૧૬મી સપ્ટેમ્બર દુનિયાભરમાં પાર્ક (પાર્કિંગ) ડે તરીકે ઉજવાય છે. આ દિવસે દુનિયાભરમાં લોકો અને સંસ્થાઓ જાહેર પાર્કિંગની જગ્યા 'ભાડે' લઈને તે જગ્યાનો બીજો શું વૈકલ્પિક અને વધુ સારો ઉપયોગ થઇ શકે તેનું નિદર્શન કરે છે. દુનિયાના લગભગ દરેક મોટા શહેરોમાં પાર્કિંગ ડે ઉજવાઈ ગયો - ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, લોસ એંજેલેસ, ફિલાડેલ્ફીયા, ટોરન્ટો, બ્રિસ્બેન, એડીલેડ, લંડન, બર્લિન, કોપનહેગન, ગ્વાંગઝાઉ, સિંગાપોર, અમદાવાદ (જી હા, અમદાવાદ! જુવો અહીં અને અહીં) જેવા અનેક શહેરોએ ભાગ લીધો. પાર્કિંગએ જન્મસિદ્ધ અધિકાર કે માળખાકીય સુવિધા કેમ નથી તે વિષે આ પોસ્ટમાં લખાઈ ચૂક્યું છે એટલે તેથી હવે આગળ.
(અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે પાર્કિંગ દિવસ, તસ્વીરો: પૂજા સાંઘાણી અને ક્રીસ કોસ્ટ)
આ 'પાર્કિંગ ડે' છે શું અને તેને કેમ ઉજવવો જોઈએ? વિચાર બહુ સાદો-સીધો છે. શહેરો અને શહેરી રસ્તાઓ પર વાહનોનું આધિપત્ય છે, માનવીય જગ્યાઓ, સામાજિક-સંકૃતિક પ્રવૃત્તિઓ માટેની જગ્યાઓ, શહેરને શહેર બનાવતી જગ્યાઓ ઓછી થતી જાય છે. વાહનો જ્યારે આપણા માટે રાહ જોતા ઉભા હોય છે ત્યારે તેઓ મસમોટી જગ્યા રોકે છે, ખાસ તો જયારે રસ્તા પર પાર્ક હોય ત્યારે. પાર્કિંગએ જાહેર જગ્યાનું ખાનગીકરણ કરે છે અને જાહેર જગ્યા પરના આવા 'દબાણ'ને લોકો પોતાનો હક સમજતા થઇ જાય છે. આ દબાણ તેમને દબાણ તરીકે દેખાતું નથી. રાહદારીઓ (વાહન ચાલકો પણ આખરે તો રાહદારી જ બને છે ને!) વાહનો વચ્ચે અટવાતા રહી જાય છે અને તેમને સળંગ ચાલવાલાયક ફૂટપાથના ફાંફા પડે છે. જો એક કતાર પછી બીજી કતાર તેમ 'ડબલ પાર્કિંગ' કરીને રસ્તાઓનો ૩૦%થી ૫૦% ભાગ વાહનોના પાર્કિંગ માટે જ વપરાવાનો હોય તો ગમે તેટલા પહોળા રસ્તા બનાવવાનો શું અર્થ છે? મોટા શહેરોમાં લગભગ પચાસેક વર્ગફૂટની જગ્યાનું ભાડું કમર્શીયલ ભાડું અમુક કલાક માટે ગણી જુવો અને પછી ગણતરી માંડો કે તેટલી જ જગ્યા આપણે એક કારના પાર્કિંગ માટે કેટલી સહેલાઈથી આપી દઈએ છીએ અને તે પણ મફત...મફત...મફત!
(સૌજન્ય: http://www.uttipec.nic.in/ તરફથી દિલ્હીનો ચાંદનીચોક વિસ્તાર)
પાર્કિંગ દિવસ ઉજવવાની શરૂઆત ૨૦૦૫ માં થઇ હતી. સાન ફ્રાન્સિસ્કો સ્થિત રેબર નામના આર્ટ અને ડીઝાઈન સાથે સંકળાયેલા ગ્રુપે સાન ફ્રાન્સિસ્કોના ડાઉન ટાઉન ઉર્ફે શહેરની મધ્યે એક પાર્કિંગ સ્લોટ ભાડે લઈને તેને નીચે જણાવ્યા પ્રમાણે 'જાહેર બગીચા'માં ફેરવી કાઢ્યો. તેમના કહેવા પ્રમાણે 'શહેરી વાતાવરણમાં માણસજાત માટે રીલેક્સ થવાની, બે ઘડી પોરો ખાવાની, આરામ ફરવાની કે પછી 'કશું જ ન કરવાની' જગ્યાઓની ભયંકર કમી છે. સાન ફ્રાન્સિસ્કોના ડાઉન ટાઉનની ૭૦% જાહેર જગ્યાઓ માત્ર વાહનો માટે બની છે, માણસો માટે નહિ'. તેથી આ ગ્રુપના સભ્યોએ લોકોને માનવ-વાહન વચ્ચેનો તુલના-ભેદ બતાવવા માટે પાર્કિંગને પાર્કમાં ફેરવવાનું શરુ કર્યું.બસ ત્યાર પછીથી 'પાર્કિંગ ડે' તે વાહનો પાસેથી શહેરની થોડી જગ્યા પાછી માંગવાનો દિવસ છે, તે પણ થોડી સામાન્ય બુદ્ધિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને. તો પછી મૂળભૂત સવાલ આવે કે જો પાર્કિંગ ન થવા દેવું તો પછી શું કરવું? તેનો સીધો જવાબ છે, આપણે જે પ્રકારનું શહેર બનાવવા માંગતા હોઈએ તેવી પ્રવૃત્તિઓનું નિદર્શન કરવું. જો તમને લાગતું હોય કે બાળકોને રમવા જગ્યા નથી કે વૃધ્ધોને નવી પ્રવૃત્તિ મળે તેવું કંઈ નથી કે પછી યુવાન-હૈયાઓ માટેનું કોઈ સ્થળ કે પછી હળવી કસરત માટેને વ્યવસ્થા કે પછી કોઈ કલાકારની પ્રતીકૃતીનું જાહેર પ્રદર્શન કે પછી... યાદી બહુ લાંબી છે, લોકો પોતાની સમજ પ્રમાણે બીજા લોકોને શામેલ કરી શકાય તેવી કોઈ પણ જાહેર પ્રવૃત્તિ કરી શકે છે. નીચે આપેલી તસવીરો દુનિયાના વિવિધ શહેરોમાં ૨૦૧૧માં ઉજવાઈ ગયેલા પાર્કિંગ દિવસનો અહેવાલ છે.
પાર્કિંગની જેવી જ બીજી રસ્તાનું ખાનગીકરણ કરતી પ્રવૃત્તિ છે લારી-ગલ્લાં અને પાથરણાવાળા. જો કે બંને પ્રવૃત્તિમાં બે ફરક છે. પહેલું તો પાર્કિંગએ 'ડેડ સ્પેસ' છે એટલે કે તેનો ઉપયોગ બીજું કોઈ કરી શકાતું નથી. જ્યારે લારી-ગલ્લાં જેવી આર્થિક પ્રવૃત્તિથી વેચાણ કરનાર અને ગ્રાહક બંનેને ફાયદો થાય છે. ઘર આંગણે જ વસ્તુઓ મળી જવાથી બહુ લાંબે જવું પડતું નથી, તેથી બળતણ બાળવાની જરૂર નથી રહેતી. બીજું કે, મફત પાર્કિંગની સામે લારી-ગલ્લાંની પ્રવૃત્તિ સાવ મફત હોતી નથી. મોટાભાગના લારી-ગલ્લાંવાળા બહુ જ નિયમિતતાથી અને વર્ષોથી ગોઠવેલી પ્રણાલી મુજબ જે-તે જગ્યાનો હપ્તો ચૂકવતાં હોય છે, જાણે કે 'સમાંતર' અર્થ વ્યવસ્થા જ ન હોય. હવે સવાલ એ છે કે લારી-ગલ્લાંવાળાએ જો 'ભાડું' ચૂકવવાનું જ હોય તો તે સરકારને સીધું જ કેમ ન ચૂકવે!
આખરે, પાર્કિંગ દિવસ જેવા પ્રતીકાત્મક અભીક્રમો ઉપરાંત પાર્કિંગની પ્રવૃત્તિને અંકુશમાં લાવી શકાય તેવા લાંબા ગાળાના ઉપાયો શું છે? આ વિષય એક પૂરેપૂરી નવી પોસ્ટનો છે એટલે લંબાણથી ફરી ક્યારેક. પણ જો પાર્કિંગ નિયમનના મૂળભૂત સિદ્ધાંતોની વાત કરીએ તો પાર્કિંગની જગ્યાને એક 'કમોડીટી' બનાવાની તાતી જરૂરીયાત છે એટલે કે તેના પર એક પ્રાઈસ ટેગ મુકવાની જરૂર છે. પાર્કિંગની જગ્યા પર કિંમત મૂકવાથી એક તો જગ્યાનો વ્યવસ્થિત ઉપયોગ થવાનો શરુ થાય છે અને ખરેખર જરૂરીયાતવાળા વાહનો જ પાર્ક થાય છે, બાકીનાં વાહનો પોતાની રીતે બિલ્ડીંગની અંદર કે તેમને ફાળવેલી જગ્યાએ પાર્ક કરતા થઇ જાય છે. બીજું કે, ઘણીવાર મોટા બિલ્ડીંગોમાં પાર્કિંગની જગ્યા હોવા છતાં તે 'બહાર'ના વાહનોને પાર્ક કરવા દેતા નથી. ખરેખરમાં જો પાર્કિંગનું માર્કેટ ઉભું કરવામાં આવે તો આવા વધુ પાર્કિંગ ધરાવતા બિલ્ડીંગ આજુ-બાજુના ઓછું પાર્કિંગ ધરાવતા બિલ્ડીંગના વાહનોને પાર્ક કરવા દઈને રોકડી કરી શકે છે. આ ત્યારે જ શક્ય છે કે જ્યારે રસ્તા પર બધી જગ્યાએ પાર્કિંગ થોડું મોંઘુ કરીને, તેનો પૂરવઠો સંતુલિત કરીને બિલ્ડીંગની અંદરના પાર્કિંગની માંગને પ્રોત્સાહિત કરવામાં આવે. જો કે આ વિષે ઊંડાણથી ફરી ક્યારેક. તમે શું વિચારો છો? ભારતમાં આવું ક્યારે થશે તેમ? બહુ જ જલ્દી, થોડી વાહનોની સંખ્યા નીચેના કાર્ટૂનમાં બતાવ્યા પ્રમાણે હજુ વધવા દો, માંગ-પૂરવઠાનું અર્થશાસ્ત્ર પાછળ-પાછળ આવ્યું જ સમજો!
હવે તો આ અનીવાર્ય જણાય છે. જો કે, સત્તાવાળાઓની સાથે સાથે લોકોનો વિવેક એટલો જ જરૂરી છે. (અને ચિંતા એની જ વધારે છે.)
ReplyDeleteબોન્સાઇનો બગીચો આવી જગાએ કરવાની કેવી મઝા આવે!
વાહ, બોન્સાઈનો બગીચો... સરસ આઈડિયા છે!
ReplyDelete