Friday, December 23, 2011

વેઇટિંગ ફોર ત્રિલોક્પાલ

(Image Courtesy: India Together, URL: here)



(ક્યાંય નહિ હોય તેવી જગ્યા છે. ત્યાં વર્ણન ન કરી શકાય તેવું ઝાડ છે. તેની નીચે બે પાત્રો દેખાય છે.)

ગગન: જાગીને જોયું તો જગન આખો દીસે નહિ.
જગન: (ઝાડ પાછળથી સામે આવીને) અહીં જ મૂવો છું, ગગનીયા.
ગગન: અરે વાહ, મારા વહાલા મિત્ર, આજે તો કઈ તૈયાર-બૈયાર થઈને ક્યાંક બહાર-વહાર જવા નીકળ્યો છે ને કંઈ...
જગન: વોટ આપવા જાવું છું.
ગગન: વાહ-વાહ, લોકશાહીના સાચા સિપાહી, લોકશાહીના વરઘોડામાં નાચવા નીકળ્યો છે ને કાંઈ...પછી પાંચ વર્ષ ચાદર ઓઢીને ગાઢ નિંદ્રામાં ઊંઘી જજો.
જગન: કેમ વાઈડાઈ કરે છે લ્યા! તું પણ ચાલ.
ગગન: હાહા... હું? હું કોઈકની રાહ જોવું છું, એ આવી જશે પછી જ મારો વોટ લેખે લાગશે.
જગન: એટલે...કોની રાહ જુવે છે?
ગગન: મેરા નેતા ચોર હૈ.
જગન: એમ?
ગગન: સબ અફસર ચોર હૈ.
જગન: હેહે... તો સાલા, તું શું છે?
ગગન: જીન દેશોમે ત્રિલોકપાલ હૈ વહાં ભ્રષ્ટાચાર કમ હૈ. (ગાવા લાગે છે) ત્રણેય લોકના પાલનહારા, હરે મુરારી ત્રિપુરારી...
જગન: ત્રિલોક્પાલ? એ વળી કઈ બલા છે?
ગગન: મને ખબર જ હતી. લોકશાહીના બણગાં ફૂંકવાવાળાને એટલું ય ભાન નથી હોતું કે તેમની સીસ્ટમ એટલી બધી ખવાઈ ચૂકી છે કે તેને વ્યવસ્થિત કરવા કૈંક નવું જોઈએ. ત્રિલોક્પાલ એક સ્વપ્ન છે, સંસ્થા છે, લોકશાહીને સાફસૂફી કરવાનું મશીન છે, જહેનસીબ છે. 
જગન: લોકશાહીને સાફ કરવાનું મશીન? હાહાહા...ખીખીખી...કેમ લ્યા, આવું અઘરું-અઘરું બોલે છે આજે.
ગગન: આમ દાંત નહિ કાઢ, મુર્ખ જેવો લાગે છે! ત્રિલોક્પાલ ભ્રષ્ટાચાર દૂર કરશે, બધા નેતાઓ સીધા-દોર થઇ જશે, બધા ઓફિસરો વેતરાઈ જશે. ત્રણેય લોકમાં ભ્રષ્ટાચારનાં દાનવો કેટલો ત્રાસ વર્તાવી રહ્યા છે, હવે તેને દૂર કરવા કોઈ ત્રિપુરારીએ અવતાર લેવાની જરૂર છે.
જગન: એમ? એક માણસથી...એટલો બધો ફરક પડશે એમ...
ગગન: એક નહિ, ઘણા બધા...એક આખી સંસ્થા, યુ સી. કોઈ પણ રાજકારણથી પર, રાજકીય દબાણ વગરની સ્વતંત્ર સંસ્થા, અંગ્રેજીમાં ઓટોનોમસ અને ગુજરાતીમાં ઓટોમેટીક. ત્રીલોક્પાલના ત્રિશૂલ જેવા અણીદાર ત્રણ ખૂણા - જજ ખાતું, તપાસ ખાતું, વકીલ ખાતું. બધું ય એક સાથે. બધા એક છત્રી નીચે. બસ, પછી બધા ભેગા થઈને ભ્રષ્ટાચારીઓનો ખો કાઢી નાખશે...
જગન: ઓહો, એટલે ફ્લાયઓવર જેવું...
ગગન: આમાં ફ્લાય-ઓવર ક્યાંથી લાવ્યો, લ્યા?
જગન: એક ઉદાહરણ તરીકે. જો નીચે ટ્રાફિક જામ થઇ જાય, ભીડ-ભાડ થઇ જાય, ટ્રાફિક પોલીસ બચારા કશું ન કરી શકે તો પછી એક ફ્લાય-ઓવર બનાઈ નાખવાનો...પછી જુવો ગાડી કેવું સડસડાટ જાય.
ગગન: વાહ દોસ્ત, હવે સમજ્યો તું. હા, એ ફ્લાય ઓવર જેવું જ... આ જોને દરેક જગ્યા એ લાંચ-રુશ્વત, પોલીસવાળા ય એમાં શામેલ, કોઈને કંઈ સારું કામ કરવું હોય તો ય ન કરી શકે. એટલે પછી ગાડી સડસડાટ ચાલે એવું કૈંક જોઈએને.
જગન: (દાઢી ખંજવાળીને) ખરી વાત...પણ એક પ્રોબ્લેમ છે.
ગગન: શું? શું?
જગન: જો ફ્લાય-ઓવર પર ટ્રાફિક જામ થઇ જાય તો?
ગગન: એટલે...
જગન: એ જ કે ફ્લાય ઓવર પર ટ્રાફિક નામના અજગરની લાંબી પૂંછડી આવીને અટકે તો? અજગર એ થોડી જુવે કે આ રસ્તો છે કે ફ્લાય-ઓવર, અહીં તો બધું એના બાપનું. એ તો ફ્લાય ઓવરને પણ વીંટળાઈ વળે. ફ્લાય ઓવરની એક જ તકલીફ હોય છે કે એક વાર તેના પર ટ્રાફિક જામ થઇ જાય તો જવાને કોઈ રસ્તો ન રહે. ભ્રષ્ટાચાર પણ એક અજગર જ છે ને, એ તો પંચાયત હોય કે સંસદ, ત્રીલોક્પાલ હોય કે શિશુપાલ, કોઈને ય ભરડો લ્યે... પછી શું કરશું?
ગગન: મને ખબર જ હતી કે તું છે જ નિરાશાવાદી. તને બધી જગ્યાએ પ્રોબ્લેમ દેખાય છે. તું અને તારા જેવા લોકોએ જ આ દેશમાં કંઇક સારું થવા નથી દીધું. દેશની હાલત તો જો... કંઇક સારું થાય છે તો પછી થવા દેને. નહિ તો પછી દર પાંચ વર્ષે વોટ નાખીને કકળાટ કર્યા કરજે.
જગન: ભઈલા, આમાં 'હું શું છું કે નહિ' તે વચ્ચે ક્યાંથી આવ્યા? પ્રોબ્લેમ ટ્રાફિક ઉર્ફ ભ્રષ્ટાચારનો છે ને, ભ્રષ્ટાચાર જાત-પાત, ઊંચ-નીચ, આગળ-પાછળ, ઓટોનોમસ, ઓટોમેટીક-સેમી-ઓટોમેટીક જોઇને ફેલાય છે? ધારો કે તમારી સંસ્થા પર કોઈ રાજકીય દબાણ નથી પણ તેમાં કામ કરનારા લોકો શું મંગળ ગ્રહ પરથી લાવશો, મગનલાલ! લોકો તો આ જ સમાજના હશેને અને તેમાંના કેટલાક કોઈકને ફેવર કરવા તત્પર હશે ને...
ગગન: જગલાઆઆ...બહુ દોઢ-ડાહ્યો ન થા. તારી પાસે બીજો કોઈ રસ્તો હોય તો બતાવ. સારા કામમાં વિઘ્નો ઉભા નહિ કર.
જગન: મારી પાસે એક જ રસ્તો છે જે મતદાર મથક સુધી જાય છે અને ત્યાં જઈને હું કોઈના લમણે સિક્કો મારીને આવી જઈશ. પછી પાંચ વર્ષ સુધી નીચી મૂંડીએ રાહ જોઇશ. આ સિવાય, હાલમાં કોઈ રસ્તો નથી મારી પાસે...
ગગન: બસ તો પછી, મૂંગો મર. તમારા જેવા નેગેટીવ, નિરાશાવાદી, શંકાશીલ, સીનીકલ લોકોથી દેશ ભરેલો છે, એટલે જ કંઈ થતું નથી.
જગન: હું નેગેટીવ-નિરાશાવાદી-શંકાશીલ-સીનીકલ ને તું ઓપ્ટીમીસ્ટ-આશાવાદી-પ્રેક્ટીકલ-પોપટ એમ ને. ભાઈ ગગનલાલ, સમાજ સુધારણા તો કંઈ સંસ્થાઓ બનાવવાથી થતી હશે. એના માટે તો જાતે મહેનત કરાવી પડે, આપણા પોતાનાથી શરૂઆત કરાવી પડે, ગાંધીજીને જેમ.
ગગન: એમ જગન ગાંધી? ચાલો, કરીએ શરૂઆત તમારાથી...બોલો, શું કરશો?
જગન: યાર, એમ તો મનેય ખબર નથી. સાલું, કરવાનું શું? ચાલો આપણે પ્રતિજ્ઞા કરીએ કે આજથી હું કોઈ ભ્રષ્ટાચાર નહિ કરું અને તને કરવા પણ નહિ દઉં. હું કોઈને લાંચ-રિશ્વત નહિ આપું.
ગગન: સરસ, લગે રહો...
જગન: પણ યાર, આપણે એમેય ક્યાં ભ્રષ્ટાચાર કરતાં હતાં. અને સૌથી મહત્વની વાત, લાંચ આપવા પૈસા જોઈએ ને. અહીં પૈસા જ કોની પાસે છે...હાહાહા...
ગગન:તને મજાક સુઝે છે, હું સીરીયસ છું. આ એક જ રસ્તો છે અને આ એક જ મોકો છે. સરકારની દાનત ખરાબ છે એટલે જ એ લોકો ત્રિલોક્પાલને મોકલતા નથી...મજબૂત ત્રીલોક્પાલ, સૌથી મજબૂત ત્રીલોક્પાલ, મજબૂતમાં મજબૂત ત્રિલોક્પાલની જરૂર છે આપણને.
જગન: એટલે કે કોઈ જોરદાર પહેલવાનની વાત ચાલે છે આ? 
ગગન: એવું જ સમજી લે. જો પહેલા તો જજ-જ્યુરી-વકીલ-પોલીસ બધા જ એક હોવા જોઈએ. જેવો કોર્ટમાં કેસ ગયો કે સાથે ફેંસલો. ત્રિલોકપાલ ઇન, ભ્રષ્ટાચાર આઉટ.
જગન: તો પછી સાક્ષીને શું કામ બાકી રાખે છે, ત્રિલોકપાલ સાક્ષી પણ બનાવી લે એટલે પત્યું! એ જેને નક્કી કરે તેને સજા. અને એક કામ કર, જલ્લાદની પણ શું જરૂર છે? એ કામ પણ ત્રિલોકપાલને કરવા દે. ભ્રષ્ટાચારની સજા ફાંસી, આ કોર્ટ-કચેરીની માથાકૂટ જ નહિ.
ગગન: મારી મજાક ઉડાવે છે? જો આજે ત્રિલોક્પાલ હોત તો આ બધા સરકારી મંત્રીઓ આજે જેલમાં ગયા હોત. ચુન ચુન કે...સમજ્યો?
જગન: વાહ ગગનવાલા વાહ! અબ ખુદ હી જજ બન ગયે?
ગગન: તું આ તારા બંધારણ-ફન્દારણ, કાયદો-વ્યવસ્થાનું પૂંછડૂ પકડીને બેસી રહે અને આ દેશને લૂંટાતા જોતો રહે. તમે બધા એ જ લાગના છો.
જગન: એમ? તો પછી તું શું લાગનો છે?
ગગન: હું ત્રિલોક્પાલની સાથે છું. બસ હવે ત્રિલોક્પાલનું રાજ હવે આવતું જ હશે. એ આવશે અને બધું બદલાઈ જશે. જગનીયા, છેલ્લી વાર કહી દે કે તું મારી સાથે છે કે મારી વિરુદ્ધમાં?
જગન: એવું ક્યારથી થઇ ગયું? અલ્યા તું કંઇ પેલા બુશડાની જેમ ઈરાક પર યુદ્ધ કરવા જાય છે અને એવું માને છે કે જે તારી સાથે લડવા ના આવે તે બધા તારી વિરુદ્ધમાં? કેમ એ બુશડા જેટલી બુદ્ધિ રહી ગઈ છે તારામાં હવે?
ગગન: બસ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. 
જગન: શ્રી ગગનભાઈ ગીતાવાળા. આપ ત્રિલોક્પાલની રાહ જુવો, ત્યાં સુધી હું જરા વોક લઈને વોટ કરી આવું. 
ગગન: મને પહેલેથી ખબર હતી કે કંઇક નક્કર કરવાનું આવશે તો તું તેમાં હજાર વાંધા-વચકા કાઢશે. તને છેને પેલા ટીવી પર આવતા, ગોળ-ગોળ બોલતા અને કોઈ પણ પ્રકારના સોલ્યુશનની જગ્યાએ પ્રોબ્લેમ-પ્રોબ્લેમ બોલતા બુદ્ધિ વગરના બુદ્ધિજીવીઓ જ ગમે છે. ડૂબી મરો બધા ભેગા થઈને. અહીં પહેલીવાર કંઇક નક્કર કરવાનો મોકો મળ્યો છે એટલે હું તો એ કરવાનો છું. તું છે જ ડરપોક બિલ્લી. 
જગન: અને તું ભસ-ભસ કરતો પાગલ કૂતરો. 
ગગન: (આગળ ધસી આવતાં) કૂતરો કોને કહે છે?
જગન: તને...
ગગન: એમ? સાલા ડરપોક...
(બંને એક-બીજાની ફેંટ પકડી લે છે અને હાથ ઉગામે છે. થોડી વાર પછી ધીરે-ધીરે છૂટા પડે છે અને બે જુદી દિશામાં ઉભા રહે છે. કોઈ કંઇ બોલી શકતું નથી. આખરે...)
જગન: હું વોટ આપવા જવું છું. 
ગગન: ઓકે. 
(ફરી શાંતિ છવાય છે. નેપથ્ય પર રંગ બદલાય છે અને જગન પાછો ફરે છે.)
જગન: આ નાલાયકોને કંઈ ભાન જ પડતું નથી. મતદારો સાથે આવો વ્યવહાર કરાય... 
ગગન: શું થયું?
જગન: આ પેલા મતદાર મથકે લાંબી લાઈન હતી. થોડી ધક્કામુક્કી થઇ એટલે હું બધાને સમજાવતો હતો કે આજના ચૂંટણીના અવસરનું લોકશાહીમાં મહત્વ શું છે અને તેના માટે જાહેર શિસ્ત કેટલી જરૂરી છે? તેમાં એક પોલીસવાળાએ મને ડંડો માર્યો...
ગગન: ફૂઊઊઉ...હહાહાહા...હહાહા.
જગન: (થોડી વાર રહીને) હહાહાહા... 
ગગન: હાહાહા...
જગન: હાહા...બહુ મજા પડી નહિ આજે!
ગગન: હે લોકશાહીના સાચા સેવક, તમારી સેવા માટે સરકારે આપેલો પદક તો બતાવો. 
જગન: (હસતાં-હસતાં) ચલ તને પણ અપાવું. મફતમાં મળે છે. અને હું કહીશ કે ચાર મારીને એક ગણજો.
ગગન: હવે તારા હૈયે ટાઢક વળી? આપી દીધો વોટ અને લઇ લીધો શિરપાવ. 
જગન: (ગંભીરતાથી) ક્યાંથી વોટ આપું? ઢાઢા રંગાયેલા હોય, લોકશાહી ઠોકશાહી લાગતી હોય પછી વોટ આપવાનું મન કોને થાય? તોય મન મજબૂત કરીને હું અંદર ગયો પણ ખરો, પેલું ફોર્મ હાથમાં લીધું, બધાય ના નામ વાંચ્યા અને અજબ વાત બની. બધા ય ઉમેદવારોની નિશાન એક જ હતું - ડંડો! હવે શું કરવું? એટલે કોરું ફોર્મ મૂકીને ચાલી આવ્યો. 
ગગન: હા, યાર. વાત સાચી છે. વોટ કોને આપવાનો... સાલા બધા એક જેવા જ હોય છે. એટલે જ કહું છું કે ત્રિલોક્પાલની રાહ જો, એ બધા ય ને સરખા કરી દેશે અને ન થાય તેના હાડકાં ખોખરાં...
જગન: ભાઈ, તારા ત્રિલોક્પાલના હાથમાં ય પોલીસ જેવો ડંડો જ હશે ને. પોલીસવાળા મતદાર મથકની વ્યવસ્થા જાળવવા માટે હોય, મતદાર મથક ચલાવવા માટે નહિ. પોલીસ બધી સરખી. ડંડો કોઈનો સગો નહિ. લોકશાહી લોકોથી ચાલે, ડંડાવાળાથી નહિ. આ ડંડા વગરની લોકશાહી માટે તો પેલા પોતડીવાળા દાદાએ અને પેલા બારડોલીવાળા પટેલે મહેનત કરી હતી.
ગગન: અલ્યા, હજી તારું લોકશાહીનું ભૂત ઉતર્યું નથી. 
જગન: કેમ, તારું ત્રિલોક્પાલનું ભૂત ઉતર્યું? 
ગગન: ના. હું તો ત્રિલોક્પાલની રાહ જોવાનો છું. (ગાવા લાગે છે) ત્રણેય લોકના પાલનહારા, હરે મુરારી ત્રિપુરારી...
જગન: હું પણ રાહ જોઇશ ત્યારે...
ગગન: શેની?
જગન: લોકશાહી મારા સુધી પહોંચે તેની.

(બંને ક્ષિતિજો સામે મીટ માંડીને બેસી રહે છે. નેપથ્યના રંગ બદલાય છે પણ બંને પાત્રો અચળ છે.)

નોંધ: શ્રીમાન સેમ્યુએલ બેકેટની ક્ષમાપ્રાર્થના સાથે.

Thursday, December 01, 2011

કોનો ઇતિહાસ સાચો?

"I believe that we permit things to be done in India, which we would not permit to be done in Europe" - William Henry Russell, Journalist and correspondence for The Times, 1857.

'Mutiny' or 'War of Independence? - 'The Indian Mutiny' remains a commonly used term in Britain; but this description ignores the scale and wider significance of the uprising. 'The first war of Independence' is favoured by many in India. However, this term implies a unified and organised uprising, ignoring the local complexity of the events. Neither interpretation is adequate. How to describe the violence of 1857-58 is still contested today.

હમણાં જ એક મ્યુઝીયમમાં ઉપર મુજબનું લખાણ વાંચ્યું જે તસવીર પર પણ દેખાઈ આવે છે. તે સાથે જ ઈતિહાસ અને તેના નિરૂપણ અંગે વિચારોના ચકડોળે ચઢી જવાયું. ભારતમાં ૧૮૫૭ની ઘટનાઓને 'પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ' તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બ્રિટીશ ઈતિહાસકારો તેને લશ્કરમાં થયેલા બળવાની રીતે જુવે છે. ઉપર લખ્યા મુજબ, 'સિપાઈઓના બળવા' તરીકેનું અર્થઘટન બધી ઘટનાઓની વ્યાપકતા, તેમને સુગઠિત કરવાના પ્રયત્નો વગેરેને મહત્વ આપતા નથી. જ્યારે તેને 'પહેલા સ્વતંત્રતા સંગ્રામ'નું અર્થઘટનનો મતલબ એ થાય કે આ બધી ઘટનાઓ કેન્દ્રીય નેતાગીરી દ્વારા દોરવાઈને એક જ રાષ્ટ્રની વિભાવના સાથે થયેલી અને તેમાં સ્થાનિક પ્રશ્નોની જટિલતા કે વિવિધતા ન હતી. તેમાં પણ કેતન મહેતાની ફિલ્મ 'મંગલ પાંડે' તો વળી આખી ઘટનામાં મંગલ પાંડેને કેન્દ્રમાં મૂકીને તેને આખા સંગ્રામના નેતા (તાત્યા ટોપેની જેમ) તરીકે દર્શાવે છે, જે ઐતિહાસિક ઘટનાઓથી ઘણું વેગળું છે. જો બે દેશોમાં ઇતિહાસની અમુક ઘટનાઓના બે અર્થઘટન થવાના હોય તો પછી ઇતિહાસને ભણવો કેવી રીતે? કયું અર્થઘટન વધારે સાચું?

અમેરિકી અને યુરોપીય સમાજો ગુલામીપ્રથાના ઇતિહાસને કેવી રીતે જોતા હશે કે જેમાં એક કરોડથી વધારે લોકોનું સ્થળાંતરણ (વાંચો, ખરીદ-વેચાણ!) થયું અને જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા. અને તે વિષે આફ્રિકાની સ્કૂલોમાં ઇતિહાસનો અભ્યાસક્રમમાં શું હશે? જર્મનીમાં બાળકો હિટલર વિષે કેવી રીતે ભણતા હશે? પાકિસ્તાનમાં બાળકો ગાંધીજી વિષે શું માનતા હશે, શું આપણે જે ઝીણા માટે માનીએ છીએ એવું જ કંઈક? જાપાનમાં પર્લ હાર્બર પરના હુમલા વિષે શું ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં શું લખાયું હશે? બાંગ્લાદેશના બાળકો ૧૯૪૭ થી ૧૯૭૧ વચ્ચેના પૂર્વ પાકિસ્તાન તરીકેના વર્ષો વિષે શું ભણતા હશે? આપણે આપણા બાળકોને આઝાદ ભારતમાં ધર્મ, જાતિ વગેરેના નામે થયેલા હિંસાકાંડો વિષે શું શીખવીશું? આ બધા અઘરા સવાલો છે, એટલા માટે નહિ કે જવાબ શોધવા અઘરા છે પણ એટલા માટે કે જવાબો ઘણા છે અને તેમાંના સાચા જવાબો મનગમતા જવાબો નથી હોતા. ઇતિહાસની વાત આવે ત્યારે મનગમતી વાત જ આવે તેવી સગવડ મળતી નથી.

ઇતિહાસમાં ન ગમાડવા જેવું ઘણું હોય છે અને ગર્વ લેવા જેવું પણ ઘણું હોય છે. મોટો પ્રશ્ન થઈને ઉભો રહે છે કે ઈતિહાસએ સામાજિક વિજ્ઞાન છે કે પછી ધાર્મિક પુરાણ? મનગમતી વાર્તા છે કે પછી જેટલા પુરાવા મળે તેટલું જ અધૂરું સત્ય? ઈતિહાસ કોની માલિકીનો હોવો જોઈએ? સરકાર, જે તે વખતે સત્તાધારી રાજકીય પક્ષો, શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષણવિદો કે ઈતિહાસકારો, બહુમતિ કે લઘુમતિ પ્રજા? શું દર સરકારે ઇતિહાસના પાઠ્ય-પુસ્તકો બદલાવા જોઈએ? 

ઇતિહાસને બદલી શકાતો નથી, હા, ઇતિહાસને તોડવા-મરોડવાના પ્રયત્નો વારંવાર થાય છે. કારણકે તેમાંથી રાજકીય ફાયદો લેવાનો હોય છે. હિટલરે જર્મન પ્રજાને વારંવાર સમજાવી દીધેલું કે તેઓ દુનિયાની સૌથી શ્રેષ્ઠ કોમ છે. કમનસીબે વાત ત્યાં અટકતી નથી - જો તમે શ્રેષ્ઠ હોવ તો બીજા જૈવિક રીતે નબળા છે, તેઓ તમારી ઈર્ષા કરે છે, તેઓ તમારું શોષણ કરે છે, તમારી સહનશીલતાનો ખોટો ફાયદો ઉઠાવે છે, જો, જો હોં, એ લોકો ગમે ત્યારે કંઈક કરી બેસશે, એમને કહી દો કે તમારી સહિષ્ણુતાને તમારી નબળાઈ ન સમજે, આપણે તેમને પાઠ ભણાવીશું. આવી રીતે થાય યુદ્ધની શરૂઆત, જેનું પહેલું પગથીયું હોય, ઇતિહાસનો તોડ-મરોડ, પછી ગર્વનું લાલચોળ લોઢું આવે જેને અભિમાનના બીબામાં ઢાળવામાં આવે અને ધારી લીધેલી જૈવિક કે સાંસ્કૃતિક શ્રેષ્ઠતાના શસ્ત્રો સજાવીને યુદ્ધની રાહ જોવાની. જરાક ચિનગારી થાય કે પ્રજા ઉન્માદમાં 'યુદ્ધ', 'યુદ્ધ'ના પોકારો કરે અને પછી યુદ્ધ થાય. બધીયે આધુનિક લડાઈઓના મૂળમાં આવી જ પધ્ધતિ રહેલી છે. બંને તરફ આવી પદ્ધતિનો ઉપયોગ થાય તો યુદ્ધ લાંબુ ચાલે, બહુ જ હિંસક બને. 

ઇતિહાસને તોડવા-મરોડવાનો ફાયદો એ છે કે તેવા જૂઠાણાની મદદથી 'આપણે અને તે લોકો' તેવા બે જૂથો ઉભા કરાય છે. જો ઉભા થયેલા હોય તો આવા જૂથોને પોષવા માટે ઐતિહાસિક ઘટનાઓના અર્થઘટનો બદલાય છે. (ભારતીય) ઉપખંડ હોય કે આખી દુનિયા, આખો ઈતિહાસ 'આપણે અને તે લોકો'ની દ્રષ્ટિએ લખી જ શકાય. જેમાં 'આપણે' તો હંમેશા શ્રેષ્ઠ જ હોઈએને અને બધો વાંક 'તે લોકો'નો જ હોય ને, તેવું બંને બાજુએ લાગી શકે. 'તે લોકો'ની બીક કે તેમના દ્વારા થતી હિંસાનો ભય બતાવીને, 'આપણા'માંનો કોઈ 'આપણા' સૌના ઉધ્ધારક બનવાના વચન સાથે રાજા કે નેતા બની બેસે. રાજા/નેતા બનવા માટેની મહત્વની લાયકાત શું - ઈતિહાસ અને સાંપ્રત ઘટનાઓને તરત જ 'આપણા અને તે લોકો'ના સંઘર્ષ તરીકે ગળે ઉતરાવી શકે તે રાજા. સફળતાથી ક્યાંકથી 'તે લોકો' શોધી લઇ આવીને 'આપણને' મહાન અને 'તે લોકો'ને દૃષ્ટ દર્શાવી શકે તે રાજા. ના, ના, બધા રાજાઓ નહી આ તો યુદ્ધખોર રાજાઓની વાત છે. યુદ્ધખોર રાજા કે નેતા બદલાય છે, તેમની નીતિઓ ઉર્ફ મોડસ ઓપરેન્ડી આ જ રહે છે.

આ તો થઇ ઇતિહાસને તોડવા-મરોડવાની વાત. તો પછી ઇતિહાસના અભ્યાસ અંગે એક પ્રજા તરીકે આપણો આગ્રહ શું હોવો જોઈએ? મને ૧૮૫૭ના વિષે પેલા મ્યુઝીયમમાં જે રીતે રજૂઆત થઇ તે ગમ્યું. તે ઐતિહાસિક ઘટનાને કોઈ અર્થઘટન તરીકે નહિ પણ એક વિવાદ કે બે અર્થઘટનો વચ્ચે થતા દ્વંદ્વ તરીકે રજૂ કરે છે. કોઈ પણ ઘટના એક તરફી નહિ પણ બહુ-તરફી હોય છે, બહુ આયામી હોય છે. ઇતિહાસના શિક્ષણની વાત આવે ત્યારે કોઈ પણ ઘટનાનાં વિવિધ અર્થઘટનો બાળકો સામે રજૂ થવા જોઈએ અને તેમને પોતાની સમજ પ્રમાણે, તેમાંના અર્થઘટનો માનવા કે નહિ માનવાની પસંદગીનો અવકાશ હોવો જોઈએ. આ સાચા શિક્ષણની દિશામાં સાચું કદમ હશે. આજે આપનો ઈતિહાસ ડાબેરી, જમણેરી કે કોંગ્રેસી વચ્ચે વહેંચાઇ ગયો છે, જે રાજ્યમાં જે પ્રકારની સરકાર તેમને મનગમતો ઈતિહાસ ભણાવાય છે. જે અત્યંત દુખદ છે. શું શિક્ષણના અભ્યાસક્રમોને રાજકારણથી દૂર ન રાખી શકાય?

બીજી વાત, ઉપરનું ચિત્ર એટલા માટે મહત્વનું છે કે તે દર્શાવતું મ્યુઝીયમ કોઈ તટસ્થ દેશ કે ભારતમાં નહિ પણ ગ્રીનીચ (લંડન)માં આવેલું નેશનલ મેરીટાઈમ મ્યુઝીયમ છે (http://www.nmm.ac.uk/). તેઓ કદાચ એવું માને છે કે બાળકોને ૧૮૫૭ જેવી ઘટનાની બંને બાજુ ખબર હોવી જોઈએ, તેમના પૂર્વજોનું અર્થઘટન શું હતું અને સામેની પ્રજાનું અર્થઘટન શું હતું, તેની વ્યાપક સમજ બુદ્ધિશાળી બાળકોને હોવી જોઈએ. આવતીકાલે 'ગ્લોબલ સંસ્કૃતિ'નો ભાગ બનનાર અને વિવિધ સંસ્કૃતિના લોકો સાથે આંતર-રાષ્ટ્રીય સ્તર પર કામ કરનાર તરીકે વ્યક્તિ તરીકે એ વિદ્યાર્થીઓને તૈયાર થવાના છે. વિચારોની મોકળાશ અને વિચારવાની સ્વંત્રતા આપી શકે તે શિક્ષણ. તેથી જ તો કોઈ એક ઘટનાના બે વિરોધાભાસી અર્થઘટનો હોઈ શકે તેનો સ્વીકાર તે ઇતિહાસની સાચી સમજની દિશામાં લીધેલું પહેલું પગલું છે. આવો એક પ્રયત્ન આ ગ્રીનીચના મ્યુઝીયમમાં જોવાનો આનંદ થયો.

તેનાથી એક ડગલું આગળ વધીને નીચેનું અવતરણ પણ ત્યાં જોવા મળ્યું. જે જવાહરલાલ નહેરુએ અંગ્રેજો અને અંગ્રેજીપણા પર કરેલો કટાક્ષ છે કે "મહત્વની વાત છે કે આજે એક હિન્દુસ્તાની શબ્દ અંગ્રેજી ભાષાનો ભાગ બની ગયો છે અને તે શબ્દ છે લૂંટ". કટાક્ષને હસી કાઢવો એક વાત છે અને તેને પોતાના 'રાષ્ટ્રીય સંગ્રહાલય'માં સ્થાન આપવા માટે 'છપ્પનની છાતી' જોઈએ. આ એક સ્વસ્થ, સમજદાર સમાજનું લક્ષણ છે. એક સ્પષ્ટતા - અહી મૂળ મુદ્દો 'બ્રિટીશ સમાજ કેટલો સ્વસ્થ/શાલીન/મહાન છે' તે નથી. આવા છૂટાછવાયા ઉદાહરણોથી હું તે અંગેની કોઈ માન્યતા બાંધતો નથી, તેથી તમારે પણ ન બાંધવી. પણ આવા ઉદાહરણો, ભારત જેવા 'વિવિધતામાં એકતા' જેવા દેશમાં ઇતિહાસનું શિક્ષણ અને સંગ્રહાલયોમાં માહિતીની રજૂઆત અંગે નવા વિચારો જરૂર આપી જાય છે. આપણા ભારતના સંગ્રહાલયો અને કળાકેન્દ્રો એવા કેવી રીતે બનાવી શકાય કે એક, જે લોકભોગ્ય હોય, ઇન્ટરએક્ટીવ હોય, લોકપ્રિય બનાવાની શક્યતા ધરાવતા હોય અને બીજું કે, લોકોને તે વિચારશીલ બનાવામાં, નવી રીતે વિચારવામાં મદદ કરે?
"It is significant that one of the Hindustani words which has become part of the English language today is loot." - Jawaharlal Nehru, Politician, 1946. (National Maritime Museum, Greenwich)

 આખરે, "सा विध्या या विमुक्तये" (Education is that which liberates)નું સૂત્ર ત્યારે જ સાર્થક થાય કે જ્યારે નાત-જાતના અને રાજકીય વાડા ભૂલી જઈને અભ્યાસક્રમોમાં વિચારોની મોકળાશ અને વિચારશીલતાને ઉત્તેજન મળે. શિક્ષણમાં વિમુક્ત કરવાની શક્તિ હોવાની વાત બહુ જાણીતી છે. પ્રખ્યાત રોકબેન્ડ પિંક ફ્લોઈડનું અતિ-જાણીતું ગીત, તેમના 'વોલ' નામના આલ્બમમાં છે: 
We don't need no education, 
We don't need no thought control. 
Hey teachers, leave the kids alone.
All in all its just another brick in the wall.

કોપી-પેસ્ટ, ગોખણપટ્ટી, ટ્યુશન-સંસ્કૃતિ જેટલા જ ખતરનાક હોય છે એક-તરફી, સાંકડા-સંકુચિત વિચારો- so no thought control. ઇતિહાસનું શિક્ષણ ભવિષ્યની તૈયારી છે અને સંગ્રહાલયો કે કળાકેન્દ્રો તે ઈતિહાસ વગેરેની રસપ્રદ ઉડાનો હોય છે. આ બે ક્ષેત્રે ઘણા બદલાવો જરૂરી છે. નહિ તો પછી એક સરખી, એક જેવી દેખાતી ઇંટોનો ઢગલો મળશે (All in all its just another brick in the wall), રંગબેરંગી લોકસમુદાય નહિ. અહીં જો કે મને ક્ષુલ્લક આશાવાદમાં રાચવાનું એટલા માટે મન થાય છે કારણ કે નવી પેઢીને જૂની પેઢી હંમેશા સંકુચિત જ લાગી છે. તેથી જે નવી ઇન્ટરનેટી પેઢી આવશે તે વિચારોની ક્ષિતિજો વિસ્તારશે, જો આપણે સાનમાં સમજીશું તો એવું માનશે કે 'આપણા પૂર્વજો કેવા સમયથી આગળ હતા', નહિ તો પછી આપણને હસી કાઢશે.