Thursday, June 24, 2010

વાન ગોગ અને ચિત્રો-૨ (Kurosawa's Dreams)

આ વાન ગોગ અંગેની પોસ્ટમાં અકીરા કુરોસાવાના 'ડ્રીમ્સ' (૧૯૯૦) વિષે વાત થયેલી. આ ફિલ્મ એમ તો અલગ- અલગ સ્વપ્નોનું સંયોજન છે અને તેમનું એક 'સ્વપ્ન' છે વાન ગોગ વિષે. યુ ટ્યુબ પર આખે-આખું સ્વપ્ન મળી આવ્યું છે જેની લીંક ઉપર આપેલી છે. 

વાન ગોગે દક્ષીણ ફ્રાન્સના આર્લ્હ  અને તેની આસપાસના વિસ્તારમાં વિતાવેલો સમય (૨૧ ફેબ્રુઆરી ૧૮૮૮ - ૨૭ જુલાઈ ૧૮૯૦સૌથી વધુ ચર્ચાસ્પદ રહ્યો છે. અહી વાન ગોગ મૃત્યુ પર્યંત રહ્યો અને અહી કરેલું તેનું કામ અમર થઇ ગયું છે. કુરોસાવા અહીના વાન ગોગને સ્ટીમ એન્જીન સાથે સરખાવે છે.  તેનામાં ઉશ્કેરાટ છે, જુસ્સો છે, અપરંપાર બેચેની છે છતાં તેના ચિત્રોમાં કુશળતા, શૈલી કે વિષય વસ્તુનો ભોગ નથી લેવાયો. આ સમયના વાન ગોગ વિષે જાત-જાતની વાતો પ્રચલિત છે - જેમકે વાન ગોગે તેનો કાન કાપી નાખેલો તે. કુરોસાવાનો વાન ગોગ કહે છે કે, હું તેને વ્યવસ્થીત દોરી શક્યો નહિ એટલે... 

અહી વાન ગોગ બે વર્ષમાં જે કરી શક્યો, તે બે વર્ષ કળાજગતના ઇતિહાસમાં અનન્ય છે. તેના બહુ પ્રખ્યાત ચિત્રો જેવા કે, બેડરૂમ ઇન આર્લ્હ, દ રેડ વાઈનયાર્ડ, દ નાઈટ કેફે, ચેર, સ્ટારી નાઈ, યલો હાઉસ, વ્હીટફિલ્ડ્સ વિથ દ ક્રોવ્સ, સન ફ્લાવર્સ અને સંખ્યાબંધ સેલ્ફ-પોટ્રેટ્સ વગેરે અહી આ બે વર્ષના ગાળામાં રચાયા છે. વાન ગોગનો પ્રખ્યાત 'વાન ગોગ યલો' એટલે કે તેના ચિત્રોમાં 'સખત' પીળા રંગનો ઉપયોગ તો જાણે કે દક્ષીણ ફ્રાન્સના તીવ્ર તડકાની જ દેન છે. અહી વાન ગોગે પસંદ કરેલા વિષય વસ્તુ બહુ સામાન્ય છે પરંતુ બહુ જ અસામાન્ય છે આ વિષયોને રજુ કરવાની શૈલી અને તેમને 'ફ્રેમ' કરવાની પધ્ધતિ. અહી તેના ચિત્રોના ઘાટ્ટા-ઘટ્ટ લસરકા, રંગોનું મિશ્રણ, રંગોનો ઉપયોગ સામાન્ય વિષયોને નવો અર્થ આપે છે, તેમને નવી રીતે રજુ કરે છે. સ્ટારી નાઈટ જોઇને એમ થાય છે કે કેવા માણસને 'આવું' આકાશ દેખાતું હશે? વાન ગોગનું આકાશ ભડકે બળે છે. ગાઢ રાત્રે સર્વત્ર અંધકાર નથી પણ પ્રકાશના તેજ લીસોટાઓનો અંધકાર ખાળવાનો મરણીયો પ્રયાસ છે. ઓગણીસમી સદીના અંતમાં એક અશાંત કલાકાર ઔદ્યોગિક ક્રાંતિ, કેમેરાની શોધ અને આધુનિકતાના વંટોળમાં અટવાયેલા કળા જગતને કલાની નવી વ્યાખ્યા અને સમજ આપી જાય છે. 

કુરોસાવા તેનું સ્વપ્ન વ્હીટફિલ્ડ્સ વિથ દ ક્રોવ્સથી પૂરું કરે છે. જીવનના અંતનું નિરૂપણ કરતુ આ ચિત્ર જોઇને રાવજી પટેલના શબ્દો - 'મારી આંખે કંકુના સુરજ આથમ્યા', 'અજવાળા પહેરીને ઉભા શ્વાસ'  અને 'મને લાગે સજીવી હળવાશ'નું સ્મરણ કરાવે છે. જગતભરના કલાકારોને પ્રેરણા આપનાર વાન ગોગને કલાકારોએ આગવી રીતે યાદ કર્યો છે અને કરતા રહ્યા છે. કુરોસાવા સિવાય ડોન મેકલીન - પ્રખ્યાત કન્ટ્રી સંગીતજ્ઞ  સ્ટારી સ્ટારી નાઈટ્સ ગાઈને/લખીને વાન ગોગને યાદ કરે છે.  આ સિવાય વાન ગોગે સેન્ટ રેમીના ઈસ્પિતાલમાં વિતાવેલા સમયને સ્પર્શીને લખાયેલી ગુલઝારની એક સુંદર કવિતા પણ છે. બે-ત્રણ ફિલ્મો બનવા છતાં ફિલ્મોમાં હજુ સુધી વાન ગોગને પુરતો ન્યાય નથી મળ્યો. પરંતુ ગુજરાતીમાં વાન ગોગ લઇ આવનાર 'સળગતા સુરજમુખી'ના અનુવાદક/લેખક વિનોદ મેઘાણીને યાદ કરવાનું મન થાય જ. 

નોંધ: પહેલી પોસ્ટ વાંચીને જે મિત્રોએ વાન ગોગ અંગે માહિતી આપી તે સૌનો આભાર. ખાસ તો આશિષ વશી અને સૌમિત્ર ત્રિવેદી. 

Sunday, June 13, 2010

સાઉથ આફ્રિકામાં ફૂટબોલ વાયા ઇન્ડિયા

ફૂટબોલ ખરા અર્થમાં વિશ્વ-રમત છે. કોઈ પત્રકારે પેલેને પૂછેલું કે 'ફૂટબોલ દુનિયાભરમાં આટલી લોકપ્રિય રમત કેમ છે.' તેણે જવાબ આપેલો કે 'કોઈ પણ નાના બાળકની આગળ તમે ફૂટબોલ મૂકી જુઓ તે તેને કિક મારશે અને રમવા લાગશે એટલે ફૂટબોલ આટલી લોકપ્રિય રમત છે.' સાઉથ આફ્રિકામાં ફૂટબોલનો વિશ્વકપ - મહાકુંભ શરુ થઇ ચુક્યો છે. અને આ ખરા અર્થમાં વિશ્વકપ છે. દુનિયાના દરેક ખંડમાં છેલ્લા એક-બે વર્ષથી ક્વાલીફાયિંગ રમતો રમાઈ ચુકી છે અને તેમાંથી ૨૪ દેશો સફળતા પૂર્વક પોતાની ઉમેદવારી વિશ્વ ચેમ્પિયન બનવા માટે નોધાવી ચુક્યા છે. દર ફૂટબોલ વિશ્વકપની જેમ આ વખતે પણ ખરો મુકાબલો લેટીન અમેરિકાના દેશો અને યુરોપના દેશો વચ્ચે જ હશે. આફિકાના અમુક દેશો પણ સારું પ્રદર્શન કરશે પણ કદાચ ફાઈનલ રાઉન્ડ સુધી નહિ પહોંચી શકે. સ્પેન, બ્રાઝીલ, આર્જેન્ટીના અને ઇટાલી આ વખતે ચેમ્પિયનશીપ જીતવા માટે ફેવરીટ મનાઈ રહ્યા છે.

પુણે શહેરમાં ફૂટબોલ નિયમિત રીતે રમતા એક યુવાન મિત્ર-વર્તુળને હું ઓળખાતો થયો છું. તેઓ લગભગ વીસ વર્ષથી એટલેકે તેમના સ્કુલના સમયથી સાથે ફૂટબોલ રમે છે, સાથે ફૂટબોલ જોવે છે,ચર્ચાઓ કરે છે અને સ્થાનિક ટુર્નામેન્ટમાં ભાગ લે છે. સાથે ફિલ્મ જોવા જાય છે, પાર્ટી કરે છે, કેમ્પ-ફાયર કરે છે, ગીટાર લઈને ગીતો ગાય છે અને એક બીજાની મજાક-મશ્કરી કરે છે. તેમની ભાઈબંધી ફૂટબોલથી શરુ થાય છે અને ફૂટબોલની આસપાસ ધબકે છે. હવે તો લગભગ વીસથી પચીસ મિત્રોનું મંડળ છે. મોટા ભાગના મિત્રો હવે નોકરી કરે છે અને દર શનિ-રવિવારે નિયમિત રીતે સાથે ફૂટબોલ રમે છે ક્યારેક તો પોતાના ખર્ચે મેદાન ભાડે લઈને પણ. ગજબનો ટીમ સ્પીરીટ છે તેઓમાં જે કદાચ સાથે વર્ષોથી રમતા હોવાને લીધે આવતો હશે. તેઓ મને કહે છે કે ફૂટબોલ સહિયારી રમત છે, ટીમ ગેમ. એક બીજાના વિશ્વાસ પર, એક બીજાના રોલ સમજીને રમાતી રમત. બધા જ ખેલાડીઓ ફોરવર્ડ કે સ્ટ્રાઈકર ખેલાડીઓ સુધી બોલ પહોચાડવાનો પ્રયત્ન કરે છે કે જેથી તે ગોલ કરી શકે. મોટે ભાગે જોરદાર માન-સન્માન સ્ટ્રાઈકરને મળે છે જેમ ક્રિકેટમાં બલ્લેબાજોને મળે છે તેવી રીતે. પણ ફૂટબોલ ખરા અર્થમાં ટીમ ગેમ એટલા માટે છે કે એક સાથે અગિયાર ખેલાડીઓએ કળા બતાવવાની હોય છે.

પુણે શહેરના આ મિત્રો કોઈ પણ અપેક્ષા કે મદદ વગર ફૂટબોલ રમે છે અને તેમના જેવા કંઇક કેટલાયે યુવાનો હશે કે જેઓ રમતના પ્રેમ માટે કે પેશન માટે જ રમતા હશે અને તે રમત જ તેમના જીવનનો, તેમની પર્સનાલીટીનો મહત્વનો ભાગ બની ગઈ હશે. રાજદીપ સરદેસાઈ તેના બ્લો પર ભારતની પરિસ્થિતિ સાચી રીતે વર્ણવે છે લખે છે કે ભારત ફૂટબોલમાં ફીફા દ્વારા જાહેર કરતા રેન્કિંગ મુજબ ૧૩૩માં ક્રમાંકે છે અને દક્ષીણ દિલ્હીથી ઓછી જનસંખ્યા ધરાવતા દેશો ભારતથી આગળ છે. જો કે આ કંઈ નવી વાત નથી. ઓલિમ્પિક હોય કે ફૂટબોલ (માનવ વિકાસ સૂચકાંક) આપણે બહુ આસાનીથી સેન્ચુરી વટાવી જઈએ છીએ. કદાચ ભારતમાં અમુક વસ્તુઓ બદલાતી જ નથી.

બ્રિસ્ટલમાં સર્વત્ર ફૂટબોલનું ગાંડપણ છે. લોકોની  ગાડીઓ પર, ઘર પર, કપડા પર કે ચહેરા પર સેન્ટ જોર્જ્સ ક્રોસ જોવા મળે છે - જે ઇંગ્લેન્ડનો ઓફીસીઅલ ધ્વજ છે. (યુનિયન જેક ગ્રેટ બ્રિટનનો ધ્વજ છે) કમ્યુનીટી સેન્ટરમાં ફૂટબોલ મેચો મોટા પડદા પર જોઈ શકાય છે. બધા જ પ્રચાર-પ્રસાર માધ્યમો રૂની-મય થઇ ચુક્યા છે. માન્ચેસ્ટર યુનાઈટેડના એક મોંઘા સ્ટ્રાઈકર તરીકે પ્રસ્થાપિત થઇ ચુકેલો ૨૫ વર્ષીય વાયેન રૂની દર બીજી મેચમાં સ્કોર કરવાનો રેકોર્ડ ધરાવે છે અને ઇંગ્લેન્ડની આખી હુમલા-હરોળ તેની આસ-પાસ રચાયેલી છે. જો કે ફૂટબોલના નિષ્ણાતો વચ્ચે આર્જેન્ટીનાના લેઓનેલ મેસી, સ્પૈનના ડેવિડ વિલા અને ફર્નાન્ડો તોરેઝ, પોર્ટુગલના રોનાલ્ડો અને બ્રાઝીલના કાકા વગેરેને લઈને જોરદાર ચર્ચાઓ ચાલે છે.

જીંદગીમાં એક એવી અદમ્ય ઈચ્છા ખરી કે જો કોઈ એક ફૂટબોલ વર્લ્ડ-કપમાં ભારત ક્વોલીફાય થાય તો દુનિયાના ગમે તે ખૂણે ટુર્નામેન્ટ રમાતી હોય તો પણ તિરંગો લઈને પહોચી જઈને લહેરાવવો, તિરંગાથી મોઢું ચિતારવું, ગાંડા કાઢવા અને બુમો પાડવી. તે ક્રિકેટમાં ભારતને ચીયર અપ કરવા કરતા વધારે રોમાંચક વાત હશે. પણ એવી આશા રાખું કે આ જન્મમાં તે સ્વપ્ન પૂરું થાય. આપણાવાળાએ પુનર્જન્મનો વિચાર આવા જ કોઈ કારણથી તો નહિ કર્યો હોય ને કે જે આ જન્મમાં પૂરું ના થાય તો 'આવતો જન્મ તો છે જ ને' એમ હૈયે ધરપત રહે અને ભૂત બનીને ભારતનો ઝંડો લઈને દરેક વર્લ્ડકપમાં ફરવું ન પડે!

Friday, May 28, 2010

ચાલવા લાયક ફૂટપાથ અને આપણા શહેરો

ઘણા સમય પહેલાની વાત છે, ત્યારે બધા જ રસ્તાઓ ફૂટપાથ હતા, લગભગ પાંચેક હજાર વર્ષ સુધી. પછી સો વર્ષ પહેલા મોટર સંચાલિત વાહનોનો જન્મ થયો અને રસ્તાઓ વાહન માટે વાપરવા લાગ્યા અને ફૂટપાથો માણસો માટે. ફૂટપાથનો જન્મ એટલા માટે થયો કે રાહદારીઓ માટે બાકીના મોટર સંચાલિત વાહનોથી અલગ સુરક્ષિત તેવી ચાલવાની વ્યવસ્થા થઇ શકે. પછી ધીરે ધીરે વાહનો માટેના રસ્તાઓ વધતા ગયા અને માણસો માટે ફૂટપાથો ઘટતી ગઈ.

ચાલવાની સારી સુવિધા એટલે ફૂટપાથનું નેટવર્ક, માત્ર થોડા અંતર સુધીની સારી ફૂટપાથ નહિ. ટૂંક માં, ફૂટપાથ એટલે ચાલવાની જગ્યા નહિ પણ સળંગ ચાલી શકાય તેવી જગ્યા. ફૂટપાથનો ઉપયોગ કરીને 'પહોચવું' અગત્યનું છે, ફૂટપાથ પહોંચાડી આપવાનું કામ કરે છે. માત્ર ચાલવા માટેની જગ્યા હોવું પુરતું નથી. આ વ્યાખ્યા કોમન સેન્સથી ખબર પડે તેવી છે છતાં એક મહાન માણસે આપેલી વ્યાખ્યા છે. હર્મન નોફ્લેચરે જિંદગીનો મોટોભાગ ટ્રાફિકને વધુ માનવીય અને રસ્તાઓ બધા જ સારી રીતે વાપરી શકે તેવા બનાવવા પાછળ ખર્ચી નાખેલ છે. તેઓ વિયેનામાં ટ્રાન્સપોર્ટ પ્લાનિંગના પ્રોફેસર છે અને બહુ જાણીતા સિવિલ એન્જીનીયર છે. 

આપણા મોટા ભાગના શહેરોમાં ફૂટપાથ કે ચાલવા માટે, રસ્તો ક્રોસ કરવા માટે સારી સુવિધા કેમ નથી હોતી?  આ પ્રશ્ન વારંવાર થાય એવો છે. આ પ્રશ્ન મેં અલગ-અલગ લોકોને અનેક રીતે પૂછ્યો છે અને તેમના જવાબ અને તેની નીચે મારા તર્ક મૂકું છું. 
 જવાબ ૧: રસ્તા પર ફૂટપાથ બનાવવા માટે જગ્યા ક્યાં હોય છે. આપણે ત્યાં રસ્તા જ સાંકડા હોય છે.
તર્ક ૧: ગમે તેવા સાંકડા રસ્તા પર જો ફૂટપાથ બનાવવામાં આવે તો અત્યારે જે લોકો રસ્તા પર ચાલે છે તે ફૂટપાથ પર ચાલતા થાય અને એકંદરે રસ્તાનો ઉપયોગ વધે. વાહન ચલાવવામાં પણ સુવિધા રહે. અમદાવાદ-સુરત-રાજકોટ જેવા શહેરોમાં મોટા ભાગના રસ્તા પહોળા છે છતાં ફૂટપાથ બનાવવામાં કંજુસાઈ કરવામાં આવે છે. ઉપરોક્ત ફોટામાં જોઈ શકાશે કે અહી પ્રશ્ન પહોળા રસ્તાનો નથી પણ જેટલો રસ્તો છે તેના યોગ્ય ઉપયોગનો છે.

જવાબ ૨: ફૂટપાથ બનાવીએ તો રસ્તા પર દબાણ થાય છે. તેથી ફૂટપાથ જ ન બનાવવી વધારે સારું. (આ જવાબ મને ખરેખર એક સરકારી અધિકારીએ આપેલો છે.)
તર્ક ૨: ફૂટપાથ ન બનાવવાથી રસ્તા પર દબાણ નથી થવાનું? આ તો એવું થયું કે ચાલીશું તો પડશું તેના કરતા ચાલવું જ નહિ. દબાણ એટલે શું...લારી-ગલ્લા? ભારતમાં સદીઓથી લારી-ગલ્લાઓ અને બજારો રસ્તા પર રાજ કરે છે. જો તેમના માટે સારી જગ્યા રસ્તાની ડીઝાઇનમાં નહિ મુકીએ તો તે દબાણ થવાનું જ છે. શું સારી ફૂટપાથ બનાવવી અને લારી-ગલ્લા માટે સુવ્યવસ્થીત જગ્યા આપવી અને મેઈનટેઈન કરાવી શું અશક્ય કામ છે? આવું કરવાથી વાહન ચલાવવામાં પણ સુવિધા નહિ થાય? જો કે ફૂટપાથ પર સૌથી મોટું દબાણ પાર્કિંગનું હોય છે. પાર્કિંગની વ્યવસ્થા કરવી અને જરૂર પડે ત્યાં તેની ફી ઉઘરાવવી પણ અશક્ય નથી. પાર્કિંગનું સારું મેનેજમેન્ટ તો રોજગારી વધારવાનું કામ છે.

જવાબ ૩: આપણે ત્યાં 'સિવિલ સેન્સ' જેવું કઈ છે જ નહિ. ફૂટપાથ હોય તો પણ લોકો તેની પર ચાલતા નથી. ખોટો પૈસાનો બગાડ છે.
તર્ક ૩: ભારતના લોકો વિદેશમાં જાય છે ત્યારે તેમને 'સિવિલ સેન્સ'ની ગોળીઓ આપવામાં આવે છે?  શું ફૂટપાથ પર ન ચાલવું તે ભારતીયોમાં રહેલી કોઈ જૈનિક ખામી છે? જ્યાં સારી, સળંગ ફૂટપાથ હોય ત્યાં લોકો તેનો ઉપયોગ કરે જ છે. દક્ષીણ મુંબઈ કે  કનોટ પ્લેસ દિલ્હીના ઉદાહરણ સામે જ છે. સામાન્ય રાહદારી પણ સામાન્ય વાહન ચાલક જેવું જ વિચારે છે અને સૌથી ઝડપી, સરળ અને સળંગ રસ્તો પકડે છે. તેથી સારી ફૂટપાથ નહિ હોય તો લોકો પાસેથી એવી અપેક્ષા રાખવી કે તે ફૂટપાથ પર ચાલે તે મૂર્ખામી છે.

જવાબ ૪: વિકસિત દેશોમાં જોઇને આવીને તમે આપણા દેશમાં ત્યાંના આઈડીયા કોપી ન કરો. આપણે ત્યાં તેવું ચાલવાનું કે ફરવા જવાનું કલ્ચર જ નથી.
તર્ક ૪: જો વિદેશી ફિલ્મો, સંગીત, કપડા, ભાષા, મકાનોની ડીઝાઇન કોપી થઇ શકતી હોય તો સારી ફૂટપાથ કોપી કરાવી તો બહુ નિર્દોષ કામ છે અને તેમાં કોઈ કોપીરાઈટનો ભંગ પણ થતો નથી. એવો કયો માનવ-સમાજ હશે કે જ્યાં ચાલવા-દોડવા, હરવા-ફરવા, મેળ-મિલાપનું કલ્ચર નહિ હોય? આ મોટા ભાગની પ્રવૃતિઓ માટે ચાલવાની સારી સુવિધાઓ 'સુંદર અકસ્માતો'ની તકો પૂરી પાડશે. ચાલવા લાયક સ્થળો હમેશા શહેરના સૌથી જોવાલાયક સ્થળો પણ હોય છે.

જવાબ ૫: આપણે ગરીબ દેશ (કે રાજ્ય) છીએ. આપણને ફૂટપાથ જેવી લક્ઝરી ન પોસાય.
તર્ક ૫: શું વાત કરો છો, સાહેબ? હજી હમણા સુધી તો ઇન્ડિયા શાઈનીંગ થઈને ઈન્ક્રેડીબલ થયું હતું, ગુજરાત વાઈબ્રન્ટ થઈને સ્વર્ણિમ થયું હતું અને હવે આપણે ગરીબ થઇ ગયા. આખા શહેરમાં ફૂટપાથ બનાવવાનો અને જાળવણીનો ખર્ચ એક-બે બિનજરૂરી ફ્લાયઓવર નહિ બનાવવાથી પહોંચી વળાશે.

જવાબ ૬: શહેરોમાં હવે ચાલે કોણ છે? બધા પાસે વાહન હોય છે અને આટલી ગરમીમાં ચલાય?
તર્ક ૬: સાચી વાત છે, સાહેબ. આટલી ગરમીમાં ના ચલાય પણ શું થાય, અમુક લોકોને ચાલવું જ પડે છે, બીજો કોઈ 'રસ્તો' જ નથી હોતો.  આમ તો જો કે બધાને ચાલવું તો પડે જ. વાહન ધરાવતા સામાન્ય કુટુંબમાં પણ ઘરના બાકીના સભ્યોને નાના-મોટા કામ માટે ચાલવું પડે છે. આ તો એવું છે ને સાહેબ કે આપણો દેશ રેલગાડી જેવો છે. જો તમે સેકંડ એસીમાં બેઠા હોવ અને લેપટોપ કે મોબાઈલનો પ્લગ પોઈન્ટ ન હોય તો તમને એવું લાગે કે આપના દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યારે સુધરશે? અને જો તમે જનરલ ડબ્બામાં બેઠા હોવ તો સમગ્ર ધ્યાન લઘુશંકાનું સમાધાન કરવા આટલા લોકોને વટાવીને કેવી રીતે પહોંચવું તેના પર હોય. એટલે અલગ અલગ લોકોની પ્રાથમિકતા અલગ હોય. પણ ફૂટપાથની વાતમાં સારા સમાચાર એ છે કે તે સાર્વજનિક હોય છે સૌના માટે, એ લોકો માટે પણ કે જેમને ધીરે-ધીરે 'કોણ ચાલે છે' તે દેખાતું બંધ થઇ ગયું હોય.

જવાબ ૭: ફૂટપાથ પર ચાલવાની જગ્યા જ ક્યાં હોય છે? પાર્કિંગ, લારી-ગલ્લા, ટેલીફોન કે ઇલેક્ટ્રિકના થાંભલા કે બોક્ષ વગેરેથી ફૂટપાથ છવાયેલી હોય છે.
તર્ક ૭: આ જ તો ચેલેન્જ છે, દોસ્ત! આપણે ત્યાં રસ્તાનું મેનેજમેન્ટ ટ્રાફિક પોલીસ, મ્યુનીસીપલ અધિકારીઓ અને ઇજનેરો, અલગ અલગ ટેલિફોન કંપની, ઇલેક્ટ્રિક કંપની, સફાઈ કામદારો - આ બધા ભેગા થઇને કરે છે. ફૂટપાથ એ ચાલવાની જગ્યા સિવાય બાકી બધી રીતે વપરાય છે. શું રસ્તાઓની ડીઝાઇન એવી રીતે બનાવવી કે જ્યાં પાર્કિંગ, લારી-ગલ્લા, થાંભલા વગેરે વગેરેને સ્થાન આપીને ચાલવાની સળંગ જગ્યા થઇ શકે તે બહુ અશક્ય કામ છે?  સારી ડીઝાઇન પહેલા થાય અને મેનેજમેન્ટનું કામ પછી ચાલુ થાય. સારી ડીઝાઇનને મેનેજ કરાવી સહેલી હોય છે અને ખરાબ ડીઝાઇનનું કંઈ પણ કરવું અઘરું કામ છે.  સારી ડીઝાઇન બનાવવા માટે  (ચાલવાવાળા લોકો પ્રત્યે ) સારી વૃતિ હોવી જોઈએ. ચાલવા માટે જગ્યા રાખવી એ ચાલવાવાળા લોકોને માન આપવા બરાબર કામ છે. નહિ તો પછી લોકો પોતાનો રસ્તો શોધી લે છે અને તેના કારણે આપણા મોટા ભાગના રસ્તાઓ સારી રીતે કામ નથી આપી શકતા.

મને વર્ષો પહેલા કોઈએ એવું ભણાવેલું કે માણસ બીજા પ્રાણીઓથી અલગ છે કારણકે તે બે પગથી ચાલે છે. તેથી ચાલવું તે માણસાઈનું પ્રાથમિક લક્ષણ છે અને બહુ જ સ્વાભાવિક માનવ જરૂરીયાત. છતાં કોઈ ઘરડી વ્યક્તિને માત્ર રસ્તો ક્રોસ કરવા માટે રીક્ષા કરાવવી પડે તેવા શહેરમાં માણસાઈનું પ્રાથમિક લક્ષણ ભૂલાયું હશે તેવું જરૂર માની શકાય.