Sunday, September 21, 2014

નગર ચરખો - ગરીબોનાં મકાન કોણ બનાવે, સરકાર કે બિલ્ડર?

સરકારે જ્યારે જયારે ગરીબો માટે (એટલે કે ગરીબોના નામે) મકાનો બનાવ્યા છે, ત્યારે ત્યારે ગરીબો સિવાય બધાને ફાયદો થયો છે. સરકારોને ખોટનો ધંધો કરવો ફાવતો હોય છે, ગરીબ આવાસની બાબતમાં તો ખાસ. જાહેર ક્ષેત્રની આવાસ યોજનાઓમાં મોટે ભાગે સરકારી જમીન પર, સરકાર દ્વારા, ગરીબોના નામે, મધ્યમ વર્ગ માટે સસ્તા અને ખરાબ ગુણવત્તાના મકાનો બનતા હોય છે. સૌથી વધારે ભ્રષ્ટાચાર સરકારી મકાનોની ફાળવણીમાં 'લાભાર્થી' નક્કી કરવામાં થતો હોય છે. આજે જીર્ણ-ક્ષીર્ણ થયેલા વિવિધ રૂપ-રંગ-નામ ધરાવતાં હાઉસિંગ બોર્ડોએ તેમાં યથાશક્તિ ફાળો આપ્યો છે. સરકાર મકાનો બાંધી આપે તેનાથી શહેરોમાં સ્લમ વિસ્તારોનો ફેલાતો ઓછો થશે તેવું કોઈ તારણ નીકળતું નથી. આ દેશમાં સસ્તા મકાનોની એટલી બધી અછત છે કે સરકારો ગમે તેટલા મકાનો બાંધે, તે ગરીબ માણસ સુધી પહોંચવાના નથી તેટલી ગરીબી છે. લોકો પોતાની શક્તિ મુજબ પોતાના મકાનો ખુદ બાંધે તે જ યોગ્ય છે અને સરકારની ભૂમિકા તેમાં મૂળભૂત સુવિધા આપવાની હોય તો તે બંને પક્ષે સારા પરિણામ લાવી શકે. 

જો સરકાર ગરીબો માટે મકાનો બાંધવાની ન હોય તો કોણ બાંધશે? ગરીબો માટે મકાન ખાનગી બિલ્ડરો બાંધશે તેવું આજકાલ P-P-P (Public Private Partnership) તરફી ઝોક ધરાવતાં નિષ્ણાતો કહેતા હોય છે. જે જમીન પર સ્લમ વસાહત હોય તે કોઈ બિલ્ડરને આપીને તેમાં નવો પ્લાન મૂકવામાં આવે છે. બિલ્ડરને એ જ સ્થળે કે બીજા નજીકના સ્થળે વધુ બાંધકામ કરવાની સત્તા (FSI) મળે જેના દ્વારા પોતે રોકેલા પૈસા પાછા મેળવી શકે છે. મુંબઈ અને પૂના જેવા શહેરોમાં આ પ્રકારની યોજનાઓ છે, તેને બહુ ઓછી સફળતા મળી છે. મુંબઈ જેવા જમીનોના ગગનચુંબી ભાવ ધરાવતાં શહેરોમાં આ પ્રકારની યોજના નાણાકીય રીતે શક્ય બને છે. પણ ભારતના બાકીના શહેરો મુંબઈ નથી. 

બીજું કે, ગરીબ વ્યક્તિને ઘર આપવાનાં ‘ખોટના ધંધા’ની જવાબદારી માત્ર ખાનગી ક્ષેત્રની કઈ રીતે થઇ શકે? પણ ઘણાં-ખરાં ચાલી જતા સૂત્રોમાં P-P-P પણ ચાલી નીકળે છે. તેમાં મહત્વનો સવાલ એ છે કે આખી વાતમાં મુખ્ય P એટલે કે ‘પીપલ’ ઉર્ફ ‘લોકો’ ક્યાં છે? બિલ્ડર તેમને મકાન આપશે તેની ગેરંટી શું? સ્લમ વિસ્તારો કે જેમાં વેચાણ કરાર, બાનાખત, ભાડાખત  કાયદાકીય સ્પષ્ટતા ન હોય તેવી પરિસ્થિતિમાં કોને મકાન આપવાને કોને ન આપવાની જવાબદારી બિલ્ડર લેશે કે સરકાર? બિલ્ડરો અને ગરીબ વસ્તી વચ્ચે સરકારે સેતુ બનવાની જવાબદારી લેવી પડે. ગરીબ આવાસનું કામ ખાનગી બિલ્ડરોને 'આઉટ સોર્સ' કરવાથી સમસ્યાનો ઉકેલ  આવતો નથી. 

મોટાભાગનાં સ્લમ વિસ્તારો એવી જમીનોમાં ફેલાયેલાં છે કે જ્યાં માલિકી હક અંગે કાયદાકીય ગુંચ હોય છે અને સામસામે દાવા થયેલા હોય છે. આવી ઘણી જમીનોમાં ત્રીસ-ચાલીસ વર્ષ જૂની વસાહતો હોય છે. ઘણીવાર તો સરકારને પોતે સ્લમ વિસ્તારો ખસેડવામાં રસ હોતો નથી. આવી પરિસ્થિતિમાં આ સ્લમ વસાહતોમાં રહેતા લોકોને 'જ્યાં છે ત્યાં' રહેવાનો હક, શહેર સુધરાઈ તરફથી મળતી સુવિધાઓનું તેમનાં સુધી વિસ્તરણ અને નાની-મોટી લોન લઇ શકે તેવી સુવિધાઓની સૌથી વધારે જરૂરીયાત હોય છે. આવા વિસ્તારોમાં અમદાવાદે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલી પરિવર્તન ઉર્ફ 'સ્લમ નેટવર્કિંગ' યોજના કરેલી છે, જ્યાં વસ્તીને પાણી-ગટર-શૌચાલય-લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ સરકાર અમુક પૈસા લઈને આપે છે. આ પ્રકારે ખરી પબ્લિક-પીપલ પાર્ટનરશીપ થાય છે. શહેરોને ‘સ્લમ-ફ્રી’ બનાવવાનો ટકાઉ રસ્તો તેમને શહેરની સાથે શબ્દાર્થમાં સાંકળવાનો છે નહી કે તેમને શહેર-નિકાલ કરવાનો. આવા ઘણા ઉદાહરણો એશિયાના જ ભારતથી ઓછો વિકાસદર ધરાવતા દેશો જેવા કે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, વિયેતનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરેમાં મોજૂદ છે. 

જો શહેરોને ખરેખર સ્લમ-ફ્રી બનાવવા હશે તો ક્યાંક સરકારે મકાનો બાંધવા પડશે, થોડા-ઘણાં મકાનો ખાનગી બિલ્ડરો બાંધી શકશે પણ મોટાભાગનાં સ્લમ વિસ્તારોમાં ગરીબોએ પોતે બનાવેલા ઘરોમાં સર્વિસ અપગ્રેડેશન કરીને તેમને શહેર સાથે સાંકળવા પડશે. તો જ લોકોને ગરીબીમાંથી બહાર આવવા માટે સીડી મળશે. ગરીબીમાંથી બહાર લાવી મૂકતી સીડીઓ જ દેશના આર્થિક અને સામાજિક વિકાસની 'લીફ્ટ' હોય છે. 

નવગુજરાત સમય, પાન નં 9, 21 સપ્ટેમ્બર (રવિવાર) 2014.

નગર ચરખો: સ્લમ વિસ્તારો - ગેરકાયદેસર દબાણ કે સહિયારું સર્જન?

આજે દુનિયાભરમાંથી ત્રીજા ભાગના ગરીબ લોકો (લગભગ તેત્રીસ કરોડ) ભારતમાં વસે છે અને દુનિયાભરના ચોથા ભાગના શહેરી ગરીબ લોકો (લગભગ દસેક કરોડ) ભારતના શહેરોમાં વસે છે. આ દસ કરોડ લોકો સ્લમ એટલે કે શ્રમિક-ગરીબ વસાહતોમાં પાણી-ગટર-ગંદકીની રોજની બબાલો સાથે રહે છે. આઝાદીના છ-સાત દાયકા બાદ પણ શહેરી આયોજન અને શહેરી સરકારોએ શ્રમિક-ગરીબ વસાહતો અંગે કંઇક કરવાનો પડકાર ગંભીરતાથી ઉપાડ્યો નથી. યુપીએ સરકારની એક આવાસ યોજનાનું સુત્ર હતું ‘સ્લમ ફ્રી શહેરો’. ‘ગરીબી હટાવો’માં જેમ પ્રશ્ન થાય કે અહીં ગરીબોને હટાવવાની વાત છે કે તેમની ગરીબીને હટાવવાની વાત છે. તેમ અહીં સ્લમ-ફ્રી એટલે શહેરનાં ઝૂપડાંને શહેરની બહાર ધકેલવાની વાત છે કે પછી તેમને મૂળભૂત સુવિધા આપીને બાકીના શહેર સાથે જોડી દેવાની વાત છે તેવી મૂંઝવણ તો રહે જ છે. કે પછી આવી મૂંઝવણો રાખવામાં કોઈ ડહાપણ સમજે છે તે બહુ સ્પષ્ટ નથી.
શ્રમિક-ગરીબ વસાહતોનાં ઉદભવવામાં અને ફેલાવામાં ક્યારેક-ક્યારેક સરકારી પ્લાનીંગ તંત્રનું સક્રિય યોગદાન હોય છે. જ્યારે-જ્યારે ખાનગી જમીનોને ગ્રીન બેલ્ટ કે લેન્ડ સીલીંગ જેવા તઘલખી નિર્ણયોને લીધે વિકાસ માટે મંજૂરી નથી મળતી ત્યારે ખાનગી જમીન-માલિકો જમીનને ‘કાઢવા’ બીજા રસ્તા ખોળતા થઇ જાય છે. ખાનગી જમીનમાલિકો પોતાની સરકારી ‘શ્રાપ’થી પીડિત જમીનના ગેરકાયદેસર ભાગ કરીને ગરીબ-શ્રમિક પરિવારોને સસ્તા ભાવે વેચી દે છે કે ભાડે આપે છે. જ્યાં ઔદ્યોગિક કે ધંધાધારી એકમોમાં સસ્તાં મજૂરીની જરૂરિયાત હોય ત્યાં પ્રકારનું ગેરકાયદેસર વેચાણ અને જમીનનો ઉપયોગ ખૂબ ફૂલે-ફાલે છે. શ્રમિકો સ્લમ વસાહતોમાં રહે છે એટલે મજૂરી ‘સસ્તી’ પડે છે એ યાદ રાખવું જરૂરી છે. આ ગેરકાયદેસરતાનો ફાયદો એ થાય છે કે શહેરના પ્રોપર્ટી માર્કેટમાંથી ‘પ્રાઈસ આઉટ’ થયેલા હજારો ગરીબ-શ્રમિક પરિવારોને શહેરમાં ટકી જવા માટે જગ્યા મળે છે. જૂનવાણી પ્લાનીંગની ભૂલો અને રેવન્યુ વિભાગ-પ્લાનીંગ વિભાગ વચ્ચે સંકલનનાં અભાવે શહેરમાં આ પ્રકારના ‘અનૌપચારિક’ જમીન-મકાન માર્કેટને હવા મળે છે. ધીરે-ધીરે લોકો પોતાની સુવિધા પ્રમાણે પોતાના મકાનોમાં રોકાણ કરે છે અને વખત જતા મહાનગરપાલિકાએ તેમને મૂળભૂત સુવિધાઓ પણ આપવાનું શરુ કરે છે.
ગુજરાત-મહારાષ્ટ્રમાં આવી કેટલીય લેન્ડ સીલીંગનાં કાયદા હેઠળ આવતી જમીનો છે જ્યાં આજે ગરીબ પરિવારો રહે છે અને વખત જતાં બે પાંદડે થયા છે. લેન્ડ સીલીંગનાં સરકારી સમાજવાદનું બિલકુલ બીજી રીતે પણ અમલીકરણ અહીં થતું જોવા મળે છે. આવા કેટલાય ગરીબ-શ્રમિક વિસ્તારો દરેક શહેરમાં જોવા મળે છે અને સરકારી રાહે થયેલા પ્લાનીંગનું કેવી રીતે સત્યાનાશ થયું તેની રસપ્રદ કહાનીઓ સંભાળવા મળે છે. આ વાર્તામાં એક જ વિલન શોધવો જરૂરી નથી સિવાય કે પછી ગરીબમાત્રને ‘વિલન’ ગણી લેવામાં આવે. શહેરી પ્લાનીંગે સર્જેલા કાયદાનાં શાસનનાં અવકાશમાં ગરીબ-શ્રમિક વસાહતોનું નિર્માણ બહુ જ વ્યવસ્થિત રીતે એક સમાંતર જમીન-મકાન બજારના ફેલાવા રૂપે થાય છે. હવે આ સમાંતર જમીન-મકાન બજાર જે સૌની આંખ સામે વર્ષો સુધી ફૂલ્યું-ફાલ્યું હોય અને જેના લીધે હજારો પરિવારોને શહેરમાં થોડી જગ્યા મળી હોય તેને માત્ર ‘દબાણ’ તરીકે બ્લેક એન્ડ વ્હાઈટમાં કેવી રીતે જોઈ શકાય?
મોટે ભાગે, આપણા દેશમાં પ્લાનીંગ ભવિષ્ય માટે નહિ પણ ભૂતકાળની ભૂલો સુધારવા થતું હોય છે એટલે હિન્દી  ફિલ્મોમાં બધું પતી ગયા પછી આવતી પોલીસની જેમ સરકારી કાયદેસરતાઓ કોઈ બાંધકામ કે વસાહતોને ‘ગેર-કાયદેસર’ કરાર કરે છે. કાયદાની દ્રષ્ટિએ બધું જ ગેર-કાયદેસર નથી હોતું તેથી આવી વસાહતો કે બાંધકામોને ‘અનૌપચારિક’ કહી શકાય પણ સંપૂર્ણપણે કાયદેસર ન કહી શકાય. આ લોકો માટે, લોકો દ્વારા, લોકોથી રચાતી વસાહતો છે, જેમાં ઔપચારિક પ્લાનીંગની ભૂમિકા ઓછી છે. ગરીબી અને વિષમતાના ઘણા મૂળભૂત કારણો સિવાય, સ્લમ વિસ્તારો ઉદભવવા પાછળ જૂનવાણી પ્લાનીંગ, સાનુકુળ અમલીકરણ અને શહેરી જમીનોનો અણઘડ ઉપયોગ જેવા મજબૂત કારણો છે. આ રીતે જો સ્લમ વિસ્તારો વર્ષોના અણઘડ આયોજન, સ્થાપિત હિતોની લાલચ અને અને ગરીબ વસ્તીની શહેરમાં થોડી જગ્યા ઉભી કરવાની મજબૂરીનું ‘સહિયારું સર્જન’ હોય તો તેમને શહેર સાથે કેવી રીતે સાંકળવા? તે વિષે વધુ આવતાં હપ્તે. 
નવગુજરાત સમય, પાન નં 9, 14 સપ્ટેમ્બર (રવિવાર) 2014.

Sunday, September 07, 2014

નગર ચરખો - સ્માર્ટ સિટીના નામે 'બેવકૂફ સીટી' પધરાવાય છે!


કોઈ માણસના હાથમાં સ્માર્ટ ફોન આપી દો એટલે એ માણસને 'સ્માર્ટ' કહેવાય? ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ, યોગ્ય હેતુ માટે કરવાથી કોઈ સ્માર્ટ બને છે. ટેકનોલોજીને ખિસ્સામાં લઈને ફરવાથી કોઈ સ્માર્ટ થતું નથી. કોઈ પણ વ્યક્તિ સ્માર્ટ તેના વ્યક્તિત્વથી બને છે,  ખિસ્સામાં રહેલી ટેકનોલોજીને લીધે નહિ. સ્માર્ટ વ્યક્તિ પોતાની સાધન-સંપત્તિનો વ્યાજબી ઉપયોગ છે, ભવિષ્ય માટે આયોજન કરે છે, સૌને સાથે લઈને ચાલે છે, બીજાને દોષ દેવા કરતાં પોતાની રીતે આગળ વધવા સતત પ્રયત્ન કરે છે. જ્યારે 'સ્માર્ટ સીટી'ની વાત કરીએ છીએ ત્યારે આ વાત યાદ રાખવાની જરૂર છે.

નવી કેન્દ્ર સરકારે હજી કોઈ સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી નથી પણ 'સ્માર્ટ સીટી'ના વાયરા ચાલતા થઇ ગયા છે. આ વાયરા સાથે સાથે ઘણું બધું ભૂસું ય ઉડી આવે છે. વીસ બંગલાની સ્કીમ મૂકતા ડેવેલોપર પણ 'સ્માર્ટ સીટી'નું બોર્ડ લગાવતાં થઇ ગયા છે. અમુક ટીવી ચેનલોની કલ્પના પ્રમાણેના 'સ્માર્ટ સીટી' જોઇને ચિંતામાં પડી  જવાય છે. રીમોટ કંટ્રોલથી ખૂલતાં દરવાજા, વોઈસ કમાન્ડ પર ચાલતા યંત્રો, સીસીટીવીમાં નોંધાતી દરેક હલચલ, છ-છ લેનના ફ્લાય-ઓવરોનું કમઠાણ અને એસેમ્બલી લાઈન પર ચાલતું યંત્રવત જીવન. આવા શહેરોની કલ્પના લોકો સો વર્ષ પહેલા કરતાં અને આવા 'વિઝન'ની ખીલ્લી ચાર્લી ચેપ્લીને 'મોડર્ન ટાઈમ્સ' નામની ફિલ્મમાં ઉડાવેલી. શહેરોમાં જાત-ભાતની ટેકનોલોજી જડી દેવાથી શહેરો અને તેનું મેનેજમેન્ટ કરતા બાબુ-સાહેબો સ્માર્ટ થઇ જવાના નથી. એ તો કોઈના હાથમાં સ્માર્ટ ફોન પકડાવી દઈને એ માણસ સ્માર્ટ થઇ જાય તેવું સપનું જોવા બરાબર છે.

સ્માર્ટ સીટીના નામે પધરાવાતાં નબળાં ગ્રાફિક્સવાળા થ્રી-ડી વિડીયોમાં માણસજાતનું નામોનિશાન હોતું નથી. ગગનચુંબી ચકમક મકાનો, ગાડીઓ, હેલીકોપ્ટરો અને વિમાનોની ઝાકઝમાળમાં રસ્તે ચાલતો સામાન્ય માણસ શોધ્યો જડતો નથી. કદાચ સુટ-બુટ પહેરો તો જ 'સ્માર્ટ સીટી'માં જવાનો પરવાનો મળતો હશે. કદાચ એ 'સ્માર્ટ' સિટીમાં વસતાં 'સ્માર્ટ લોકો' રસ્તામાં ઉભા રહીને પાણીપુરી નહિ ખાતાં હોય, શેરીઓમાં બાળકો નહિ રમતાં હોય, બાંકડે વૃધ્ધો નહિ બેસતા હોય, રમીલાકાકી મેળવણ માંગવા નહિ જતાં હોય, રીતેશભઈ મોબાઈલ પર સ્કોર ચેક કરતાં-કરતાં પાન ખાવા નહિ જતાં હોય. સ્માર્ટ સિટીની ટેકનોલોજીઓની સાથે સાથે આપણે સ્માર્ટ લોકો પણ આયાત કરીશું? સ્માર્ટ સીટીઓમાં તો ટાઈબંધ સુટ પહેરી રાખતાં સ્માર્ટેશભઈ અને ગોઠણથી પોણો ઇંચ નીચું સ્કર્ટ પહેરીને ફરતાં સ્માર્ટીબેન રહેતા હશે ને!

સ્માર્ટ સીટીના સ્માર્ટનેસની સીધી-સાદી, પ્રેક્ટીકલ, જમીની હકીકતથી પરિચિત વ્યાખ્યા કરવાની જરૂર છે. અડધું શહેર મન ફાવે તેમ બોરવેલથી પાણી ચૂસી લેતું હોય તેને સ્માર્ટ સીટી ન કહેવાય. અડધા શહેરીજનો પાસે દરદીઠ બે કાર હોય અને આખા શહેરમાં ચાલવા ફૂટપાથના ફાંફા હોય તેને સ્માર્ટ સીટી ન કહેવાય. અડધું શહેર રીમોટ કંટ્રોલથી ચાલતા દરવાજા પાછળ રહેતું હોય અને અડધા શહેરમાં વીજળી-પાણી-સડકની બબાલો હોય તેને સ્માર્ટ સીટી ન કહેવાય. ત્રીજા ભાગની વસ્તીને પીવાનું ચોખ્ખું પાણી ન મળતું હોય, દર ચોથા ઘરમાં શૌચાલય ન હોય અને દરેક બીજી ગલીમાંથી કચરાની સફાઈ નિયમિત ન થતી હોય ત્યારે 'સ્માર્ટ સીટી'નો વહીવટ કરવા માટે સ્માર્ટ સરકાર ક્યાંથી લાવીશું? ટૂંકમાં, દરેક નાગરિકને માથે છાપરું હોય, ઘરમાં ટોઇલેટ હોય, ઘરની બહાર ગલી-રસ્તા સાફ હોય અને મુખ્ય રસ્તા પર નિયમિત ચાલતી બસ કે મેટ્રો હોય એટલે સ્માર્ટ સીટી. આ સિવાયની સ્માર્ટનેસ નાગરીકો જાતે મેળવી લેશે!

સ્માર્ટનેસ કુદરતી સંપત્તિનો વ્યાજબી ઉપયોગ કરવામાં છે. સ્માર્ટનેસ મૂળભૂત માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં છે અને તે જળવાઈ રહે તે માટે શહેરી સરકારોને વ્યાજબી નાણાંકીય સ્ત્રોત મેળવી આપવામાં છે. સ્માર્ટનેસ એવા સરકારી નિયમો બનાવવામાં છે જે લોકોને સામે ચાલીને પાળવાનું મન થાય. સ્માર્ટનેસ સ્માર્ટ નાગરિકોને કંઇક નવું કરવા માટે સ્પેસ આપવામાં છે, ટેકનોલોજીનો આંધળો ઉપયોગ કરવામાં નહિ. દરેક રસ્તે સીસીટીવી કેમેરા જડી મૂકવાથી શહેર સ્માર્ટ થશે કે 'બીગ બોસ'નું ઘર થઇ જશે? 'બીગ બોસ'ના ઘરને 'સ્માર્ટ' માનીને તેવા શહેરની કલ્પના કરતાં લોકોને ખરેખર 'બીગ બોસ'ના ઘરમાં લાઈફટાઈમ માટે મૂકી આવવા જોઈએ.

નવગુજરાત સમય, પાન નં 9, 7 સપ્ટેમ્બર (રવિવાર) 2014.

Saturday, September 06, 2014

નગર ચરખો - પાર્કિંગ ડે: વાહનો પાસેથી શહેર પાછુ માંગવાનો દિવસ


૧૬મી સપ્ટેમ્બર દુનિયાભરમાં પાર્ક(ઈંગ) ડે - Park(ing) Day તરીકે ઉજવાય છે. શહેરમાં 'પાર્ક કે પાર્કિંગ' તેવા સવાલ સાથે આ દિવસની ઉજવણી થાય છે. આ દિવસે દુનિયાભરમાં લોકો અને સંસ્થાઓ જાહેર પાર્કિંગની જગ્યા 'ભાડે' લઈને તે જગ્યાનો બીજો શું વૈકલ્પિક અને વધુ સારો ઉપયોગ થઇ શકે તેનું નિદર્શન કરે છે. દુનિયાના લગભગ દરેક મોટા શહેરોમાં પાર્કિંગ ડે ઉજવાઈ છે - ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, લોસ એંજેલેસ, ફિલાડેલ્ફીયા, ટોરન્ટો, બ્રિસ્બેન, એડીલેડ, લંડન,બર્લિન, કોપનહેગન, ગ્વાંગઝાઉ, સિંગાપોર, અમદાવાદ (જી હા, અમદાવાદ!) જેવા અનેક શહેરોએ ભાગ લીધો.

પાર્ક(ઈંગ) ડે ઉજવવાની શરૂઆત ૨૦૦૫ માં થઇ હતી. સાન ફ્રાન્સિસ્કો સ્થિત રેબર નામના આર્ટ અને ડીઝાઈન સાથે સંકળાયેલા ગ્રુપે સાન ફ્રાન્સિસ્કોની મધ્યે એક પાર્કિંગ સ્લોટ ભાડે લઈને તેને'જાહેર બગીચા'માં ફેરવી કાઢ્યો. તેમના કહેવા પ્રમાણે 'શહેરી વાતાવરણમાં માણસજાત માટે રીલેક્સ થવાની, બે ઘડી પોરો ખાવાની, આરામ ફરવાની કે પછી 'કશું જ ન કરવાની' જગ્યાઓની ભયંકર કમી છે. સાન ફ્રાન્સિસ્કોના ડાઉન ટાઉનની ૭૦%  જાહેર જગ્યાઓ માત્ર વાહનો માટે બની છે, માણસો માટે નહિ. તેથી આ ગ્રુપના સભ્યોએ લોકોને માનવ-વાહન વચ્ચેનો તુલના-ભેદ બતાવવા માટે પાર્કિંગને પાર્કમાં ફેરવવાનું શરુ કર્યું.

વાહનો જ્યારે આપણા માટે રાહ જોતા ઉભા હોય છે ત્યારે તેઓ મસમોટી જગ્યા રોકે છે, ખાસ તો જયારે રસ્તા પર પાર્ક હોય ત્યારે. પાર્કિંગએ જાહેર જગ્યાનું ખાનગીકરણ કરે છે અને જાહેર જગ્યા પરના આવા 'દબાણ'ને લોકો પોતાનો હક સમજતા થઇ જાય છે. માત્ર કાર ખરીદવાથી પાર્કિંગએ જન્મસિદ્ધ અધિકાર નથી બની જતો. આ દબાણ કોઈને દબાણ તરીકે દેખાતું નથી. રાહદારીઓ (વાહન ચાલકો પણ આખરે તો રાહદારી જ બને છે ને!) વાહનો વચ્ચે અટવાતા રહી જાય છે અને તેમને સળંગ ચાલવાલાયક ફૂટપાથના ફાંફા પડે છે. જો એક કતાર પછી બીજી કતાર તેમ 'ડબલ પાર્કિંગ' કરીને રસ્તાઓનો ૩૦%થી ૫૦% ભાગ વાહનોના પાર્કિંગ માટે જ વપરાવાનો હોય તો ગમે તેટલા પહોળા રસ્તા બનાવવાનો શું અર્થ છે? મોટા શહેરોમાં લગભગ પચાસેક વર્ગફૂટની જગ્યાનું ભાડું કમર્શીયલ ભાડું અમુક કલાક માટે ગણી જુવો અને પછી ગણતરી માંડો કે તેટલી જ જગ્યા આપણે એક કારના પાર્કિંગ માટે કેટલી સહેલાઈથી આપી દઈએ છીએ અને તે પણ મફત...મફત...મફત!

બસ ત્યાર પછીથી ' પાર્ક(ઈંગ) ડે' તે વાહનો પાસેથી શહેરની થોડી જગ્યા પાછી માંગવાનો દિવસ છે, તે પણ થોડી સામાન્ય બુદ્ધિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને. તો પછી મૂળભૂત સવાલ આવે કે જો પાર્કિંગ ન થવા દેવું તો પછી શું કરવું? તેનો સીધો જવાબ છે, આપણે જે પ્રકારનું શહેર બનાવવા માંગતા હોઈએ તેવી પ્રવૃત્તિઓનું નિદર્શન કરવું. જો તમને લાગતું હોય કે બાળકોને રમવા જગ્યા નથી કે વૃધ્ધોને નવી પ્રવૃત્તિ મળે તેવું કંઈ નથી કે પછી યુવાન-હૈયાઓ માટેનું કોઈ સ્થળ કે પછી હળવી કસરત માટેને વ્યવસ્થા કે પછી કોઈ કલાકારની પ્રતિકૃતિનું જાહેર પ્રદર્શન કે પછી... યાદી બહુ લાંબી છે, લોકો પોતાની સમજ પ્રમાણે બીજા લોકોને શામેલ કરીને કોઈ પણ જાહેર પ્રવૃત્તિ કરી શકે છે.

આખરે, પાર્ક(ઈંગ) ડે જેવા પ્રતીકાત્મક અભીક્રમો ઉપરાંત પાર્કિંગની પ્રવૃત્તિને અંકુશમાં લાવી શકાય તેવા લાંબા ગાળાના ઉપાયો શું છે?  પાર્કિંગની જગ્યાને એક 'કમોડીટી' બનાવાની તાતી જરૂરીયાત છે એટલે કે તેના પર એક પ્રાઈસ ટેગ મુકવાની જરૂર છે. પાર્કિંગની જગ્યા પર કિંમત મૂકવાથી એક તો જગ્યાનો વ્યવસ્થિત ઉપયોગ થવાનો શરુ થાય છે. ખરેખરમાં જો પાર્કિંગનું માર્કેટ ઉભું કરવામાં આવે તો આવા વધુ પાર્કિંગ ધરાવતા બિલ્ડીંગ આજુ-બાજુના ઓછું પાર્કિંગ ધરાવતા બિલ્ડીંગના વાહનોને પાર્ક કરવા દઈને રોકડી કરી શકે છે. આ ત્યારે જ શક્ય છે કે જ્યારે રસ્તા પર બધી જગ્યાએ પાર્કિંગ થોડું મોંઘુ કરીને, તેનો પૂરવઠો સંતુલિત કરીને બિલ્ડીંગની અંદરના પાર્કિંગની માંગને પ્રોત્સાહિત કરવામાં આવે. વાહનોની સંખ્યા હજુ વધવા દો, માંગ-પૂરવઠાનું અર્થશાસ્ત્ર પાછળ-પાછળ આવ્યું જ સમજો!  ત્યાં સુધી પાર્ક(ઈંગ) ડે ઉજવો – પાર્કિંગ માટે વપરાતી મોંઘેરી જગ્યાનો વૈકલ્પિક અને વધુ સારો ઉપયોગ કરીને. 

નવગુજરાત સમય, પાન નં 9, 31 ઓગસ્ટ (રવિવાર) 2014.

નગર ચરખો - બે નગર કથાઓ: વિકાસ માટે સૌએ બલિદાન આપવું પડે!


આપણાં શહેરો સુવિધાઓ માટે અને પોતાનો અવાજ સંભળાય તેની રસાકસી-હરીફાઈના મેળાવડા થઇ ચૂક્યા છે. વિકાસના વાયદા અને વિષમતાઓની વાસ્તવિકતા વચ્ચે સામાન્ય જીવન જીવાતું જાય છે. વિકાસનાં પ્રોજેક્ટનો ફાયદો લેનાર એક સામાન્ય માણસ હોય છે તો આ પ્રોજેક્ટોથી વિસ્થાપિત કોઈ બીજો સામાન્ય માણસ હોય છે. ચાલો, વિકાસના વધામણાં ખાધા પછી અને બીજા રાજ્યોથી ‘આપણે કેટલાં સારાં’ તેવી શાબાશી ઠોક્યા પછી, આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી આગળ વધવાનો પ્રયત્ન કરીએ. વિકાસની બંને બાજુ રહેલા માણસોને આપણે સરખો ન્યાય, સરખો હિસ્સો મળે તેવા પ્રયત્નો કરવાનાં છે. જ્યારે દરેક માનવ જીવનનું મૂલ્ય કરતાં આપણે શીખીશું ત્યારે જ એક સમાજ, એક શહેર, એક દેશ તરીકે 'વિકસિત' કહેવાઈશું. વિકાસના પ્રોજેક્ટોની આસપાસ, એક નાગરિક તરીકે નગરચર્યા કરવા નીકળો તો નીચે મુજબના સંવાદો સંભળાઈ જાય છે. અલબત્ત, પ્રેરણાસ્ત્રોત સાદત હસન મંટોની ટૂંકી વાર્તાઓ છે. સમય, પરિસ્થિતિ અને પરીપેક્ષ વગેરે બહુ બદલાયા છે પણ કદાચ માણસ બહુ બદલાયો નથી.

મોટો પ્રોજેક્ટ જલ્દી આવી ગયો!

પોલીસ હવાલદાર ભીખાભાઈ પોતાના ખખડધજ સરકારી ક્વાટરમાં પાછા ફરે છે. બેસતાની સાથે જ પત્ની રમીલાબેન બોલી પડ્યા,

"એ કવ છું... કેટલા ફોન લગાડ્યા મેં, આ તમારો ફોન જ બંધ આવતો'તો. ક્યાં હતા આટલી વાર?"

"હવે બહુ વાયડી થા મા, પેલા પીઆઈ ચૌધરીએ ફોન બંધ કરાઈ દીધેલો. છેલ્લે ટાણે શહેરમાં બંદોબસ્તમાં લગાડી દીધો. એક તો ભરચક વિસ્તારને તેમાં એક સાથે સો-બસો લારીઓનું દબાણ ખસેડવાનું. ચોધરીએ તો સાલાએ પાછળથી ઓર્ડરો જ આપવા છે. આગળ બધું અમારે સંભાળવાનું... એમાં પાછા કોઈકે કાંકરીચાળો કર્યો તો જોતજોતામાં પથ્થરમારો થઇ ગયો. મકવાણાનું માથું ફૂટ્યું... લઇ ગયા એને હોસ્પિટલ. પછી તો અમે કરી ધોકાવાળી... ધોઈ નાખ્યા બધા મવાલીઓને..."

"હાય, હાય..."

"લે, એમાં હાયકારા શેના કાઢે છે, મારે નઈ થાય મકવાણા જેવું. હું તો હેલ્મેટ પેરી રાખું છું એટલે પથ્થરમારો થાય એટલે કંઇ વાંધો ન આવે..."

"અરે, એમ નઈ... કાલ મમ્મીને ઘેરથી આવતી વખતે મેં'કુ બજારમાંથી ફેરિયા પાસેથી તમારા માટે ખાખી મોજાં લઇ લવું. સાવ ફાટી ગ્યા છે... ત્રીસ રૂપિયામાં તૈણ જોડને કચ કરો તો બે રૂપિયા ઓછા ય કરે... હવે મોલ કે દુકાનમાંથી પચાસ રૂપિયે ય જોઈએ એવા નઈ મળે. કાલ મીતાએ છાપામાં જોઈ કીધેલું કે હાલ મમ્મી, ખરીદી કરી આઇએ. કોક મોટો પ્રોઝેક્ટ આવવાનો છે તો આ બજારો તૂટશે પણ મને શું ખબર આટલો જલ્દી આવશે. આ તમારાં બંદોબસ્તની તોડફોડનાં લીધે મારી સસ્તી ખરીદી હવે મોંઘી થઇ ગઈ. હવે પેરજો ફાટલાં મોજાં...નહિ તો મોલમાં ખરીદી થાય એટલો પગાર લઈ આવજો."

*****

વિકાસ માટે સૌએ બલિદાન આપવું પડે!


સરકારી કચેરીની વાતાનુકૂલિત કેબિનમાં સાહેબ મીટીંગ ભરીને બેઠા છે.

"વિકાસમાં કોઈ વિવાદ નહિ. મોટા સાહેબે ચોક્ખું કહી જ દીધું છે. બસ હવે બધી પ્રોસીજરમાં ઝડપ રાખો. આ બાજુ જેમ વિસ્તાર ખાલી થતો જાય તેમ સાથે સાથે લેન્ડસ્કેપીંગનું કામ શરુ થઇ જવું જોઈએ..." એવામાં સાહેબનો મોબાઈલ કર્કશ અવાજે રણકે છે. સાહેબના હાવભાવ જોઇને એક-બે કર્મચારીઓ અંદર-અંદર આંખ મીચકારે છે કે આ સાહેબના ઘેરથી ફોન હતો. સાહેબ તરત સેક્રેટરી પર તાડૂક્યા,

"અલ્યા, પંડ્યા! આજે બેબીને સ્કૂલેથી લેવા ગણપતને મોકલ્યો નહિ? સાવ આવી બેદરકારી! બેબીનો એક્સીડેન્ટ થતાં-થતાં બચ્યો... આ ગણપતની જગ્યાએ કોણ નવો ડ્રાઈવર ગયો હતો? એ ગણપત કામચોર ક્યાં મરી ગ્યો છે?"

"સાહેબ, આજે તો સ્પેર ડ્રાઈવરમાં કોક નવો છોકરો હતો... ગણપત સવારે તો આવેલો પણ રજા લઇને ઘેર જતો રહ્યો. આપણે પુલની પેલી પારવાળા ઝૂંપડા હટાવ્યાં તેમાં એના કોઈ સગાંનું ય હશે. આ બધી તોડફોડમાં એમનાં સામાન, ઘરવખરી બધું કેટલું ય નુકસાન થયું હશે....ગણપત દોડીને મદદ કરવા ગયો એવું ઝડપથી કહીને ગયો..."

"આવવા દે સાલાને પાછો, હવે તો મેમો જ પકડાવીશ..."

"જવા દો, સાહેબ! ગણપત પર ક્યાં ગુસ્સો કાઢો છો. આપણાં પ્રોજેક્ટમાં જ ઝૂંપડા ગયા છે.... મોટા  સાહેબે નહોતું કહ્યું કે વિકાસ માટે સૌ એ થોડું બલિદાન આપવું પડે.... જવા દો, જવા દો".

*****


નવગુજરાત સમય, પાન નં 9, 24 ઓગસ્ટ (રવિવાર) 2014.