કોઈ માણસના હાથમાં સ્માર્ટ ફોન આપી દો એટલે એ માણસને 'સ્માર્ટ' કહેવાય? ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ, યોગ્ય હેતુ માટે કરવાથી કોઈ સ્માર્ટ બને છે. ટેકનોલોજીને ખિસ્સામાં લઈને ફરવાથી કોઈ સ્માર્ટ થતું નથી. કોઈ પણ વ્યક્તિ સ્માર્ટ તેના વ્યક્તિત્વથી બને છે, ખિસ્સામાં રહેલી ટેકનોલોજીને લીધે નહિ. સ્માર્ટ વ્યક્તિ પોતાની સાધન-સંપત્તિનો વ્યાજબી ઉપયોગ છે, ભવિષ્ય માટે આયોજન કરે છે, સૌને સાથે લઈને ચાલે છે, બીજાને દોષ દેવા કરતાં પોતાની રીતે આગળ વધવા સતત પ્રયત્ન કરે છે. જ્યારે 'સ્માર્ટ સીટી'ની વાત કરીએ છીએ ત્યારે આ વાત યાદ રાખવાની જરૂર છે.
નવી કેન્દ્ર સરકારે હજી કોઈ સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી નથી પણ 'સ્માર્ટ સીટી'ના વાયરા ચાલતા થઇ ગયા છે. આ વાયરા સાથે સાથે ઘણું બધું ભૂસું ય ઉડી આવે છે. વીસ બંગલાની સ્કીમ મૂકતા ડેવેલોપર પણ 'સ્માર્ટ સીટી'નું બોર્ડ લગાવતાં થઇ ગયા છે. અમુક ટીવી ચેનલોની કલ્પના પ્રમાણેના 'સ્માર્ટ સીટી' જોઇને ચિંતામાં પડી જવાય છે. રીમોટ કંટ્રોલથી ખૂલતાં દરવાજા, વોઈસ કમાન્ડ પર ચાલતા યંત્રો, સીસીટીવીમાં નોંધાતી દરેક હલચલ, છ-છ લેનના ફ્લાય-ઓવરોનું કમઠાણ અને એસેમ્બલી લાઈન પર ચાલતું યંત્રવત જીવન. આવા શહેરોની કલ્પના લોકો સો વર્ષ પહેલા કરતાં અને આવા 'વિઝન'ની ખીલ્લી ચાર્લી ચેપ્લીને 'મોડર્ન ટાઈમ્સ' નામની ફિલ્મમાં ઉડાવેલી. શહેરોમાં જાત-ભાતની ટેકનોલોજી જડી દેવાથી શહેરો અને તેનું મેનેજમેન્ટ કરતા બાબુ-સાહેબો સ્માર્ટ થઇ જવાના નથી. એ તો કોઈના હાથમાં સ્માર્ટ ફોન પકડાવી દઈને એ માણસ સ્માર્ટ થઇ જાય તેવું સપનું જોવા બરાબર છે.
સ્માર્ટ સીટીના નામે પધરાવાતાં નબળાં ગ્રાફિક્સવાળા થ્રી-ડી વિડીયોમાં માણસજાતનું નામોનિશાન હોતું નથી. ગગનચુંબી ચકમક મકાનો, ગાડીઓ, હેલીકોપ્ટરો અને વિમાનોની ઝાકઝમાળમાં રસ્તે ચાલતો સામાન્ય માણસ શોધ્યો જડતો નથી. કદાચ સુટ-બુટ પહેરો તો જ 'સ્માર્ટ સીટી'માં જવાનો પરવાનો મળતો હશે. કદાચ એ 'સ્માર્ટ' સિટીમાં વસતાં 'સ્માર્ટ લોકો' રસ્તામાં ઉભા રહીને પાણીપુરી નહિ ખાતાં હોય, શેરીઓમાં બાળકો નહિ રમતાં હોય, બાંકડે વૃધ્ધો નહિ બેસતા હોય, રમીલાકાકી મેળવણ માંગવા નહિ જતાં હોય, રીતેશભઈ મોબાઈલ પર સ્કોર ચેક કરતાં-કરતાં પાન ખાવા નહિ જતાં હોય. સ્માર્ટ સિટીની ટેકનોલોજીઓની સાથે સાથે આપણે સ્માર્ટ લોકો પણ આયાત કરીશું? સ્માર્ટ સીટીઓમાં તો ટાઈબંધ સુટ પહેરી રાખતાં સ્માર્ટેશભઈ અને ગોઠણથી પોણો ઇંચ નીચું સ્કર્ટ પહેરીને ફરતાં સ્માર્ટીબેન રહેતા હશે ને!
સ્માર્ટ સીટીના સ્માર્ટનેસની સીધી-સાદી, પ્રેક્ટીકલ, જમીની હકીકતથી પરિચિત વ્યાખ્યા કરવાની જરૂર છે. અડધું શહેર મન ફાવે તેમ બોરવેલથી પાણી ચૂસી લેતું હોય તેને સ્માર્ટ સીટી ન કહેવાય. અડધા શહેરીજનો પાસે દરદીઠ બે કાર હોય અને આખા શહેરમાં ચાલવા ફૂટપાથના ફાંફા હોય તેને સ્માર્ટ સીટી ન કહેવાય. અડધું શહેર રીમોટ કંટ્રોલથી ચાલતા દરવાજા પાછળ રહેતું હોય અને અડધા શહેરમાં વીજળી-પાણી-સડકની બબાલો હોય તેને સ્માર્ટ સીટી ન કહેવાય. ત્રીજા ભાગની વસ્તીને પીવાનું ચોખ્ખું પાણી ન મળતું હોય, દર ચોથા ઘરમાં શૌચાલય ન હોય અને દરેક બીજી ગલીમાંથી કચરાની સફાઈ નિયમિત ન થતી હોય ત્યારે 'સ્માર્ટ સીટી'નો વહીવટ કરવા માટે સ્માર્ટ સરકાર ક્યાંથી લાવીશું? ટૂંકમાં, દરેક નાગરિકને માથે છાપરું હોય, ઘરમાં ટોઇલેટ હોય, ઘરની બહાર ગલી-રસ્તા સાફ હોય અને મુખ્ય રસ્તા પર નિયમિત ચાલતી બસ કે મેટ્રો હોય એટલે સ્માર્ટ સીટી. આ સિવાયની સ્માર્ટનેસ નાગરીકો જાતે મેળવી લેશે!
સ્માર્ટનેસ કુદરતી સંપત્તિનો વ્યાજબી ઉપયોગ કરવામાં છે. સ્માર્ટનેસ મૂળભૂત માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં છે અને તે જળવાઈ રહે તે માટે શહેરી સરકારોને વ્યાજબી નાણાંકીય સ્ત્રોત મેળવી આપવામાં છે. સ્માર્ટનેસ એવા સરકારી નિયમો બનાવવામાં છે જે લોકોને સામે ચાલીને પાળવાનું મન થાય. સ્માર્ટનેસ સ્માર્ટ નાગરિકોને કંઇક નવું કરવા માટે સ્પેસ આપવામાં છે, ટેકનોલોજીનો આંધળો ઉપયોગ કરવામાં નહિ. દરેક રસ્તે સીસીટીવી કેમેરા જડી મૂકવાથી શહેર સ્માર્ટ થશે કે 'બીગ બોસ'નું ઘર થઇ જશે? 'બીગ બોસ'ના ઘરને 'સ્માર્ટ' માનીને તેવા શહેરની કલ્પના કરતાં લોકોને ખરેખર 'બીગ બોસ'ના ઘરમાં લાઈફટાઈમ માટે મૂકી આવવા જોઈએ.
નવગુજરાત સમય, પાન નં 9, 7 સપ્ટેમ્બર (રવિવાર) 2014.
No comments:
Post a Comment