Sunday, February 01, 2015

નગર ચરખો: ડીજીટલ ડોળા કાઢવાની સર્વેલન્સ સંસ્કૃતિ


અમારે તો ચોવીસ કલાક સિક્યોરીટી છે, ઊંચા ઊંચા દરવાજા છે, દરવાજે દરવાન છે, દરેક ખૂણે સીસીટીવી કેમેરા નામના ડીજીટલ ડોળા છે. આ બધી ગોઠવણો કરીને અમને બધું સુરક્ષિત લાગે છે. અમારે શહેરની જરૂર જ નથી, અમે બધું અંદર જ વસાવ્યું છે - બાગ-બગીચા, ઝાડપાન, ઝાકળને ટહુકા. અમે અમારી જાતને જ દરવાજા પાછળ પૂરી દઈને, અમારું અંગત એકાંત ગીરવે મૂકીને, અમારી શાંતિ-સુરક્ષા આ ડીજીટલ ડોળાઓને આઉટસોર્સ કરીને અમે લાંબુ તાણીને સુઈ જઈએ છીએ. જો બુદ્ધિને બારણાં લાગતા હોત તો અમે લગાવી દેતા. અમે ગેટેડ કમ્યુનીટીમાં રહીએ છીએ અને 'ગેટેડ' રીતે વિચારીએ છીએ.  ધીરે ધીરે અમે ઓફીસમાં, સ્કુલોમાં, કોલેજોમાં, શહેરના દરેક ચાર રસ્તે અમે ડીજીટલ ડોળા મૂકવાની વ્યવસ્થા કરીશું. પછી તો આખું શહેર 'બીગ બોસનું ઘર' થઇ જશે. જો કે કેમેરાની પાછળનો 'બીગ બોસ' કોણ છે અને તે આ બધી ઉતારેલી ફિલમનો કેવો ઉપયોગ કરશે તેની માહિતી કોઈની પાસે નથી.

આજકાલ સીસીટીવી કેમેરાની બોલબાલા વધતી જાય છે. સીસીટીવી કેમેરા તે શહેરોમાં ઉભી થઇ રહેલી સર્વેલન્સ સંસ્કૃતિનું એક પ્રતિક માત્ર છે. આ સર્વેલન્સ સંસ્કૃતિને બારીકાઇ જોવાની જરૂર છે. સર્વેલન્સ સંસ્કૃતિના વાયદાથી ભરમાયેલા આપણે જાહેર અને ખાનગીના ભેદ અંગે ભેખડે ભરાઈએ છીએ. જો કોઈક તમને સતત જોયા કરતું હોય, તાક્યા કરતું હોય તો તમને એમ લાગે કે તે વ્યક્તિ તમારું ધ્યાન રાખી રહ્યો છે કે તે વ્યક્તિ તમારી પ્રાઈવસીને અતિક્રમી રહ્યો છે? જાહેર જગ્યામાં આવું કરો તો બબાલ થઇ જાય પણ જો તાકી રહેલો ડોળો ડીજીટલ હોય એટલે કે સીસીટીવી કેમેરાનો હોય તો આપણને ખબર પણ ન પડે. સીસીટીવી કેમેરાનો દુરુપયોગ કરીને કોઈ દુર્જન તમારા જાહેર સ્થળોની મુલાકાતોના વિડીયો ગમે ત્યાં અપલોડ કરવાનું શરુ કરે તો? તેને તમારી પ્રાઈવસીનું ઉલ્લંઘન કહેવાય કે નહિ? આવું વિદેશોમાં અમુક-તમુક લોકો જોડે થઇ ચૂક્યું છે કે તેમની અંગત માહિતી કે ફોટા-વિડીયોનો કોઈ વેપલો કરી રહ્યું હોય. 

દુનિયાભરમાંથી યુ.કે.માં સૌથી વધારે વ્યક્તિદીઠ સીસીટીવી કેમેરા છે. જાણકારો કહે છે કે સીસીટીવી કેમેરા કલ્ચર આવ્યા પછી સરેરાશ ક્રાઈમ રેટમાં બહુ ફરક પડ્યો નથી. હવે ત્યાં ગુનેગારો - વિદેશી ફિલ્મોમાં બતાવે છે તેમ - ગુનો આચરતાં પહેલા સીસીટીવી કેમેરાને અનપ્લગ કરી નાખે છે કે તેની પર કાળો સ્પ્રે નાખી દે છે. કે પછી બુકાની બાંધીને ગુનો કરે છે. ટૂંકમાં, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સીસીટીવી કોઈ અકસીર ઈલાજ નથી છતાં ઘણાં મુગ્ધજનો સીસીટીવી કેમેરા કે સ્પાય કેમેરાને જરૂર કરતાં વધુ મહત્વ આપે છે. 1949માં પ્રસિદ્ધ થયેલી નવલકથા '1984'માં અંગ્રેજી લેખક જોર્ય્જ ઓર્વેલ ભવિષ્યના એક એવા સરકારી તંત્રની વાત કરે છે કે જે યેનકેન બહાનાં હેઠળ સમગ્ર પ્રજાને સતત ચાંપતી નજર હેઠળ રાખે છે. એ સરકારનું સ્લોગન હોય છે - બીગ બ્રધર ઇઝ વોચીંગ યુ! આ નવલકથામાં દર્શાવેલું સરકારી તંત્ર નાગરીકોને સતત ધમકી આપ્યા કરે છે કે ખબરદાર, અમારા વિષે આમ-તેમ બોલ્યા તો, અમે તમને સતત જોઈ રહ્યા છીએ. આ પ્રકારની સરકારી કે ખાનગી તંત્રમાં જન્મેલી માનસિક અસુરક્ષિતતા કેવી રીતે કોઈને પણ સુરક્ષાની ખાતરી આપી શકે? ઉલટાનું, આ પ્રકારની વ્યવસ્થા નાગરિકોની સુખાકારી અને શાંતિને ખતરામાં મૂકી દે છે. 

બેન્કસી નામનો પ્રખ્યાત કલાકાર લંડનના માર્બલ આર્ચ વિસ્તારના એક ખૂણામાં એક બનાવટી સીસીટીવી કેમેરો લગાવે છે અને તેની સામે દીવાલ પર લખે છે - શું તાક્યા કરે છે, લ્યા! દુનિયાભરમાં વધી પડેલા સર્વેલન્સ સંસ્કૃતિ પર આ કરપીણ કટાક્ષ છે. તમે રેલ્વેમાં મુસાફરી કરતા એવા પેસેન્જન્રને જોયા છે કે જે પોતાના સામાન પર સેંકડો સાંકળોની જડી દઈને બે-ત્રણ તાળા મારી દે! આવા પેસેન્જર પોતાની સુરક્ષાની કાળજી કરતાં પોતાની ચિંતા અને ડર વધુ દર્શાવે છે. પસંદગી એ જ કરવાની છે કે ડરી ડરીને જીવવું છે કે પછી જીવનની અનિશ્ચિતતાઓ માટે પોતાની જાતને તૈયાર રાખીને? સર્વેલન્સની વ્યવસ્થા ઉભી કરવામાં પ્રમાણભાન રાખવું જરૂરી છે. નહિ તો પછી આપણી સુરક્ષા માટે ઉભી કરેલી વ્યવસ્થા આપણી સુરક્ષામાં ખાતર પાડી જશે!

નવગુજરાત સમય, પાન નં 12, 1 ફેબ્રુઆરી (રવિવાર) 2015.
Today's articles - "What are you looking at" - growing paranoia of surveillance and culture of CCTV cameras. 

When someone is staring at you constantly - do you 'feel safe' or feel uncomfortable? Especially, you don't know the person staring at you. Then how come the digital eyes or CCTV cameras make people 'feel safe'? In case of these cameras, you don't know who is staring at you! Our homes, institutions, public places are increasingly coming under surveillance. Aren't we converting everything into 'the Big Boss's madhouse'. Why do politicians, administrators and parents get excited about the CCTV cameras? Isn't it an extension of the 'gated community' mentality that only after putting guards on the gates and frisking people makes the owners 'feel safe'? 

UK has highest per capita CCTV cameras in the world and the experts here says that the cameras have not really brought down the crime rate. Now criminals and petty thieves wear masks or destroy the CCTV cameras before committing the crime. Are we increasing moving into the Orwellian world - where we 'feel safe' when the 'big brother is watching you'. Street artist Banksy has an interesting art piece in Marble Arch (London), where it is stenciled in front of the CCTV camera - "What are you looking at". We need moderation and common sensical outlook towards the growing need for surveillance as it may backfire on us.  
  

2 comments:

  1. લોકો સીસીટીવી કેમેરાને 'સ્ટેટસ' સમજીને લગાવી રહ્યા હોય એમ લાગે છે. આ વલણ વિષે આવી સમજણ આપતું લખાણ બહુ જરૂરી છે. અભિનંદન!

    ReplyDelete
  2. "ડીજીટલ ડોળા" શબ્દપ્રયોગ માટે આહા. ... સર્વેલન્સ સંસ્કૃતિમાં પ્રમાણભાનની વાત અને બેન્ક્સીના પન્ચનું મૌલિક વિશ્લેષણ ગમી જાય એવું છે.

    ReplyDelete