(Cartoon by Dr. Hemant Morparia)
ભારતીય સમાજને ભારતીય રેલવે સાથે બહુ સારી રીતે સરખાવી શકાય છે. ભારતીય રેલવેએ છેલ્લા ૧૫૦ વર્ષમાં ભલે લોકોને (શબ્દાર્થમાં) નજીક લાવવાનું કામ કર્યું હોય પણ બાકી તો સૌને પોતપોતાના નિર્ધારિત ક્લાસમાં રહેવું જ બહુ ગમે છે. લોકો પોતાની આવક પ્રમાણે પોતાના 'ક્લાસ'માં જ મુસાફરી કરે છે અને આ દરેક ક્લાસ અને તેમની વર્તણુંકના રેખા-ચિત્રો વડે આપણા સમાજને વધુ સારી રીતે સમજી શકાય છે. આ ટ્રેનને આપણો સમાજ (કે દેશ), રેલવે ડીપાર્ટમેન્ટને સરકાર, ટી.સી.ને પોલીસ, આવતા-જતા સ્ટેશનોને સામાજિક-આર્થીક વિકાસના વિવિધ પડાવ માનવામાં આવે તો ટ્રેન અને સમાજની સરખામણી ઘણી સૂચક થઇ જાય છે.
ફર્સ્ટ એ.સી.વાળા એવા લોકો હોય છે કે જે ધારે તે વ્યવસ્થા કરીને પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે છે. હવાઈ મુસાફરી કરી શકવાની પૂરી તાકાત ધરાવતા હોવા છતાં તેઓ કોઈક કારણસર આ ટ્રેનમાં સવાર છે. એટલે કે વિદેશમાં રહેવાની પૂરી સગવડ કરી શકતા હોવા છતાં આ દેશમાં કોઈક કારણસર કે કોઈ લાભ ખાતર રહે છે. ફર્સ્ટ એ.સી.નો એક જ ડબ્બો હોય અને તેમાં પણ બહુ ઓછી સીટ હોય છે. એટલે આ એક લઘુમતી વર્ગ છે. તે ડબ્બામાં જલ્દી કોઈને જવા મળતું નથી પણ અહીં સુધી પહોંચી શકનાર પછી આ ક્લાસ છોડીને ક્યાય જતા નથી. વળી, આ ક્લાસમાં ગર્ભશ્રીમંતો સિવાય કોઈ પ્રજાના પ્રતિનિધિ કે આ 'રેલવેના' મોટા બાબુ હોવાની શક્યતા બહુ મોટી છે. આ ક્લાસમાં ટી.સી.ને ખરેખર પોતે (જનતાનો) સેવક છે અને 'માત્ર કાયદાનું પાલન કરાવનાર નહિ' એ વાત યાદ આવે છે. આ ક્લાસને સીક્યોરીટી જોરદાર મળે છે, ભોજન હાઇક્લાસ અને સસ્તું મળે છે, એ.સી. ફૂલ હોય છે, ટોઇલેટ વગેરે સાફ હોય છે.
સેકંડ અને થર્ડ એ.સી.વાળા લોકો એ.સી. ડબ્બાઓની ખાસિયત પ્રમાણે આસપાસની ગંધ-સુગંધ, હવા-હવામાન, વાસ્તવિકતાઓ વગેરથી થોડા નોખા-વીખૂટા પડેલા હોય છે કે પછી નોખા પડવાનો પ્રયત્ન કરતા હોય છે. ડબ્બાની અંદર લેપટોપ, મોબાઈલ ફોન કે ટીવી સ્ક્રીન વગેરે આ નોખા પડવાની ઘટનામાં સહાય કરે છે. તેમને સમાજની અને દેશની ચિંતા હોય છે પણ તે ઘણી વખત 'માળખાકીય સુવિધાઓ કે મેનેજમેન્ટ સુધારવું જોઈએ' તેવા વિચારો પર આવીને અટકે છે. આમ વ્યવહારિક રીતે જોવા જાવ તો એ.સી. ડબ્બામાં લેપટોપ-ફોનને રીચાર્જ કરવા માટે વધારે પ્લગ હોવા જોઈએ અને તેમને 'સર્વ' કરવા આવનાર લોકોનું હાઈજીન સારું હોવું જોઈએ એ પ્રકારની ચિંતા. સાથે સાથે વિદેશમાં આ જ પ્રકારની સુવિધાઓ કેટલી સારી છે તેની સરખામણી પણ ભળે અને આપણે ક્યારે 'ડેવેલપ' થઈશું તેની ચિંતા પણ. એ.સી. વાળા લોકોને ડેવેલપ થવાની થોડી ઉતાવળ હોય છે. તેથી ડબ્બાની અંદર લગાડેલા 'ઇન્ડિયા શાઈનીંગ' કે 'વિકાસ વિકાસ'નાં સુત્રો કે પોસ્ટરો તેમને સહેલાઈથી પચે છે. ભારત અને ભારતીય રેલવેમાં માત્ર ખોડ-ખાંપણ દેખનારા 'નેગેટીવ' લોકો તેમને જચતા નથી એ તેમના દેશાભીમાનની પરાકાષ્ઠા છે. આ ડબ્બાઓમાં પણ ભોજન સારું મળે છે, ઓઢવા બ્લેકેટ મળે છે, અંદરનું હવામાન કૃત્રિમ રીતે જાળવી રખાયું હોય છે અને બાથરૂમ વગેરે સાફ હોય છે.
સ્લીપર ક્લાસ કે નોન-એ.સી. રિઝર્વ્ડ ડબ્બાઓનો પોતાનો એક અલગ જ માહોલ હોય છે. આ ડબ્બાઓની સંખ્યા સૌથી વધારે છે એટલે આ સૌથી મોટો બહુમતી ધરાવતો વર્ગ છે. અહીં જે વ્યક્તિ ટકી શકે તે ખરેખર ટકાઉ હોય છે. અહીં આવનારા લોકોને એ.સી.માં જવાનું પોસાતું નથી પણ સાવ અનરિઝર્વ્ડ કે બિનસલામતરૂપે મુસાફરી કરવાના 'જોખમ'થી બચી શકે તેવી પરિસ્થિતિના હોય છે. જાહેર સુવિધાઓનો ભરપૂર ઉપયોગ કરતા તેમને આવડે છે. તેમનો માલિકી ભાવ તેમને ફાળવાયેલી સીટોથી આગળ વધીને સમગ્ર ડબ્બા સુધી પહોંચે છે. આ વર્ગના લોકોને સૌથી મોટો વાંધો 'મફતિયા' કે અનરિઝર્વ્ડ જેવા છેવાડાના લોકો સામે હોય છે. મળતી થોડી-ઘણી સુવિધાઓ બહુ લોકો સાથે વહેંચી શકવાની તૈયારી આ વર્ગ ની હોતી નથી. તેથી 'રિઝર્વ્ડ' ટીકીટ ન ધરાવનારા લોકોને 'હરામ હાડકાના', 'મફતિયા', 'કાયદાઓ તોડનારા' વગેરે નામ-વિશેષણથી નવાજવામાં આવે છે. માનવ જીવનની દ્રષ્ટિએ આ સૌથી જીવંત ડબ્બાઓ હોય છે. અહીં ગમે તે કરવા છતાં પણ આવતા-જતા લોકો, બનતી ઘટનાઓ વગરે પર કોઈનું નિયંત્રણ હોતું નથી - સરકારનું પણ નહિ એટલે કે ક્યારેક 'તોડ' કરવા આવતા ટી.સી.નું પણ નહિ. ટી.સી. એટલે કે સરકારનીવૃત્તિ માત્ર પોતાના કામ માટે આવીને મોટેભાગે ગાયબ રહેવાની હોય છે. વાસ્તવિકતાઓથી સૌથી નજીક આ વર્ગ હોય છે પણ તેનો મતલબ એ નથી કે આ વર્ગને બધી બનતી વાસ્તવિક ઘટનાઓના ભાગરૂપ પોતાની ઇચ્છાએ બનવું હોય છે. અહીં વ્યક્તિગત મહેચ્છાઓ, આકાંક્ષાઓ વગેરેને સ્થાન આપવાની મોકળાશ નથી હોતી. અહી માથાદીઠ ટોઈલેટની સંખ્યા ઘણી ઓછી હોય છે. અહીં ભોજન કથળેલું હોય છે તેથી તેની લોકો જાતે વ્યવસ્થા કરી લે છે. અહીં સફાઈ સારી નથી હોતી તેથી તેની વ્યવસ્થા કરવા આવનારને લોકો એક-બે રૂપિયા આપી દે છે. આ ડબ્બાઓના વ્યવસ્થાપન કાં તો સ્વયંભૂ થાય છે નહિ તો પછી ભગવાન ભરોસે થાય છે.
મોટાભાગની ટ્રેનોમાં છેવાડાના ભાગ પર હોતા અનરિઝર્વ્ડ કે બીનઅનામત ડબ્બાઓમાં સમાજનો છેલ્લો વર્ગ મુસાફરી કરે છે. અહી સૌથી મોટી વાત 'આ ટ્રેન પર સવાર તો છીએ' તે સંતોષ હોય છે અને સૌથી મોટી ઈચ્છા આ મુસાફરી હેમખેમ કરીને ઝડપથી પતે તે હોય છે. દરેક વાત અહી 'ટકી રહેવાનો પ્રશ્ન' થઇ જાય છે. ભયંકર ગીરદી વચ્ચે ઈંચે-ઈંચ જગ્યાનો ઉપયોગ અહી વ્યવસ્થિત રીતે થયેલો હોય છે. અહી ટી.સી ઉર્ફે સરકાર બહુ ફરકતી નથી, તેથી કાયદો-વ્યવસ્થાથી માંડીને જગ્યાની દેખરેખ વગેરે સ્વયંભૂ રીતે સ્વયંસેવકોથી થાય છે. જગ્યા માટે કે થોડી સુવિધા માટે ઝઘડાઈને લોકો થાળે પડે છે અને લાંબી મુસાફરીમાં જ્યાં કંઈ જ બીજું મળવા જેવુ ન હોય ત્યાં આખરે એક-બીજાને સહારે લોકો સમય ગાળી દે છે. આ બીજા વર્ગોના માનવા જેટલો 'મફતિયા' કે બીનઅનામત વર્ગ હોતો નથી. દરેક સુવિધા પર ભારાડી પ્રકારના તત્વો જેવા કે થોડા પૈસા લઈને જગ્યા કરી આપતા કૂલીઓનું તંત્ર વગેરે ફૂલ્યા-ફાલ્યા હોય છે. આં ડબ્બાની અંદર 'વિકાસ'નાં પોસ્ટર લાગ્યા હોયને ટક્યા હોય તો લોકો તેને કોઈ પરીકથાની જેમ બહુ જ રોચકતાથી જુએ છે. અહી સૌથી મોટી ચિંતા લેપટોપ-ફોનના પ્લગની નહિ પણ આટલી ભીડમાંથી રસ્તો કરીને ટોઇલેટ સુધી સમય રહેતે પહોંચાશે કે નહિ તેની હોય છે. આગળના સ્ટેશનોથી ચડી બેઠેલા લોકો નવા સ્ટેશનોથી ચઢનારા લોકોને કેમ ખાળી શકાય તેની યોજના બનાવતા રહે છે. અહી ભોજન મળતું નથી, સફાઈ થતી નથી, સિક્યોરીટી આપવાનો પ્રશ્ન જ નથી. બધું જ લોકોએ જાતે કરવાનું હોય છે. આ અંગે રેલવેનો હાજર જવાબએ હોય છે કે 'આ વર્ગમાં તો બધું કેટલું સસ્તું છે પછી એટલામાં કોઈ સુવિધા કેવી રીતે અપાય '. મોટી મોટી શાનદાર ટ્રેનોમાં આ વર્ગના ડબ્બા જોઈને પ્લેટફોર્મ પર ઉભેલા લોકો રેલવે અંગે ખોટી શંકા ન કરે એટલે આવા ડબ્બાઓને પ્લેટફોર્મના છેવાડે કે પ્લેટફોર્મની બહાર જ રાખવામાં આવે છે.
આમ આપણો સમાજ અલગ અલગ ડબ્બાઓમાં વહેંચાયેલો છે છતાં એક જ ટ્રેન પર બધા સવાર છે અને આ ટ્રેનનું ગંતવ્ય એક દિશામાં છે તે સભાનતા દરેકમાં એકસરખી હોતી નથી. લોકોનું એક-બીજા પ્રત્યેનું વર્તન પોતે ક્યા ડબ્બામાં ક્યા પ્રકારની ટીકીટ પર બેઠા છે તેના પરથી નક્કી થતું હોય છે. એ.સી. ડબ્બામાં બેઠા હોવ તો છેવાડાના બીનઅનામત ડબ્બા આ ટ્રેનમાં છે કે નહિ તેની ખબર ન પણ હોય તેથી 'આખી ટ્રેન હવે તો એ.સી. કરી નાખવી જોઈએ' તેવા ઉદગારો પણ નીકળતા હોય છે. સ્લીપર ક્લાસમાંથી એ.સી. ડબ્બામાં જવું પ્રમાણમાં સહેલું છે પણ અનરિઝર્વ્ડમાંથી સ્લીપરક્લાસમાં પહોંચવું અઘરું હોય છે કારણ કે દરવાજા જ બંધ હોય છે.
આમ આપણો સમાજ અલગ અલગ ડબ્બાઓમાં વહેંચાયેલો છે છતાં એક જ ટ્રેન પર બધા સવાર છે અને આ ટ્રેનનું ગંતવ્ય એક દિશામાં છે તે સભાનતા દરેકમાં એકસરખી હોતી નથી. લોકોનું એક-બીજા પ્રત્યેનું વર્તન પોતે ક્યા ડબ્બામાં ક્યા પ્રકારની ટીકીટ પર બેઠા છે તેના પરથી નક્કી થતું હોય છે. એ.સી. ડબ્બામાં બેઠા હોવ તો છેવાડાના બીનઅનામત ડબ્બા આ ટ્રેનમાં છે કે નહિ તેની ખબર ન પણ હોય તેથી 'આખી ટ્રેન હવે તો એ.સી. કરી નાખવી જોઈએ' તેવા ઉદગારો પણ નીકળતા હોય છે. સ્લીપર ક્લાસમાંથી એ.સી. ડબ્બામાં જવું પ્રમાણમાં સહેલું છે પણ અનરિઝર્વ્ડમાંથી સ્લીપરક્લાસમાં પહોંચવું અઘરું હોય છે કારણ કે દરવાજા જ બંધ હોય છે.
વિવિધ વર્ગો અને તેમની વર્તણૂક વગેરેની નાની-મોટી વાતોથી ટ્રેન અને સમાજની સરખામણીની અનેક નવી વાતો જોડી શકાય તેમ છે. અહી સૌથી મહત્વની વાત સમાજ કેટલો વહેંચાયેલો છે તે નથી પણ 'બધા એક જ ટ્રેનમાં સવાર છે' અને ''બધાનું ગંતવ્ય ભલે અલગ-અલગ હોય પણ ટ્રેન એક જ દિશામાં જઈ રહી છે' તે સભાનતા મહત્વની છે. કમનસીબે, આજ-કાલ ધ્યાન ખેંચતી અને ભાન ભૂલાવતી હજારો વસ્તુઓ વચ્ચે આ સભાનતા કેળવવી પડે તેમ હોય છે.