી, સમય આપીને ગણો કે આપનો ખાડો કેટલો ઊંડો છે જે આવનારી પેઢીએ ભરવાનો છે અને તેમાંથી કેટલા કાર્બન ઉત્સર્જનની બચત આપે ભવિષ્યમાં કરાવી જોઈએ.
  3. વાહનથી ચાલન - ચાલી શકો ત્યાં ચાલી નાખો, એકલા હોવ તો સાઈકલ વાપરો, બેકલા હોવ તો બાઈક, ત્રણ જણાં માટે રીક્ષા ઉત્તમ, ચાર જણાંની નાની કાર, છ જણાની મોટી કાર. ઓછી એવરેજ આપતા વાહનો મ્યુઝીયમમાં જ રાખો. વાહનોનો મોહ છોડીને ચાલવાનો મોહ રાખો. વિમાન મુસાફરી પર નિયંત્રણ કરોને ટ્રેનનો વપરાશ વધારો. તમારા બોસને કહો કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરનારાને બોનસ આપે અને બોસ હોવ તો બોનસ આપો. કાર શેર કરો. લાંબી મુસાફરી પર અંગત વાહનમાં જતા હોવ તો આસપાસ પૃચ્છા કરીને કોઈને લીફ્ટ આપો. ચાલવાલાયક ફૂટપાથ, તમારા ઘરની નજીક બાગ-બગીચા માટે કેમ્પેન કરો. સ્થાનિક ચૂંટણીમાં સારું પબ્લિક ટ્રાન્સપોર્ટ બનાવવાની અને તમારા ઘરની આસપાસ બગીચો બનાવી આપનાર પક્ષને જ મત આપો.
  4. મોસમને અનુરૂપ જીવો - વડવાઓ કહી ગયા છે કે ઋતુ પ્રમાણે કપડા અને ખાનપાન રાખશો તો ચોમાસામાં કોલ્ડ-સ્ટોરેજ વાળી કેરી નહિ ખાવી પડે અને ઉનાળાની સાંજે એ.સી. ચાલુ નહિ રાખવું પડે. સદરો અને સુતરાઉ સાડી જેવા કુદરતી એ.સી. પહેરીને ચાલે ત્યાં સુધી કૃત્રિમ એ.સી. નહિ વાપરો. હવાદાર ઘર પર પસંદગી ઉતારો, તો વીજળીનું બીલ બચશે. શિયાળામાં તડકો અને આખું વર્ષ હવા આવે તે ઘરમાં ફાલતું વીજળીનો વ્યય થતો નથી. વીજળી બચાવો. બાળકોને બચતનું મહત્વ સમજાવો.
  5. પહેલા લોકલ પછી ગ્લોબલ - સ્થાનિક રીતે મળતું કરિયાણું, શાક-ભાજી અને બીજો સર-સામાન વાપરો. સ્થાનિક ચીઝ મળતી હોય સ્વીસનો આગ્રહ છોડો. વલસાડની કેરી મળે તો રત્નાગીરી સુધી લાંબા ન થાઓ. અંબાજીનો માર્બલ ચાલે તો ઈટાલીથી ન મંગાવો. અમેરિકામાં વાવેલા ઘઉં અને ફ્રાન્સમાં વાવેલી લેટસથી બનતા બર્ગરની જગ્યાએ સ્થાનિક કંપનીનું બર્ગર ખાવો કે પછી દાબેલી. બની શકે તો નાનો બગીચો બનાવીને શાક-ભાજી જાતે વાવો. બાલ્કની જેવી થોડી જગ્યા હોય તો ફૂલો વાવો અને ઘરને લીલુંછમ બનાવો. સંતોષી જીવન જીવો, બજારમાં મળતી દરેક વસ્તુ ખરીદવાનો આગ્રહ નહિ રાખો. ખાધા પછી ખરીદી કરવા જાઓ, જો જો ચોક્કસ ઓછું ખરીદશો. ડિપ્રેસ હોવ તો મિત્રોને મળો, પોતાના માટે એક સુંદર પણ કામ વગરની વસ્તુની ખરીદી કરવા ન નીકળી પાડો.
  6. ગ્રીન ટેકનોલોજીને અપનાવો - બની શકે ત્યાં પવન ઉર્જા, સૌર ઉર્જાનો ઉપયોગ કરો. આ ટેકનોલોજી પણ વધુ વ્યાપ્ત અને સસ્તી થશે જ. તેનો શરૂઆતી ઉપયોગ તો શરુ કરો. વરસાદી પાણીનો સંગ્રહ કરો. બગીચામાં કે કાર-બાઈક ધોવામાં ચોખ્ખું પીવાલાયક પાણી ન વાપરો. પોતું મારી શકાય તે ધોવા માંડી પાડો નહિ અને ધોઈ શકાય ત્યાં પાણી ઢોળી-ઢોળીને બગાડો નહિ. નળ ટપકતો હોય તો પ્લમ્બર બોલાવો અને પાણી બચાવો.
  7. રી-યુઝ અને રી-સાઈકલ - સાડીમાંથી ગોદડી, શર્ટમાંથી થેલી બનાવો અને વટથી વાપરો. સવારની રોટલીનો સાંજે વઘાર, ગોટલામાંથી ફજેતો વગેરે જેવા રી-યુઝથી માંડીને ઇલેક્ટ્રોનીક્સ રી-સાઈકલ કરવાનો આગ્રહ રાખો. 'યુઝ એન્ડ થ્રો'ની પોલીસીવાળી કંપનીને ફેંકો. 
આમાંથી કેટલાય કરવા જેવા કામ સર્વવ્યાપ્ત રીતે સામાન્ય બુદ્ધિથી કરવામાં આવતા હતા, જે ધીરે ધીરે વિસરાઈ રહ્યા છે. કોઈપણ વસ્તુના વ્યાજબી વપરાશનું ડાહપણ હજી સુધી ઘણું બધું પ્રવર્તમાન છે, આ ડાહપણ બચાવવું અને તે પ્રમાણે વર્તવું, તે સંસ્કૃતિ, ધર્મ, પરંપરા વગેરે બચાવવા કરતા વધુ સાર્થક કામ છે. હું અંગત રીતે કોઈ એવો દાવો નથી કરતો કે ઉપરના સાતેય મુદ્દા પ્રમાણે હું પોતે કામ કરી શક્યો છું. હા, એટલું કહી શકું કે પ્રયત્ન ચોક્કસ કરી રહ્યો છું. મને ખબર છે કે એમ કરવાથી ક્લાઈમેટ ચેન્જ થાય કે ન થાય મારા જીવનની ગુણવત્તા સાચી દિશામાં ચેન્જ જરૂર થશે અને આવનારી પેઢી 'મૂર્ખામીના યુગ'માં મૂર્ખામીનો પ્રતિકાર કરતા લોકોની યાદીમાં એક નામ વધુ ઉમેરશે. 

Sunday, January 01, 2012

અલવિદા ક્રિસ્ટોફર હિચેન્સ ! અલવિદા ૨૦૧૧ !

(આ પોસ્ટ લખવાની શરૂઆત છેક ૧૭મી ડિસેમ્બરે કરેલી. ઘટનાઓની ન્યુઝ વેલ્યુ વીતી ગઈ હોવા છતાં જે કહેવું છે તે બાકી છે તે ધોરણે અને નિયમિત, આગ્રહી/દુરાગ્રહી કે વ્યવસાયિક લેખક ન હોવાથી મળતી છૂટછાટો લઈને આ લખી રહ્યો છું. ગુજરાતી મીડિયામાં આ વિષે નહીવત છપાયું હોવાથી હું આ લખવું જરૂરી સમજુ છું.)
 
ધરખમ પ્રતિભાવાન લોકો કોઈના બાપની સાડાબારી ન રાખતા હોય. તેમની પાસે મૌલિક વિચારો હોય. તે દુનિયાને ઉંચી-નીચી, આગળ-પાછળ, લાંબી-ટૂંકી કરીને જોતા હોય. તેમના ચશ્માં ય અલગ હોયને લેન્સ પણ. ક્યારેક તે તમને હસાવી જાય, ગભરાવી જાય, આશ્ચર્યચકિત કરી નાખે અને ક્યારેક તેમનાથી નફરત થઇ જાય. તમને જે ગમતું હોય તેને ગાળો આપે, તમે જેને મહાન માની લીધા હોય તેની બીજી બાજુ બતાવે, તમે જેની ફરતે ફુદરડી ફરતા હોવ તેની હસ્તી જ છે કે કેમ - તેવા સવાલ કરે. એ કોઈનો 'પગાર ન ખાતા હોય' એટલે તમે આવા માણસને શું કરી શકો? ટૂંકમાં, તમને શાંતિથી જીવવા ન દે, નવા નવા પડકારો ફેંક્યા જ કરે. ધરખમ પ્રતિભા ધરાવતા આવા લોકો ધરખમ ભૂલો પણ કરે, તેના માટે ટીકાથી લઈને ગાળો સુધીનો વરસાદ વરસે. આવી જ એક ધરખમ પ્રતિભા હતી, ક્રિસ્ટોફર હિચેન્સની.
૧૫મી ડિસેમ્બરે ક્રિસ્ટોફર હિચેન્સનું કેન્સરની બીમારીનો ભોગ બન્યા બાદ ૬૨ વર્ષની ઉંમરે મૃત્યુ થયું. હિચેન્સ એક નંબરનો નાસ્તિક માણસ અને દુનિયામાં નાસ્તિકતાનો પ્રચાર કરવામાં તેનો ચોક્કસ ફાળો. તેના મૃત્યુના શોકમાં જો તમે એમ કહો કે, 'ભગવાન એના આત્માને શાંતિ આપે' તો તે તમને દલીલ કરતો જણાશે કે, " કોણ ભગવાન? આત્મા શાંતિ પામશે તો શું થઇ જશે અને અશાંત હશે તો શું થઇ જશે? શું તમે તમારા બાળકને એવી ખોટી કેળવણી આપશો કે હિચેન્સની આત્માને શાંતિ નહી મળે તો એ ભૂત થશે? જો તમે આવા ઉચ્ચારણ બહુ વિચાર્યા વગર કર્યા હોય તો એવું માની લો કે તમે ધાર્મિક-સામાજિક રૂઢિઓને કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના સ્વીકારી લો છો..."   હિચેન્સ નાની-નાની વાતમાં બુદ્ધિગમ્ય દલીલો કરવાનું છોડતો નથી. આમ તો મૂળે પત્રકાર અને પછી લેખક તરીકેની લાંબી કારકિર્દી. તેનું લેખન તર્ક, વૈજ્ઞાનિક જ્ઞાન અને વાક-ચાતુરીથી હર્યું-ભર્યું. એણે એકેય ધર્મને છોડ્યા નથી, કોઈનાથી ડર્યો નથી, કેન્સરથી પણ નહિ. પોતાના કેન્સરના અનુભવો વિષે હિચેન્સે આવી રીતે લખ્યું છે.

બીજાની ટીકા કરીને સનસની ઉઘરાવતા અને પોતાની કલમને જાતે જ ધારદાર ઉર્ફ તેજાબી ઉર્ફ એસીડીક ઉર્ફ જોરદાર ધારી લેતા લેખક ઉર્ફ ચિંતક ઉર્ફ વિચારક વગેરેની દુનિયામાં ખોટ નથી. ક્રિસ્ટોફર હિચેન્સ જેવા લોકો સૌથી પહેલા શું માને છે, શું વિચારે છે, દુનિયાને શું નવું અર્થઘટન આપે છે - તેના માટે ઓળખાય છે કે વખણાય છે. શેનો વિરોધ કરે છે, કોની ઝાટકણી કાઢે છે - તેના માટે નહિ. ઝાટકણી કાઢીને કલમ તેજાબી બનતી નથી, નહિ તો પછી પાનના ગલ્લે જ લેખકો પેદા થતા હોત. કલમ તેજાબી હોવાથી વાત પૂરી થતી નથી, વાચકને નવો અનુભવ અને વિચાર મળવા વધારે જરૂરી છે. એટલે જ હિચેન્સ જેવા લેખકોએ કેટલાક બિનલોકપ્રિય અને સંવેદનશીલ વિષયો વિષે ખેડાણ કર્યું છે. જેમાં સૌથી પહેલા તો 'ધર્મ' અને તેની સાથે આવતા દંભ આવે. હિચેન્સ માટે નાસ્તિક હોવું પુરતું ન હતું તેણે 'ધર્મ' નામના સંગઠિત, સુનિયોજિત આદાન-પ્રદાનમાં અત્યાચાર, શોષણ અને રૂઢીચુસ્તતાનો વિરોધ કરવો હતો. તેણે ધાર્મિક વિચારો, સંસ્થાઓ અને તેણે પરિણામ સ્વરૂપ આવતી સાંસ્કૃતિક પરંપરાઓ એ કેવી રીતે માનવ સમાજમાં વિષમતા પેદા કરે છે તે વિષે ખૂબ લખ્યું. મરીઝના પ્રખ્યાત શેર 'શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની ક્યા જરૂર છે'ની વાત હિચેન્સ આગળ ધપાવીને કહે છે કે 'જેને પુરાવા વગર સ્વીકારી શકાય (ધર્મ કે ઈશ્વર) તેને પુરાવા વગર નકારી પણ શકાય'. હિચેન્સ જેવા લોકોને પરિણામે સંગઠિત ધર્મ (organised religion) લગભગ સંગઠિત ગુનાખોરીની (organised crime) પાયરી પર મૂકાયો છે.

એક આત્યંકિત ઉદાહરણ તરીકે, મધર ટેરેસા સામે કોઈને વાંધો હોઈ શકે ખરો? પણ મધર ટેરેસા વિષે હિચેન્સ કૈંક આવું કહે છે, "મધર ટેરેસા ગરીબોના મિત્ર નહોતા. તેઓ ગરીબીના મિત્ર હતા. તેઓ એવું કહેતા કે પીડા તે ભગવાનનું વરદાન છે. તેમને આખું જીવન ગરીબીના સૌથી જાણીતા એવા ઉપાયનો વિરોધ કરવામાં વિતાવી કે જે સ્ત્રીઓનું સશક્તિકરણ કરે છે અને તેમને ઘેટાં-બકરાની પ્રતિકૃતિ જેવા બનાવતા ફરજીયાત પ્રજનનની પ્રક્રિયામાંથી મુક્ત કરે છે." હિચેન્સના આવું કહેવા પાછળ રોમન કેથલિક ધર્મની ગર્ભપાત અને સંતતિનિયમનના સાધનોના વિરોધ કરવાનો રીવાજ રહેલો છે. હિચેન્સનો તર્ક એવો છે કે તમે ચોક્કસ ગરીબ સગર્ભા સ્ત્રીઓની સેવા સારી રીતે કરો છો પણ તેને જો ગર્ભપાત કરવો હોય તો રજા કેમ નથી આપતા? એઈડ્સના દર્દીની સારવાર કરવી એક વાત છે અને જે બહુમૂલ્ય છે પણ એઇડ્સ ન થાય તે માટે ગર્ભનિરોધક સાધનો વાપરવા તેવું કેમ શીખવાડી ન શકાય. કારણકે અહીં ધર્મ વચ્ચે આવે છે, કહેવાતી કુદરતી પ્રક્રિયાઓના દાખલ ન દેવી જોઈએ તેવો દંભ વચ્ચે આવે છે. મધર ટેરેસાએ તો પોતાના નોબેલ શાંતિ પુરસ્કારના પ્રવચન વખતે ગર્ભપાતને 'શાંતિના સૌથી મોટા ભંજક' તરીકે અને કુદરતી-સંતતિનિયમનની (એટલે શું?) તરફેણમાં વાત કરી હતી. શું આવી ધર્માંધતાથી અલગ થઈને માનવ-સમાજની પ્રગતિની વાત ન થઇ શકે? જે કરવાની જે-તે દેશના કાયદા અને દાકતરી વિદ્યા માન્યતા આપતા હોય તો પછી ધાર્મિક સંસ્થાનોએ તેનો વિરોધ કરવો જોઈએ કે તરફેણ? મધર ટેરેસા વિષે હિચીન્સનો લેખ અહીં જોવા મળશે. મધર ટેરેસાના યોગદાન અંગે આપણા જે મંતવ્ય હોય તો પણ હિચેન્સની અમુક તર્કબદ્ધ દલીલો સ્વીકારવી પડે છે.

વાત અહીં એક ધર્મની નથી. દરેક ધર્મમાં આવી જ રૂઢિચુસ્તતા, ધર્માંધતા, વૈજ્ઞાનિક સમજનો વિરોધ અને ભ્રષ્ટાચાર સર્વવ્યાપ્ત છે. ઐતિહાસિક રીતે બધા જ ધર્મોએ અલગ-અલગ સમયે થતી વૈજ્ઞાનિક શોધખોળોનો વિરોધ કરેલો છે અને હજી સુધી કરે છે. ક્યારેક સાત સમંદર પાર જવું પાપ મનાતું તો ક્યાંક પૃથ્વીને ગોળ માનવાનો ઇનકાર થતો તો પછી ક્યારેક દૂરબીન કે બીજાં મશીન વગેરેને અધાર્મિક માનવામાં આવતા. હજી ય પોતાનો ધર્મ કે સંપ્રદાય બીજા કરતાં કેટલો મહાન છે અને બીજા કેટલા પામર-પાપી-દુષ્ટ છે તે અંગે વ્યવસ્થિત, સુનિયોજિત જુઠાણા ચાલે જ છે. હિચેન્સ પૂછે છે કે ધર્મો અને તેના લીધે પ્રવર્તમાન સંકુચિતતાઓ હંમેશા માનવ વિકાસ કે વૈજ્ઞાનિક સમજણના વિરોધ પક્ષે જ કેમ રહી છે?  ધાર્મિક સંસ્થાનો સમયની સાથે ચાલવાનો ઇનકાર કરે છે તેની પાછળ ક્યા સ્થાપિત હિતો રહેલા છે? શું ધાર્મિક સંસ્થાનોને વ્યક્તિના સાર્વત્રિક વિકાસમાં રસ છે કે પછી પોતાનો કક્કો ખરો ઠરાવવામાં? વ્યક્તિમાં આત્મ-વિશ્વાસ જગાડવો તે ધર્મ છે કે ઈશ્વરના નામે તેને ડરાવી રાખવો, નરકની બીક બતાવવી અને સ્વર્ગની લાલચ બતાવવી - તે ધર્મ છે? નાત-જાત જેવા સામાજિક અન્યાય, કોમવાદ, સ્ત્રીઓ કે બાળકોનું શોષણ આખરે તો ધર્મના નામે જ કરવામાં આવે છે. ચાલો માની લઈએ કે આ ધર્મના નામનો દુરુપયોગ છે, જો એમ હોય તો કોઈ પણ ધર્મો આવા સામાજિક ભેદ-ભાવનો કે શોષણનો ખુલીને વિરોધ કેમ નથી કરતાં? કે પછી ઐતિહાસિક ભૂલો માટે માફી કેમ નથી માંગી શકતા? ઈશ્વરને જે દયા-કરુણાની મૂર્તિ ધારી લેવામાં આવે છે તો પછી એવું આચરણ ધર્મગુરુઓ કેમ નથી કરી શકતા?

આખી વાતનું હાર્દ એ છે કે શું ધર્મ એ જગતમાં સારી શક્તિઓનું કેન્દ્ર હોય છે કે પછી બધી જ સામાજિક બીમારીઓનું ઉદભવસ્થાન? નીચે આપેલી વીડિઓ લિન્કમાં આ જ ચર્ચા ક્રિસ્ટોફર હિચેન્સ અને બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર કરતાં જણાશે. ટોની બ્લેરે તેમનાં શાસનકાલ બાદ ધર્મને જાહેરમાં ફરી અપનાવ્યો છે અને તેઓ આ વીડીઓમાં શ્રધ્ધાળુઓના પક્ષે છે. તર્કબદ્ધ દલીલો વડે છતી થતી હિચેન્સની પ્રતિભાની ઝાંખી માટે અને ટોની બ્લેરના એટલા જ મજબૂત જવાબો માટે આ વિડીઓ માટે દોઢ કલાકનો સમય ફાળવવો વ્યર્થ જણાશે. અંગત રીતે મને હિચેન્સ વધારે સત્યની નજીક લાગ્યો છે, અલબત્ત જાતે ખાતરી કરીને પોતાના મંતવ્યો બાંધી શકાય.
હિચેન્સ માટે છેલ્લો દાયકો ઉતાર-ચઢાવથી ભરેલો હતો. હિચેન્સના સૌથી નજીકના મિત્રો અને સહકર્મીઓ પણ તેના છેલ્લા દાયકામાં લીધેલા વિવાદાસ્પદ નિર્ણયો કે વિચારોની સાથે સહમત થતાં ન હતાં. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના દિવસે અમેરિકા પર થયેલા હુમલાઓએ હિચેન્સને હલાવી મૂકેલો. તેણે ઈરાક પરના હુમલાને મજબૂત સમર્થન આપ્યું. તેણે આખાય પ્રકરણને ધાર્મિક કટ્ટરપંથીઓ પર ઉદારમત ધરાવતી લોકશાહીઓના હુમલાનું સ્વરૂપ આપ્યુ. તેણે બુશ વહીવટીતંત્રના સદામ અને અલ-કાયદા વચ્ચેના સંબંધને અને ઈરાકમાં ખતરનાક હથીયારો છે તેવા દાવાને માની લીધો અને તેને આખી ઘટનામાં બુશ વહીવટીતંત્રનો  'ઓઈલ-પ્રેમ' ન દેખાયો. અધૂરામાં પૂરું તેણે 'ઇસ્લામો-ફાસીઝમ' નામના શબ્દને પ્રચલિત કર્યો, જે વખત જતાં એક પ્રકારનો 'ઇસ્લામો-ફોબિયા' સાબિત થયો. આખી જીંદગી જે રૂઢીચુસ્ત (અને ધર્મચુસ્ત) રાજકીય તત્વોએ હિચીન્સનો વિરોધ કરેલો અને જેમના માટે 'આતંકવાદ સામેનું યુદ્ધ' એ 'બે ધર્મો વચ્ચેનું યુદ્ધ' હતું - તેઓ તેના વિધાનોનો અને લખાણોનો ઉપયોગ પોતાના રાજકીય લાભ માટે કરવા લાગ્યા. હિચેન્સ પોતાના વિચારોને વળગી રહ્યો.

એક ડગલું આગળ વધીને તેણે કૈંક આ મતલબનું વિધાન પણ આપ્યું કે, "આપણે અફઘાનિસ્તાનને પથ્થરયુગ તરફ લઇ જવા માટે નહિ પણ તેમાંથી બહાર લાવવા માટે તેના પર બોમ્બ ફેંકી રહ્યા છીએ." જેમાં પશ્ચિમી સભ્યતાના વર્ચસ્વના નશામાં થયેલો ભારોભાર અહંકાર જણાઈ આવે છે. બે દેશો વચ્ચેનું યુદ્ધ એ યુદ્ધ જ છે, તેને એક દેશના બીજા દેશ પર કરેલા ઉપકાર તરીકે ન જોઈ શકાય. 'ઉપકાર' તરીકે જોવાનો અધિકાર માત્ર હારેલા દેશની પ્રજા (કે જે સ્વતંત્ર થઇ હોય તો તેની) પાસે છે, જીતી રહેલા દેશના બોલકાવર્ગ પાસે નહિ. આવા કેટલાય વિવાદાસ્પદ વિધાનો હિચેન્સ સાથે સંકળાયેલા હશે. અમેરિકાના 'સલોન' નામના ઓનલાઈન મેગેઝીને હિચેન્સના મૃત્યુ બાદ તેનો મલાજો કેમ ન જાળવવો જોઈએ તે મતલબના કેટલાક લેખો પ્રસિદ્ધ કરીને હિચેન્સને પોતાની રીતે 'અંજલી આપી' છે. આ લેખો અહીં અને અહીં જોવા મળશે.
હિચેન્સ વિચિત્ર છે, બેફામ બોલે છે. ક્રિસમસના ધંધાધારી તમાશા વિશેની વાત અમેરિકાની શ્રધ્ધાળુ અને રૂઢીચુસ્ત પ્રજાને ગમતી નથી, મધર ટેરેસા વિશેની વાત ખ્રિસ્તી કે તે સિવાયના સમુદાયોને પણ પચતી નથી, દિવાળી વિષે કે પુનર્જન્મ વિષે કંઇક કહેશે તો હિન્દુઓને નહિ ગમે, રશદીની ખુલ્લી તરફેણ કદાચ મુસ્લિમ સમુદાયને ન ગમે. જ્યોર્જ બુશ પ્રમુખ હોઈ શકે કે ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કાર મળી શકે તે વાતની કે પછી સારાહ પેલીનની બુદ્ધિશક્તિ વગેરેની હાંસી ઉડાવીને બધા જ રાજકીય વર્તુળોનો તિરસ્કાર પામ્યો છે. છતાં પણ તેના વ્યુહાત્મક રીતે આઘાતજનક તેવા આત્યંકિત વિધાનોને, મજબૂત તર્કને, જોરદાર લેખનને નકારી શકાય નહિ. તેના રાજકીય ડાહપણ કે નિર્ણયશક્તિ પર સવાલો જરૂર થઇ શકે પણ તેના વિચારોના હાર્દની આંતર-રાષ્ટ્રીય સમુદાયને જરૂર હતી અને છે. હિચેન્સ જો તમારા મગજના એક ખૂણામાં પ્રકાશ પાડી શકે તો ઘણું છે, તેને આદર્શ-મૂર્તિ માનવો જરૂરી નથી. હિચેન્સ વિશેના અને તેણે પોતે લખેલા ઘણા બધા લેખો ગાર્ડિયન, વેનિટી ફેર, સ્લેટ વગેરેના ઓનલાઈન ખજાનામાંથી તેના નામ વડે સર્ચ કરવાથી મળી શકશે.

હિચેન્સ જેવા લોકોના ટોળાં હોતા નથી અને તેઓ પોતાની આસપાસ ટોળાં ઉભા થવા દેતા નથી. જેણે ઈશ્વરની પૂજા સામે વાંધો હોય તેને વ્યક્તિ-પૂજા સામે તો વાંધો હોય જ. આવા એકલ-દોકલ લોકો જ જોવા મળે છે અને તેઓ મૃત્યુનો હાર પહેરીને, આખી જીંદગી જેવી રીતે જીવ્યા હોય તેવી જ દાદાગીરી આખરી અવસ્થામાં રાખીને વિદાય લે છે. બીજું કે, 'નાસ્તિકતા' એ પણ ધર્મ છે અને તે લોકોના ય વાડા હોય છે તેવો કુપ્રચાર સાચી કે ખોટી રીતે ચાલે છે. હિચેન્સ જેવા લોકોની ઘણી મજબૂત ઓળખાણો હોય છે એટલે તેને માત્ર 'નાસ્તિક' માનવો (એટલે કે તે રીતે ઉતારી પાડવો) પૂરતું નથી. હિચેન્સના લખાણોમાં નાસ્તીકતાનો પ્રચાર નથી પણ આડંબરોનો વિરોધ છે અને એક પ્રકારની આંતર-રાષ્ટ્રીય નૈતિકતાની તરફેણ છે, જે જાતે વાંચવાથી સમજાઈ જશે. નૈતિકતા માટે ધાર્મિકતા બિલકુલ જરૂરી નથી અને ધાર્મિકતા તે નૈતિકતા ન પણ હોઈ શકે તે સમજાવા માટે મોટા વિચારક હોવાની જરૂર નથી. હિચેન્સ આનાથી એક ડગલું આગળ વધીને કહે છે કે જે ધાર્મિક હોય છે તે મોટેભાગે નૈતિક કે દંભ-રહિત હોતું નથી. ભગવાનમાં માનવું કે ન માનવું તે અંગત બાબત છે, તેનો વિરોધ ન હોઈ શકે. પણ પછી ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે ધાર્મિક દંભ અને આડંબર સહેવો તે આધુનિક સમાજને ન પોસાય.

આજે વર્ષના આખર દિવસે, હિચેન્સને આખરી સલામ અને અવનવા વિચારોથી મને વિચાર કરતાં કરી મૂકવા બદલ ધન્યવાદ. નવા વર્ષે એવી પ્રાર્થના (અરે નહિ...શુભકામના) કે આવનારું વર્ષ અને તે પછીના દાયકાઓમાં માનવ-સમાજ અને વિશ્વ સમુદાયમાં પરસ્પર સહિષ્ણુતા વિકસે, સાંસ્કૃતિક આપ-લે વધે, ધાર્મિક સંસ્થાનોની પકડ ઓછી થાય અને માનવમૂલ્યોની પકડ વધે, આડંબરો ઓછા થાય અને વિચારશીલતા વિકસે. આપ સૌને નવવર્ષની શુભેચ્છાઓ, સાલ મુબારક.