(મિત્રો, 20 જાન્યુઆરી 2014થી ટાઈમ્સ ગ્રુપના નવા ગુજરાતી દૈનિક 'નવગુજરાત સમય'માં મેં 'નગર ચરખો' નામે કોલમ લખવાનું શરુ કર્યું છે. આ સાથે બ્લોગ પર તે બધા જ લેખો મૂકવાનું શરુ કરું છું એટલે એક તો આ અખબાર નિયમિત નહી વાંચતા લોકો સુધી પહોંચી શકાય અને બીજું કે, દસ્તાવેજીકરણ પણ થઇ શકે.)
'નગર ચરખો' એટલે નગરનીતિ, નગર-વિકાસ અને નાગરિક કલ્યાણના મુદ્દાઓ પર કાંતણ કામ. લખવું એટલે કાંતવું, ક્યારેક ઝીણું ક્યારેક જાડું. આપણાં શહેરોમાં નાગરિકોનું જીવનધોરણ સુધારવા હકારાત્મક નગરનીતિની તાતી જરૂરીયાત છે, ટૂંકી દ્રષ્ટિની રાજનીતિની નહિ.
ઘણા સમય પહેલાની વાત છે, ત્યારે બધા જ રસ્તાઓ ફૂટપાથ હતા, લગભગ પાંચેક હજાર વર્ષ સુધી. પછી સો વર્ષ પહેલા મોટર સંચાલિત વાહનોનો જન્મ થયો અને રસ્તાઓ વાહન માટે વાપરવા લાગ્યા અને ફૂટપાથો માણસો માટે. ફૂટપાથનો જન્મ એટલા માટે થયો કે રાહદારીઓ માટે બાકીના મોટર સંચાલિત વાહનોથી અલગ, સુરક્ષિત તેવી ચાલવાની વ્યવસ્થા થઇ શકે. પછી ધીરે ધીરે વાહનો માટેના રસ્તાઓ વધતા ગયા અને માણસો માટે ફૂટપાથો ઘટતી ગઈ. આજે આપણાં શહેરોમાં યાંત્રિક વાહનો વધુને વધુ જગ્યા ખાતાં જાય છે અને માણસને ચાલવાની, બાળકોને રમવાની, વૃધ્ધોને એક-બીજા જોડે હળવા-મળવાની અને શહેરને માણવાની જગ્યા ઘટતી ચાલી છે.
આપણે શાંઘાઈથી સાન ફ્રાન્સિસ્કો અને લંડનથી ટોકીયો જોડેથી શીખવાનું એ છે કે ગગનચુંબી, ચમકદાર ઈમારતોની આસપાસ, જમીન પર ચાલવાલાયક ફૂટપાથ હોય છે. ચાલવાલાયક ફૂટપાથો કોઈ પણ સુંદર શહેરના જાહેર જીવનનો અનન્ય ભાગ છે. બનાવવા ખાતર બનતી ફૂટપાથો અને ચાલવા-લાયક ફૂટપાથોમાં મોટો ભેદ છે. બનાવવા ખાતર બનતી ફૂટપાથો માત્ર દેખાડા માટે હોય છે અને ચાલવાલાયક ફૂટપાથો પર લોકો ખરેખર ચાલતાં હોય છે. જો લોકો ફૂટપાથ પર ન ચાલતાં હોય તો જાહેર જનતાનો વાંક કાઢવાને બદલે ફૂટપાથ ખરેખર 'ચાલવા-લાયક' છે કે નહિ તેનો ઝડપી સર્વે આપણે પોતે ચાલીને કરી લેવો જોઈએ. એક રાહદારીની માનસિકતા એક વાહન ચાલકની માનસિકતા જેવી જ હોય છે - તેને ઓછા પ્રયત્ને, ઝડપથી,સારી સુવીધાનો ઉપયોગ કરીને તેના ગંતવ્ય પર જવું હોય છે. સારી ડીઝાઇન પહેલા થાય અને મેનેજમેન્ટનું કામ પછી ચાલુ થાય. સારી ડીઝાઇનને મેનેજ કરાવી સહેલી હોય છે અને ખરાબ ડીઝાઇનનું કંઈ પણ કરવું અઘરું કામ છે. સારી ડીઝાઇન બનાવવા માટે (ચાલવાવાળા લોકો પ્રત્યે) સારી વૃતિ હોવી જોઈએ. ચાલવા માટે જગ્યા રાખવી એ ચાલવાવાળા લોકોને માન આપવા બરાબર કામ છે. નહિ તો પછી લોકો પોતાનો રસ્તો શોધી લે છે.
ચાલવા-લાયક ફૂટપાથના ગુણધર્મો વિષે અતિ સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો શું કહી શકાય? રાહદારીઓને સળંગ, સપાટ, છાંયડેદાર ફૂટપાથનું નેટવર્ક જોઈએ. ચાલવા-લાયક ફૂટપાથ એટલે એટલે ફૂટપાથનું નેટવર્ક, માત્ર થોડા અંતર સુધીની સારી ફૂટપાથ નહિ. દસ મીટર કે પચાસ મીટરની વ્યવસ્થિત સપાટી પછી જો બધું ઉબડ-ખાબડ થઇ જવાનું હોય તો કોઈ ફૂટપાથ પર ન ચાલે. રસ્તા પરની દરેક મિલકતના દરવાજાની સામે ફૂટપાથ પૂરી થઇ જવાની હોય તો કોઈ ફૂટપાથ પર ન ચાલે. ફૂટપાથો જો ચાર-રસ્તા પર ઝેબ્રા ક્રોસિંગ સુધી અને તે પછીની બીજી ફૂટપાથ સુધી દોરી ન જતી હોય તો કોઈ ફૂટપાથ પર ન ચાલે. મુખ્ય રસ્તા પર ઝાકઝમાળ અને ફૂટપાથ પર અંધારું હોય તો કોઈ ફૂટપાથ પર ન ચાલે. આડેધડ થયેલા પાર્કિંગ, ટેલીફોનના થાંભલા, ઇલેક્ટ્રિક બોક્સ, ખુલ્લા ગટરના ઢાંકણાની વચ્ચે પીસાઈ-પીસાઈને ચાલવાનું હોય તો કોઈ ફૂટપાથ પર ન ચાલે.
માણસ બીજા પ્રાણીઓથી અલગ છે કારણકે તે બે પગથી ચાલે છે. તેથી ચાલવું તે માણસાઈનું પ્રાથમિક લક્ષણ છે. છતાં કોઈ વૃદ્ધ વ્યક્તિને માત્ર રસ્તો ક્રોસ કરવા માટે રીક્ષા કરાવવી પડે તેવા શહેરમાં માણસાઈનું પ્રાથમિક લક્ષણ ભૂલાયું હશે તેવું જરૂર માની શકાય. કદાચ આપણે ચાર પગે નહિ તો ચાર પૈડે ચાલવામાં માણસ બનવાનું એટલે કે બે પગે ચાલવાનું ભૂલી ગયા છીએ!
આપણાં શહેરોમાં સારી, ચાલવાલાયક, છાંયડેદાર ફૂટપાથો ન બનાવવા માટે ત્રણેક લોકપ્રિય બહાનાં મોજૂદ છે. આ બહાનાંના ફૂગ્ગાની હવા કાઢવાનું કામ આવતા હપ્તે!
નવગુજરાત સમય, પાન નં 11, 20મી જાન્યુઆરી, 2014.
વાહ, નવી શરૂઆત- મજબૂત શરૂઆત માટે અભિનંદન.
ReplyDeleteકોલમ માટે અભિનંદન તો ખરા જ, પણ એ લખાણ અહીં બ્લોગ પર મૂકવાનું શરૂ કર્યું એનો વિશેષ આનંદ. અમે ૧૦૦ કિ.મી.દૂર છીએ.
ReplyDelete