‘નગર ચરખો' એટલે નગર-વિકાસ અને નાગરિક કલ્યાણના મુદ્દાઓ પર કાંતણ કામ. લખવું એટલે કાંતવું, ક્યારેક ઝીણું ક્યારેક જાડું. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્દાત સ્લોગનોનો માર્મિક ઉપયોગ પાર્કિંગની સમસ્યાને સમજવા માટે કરવો હોય તો આ રીતે થઇ શકે છે:
- મફતપાર્કિંગએ મારો જન્મસિદ્ધ અધિકાર છે.
- તુમ મુઝે બીઝનેસ દો, મેં તુમ્હે પાર્કિંગ દુંગા.
- મફતમાં પાર્કિંગએ કોઈ માંગવાની જરૂર નથી, મફત પાર્કિંગ તો છીનવી લેવું જોઈએ.
સ્વતંત્રતાના અને સ્વાયતત્તાના વિચારનો સૌથી વધારે અમલ જો કોઈ સામાજિક પ્રવૃત્તિએ કર્યો હોય તો તે છે પાર્કિંગની પ્રવૃત્તિ. કેટલાક લોકો તો મફતમાં પાર્કિંગ કરી લેવાને કળાનો દરજ્જો આપતા હોય છે. પોળમાં ખરીદી કરવા જતી વખતે પાર્કિંગ કરી આપવાવાળા માણસને ખાસ સાધવામાં આવે છે અને તે વ્યક્તિ કોઈનું કરી જવાનો હોય એ અદાથી પાર્કિંગ કરી આવે છે. પુ.લ.દેશપાંડેએ 'ભાત-ભાતકે લોગ' નામના પુસ્તકમાં જાત-જાતના લોકો વર્ણવ્યા છે, લગ્ન પાર ઉતારનારા, કોઈને કોઈ મંડળીના સભ્ય-મંત્રી તરીકે જીવન વિતાવનારા, સંગીત પ્રેમી, ચોખલીયા વગેરે. તેમાં 'પાર્કિંગ કરી આપનારો'વર્ગ ચોક્કસ શામેલ થઇ શકે.
પાર્કિંગનો મુદ્દોએ લલિત-નિબંધો, હાસ્ય-લેખોથી લઈને સરકારી નીતિઓ સુધીમાં સતત અવગણના પામેલો મુદ્ધો છે. નવાઈની વાત તો એ છે કે પાર્કિંગ વિષય જ બહુ સંવેદનશીલ છે અને બહુ વિચિત્ર રીતે વ્યક્તિના ઈગો સાથે સંકળાયેલો છે. પાર્કિંગ ન કરવા દેવું કે કોઈ જેને પોતાની જગ્યા માનતો હોય ત્યાં પાર્કિંગ કરી આવવું તે અંગત આક્રમણ સમાન છે. શહેરોમાં પાર્કિંગના મુદ્દે સોસાઈટી કે રહેણાક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ સુદ્ધાં બને છે. કારમાં બેસીને ખાવું અને પાર્કિંગમાં બેસીને ખાવું તે હવે આપણી લોક-સંસ્કૃતિનો અનન્ય હિસ્સો છે. ક્યારેક એવું લાગે છે કે આપણે શહેરો માણસ માટે નહિ પણ કાર અને બાઈક માટે વસાવીએ છીએ. કારણકે શહેરનો મોટો હિસ્સો કાર અને બાઈકથી છવાયેલો હોય છે.
આડેધડ કરાયેલા પાર્કિંગને કારણે જો સૌથી વધારે કોઈ પ્રવૃત્તિનો ભોગ લેવાતો હોય તો તે છે ચાલવાની પ્રવૃત્તિ કે શહેરમાં હળવા-મળવાની પ્રવૃત્તિ. આપણે ત્યાં થોડી ઘણી બચેલી ફૂટપાથો કે ખુલ્લી જગ્યાઓ કે ચોક પર પાર્કિંગના પાથરણાં હોય છે. અમદાવાદમાં મ્યુનીસીપલ માર્કેટ જેવા એરિયાનું જ ઉદાહરણ લો. શું દુકાનોની વચ્ચોવચ સેંકડો વાહનોની જગ્યાએ ફુવારા અને લીલોતરી સાથેની સરસ ખુલ્લી જગ્યા ન થઇ શકે? પણ ખાનગી વાહનોને અંકુશમાં ન રાખીએ તો તે આપણી અમૂલ્ય ખુલ્લી જગ્યા ખાઈ જાય છે. જ્યાં થોડી પણ ખુલ્લી જગ્યા મળે ત્યાંનું સ્થાનિક પાર્કિંગ જ નહિ પણ ત્યાં ‘લોંગ ટર્મ’ પાર્કિંગ પણ થવા માંડે છે. આ વાત માત્ર અમદાવાદ સુધી જ સીમિત નથી પણ બધા જ નાના-મોટા શહેરોમાં આવેલા ખાણી-પીણીના માર્કેટ કે ગામના ચોકમાં બહુ જ ઓછા ખર્ચમાં સારું લેન્ડસ્કેપીંગ કરીને બાળકોને રમવાની કે આબાલવૃધ્ધોને એકબીજા સાથે હળવા મળવાની જગ્યા થઇ શકે છે. તમે કોઈ પણ જગ્યાએથી વાહનો હટાવો તો તરત જ તે જગ્યાએ નાના બાળકો રમતા દેખાશે.
એક વાહન શહેરમાં પાર્કિંગની ત્રણ જગ્યાઓ રોકે છે – એક જગ્યા ઘરે ખાલી રાખવી પડે છે, એક ઓફીસ કે દુકાન પર રાખવી પડે છે અને એક જગ્યા શોપિંગ કરવા કે બીજા કોઈ કામ માટે જઈએ ત્યાં જોઈએ. અમેરિકી ગાયિકા જોની મિચેલનું એક ગીત છે – They pave paradise, put up a parking lot – આપણે પથરાં જડીને ‘સ્વર્ગ’ જેવી જગ્યાએ પણ પાર્કિંગ કરતાં થઇ જઈએ છીએ. સાચે જ કંઇક (સારી જગ્યા) ગુમાવીએ ત્યારે જ તેની કિંમત સમજાય છે. તો આ પાર્કિંગની સમસ્યાનું શું કરીએ? એક હિન્ટ આપું - પાર્કિંગએ સપ્લાય આપ-આપ કરવાનો નહિ પણ ડીમાન્ડ મેનેજ કરવાનો પ્રશ્ન છે. તે વિષે વધુ આવતા હપ્તે.
નવગુજરાત સમય, પાન નં 9, 10 ફેબ્રુઆરી, 2014.
નવગુજરાત સમય, પાન નં 9, 10 ફેબ્રુઆરી, 2014.
No comments:
Post a Comment