ભૂતાન એક અદભૂત દેશ છે અને ઘણી રીતે અનન્ય છે. દુનિયામાં તેને ઘણી વાર એક રહસ્યમયી પ્રદેશ તરીકે જાણવામાં આવે છે કારણકે આ દેશના ઘણા ભાગો અત્યંત દુર્ગમ છે. ભૂતાનની વસ્તી આજે માત્ર સાત લાખની છે જેનો ઘણો ખરો ભાગ દુર-દુરના દુર્ગમ વિસ્તારોમાં રહે છે. ભૂતાનનો વિસ્તાર ગુજરાત રાજ્યથી પાંચમાં ભાગનો જ છે. ભૂતાનની પશ્ચિમે આવેલા પારોમાં એક-માત્ર એરપોર્ટ છે અને પારોથી પૂર્વમાં આસામ સરહદે આવેલા તોન્ગસાના વિસ્તારમાં જવા માટે જમીન માર્ગે બે થી ત્રણ દિવસ લાગે છે. ભારત-ભૂતાનની દક્ષીણ સરહદથી લગભગ સપાટ ભૂગોળ સાત હજાર મીટરની ઉંચાઈ સુધી દુર્ગમ પહાડોના રૂપે પથરાય છે. ઉત્તરમાં તિબેટનો ભારે પહાડી વિસ્તાર છે.
ભૂતાનની સંસ્કૃતિ તિબેટ કે લડાખને મળતી આવે છે છતાં તેની અલગ પહેચાન છે. ૧૯૫૦ના દાયકામાં ભૂતાનનો તિબેટ સાથેનો પરંપરાગત સંપર્ક ચીનના તિબેટ આક્રમણ બાદ તૂટી ગયો હતો. કહેવાય છે કે ભારતના પ્રધાનમંત્રી નહેરુ જયારે ફૂન્શીલીંગ (ભારત-ભૂતાનની સરહદ પર આવેલું ગામ) થી ત્રણેક હજાર મીટરની ઉંચાઈએ આવેલી રાજધાની થીમ્ફૂ ગયેલા ત્યારે તેમને યાક પર સવાર થઈને જવું પડેલું. ત્યારબાદ ભારતે થીમ્ફૂ-ફૂન્શીલીંગ વચ્ચે રસ્તો બનાવવામાં મદદ કરી હતી. જો કે હવે ભારત-ભૂતાન વચ્ચે ઘણા નવા માર્ગો બન્યા છે. ભૂતાનમાં વર્ષોથી રાજ ચલાવી રહેલ વાંગચુક કુળના રાજ્યકર્તાઓ હવે ધીરે ધીરે લોકશાહી તરફ વળી ચુક્યા છે. ભૂતાને 'ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ'ને પોતાનો લક્ષ્યાંક બનાવવા કરતા 'ગ્રોસ ડોમેસ્ટિક હેપીનેસ'ના વિચારને અપનાવેલો છે. ભૂતાનના લોકો સરળ છે, મિલનસાર છે અને હિન્દી સીને જગતના જબરા રસિયા છે.
૧૯૯૮માં થીમ્ફૂમાં મેં લગભગ ૬ મહિના વિતાવેલા અને તે સમયની વાતો ખૂટવાની જ નથી. પણ વાત આજે માત્ર ભૂતાનની જ નથી કરવી પણ વાઘની કરાવી છે. ભારતમાં વાઘની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. ચીનના ગેર-કાયદેસર ઔષધી માર્કેટમાં વાઘનો ભાવ વધતો ચાલ્યો છે અને એક સમયમાં જ્યાં આખા ભારતમાં વાઘની વસ્તી હતી તે હવે થોડા નાના-મોટા વિસ્તારોમાં સીમિત થઇ ગઈ છે. જંગલ ઘટતા જાય છે અને અમુક અભયારણ્યો લગભગ ઝૂ જેવા બની ચુક્યા છે. જ્યાં વાઘને પણ ખબર હોય કે થોડા સમયમાં એક લોખંડી ડબ્બામાં કોઈ વિચિત્ર પ્રાણીઓ આવશે અને કોઈ ચમકીલા પદાર્થોની ચાંપો દબાવીને ચાલ્યા જશે. કુદરતી અભયારણ્ય અને વાઘની કુદરતી વસાહત સામેના પ્રશ્નો ખડા થયા છે.
આવી પરિસ્થિતિમાં ભૂતાનનું ભૌગોલિક સ્થાન અને તેના માનવ જગતથી બચીને રહેલા ગાઢ જંગલો વાઘના ભવિષ્ય માટે બહુ મહત્વના છે. છેક ઉત્તરાખંડથી લઈને આસામ સુધી હિમાલયના નીચાણ વાળા ઢોળાવોમાં વાઘની વસ્તી જોવા મળે છે - બહુ જાણીતા કોર્બેટ નેશનલ પાર્કથી કાઝીરંગા સુધી. આ આખા ટાઈગર કોરીડોરમાં મિસિંગ લિંક છે ભૂતાન. ભૂતાનના જંગલો, પર્યાવરણ અને પ્રાણીજગત વિષે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. ત્યારે જાણીતા ટાઈગર-એક્સપર્ટ એલન રોબીનોવિત્ઝની આગેવાની હેઠળ બી.બી.સી.ની એક ટીમ ભૂતાનમાં વાઘની શોધ-ખોળ કરે છે. આ ટીમ માટે ભૂતાનમાં વાઘ શોધી કાઢવા તે વાઘોના ભવિષ્ય માટે બહુજ મહત્વનું છે અને તે પણ એવા ગાઢ જંગલો અને દુર્ગમ પહાડોમાં કે જ્યાં સામાન્ય માણસ માટે પહોચવું પણ બહુ મુશ્કેલ છે.
ભૂતાનમાં વાઘ એ સાંસ્કૃતિક પ્રતિક છે. પરંપરાગત ચિત્રકામ કે જે મકાનો પર કરવામાં આવે છે તેમાં વાઘ વારંવાર દોરાય છે. પારો પાસે આવેલા તાક્શાંગ નામના પ્રખ્યાત છતાં દુર્ગમ બુદ્ધ મઠનું હુલામણું નામ ટાઈગર્સ ડેન છે. ઘણી વખત સ્થાનિક પશુપાલકો વાઘ જોવાનો દાવો પણ કરે છે. પરંતુ આ બધાય લોક-સાંસ્કૃતિક પુરાવાઓની સાથે સાથે વૈજ્ઞાનિક પુરાવા પણ જોઈએ. કદાચ બીજા શબ્દોમાં કહીએ તો પશ્ચિમી નિષ્ણાતોની મોહર જોઈએ કે જેથી ભૂતાનમાં વાઘ-સંવર્ધન માટેના માર્ગ અને નાણાની કોથળીઓ ખુલ્લી થાય. ભૂતાનના જંગલોમાં વાઘોની કુદરતી વસાહતો ઉભી કરી શકાય કે જ્યાં ભારતના જંગલોમાંથી વાઘ આવે, તેમની સંખ્યામાં વધારો થાય અને તે બીજા અભયારણ્યોમાં એક જનીની રીતે મજબુત અને તંદુરસ્ત પ્રજાતિને પાછા લઇ જઈને વસાવી શકાય.
આ નિષ્ણાતોની ટીમ બહુ જ રસપ્રદ અને સુખદ જાણકારી લઇ આવે છે. આ ટીમ માનવ ઇતિહાસમાં પહેલી વાર વાઘને ચાર હજાર મીટરની ઊંચાઈ પર શોધી કાઢે છે અને તેની ફિલ્મ બનાવે છે. બીબીસીએ આ આખી ઘણા પરથી 'લોસ્ટ લેન્ડ ઓફ ટાઈગર્સ'ના નામે ત્રણ કલાકનો સરસ પ્રોગ્રામ બનાવ્યો છે. આ આખા અભીક્રમ વિષેના સમાચાર અહી અને અહી વાંચી શકાશે. ભૂતાનમાં ફિલ્મ બનાવવાનો અનુભવ અહી વાંચી શકાશે. આ લિંક પર આ આખાય કાર્યક્રમની હાઈલાઈટ્સ વિડીયો રૂપે જોઈ શકાશે. એલન રોબીનોવીત્ઝ લ્યુકેમિઆ નામનો અસાધ્ય રોગ ધરાવે છે અને તેમને છેલ્લા શ્વાસ સુધી વાઘની વસ્તીને બચાવવા ઝઝૂમવા માંગે છે. તેમના ટાઈગર કોરીડોર વિષે વધુ અહી વાંચી શકાશે.
વાઘ નામે પ્રાણી મને બહુ ગમે છે અને ભૂતાન નામનો દેશ પણ. આ આખીય ઘટના અને કાર્યક્રમો મારા માટે ડબલ મઝા હતી. એવી આશા રાખીએ કે દક્ષીણ એશિયામાં વાઘ અમર રહે અને આપણી આવનારી પેઢીઓને આ કુદરતે સર્જેલા સૌથી રોફ્દાર, ખતરનાક છતાંય સુંદર પ્રાણી સાથે આ જ ગ્રહ પર (અલબત્ત, એક બીજાથી દૂર-દૂર) જીવવાની તક મળે.
as always interesting information n lucid narration :) btw, 'kaal' a film made by young gujarati soham shah was on concept on saving tiger..
ReplyDeleteDhanyawad! :)
ReplyDeleteતમારા અનુભવો અને કથા વાંચવાની મજા આવી અને નવું જાણવા મળયું.....
ReplyDelete