Saturday, November 27, 2010

એ વેઈવેઈના સૂરજમુખીના કરોડો બીજ

 (તસવીર સૌજન્ય: બીબીસી)
ફોટોગ્રાફર, મૂર્તિકાર, ચિત્રકાર, સ્થપતિ, સિરેમિકના જાણકાર, એન્ટીકના જાણકાર, કલાકૃતિ સંગ્રાહક, લેખક, બ્લોગર, લોકશાહી અને વ્યક્તિગત સ્વાતંત્ર્યના ચળવળકાર જેવી અનેક ઓળખ ધરાવનાર ચાઇનીઝ કલાકાર એ વેઈવેઈ આજના સમયની એક અનોખી પ્રતિભા છે. વેઈવેઈની કળા જલદ છે, અણીયારી છે અને બહુ જ વિચાર પ્રેરક છે. ચીનમાં લોકશાહી અને વ્યક્તિગત સ્વાતંત્ર્યના હક માટે સંઘર્ષ કરતા લોકોમાં વેઇવેઇનુ સ્થાન અનન્ય છે. કારણ, તે વિરોધ મૌલિકતા અને સર્જનાત્મકતાથી કરે છે, પોતાની કળા દ્વારા. વેઇવેઇના કળા જીવનને જોડતી કડીઓ તેમની વેબ સાઈટ પરની આ કડી પર જોઈ શકાશે.

મારો એક આર્કીટેક્ટ  મિત્ર એઈ વેઈવેઈ સાથે કામ કરી ચુક્યો છે. નવેમ્બર, ૨૦૦૭માં બીજીંગમાં હું તેને મળવા એની ઓફિસ/સ્ટુડીઓમાં ગયો. મારી જાણકારી ત્યારે વેઇવેઇના સ્થપતિ હોવા સુધી સીમિત હતી. આ મુલાકાતમાં મને ખબર પડી કે વેઈવેઈ ૨૦૦૮ના ઓલિમ્પિક માટે 'બર્ડ્સ નેસ્ટ' નામનું વિશાળ અને મુખ્ય સ્ટેડીયમ હર્ત્ઝોગ અને દી મ્યુરોન નામના વિશ્વપ્રખ્યાત સ્થપતિઓ સાથે ડીઝાઈન કરી રહ્યો છે. ધીરે ધીરે ખબર પડતી ગઈ કે એઈ વેઈવેઈ નામનો વ્યક્તિ તે તાલીમ પામેલ સ્થપતિ નથી પણ કળાકાર છે અને કળા જગતમાં તેનું કામ અલગ જ સ્થાન ધરાવે છે. ત્યાર બાદ જુદા-જુદા સમાચાર માધ્યમો દ્વારા એઈ વેઇવેઇના  કામ સાથે પરિચય થતો રહ્યો. મારી પેલી નાની મુલાકાત વિશે મને પાછળથી ભાન થયું કે આપણે જેમાં ડૂબકી મારેલી તે પવિત્ર પાણી હતા!
તાજેતરમાં લંડન પ્રખ્યાત ટેટ મોડર્નમાં વેઈવેઈના નવા જ કામનું અનોખું પ્રદર્શન લાગેલું છે - સૂરજમુખીના કરોડો બીજ. સૂરજમુખીના લગભગ દસ કરોડ સિરામિકના બનેલા બીજ તે ચીનના એક આખા ગામની, ૧૫૦૦ વ્યક્તિઓની બે વર્ષની મહેનત છે. સિરામિકના આ બીજ સૂરજમુખીના સાચા બીજ હોવાનો આભાસ ઉભો કરે છે અને વેઇવેઇએ ટેટ મોડર્નના આખા ટર્બાઈન હૉલમાં આ બીજ પાથરી મૂક્યા છે. પ્રદર્શન જોવા આવનાર લોકો આ બીજ પર બેસે છે, તેમને ધ્યાનથી જોવે છે, તેમના ફોટા પડે છે, બાળકો તેની સાથે રમે છે, કોઈ ચર્ચા કરે છે તો કોઈ નાક ચઢાવીને ચાલી જાય છે. ટૂંકમાં, કળાનું એવું સ્વરૂપ કે જેને અડી શકાય, પકડી શકાય, તેની સાથે રમી શકાય અને પછી તરત જ એવો પ્રશ્ન થાય કે આવું કેમ? આ માણસ શું આપણને શું બતાવવા માંગે છે? આ બીજની પાછળ શું છુપાયું છે? કોઈ મજાક તો નથી ને? કેમ સૂરજમુખીના બીજ અને તે પણ આટલા બધા? સીરામીકનો ઉપયોગ કેમ? આવા ઘણા સાહજીક પ્રશ્નો થાય. 

જવાબો જો કે શોધી શકાય તેમ છે. માઓની કીર્તિ જયારે સૂરજની જેમ પ્રવર્તમાન હતી ત્યારે ચીનના નાગરીકો સૂરજમુખીની જેમ તેમ સૂર્ય ઢળે તેમ ઢળતા. આ દર્શાવતા જુના પોસ્ટર પણ છે. આ પ્રદર્શિત સૂરજમુખીના બીજ હજી સૂરજમુખી થયા નથી. અત્યારે તો તે બીજ છે અને તેમની આવતીકાલ આવવાની બાકી છે. આ બીજમાં શક્યતા છે, સ્વપ્ન છે. તેમની સંખ્યા ઘણી મોટી છે, જેમ માનવજાતમાં દરેક પાંચમી વ્યક્તિ ચીનની છે તેમ. ચીનને મોટી સંખ્યા સાથે પણ સંબંધ છે અને સિરામિક સાથે પણ. હજારો વર્ષ જુનો સિરામિક ઉદ્યોગ ચીનની પરંપરાગત કળામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે અને આ કળા ચીનની કલાની આંતર-રાષ્ટ્રીય પ્રતિનિધિ ગણાય છે. આપણે સીરામીકને 'ચીનાઈ માટી' જ તો કહીએ છીએ. બીજું કે આ સૂરજમુખીના બીજના પ્રોજેક્ટે અનેક લોકોને રોજગાર પણ આપ્યો છે તે વળી વેઈવેઈની કળાનો માનવીય ચહેરો છે. આ કરોડો બીજનું પ્રદર્શન, તેમની સંખ્યા, સીરામીકનો ઉપયોગ, તેમની એકરૂપતા અને આખરે તો તેમનું મૌન ઘણું કહી જાય છે. વેઈવેઈની કલાને બીજી અનેક રીતે મૂલવી શકાય છે અને સમજી શકાય તેમ છે. દુનિયાની મહાન કળાઓ હમેશા એકથી વધુ અર્થઘટનો જગાડતી હોય છે. બીજી કોઈ વ્યક્તિના મારાથી જુદા અર્થઘટન હોઈ શકે છે. એક અર્થઘટન એવું પણ છે કે પશ્ચિમના દેશોમાં ચીનની કળા તરીકે વેચાતા સિરામિકના વાસણો અને મૂર્તિઓનો અને તેમના થોકબંધ ઉત્પાદનનો આ એક ઉપહાસ છે, પ્રતિધ્વની છે.

૨૦૦૮નાં વર્ષમાં ચીનના સેઝુઆન પ્રાંતમાં ભયાનક ભૂકંપ આવે છે તેમાં સરકારી આંકડા પ્રમાણે લગભગ સિત્તેર હજાર લોકો મૃત્યુ પામે છે, સાડા ત્રણ લાખ લોકો ઘાયલ થાય છે અને દસેક લાખ લોકો ઘર ગુમાવે છે. સૌથી દર્દનાક વાત એ છે કે સરકારી સ્કૂલો કે જેમના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયેલો, તેમાં દટાઈને હજારો બાળકો મૃત્યુ પામે છે. વેઈવેઈ મૃત્યુ પામેલા બાળકોની સાચી સંખ્યા અંગે અને બાંધકામમાં થયેલી ગોબાચારી અંગે તપાસ કરે છે અને તે અંગે એક બ્લોગ શરુ કરે છે. આ બ્લોગ દ્વારા સ્થાનિક લોકો પોતે જાણતા હોય તેવી મૃત વ્યક્તિઓ વિષે માહિતી આપી શકે તેવી વ્યવસ્થા છે. પાંચેક હજાર લોકોનું લીસ્ટ થાય ત્યાં સુધીમાં તેનો બ્લોગ બંધ કરી દેવામાં આવે છે. સેઝુઆનમાં પોલીસ વેઈવેઈ પર હુમલો કરીને તેને બેરહેમીથી મારે છે. આખરે, સારવાર લીધા બાદ વેઈવેઈ જર્મનીના મ્યુનિક શહેરમાં કળા કેન્દ્રના મકાનના સામેના ભાગ પર તેની નવી કળાકૃતિ રજૂ કરે છે. જે બાળકોના નવ હજાર દફતરોથી બનેલી હોય છે અને તે ચીનની લીપીમાં એક વાક્ય રજૂ કરે છે  - 'તે સાત વર્ષ સુધી આ દુનિયામાં બહુ ખુશીથી જીવી હતી.'

જયારે કલાકારનો મુકાબલો એવી વિશાળ સત્તા અને સામ્રાજ્ય સાથે થાય જ્યાં નગારખાનામાં થતા અવાજ વચ્ચે જીવવું અઘરું થઇ પડ્યું હોય અને પીપૂડી વગાડનાર માત્રને સજા થતી હોય ત્યાં કલાકાર શું કરે? કલાકાર 'ચોટદાર' કળા જ કરી શકે કે જે અવાજ કરે તેના પડઘા પડતા જ રહે. વેઈવેઇના કિસ્સામાં પણ કઈ એવું જ બન્યું છે. તેનો બ્લોગ બંધ થયો તો ટ્વીટર શરુ થયું. તે બંધ થયું તો બીજું કંઈ, નવું કંઈ. માધ્યમો બદલાતા ગયા પણ અવાજ અને મિજાજ બદલાયો નહિ. આ માણસે ફોટોગ્રાફીથી મૂર્તીકામ અને ભીંતકળા, ચિત્રકામથી સિરેમિક, સ્થાપત્યથી લેખન સુધીનું બધું જ કર્યું. વિડીઓગ્રાફી અને ફિલ્મ-મેકિંગ કરીને બધા જ માધ્યમોને ઉખેળ્યા. આ જ કલાકારોનો મિજાજ દર્શાવે છે. લિયોનાર્ડો દ વિન્સી શું ન હતો? તેને વિજ્ઞાની, ફિલસૂફ કે કલાકાર કહેવાથી પણ તેની ઓળખ પૂરી થતી નથી. આજે કળા જગતમાં વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને પોતાનો સંદેશ, પોતાની કળા જગત સુધી પહોચાડવી તે રાહ બતાવનાર કલાકાર તરીકે વેઈવેઈ અગ્રગણ્ય છે.

સી.એન.એન.ના ફરીદ ઝકરિયાએ જયારે ચીનના પ્રિમીઅર વેન જિઆબાઓને પ્રશ્ન પૂછેલો કે શું ચીનમાં ક્યારેય વ્યક્તિગત સ્વાતંત્ર્યમાં છૂટ-છાટ મળશે કે? ત્યારે તેમને તેનો બહુ જ સકારાત્મક જવાબ આપેલો. જો કે, જયારે આ જ ઇન્ટર્વ્યૂ ચીનના સરકારી ટીવીમાં પ્રસારિત થયો ત્યારે આ સવાલ જેવા બીજા સવાલો પણ સેન્સર થઇ ગયેલા. જો ચીનના શાસકે વિદેશમાં આપેલો ઈન્ટરવ્યૂ સેન્સર થઇ શકતો હોય, તો સામાન્ય માણસ માટે રોજ-બરોજમાં કેટલું સહન કરવાનું આવતું હશે? આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર સન્માનિત અને ચીનમાં લોકશાહી માટે ચળવળ ચલાવતા લુ ઝીઓબોને ચીનની સરકારે જેલમાં પૂરી રાખ્યા છે. છેલ્લા સમાચાર મુજબ, નવેમ્બર મહિનાની શરૂઆતમાં વેઇવેઇનો શાંઘાઈમાં બનાવેલો સ્ટુડીઓ 'ગેર કાયદેસર' જાહેર કરીને તોડી પાડવામાં આવ્યો છે. વેઈવેઈ આ તોડફોડની 'ઉજવણી' કરવા ચાહે છે પણ તેને નજરકેદ કરવામાં આવે છે. આખરે તેના પ્રસંશકો અને મિત્રો આ 'ઉજવણી' વેઈવેઈની ગેરહાજરીમાં પૂરી કરે છે. આં, વેઈવેઈની કળા એક ચળવળ બની ચૂકી છે. વેઇવેઇના અનેક વિડીઓ અહી જોઈ શકાશે.
(નોધ: ચીની ભાષાના નામોની જોડણી/ઉચ્ચારો ખોટા હોઈ શકે છે.)

Monday, November 15, 2010

ભારતની પહેલી ફિલ્મ પરની ફિલ્મ - હરીશ્ચન્દ્રચી ફેક્ટરી

કોઈક વખત એવી ફિલ્મ જોવા મળે કે જેમાં એક સીધી-સાદી વાર્તા કહેવાયેલી હોય - ખોટા ઉપદેશ ન હોય, કલાત્મક બનવાનો પ્રયત્ન ન હોય, દર્શકોને બનાવવાનો પ્રયત્ન ન હોય, કંઇક વેચવાનો પ્રયત્ન ન હોય, સાદી વાનગી પર મસાલાનો વઘાર ન હોય. ફિલ્મ તેની વાર્તાને ઈમાનદારીથી વળગી રહે અને સહજતાથી આખી વાર્તા કહેવાઈ જાય. આવી ફિલ્મો મળવી મુશ્કેલ છે અને બહુ વખતે હાથ લાગતી હોય છે. 'હરીશ્ચન્દ્રચી ફેક્ટરી (૨૦૦૯)' કંઇક આવી જ મરાઠી ફિલ્મ છે. ક્યાંકથી બાતમી મળી કે આ ફિલ્મ જોઈ લેવાની એટલે જોઈ લીધી - અંગ્રેજી સબ-ટાઈટલ સાથે.

ફિલ્મનું કથાનક લગભગ સો વર્ષ પહેલાનું છે અને વાર્તા મજાની છે. ધુંડીરાજ ફાળકે નામના ભેજાગેપ માણસને ફિલ્મ બનાવવાનું ભૂત વળગે છે અને તે સમાજથી સામા પ્રવાહે તરીને અને તેની પત્ની તેમજ બાળકોના અદમ્ય સહકારથી  ફિલ્મ બનાવે છે તેની આ કથા છે. આ ફિલ્મ તે 'રાજા હરિશ્ચન્દ્ર' નામની ફાળકેએ ૧૯૧૩માં બનાવેલી ભારતની પહેલી ફીચર ફિલ્મ. વીસમી સદીની શરૂઆતમાં ભારતીય શહેરોમાં મનોરંજન માટે બહાર ફરવા જવું તે દારૂ-જુગારની પ્રવૃત્તિ જેવું ગણાતું. ફિલ્મ-નાટક જેવા મનોરંજન તો અંગ્રેજ અને બીજી પ્રગતિશીલ કોમો પારસી, બહોરા વગેરેમાં જ પ્રચલિત હતા. ભારતમાં અંગ્રેજ-રાજમાં પહેલી વાર, કશાય અનુભવ વગર ફિલ્મ બનાવવાનું માથા પર લેવું અને તેને ભારે તકલીફ વેઠીને પાર પાડવું તે સાહસ માટે જ હવે આપણે ધુંડીરાજ ફાળકેને 'દાદાસાહેબ' તરીકે સન્માનીએ છીએ. 

સમાજમાં નવો ચીલો ચાતરનારને કોઈ ગાંડા ગણે, કોઈ હસી કાઢે, કોઈ સમજાવે ને કોઈ સહાનુભુતિ ઢોળે. છેવટે શાંતિથી જીવવા ન દે. બધા લોકો એક સરખા ગાયોના ધણની જેમ એક બીજાની પાછળ ચાલ્યા કરે તો કઈ વાંધો નહિ પણ કઈ નવું કામ નહિ કરવાનું અને સમાજની પ્રણાલીઓને પર પ્રશ્નાર્થ નહિ લગાડવાનો. ધુંડીરાજ ફાળકેને તેના સગા-વહાલા 'હરિશ્ચન્દ્ર' કહીને બોલાવતા અને મશ્કરી કરતા. પોતાના પ્રિન્ટીંગ પ્રેસના ભાગીદારોથી છુટા પડતા ફાળકેએ તેમને વચન આપેલું કે તે આ ધંધામાં પાછા નહિ ફરે. અને ફાળકે એ ધંધામાં પાછા ન ફર્યા, લોકોએ સમજાવ્યા અને નાણા ધીર્યા તો પણ. તેમણે પોતાની નવી ફેક્ટરી ચાલુ કરી - ફિલ્મ બનાવવાની ફેક્ટરી. તેમણે ફિલ્મ સર્જક તરીકે ૧૯ વર્ષના ગાળામાં ૯૫ ફીચર ફિલ્મો અને ૨૬ શોર્ટ ફિલ્મો બનાવી. ૧૯૩૨ પછી બોલતી ફિલ્મનો જમાનો આવતા ફાળકે નિવૃત્ત થઈને નાસિક જતા રહ્યા. 

આ ફિલ્મએ ફાળકેના પહેલી ફિલ્મ (રાજા હરિશ્ચંદ્ર) બનાવવાના પ્રયત્નોનું નિરૂપણ કરે છે. ફાળકેના તેમની પત્ની સરસ્વતી અને બાળકો સાથેના સંબંધો સરસ દર્શાવાયા છે. ઘણે અંશે ભારતની પહેલી ફીચર ફિલ્મ 'ગૃહ ઉદ્યોગ' હતી અને તેમાં દાદાસાહેબ જેટલો જ તેમના પરિવારનો ફાળો છે. 'ધ લાઈફ ઓફ ક્રાઈસ્ટ' નામની ફિલ્મ જોઇને ફાળકેને ભારતીય પૌરાણિક ફિલ્મ બનાવવાનો વિચાર આવેલો. આ સાથે-સાથે ભારતમાં ફિલ્મ બનાવી શકાય તે સાબિત કરવાની ધૂન પણ જરૂર હશે. ફાળકેએ નોખી માટીના બનેલા હશે એ ચોક્કસ. ફિલ્મ સર્જક તરીકે તેમને રશિયન ફિલ્મ-સર્જક આઈઝેનસ્તાઈન (બેટલશીપ પોટેમકિન, ૧૯૨૫) જેવા મહાન ન કહી શકાય પણ ભારતીય ફિલ્મ જગતને પહેલા ડગલા માંડતા કરવામાં તેમનો ફાળો અનન્ય છે. 

એ સમયે મુંબઈમાં ગોખલે અને ટીળકના નામ બોલાતા હતા પણ ફિલ્મમાં રાજકીય ઘટનાક્રમ કે ફાળકેની દેશ-દાઝ વગેરેની બહુ મહત્વ નથી આપ્યું. વળી, હળવી ફિલ્મ બનાવવા માટે ઘણી ઘટનાઓનું સરળીકરણ થતું હોય છે, જે આ ફિલ્મમાં પણ બન્યું હોય તેવું લાગે છે. જેમકે ફાળકેએ  ફિલ્મ-સર્જન શીખવા માટે કરેલા લંડન પ્રવાસમાં રંગ-ભેદના કે બીજા માઠા અનુભવો ન થયા હોય તે શક્ય નથી. આવા અનેક વાંધા-વચકા કાઢી શકાય પણ એકંદરે ફિલ્મ સરસ બની છે, સરળ છે અને ઝડપથી ગળે ઉતારી જાય તેવી છે. જોઈ નાખો ત્યારે! 
(રાજા હરિશ્ચંદ્ર, ૧૯૧૩નુ એક દ્રશ્ય)

Tuesday, October 19, 2010

વાનર-જગત અને માનવ-જગતની એક અમર કથા

૧૯૬૦નાં દાયકામાં બનેલી અમુક ઘટનાઓ આમ તો સામાન્ય હતી પણ લાંબા ગાળે તેમણે વન્ય-જીવન સંશોધનના ઇતિહાસને બદલી નાખ્યો છે. વાત જાણે એમ છે કે પાશ્ચાત દેશોમાંથી આવતી ત્રણ યુવાન સ્ત્રીઓ જેન ગુડોલ (બ્રિટન), ડાયેન ફોસી (અમેરિકા) અને બીરુત ગાલ્દીકાસ (જર્મની) દુનિયાના સૌથી બિહામણા, ગીચ જંગલોમાં અનુક્રમે ચિમ્પાન્ઝી (તાન્ઝાનિયા), ગોરિલ્લા (રવાન્ડા) અને ઉરાંગ ઉટાંગ (દક્ષીણ-પૂર્વ એશિયા)નો તેમના કુદરતી વાતાવરણમાં લાંબા ગાળાનો અભ્યાસ કરવા જાય છે. શરૂઆતમાં આ ત્રણેય પાસે વન્ય-પ્રાણીઓ અંગેના સંશોધન કરવા અંગે કોઈ અનુભવ ન હતો કે કોઈ ઊંડું વૈજ્ઞાનિક જ્ઞાન પણ ન હતું. તેમની પહેલા કોઈ પણ સંશોધકોએ વન્ય-પ્રાણીઓ પર લાંબા ગાળાના શંશોધનો કુદરતી વાતાવરણમાં, પ્રાણીઓ સાથે જ રહીને કર્યા ન હતા. તેથી જંગલમાં રહેતા મોટા વાનરો અને તેમના સામાજિક સંબંધો, સામુહિક વર્તન,  નર-માદા વચ્ચેના સંબંધો, સંવનન, બે સમૂહો વચ્ચે આદાન-પ્રદાન વગેરે અનેક વિષયો પર કામ થયેલું ન હતું. 
(Leakey Foundation Co-Founder Joan Travis, with the Leakey's Angel's: Galdikas, Goodall and Fossey. Photo courtesy: http://leakeyfoundation.org/about-us/)
આ ત્રણેયને ભેગા કરનાર છે એક ભેદી કે ભેજાગેપ કે પછી ઘણી વાર  વગોવાયેલું વ્યક્તિવ - લુઇસ લિકી. આ ત્રણેય અભ્યાસુઓને કેટલાક લોકો 'લિકી'સ એન્જેલસ'ના નામે પણ ઓળખે છે. લિકીને એવા અભ્યાસુઓ જોઈતા હતા કે જે મોટા વૈજ્ઞાનિક ન હોય તો ચાલે પણ તેઓમાં લાંબો સમય રહીને વાનર-પ્રજાતિનો અભ્યાસ કરવાની તાલાવેલી ધરાવતા હોય. લિકીને ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ માટેના જીવંત ઉદાહરણોનો અભ્યાસ કરવાનો ઊંડો રસ. તે સિવાય, લિકીને આ ત્રણેયની સુંદરતામાં પણ રસ ખરો કે આ ત્રણેયના (કે તેમના સંશોધનના) 'સ્વામી-અધિપતિ' થવામાં એ વિષે જાત-જાતની વાયકાઓ છે. પરંતુ આ ત્રણેય સંશોધકોને ત્રણ અલગ-અલગ મોટી કદના વાનરની પ્રજાતિનો લાંબા ગાળાનો અભ્યાસ કરવાનો વિચાર આપનાર અને  શરૂઆતમાં ભંડોળ માટે ભાગ-દોડ કરનાર લુઇસ લિકી વગર આ આખી ઘટના શક્ય નહોતી. તેમની સંસ્થા આજે પણ કાર્યરત છે. 
લુઇસ લિકીથી અંજાયા-ભરમાયા વગર ત્રણેય સંશોધકોએ પોત-પોતાના ચીલા ચાતર્યા. જેન ગુડોલ છેક ૧૯૬૦ની શરૂઆતથી અત્યાર સુધીનો સમય 'ગોમ્બે નેશનલ પાર્ક'માં વિતાવી ચુક્યા છે અને તેઓ ચીમ્પાન્ઝીની બે-ત્રણ પેઢીથી પરિચિત છે. તેમના સંશોધનો પ્રાઈમેટોલોજી, ઝુઓલોજી (પ્રાણીશાસ્ત્ર) અને એન્થ્રોપોલોજી (માનવશાસ્ત્ર)ની દ્રષ્ટીએ અનન્ય છે. જેમકે, ચિમ્પાન્ઝી માત્ર શાકાહારી હોવાની વાત ખોટી છે. તેઓ ધારે ત્યારે માંસભક્ષી પણ બની શકે છે. તે ઉપરાંત, નૂર્વંશશાસ્ત્રની દ્રષ્ટીએ મનુષ્યના પ્રારંભિક કાળના પૂર્વજો, તેમનું સામાજિક કે સામુહિક વર્તન વિશેની ખૂટતી કડીઓ પણ ચીમાંન્ઝીના અભ્યાસ પરથી મળે છે. તેમનું ૧૯૭૧માં પ્રકાશિત થયેલું પ્રથમ પુસ્તક 'ઇન ધ શેડો ઓફ મેન' વિશ્વની ૪૮ ભાષાઓમાં રૂપાંતરિત થઇ ચુક્યું છે અને તેમના પર ઘણી ફિલ્મો બીબીસી અને નેશનલ જ્યોગ્રાફીકે બનાવેલી છે. આજે ૭૪ વર્ષની ઉમરે પણ જેન પોતે અને તેમની સંસ્થા દ્વારા તાન્ઝાનીયામાં ચિમ્પાન્ઝીના સંરક્ષણ અને સંવર્ધન માટે કામ એક  ચળવળની માફક કરે છે. 
લગભગ ડાયેન ફોસીના નસીબમાં વધુ કઠણાઈઓ અને મુશ્કેલીઓ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ 'માઉન્ટેન ગોરિલ્લા'નામે ઓળખાતા ગોરીલ્લાનો અભ્યાસ રવાન્ડાના દુર્ગમ, ભારે ઉંચાઈ ધરાવતા પહાડોમાં સતત ભેજ વાળા વાતાવરણમાં કરવાનો હતો. 'કિંગ કોંગ'ના નામે બદનામ થઇ ચુકેલા આ જંગલી મહાકાય વાનર સાથે ડાયેન બહુ શાંતિ-પૂર્ણ સહ-અસ્તિત્વ ધરાવતી થઇ. તેમના શબ્દોમાં ગોરિલ્લા ' માન-સન્માન ધરાવતા, બહુ જ સામાજિક, સૌમ્ય, અલગ વ્યક્તિત્વ ધરાવવા છતાં કૌટુંબિક સંબંધોમાં માનનારા' પ્રાણી છે. ડાયેને 'ગોરિલ્લાઝ ઇન ધ મીસ્ટ' નામનું આંતર-રાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તક ૧૯૮૦માં પ્રસિદ્ધ કર્યું. પરંતુ ડાયેનનો સીધો મુકાબલો ગેરકાયદેસર રીતે ગોરીલ્લાનો શિકાર કરતા કેટલાયે જૂથો સાથે થયો. ડાયેન જેમને વર્ષોથી ઓળખતી હતી તેવા કેટલાક ગોરિલ્લાના શબ જંગલમાંથી મળી આવ્યા અને આ ઘટનાઓએ ડાયેનને સંશોધકને બદલે ગોરીલ્લાની સંરક્ષક અને ચળવળકાર બનાવી મૂકી. તેણે સતત ભેજયુકત વાતાવરણમાં રહેવાથી તેની લથડતી તબિયતને ધ્યાનમાં લીધા સિવાય આ શિકારીઓ અને સ્મગલરો સામે લડત આપી. પરંતુ, ૧૯૮૫માં ડાયેનની તેની જ કેબીનમાં ઘાતકી રીતે હત્યા થઇ અને હત્યારાઓ હજુ સુધી ફરાર છે. આખરે ડાયેનને તેણે પોતે અકુદરતી મૃત્યુ પામેલા ગોરિલ્લા માટે બનાવેલા સ્મશાનમાં જ દફનાવામાં આવી. ડાયેન ફોસીના જીવન પરથી હોલીવુડમાં આ ફિલ્મ પણ બનાવવામાં આવી છે. 
જેન અને ડાયેનથી દસેક વર્ષ પછી ઉરાંગ ઉટાંગ પર સંશોધન શરુ કરનાર બીરુત પ્રમાણમાં ઓછા પ્રખ્યાત છે અને તેઓએ મોટાભાગનું જીવન જેન અને ડાયેને સ્થાપિત કરેલી પધ્ધતિઓ પર કામ કરીને અને અધ્યાપન કરીને પસાર કર્યું છે. છતાં એક સંશોધક અને વન્ય-જીવન સંવર્ધક તરીકે તેમનું પ્રદાન પણ અનન્ય છે અને તેઓ આજે કેનેડામાં અધ્યાપનનું કામ કરે છે. 
સનસનીખેજ વાર્તાની બીજી બાજુ
આ આખી ઘટના સનસનીખેજ છે, રોમાંચક છે અને મહદ અંશે ફિલ્મી છે કે પછી વર્ષોથી સમાચાર માધ્યમોમાં ફિલ્મી રીતે 'વેચાઈ' રહી છે. હોલીવુડને આ વાતમાં રસ પડ્યો છે, જે બહુ સ્વભાવિક વાત છે. આ 'વાર્તા'માં રસ પડે છે તેનું કારણ તેમાં 'બ્યુટી એન્ડ બીસ્ટ 'વાળો મસાલો છે. જેન ગુડોલ તો કહે પણ છે કે ઘણી વાર 'એક એકલી સ્ત્રી, ગાઢ જંગલમાં પ્રાણીઓ વચ્ચે ફરે છે' તે વાતને મૂળ સંશોધન કરતા વધુ મહત્વ મળે છે. પણ આ સનસનીખેજ વાર્તામાં મૂળ મુદ્દો છે, જંગલોનું નિકંદન, ગેરકાયદેસર શિકાર અને માનવ યુદ્ધોના ક્રોસ-ફાયરમાં પ્રાણીઓનું સપડાઈ જવા જેવી ઘટનાઓ (જે  રવાન્ડામાં બનેલું). આ પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનના પ્રશ્નની બીજી બાજુ છે ઓછી આવક ધરાવતા આફ્રિકન દેશોમાં 'નેશનલ પાર્ક'ના નિભાવ અને ખર્ચ માટે શું કરવું? વાઈલ્ડ-લાઈફ ટુરીઝમ? ડાયેન ફોસીએ તેનો સખત વિરોધ કરેલો. તેના માનવા પ્રમાણે વન્ય પ્રાણીઓને તેમના કુદરતી વાતાવરણમાં છોડી દેવા જોઈએ અને જંગલને 'ઝૂ બનાવવાના' પ્રયત્નો નહિ કરવા જોઈએ. થોડા-ઘણા બચેલા પ્રાણીઓમાં માનવી જેવી (શારીરિક) બીમારી ઘાતક નીવડી શકે છે. આ વિરોધને 'પ્રેક્ટીકલ નથી' એમ કહીને બહુ મહત્વ નહિ મળેલું. પરિણામે, હવે ટુરિસ્ટ જંગલમાં જઈ શકે છે અને ગોરિલ્લાને નજીકથી જોઈ શકે છે. આ આખી પ્રવૃત્તિ નેશનલ પાર્કને ઘણા રૂપિયા રળી આપે છે. 
અહી વન્ય-પ્રાણી સંવાર્ધાના મુદ્દે એ તણાવ તો રહે જ છે - શેને ધંધો બનાવવો અને શેને નહિ? પ્રાણીઓને 'વેચવા' કે નહિ? ક્યાં સુધી વેચવા? જંગલની ઘટતી જતી સીમાઓનું શું? શું આપણે માનવ જાત તરીકે પ્રાણીઓને જંગલમાં શાંતિથી જીવવા દેવામાં માનીએ છીએ અને તેમને નાના-મોટે પડદે જોઇને ખુશ છીએ? કે પછી માનવ જાતને દરેક વસ્તુને 'જોવા લાયક, વેચવાલાયક અને ફોટા પાડવાલાયક' બનાવી જેવા જ રસ છે? 
વાનર-માનવ સ્વભાવની બીજી બાજુ 
કોઈ પરફેક્ટ નથી. માણસ આખરે માણસ છે. 'લીકીઝ એન્જેલસ' પર એવા આરોપો પણ થયા છે કે તેમણે 'વૈજ્ઞાનિક નિરપેક્ષતા'ને બાજુમાં મુકીને પ્રાણીઓ સાથે સંબંધો વધારેલા, પ્રાણીઓનું વધારે પડતું ભાવવાહી વર્ણન કરેલું અને વાનરોને કેળાની 'લાંચ' આપીને તેમની સમાજ-વ્યવસ્થા બગડી મુકેલી. વાનરોની અંદર-અંદર થયેલી અથડામણ માટે જેન ગુડોલની પદ્ધતિઓને જવાબદાર ગણવામાં આવેલા. ડાયેન પર તો એવા આરોપો હતા કે તેણે કોઈ શિકારીના કુટુંબીઓનું અપહરણ કરીને ધાક-ધમકીઓ આપેલી. કોઈ પકડાયેલા શિકારીનું જાહેરમાં ફાંસી આપવાનું ખોટું નાટક પણ કરેલું. ટૂંક માં, એવું કે જેન કે ડાયેન કોઈ મહાન વ્યક્તિઓ નહિ પણ સામાન્ય માણસ હતા અને તેમણે તેમની સામાન્ય બુદ્ધિ અને લાગણીશીલતાથી અમુક નિર્ણયો કર્યા, જે અંતે કોઈના માટે ફાયદારૂપ ન થયા પરંતુ, ડાયેને તેના વાનરોને બચાવતા શહીદી વહોરી છે અને જેન ચિમ્પાન્ઝીના બચાવ માટે દાયકાઓથી કામ કરી રહી છે. 
બીજું, જેન ગુડોલે પણ નવા-સવા અભ્યાસુ તરીકે ચિમ્પાન્ઝીને સંવેદનશીલ અને સૌમ્ય પ્રાણીઓ આલેખેલા. તેના અભ્યાસના વર્ષો બાદ એંસીના દાયકામાં બહુ ભયંકર ઘટના બની. ચિમ્પાન્ઝીઓની વસ્તીમાં કુદરતી વધારો થયો, અંદર-અંદર મારામારી થઇ, બે જૂથ રચાયા અને તેઓ અલગ અલગ રહેવા લાગ્યા. એક દિવસ, એક જૂથના નર વાનરોએ ભેગા થઈને બીજા જૂથના એક એક વાનરોને ક્રુરતાથી બાળકો સહીત મારી નાખ્યા. જેન ગુડોલ કહે છે કે આ ઘટના બાદ હું આ વાનરોને (અને માનવ જાતને) વધુ સમજતી થઇ. બે જૂથોનું રચાવું કુદરતી હતું છતાંય કેટલું ઘાતક હતું? માનવ જાત પણ વાનરોથી બહુ અલગ નથી. ૧૯૯૪માં રવાન્ડામાં જાતીભેદના કારણે ભયંકર ગૃહયુદ્ધ થયું જેમાં દસેક લાખ લોકો હોમાઈ ગયા. આ માનવ ઇતિહાસમાં બીજા વિશ્વયુદ્ધ પછીની માનવજાતે સર્જેલી બીજી મોટી કત્લેઆમ હતી. આવી ઘટના વખતે વિચારવાનું મન થાય કે શું માનવ જાત ખરેખર ઉત્ક્રાંતિ પામી છે? 

(લાગે છે આ બ્લોગ પર ઓક્ટોબરનો મહિનો વન્ય-જીવન સ્પેશીયલ બની રહ્યો છે. આ પોસ્ટ બે-ત્રણ ડોક્યુમેન્ટરી ફિલ્મો જોયા પછી લખાઈ છે અને ખૂટતી કડીઓ 'વિકિપેડિયા'એ તેમજ નેશનલ જ્યોગ્રાફિક અને બીબીસીના આર્કાઈવે જોડી આપી છે. બહુ લાંબી પોસ્ટ થઇ ગઈ છે, જો અહી સુધી પહોચ્યા હોવ તો આભાર!)