Sunday, September 21, 2014

નગર ચરખો - ગરીબોનાં મકાન કોણ બનાવે, સરકાર કે બિલ્ડર?

સરકારે જ્યારે જયારે ગરીબો માટે (એટલે કે ગરીબોના નામે) મકાનો બનાવ્યા છે, ત્યારે ત્યારે ગરીબો સિવાય બધાને ફાયદો થયો છે. સરકારોને ખોટનો ધંધો કરવો ફાવતો હોય છે, ગરીબ આવાસની બાબતમાં તો ખાસ. જાહેર ક્ષેત્રની આવાસ યોજનાઓમાં મોટે ભાગે સરકારી જમીન પર, સરકાર દ્વારા, ગરીબોના નામે, મધ્યમ વર્ગ માટે સસ્તા અને ખરાબ ગુણવત્તાના મકાનો બનતા હોય છે. સૌથી વધારે ભ્રષ્ટાચાર સરકારી મકાનોની ફાળવણીમાં 'લાભાર્થી' નક્કી કરવામાં થતો હોય છે. આજે જીર્ણ-ક્ષીર્ણ થયેલા વિવિધ રૂપ-રંગ-નામ ધરાવતાં હાઉસિંગ બોર્ડોએ તેમાં યથાશક્તિ ફાળો આપ્યો છે. સરકાર મકાનો બાંધી આપે તેનાથી શહેરોમાં સ્લમ વિસ્તારોનો ફેલાતો ઓછો થશે તેવું કોઈ તારણ નીકળતું નથી. આ દેશમાં સસ્તા મકાનોની એટલી બધી અછત છે કે સરકારો ગમે તેટલા મકાનો બાંધે, તે ગરીબ માણસ સુધી પહોંચવાના નથી તેટલી ગરીબી છે. લોકો પોતાની શક્તિ મુજબ પોતાના મકાનો ખુદ બાંધે તે જ યોગ્ય છે અને સરકારની ભૂમિકા તેમાં મૂળભૂત સુવિધા આપવાની હોય તો તે બંને પક્ષે સારા પરિણામ લાવી શકે. 

જો સરકાર ગરીબો માટે મકાનો બાંધવાની ન હોય તો કોણ બાંધશે? ગરીબો માટે મકાન ખાનગી બિલ્ડરો બાંધશે તેવું આજકાલ P-P-P (Public Private Partnership) તરફી ઝોક ધરાવતાં નિષ્ણાતો કહેતા હોય છે. જે જમીન પર સ્લમ વસાહત હોય તે કોઈ બિલ્ડરને આપીને તેમાં નવો પ્લાન મૂકવામાં આવે છે. બિલ્ડરને એ જ સ્થળે કે બીજા નજીકના સ્થળે વધુ બાંધકામ કરવાની સત્તા (FSI) મળે જેના દ્વારા પોતે રોકેલા પૈસા પાછા મેળવી શકે છે. મુંબઈ અને પૂના જેવા શહેરોમાં આ પ્રકારની યોજનાઓ છે, તેને બહુ ઓછી સફળતા મળી છે. મુંબઈ જેવા જમીનોના ગગનચુંબી ભાવ ધરાવતાં શહેરોમાં આ પ્રકારની યોજના નાણાકીય રીતે શક્ય બને છે. પણ ભારતના બાકીના શહેરો મુંબઈ નથી. 

બીજું કે, ગરીબ વ્યક્તિને ઘર આપવાનાં ‘ખોટના ધંધા’ની જવાબદારી માત્ર ખાનગી ક્ષેત્રની કઈ રીતે થઇ શકે? પણ ઘણાં-ખરાં ચાલી જતા સૂત્રોમાં P-P-P પણ ચાલી નીકળે છે. તેમાં મહત્વનો સવાલ એ છે કે આખી વાતમાં મુખ્ય P એટલે કે ‘પીપલ’ ઉર્ફ ‘લોકો’ ક્યાં છે? બિલ્ડર તેમને મકાન આપશે તેની ગેરંટી શું? સ્લમ વિસ્તારો કે જેમાં વેચાણ કરાર, બાનાખત, ભાડાખત  કાયદાકીય સ્પષ્ટતા ન હોય તેવી પરિસ્થિતિમાં કોને મકાન આપવાને કોને ન આપવાની જવાબદારી બિલ્ડર લેશે કે સરકાર? બિલ્ડરો અને ગરીબ વસ્તી વચ્ચે સરકારે સેતુ બનવાની જવાબદારી લેવી પડે. ગરીબ આવાસનું કામ ખાનગી બિલ્ડરોને 'આઉટ સોર્સ' કરવાથી સમસ્યાનો ઉકેલ  આવતો નથી. 

મોટાભાગનાં સ્લમ વિસ્તારો એવી જમીનોમાં ફેલાયેલાં છે કે જ્યાં માલિકી હક અંગે કાયદાકીય ગુંચ હોય છે અને સામસામે દાવા થયેલા હોય છે. આવી ઘણી જમીનોમાં ત્રીસ-ચાલીસ વર્ષ જૂની વસાહતો હોય છે. ઘણીવાર તો સરકારને પોતે સ્લમ વિસ્તારો ખસેડવામાં રસ હોતો નથી. આવી પરિસ્થિતિમાં આ સ્લમ વસાહતોમાં રહેતા લોકોને 'જ્યાં છે ત્યાં' રહેવાનો હક, શહેર સુધરાઈ તરફથી મળતી સુવિધાઓનું તેમનાં સુધી વિસ્તરણ અને નાની-મોટી લોન લઇ શકે તેવી સુવિધાઓની સૌથી વધારે જરૂરીયાત હોય છે. આવા વિસ્તારોમાં અમદાવાદે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલી પરિવર્તન ઉર્ફ 'સ્લમ નેટવર્કિંગ' યોજના કરેલી છે, જ્યાં વસ્તીને પાણી-ગટર-શૌચાલય-લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ સરકાર અમુક પૈસા લઈને આપે છે. આ પ્રકારે ખરી પબ્લિક-પીપલ પાર્ટનરશીપ થાય છે. શહેરોને ‘સ્લમ-ફ્રી’ બનાવવાનો ટકાઉ રસ્તો તેમને શહેરની સાથે શબ્દાર્થમાં સાંકળવાનો છે નહી કે તેમને શહેર-નિકાલ કરવાનો. આવા ઘણા ઉદાહરણો એશિયાના જ ભારતથી ઓછો વિકાસદર ધરાવતા દેશો જેવા કે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, વિયેતનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરેમાં મોજૂદ છે. 

જો શહેરોને ખરેખર સ્લમ-ફ્રી બનાવવા હશે તો ક્યાંક સરકારે મકાનો બાંધવા પડશે, થોડા-ઘણાં મકાનો ખાનગી બિલ્ડરો બાંધી શકશે પણ મોટાભાગનાં સ્લમ વિસ્તારોમાં ગરીબોએ પોતે બનાવેલા ઘરોમાં સર્વિસ અપગ્રેડેશન કરીને તેમને શહેર સાથે સાંકળવા પડશે. તો જ લોકોને ગરીબીમાંથી બહાર આવવા માટે સીડી મળશે. ગરીબીમાંથી બહાર લાવી મૂકતી સીડીઓ જ દેશના આર્થિક અને સામાજિક વિકાસની 'લીફ્ટ' હોય છે. 

નવગુજરાત સમય, પાન નં 9, 21 સપ્ટેમ્બર (રવિવાર) 2014.

નગર ચરખો: સ્લમ વિસ્તારો - ગેરકાયદેસર દબાણ કે સહિયારું સર્જન?

આજે દુનિયાભરમાંથી ત્રીજા ભાગના ગરીબ લોકો (લગભગ તેત્રીસ કરોડ) ભારતમાં વસે છે અને દુનિયાભરના ચોથા ભાગના શહેરી ગરીબ લોકો (લગભગ દસેક કરોડ) ભારતના શહેરોમાં વસે છે. આ દસ કરોડ લોકો સ્લમ એટલે કે શ્રમિક-ગરીબ વસાહતોમાં પાણી-ગટર-ગંદકીની રોજની બબાલો સાથે રહે છે. આઝાદીના છ-સાત દાયકા બાદ પણ શહેરી આયોજન અને શહેરી સરકારોએ શ્રમિક-ગરીબ વસાહતો અંગે કંઇક કરવાનો પડકાર ગંભીરતાથી ઉપાડ્યો નથી. યુપીએ સરકારની એક આવાસ યોજનાનું સુત્ર હતું ‘સ્લમ ફ્રી શહેરો’. ‘ગરીબી હટાવો’માં જેમ પ્રશ્ન થાય કે અહીં ગરીબોને હટાવવાની વાત છે કે તેમની ગરીબીને હટાવવાની વાત છે. તેમ અહીં સ્લમ-ફ્રી એટલે શહેરનાં ઝૂપડાંને શહેરની બહાર ધકેલવાની વાત છે કે પછી તેમને મૂળભૂત સુવિધા આપીને બાકીના શહેર સાથે જોડી દેવાની વાત છે તેવી મૂંઝવણ તો રહે જ છે. કે પછી આવી મૂંઝવણો રાખવામાં કોઈ ડહાપણ સમજે છે તે બહુ સ્પષ્ટ નથી.
શ્રમિક-ગરીબ વસાહતોનાં ઉદભવવામાં અને ફેલાવામાં ક્યારેક-ક્યારેક સરકારી પ્લાનીંગ તંત્રનું સક્રિય યોગદાન હોય છે. જ્યારે-જ્યારે ખાનગી જમીનોને ગ્રીન બેલ્ટ કે લેન્ડ સીલીંગ જેવા તઘલખી નિર્ણયોને લીધે વિકાસ માટે મંજૂરી નથી મળતી ત્યારે ખાનગી જમીન-માલિકો જમીનને ‘કાઢવા’ બીજા રસ્તા ખોળતા થઇ જાય છે. ખાનગી જમીનમાલિકો પોતાની સરકારી ‘શ્રાપ’થી પીડિત જમીનના ગેરકાયદેસર ભાગ કરીને ગરીબ-શ્રમિક પરિવારોને સસ્તા ભાવે વેચી દે છે કે ભાડે આપે છે. જ્યાં ઔદ્યોગિક કે ધંધાધારી એકમોમાં સસ્તાં મજૂરીની જરૂરિયાત હોય ત્યાં પ્રકારનું ગેરકાયદેસર વેચાણ અને જમીનનો ઉપયોગ ખૂબ ફૂલે-ફાલે છે. શ્રમિકો સ્લમ વસાહતોમાં રહે છે એટલે મજૂરી ‘સસ્તી’ પડે છે એ યાદ રાખવું જરૂરી છે. આ ગેરકાયદેસરતાનો ફાયદો એ થાય છે કે શહેરના પ્રોપર્ટી માર્કેટમાંથી ‘પ્રાઈસ આઉટ’ થયેલા હજારો ગરીબ-શ્રમિક પરિવારોને શહેરમાં ટકી જવા માટે જગ્યા મળે છે. જૂનવાણી પ્લાનીંગની ભૂલો અને રેવન્યુ વિભાગ-પ્લાનીંગ વિભાગ વચ્ચે સંકલનનાં અભાવે શહેરમાં આ પ્રકારના ‘અનૌપચારિક’ જમીન-મકાન માર્કેટને હવા મળે છે. ધીરે-ધીરે લોકો પોતાની સુવિધા પ્રમાણે પોતાના મકાનોમાં રોકાણ કરે છે અને વખત જતા મહાનગરપાલિકાએ તેમને મૂળભૂત સુવિધાઓ પણ આપવાનું શરુ કરે છે.
ગુજરાત-મહારાષ્ટ્રમાં આવી કેટલીય લેન્ડ સીલીંગનાં કાયદા હેઠળ આવતી જમીનો છે જ્યાં આજે ગરીબ પરિવારો રહે છે અને વખત જતાં બે પાંદડે થયા છે. લેન્ડ સીલીંગનાં સરકારી સમાજવાદનું બિલકુલ બીજી રીતે પણ અમલીકરણ અહીં થતું જોવા મળે છે. આવા કેટલાય ગરીબ-શ્રમિક વિસ્તારો દરેક શહેરમાં જોવા મળે છે અને સરકારી રાહે થયેલા પ્લાનીંગનું કેવી રીતે સત્યાનાશ થયું તેની રસપ્રદ કહાનીઓ સંભાળવા મળે છે. આ વાર્તામાં એક જ વિલન શોધવો જરૂરી નથી સિવાય કે પછી ગરીબમાત્રને ‘વિલન’ ગણી લેવામાં આવે. શહેરી પ્લાનીંગે સર્જેલા કાયદાનાં શાસનનાં અવકાશમાં ગરીબ-શ્રમિક વસાહતોનું નિર્માણ બહુ જ વ્યવસ્થિત રીતે એક સમાંતર જમીન-મકાન બજારના ફેલાવા રૂપે થાય છે. હવે આ સમાંતર જમીન-મકાન બજાર જે સૌની આંખ સામે વર્ષો સુધી ફૂલ્યું-ફાલ્યું હોય અને જેના લીધે હજારો પરિવારોને શહેરમાં થોડી જગ્યા મળી હોય તેને માત્ર ‘દબાણ’ તરીકે બ્લેક એન્ડ વ્હાઈટમાં કેવી રીતે જોઈ શકાય?
મોટે ભાગે, આપણા દેશમાં પ્લાનીંગ ભવિષ્ય માટે નહિ પણ ભૂતકાળની ભૂલો સુધારવા થતું હોય છે એટલે હિન્દી  ફિલ્મોમાં બધું પતી ગયા પછી આવતી પોલીસની જેમ સરકારી કાયદેસરતાઓ કોઈ બાંધકામ કે વસાહતોને ‘ગેર-કાયદેસર’ કરાર કરે છે. કાયદાની દ્રષ્ટિએ બધું જ ગેર-કાયદેસર નથી હોતું તેથી આવી વસાહતો કે બાંધકામોને ‘અનૌપચારિક’ કહી શકાય પણ સંપૂર્ણપણે કાયદેસર ન કહી શકાય. આ લોકો માટે, લોકો દ્વારા, લોકોથી રચાતી વસાહતો છે, જેમાં ઔપચારિક પ્લાનીંગની ભૂમિકા ઓછી છે. ગરીબી અને વિષમતાના ઘણા મૂળભૂત કારણો સિવાય, સ્લમ વિસ્તારો ઉદભવવા પાછળ જૂનવાણી પ્લાનીંગ, સાનુકુળ અમલીકરણ અને શહેરી જમીનોનો અણઘડ ઉપયોગ જેવા મજબૂત કારણો છે. આ રીતે જો સ્લમ વિસ્તારો વર્ષોના અણઘડ આયોજન, સ્થાપિત હિતોની લાલચ અને અને ગરીબ વસ્તીની શહેરમાં થોડી જગ્યા ઉભી કરવાની મજબૂરીનું ‘સહિયારું સર્જન’ હોય તો તેમને શહેર સાથે કેવી રીતે સાંકળવા? તે વિષે વધુ આવતાં હપ્તે. 
નવગુજરાત સમય, પાન નં 9, 14 સપ્ટેમ્બર (રવિવાર) 2014.

Sunday, September 07, 2014

નગર ચરખો - સ્માર્ટ સિટીના નામે 'બેવકૂફ સીટી' પધરાવાય છે!


કોઈ માણસના હાથમાં સ્માર્ટ ફોન આપી દો એટલે એ માણસને 'સ્માર્ટ' કહેવાય? ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ, યોગ્ય હેતુ માટે કરવાથી કોઈ સ્માર્ટ બને છે. ટેકનોલોજીને ખિસ્સામાં લઈને ફરવાથી કોઈ સ્માર્ટ થતું નથી. કોઈ પણ વ્યક્તિ સ્માર્ટ તેના વ્યક્તિત્વથી બને છે,  ખિસ્સામાં રહેલી ટેકનોલોજીને લીધે નહિ. સ્માર્ટ વ્યક્તિ પોતાની સાધન-સંપત્તિનો વ્યાજબી ઉપયોગ છે, ભવિષ્ય માટે આયોજન કરે છે, સૌને સાથે લઈને ચાલે છે, બીજાને દોષ દેવા કરતાં પોતાની રીતે આગળ વધવા સતત પ્રયત્ન કરે છે. જ્યારે 'સ્માર્ટ સીટી'ની વાત કરીએ છીએ ત્યારે આ વાત યાદ રાખવાની જરૂર છે.

નવી કેન્દ્ર સરકારે હજી કોઈ સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી નથી પણ 'સ્માર્ટ સીટી'ના વાયરા ચાલતા થઇ ગયા છે. આ વાયરા સાથે સાથે ઘણું બધું ભૂસું ય ઉડી આવે છે. વીસ બંગલાની સ્કીમ મૂકતા ડેવેલોપર પણ 'સ્માર્ટ સીટી'નું બોર્ડ લગાવતાં થઇ ગયા છે. અમુક ટીવી ચેનલોની કલ્પના પ્રમાણેના 'સ્માર્ટ સીટી' જોઇને ચિંતામાં પડી  જવાય છે. રીમોટ કંટ્રોલથી ખૂલતાં દરવાજા, વોઈસ કમાન્ડ પર ચાલતા યંત્રો, સીસીટીવીમાં નોંધાતી દરેક હલચલ, છ-છ લેનના ફ્લાય-ઓવરોનું કમઠાણ અને એસેમ્બલી લાઈન પર ચાલતું યંત્રવત જીવન. આવા શહેરોની કલ્પના લોકો સો વર્ષ પહેલા કરતાં અને આવા 'વિઝન'ની ખીલ્લી ચાર્લી ચેપ્લીને 'મોડર્ન ટાઈમ્સ' નામની ફિલ્મમાં ઉડાવેલી. શહેરોમાં જાત-ભાતની ટેકનોલોજી જડી દેવાથી શહેરો અને તેનું મેનેજમેન્ટ કરતા બાબુ-સાહેબો સ્માર્ટ થઇ જવાના નથી. એ તો કોઈના હાથમાં સ્માર્ટ ફોન પકડાવી દઈને એ માણસ સ્માર્ટ થઇ જાય તેવું સપનું જોવા બરાબર છે.

સ્માર્ટ સીટીના નામે પધરાવાતાં નબળાં ગ્રાફિક્સવાળા થ્રી-ડી વિડીયોમાં માણસજાતનું નામોનિશાન હોતું નથી. ગગનચુંબી ચકમક મકાનો, ગાડીઓ, હેલીકોપ્ટરો અને વિમાનોની ઝાકઝમાળમાં રસ્તે ચાલતો સામાન્ય માણસ શોધ્યો જડતો નથી. કદાચ સુટ-બુટ પહેરો તો જ 'સ્માર્ટ સીટી'માં જવાનો પરવાનો મળતો હશે. કદાચ એ 'સ્માર્ટ' સિટીમાં વસતાં 'સ્માર્ટ લોકો' રસ્તામાં ઉભા રહીને પાણીપુરી નહિ ખાતાં હોય, શેરીઓમાં બાળકો નહિ રમતાં હોય, બાંકડે વૃધ્ધો નહિ બેસતા હોય, રમીલાકાકી મેળવણ માંગવા નહિ જતાં હોય, રીતેશભઈ મોબાઈલ પર સ્કોર ચેક કરતાં-કરતાં પાન ખાવા નહિ જતાં હોય. સ્માર્ટ સિટીની ટેકનોલોજીઓની સાથે સાથે આપણે સ્માર્ટ લોકો પણ આયાત કરીશું? સ્માર્ટ સીટીઓમાં તો ટાઈબંધ સુટ પહેરી રાખતાં સ્માર્ટેશભઈ અને ગોઠણથી પોણો ઇંચ નીચું સ્કર્ટ પહેરીને ફરતાં સ્માર્ટીબેન રહેતા હશે ને!

સ્માર્ટ સીટીના સ્માર્ટનેસની સીધી-સાદી, પ્રેક્ટીકલ, જમીની હકીકતથી પરિચિત વ્યાખ્યા કરવાની જરૂર છે. અડધું શહેર મન ફાવે તેમ બોરવેલથી પાણી ચૂસી લેતું હોય તેને સ્માર્ટ સીટી ન કહેવાય. અડધા શહેરીજનો પાસે દરદીઠ બે કાર હોય અને આખા શહેરમાં ચાલવા ફૂટપાથના ફાંફા હોય તેને સ્માર્ટ સીટી ન કહેવાય. અડધું શહેર રીમોટ કંટ્રોલથી ચાલતા દરવાજા પાછળ રહેતું હોય અને અડધા શહેરમાં વીજળી-પાણી-સડકની બબાલો હોય તેને સ્માર્ટ સીટી ન કહેવાય. ત્રીજા ભાગની વસ્તીને પીવાનું ચોખ્ખું પાણી ન મળતું હોય, દર ચોથા ઘરમાં શૌચાલય ન હોય અને દરેક બીજી ગલીમાંથી કચરાની સફાઈ નિયમિત ન થતી હોય ત્યારે 'સ્માર્ટ સીટી'નો વહીવટ કરવા માટે સ્માર્ટ સરકાર ક્યાંથી લાવીશું? ટૂંકમાં, દરેક નાગરિકને માથે છાપરું હોય, ઘરમાં ટોઇલેટ હોય, ઘરની બહાર ગલી-રસ્તા સાફ હોય અને મુખ્ય રસ્તા પર નિયમિત ચાલતી બસ કે મેટ્રો હોય એટલે સ્માર્ટ સીટી. આ સિવાયની સ્માર્ટનેસ નાગરીકો જાતે મેળવી લેશે!

સ્માર્ટનેસ કુદરતી સંપત્તિનો વ્યાજબી ઉપયોગ કરવામાં છે. સ્માર્ટનેસ મૂળભૂત માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં છે અને તે જળવાઈ રહે તે માટે શહેરી સરકારોને વ્યાજબી નાણાંકીય સ્ત્રોત મેળવી આપવામાં છે. સ્માર્ટનેસ એવા સરકારી નિયમો બનાવવામાં છે જે લોકોને સામે ચાલીને પાળવાનું મન થાય. સ્માર્ટનેસ સ્માર્ટ નાગરિકોને કંઇક નવું કરવા માટે સ્પેસ આપવામાં છે, ટેકનોલોજીનો આંધળો ઉપયોગ કરવામાં નહિ. દરેક રસ્તે સીસીટીવી કેમેરા જડી મૂકવાથી શહેર સ્માર્ટ થશે કે 'બીગ બોસ'નું ઘર થઇ જશે? 'બીગ બોસ'ના ઘરને 'સ્માર્ટ' માનીને તેવા શહેરની કલ્પના કરતાં લોકોને ખરેખર 'બીગ બોસ'ના ઘરમાં લાઈફટાઈમ માટે મૂકી આવવા જોઈએ.

નવગુજરાત સમય, પાન નં 9, 7 સપ્ટેમ્બર (રવિવાર) 2014.