Friday, March 07, 2014

નગર ચરખો - મફત પાર્કિંગ એટલે જાહેર જગ્યાનું ‘ખાનગીકરણ’

ગયા અઠવાડિયાના લેખમાં આપણે પાર્કિંગના ફેલાતાં જતાં પાથરણા શહેરોમાં કેવી રીતે જાહેર જગ્યા ગળી જાય છે તે વિષે વાત કરી. આજે વાત કરીએ કે પાર્કિંગની સમસ્યાનો સાદો હલ કેવી રીતે લાવવો. પહેલો પ્રશ્ન એ છે કે પાર્કિંગએ કેટલી જાહેર સમસ્યા છે અને કેટલી અંગત સમસ્યા છે? જેમ સરકાર કોઈ વ્યક્તિ તેના કપડાં, ફર્નીચર અને નાહ્યા પછી ટુવાલ ક્યાં મુકે છે તેની ચિંતા કરતી નથી તો પછી સરકારે કોઈ વ્યક્તિ પોતાનું અંગત વાહન ક્યાં મુકે તેની ચિંતા કેમ કરવી જોઈએ? તમે જો તમારું ફર્નીચર રસ્તા પર મુકો તો તમે એક જાહેર જગ્યાને અંગત વપરાશ માટે વાપરો છો. પાર્કિંગનું પણ એવું જ છે. જયારે તમે તમારું વાહન રસ્તા પર મુકો છો ત્યારે તમે તે બહુમુલ્ય જાહેર જગ્યાનું ‘ખાનગીકરણ’ કરી નાખ્યું. આપણું અંગત પાર્કિંગ તે સરકારની વહીવટી જવાબદારી નથી અને સમાજની સહિયારી જવાબદારી પણ નથી. આપણે વાહન ચલાવીને કે વાહન રાખીને કોઈના પર ઉપકાર નથી કરતા.

પાર્કિંગએ સપ્લાય આપ-આપ કરવાનો નહિ પણ ડીમાન્ડ મેનેજ કરવાનો કોયડો છે. એક માન્યતા છે કે વધુ અને વધુ પાર્કિંગની જગ્યા આપવાથી પાર્કિંગની સમસ્યાનો નિકાલ થશે. તેથી જ તો છાશવારે એવા સમાચારો છપાય છે કે મ્યુનીસીપલ કોર્પોરેશન બહુ-માળીય પાર્કિંગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવશે. અહીં એવો સવાલ જરૂર થાય કે જો હું રસ્તા પર મફત પાર્કિંગ કરી શકું તો પછી બહુમાળીય પાર્કીગમાં પૈસા આપીને પાર્કિંગ કરવા શું કામ જાઉં? આવો ખોટો ખર્ચ શા માટે? સરકારનું સમગ્ર ધ્યાન રસ્તા પર થતાં પાર્કિંગને નિયંત્રિત કરવામાં હોવું જોઈએ, બહુમાળીય પાર્કિંગ બનાવવાના ખોટા ખર્ચ પર નહિ. જો સરકાર વ્યવસ્થિત રીતે રસ્તા પરનું પાર્કિંગ નિયંત્રિત કરશે તો જ કોઈ બિલ્ડરને પ્રાઈવેટ પાર્કિંગ બનાવવામાં રસ પડશે. કારણકે પાર્કિંગ ઉભું કરવું તે સરકારની મૂળભૂત ફરજ તો નથી.  સરકારે જો જાહેર રસ્તા પર પાર્કિંગની વ્યવસ્થા જાળવવી હોય તો તે જાહેર જગ્યાના ખાનગીકરણનું બજારભાવ પ્રમાણે ભાડું લેવાની જરૂર છે.

અમેરિકાના પ્રોફેસર ડોનાલ્ડ શુપ કહે છે કે રસ્તા પર મફત પાર્કિંગ કરવાનું બહુ મોટું મૂલ્ય સમાજ ભોગવે છે. એક દલીલ બહુ જાણીતી છે કે મફત આપેલી વસ્તુઓનો દુરુપયોગ થાય છે. મફત પાર્કિંગ હોય તો વાહન લઈને જવાનું મન વધારે થાય. વાહન ત્યાંને ત્યાં વધારે સમય માટે મૂકી રાખવાનું મન થાય. જેટલી વધુ છૂટ તેમ જ્યાં વધારે જગ્યામાં ઓછા વાહનો પાર્ક થાય. એકંદરે વાહનવાળા રાજા સાબિત થાય અને રસ્તે ચાલતા લોકો વધેલી-ઘટેલી જગ્યામાં ચલાવી લે કે પછી ફૂટપાથ મુકીને રસ્તા પર ચાલે. મફત પાર્કિંગના લીધે થતો બીજો મોટો પ્રશ્ન એ છે કે વધુ પાર્કિંગની જરૂરીયાત ધરાવતા બિલ્ડીંગ, મોલ, ટ્યુશન ક્લાસ વગેરે જાહેર રસ્તાનો ઉપયોગ તેમના 'અંગત' પાર્કિંગ માટે કરે છે અને તે પણ મફત.

પાર્કિંગની પ્રવૃતિઓને નિયંત્રિત કરવાનો કરવાનો ઉપાય જાહેર રસ્તા પરના પાર્કિંગ પર પ્રાઈસ ટેગ લગાવવાનો છે. ઘણા દેશી-વિદેશી સંશોધનો બતાવે છે કે પાર્કિંગ પર પ્રાઈસ ટેગ લગાવવાથી બિન-જરૂરી પાર્કિંગ ‘ગાયબ’ થઇ જાય છે અને ચાલવા માટે 'રસ્તાઓ'ખુલે છે. શહેરના કોઈ કમર્શિયલ એરિયામાં ગ્રાઉન્ડ ફ્લોર પર છ બાય બાર ફૂટ (કાર) કે ત્રણ  બાય છ ફૂટ(બાઈક)ની કમર્શિયલ જગ્યાનું દિવસનું કે અમુક કલાકનું ભાડું ગણી જુવો અને પછી પાર્કિંગના કેટલા પૈસા આપો છો તે જુવો. એવું લાગશે કે આખો દિવસ રસ્તાનું ‘ખાનગીકરણ’ કરીને, ટ્રાફિક અને ચાલવાવાળાને મુશ્કેલી ઉભી કર્યા બાદ પણ પાર્કિંગ ચાર્જમાં મોટી સબસીડી મળે છે. ભારતના શહેરોમાં કોઈ જગ્યાનું કમર્શિયલ ભાડું અને પાર્કિંગની ફી વચ્ચે મોટો તફાવત છે જે દુનિયાના મોટો ભાગના શહેરોમાં નથી, તેથી તે શહેરોમાં પાર્કિંગ કંટ્રોલમાં છે. પાર્કિંગની સમસ્યા, સમસ્યા એટલા માટે છે કે કારણકે પાર્કિંગને જાહેર સેવાની તુલના આપવામાં આવે છે કમોડીટી કે લેતી-દેતીની ચીજની નહિ. પાર્કિંગ એક સવલત જરૂર છે પણ જન્મસિદ્ધ અધિકાર ક્યારેય નહિ.

નવગુજરાત સમય, પાન નં 9, 17મી ફેબ્રુઆરી, 2014. 

નગર ચરખો - પાર્ક નહિ પાર્કિંગ, શહેર આખું પાર્કિંગ!

‘નગર ચરખો' એટલે નગર-વિકાસ અને નાગરિક કલ્યાણના મુદ્દાઓ પર કાંતણ કામ. લખવું એટલે કાંતવું, ક્યારેક ઝીણું ક્યારેક જાડું. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્દાત સ્લોગનોનો માર્મિક ઉપયોગ પાર્કિંગની સમસ્યાને સમજવા માટે કરવો હોય તો આ રીતે થઇ શકે છે:

-     મફતપાર્કિંગએ મારો જન્મસિદ્ધ અધિકાર છે.
-     તુમ મુઝે બીઝનેસ દો, મેં તુમ્હે પાર્કિંગ દુંગા.
-     મફતમાં પાર્કિંગએ કોઈ માંગવાની જરૂર નથી, મફત પાર્કિંગ તો છીનવી લેવું જોઈએ.

સ્વતંત્રતાના અને સ્વાયતત્તાના વિચારનો સૌથી વધારે અમલ જો કોઈ સામાજિક પ્રવૃત્તિએ કર્યો હોય તો તે છે પાર્કિંગની પ્રવૃત્તિ. કેટલાક લોકો તો મફતમાં પાર્કિંગ કરી લેવાને કળાનો દરજ્જો આપતા હોય છે. પોળમાં ખરીદી કરવા જતી વખતે પાર્કિંગ કરી આપવાવાળા માણસને ખાસ સાધવામાં આવે છે અને તે વ્યક્તિ કોઈનું કરી જવાનો હોય એ અદાથી પાર્કિંગ કરી આવે છે. પુ.લ.દેશપાંડેએ 'ભાત-ભાતકે લોગ' નામના પુસ્તકમાં જાત-જાતના લોકો વર્ણવ્યા છે, લગ્ન પાર ઉતારનારા, કોઈને કોઈ મંડળીના સભ્ય-મંત્રી તરીકે જીવન વિતાવનારા, સંગીત પ્રેમી, ચોખલીયા વગેરે. તેમાં 'પાર્કિંગ કરી આપનારો'વર્ગ ચોક્કસ શામેલ થઇ શકે.

પાર્કિંગનો મુદ્દોએ લલિત-નિબંધો, હાસ્ય-લેખોથી લઈને સરકારી નીતિઓ સુધીમાં સતત અવગણના પામેલો મુદ્ધો છે. નવાઈની વાત તો એ છે કે પાર્કિંગ વિષય જ બહુ સંવેદનશીલ છે અને બહુ વિચિત્ર રીતે વ્યક્તિના ઈગો સાથે સંકળાયેલો છે. પાર્કિંગ ન કરવા દેવું કે કોઈ જેને પોતાની જગ્યા માનતો હોય ત્યાં પાર્કિંગ કરી આવવું તે અંગત આક્રમણ સમાન છે. શહેરોમાં પાર્કિંગના મુદ્દે સોસાઈટી કે રહેણાક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ સુદ્ધાં બને છે. કારમાં બેસીને ખાવું અને પાર્કિંગમાં બેસીને ખાવું તે હવે આપણી લોક-સંસ્કૃતિનો અનન્ય હિસ્સો છે. ક્યારેક એવું લાગે છે કે આપણે શહેરો માણસ માટે નહિ પણ કાર અને બાઈક માટે વસાવીએ છીએ. કારણકે શહેરનો મોટો હિસ્સો કાર અને બાઈકથી છવાયેલો હોય છે.

આડેધડ કરાયેલા પાર્કિંગને કારણે જો સૌથી વધારે કોઈ પ્રવૃત્તિનો ભોગ લેવાતો હોય તો તે છે ચાલવાની પ્રવૃત્તિ કે શહેરમાં હળવા-મળવાની પ્રવૃત્તિ. આપણે ત્યાં થોડી ઘણી બચેલી ફૂટપાથો કે ખુલ્લી જગ્યાઓ કે ચોક પર પાર્કિંગના પાથરણાં હોય છે. અમદાવાદમાં મ્યુનીસીપલ માર્કેટ જેવા એરિયાનું જ ઉદાહરણ લો. શું દુકાનોની વચ્ચોવચ સેંકડો વાહનોની જગ્યાએ ફુવારા અને લીલોતરી સાથેની સરસ ખુલ્લી જગ્યા ન થઇ શકે? પણ ખાનગી વાહનોને અંકુશમાં ન રાખીએ તો તે આપણી અમૂલ્ય ખુલ્લી જગ્યા ખાઈ જાય છે. જ્યાં થોડી પણ ખુલ્લી જગ્યા મળે ત્યાંનું સ્થાનિક પાર્કિંગ જ નહિ પણ ત્યાં ‘લોંગ ટર્મ’ પાર્કિંગ પણ થવા માંડે છે. આ વાત માત્ર અમદાવાદ સુધી જ સીમિત નથી પણ બધા જ નાના-મોટા શહેરોમાં આવેલા ખાણી-પીણીના માર્કેટ કે ગામના ચોકમાં બહુ જ ઓછા ખર્ચમાં સારું લેન્ડસ્કેપીંગ કરીને બાળકોને રમવાની કે આબાલવૃધ્ધોને એકબીજા સાથે હળવા મળવાની જગ્યા થઇ શકે છે. તમે કોઈ પણ જગ્યાએથી વાહનો હટાવો તો તરત જ તે જગ્યાએ નાના બાળકો રમતા દેખાશે.

એક વાહન શહેરમાં પાર્કિંગની ત્રણ જગ્યાઓ રોકે છે – એક જગ્યા ઘરે ખાલી રાખવી પડે છે, એક ઓફીસ કે દુકાન પર રાખવી પડે છે અને એક જગ્યા શોપિંગ કરવા કે બીજા કોઈ કામ માટે જઈએ ત્યાં જોઈએ. અમેરિકી ગાયિકા જોની મિચેલનું એક ગીત છે – They pave paradise, put up a parking lot – આપણે પથરાં જડીને ‘સ્વર્ગ’ જેવી જગ્યાએ પણ પાર્કિંગ કરતાં થઇ જઈએ છીએ. સાચે જ કંઇક (સારી જગ્યા) ગુમાવીએ ત્યારે જ તેની કિંમત સમજાય છે. તો આ પાર્કિંગની સમસ્યાનું શું કરીએ? એક હિન્ટ આપું - પાર્કિંગએ સપ્લાય આપ-આપ કરવાનો નહિ પણ ડીમાન્ડ મેનેજ કરવાનો પ્રશ્ન છે. તે વિષે વધુ આવતા હપ્તે.

નવગુજરાત સમય, પાન નં 9, 10 ફેબ્રુઆરી, 2014. 

Friday, February 28, 2014

નગર ચરખો - જોઈએ છે, શહેરમાં લોકોને ચાલવા મોકાની જગ્યા!

'નગર ચરખો' એટલે નગરનીતિ, નગર-વિકાસ અને નાગરિક કલ્યાણના મુદ્દાઓ પર કાંતણ કામ. લખવું એટલે કાંતવું, ક્યારેક ઝીણું ક્યારેક જાડું. ગયા ભાગમાં આપણે જોયું કે રાહદારીઓને સળંગ, સપાટ, છાંયડેદાર અને ચાલવા-લાયક ફૂટપાથનું નેટવર્ક જોઈએ. આપણાં શહેરોમાં સારી ફૂટપાથો ન બનાવવા માટે ત્રણેક લોકપ્રિય બહાનાં મોજૂદ છે. ચાલો, આ બહાનાંના ફૂગ્ગાની હવા કાઢીએ.

ફૂટપાથ બનાવવાની વિરુદ્ધમાં એક એવું બહાનું આપવામાં આવે છે કે આપણે ત્યાં 'સિવિલ સેન્સ' જેવું કઈ છે જ નહિ. ફૂટપાથ હોય તો પણ લોકો તેની પર ચાલતા નથી. ભારતના લોકો વિદેશમાં જાય છે ત્યારે તેમને 'સિવિલ સેન્સ'ની ગોળીઓ આપવામાં આવે છે?  શું ફૂટપાથ પર ન ચાલવું તે ભારતીયોમાં રહેલી કોઈ જૈનિક ખામી છે? જ્યાં સારી, સળંગ ફૂટપાથ હોય ત્યાં લોકો તેનો ઉપયોગ કરે જ છે. દક્ષીણ મુંબઈ કે  કનોટ પ્લેસ દિલ્હીના ઉદાહરણ સામે જ છે. સારી, ચાલવા-લાયક ફૂટપાથ નહિ હોય તો લોકો પાસેથી એવી અપેક્ષા રાખવી કે તે ફૂટપાથ પર ચાલે તે મૂર્ખામી છે. 'સિવિલ સેન્સ' અને જાહેર શિસ્ત સારી માળખાકીય સુવિધા હોય તે પછી આવે. પચાસ મીટર સારી ફૂટપાથ બનાવવાથી તેને જાળવવાની સિવિલ સેન્સ આવતી નથી પણ પાંચસો કિલોમીટરનું સારું નેટવર્ક બનાવવા તેના સતત ઉપયોગની શક્યતા વધી જાય છે. એકવાર સારી સુવિધાઓ આપ્યા પછી લોકો તેની જાળવણી ખુદ કરે છે. હા, થોડેક અંશે નિયમન અને જાળવણી ચોક્કસ કરવી પડે છે. 

ફૂટપાથ ન બનાવવા માટે બીજું બહાનું આપવામાં આવે છે કે રસ્તા પર ફૂટપાથ બનાવવા માટે જગ્યા ક્યાં હોય છે. આપણે ત્યાં રસ્તા જ સાંકડા છે. તેનો જવા એમ છે કે ગમે તેવા સાંકડા રસ્તા પર જો ચાલવા-લાયક ફૂટપાથ બનાવવામાં આવે તો અત્યારે જે લોકો રસ્તા પર ચાલે છે તે ફૂટપાથ પર ચાલતા થાય અને એકંદરે રસ્તાનો ઉપયોગ વધે. વાહન ચલાવવામાં પણ સુવિધા રહે. અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરા જેવા શહેરોમાં ઘણા રસ્તા પહોળા છે છતાં ફૂટપાથ બનાવવામાં કંજુસાઈ કરવામાં આવે છે. યુરોપના પરંપરાગત શહેરોમાં તો દસ-બાર મીટરની પહોળાઈ ધરાવતાં રસ્તાઓ પર પણ સારી, ચલાવાલાયક ફૂટપાથ હોય છે.

ફૂટપાથ ન બનાવવા માટે ત્રીજું અને સૌથી ભેદી બહાનું આપવામાં આવે છે કે  ફૂટપાથ બનાવીએ તો રસ્તા પર દબાણ થાય છે. તેથી ફૂટપાથ જ ન બનાવવી એજ વધારે સારું. આ બહાનું ખરેખર કોઈ સરકારી અધિકારી કે કોઈ કોર્પોરેટર પાસેથી રાબેતા મુજબ સંભાળવા મળશે. આ તો પાડાને વાંકે પખાલીને ડામ દેવા જેવું થયું. આ તો એવું થયું કે ચાલીશું તો પડશું તેના કરતા ચાલવું જ નહિ. ફૂટપાથ ન બનાવવાથી રસ્તા પર દબાણ નથી થવાનું? દબાણ કંઈ ફૂટપાથ જોઇને થતું નથી. સરકારની પ્રાથમિકતા રસ્તા પરના 'દબાણ'નું નિયમન કરવાની છે કે તેનું બહાનું કાઢીને સારી ફૂટપાથો નહિ બનાવવાની?  ઘણી વાર દબાણની સરકારી વ્યાખ્યામાં માત્ર લારી-ગલ્લા જ આવે છે, ખાનગી વાહનો નહિ. ફૂટપાથ પર સિત્તેર ટકા દબાણ વાહનોનું હોય છે. પાર્કિંગની વ્યવસ્થા કરવી અને જરૂર પડે ત્યાં તેની ફી ઉઘરાવવી પણ અશક્ય નથી. પાર્કિંગનું સારું મેનેજમેન્ટ તો રોજગારી વધારવાનું કામ છે. બીજું કે, ભારતમાં સદીઓથી લારી-ગલ્લાઓ અને બજારો રસ્તા પર રાજ કરે છે. જો તેમના માટે સારી જગ્યા રસ્તાની ડીઝાઇનમાં નહિ મુકીએ તો તે દબાણ થવાનું જ છે. શું સારી ફૂટપાથ બનાવવી અને લારી-ગલ્લા માટે સુવ્યવસ્થીત જગ્યા આપવી અને મેઈનટેઈન કરવી શું અશક્ય કામ છે? આવું કરવાથી ઉલટાનું વાહન ચલાવવામાં પણ સુવિધા થશે.

એવો કયો માનવ-સમાજ હશે કે જ્યાં ચાલવા-દોડવા, હરવા-ફરવા, મેળ-મિલાપનું કલ્ચર નહિ હોય? આ મોટા ભાગની પ્રવૃતિઓ માટે ચાલવાની સારી સુવિધાઓ 'સુંદર અકસ્માતો'ની તકો પૂરી પાડે છે. ચાલવા લાયક સ્થળો હમેશા શહેરના સૌથી જોવાલાયક સ્થળો પણ હોય છે. જો કે દુનિયામાં બધાને ચાલવું તો પડે જ છે. વાહન ધરાવતા સામાન્ય કુટુંબમાં પણ વાહન વાપરનાર સિવાય ઘરના બાકીના સભ્યોને નાના-મોટા કામ માટે ચાલવું પડે છે. જેની પાસે વાહન હોય છે તેણે પણ વાહન પાર્ક કરીને થોડું-ઘણું ચાલવું પડે છે. ફૂટપાથની વાતમાં સારા સમાચાર એ છે કે તે સાર્વજનિક હોય છે સૌના માટે, એ લોકો માટે પણ કે જે 'આજકાલ કોણ ચાલે છે' તેવું ઉચ્ચારીને રસ્તામાં રાહદારીઓને જોવાનું ભૂલી જાય છે.

 ફરી યાદ કરીએ કે માણસ બીજા પ્રાણીઓથી અલગ છે કારણકે તે બે પગથી ચાલે છે. હવે આપણાં શહેરોમાં માણસ બનવા માટે એટલેકે મજેથી ચાલવા માટે જગ્યા કરવાની છે, ચાલવાલાયક અને છાંયડેદાર ફૂટપાથો બનાવીને.

નવગુજરાત સમય, પાન નં 11, 3 ફેબ્રુઆરી, 2014.