Tuesday, October 19, 2010

વાનર-જગત અને માનવ-જગતની એક અમર કથા

૧૯૬૦નાં દાયકામાં બનેલી અમુક ઘટનાઓ આમ તો સામાન્ય હતી પણ લાંબા ગાળે તેમણે વન્ય-જીવન સંશોધનના ઇતિહાસને બદલી નાખ્યો છે. વાત જાણે એમ છે કે પાશ્ચાત દેશોમાંથી આવતી ત્રણ યુવાન સ્ત્રીઓ જેન ગુડોલ (બ્રિટન), ડાયેન ફોસી (અમેરિકા) અને બીરુત ગાલ્દીકાસ (જર્મની) દુનિયાના સૌથી બિહામણા, ગીચ જંગલોમાં અનુક્રમે ચિમ્પાન્ઝી (તાન્ઝાનિયા), ગોરિલ્લા (રવાન્ડા) અને ઉરાંગ ઉટાંગ (દક્ષીણ-પૂર્વ એશિયા)નો તેમના કુદરતી વાતાવરણમાં લાંબા ગાળાનો અભ્યાસ કરવા જાય છે. શરૂઆતમાં આ ત્રણેય પાસે વન્ય-પ્રાણીઓ અંગેના સંશોધન કરવા અંગે કોઈ અનુભવ ન હતો કે કોઈ ઊંડું વૈજ્ઞાનિક જ્ઞાન પણ ન હતું. તેમની પહેલા કોઈ પણ સંશોધકોએ વન્ય-પ્રાણીઓ પર લાંબા ગાળાના શંશોધનો કુદરતી વાતાવરણમાં, પ્રાણીઓ સાથે જ રહીને કર્યા ન હતા. તેથી જંગલમાં રહેતા મોટા વાનરો અને તેમના સામાજિક સંબંધો, સામુહિક વર્તન,  નર-માદા વચ્ચેના સંબંધો, સંવનન, બે સમૂહો વચ્ચે આદાન-પ્રદાન વગેરે અનેક વિષયો પર કામ થયેલું ન હતું. 
(Leakey Foundation Co-Founder Joan Travis, with the Leakey's Angel's: Galdikas, Goodall and Fossey. Photo courtesy: http://leakeyfoundation.org/about-us/)
આ ત્રણેયને ભેગા કરનાર છે એક ભેદી કે ભેજાગેપ કે પછી ઘણી વાર  વગોવાયેલું વ્યક્તિવ - લુઇસ લિકી. આ ત્રણેય અભ્યાસુઓને કેટલાક લોકો 'લિકી'સ એન્જેલસ'ના નામે પણ ઓળખે છે. લિકીને એવા અભ્યાસુઓ જોઈતા હતા કે જે મોટા વૈજ્ઞાનિક ન હોય તો ચાલે પણ તેઓમાં લાંબો સમય રહીને વાનર-પ્રજાતિનો અભ્યાસ કરવાની તાલાવેલી ધરાવતા હોય. લિકીને ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ માટેના જીવંત ઉદાહરણોનો અભ્યાસ કરવાનો ઊંડો રસ. તે સિવાય, લિકીને આ ત્રણેયની સુંદરતામાં પણ રસ ખરો કે આ ત્રણેયના (કે તેમના સંશોધનના) 'સ્વામી-અધિપતિ' થવામાં એ વિષે જાત-જાતની વાયકાઓ છે. પરંતુ આ ત્રણેય સંશોધકોને ત્રણ અલગ-અલગ મોટી કદના વાનરની પ્રજાતિનો લાંબા ગાળાનો અભ્યાસ કરવાનો વિચાર આપનાર અને  શરૂઆતમાં ભંડોળ માટે ભાગ-દોડ કરનાર લુઇસ લિકી વગર આ આખી ઘટના શક્ય નહોતી. તેમની સંસ્થા આજે પણ કાર્યરત છે. 
લુઇસ લિકીથી અંજાયા-ભરમાયા વગર ત્રણેય સંશોધકોએ પોત-પોતાના ચીલા ચાતર્યા. જેન ગુડોલ છેક ૧૯૬૦ની શરૂઆતથી અત્યાર સુધીનો સમય 'ગોમ્બે નેશનલ પાર્ક'માં વિતાવી ચુક્યા છે અને તેઓ ચીમ્પાન્ઝીની બે-ત્રણ પેઢીથી પરિચિત છે. તેમના સંશોધનો પ્રાઈમેટોલોજી, ઝુઓલોજી (પ્રાણીશાસ્ત્ર) અને એન્થ્રોપોલોજી (માનવશાસ્ત્ર)ની દ્રષ્ટીએ અનન્ય છે. જેમકે, ચિમ્પાન્ઝી માત્ર શાકાહારી હોવાની વાત ખોટી છે. તેઓ ધારે ત્યારે માંસભક્ષી પણ બની શકે છે. તે ઉપરાંત, નૂર્વંશશાસ્ત્રની દ્રષ્ટીએ મનુષ્યના પ્રારંભિક કાળના પૂર્વજો, તેમનું સામાજિક કે સામુહિક વર્તન વિશેની ખૂટતી કડીઓ પણ ચીમાંન્ઝીના અભ્યાસ પરથી મળે છે. તેમનું ૧૯૭૧માં પ્રકાશિત થયેલું પ્રથમ પુસ્તક 'ઇન ધ શેડો ઓફ મેન' વિશ્વની ૪૮ ભાષાઓમાં રૂપાંતરિત થઇ ચુક્યું છે અને તેમના પર ઘણી ફિલ્મો બીબીસી અને નેશનલ જ્યોગ્રાફીકે બનાવેલી છે. આજે ૭૪ વર્ષની ઉમરે પણ જેન પોતે અને તેમની સંસ્થા દ્વારા તાન્ઝાનીયામાં ચિમ્પાન્ઝીના સંરક્ષણ અને સંવર્ધન માટે કામ એક  ચળવળની માફક કરે છે. 
લગભગ ડાયેન ફોસીના નસીબમાં વધુ કઠણાઈઓ અને મુશ્કેલીઓ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ 'માઉન્ટેન ગોરિલ્લા'નામે ઓળખાતા ગોરીલ્લાનો અભ્યાસ રવાન્ડાના દુર્ગમ, ભારે ઉંચાઈ ધરાવતા પહાડોમાં સતત ભેજ વાળા વાતાવરણમાં કરવાનો હતો. 'કિંગ કોંગ'ના નામે બદનામ થઇ ચુકેલા આ જંગલી મહાકાય વાનર સાથે ડાયેન બહુ શાંતિ-પૂર્ણ સહ-અસ્તિત્વ ધરાવતી થઇ. તેમના શબ્દોમાં ગોરિલ્લા ' માન-સન્માન ધરાવતા, બહુ જ સામાજિક, સૌમ્ય, અલગ વ્યક્તિત્વ ધરાવવા છતાં કૌટુંબિક સંબંધોમાં માનનારા' પ્રાણી છે. ડાયેને 'ગોરિલ્લાઝ ઇન ધ મીસ્ટ' નામનું આંતર-રાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તક ૧૯૮૦માં પ્રસિદ્ધ કર્યું. પરંતુ ડાયેનનો સીધો મુકાબલો ગેરકાયદેસર રીતે ગોરીલ્લાનો શિકાર કરતા કેટલાયે જૂથો સાથે થયો. ડાયેન જેમને વર્ષોથી ઓળખતી હતી તેવા કેટલાક ગોરિલ્લાના શબ જંગલમાંથી મળી આવ્યા અને આ ઘટનાઓએ ડાયેનને સંશોધકને બદલે ગોરીલ્લાની સંરક્ષક અને ચળવળકાર બનાવી મૂકી. તેણે સતત ભેજયુકત વાતાવરણમાં રહેવાથી તેની લથડતી તબિયતને ધ્યાનમાં લીધા સિવાય આ શિકારીઓ અને સ્મગલરો સામે લડત આપી. પરંતુ, ૧૯૮૫માં ડાયેનની તેની જ કેબીનમાં ઘાતકી રીતે હત્યા થઇ અને હત્યારાઓ હજુ સુધી ફરાર છે. આખરે ડાયેનને તેણે પોતે અકુદરતી મૃત્યુ પામેલા ગોરિલ્લા માટે બનાવેલા સ્મશાનમાં જ દફનાવામાં આવી. ડાયેન ફોસીના જીવન પરથી હોલીવુડમાં આ ફિલ્મ પણ બનાવવામાં આવી છે. 
જેન અને ડાયેનથી દસેક વર્ષ પછી ઉરાંગ ઉટાંગ પર સંશોધન શરુ કરનાર બીરુત પ્રમાણમાં ઓછા પ્રખ્યાત છે અને તેઓએ મોટાભાગનું જીવન જેન અને ડાયેને સ્થાપિત કરેલી પધ્ધતિઓ પર કામ કરીને અને અધ્યાપન કરીને પસાર કર્યું છે. છતાં એક સંશોધક અને વન્ય-જીવન સંવર્ધક તરીકે તેમનું પ્રદાન પણ અનન્ય છે અને તેઓ આજે કેનેડામાં અધ્યાપનનું કામ કરે છે. 
સનસનીખેજ વાર્તાની બીજી બાજુ
આ આખી ઘટના સનસનીખેજ છે, રોમાંચક છે અને મહદ અંશે ફિલ્મી છે કે પછી વર્ષોથી સમાચાર માધ્યમોમાં ફિલ્મી રીતે 'વેચાઈ' રહી છે. હોલીવુડને આ વાતમાં રસ પડ્યો છે, જે બહુ સ્વભાવિક વાત છે. આ 'વાર્તા'માં રસ પડે છે તેનું કારણ તેમાં 'બ્યુટી એન્ડ બીસ્ટ 'વાળો મસાલો છે. જેન ગુડોલ તો કહે પણ છે કે ઘણી વાર 'એક એકલી સ્ત્રી, ગાઢ જંગલમાં પ્રાણીઓ વચ્ચે ફરે છે' તે વાતને મૂળ સંશોધન કરતા વધુ મહત્વ મળે છે. પણ આ સનસનીખેજ વાર્તામાં મૂળ મુદ્દો છે, જંગલોનું નિકંદન, ગેરકાયદેસર શિકાર અને માનવ યુદ્ધોના ક્રોસ-ફાયરમાં પ્રાણીઓનું સપડાઈ જવા જેવી ઘટનાઓ (જે  રવાન્ડામાં બનેલું). આ પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનના પ્રશ્નની બીજી બાજુ છે ઓછી આવક ધરાવતા આફ્રિકન દેશોમાં 'નેશનલ પાર્ક'ના નિભાવ અને ખર્ચ માટે શું કરવું? વાઈલ્ડ-લાઈફ ટુરીઝમ? ડાયેન ફોસીએ તેનો સખત વિરોધ કરેલો. તેના માનવા પ્રમાણે વન્ય પ્રાણીઓને તેમના કુદરતી વાતાવરણમાં છોડી દેવા જોઈએ અને જંગલને 'ઝૂ બનાવવાના' પ્રયત્નો નહિ કરવા જોઈએ. થોડા-ઘણા બચેલા પ્રાણીઓમાં માનવી જેવી (શારીરિક) બીમારી ઘાતક નીવડી શકે છે. આ વિરોધને 'પ્રેક્ટીકલ નથી' એમ કહીને બહુ મહત્વ નહિ મળેલું. પરિણામે, હવે ટુરિસ્ટ જંગલમાં જઈ શકે છે અને ગોરિલ્લાને નજીકથી જોઈ શકે છે. આ આખી પ્રવૃત્તિ નેશનલ પાર્કને ઘણા રૂપિયા રળી આપે છે. 
અહી વન્ય-પ્રાણી સંવાર્ધાના મુદ્દે એ તણાવ તો રહે જ છે - શેને ધંધો બનાવવો અને શેને નહિ? પ્રાણીઓને 'વેચવા' કે નહિ? ક્યાં સુધી વેચવા? જંગલની ઘટતી જતી સીમાઓનું શું? શું આપણે માનવ જાત તરીકે પ્રાણીઓને જંગલમાં શાંતિથી જીવવા દેવામાં માનીએ છીએ અને તેમને નાના-મોટે પડદે જોઇને ખુશ છીએ? કે પછી માનવ જાતને દરેક વસ્તુને 'જોવા લાયક, વેચવાલાયક અને ફોટા પાડવાલાયક' બનાવી જેવા જ રસ છે? 
વાનર-માનવ સ્વભાવની બીજી બાજુ 
કોઈ પરફેક્ટ નથી. માણસ આખરે માણસ છે. 'લીકીઝ એન્જેલસ' પર એવા આરોપો પણ થયા છે કે તેમણે 'વૈજ્ઞાનિક નિરપેક્ષતા'ને બાજુમાં મુકીને પ્રાણીઓ સાથે સંબંધો વધારેલા, પ્રાણીઓનું વધારે પડતું ભાવવાહી વર્ણન કરેલું અને વાનરોને કેળાની 'લાંચ' આપીને તેમની સમાજ-વ્યવસ્થા બગડી મુકેલી. વાનરોની અંદર-અંદર થયેલી અથડામણ માટે જેન ગુડોલની પદ્ધતિઓને જવાબદાર ગણવામાં આવેલા. ડાયેન પર તો એવા આરોપો હતા કે તેણે કોઈ શિકારીના કુટુંબીઓનું અપહરણ કરીને ધાક-ધમકીઓ આપેલી. કોઈ પકડાયેલા શિકારીનું જાહેરમાં ફાંસી આપવાનું ખોટું નાટક પણ કરેલું. ટૂંક માં, એવું કે જેન કે ડાયેન કોઈ મહાન વ્યક્તિઓ નહિ પણ સામાન્ય માણસ હતા અને તેમણે તેમની સામાન્ય બુદ્ધિ અને લાગણીશીલતાથી અમુક નિર્ણયો કર્યા, જે અંતે કોઈના માટે ફાયદારૂપ ન થયા પરંતુ, ડાયેને તેના વાનરોને બચાવતા શહીદી વહોરી છે અને જેન ચિમ્પાન્ઝીના બચાવ માટે દાયકાઓથી કામ કરી રહી છે. 
બીજું, જેન ગુડોલે પણ નવા-સવા અભ્યાસુ તરીકે ચિમ્પાન્ઝીને સંવેદનશીલ અને સૌમ્ય પ્રાણીઓ આલેખેલા. તેના અભ્યાસના વર્ષો બાદ એંસીના દાયકામાં બહુ ભયંકર ઘટના બની. ચિમ્પાન્ઝીઓની વસ્તીમાં કુદરતી વધારો થયો, અંદર-અંદર મારામારી થઇ, બે જૂથ રચાયા અને તેઓ અલગ અલગ રહેવા લાગ્યા. એક દિવસ, એક જૂથના નર વાનરોએ ભેગા થઈને બીજા જૂથના એક એક વાનરોને ક્રુરતાથી બાળકો સહીત મારી નાખ્યા. જેન ગુડોલ કહે છે કે આ ઘટના બાદ હું આ વાનરોને (અને માનવ જાતને) વધુ સમજતી થઇ. બે જૂથોનું રચાવું કુદરતી હતું છતાંય કેટલું ઘાતક હતું? માનવ જાત પણ વાનરોથી બહુ અલગ નથી. ૧૯૯૪માં રવાન્ડામાં જાતીભેદના કારણે ભયંકર ગૃહયુદ્ધ થયું જેમાં દસેક લાખ લોકો હોમાઈ ગયા. આ માનવ ઇતિહાસમાં બીજા વિશ્વયુદ્ધ પછીની માનવજાતે સર્જેલી બીજી મોટી કત્લેઆમ હતી. આવી ઘટના વખતે વિચારવાનું મન થાય કે શું માનવ જાત ખરેખર ઉત્ક્રાંતિ પામી છે? 

(લાગે છે આ બ્લોગ પર ઓક્ટોબરનો મહિનો વન્ય-જીવન સ્પેશીયલ બની રહ્યો છે. આ પોસ્ટ બે-ત્રણ ડોક્યુમેન્ટરી ફિલ્મો જોયા પછી લખાઈ છે અને ખૂટતી કડીઓ 'વિકિપેડિયા'એ તેમજ નેશનલ જ્યોગ્રાફિક અને બીબીસીના આર્કાઈવે જોડી આપી છે. બહુ લાંબી પોસ્ટ થઇ ગઈ છે, જો અહી સુધી પહોચ્યા હોવ તો આભાર!)

4 comments:

  1. pahaochi gayo aasani thi ;)

    ReplyDelete
  2. Aatalu pravahi lakhan hoy ane kem na pahonchay. Ghanu janava ane vicharva malyu. Aabhar.

    ReplyDelete
  3. વિગતવાર માહિતીથી ભરી રસપ્રદ પોસ્ટ.

    ReplyDelete